ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ

February, 2011

ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ

વાચનસામગ્રીના ઉપયોગ માટે ગ્રંથાલય દ્વારા આયોજિત થતી બધી પ્રક્રિયાઓ અને પ્રવૃત્તિઓ. ગ્રંથાલય માટે વાચનસામગ્રી મેળવવી; કાર્યક્ષમ અને વ્યવસ્થિત ગોઠવણી માટેની નોંધણી, વર્ગીકરણ, સૂચીકરણ અને ગ્રંથસંસ્કાર જેવી પ્રક્રિયાઓ કરવી એને ગ્રંથાલયશાસ્ત્રની શાસ્ત્રીય સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. વાચન, અધ્યયન, માહિતી અને જ્ઞાન પ્રાપ્ત કરવાના કેન્દ્ર તરીકે ગ્રંથાલયો ઘણા પ્રાચીન સમયથી વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. ગ્રંથાલયો પ્રત્યેક રાષ્ટ્રનો જ્ઞાન અને સંસ્કૃતિનો વારસો જાળવી રાખે છે તથા તેને સુરક્ષિત રાખીને ભાવિ પેઢીના ઉપયોગ માટે ઉપલબ્ધ બનાવે છે. પ્રાચીન કાળથી જ્ઞાનના પ્રસાર-પ્રચાર માટે ઉપયોગી એવી આ વ્યવસ્થા આજે તો અનિવાર્ય બની રહેલી છે. લેખકોનાં સર્જન અને વિદ્વદભોગ્ય લેખનકાર્યમાં અને સંશોધકોનાં સંશોધનોમાં મહત્વપૂર્ણ ચાવીરૂપ ભૂમિકા આ ગ્રંથાલયોની રહેલી છે. જ્ઞાન-સંશોધનના વિકાસ સાથે ગ્રંથાલય સંકળાયેલ હોય છે. ગ્રંથાલય-શાસ્ત્રની વિદ્યાશાખામાં ગ્રંથાલયપ્રક્રિયાનાં બધાં જ પાસાંઓનો સમાવેશ થતો હોય છે.

ગ્રંથાલયશાસ્ત્રનો સૌપ્રથમ આધુનિક ગ્રંથ ‘ઍડ્વાઇઝ ઑન એસ્ટાબ્લિશિંગ અ લાઇબ્રેરી’ ગેબ્રિયેલ નૌદેને 1627માં ફ્રેંચ ભાષામાં તૈયાર કર્યો, તેનો અંગ્રેજી અનુવાદ 1661માં પ્રકાશિત થયો. આ ગ્રંથના લેખક ગેબ્રિયેલ નૌદે (Gabrial Naude)એ ‘બિબ્લિયોથેકે મેઝરિન’ (Bibliotheque Majarrine) પૅરિસનું ગ્રંથાલય ચલાવવા માટે લખ્યો હતો. 18મી સદી સુધી યુરોપનાં શાહી ગ્રંથાલયો, માલેતુજાર ગ્રંથસંગ્રાહકો અને નવજાગૃતિકાળના વિદ્વાનોના કાર્યને આ ગ્રંથે સારી મદદ કરી. બ્રિટનમાં ગ્રંથાલયિત્વના ક્ષેત્રમાં સર ઍન્થૉની પેનિઝીએ બ્રિટિશ મ્યુઝિયમનાં પુસ્તકોનું કૅટલૉગ તૈયાર કરવાના નિયમો આપ્યા છે. તેનો પ્રભાવ ગ્રથાલયના કાર્યમાં હજુ આજે પણ રહેલો છે. આજે ગ્રંથાલયશાસ્ત્રમાં પ્રલેખનવિદ્યા (documentation) અને માહિતીશાસ્ત્ર (information science) – એ બે નવા વિષયોનો પણ સમાવેશ થાય છે. પ્રલેખનવિદ્યા એટલે સર્જન, પુન:ઉત્પાદન, પૃથક્કરણ અને પ્રલેખોની પુન:પ્રાપ્તિ અને પ્રસારણ સાથે સંકળાયેલ છે; તો માહિતીશાસ્ત્ર વ્યાપક વિભાવનાના સંદર્ભમાં માહિતીના સ્થાનાંતરની પ્રક્રિયા કરવી, એ ઉપરાંત માહિતીસિદ્ધાંતોથી વિજાણુકીય સિગ્નલોથી સ્થળાંતર કરવું  એમાં તેને કમ્પ્યૂટરવિજ્ઞાન સાથે વધુ સંબંધ છે. ગ્રંથાલયશાસ્ત્ર પ્રલેખનશાસ્ત્ર અને માહિતીશાસ્ત્ર સાથે વધુ સંકળાયેલ છે.

ગ્રંથપાલના કાર્યમાં સંગ્રહ, વ્યવસ્થાપન અને માનવ-પ્રવૃત્તિના તમામ દસ્તાવેજોને સુલભ કરી આપવાના કાર્યનો સમાવેશ થાય છે. આ ધ્યેય સિદ્ધ કરવા માટે હજારો ગ્રંથાલયો વિકસી રહ્યાં છે. તેઓ મહદ્અંશે વિષય, રસ, વયજૂથ અથવા ભૌગોલિક સંદર્ભમાં વિકસી રહ્યાં છે. પુસ્તકો અને પુસ્તકો જેવી દસ્તાવેજી સામગ્રી, કલાનાં માધ્યમો અને નમૂનાઓ, ફોટોગ્રાફ (છબીઓ), દસ્તાવેજ, ચલચિત્ર અને ડિજિટલ સ્વરૂપની સામગ્રી પ્રાપ્ત કરવી; પુસ્તક કે પ્રલેખ અંગેની કોઈ એક વ્યક્તિની જરૂરિયાતો અને ઇચ્છાઓની માંગના પ્રતિભાવ આપવા, પુસ્તક દેય કરવું, સમય પસાર કરવા કે મનોરંજન મેળવવાથી માંડીને ગંભીર સંશોધનકાર્ય વગેરે હેતુઓ માટે ગ્રંથાલયનો ઉપયોગ થતો હોય છે. આ માટે ગ્રંથાલય તેની કાર્યરચના અને વ્યવસ્થાપન-સેવાઓ આયોજિત કરે છે. ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ યોગ્ય રીતે વ્યવહારની ભૂમિકાએ લાગુ પાડવામાં આવે તો તે અનેક ઇષ્ટ પરિણામો લાવી શકે છે. શિક્ષણ, વ્યવસાય, સંશોધનો, પ્રત્યાયન-માધ્યમ વગેરેનો વિકાસ ગ્રંથાલયના પીઠબળ વિના પાંગળો રહી જાય. ગ્રંથાલયના કાર્યક્ષમ સંગઠનને માટે ગ્રંથપાલો ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓને માન્યતા આપે છે. ગ્રંથાલયના ઉપભોક્તાઓને ઊંચી અને કાર્યક્ષમ એવી ગ્રંથાલય-સેવાઓ આપવામાં તેઓ સહાયક નીવડે છે. ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ બે ભાગમાં વિભાજિત થઈ શકે છે : (1) એવી શાસ્ત્રીય સેવાઓ જેમની સાથે વાચકોનો પરોક્ષ સંબંધ છે; દા.ત., ગ્રંથપરિગ્રહણકાર્ય, વર્ગીકરણ, સૂચીકરણ અને ગ્રંથસંસ્કાર. ડૉ. રંગનાથને આ કાર્યોને પડદા પાછળનાં કાર્યો તરીકે ઓળખાવ્યાં છે. બીજા પ્રકારની શાસ્ત્રીય સેવાઓનો સીધો સંબંધ ઉપયોગકર્તા સાથે છે; દા.ત., પુસ્તક આપ-લે કાર્ય, સંદર્ભસેવા, માહિતીસેવા, વાઙ્મયસૂચિસેવા  આ બેઉ કાર્યનો સંપૂર્ણ સરવાળો એટલે ગ્રંથાલય-સંગઠન. ગ્રંથાલયમાં આ સેવાઓની યોગ્ય આપૂર્તિ માટે એક વિશેષ માળખાની જરૂર રહે છે. આથી વિશાળ અને સમૃદ્ધ ગ્રંથાલયો કાર્ય-આધારિત સ્તરનું સંગઠન-માળખું ગોઠવે છે; જેમાં ગ્રંથપ્રાપ્તિવિભાગ, સૂચીકરણવિભાગ, ગ્રંથબાંધણીવિભાગ, ફોટોનકલવિભાગ, સભ્યપદનોંધણી અને ગ્રંથપરિક્રમણવિભાગ, સંદર્ભવિભાગ, સામયિકવિભાગ – એમ વિવિધ ઘટકોમાં ગ્રંથાલયનું સંચાલનકાર્ય થતું હોય છે.

ગ્રંથાલયશાસ્ત્રની શાસ્ત્રીય સેવાઓમાં પ્રક્રિયા-આધારિત કાર્યો ગોઠવવાં પડે છે. આ પ્રાથમિક વ્યવસાયમાં પુસ્તકપ્રાપ્તિ. સંગ્રહવિકાસ, વર્ગીકરણ, સૂચીકરણ, સંગ્રહવ્યવસ્થાપનનો સમાવેશ થાય છે અને ગ્રંથાલયના ઉપયોગકર્તાઓને માટે આયોજિત થતી શાસ્ત્રીય સેવાઓમાં ગ્રંથ-આપ-લે, સંદર્ભસેવા, રચનાત્મક અવબોધન-સેવાઓ, કમ્પ્યૂટર-નેટવર્ક દ્વારા અથવા ઇન્ટરનેટ દ્વારા માહિતીશોધસેવા વગેરેનો સમાવેશ થાય છે.

