ગ્રીષ્મ (summer) : વસંતની અનુગામી ઋતુ. ભારતમાં વૈશાખ અને જ્યેષ્ઠ માસના સમયગાળાને અને યુરોપ-અમેરિકામાં જૂનથી ઑગસ્ટ મહિના સુધીના સમયગાળાને ગ્રીષ્મ ઋતુ કહે છે. ખગોળશાસ્ત્ર અનુસાર દક્ષિણાયન આરંભદિન(21 જૂન)થી શરદ સંપાતદિન (23 સપ્ટેમ્બર) સુધીના વર્ષચતુર્થાંશને ગ્રીષ્મ ઋતુ કહે છે.

ગ્રીષ્મ ઋતુમાં સૂર્યનાં કિરણો સીધાં પડતાં હોવાને કારણે પૃથ્વીપટ ઉપરનું તાપમાન ઊંચું જાય છે, હવાના દબાણમાં ઘટાડો થાય છે અને હવામાં ભેજનું પ્રમાણ વધે છે. ઉષ્ણ કટિબંધમાં મોસમી પવનો જોરદાર બને છે અને વર્ષા ઋતુના આગમન માટેની પૂર્વતૈયારી થાય છે.

પ્ર. દી. અંગ્રેજી