ચંદ્ર વસાહત (Lunar colony) : કેટલાંક વર્ષો સુધી વૈજ્ઞાનિક અન્વેષણ (exploration) માટે ચંદ્રની મુસાફરી કર્યા બાદ ચંદ્ર ઉપર પ્રથમ હંગામી ધોરણે વૈજ્ઞાનિક આધારમથક (base station) પ્રસ્થાપિત કરી તેને પાછળથી 50થી 100 માણસો રહી શકે તેવી કાયમી ચંદ્ર વસાહત તરીકે વિકસાવવાની એક કાલ્પનિક યોજના.

પૃથ્વીથી સરેરાશ 3,84,400 કિમી. અંતરે આવેલા અને પૃથ્વીની આસપાસ દર કલાકે 3200 કિમી.ની ગતિથી ભ્રમણ કરતા, પૃથ્વીના સૌથી નજીકના પડોશી ચંદ્ર ઉપર પહોંચવા માટે ચંદ્ર-ટ્રેન-(moon-train)ની કલ્પના ફ્રેંચ નવલકથાકાર જૂલે વર્ને 1865માં કરેલી. તે પછીનાં 100 વર્ષમાં આ કલ્પના સાકાર કરવાનો યશ અગાઉના સોવિયેટ યુનિયન અને અમેરિકાને ફાળે જાય છે. સોવિયેટ યુનિયને સૌપ્રથમ 12 સપ્ટેમ્બર 1959ના રોજ લ્યૂના-2 નામનું યાન ચંદ્ર સુધી પહોંચાડ્યું. 1966માં લ્યૂના-9એ ચંદ્ર ઉપર હળવું ઉતરાણ (soft landing) કર્યું. 20 જુલાઈ 1969ના રોજ નીલ આર્મસ્ટ્રૉંગ અને ઍલ્વિન ઍડ્રિન નામના બે અમેરિકન અવકાશયાત્રીઓ ચંદ્રની સપાટી ઉપર ઊતર્યા અને ઘણી વૈજ્ઞાનિક માહિતી એકઠી કરવા ઉપરાંત ચંદ્ર ઉપરના ખડકોના નમૂના પણ સાથે લેતા આવ્યા. ચંદ્રની છેલ્લી મુલાકાત 1972માં અપૉલો-17ના યાત્રીઓએ લીધી હતી, જ્યારે 1970 અને 1972માં સોવિયેટ યુનિયને લ્યુનિખોદ રોવર નામનાં રોબૉટ-સંચાલિત અવકાશયાનો ચંદ્રની સપાટી ઉપર ઉતારી તેના નમૂના એકઠા કર્યા હતા. આજ સુધીમાં કુલ 12 માનવીઓ (બધા અમેરિકન) ચંદ્રની યાત્રા કરી આવ્યા છે.

અત્યાર સુધીના વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા જે માહિતી એકઠી થઈ શકી છે તે એમ સૂચવે છે કે ચંદ્ર ઉપર એક કાયમી વસાહત બાંધવાની કલ્પના એ માત્ર તરંગ નથી પણ તે માટે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની જાણકારી જરૂરી છે.

અંતરિક્ષ સંશોધન માટે ચંદ્ર ઉપર મથક બાંધવા માટે પૂરતાં કારણો છે. ચંદ્રની પાછલી બાજુ જોઈ શકાતી નથી. રશિયન યાન લ્યૂના-ત્રીજાએ 6880 કિમી. દૂર રહી તેની પ્રદક્ષિણા કરી ચંદ્રની અંધારી બાજુની તસવીરો લઈ પહેલી વાર જગતને ચંદ્રની પાછલી બાજુનું દર્શન કરાવ્યું. પૃથ્વી ઉપર રેડિયો અને ટેલિવિઝન-પ્રસારણના તરંગો સતત રેલાતા હોવાથી અવકાશમાંના સંદેશાવહેવારને અથવા અવકાશમાં સંશોધનાર્થે મોકલવામાં આવતા તરંગોને ખલેલ પહોંચે છે. વળી પૃથ્વી ઉપરથી તારા, ગ્રહો વગેરે અંતરિક્ષના પિંડોનું દૂરબીન દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે ત્યારે પૃથ્વીનું વાતાવરણ અને તેમાં તરતા રજકણો ર્દશ્યને અંશત: ધૂંધળું બનાવી દે છે.