() પ્રક્રિયાઆધારિત શાસ્ત્રીય કાર્ય : ગ્રંથાલયના સંગ્રહ માટે પસંદ પામેલી પ્રત્યેક વાચનસામગ્રીને વિશેષ એવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ગ્રંથપ્રાપ્તિ : પ્રત્યેક ગ્રંથાલયની સામગ્રીની પ્રાપ્તિ, સામગ્રીની વ્યવસ્થા અને નીતિઓને અનુસરીને ગ્રંથપ્રાપ્તિનું કાર્ય એકસરખું લાગતું હોય છે, પણ ગ્રંથસંગ્રહનું વિષયવસ્તુની ર્દષ્ટિએ કામ અલગ પડી જતું હોય છે. સુવિધાઓ અને બજેટની મર્યાદાઓને કારણે ગ્રંથાલયો બધી જ સામગ્રી પ્રાપ્ત કરી શકતાં નથી, આથી ગ્રંથાલયે પુસ્તકપસંદગીની નીતિ સ્વીકારવી પડે છે. પુસ્તકપસંદગીની નીતિમાં સ્પષ્ટતાને બદલે ગર્ભિત અંશો વધુ હોય છે. દરેક ગ્રંથાલયે ગ્રંથપ્રાપ્તિ ઉપયોગકર્તાઓની જરૂરિયાતના સંદર્ભમાં મર્યાદિત બનાવવી જરૂરી છે. ગ્રંથાલય માટે વસાવવામાં આવતી વાચનસામગ્રીની પ્રક્રિયામાં ચીવટપૂર્વકની પસંદગી, નિષ્ણાતોના અભિપ્રાય, ગ્રંથાલયના પ્રકાર, અંદાજપત્રમાં પુસ્તકખરીદીના ખર્ચની ફાળવણી, પુસ્તકોનો પ્રકાર, તેમના પ્રકાશનની વિગતો, કિંમત, ભવિષ્યમાં વાચનસામગ્રીના ઉપયોગની શક્યતાઓ, વાચનસામગ્રીની કક્ષા અને પુસ્તકમાં રજૂ થયેલ વિષયનું ગહનતાની ર્દષ્ટિએ મહત્વ તથા વિષયવૈવિધ્ય વગેરે બાબતોનો ખ્યાલ રાખવામાં આવે છે. સાર્વજનિક ગ્રંથાલયની નીતિ તેના બહોળા અને વૈવિધ્ય ધરાવતા વાચકસમુદાયોના રસના વિષયોને કેન્દ્રમાં રાખીને ઘડાય છે. મનોરંજન આપતી વાચનસામગ્રીની સાથે સાથે બૌદ્ધિક વાચકોના નાના સમૂહની આવશ્યકતા પ્રત્યે પણ ધ્યાન આપવું જરૂરી હોય છે. લોકભોગ્ય અને શૈક્ષણિક અથવા વધુ વેચાણ ધરાવતાં પુસ્તકો અને ગુણવત્તાવાળાં શિષ્ટ પુસ્તકો વચ્ચે હરીફાઈ ઉદભવે ત્યારે પુસ્તકપસંદગીના કાર્યમાં સાર્વજનિક તથા બાળકોનાં અને શાળાઓનાં ગ્રંથાલયોની પુસ્તક-પસંદગીમાં અશ્લીલ અને વાંધાજનક સાહિત્ય બાબતે સાવધાની રાખવી પડે છે.

ગ્રંથાલયસંગ્રહમાં વસાવવામાં આવતું પુસ્તક વિષયનિષ્ણાત દ્વારા પસંદગી પામેલું હોય, ગ્રંથાવલોકનોને આધારે, નિષ્ણાતો દ્વારા સૂચિત થયેલા ગ્રંથો પસંદગીમાં લેવાય અથવા નવાં પુસ્તકો લેખક અને પ્રકાશકોના મોભાને આધારે વસાવવામાં આવે. જૂનાં પુસ્તકો નિષ્ણાત દ્વારા સૂચિત થયેલાં હોય તથા એ પુસ્તકો વાઙ્મયસૂચિ અથવા ઉદ્ધૃત સૂચિઓમાં ચકાસણી કરી પ્રાપ્ત કરાય એ ઇષ્ટ છે. પુસ્તકપસંદગીના કાર્યમાં લેખક, પ્રકાશક, પ્રકાશનસ્થળ અને વર્ષ, અને કિંમત હંમેશાં ચકાસવાં જોઈએ. આ ચકાસણી માટે ગ્રંથપ્રાપ્તિ-વિભાગમાં રાષ્ટ્રીય ગ્રંથસૂચિઓ જેવી કે, ઇન્ડિયન નૅશનલ બિબ્લિયૉગ્રાફી, બ્રિટિશ નૅશનલ બિબ્લિયૉગ્રાફી, નૅશનલ યુનિયન કૅટલૉગ (લાઇબ્રેરી ઑવ્ કાગ્રેસ), કમ્પ્યૂલેટિવ બુક ઇન્ડેક્સ ઉપયોગી થાય છે. દરેક માસે નવાં પ્રકાશિત થતાં પુસ્તકોની પસંદગી માટે આ મદદરૂપ સાધનો છે.

ગ્રંથાલયના ગ્રંથસંગ્રહ માટે પુસ્તકપ્રાપ્તિખરીદી અને ભેટ દ્વારા, સંસ્થાકીય સભ્યો દ્વારા, વિનિમય અને મુદ્રણ-અધિનિયમન દ્વારા થાય છે. પ્રકાશકો, છૂટક અને જથ્થાબંધ રીતે પુસ્તકો વેચતા વિક્રેતાઓ પાસેથી પુસ્તકો મેળવવા માટે, ગ્રંથાલયોની ગુડઑફિસ કમિટીએ ઠરાવેલ વળતરના દરે ગ્રંથખરીદીનો આદેશ આપવો જરૂરી છે. વિદેશી પ્રકાશનો મેળવવા માટે વિદેશી પ્રકાશકોના ખાસ નિમાયેલા ગ્રંથવિક્રેતાઓનો સંપર્ક કરવાનો રહે છે. વિદેશી પ્રકાશકોનાં પ્રકાશનો ભારતમાં પણ પ્રકાશિત થતાં હોય છે; તેથી તેના એજન્ટ પાસેથી આવાં પુસ્તકો ભારતીય ચલણમાં ખરીદવાથી સસ્તાં પડે છે. મોટાં ગ્રંથાલયો દુર્લભ કે અપ્રાપ્ય અને વેચાણમાં ના હોય તેવા કે પસંદગીમાં રહી ગયેલ ગ્રંથો મેળવવા માટે જૂનાં પુસ્તકોના ખાસ વિક્રેતાઓનો સંપર્ક સાધે તે જરૂરી છે. આવાં પુસ્તકોની યાદી જૂના ગ્રંથવિક્રેતાઓ ખાસ સામયિકોમાં પ્રકાશિત કરતા હોય છે, તે તે યાદી ઉપરથી તે ગ્રંથો મેળવી શકાય છે. સામાન્ય પુસ્તકો ગ્રંથાલયો ગ્રંથાદેશ આપીને મેળવી શકે છે; પરંતુ ખાસ-વિશિષ્ટ વિષયક્ષેત્રમાં નવું પુસ્તક રહી ન જાય એ માટે ગ્રંથાલયોએ બૅકડેટ (backdate) ઑર્ડર આપવો હિતાવહ છે. ખાસ ગ્રંથશ્રેણી હેઠળ પ્રકાશિત થતાં પુસ્તકો, વાર્ષિકી અથવા ઇયરબુક, સરકારી પ્રકાશનો મેળવવા માટે સ્થાયી આદેશની પ્રથાને ગ્રંથાલયો અનુસરે છે. ગ્રંથ ખરીદવાનો આદેશ આપ્યા પછી પુસ્તકવિક્રેતા રૂબરૂ આવીને અથવા પાર્સલથી મોકલી આપે ત્યારે તેનું બિલ અને આદેશ બંનેય મેળવી લેવાય છે. પુસ્તકો આદેશ સાથે ચકાસી લેવાય છે; પુસ્તકમાં છાપેલી કિંમત, બિલમાં કિંમત, મૂલ્યમાં વિદેશી ચલણ હોય તો તેનો વિનિમય-દર વગેરેની પૂરતી ચકાસણી કરવામાં આવે છે; પુસ્તક ઉપર પેન્સિલથી વિક્રેતાનું નામ, ગ્રંથ-આદેશક્રમ અને પ્રાપ્તિ અંગેની નોંધ કરાય છે. આ રીતે ગ્રંથાદેશથી મળેલાં પુસ્તકો ગ્રંથપ્રાપ્તિવિભાગમાંના એક પેટાવિભાગ–ગ્રંથપરિગ્રહણ-વિભાગને બિલો સુપરત કરવામાં આવે છે. ગ્રંથપરિગ્રહણ-વિભાગમાં પુસ્તકોને ગ્રંથપરિગ્રહણ-નોંધણીપત્રકમાં ખરીદીથી પ્રાપ્ત ગ્રંથોની બધી જ વિગતો ઉતારી લેવાય છે. દરેક પુસ્તકને તેનો આવકક્રમાંક/પરિગ્રહણક્રમાંક અપાય છે, જે બિલમાં જે તે પુસ્તકના નામ સાથે, પુસ્તકમાં લખાય છે – આ રીતે નોંધાયેલ પુસ્તકોનાં બિલ ચુકવણી માટે મોકલી અપાય છે. ખરીદીથી, તેમજ ભેટ કે વિનિમય હેઠળ પ્રાપ્ત બધાં જ પુસ્તકોની નોંધ ગ્રંથાલયમાં આવકક્રમાંક રજિસ્ટરમાં કરવામાં આવે છે.

સંગ્રહવિકાસ અને નિર્દેશન : ગ્રંથાલયો માટે ગ્રંથસંગ્રહનો વિકાસ કરવો એ મહત્વનું કાર્ય છે. આ માટે પુસ્તકપસંદગીના સિદ્ધાંતો, પસંદગીની પ્રક્રિયા, પુસ્તકપસંદગીની નીતિ, પ્રલેખોના પ્રકારો અને પસંદગીનાં સાધનો, પુસ્તકપ્રાપ્તિની નીતિ વગેરેમાં ગ્રંથપાલે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ગ્રંથાલયનો ગ્રંથસંગ્રહ વિકસાવવાને માટે પૂરતી નાણાકીય જોગવાઈ કરવી આવશ્યક છે. સંગ્રહવિકાસ માટે સમૃદ્ધ અને મોટાં ગ્રંથાલયો પુસ્તકપસંદગી-સમિતિની રચના કરે છે. આ સમિતિ પોતાના ગ્રંથાલય માટે લાંબા ગાળાની ગ્રંથ-પસંદગીની નીતિનો મુસદ્દો તૈયાર કરે છે, જેથી ગ્રંથાલયના હેતુઓને અનુસરીને ગ્રંથસંગ્રહ વિકસાવવામાં માર્ગદર્શન મળે. ગ્રંથાલયે જે તે પ્રદેશ અને દેશના પ્રાચીન વારસાની જાળવણી માટે કલા, પ્રાચીન સાહિત્ય, દેશ અને પ્રદેશોની ભાષાઓનું શિષ્ટ સાહિત્ય, પ્રવર્તમાન વિષયક્ષેત્રમાં ઉપયોગકર્તાઓની જરૂરિયાતો, ભાવિ વિકાસ માટે અને ભવિષ્યમાં ઉપયોગી થનાર સાહિત્ય – એ બધાં પાસાંઓને ધ્યાનમાં લઈને ગ્રંથસંગ્રહ વિકસાવવાનો કાર્યક્રમ 5 અથવા 10 વર્ષની મુદતનો ઘડવો જરૂરી છે.

