ગ્રીષ્મ નિદ્રા : શુષ્ક કે ગરમ ઋતુમાં કેટલાંક પ્રાણીઓની ઠંડકવાળી જગ્યામાં ભરાઈ સુષુપ્ત જીવન ગુજારવાની નૈસર્ગિક ઘટના. ઠંડા લોહીવાળાં પ્રાણીઓ ઉનાળા જેવી ગરમીની ઋતુમાં બદલાતા પર્યાવરણમાં બહાર જીવી શકતાં નથી અને તેથી જમીન કે કાદવમાં ઊંડે ઘૂસી ગરમી સામે બચવા આવી અનુકૂળતા ગ્રહણ કરે છે. જે પ્રાણીઓ આવી રીતે શિયાળાની વિષમ ઠંડીથી બચવા સુષુપ્ત જીવન ધારણ કરે છે તેમની અવસ્થાને ‘શિશિર નિદ્રા’ (ભારતમાં પોષ અને મહા મહિનાની શિશિર ઋતુ) કહે છે. બંને ઘટના વિષમ પરિસ્થિતિથી બચવા માટેની કુદરતી ઘટનાઓ છે અને તે સમયગાળામાં આ પ્રાણીઓની દેહધાર્મિક ક્રિયાઓ ઘણી મંદ થાય છે, જેથી ખોરાક વગર અને ધીમી શ્વસન ક્રિયા કરી સુષુપ્ત અવસ્થાનાં પ્રાણીઓ શક્તિનો બચાવ કરે છે અને પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિમાં નાશ થતા બચી જાય છે. દેડકા, મેંડક, હેગ ફીશ અને લંગફીશ ગરમીની ઋતુમાં જળાશયનાં પાણી ઓછાં થતાં, ગ્રીષ્મ નિદ્રા કે ગ્રીષ્મ સમાધિ ગ્રહણ કરે છે. ઉભયજીવીઓ ઉપરાંત સરીસૃપો અને કેટલાંક કીટકો, ગોકળગાય કે કેટલીક માછલીઓ ગ્રીષ્મ નિદ્રા લે છે. ગ્રીષ્મ નિદ્રા કે સમાધિ ધારણ કરતા પૃષ્ઠવંશીઓ શ્વસનક્રિયા મંદ કરવાની સાથે હૃદયના ધબકારા પણ ઓછા કરે છે. આવી સમાધિ ગ્રહણ કરનારા પોતાના શરીરમાં પાણી(ભેજ)નું પ્રમાણ જાળવી રાખે છે. તેમ કરવા માટે આ પ્રાણીઓ માટી કે અન્ય પદાર્થોના કોશેટા – માટીના કડક ઢેફાંની અંદર સુષુપ્ત પડી રહે છે. ઉનાળા બાદ વરસાદ કે ભેજનું વાતાવરણ સર્જાતાં આ પ્રાણીઓ ગ્રીષ્મ નિદ્રામાંથી બહાર આવે છે અને બીજા ઉનાળાની શરૂઆત સુધી તેમનું સામાન્ય જીવન – ખોરાકની શોધ, પ્રચલન કે પ્રજનનની પ્રક્રિયાઓ આરંભી દે છે.

ખિસકોલીની કેટલીક જાત (સસ્તન પ્રાણી) ઉનાળામાં સુષુપ્ત અવસ્થા ધારણ કરે છે; કેટલાક તેને ગ્રીષ્મ નિદ્રા તરીકે ગણે છે; પરંતુ તેમાં (આ ઘટનામાં) પાણીની અછત વરતાતી નથી માટે કેટલાક તેને શિશિર નિદ્રા ગણે છે. સસ્તન અને પક્ષી વર્ગનાં પ્રાણીઓ મોટે ભાગે શિશિર નિદ્રા કે ગ્રીષ્મ નિદ્રા ભોગવતાં નથી. કારણ કે તેઓમાં શરીરનું તાપમાન જાળવવા માટે વાળ કે પીંછાંનું આચ્છાદન હોય છે; જ્યારે કેટલાંક પક્ષીઓ જરૂર મુજબ ઊડીને સ્થળાંતર કરી જીવન ટકાવી રાખે છે.

કીટકો તેના જીવનચક્રમાં ઋતુમાન પ્રમાણે શિશિર નિદ્રા કે ગ્રીષ્મ નિદ્રા સમાન આરામ-અવસ્થા ધારણ કરે છે. આ અવસ્થાને ક્રિયા-શૈથિલ્ય (Diapause) કહે છે. પતંગિયાં કે ફૂદાંમાં જે કોશેટાવસ્થા જોવા મળે છે તે પણ ક્રિયાશૈથિલ્ય-અવસ્થા છે. આ ઘટના શિયાળામાં કે ઉનાળામાં અગર કોઈ પણ ઋતુમાં તેના જીવનચક્ર મુજબ થાય છે. આમ ગ્રીષ્મ નિદ્રા પ્રાણીઓનું જીવન ટકાવનારી ક્રિયા છે.

નટવર ગ. પટેલ

રા. ય. ગુપ્તે