ચંદ્રની પાછલી બાજુ કદી પૃથ્વીની સામે આવતી નથી તેમજ ચંદ્રની આસપાસ વાતાવરણ ન હોવાથી ત્યાંથી અવકાશદર્શન સારી રીતે કરી શકાય તેમ હોવાથી વૈજ્ઞાનિકોને અવકાશમાં મથકો બાંધવાની જરૂરિયાત સમજાઈ છે. 1988માં અમેરિકા, કૅનેડા, જાપાન અને યુરોપિયન સ્પેસ એજન્સી(ESA)ના 9 સભ્યોએ અવકાશમાં એક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષમથક રચવાનો કરાર કર્યો છે. ચંદ્ર વસાહત આવું અવકાશી મથક બાંધવા માટે જરૂરી સાધનોની હેરફેર માટે તેમજ અંતરિક્ષમથક અને પૃથ્વી વચ્ચે વ્યવહાર સ્થાપવામાં ઉપયોગી નીવડી શકે. આ અંતરિક્ષમથક એવી રીતે ઊંચે ચડાવવામાં આવશે કે જ્યાં તેનું પરિભ્રમણ અને પૃથ્વીનું ધરીભ્રમણ સરખાં હોય. અંતરિક્ષમથક આવી સ્થિર ભ્રમણકક્ષામાં આવવાથી તે પૃથ્વીના જે ભાગ ઉપર હોય ત્યાં જ સ્થિર રહેશે.

અંતરિક્ષમાં મંગળ કે અન્ય ગ્રહોની દિશામાં આગળ વધવું હોય તો ચંદ્ર ઉપરની વસાહત અગ્રિમ મથક બની રહે. ચંદ્ર ઉપર હવા કે પાણી ન હોવા છતાં ત્યાં માનવવસવાટ શક્ય છે. એમ કહી શકાય કે ભવિષ્યમાં અંતરિક્ષમાંના માનવી માટે જરૂરી ધાતુઓ, ઑક્સિજન (સિલિકેટ રૂપે સંયોજિત) તેમજ અન્ય પદાર્થોનો તે ભંડાર છે. ચંદ્રના નમૂનાના પૃથક્કરણથી જણાયું છે કે તેની સપાટીમાં SiO2 (રેતી) 40 %; FeO 19 %; TiO2 11 %; Al2O3 (ઍલ્યુમિના) 10 %; CaO 10 %; અને MgO 8.5 % છે. કોઈ કોઈ ખડકોમાં હાઇડ્રોજન, હિલિયમ અને અન્ય વાયુઓ અત્યંત અલ્પ પ્રમાણમાં મળી આવ્યા છે. ખનિજોમાંનો ઑક્સિજન તેના વિદ્યુતવિભાજન કે અન્ય કોઈ રીતે મેળવી શકાય. આ માટેની ઊર્જા અણુમથક અથવા સૂર્ય પાસેથી મેળવી શકાય. આ રીતે મળતી ધાતુ અન્ય રીતે ઉપયોગમાં આવી શકે.