દરેક ગ્રંથાલયમાં સામાન્ય ગ્રંથસંગ્રહમાં સામાન્ય વાચકોના રસના વિષયો, અધ્યયન અને અભ્યાસ માટે ઉપયોગી થાય તેવા ગ્રંથો પસંદ કરવાની સાથે સાથે પાયાના સંદર્ભગ્રંથો–ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષાના – વસાવવા જોઈએ. ઍટલાસ, જ્ઞાનકોશ, શબ્દકોશ, ડિરેક્ટરી, હૅન્ડબુક, ગૅઝેટિયરો, વાઙ્મયસૂચિઓ, જીવનચરિત્રાત્મક કોશ ઇત્યાદિ પ્રકારના સંદર્ભગ્રંથોથી સંદર્ભગ્રંથસંગ્રહ ઊભો કરવો જોઈએ. એ ઉપરાંત મુદ્રિત વાચનસામગ્રીઓમાં સરકારી પ્રકાશનો, અહેવાલો, રાષ્ટ્રીય સ્તરની શોધસંસ્થાઓનાં પ્રકાશનો, યુનિવર્સિટીઓ અને અકાદમીઓનાં પ્રકાશનો પણ વસાવવાં જરૂરી છે.

સામયિકપ્રાપ્તિ : ગ્રંથાલયના ઉપયોગકર્તાઓને મનોરંજન, માહિતી અને જ્ઞાન પૂરું પાડે તેવાં લોકભોગ્ય અને વિદ્વદભોગ્ય સામયિકો ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં પ્રકાશિત થતાં હોય છે તે પણ ગ્રંથાલયોએ વસાવવાં જોઈએ. આ માટેની ખરીદીનું અલાયદું બજેટ ફાળવવું જોઈએ. મોટા અને સમૃદ્ધ ગ્રંથાલયનો સામયિકવિભાગ નિષ્ણાતો, વિદ્વાનો, વિદ્યાર્થી-સંશોધકો, અધ્યાપકોને તેમના વિષયક્ષેત્રમાં અદ્યતન માહિતી અને નવી શોધ વિશેની જાણકારી માટે આવશ્યક છે. વિશિષ્ટ ગ્રંથાલયો અને વિશ્વવિદ્યાલય-ગ્રંથાલયોનો સામયિકવિભાગ સંશોધકો, અભ્યાસશીલ વાચકો અને વિદ્વાનો માટે આકર્ષણનું મોટું કેન્દ્ર બની રહે છે.

સૂચીકરણ અને નિર્દેશીકરણ : સૂચીકરણમાં ગ્રંથાલયનાં પુસ્તકોની વાઙ્મયસૂચિગત વિગત આપતી યાદીઓ તૈયાર કરવામાં આવે છે. આ યાદીઓ કર્તાથી, ગ્રંથનામથી, વિષયથી બનાવવામાં આવે છે. સૂચીકરણ વર્ગીકરણ કરતાં ઘણી જૂની પ્રક્રિયા છે. જૂના સમયમાં મોટાં ગ્રંથાલયો હાથથી લખીને છૂટાં પાનાંમાં પુસ્તકોની સૂચિ બનાવતાં હતાં. 19મી સદીમાં ગ્રંથાલયો પોતાના ગ્રંથસંગ્રહની મુદ્રિત સૂચિ તૈયાર કરતાં હતાં. 1870ના દાયકામાં કાર્ડ-કૅટલૉગ(સૂચિપત્રક)નો અમલ નાના જૂથે કર્યો, તેમ છતાં ગ્રંથાલયો ગ્રંથસંગ્રહની મુદ્રિતસૂચિઓ રાખતાં હતાં. લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસે 1901 પછી છાપેલાં સૂચિપત્રકો વેચાણમાં મૂક્યાં; જેથી અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં બધાં જ પુસ્તકોનાં છાપેલાં કાર્ડ નજીવી કિંમતે વેચાણથી ગ્રંથાલયોને પ્રાપ્ત થવા માંડ્યાં; તેથી ગ્રંથાલયોએ મુદ્રિત સ્વરૂપની ગ્રંથસૂચિને તિલાંજલિ આપી. આમ ગ્રંથાલયોમાં કાર્ડ-સૂચિનો ઉપયોગ પ્રચલિત બન્યો.

ગ્રંથાલયના વાચકો માટેની સૂચિ તૈયાર કરવામાં ત્રણ કાર્યોનો સમાવેશ થાય છે : (1) વર્ણનાત્મક સૂચીકરણ, (2) નોંધનાં મથાળાં આપવાનું કાર્ય અને (3) વિષયમથાળાં આપવાનું કાર્ય. (1) વર્ણનાત્મક સૂચીકરણમાં પુસ્તકની ઓળખ માટેની વિગતો વાચકોની સમક્ષ સૂચિપત્રકમાં નોંધ રૂપે રજૂ કરવામાં આવે છે. સૂચિકાર પ્રત્યેક પુસ્તકને ઓળખવા માટેની વિગતો સંલેખમાં સ્પષ્ટ રીતે રજૂ કરતા હોય છે. (2) નોંધનાં મથાળાં આપવામાં લેખકનું નામ સૂચિપત્રકમાં અગ્રરેખા (Leading-lineCatalogue card) પર નોંધવામાં આવે છે. મુખ્ય નોંધના મથાળામાં વ્યક્તિકર્તા, સાંધિક ગ્રંથકાર (સરકાર, મંડળ, સંસ્થા, પરિષદ), એકરૂપ મથાળાં અને ગ્રંથનામ પણ મુખ્ય નોંધના મથાળા તરીકે નોંધવામાં આવે છે. (3) વિષયમથાળાં દ્વારા એક જ પુસ્તકમાં એકથી વધુ પાસાંઓ દર્શાવવા માટે વિષયપદો (subject-headings) પ્રયોજીને પુસ્તકની વિષયનોંધો બનાવવામાં આવે છે. વિષયમથાળાં આપવાના કાર્ય માટે વિશ્વનાં મોટાભાગનાં ગ્રંથાલયોમાં મુદ્રિત વિષયમથાળાંની યાદી –‘લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ સબ્જેક્ટ હેડિંગ્ઝ’ અને ‘સિયર્સ લિસ્ટ ઑવ્ સબ્જેક્ટ હેડિંગ્ઝ’નો ઉપયોગ થાય છે. ભારતનાં ગ્રંથાલયો વિષયનોંધો બનાવવા માટે શ્રી રંગનાથને યોજેલી શૃંખલા-નિર્દેશીકરણ-પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકે છે. આમ, મુખ્ય નોંધ, વધારાની નોંધો, વિષયનોંધોને એક જ વર્ણાનુક્રમે ગોઠવવામાં આવે તો કોશાનુરૂપ સૂચિ નીપજે છે. ગ્રંથાલયસૂચિમાં સૂચિપત્રકો શબ્દશ:ને બદલે અક્ષરશ: વર્ણાનુક્રમે ગોઠવવામાં આવે તો એને કોશાનુરૂપ સૂચિ તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ કેટલાંક ગ્રંથાલયો કર્તા અને ગ્રંથનામની નોંધો એક વર્ણાનુક્રમે ગોઠવે અને વિષયનોંધો અલગ વર્ણાનુક્રમે પણ ગોઠવે છે. વિષયસૂચિમાં ફક્ત વિષયનોંધો વિષયપદ(subject-heading)ના વર્ણાનુક્રમે ગોઠવાય છે. વિષયવિભાગનાં સૂચિપત્રકો વર્ગીકરણ-પદ્ધતિના વર્ગસમંક(class number digit)ના ક્રમે ગોઠવવામાં આવે તો તેને વર્ગીકૃત વિષયસૂચિ તરીકે ઓળખવામાં આવે છે.

સૂચિકલ્પો/સૂચિનિયમાવલિ : ગ્રંથાલયમાં અધિકૃત નિયમાવલિને આધારે જ સૂચિપત્રકો તૈયાર કરવાં જરૂરી છે. આવી નિયમાવલિઓમાં ગ્રંથાલયની વાચનસામગ્રીને–પુસ્તકને ઓળખવા માટે અધિકૃત નિયમાનુસાર બધી જ બાબતોનું સ્પષ્ટ વિગતપૂર્ણ વર્ણન સૂચિસંલેખમાં આપવામાં આવે છે. સૂચિકાર્ય કોઈ નિશ્ચિત નિયમાનુસાર થાય એ જરૂરી છે, એવો વિચાર ઍન્ટૉનિયો પેનિઝિએ આપ્યો હતો. પેનિઝિએ બ્રિટિશ મ્યુઝિયમના ગ્રંથાલય માટે 91 નિયમો ઈ. સ. 1841માં તૈયાર કર્યા હતા. યુ.એસ.માં ઈ. સ. 1876માં ચાર્લ્સ એમી. કટરે અમેરિકાનાં જાહેર ગ્રંથાલયો માટે ‘રૂલ્સ ફૉર ડિક્ષનરી કૅટલૉગ’ સ્વરૂપે 205 નિયમો આપ્યા હતા. આરંભના આ પ્રયત્નોમાં પેનિઝિ, કટર અને જોવેટ પાસેથી સૂચીકરણના નિયમો મળ્યા. સૂચીકરણના ઇતિહાસમાં આ વ્યક્તિયુગ તરીકે ઓળખાય છે. બ્રિટન અને અમેરિકામાં પોતપોતાનાં ગ્રંથાલયો માટે સૂચિનિયમો હતા. આ બેઉ દેશોના સૂચિનિયમો એકસમાન સૂચિનિયમાવલી રૂપે રજૂ કરવા એક સમિતિની રચના કરી. આ સમિતિએ સંશોધન કરી 1908માં ‘કૅટલૉગિંગ રૂલ્સ ફૉર ઑથર ઍન્ડ ટાઇટલ એન્ટ્રિઝ’ના નામે સૂચિકલ્પ આપ્યો, જે વિશ્વમાં ‘ઍંગ્લો-અમેરિકન કોડ’ અથવા ‘જૉઇન્ટ કોડ’ તરીકે ઓળખાય છે. ઈ. સ. 1931માં ઇટાલીમાંના વૅટિકન ગ્રંથાલય માટે મુદ્રિત ગ્રંથસૂચિ તૈયાર કરવા માટેની નિયમાવલી તૈયાર થઈ, જેને ‘વૅટિકન કોડ’ તરીકે ઓળખવામાં આવે છે. ‘લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ રૂલ્સ ફૉર ડિસ્ક્રિપ્ટિવ કૅટલૉગિંગ’ના નિયમો 1949માં પ્રકાશિત થયા. આ નિયમો સૂચીકરણના કાર્યમાં ફક્ત સંલેખ વર્ણમાંના ભાગ પૂરતા જ હતા; જેમાં પુસ્તકો અને પુસ્તકેતર વાચનસામગ્રીના નિયમોનો સમાવેશ થતો હતો. 1908ની સંયુક્ત નિયમાવલી એ.એ.કોડમાં અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશને સુધારણા કરી તૈયાર કરેલા નિયમોનો મુસદ્દો 1941માં રજૂ કર્યો અને 1949માં આ મુસદ્દાને અંતિમ રૂપ મળ્યા પછી આ નિયમાવલી ‘અમેરિકન કૅટલૉગિંગ રૂલ્સ ફૉર ઑથર ઍન્ડ ટાઇટલ એન્ટ્રીઝ’ (ટૂંકમાં, ‘એએલએ રૂલ્સ  1949’) નામથી ઓળખાય છે. અમેરિકા, કૅનેડા અને બ્રિટનનાં ગ્રંથાલય-મંડળો પોતે સૂચિ-સંશોધનનું કાર્ય કરતાં હતાં. આ મંડળોનો હેતુ સૂચીકરણના કાર્યમાં એકસૂત્રતા અને એકરૂપતા લાવવાનો હતો. સર્વસંમત નિયમો બાબતે એકમત થયા અને અસંમતિ હોય તેવા નિયમોને બાજુએ મૂકીને એકસમાન પ્રમાણભૂત સૂચિનિયમાવલિ ‘ઍંગ્લો-અમેરિકન કૅટલૉગિંગ રૂલ્સ’ (ટૂંકમાં, એ.એ.સી.આર.) નામે 1967માં પ્રકાશિત કરી. એ.એ.સી.આર. સૂચિનિયમાવલિ (1967) બે સ્વતંત્ર પાઠ (નૉર્થ અમેરિકન ટેક્સ્ટ અને બ્રિટિશ ટેક્સ્ટ) રૂપે પ્રગટ થઈ. એ.એ.સી.આર.(1967)નો સૂચિકલ્પ પ્રગટ થયા પછી પ્રકાશનક્ષેત્રે, વાચનસામગ્રીક્ષેત્રે અને ગ્રંથાલયમાં કમ્પ્યૂટરના ઉપયોગનો આરંભ થયો. આ પરિવર્તનોથી એ.એ.સી.આર.(1967)ની સૂચિનિયમાવલિ સુધારવા તરફનું વલણ સબળ બન્યું હતું. અમેરિકા, કૅનેડા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયાનાં ગ્રંથાલયમંડળોએ જૉઇન્ટ સ્ટિયરિંગ કમિટી ફૉર રિવિઝન ઑવ્ એ.એ.સી.આર.ની રચના કરી. આ સંશોધનકાર્ય 1969થી 1974 સુધી ચાલ્યું. આ સૂચિનિયમાવલિ ‘ઍંગ્લો-અમેરિકન કૅટલૉગિંગ રૂલ્સ’(1978)માં પ્રકાશિત થઈ. ઇન્ટરનૅશનલ ફેડરેશન ઑવ્ લાઇબ્રેરી ઍસોસિયેશન અને યુનિવર્સલ બિબ્લિયૉગ્રાફિક કંટ્રોલ ઑફિસના પ્રયત્નોથી આંતરરાષ્ટ્રીય માનકો આ સૂચિનિયમાવલિમાં સ્વીકાર્ય બન્યા. આમ ચારેય દેશોનાં રાષ્ટ્રીય ગ્રંથાલયોએ તે તે દેશની રાષ્ટ્રીય ગ્રંથસૂચિ માટે આ નવી સૂચિનિયમાવલિ(Cataloguing Code/Rules)નો સ્વીકાર કર્યો. આમ, 1988માં એ.એ.સી.આર.ની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ, જે ટૂંકમાં AACR-2 નામે પ્રચલિત છે. આ નિયમાવલિ મુદ્રિત અને અમુદ્રિત તમામ પ્રકારની વાચનસામગ્રીને એકસરખી રીતે લાગુ પડે છે. આ સૂચિકલ્પમાં ત્રણ સ્તરનું વર્ણનાત્મક માળખું આપેલ છે; જેથી નાનાં-મોટાં બધાં જ ગ્રંથાલયોને તે ઉપયોગી થઈ પડે. આથી વિશ્વના અંગ્રેજીભાષી તમામ દેશો માટે એક સર્વસામાન્ય સૂચિનિયમાવલિ તૈયાર થઈ એમ કહી શકાય.

‘ક્લાસિફાઇડ કૅટલૉગ કોડ’ (સી.સી.સી.) ડૉ. એસ. આર. રંગનાથને વિશ્વને સૌપ્રથમ વાર વર્ગીકૃત સૂચિનિયમાવલિ 1935માં આપી. આજે આ સૂચિનિયમાવલિની પાંચમી આવૃત્તિ 1988માં પ્રકાશિત થઈ છે. સી.સી.સી.એ સૂચિનિયમાવલિમાં સિદ્ધાંતો, શાસ્ત્રસૂત્રો, ઉદાહરણો સહિત દરેક પ્રકારના સંલેખોને અલગ પાડી આપ્યા. વિષયમથાળું નક્કી કરવાના કાર્યને માટે શૃંખલાપદ્ધતિ આપી. આ પદ્ધતિ દ્વારા વિષયમથાળાની રચનાનો વિચાર અને પદ્ધતિ આપનાર આ એકમાત્ર સૂચિકલ્પ છે. સી.સી.સી. સૂચિકલ્પ ટાંચાં સાધનો, નાણાકીય અભાવ અને ગ્રંથાલય-કર્મચારીઓની અછત વર્તાય છે એવાં ભારતનાં ગ્રંથાલયોમાં એનો ઉપયોગ હિતાવહ છે.

વર્ગીકરણ : વર્ગીકરણ એટલે વિવક્ષિત વિષયોને એમના વંશાનુબંધ સાચવતી કોઈ એક યોજનાનુસાર સંજ્ઞાત્મક અનુક્રમાંક આપી દેવાનું કાર્ય. ગ્રંથાલયમાં પુસ્તકોને વર્ગીકૃત કરવા માટે અધિકૃત ગ્રંથવર્ગીકરણ-પદ્ધતિનો ઉપયોગ ગ્રંથપાલો વર્ષોથી કરી રહ્યા છે. વૈજ્ઞાનિક ગ્રંથવર્ગીકરણ-પદ્ધતિઓનો વિકાસ 19મી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકન ગ્રંથપાલ મેલવિલ ડ્યૂઈ અને ચાર્લ્સ એમી. કટર અને અન્ય ગ્રંથપાલોને લઈને આરંભ થયો. આ ગ્રંથવર્ગીકરણ-પદ્ધતિઓના બે પ્રકાર છે : ગણનાક્ષમ વર્ગીકરણ-પદ્ધતિ અને મુખકીય વર્ગીકરણ-પદ્ધતિઓ. ગણનાક્ષમ વર્ગીકરણ-પદ્ધતિઓમાં જ્ઞાનવિશ્વના બધા જ વિષયો તેમના પેટાવિષયો અને પેટાના પણ પેટાવિષયોને વંશાનુબદ્ધ ઢબે ગોઠવાય છે. મુખકીય વર્ગીકરણ-પદ્ધતિઓ એકથી વધુ પાસાંઓને તાર્કિક ક્રમે સંયોજિત કરવા માટેના મુખકો હેઠળ વિષયપદો અને અંકો દર્શાવવામાં આવે છે. મૂળભૂત સંજ્ઞાઓ આપી એમના જરૂરી પૃથકોને મુખક નીચે આપેલ સંજ્ઞાઓને સંયોજિત કરીને, જોઈતા વર્ગાંકો કરી લેવાની સગવડ આપતી બીજા પ્રકારની મુખકીય ગ્રંથવર્ગીકરણ-પદ્ધતિ તરીકે ઓળખાય છે. આજે ગ્રંથાલયનાં પુસ્તકોને વર્ગીકૃત કરવા માટેની આ બેઉ પ્રકાર દર્શાવતી ગ્રંથવર્ગીકરણ-પદ્ધતિઓ નીચે દર્શાવ્યા પ્રમાણે છે :

વર્ગીકરણપદ્ધતિઓ

શોધનું વર્ષ પ્રકાર

અદ્યતન આવૃત્તિ

1. ડ્યૂઇ ડેસિમલ ક્લાસિફિકેશન (ડીડીસી) 1876 ગણનાક્ષમ 22મી
2. યુનિવર્સિલ ડેસિમલ ક્લાસિફિકેશન (યુડીસી) 1895 મુખકીય અંગ્રેજી 2જી, 1986
3. લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ ક્લાસિફિકેશન (એલસીસી) 1901 ગણનાક્ષમ
4. બિબ્લિયૉગ્રાફિક ક્લાસિફિકેશન ઑવ્ 1910 મુખકીય 1972
બ્લિસ (બીબીસી) 1935
5. કોલન ક્લાસિફિકેશન (સીસી) 1933 મુખકીય 6ઠ્ઠી આવૃત્તિ
6. ધ લાઇબ્રેરી-બિબ્લિયૉગ્રાફિકલ ક્લાસિફિકેશન (બીબીકે)