ચંદ્ર અંગેની જે માહિતી પ્રાપ્ય બની છે તે ઉપરથી ચંદ્ર ઉપર કાયમી મથક કેવું બાંધવું તેનાં રેખાચિત્રો તૈયાર થતાં જાય છે. આ મથકની દીવાલો અને છૂટા ભાગો એવા પદાર્થના હશે કે જે સૂર્યમાંથી આવતાં હાનિકારક કિરણો તથા ચંદ્ર ઉપર વાતાવરણની ગેરહાજરીને લીધે અનુભવાતી તીવ્ર ગરમી અને ઠંડી સામે રક્ષણ આપી શકે. ચંદ્રનાં દિવસ અને રાત્રિ લગભગ પૃથ્વીના 14 દિવસ/રાત્રિ જેટલાં લાંબાં હોય છે. આથી ચંદ્રના મેદાની ભાગોમાં દિવસે તાપમાન 127° સે. (પાણી 100° સે.થી ઊકળે છે.) અને રાત્રિ દરમિયાન -173° સે. જેટલું હોય છે. કેટલાક ગર્તો(craters)માં તો -240° સે. જેટલું પહોંચી જાય છે. એટલે કે એક જ દિવસમાં તાપમાનમાં 300°નો તફાવત જોવા મળે છે. ચંદ્રની સપાટી અવાહક (non-conductor) હોવાથી આવાં મથકો ભૂગર્ભમાં બાંધવાથી હાનિકારક વિકિરણો, ખરતા તારા, તાપમાનની ઉગ્રતા વગેરેથી બચાવ થઈ શકે.

ચંદ્ર ઉપર વાતાવરણ નહિ હોવાથી અવકાશ-મથકની દીવાલો એવી હવાચુસ્ત બનાવવી પડે કે જેથી અંદરની હવા બહાર ન જાય. પૃથ્વીની સપાટી ઉપર વાતાવરણીય દબાણ 760 મિમી. Hg (મર્ક્યુરી) જેટલું હોય છે. ચંદ્રમથકમાં પણ આટલું જ અથવા સહેજ ઓછું દબાણ જળવાઈ રહેવું જોઈએ. આ માટે જોઈતી હવા પ્રારંભમાં પૃથ્વી ઉપરથી પ્રવાહીરૂપે લઈ જઈ શકાય. અવકાશયાત્રીના પોશાક પણ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તેમને ગરમી, ઠંડી અને હાનિકારક વિકિરણો સામે રક્ષણ મળે તેમજ તે દાબાનુકૂલિત (pressure conditioned) હોય જેથી હવાનું અંદરનું દબાણ જળવાઈ રહે.

બીવન ફ્રેન્ચે ચંદ્ર ઉપર મથક બાંધવાના પ્રશ્નનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે અને ચંદ્ર-વસાહતની કલ્પનાનું સમર્થન કર્યું છે. અમેરિકાના અન્ય વિજ્ઞાની માઇકલ ડ્યૂકના જણાવ્યા પ્રમાણે આખી યોજનામાં ઑક્સિજનનું મહત્વ વધુ છે. ચંદ્ર ઉપર માટી છે પણ પ્રવાહી કે ઘન સ્વરૂપે પાણી નથી. આ પાણી હાઇડ્રોજન અને ઑક્સિજનના સંયોજનથી બનાવી શકાય. આ માટે જરૂરી હાઇડ્રોજન પૃથ્વી ઉપરથી લઈ જઈ શકાય. આ રીતે દાબાનુકૂલિત વાતાવરણવાળાં એવાં માળખાં બાંધી શકાય કે જેની અંદર અનાજ ઉગાડી શકાય. જોકે માનવી અને ખેતીવાડીની જરૂરિયાત જેટલું પાણી મેળવવું એ એક મોટી સમસ્યા તો છે જ.

આમ સમાનવ-મથકો/વસાહતો રચવામાં ઇજનેરીના જટિલ પ્રશ્નો રહેલા છે. એમ માનવામાં આવતું હતું કે એકવીસમી સદીના શરૂઆતના દાયકામાં કદાચ ચંદ્ર ઉપર સમાનવ-મથક કામ કરતું થઈ જશે.

નગેન્દ્રવિજય