ઉપર્યુક્ત છ ગ્રંથવર્ગીકરણમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ગ્રંથવર્ગીકરણ-પદ્ધતિ ડીડીસી, યુડીસી અને એલસીસી ગ્રંથવર્ગીકરણ-પદ્ધતિઓનો સમાવેશ થાય છે. રંગનાથને શોધેલી કોલન-ક્લાસિફિકેશન પદ્ધતિની 6ઠ્ઠી આવૃત્તિ ભારતના 2,500 ગ્રંથાલયોમાં પ્રયોગમાં છે. આથી નવાં ગ્રંથાલયોએ પોતાના ગ્રંથસંગ્રહને વર્ગીકૃત કરવા માટેની કોઈ એક જ ગ્રંથવર્ગીકરણ-પદ્ધતિ પસંદ કરવી પડે છે. પુસ્તકમાંના વિષયને સુસંગત એવાં વિશિષ્ટ વર્ગ-સમંક(specific class number digit)ની સંજ્ઞા વર્ગીકરણ-પદ્ધતિના કોઠામાંથી શોધીને, પ્રત્યેક પુસ્તકના ગ્રંથનામપૃષ્ઠની પાછળ વર્ગસમંક અને ગ્રંથાંક પેન્સિલથી આપવાનું કાર્ય ગ્રંથાલયના શાસ્ત્રીય સેવાવિભાગ દ્વારા થતું હોય છે. વર્ગસમંક અને ગ્રંથાંક મળીને સ્થાનાંક રચાય છે. કેટલીક વિશેષ વાચનસામગ્રીના સ્થાનાંકની સાથે સંગ્રહાંક પણ જોડવામાં આવે છે, જેથી વિશિષ્ટ પ્રકારનાં પુસ્તકો ઓળખી શકાય. ગ્રંથભંડારમાં પુસ્તકો તેમના સ્થાનાંકથી ક્રમબદ્ધ રીતે ગોઠવવામાં આવે છે; જેથી વાચકો પોતાને જોઈતું પુસ્તક મેળવવા માટે ગ્રંથાલયની સૂચિપત્રકની ખાનાપેટીમાંથી પુસ્તકના સ્થાનાંકના આધારે ગ્રંથભંડારમાંથી પુસ્તક શોધી શકે છે. પુસ્તકો વર્ગીકૃત અને સૂચીકૃત થયા પછી પુસ્તકો અને બિલ પરિગ્રહણકાર્ય માટે જવાબદાર વ્યક્તિને સોંપવામાં આવે છે. કેટલાંક ગ્રંથાલયમાં વર્ગીકરણ અને સૂચીકરણ-કાર્ય એક જ વ્યક્તિ દ્વારા થતું હોય છે. આ કાર્યમાં ગ્રંથપ્રાપ્તિ-વિભાગ દ્વારા પુસ્તકની ધ્યાન બહાર રહેલી ક્ષતિઓ ધ્યાનમાં આવે છે – પુસ્તકમાં ખાનાં કે ફરમા ખોટાં ગોઠવાય, ગ્રંથબંધામણીમાં દોષ હોય તેવાં પુસ્તકો ગ્રંથખરીદી-વિભાગને પરત મોકલી આપવામાં આવે છે – એની ક્રેડિટ નોટ વિક્રેતા પાસેથી મંગાવવામાં આવે છે.

પરિગ્રહણ કાર્ય : ગ્રંથાલયે ખરીદીથી, ભેટથી કે વિનિમય દ્વારા પ્રાપ્ત કરેલ તમામ પુસ્તકો અને તેમનાં બિલ સાથે રાખીને પરિગ્રહણપત્રકમાં નોંધવાનું કાર્ય થતું હોય છે. પરિગ્રહણપત્રક એ ગ્રંથાલયના ગ્રંથસંગ્રહનો મહત્વનો દસ્તાવેજ છે. પુસ્તક અને બિલની વિગતોની ચકાસણી કર્યા પછી નોંધણીકાર્યનો આરંભ કરાય છે. સ્વચ્છ અને સારા અક્ષરે પ્રત્યેક પુસ્તકની વિગતો પુસ્તકના ગ્રંથનામપૃષ્ઠ અને કૉપીરાઇટ-પૃષ્ઠની વિગતો પરિગ્રહણપત્રકનાં આસનોમાં નોંધવામાં આવે છે. પરિગ્રહણ કરનાર વ્યક્તિ પ્રત્યેક પુસ્તકનો અનુક્રમાંક આપશે. પરિગ્રહણપત્રકનો અનુક્રમાંક પુસ્તકના ગ્રંથનામપૃષ્ઠની પાછળ લખાય છે અને ગ્રંથાલયે નક્કી કરેલ ખાનગી પૃષ્ઠ ઉપર પરિગ્રહણ-અંક લખવામાં આવે છે. પુસ્તકનાં બિલો પ્રતિસપ્તાહે ગ્રંથલાયના હિસાબવિભાગને સોંપવામાં આવે છે. બિલમાંના પ્રત્યેક પુસ્તકના નામની સામે પણ જે તે પુસ્તકનો પરિગ્રહણ-અંક લખવો આવશ્યક હોય છે. ગ્રંથાલયના હિસાબવિભાગને ચુકવણી માટે બિલો સોંપતાં પૂર્વે પ્રત્યેક બિલમાં પરિગ્રહણ કરનારની અને ગ્રંથપાલની સહી લેવાય છે. આ રીતે નોંધણી થયેલાં પુસ્તકો ગ્રંથપ્રસાધનકાર્ય માટે સોંપવામાં આવે છે. ગ્રંથપ્રસાધનકાર્યમાં ગ્રંથાલયનું નામ છાપેલા પત્રકમાં ગ્રંથનામ, વર્ગાંક, ગ્રંથાંક, પુસ્તકની કિંમત દર્શાવતી માહિતી છાપેલી હોય છે. ગ્રંથાલયની માલિકી દર્શાવતો રબ્બર-સ્ટૅમ્પ ગ્રંથનામપૃષ્ઠ ઉપર, ખાનગી પૃષ્ઠ અને ગ્રંથાલયે નક્કી કરેલાં પૃષ્ઠો ઉપર, કોરા ભાગમાં મારવામાં આવે છે. ગ્રંથ આપ-લે-કાર્યને માટે પુસ્તકને તૈયાર કરવા માટે જરૂરી સામગ્રીઓમાં તિથિપત્રક, ગ્રંથકોથળી, ગ્રંથપત્રક અને પુસ્તકની પીઠ ઉપર પગપટ્ટી ચોટાડવામાં આવે છે. ગ્રંથસંગ્રહમાં ઉમેરવામાં આવતાં બધાં પુસ્તકોનું ગ્રંથપ્રસાધનકાર્ય પૂર્ણ થાય પછી અર્ધ-વ્યાવસાયિક કર્મચારી સારા અક્ષરોથી ગ્રંથાલયમાલિકીના પત્રકમાં ગ્રંથટિકિટમાં, ગ્રંથકોથળી ઉપર અને પીઠપટ્ટી ઉપર જરૂરી વિગતો કાળી શાહીથી લખે છે. આજે આ કામ કમ્પ્યૂટર દ્વારા કેટલાંક ગ્રંથાલયોમાં થાય છે. આ રીતે તૈયાર થયેલાં પુસ્તકોમાંથી તેમનાં સૂચિપત્રકો છૂટાં પાડી કૅટલૉગ-કૅબિનેટમાં ગોઠવવાનું કાર્ય હાથ ધરવામાં આવે છે. સૂચિપત્રકોમાં ગ્રંથાલયની પરિપાટી પ્રમાણે કર્તાનોંધ, ગૌણકર્તાનોંધ, ગ્રંથનામનોંધો, ગ્રંથમાળાનોંધો વર્ણાનુક્રમે ગોઠવવામાં આવે છે. પુસ્તકો ગ્રંથભંડારમાં સીધાં મોકલવાને બદલે એક કબાટમાં કે પ્રદર્શનકક્ષમાં ‘નવાં ઉમેરાતાં પુસ્તકો’ એવી જાહેરાત સાથે મૂકવામાં આવે છે. આથી વાચકો પ્રતિસપ્તાહે કે દર પખવાડિયે ગ્રંથાલયમાં નવાં ઉમેરાતાં પુસ્તકો જોઈ શકે છે. દરેક પુસ્તકના તિથિપત્ર ઉપર દેય-તારીખ લગાવવામાં આવે છે  – તે તારીખથી પુસ્તકો પોતાની ટિકિટ ઉપર વાચકો લઈ શકે છે. મોટાં ગ્રંથાલયો નવાં ઉમેરાતાં પુસ્તકોની યાદી પણ વાચકોને આપે છે.

ગ્રંથસંગ્રહની જાળવણી અને સુરક્ષા : ગ્રંથસંગ્રહમાં ઉમેરવામાં આવતી બધી જ વાચનસામગ્રીને વ્યવસ્થાની ર્દષ્ટિએ અલગ અલગ વિભાગમાં મૂકવામાં આવે છે. દેય ગ્રંથો દેયગ્રંથસંગ્રહ-વિભાગમાં ગોઠવવામાં આવે છે. આ વિભાગમાંનાં પુસ્તકો વાચકને તેમની સભ્યટિકિટ ઉપર આપવામાં આવે છે. એ ઉપરાંત વાચનસામગ્રીની ભૌતિક ખાસિયતો, પ્રકાશનની વિશેષતા અને વિવિધતાને ધ્યાનમાં રાખીને ગ્રંથાલયોમાં સંદર્ભગ્રંથો, દુર્લભગ્રંથો, સરકારી પ્રકાશનો, સંશોધન-અહેવાલો, સામયિકોના બાંધેલા સંપુટો, નાના કદનાં પુસ્તકો તેમજ મોટા કદનાં પુસ્તકો અદેય સ્વરૂપે વર્ગીકૃત ક્રમે જે તે વિભાગમાં ગોઠવવામાં આવે છે. આ સાહિત્યનો ઉપયોગ વાચકો ગ્રંથાલયમાં જ બેસીને કરી શકે છે. ગ્રંથસંગ્રહને સારી રીતે વર્ગીકૃત, સૂચીકૃત, દેય કાર્યમાં અલંકૃત (book process) કર્યા પછી પુસ્તકોનો ઉપયોગ વાચકો સારી રીતે કરી શકે એ માટે ગ્રંથભંડારના ખુલ્લા ઘોડાઓ ઉપર મૂકેલાં પુસ્તકોનો સ્થાનાંકક્રમ જાળવવાનું કાર્ય મહત્વનું છે. આથી મોટાં અને સમૃદ્ધ ગ્રંથાલયોમાં ગ્રંથભંડાર-વ્યવસાયનું કાર્ય પૂર્ણ સમયના વ્યાવસાયિક કર્મચારીને સોંપવામાં આવે છે. ગ્રંથસંગ્રહની જાળવણીના ભાગ રૂપે ફલકક્રમની જાળવણીનું નિરીક્ષણ કરવું, પરત આવેલાં પુસ્તકોને ક્રમબદ્ધ યથાયોગ્ય સ્થાને પુન: ગોઠવવાં, ગ્રંથભંડારના વિવિધ દર્શકો; જેમ કે ફલકદર્શક, ખાતદર્શક (Flap Mark) ચકાસતાં રહેવું, કબાટોની સફાઈ, ક્રમભંગ થયેલાં પુસ્તકોને યોગ્ય સ્થાને ગોઠવવાં, આડાં-ઊભાં, ખોટાં સ્થાને સંતાડેલાં પુસ્તકોની પુન:ગોઠવણી કરવી, જે પુસ્તકની પીઠપટ્ટીઓ જૂની થઈ હોય તે નવી લખાવવી, ફાટેલાં-તૂટેલાં પુસ્તકો સુરક્ષિત રહે તે માટે અલગ કાઢી ગ્રંથબાંધણી-વિભાગમાં મોકલવાં વગેરે કાર્યો કરવાનાં રહે છે.

ગ્રંથમેળવણી : નાનાં અને મધ્યમ કદનાં ગ્રંથાલયો માટે ગ્રંથ-મેળવણી જરૂરી છે. જે ગ્રંથાલયનો ગ્રંથસંગ્રહ 50 હજાર સુધીનો હોય તેવાં ગ્રંથાલયો માટે વાર્ષિક કે દ્વિવાર્ષિક ધોરણે ગ્રંથમેળવણી કરવી આવશ્યક છે. ગ્રંથમેળવણી પરિગ્રહણપત્રકના અનુક્રમાંક રજિસ્ટર દ્વારા, ગ્રંથાલયમાં હાજર હોય તેવા ગ્રંથોની ગણતરી કરીને થઈ શકે છે. ગ્રંથમેળવણી ફલકસૂચિની મદદથી થાય તો જ ગ્રંથમેળવણી થઈ એમ કહી શકાય. આ માટે ગ્રંથાલયે ફલકસૂચિ પહેલેથી તૈયાર કરવી જોઈએ. ગ્રંથમેળવણી-કાર્ય દ્વારા ગ્રંથાલયના કર્મચારીઓ ગ્રંથસંગ્રહની સાથે સીધા સંપર્કમાં આવે છે. આ કાર્યથી ગ્રંથભંડારની સફાઈ અને પુન:ગોઠવણી પ્રત્યે ધ્યાન આપી શકાય છે. ગ્રંથભંડારના કાર્યકર્તાઓની ગ્રંથસંગ્રહની જાળવણી પ્રત્યેની કાળજી કે નિષ્કાળજીનો ખ્યાલ મળે છે. ગ્રંથમેળવણીથી ગ્રંથસંગ્રહમાંનાં ખોવાતાં પુસ્તકો વિશેની જાણકારી મળે છે. આમાંનાં સારાં અને શિષ્ટ પુસ્તકો પુન: વસાવવા માટે ગ્રંથમેળવણી ઉપકારક છે. ગ્રંથમેળવણીથી ખૂટતાં પુસ્તકોની યાદી થઈ શકે છે અને તે ઉપરથી સુરક્ષાના ઉપાયો – વિશેષ તકેદારીનાં પગલાંઓ લઈ શકાય છે. ફાટેલાં, તૂટેલાં પુસ્તકોને ગ્રંથબાંધણી કરાવીને પુનરુપયોગ માટે લઈ શકાય છે. આસંગ (મુક્ત પ્રવેશ)-પદ્ધતિવાળાં ગ્રંથાલયોમાં પુસ્તકો ઉપયોગ માટે મૂકતા હોઈને પુસ્તકોનું ખોવાવું અનિવાર્ય ગણી શકાય; પરંતુ ગ્રંથમેળવણી કરવાથી ખોવાતાં પુસ્તકોના પ્રકાર, ચોરી કરનાર વાચકોની ખાસિયતો ધ્યાનમાં આવે છે અને તકેદારીના ઉપાયો લેવામાં મદદ મળે છે. ગ્રંથમેળવણીથી ખૂટતાં પુસ્તકો માટે ગ્રંથપાલ કે ગ્રંથાલયના કોઈ કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવતાં નથી. ગ્રંથમેળવણીથી ખૂટતાં પુસ્તકો કમી કરવામાં આવે છે. પુસ્તકો કમી કરવાને માટે ગ્રંથપાલે નિયમિતપણે પ્રતિવર્ષના ગ્રંથ-આપ-લેના અને ઉપયોગના આંકડાઓ રાખવા જરૂરી છે.

ગ્રંથાલયની શાસ્ત્રીય પ્રક્રિયાઓ વિશે જાણ્યા પછી, એક બાબત સ્પષ્ટ બને છે કે શાસ્ત્રીય પ્રક્રિયાઓથી પુસ્તકોની પદ્ધતિસર ગોઠવણી શક્ય બને છે અને ગ્રંથસંગ્રહમાંથી વાચકોને જરૂર પડે તે પુસ્તકો અને માહિતી પુન: પ્રાપ્ત થઈ શકે છે, વાચકો માટે ગ્રંથ-આપ-લે-સેવા, સંદર્ભ અને માહિતીસેવા આયોજિત થઈ શકે છે. ગ્રંથાલયશાસ્ત્રની શાસ્ત્રીય સેવાઓમાં વાચનાલય-સેવા, ગ્રંથ-આપ-લે-સેવા, અનુલય-સેવા (reference service), આંતરગ્રંથાલય-સહકાર, ગ્રંથાલય-વિસ્તરણ-સેવાનો સમાવેશ થાય છે.

(1) વાચનાલયસેવા : ઉપયોગકર્તાઓ ગ્રંથાલયમાં બેસીને પુસ્તકોનો ઉપયોગ અધ્યયન-અભ્યાસ, સંશોધન અને વાચન માટે કરી શકે એ માટે દરેક ગ્રંથાલયમાં વાચનાલય-ખંડની વ્યવસ્થા રાખવામાં આવે છે. વાચનાલય-ખંડ ગ્રંથાલયના સેવાસમય સુધી ખુલ્લો રહેતો હોય છે. સાર્વજનિક ગ્રંથાલયોનો અને યુનિવર્સિટી-ગ્રંથાલયોનો વાચનાલય-ખંડ 10થી 12 કલાક સુધી વાચકોને વાંચવા માટે ખુલ્લો રાખવામાં આવે છે. વાચનાલય-ખંડમાં કોઈ પણ વ્યક્તિ સમાચારપત્રો, મૅગેઝિનો, સામયિકો વાંચવા માટે મુક્તપણે પ્રવેશી શકે છે. વાચનાલય-ખંડના પ્રવેશદ્વાર પાસે એક નોંધણી રજિસ્ટરમાં વ્યક્તિઓ પોતાનું નામ, આવવાનો સમય અને સહી કરવી આવશ્યક હોય છે. વાચનાલયમાં વ્યક્તિ સમાચારપત્રો, સામયિકો અને ગ્રંથાલયનાં પુસ્તકો ત્યાં બેસીને જ વાંચી શકે છે. વાચનાલય-ખંડમાં ટેબલખુરશી, પૂરતાં હવા-ઉજાસ તેમજ લાઇટ-પંખાની વ્યવસ્થા હોય છે. સામાન્ય નાગરિકો દૈનિક સમાચારપત્રો, સાપ્તાહિકો, મૅગેઝિનો અને સામયિકોનો ઉપયોગ વાચનાલય-ખંડોમાં બેસીને જ કરી શકે છે. શાળા અને કૉલેજ-ગ્રંથાલયમાં સામાન્ય રીતે વાચનાલય-ખંડ સામયિક-વિભાગમાં, શૈક્ષણિક અને વિશિષ્ટ ગ્રંથાલયોમાં વાચનાલય-ખંડ તેના સંદર્ભગ્રંથ-સંગ્રહ સાથે જ અધ્યયન-ખંડ રૂપે સંકળાયેલ હોય છે. આ ખંડમાં ગ્રંથાલયના સભ્યો જ પોતાને જરૂરી પુસ્તકો, સંદર્ભસામગ્રી અને ગ્રંથાલયસામગ્રીના ઉપયોગ માટે બેસી શકે છે. આ વિભાગમાં અધ્યયન-અર્થે લીધેલ વાચનસામગ્રીની નોંધ નોંધણીપત્રકમાં વાચકે જાતે કરવાની રહે છે. આમ વાચનાલય અને અધ્યયન-ખંડના ઉપયોગ અંગેનું રજિસ્ટર રોજેરોજ વાચનાલય અને અધ્યયન-ખંડનો લાભ લેનારાઓની સંખ્યા અને ઉપયોગમાં લીધેલ અધ્યયન-સામગ્રીની માહિતીના આંકડાઓ વાર્ષિક અહેવાલ માટે રજૂ કરવામાં ઉપયોગી નીવડે છે.

(2) ગ્રંથઆપલેસેવા : ગ્રંથાલયનો ગ્રંથસંગ્રહ ઉપયોગ માટે છે. પુસ્તકોનો ઉપયોગ વાચકો ગ્રંથાલયમાં બેસીને અથવા ઘરે વાંચવા માટે લઈ જઈને કરી શકે છે. ગ્રંથાલયમાં બેસીને પુસ્તકો વાંચવાની સુવિધા ગ્રંથાલયે પૂરી પાડવી પડે છે અને જે વાચકોને ગ્રંથાલયમાં બેસીને વાંચવાનો સમય ન હોય તેવા વાચકોને માટે પુસ્તકો ઘરે વાંચવા માટે લઈ જવાની વ્યવસ્થા કરવી પડે છે. સેવા આપતાં સર્વ ગ્રંથાલયો પોતાના સભાસદોને નિશ્ચિત સંખ્યામાં પુસ્તકો આપવાનું કે/અને પરત લેવાનું કાર્ય ગ્રંથ-આપ-લે-સેવા દ્વારા કરતાં હોય છે. સાર્વજનિક ગ્રંથાલયમાંથી તમામ વર્ગના નાગરિકોને સભ્યપદ દ્વારા પુસ્તકો મફત વાંચવા મળી રહે છે. શાળા, કૉલેજ અને યુનિવર્સિટી-ગ્રંથાલયમાં ભણતા વિદ્યાર્થીઓને અને સંસ્થાના શિક્ષકો અને સંશોધકોને ફક્ત અભ્યાસકાળ દરમિયાન જ સભ્યપદના અધિકારે ઘરે વાંચવા માટે પુસ્તકો સુલભ કરવામાં આવે છે. ગ્રંથાલયમાં સભ્યપદ-નોંધણી કરાવી હોય તેવા વાચકોને સભ્યપદ-વાચક-ટિકિટ અથવા ઓળખપત્ર આપવામાં આવે છે. સામાન્યપણે ગ્રંથાલયો વાચકોને બે પુસ્તકો આપતાં હોય છે. વાચક પોતે જાતે જ ગ્રંથાલયમાં આવી પોતાની વાચક-ટિકિટ ઉપર પુસ્તકો મેળવી શકે છે. ગ્રંથાલયો વાચકોને ઘરે વાંચવા માટે સામાન્ય રીતે 14 દિવસની મુદત માટે પુસ્તકો આપતાં હોય છે. વાચકને જો પુસ્તક વધુ સમય રાખવાની જરૂર જણાય તો એ પુસ્તકને રૂબરૂમાં આવી રિ-ઇસ્યૂ કરાવે તે જરૂરી હોય છે. ગ્રંથ-આપ-લે-વિભાગ પુસ્તક મોડું જમા કરાવનાર વાચક પાસેથી અતિદેય અથવા મોડાઈની રકમ વસૂલ કરે છે. પુસ્તકને જો નુકસાન કર્યું હોય, એની બાંધણી તોડી હોય તોપણ ગ્રંથબંધામણીનો ખર્ચ વસૂલ કરવામાં આવે છે. વાચક દ્વારા પુસ્તક ખોવાઈ જાય તો ગ્રંથાલયને વાચક નવું પુસ્તક ખરીદીને આપી શકે છે અને જો ખોવાયેલું પુસ્તક અપ્રાપ્ય હોય તો પુસ્તકની બેવડી કિંમત અથવા ગ્રંથપાલ નક્કી કરે તે રકમ વસૂલ કરવામાં આવે છે. ગ્રંથપરિક્રમણ-વિભાગે વાચક પાસેથી વસૂલ કરેલ મોડાઈની અને અન્ય રકમની રસીદ આપવી પડે છે. આ રીતે વસૂલ થયેલી રકમ ગ્રંથ-આપ-લે-વિભાગે ગ્રંથાલયના હિસાબવિભાગમાં જમા કરાવવી પડે છે.

ગ્રંથાલયના ગ્રંથ-આપ-લે-વિભાગ દ્વારા પુસ્તકની લેવડદેવડનું કાર્ય થતું હોય છે. સાર્વજનિક અને યુનિવર્સિટી-ગ્રંથાલયોમાં પુસ્તક આપ-લેનો સમય 10થી 12 કલાકનો હોય છે. જાહેર રજા સિવાય ગ્રંથાલયનો ગ્રંથ-આપ-લે-વિભાગ ખુલ્લો રહેતો હોય છે. ગ્રંથ-આપ-લે-વિભાગ પુસ્તકો દેય કરવાનું અને પરત લેવાનું કાર્ય કરે છે. વાચક પોતાને જોઈતું પુસ્તક ગ્રંથભંડારમાંથી શોધીને, વાચક-માંગણીપત્રકની વિગતમાં પુસ્તકનું નામ, પરિગ્રહણ-અંક, સભાસદની સહી એટલી વિગત વાચક ભરે પછી આપ-લે વિભાગના કર્મચારીને આપે છે. કર્મચારી વાચકની સભ્યટિકિટ ઉપર કરેલી નમૂનાની સહી અને માંગણીપત્રકની સાથે સરખાવીને, પુસ્તકની ગ્રંથકોથળીમાંથી ગ્રંથકાર્ડ કાઢી લઈ, પુસ્તકમાં ચોંટાડેલ તિથિપત્રક ઉપર પુસ્તકપરત-તારીખનો સિક્કો મારે છે અને તેને પુસ્તક ઘરે વાંચવા માટે આપે છે. આ કાર્યની સાથે ગ્રંથ-આપ-લે-વિભાગે રોજેરોજ ગ્રંથાલયમાંથી દેય થતાં પુસ્તકોના વિષયવાર અને ભાષાવાર વંચાતાં પુસ્તકોના આંકડા દેય સમય બાદ તૈયાર કરવાના હોય છે. જે તારીખે પુસ્તકો દેય કર્યાં હોય તેની પરત તારીખના દર્શક પછી – પુસ્તકોનાં યુગલો (book-pockets) – વાચકટિકિટ, ગ્રંથટિકિટ અને માગણીપત્રક બધું જ એકસાથે રાખીને અનુક્રમાંક પ્રમાણે ગોઠવી દેવાનાં હોય છે. વાચક પુસ્તક પરત કરવા આવે તો તિથિપત્રકમાં પરત-તારીખ, ગ્રંથકોથળીમાં અનુક્રમાંક જોઈ પરત-તારીખના દર્શકમાંથી ગ્રંથટિકિટ કાઢી પુસ્તકની કોથળીમાં મૂકી, વાચકને તેની ટિકિટ પરત કરવાની હોય છે અને ત્યારે પુસ્તક ગ્રંથાલયમાં જમા થયું એમ કહેવાય છે. ગ્રંથ-આપ-લે-વિભાગે આ રીતે પ્રતિ બે કલાકે પરત આવેલાં પુસ્તકો ગ્રંથભંડાર-વિભાગને ગોઠવવા માટે મોકલી આપવાનાં રહે છે. ગ્રંથ-આપ-લે દ્વારા વાચકોએ જે પુસ્તકોનો ઉપયોગ કર્યો હોય તેમના ભાષાવાર અને વિષયવાર આંકડા ગ્રંથાલયના ઉપયોગનું ચિત્ર પૂરું પાડે છે. આ આંકડા ગ્રંથાલયની પુસ્તકપસંદગી માટે આધાર પણ પૂરો પાડે છે. કયા વિષયના અને કઈ ભાષાનાં પુસ્તકો વધુ વંચાય છે તેનો સાચો ખ્યાલ તેથી મળે છે.

(3) સંદર્ભસેવા/અનુલયસેવા : વાચકને મદદ કરવાની વૃત્તિ એ ગ્રંથપાલની સામાન્ય ફરજનો એક ભાગ છે. દરેક ગ્રંથાલય તેના ઉપયોગકર્તાઓને વ્યક્તિગત રીતે સહાય કરે છે એને સંદર્ભસેવા અથવા અનુલય-સેવા કહે છે. ગ્રંથાલય ગમે તે પ્રકારનું હોય પણ તેના દ્વારા વાચકોને મહત્તમ અનુલય-સેવા મળે એ જરૂરી છે. અનુલય-સેવાના કાર્યક્ષેત્રમાં વાચકને તેના પ્રશ્નોના રૂબરૂમાં, ટેલિફોન અને ટપાલ દ્વારા જવાબ આપવા, વાચકોને માટે સંદર્ભગ્રંથોમાંથી માહિતી શોધી આપવી; અભ્યાસુ, વિદ્વાન અને સંશોધક વાચકોને જરૂરી સાહિત્યની સૂચિ પૂરી પાડવી, સંશોધકોને જરૂરી વિષયમાં સાહિત્યસામગ્રી શોધી આપવાના કાર્યનો સમાવેશ થાય છે.

ડૉ. રંગનાથને અનુલય-સેવાના ચાર પ્રકારો આપ્યા છે :

(1) સામાન્ય વાચકને મદદ કરવી,

(2) ઉપભોક્તાને ગ્રંથાલય-પ્રશિક્ષણ આપવું,

(3) પ્રસ્તુત અનુલય-સેવા,

(4) વ્યાપ્ત અનુલય-સેવા.

(1) સામાન્ય વાચકો ગ્રંથાલયથી પરિચિત હોય છે, છતાં તેઓ ગ્રંથાલયનો ઉપયોગ કરવાને માટે ક્યારેક મદદ માંગતા હોય છે. તેઓ કોઈ પુસ્તક/વાચનસામગ્રી શોધી ન શકતા હોય ત્યારે ગ્રંથભંડારનો અનુલયસેવક એને મદદ કરે છે. આવા સામાન્ય વાચકોને ગ્રંથાલયસૂચિના ઉપયોગ દ્વારા પુસ્તક શોધવા અંગેની કે કોઈ વિશિષ્ટ સાહિત્યસામગ્રી કયાં છે એ અંગેની માહિતી આપવામાં આવે છે. આમ તો સામાન્ય વાચકો કોઈ ખાસ પ્રશ્નો પૂછતા હોતા નથી, તેઓ ગ્રંથાલયનો ઉપયોગ કેવી રીતે કરવો એ સામાન્ય રીતે જાણતા હોય છે.

(2) ઉપભોક્તા-પ્રશિક્ષણ : નવ આગંતુક વાચકો ગ્રંથાલય સમગ્રનો ઉપયોગ કરી શકે એ માટે તેઓને ગ્રંથાલયનો ઉપયોગ કરવા માટેનું પ્રશિક્ષણ મળે એ જરૂરી છે. નવા વાચકને અનુલયી સેવકે ગ્રંથાલયના બધા જ વિભાગોની પરિક્રમા કરાવવા સાથે લઈ સહૃદયતાથી જુદા જુદા વિભાગોની ગોઠવણી, ગ્રંથાલયનાં વિવિધ સાધનો વગેરેની જાણકારી આપવી; ગ્રંથાલયના વિવિધ વિભાગો (જેવા કે સૂચિકક્ષ, ગ્રંથ-આપ-લે-વિભાગ, અનુલય-વિભાગ તથા વિવિધ ભાષાનાં પુસ્તકોના વિભાગો કે કોઈ ખાસ સંગ્રહ જુદો રખાયો હોય તો તે) બતાવવા અને તેમનો ઉપયોગ કરવા સંબંધી માહિતી આપવી જરૂરી હોય છે. વાચકને વર્ગીકરણ-પદ્ધતિ અંગે સમજ આપવી પણ આવશ્યક હોય છે, જેથી તે પોતે પોતાને જોઈતાં પુસ્તકો શોધી શકે. ગ્રંથાલયની સૂચિ એ ગ્રંથાલયનો ઉપયોગ વધારતું સાધન છે. સૂચિ મારફત વાચક વિષય પ્રમાણે, ગ્રંથનામ પ્રમાણે, કર્તા પ્રમાણે પુસ્તકો કેવી રીતે શોધી શકે તે ઉદાહરણો ટાંકીને સમજાવવાનું રહે છે. ગ્રંથાલયના નિયમો અંગેની અગાઉથી આપવામાં આવેલી સમજણ વાચકની ગેરસમજૂતી દૂર કરે છે, ગ્રંથાલય સાથેનો સંપર્ક જાળવી રાખે છે તથા ભવિષ્યમાં તેણે કેવા પ્રકારનો વ્યવહાર ગ્રંથાલયમાં કરવો જોઈએ તે અંગે માર્ગદર્શન પામે છે. ઉપભોક્તાઓને પ્રશિક્ષણ દ્વારા ગ્રંથાલય-સંસ્કાર આપવાથી ઉપભોક્તાઓ ગ્રંથાલય પાસેથી કઈ અપેક્ષાઓ રાખી શકે તેનો ખ્યાલ આવે છે અને તેથી સેવા મેળવવામાં સુગમતા રહે છે.

(3) પ્રસ્તુત અનુલય-સેવા : ગ્રંથાલયના વાચકોના પ્રશ્નોના જવાબો તાત્કાલિક આપે તે સેવા પ્રસ્તુત અનુલય-સેવા તરીકે ઓળખાય છે. અનુલય-સેવા-વિભાગમાં અદ્યતન જ્ઞાનકોશો, શબ્દકોશો, વાર્ષિકીઓ, જીવનચરિત્રાત્મક કોશો, ડિરેક્ટરીઓ વગેરે સંદર્ભગ્રંથોમાંથી વાચકોના પ્રશ્નોના જવાબો અનુલયી તાત્કાલિક શોધી આપે છે. અનુલયી સંદર્ભગ્રંથોથી સારી રીતે પરિચિત હોવાથી આ સેવા આપી શકે છે. અનુલયી સંદર્ભગ્રંથોની ગોઠવણીથી, માહિતીના વ્યાપથી અને તેની અદ્યતનતા અને અધિકૃતતા વગેરે બાબતોથી પરિચિત હોય છે. સંદર્ભગ્રંથોમાંથી અનુલયી સંદર્ભ-પ્રશ્નોના જવાબો ખૂબ જ ઓછા સમયમાં શોધી આપે છે.

(4) વ્યાપ્ત અનુલય-સેવા : વ્યાપ્ત અનુલયસેવા આપવામાં અનુલયીને વધુ સમય લાગતો હોય છે. આ પ્રકારની સેવા આપવામાં અડધા કલાકથી વધુ સમય લાગતો હોય તો તે વ્યાપ્ત અનુલય-સેવાની કક્ષામાં ગણવી જોઈએ. વ્યાપ્ત અનુલય-સેવામાં માહિતીશોધ કોઈ એક સંદર્ભગ્રંથ કે સંદર્ભગ્રંથોના કોઈ એક પ્રકાર પૂરતી સીમિત રહેતી નથી. વ્યાપ્ત અનુલયસેવાની શરૂઆત જ સંદર્ભગ્રંથોથી થાય છે અને તે સામાન્ય ગ્રંથો, પૅમ્ફ્લેટ અને સામયિકોના લેખો સુધી વિસ્તરે છે. વળી કોઈ વખત માહિતી ગ્રંથસ્થ ન થઈ હોય ત્યારે માહિતીશોધ કોઈ કોઈ તજજ્ઞ વ્યક્તિ સુધી પણ વિસ્તરે છે. માંગેલી માહિતીનો પ્રકાર પણ ઘણી વખત સેવાનો પ્રકાર નક્કી કરવામાં નિર્ણાયક બને છે. જો માગેલી માહિતીનો સમાવેશ કોઈ સંદર્ભગ્રંથમાં થયો હશે તો તે તરત જ શોધી શકશે, પણ માહિતીનો સમાવેશ કોઈ સંદર્ભગ્રંથમાં નહિ થયો હોય તો તે જલદીથી શોધી શકાશે નહિ અને તેથી સેવા વ્યાપ્ત અનુલય-સેવાના પ્રકારમાં આવી જશે. અદ્યતન કે ખૂબ પુરાણી માહિતીનો સમાવેશ ગ્રંથોમાં થયો ન હોવાથી આવી માહિતી શોધવાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે તે મોટેભાગે વ્યાપ્ત અનુલય-સેવા બની જાય છે.

ગ્રંથાલયવિસ્તરણસેવા : સાર્વજનિક ગ્રંથાલય-પ્રવૃત્તિ હેઠળ મોટાભાગના દેશોમાં ગ્રંથાલયસેવાનો વ્યાપ વિસ્તારવા માટે ગ્રંથાલય-વિસ્તરણ-પ્રવૃત્તિઓનો પ્રચાર ઉત્સાહપૂર્વક કરે છે; જેમ કે, શાખાગ્રંથાલયો, ફરતાં પુસ્તકાલયોની સેવાઓ, અપંગ અને ઘરડા વાચકો માટે ટપાલમાં પુસ્તકો મોકલીને અપાતી વાચનસેવાઓ. આમ વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, બાળકો સુધી વાચનસેવાનો લાભ વિસ્તારવા માટે ફરતું બાળપુસ્તકાલય, ફરતું મહિલા-પુસ્તકાલય વગેરેની સેવા મોટાં શહેરોમાં સાર્વજનિક ગ્રંથાલયો અમલમાં મૂકે છે. કેટલાંક સાર્વજનિક ગ્રંથાલયો વ્યક્તિગત ગ્રંથાલય-સેવાના ભાગ રૂપે હૉસ્પિટલના દર્દીઓ, જેલના કેદીઓ, અશક્ત અને અપંગો માટેનાં આશ્રયગૃહોના વાચકો સુધી ગ્રંથાલયસેવાને વિસ્તારે છે.

આંતરગ્રંથાલય ગ્રંથઉદ્ધરણસેવા (Inter Library Loan Service) : ગ્રંથાલયો વચ્ચે સહકારની ભાવના ખીલવીને સારી સેવાઓનું આયોજન થઈ શકે છે. સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આંતરગ્રંથાલય-ઉદ્ધરણ-સેવા જરૂરી છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં આંતરગ્રંથાલય-ગ્રંથઉદ્ધરણ-સેવા માટેની આચારસંહિતા ઘડાઈ છે. આ આચારસંહિતામાં વિદ્વાનોને જરૂરી સાહિત્ય ગમે તે ગ્રંથાલયમાંથી મેળવીને સંબદ્ધ ગ્રંથાલયે જ પૂરું પાડવાનું હોય છે. સ્થાનિક, પ્રાદેશિક કક્ષાએ આંતરગ્રંથાલય-ગ્રંથ-ઉદ્ધરણ-સેવા હેઠળ ઉપયોગકર્તાને જરૂરી અધ્યયનસામગ્રી સુલભ કરી આપવામાં આવે છે. સ્થાનિક કક્ષાએ કોઈ પણ વાચક સાર્વજનિક ગ્રંથાલયમાંથી પોતાને જરૂરી વાચનસામગ્રી ગમે તે ગ્રંથાલયના અધિકૃત સભાસદ પોતાની વાચક ટિકિટ ઉપર પુસ્તક દેય કરાવી શકે છે – અને ગમે તે ગ્રંથાલયમાં પુસ્તક પરત કરી શકે છે. આ યોજનામાં પુસ્તકોનો વધુમાં વધુ ઉપયોગ થાય તે હેતુથી અન્ય ગ્રંથાલયોના સભ્યોને પુસ્તક વાંચવા માટે ઉપલબ્ધ થઈ શકે છે. આવી વ્યવસ્થા અને સુવિધા ઊભી કરવાથી સંશોધકો, નિષ્ણાતોને પોતાને જરૂરી અધ્યયનસામગ્રી મળી રહે છે.

આધુનિક ગ્રંથાલય અને માહિતીકેન્દ્રોમાં ઉપર દર્શાવેલ ગ્રંથાલયશાસ્ત્રની શાસ્ત્રીય સેવાઓમાં સંદર્ભસેવા બાદ પ્રલેખનસેવા અને માહિતીસેવા – એ બે નવાં પરિમાણો ઉમેરાયાં છે. અહીં દર્શાવેલ સાત પ્રકારની માહિતીસેવા : (1) સાંપ્રત અવબોધનસેવા, (2) ચયનાત્મક માહિતી-પ્રસારણ-સેવા, (3) નિર્દેશીકરણ અને સારકરણ-સેવાઓ, (4) સાહિત્યશોધ-સેવાઓ, (5) અનુવાદસેવાઓ, (6) પ્રલેખન-રવાનગી-સેવા અને (7) પ્રતિનિર્માણસેવા. આ સેવાઓ વિશ્વવિદ્યાલય અને વિશિષ્ટ સંશોધન-સંસ્થાઓનાં ગ્રંથાલયોમાં આયોજિત થતી હોય છે. આ સાત સેવાઓમાંની પહેલી ચાર સેવાઓ વાઙ્મયસૂચિ સ્વરૂપની સેવાઓ છે; જેમાં ઉપભોક્તાઓને જરૂરી પ્રલેખોની માહિતી અને પ્રલેખો સુલભ કરી આપવામાં આવે છે. સાંપ્રત અવબોધન-સેવામાં પ્રવર્તમાન પ્રલેખોમાંથી માહિતીસેવા પૂરી પાડવામાં આવે છે, જ્યારે ચયનાત્મક માહિતીસેવામાં વિશિષ્ટ ઉપભોક્તાવર્ગને ભૂતકાલીન પ્રલેખોની જાણકારી આપવામાં આવે છે. નિર્દેશીકરણ અને સારકરણસેવામાં સંશોધકોને વિષયોમાંના પ્રકાશિત અદ્યતન માહિતીસ્રોતો વિશેની જાણકારી નિર્દેશિકાઓ અને સારકરણસેવા મારફત આપવામાં આવે છે. સંશોધકો અને વિદ્વાનોને તેમનો સમય બચાવવાના હેતુથી તેમના સંશોધનકાર્યમાં ઉપયોગી સાહિત્યની શોધ દ્વારા પ્રકાશિત થયેલ સાહિત્યની સૂચિ પૂરી પાડવામાં આવે છે. અનુવાદસેવા હેઠળ ઉપયોગકર્તા ઉપયોગી મૂળ પ્રલેખથી અજાણ હોઈ તેમાં પ્રલેખોનો ઉપભોક્તા જાણતો હોય તે ભાષામાં અનુવાદ કરી તે પૂરો પાડવામાં આવે છે. ઉપભોક્તાને જરૂરી એવી પ્રલેખોની ફોટોનકલો પણ પૂરી પાડવાની સેવા ગ્રંથાલયો પ્રતિનિર્માણસેવા હેઠળ આપે છે.

કિરીટ ભાવસાર

પાયલ વ્યાસ