ગ્રંથિઓ : શરીરની ચયાપચયની અને અન્ય વિવિધ પ્રક્રિયાઓમાં અગત્યના રાસાયણિક ઘટકોના સ્રાવ કરનાર પેશી અથવા અંગો. દાખલા તરીકે ત્વચા પર આવેલી કેટલીક ગ્રંથિઓ ત્વચાને ભીની રાખવામાં મદદરૂપ નીવડે છે. પચનાંગો સાથે સંકળાયેલી ગ્રંથિઓ ખોરાકના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે. સસ્તનોમાં આવેલી સ્તનગ્રંથિઓ સંતાનોને પોષક દ્રવ્ય પૂરું પાડે છે. અંત:સ્રાવો શરીરમાં આવેલાં જુદાં જુદાં અંગોનાં કાર્યો પર નિયંત્રણ રાખે છે. થાયમસ ગ્રંથિ શરીરના સૂક્ષ્મ આક્રમકો સામે રક્ષણ પૂરું પાડે છે.

મોટા ભાગની ગ્રંથિઓનું વિભાજન અંત:સ્રાવી (endocrine) અને બહિ:સ્રાવી (exocrine) એમ બે પ્રકારે કરવામાં આવે છે. કેટલીક ગ્રંથિઓ પોતાના સ્રાવોનું વિમોચન પર્યાવરણમાં કરે છે. આવા સ્રાવો સંમોહકો કે કીટ – આકર્ષકો (pheromones) તરીકે ઓળખાય છે.

અંત:સ્રાવી ગ્રંથિઓ : આ ગ્રંથિઓને નલિકાઓ હોતી નથી તેથી તે નલિકારહિત ગ્રંથિ (ductless glands) તરીકે ઓળખાય છે. તેમાંની મોટા ભાગની ગ્રંથિઓ ઋણાત્મક પ્રતિપોષ (negative feed- back) નિયમન હેઠળ કાર્ય કરી શરીરની ક્ષમતા જાળવે છે. રુધિરમાં જો કૅલ્શિયમનું પ્રમાણ ઘટે તો પરાગલ (parathyroid) ગ્રંથિના સ્રાવનું પ્રમાણ વધવાથી તેની અસર હેઠળ રુધિરમાં કૅલ્શિયમનું પ્રમાણ વધે છે; પરંતુ જો રુધિરમાં કૅલ્શિયમનું પ્રમાણ વધે તો પરાગલગ્રંથિનો સ્રાવ ઘટે છે. પરાગલગ્રંથિનો સ્રાવ ઘટવાથી રુધિર ઓછા પ્રમાણમાં કૅલ્શિયમનો સ્વીકાર કરે છે. આવી રીતે, પ્રતિપોષ નિયમન હેઠળ પરાગલગ્રંથિ રુધિરમાં કૅલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે. તણાવ દરમિયાન અધિવૃક્ક (adrenal) ગ્રંથિનો સ્રાવ શરીરનાં વિવિધ અંગોને (ખાસ કરીને સ્નાયુઓને) ઝડપથી કાર્ય કરવા પ્રેરે છે. તે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. રુધિરદાબમાં વધારો થાય ત્યારે હૃદયના ધબકારા વેગીલા બને છે. મગજમાં આવેલી અધશ્ચેતકગ્રંથિ(hypothalamus)માંથી સ્રવતા વિમોચક અંત:સ્રાવો(releasing hormones)ની અસર હેઠળ પીયૂષિકા(pituitary-gland)માં ઉત્તેજક-અંત:સ્રાવો(stimulating hormones)નું વિમોચન થવાથી ગલગ્રંથિ (thyroid gland), જનનપિંડો, અધિવૃક્બાહ્ય ગ્રંથિઓ વધુ ક્રિયાશીલ બને છે. જનનાંગો સાથે સંકળાયેલી ગ્રંથિઓના અંત:સ્રાવની અસર હેઠળ પ્રજનન, ભ્રૂણવિકાસ, દુગ્ધસ્રાવ જેવી પ્રક્રિયાઓને ઉત્તેજન મળે છે.

પાચનતંત્રમાંથી સ્રવતો ગૅસ્ટ્રિન અંત:સ્રાવ જઠરમાં આવેલી HCl અને પાચકરસની ગ્રંથિઓને ક્રિયાશીલ બનાવે છે, જ્યારે નાના આંતરડામાં સ્રવતો સિક્રીટિન અંત:સ્રાવ સ્વાદુપિંડ તેમજ આંતરડાનો પાચકરસ સ્રવતી ગ્રંથિઓને ક્રિયાશીલ બનાવે છે.

બહિ:સ્રાવી ગ્રંથિઓ : અન્નમાર્ગમાં સ્રાવ કરતી લાળગ્રંથિ તથા જઠરગ્રંથિ જેવી ગ્રંથિઓ બહિ:સ્રાવી ગ્રંથિઓ તરીકે ઓળખાય છે. નલિકાઓ દ્વારા તેમનો સ્રાવ વિશિષ્ટ ક્ષેત્રોમાં થાય. અન્નમાર્ગ સાથે સંકળાયેલ સ્વાદુપિંડમાં કેટલીક બહિ:સ્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે. તેમના સ્રાવને નલિકાઓ દ્વારા અન્નમાર્ગમાં ઠાલવવામાં આવે છે. યકૃત પણ એક ગ્રંથિ તરીકે પિત્ત રસનો સ્રાવ કરે છે. આ બધી ગ્રંથિઓ ખોરાકના પાચનમાં અત્યંત સહાયકારી નીવડે છે. પ્રોટીનના પાચન સાથે સંકળાયેલી ગ્રંથિઓના સ્રાવ સક્રિયાશીલ અવસ્થામાં કરવામાં આવે છે. અન્નમાર્ગમાં તે ક્રિયાશીલ બનીને પ્રોટીનના ઘટકોને એમિનોઍસિડરૂપે છૂટા પાડે છે. તે જ પ્રમાણે જઠરગ્રંથિ HClનો સ્રાવ H+ અને Cl આયનોમાં કરે છે, જે જઠરમાં HClમાં ફેરવાય છે. લાળગ્રંથિમાંથી સ્રવતી લાળ ચીકણી હોય છે. પરિણામે અન્નમાર્ગમાંથી ખોરાકનું વહન સુગમ બને છે.

શ્લેષ્મગ્રંથિ : દેડકો અને માછલી જેવાં પ્રાણીઓની ત્વચા પર શ્લેષ્મગ્રંથિઓ આવેલી હોય છે. શ્લેષ્મને લીધે આવાં પ્રાણીઓની ત્વચા ભીની રહે છે અને તે સુકાઈ જતી નથી. ભીનાશને લીધે ત્વચા મારફત શ્વસન સરળ બને છે. આ પ્રાણીઓની ઝાલરો પણ શ્લેષ્મનો સ્તર ધરાવે છે. શ્લેષ્મને લીધે ભક્ષકોના મોંમાંથી આવાં પ્રાણીઓ છટકી જઈ શકે. વળી, શ્લેષ્મ અરોચક પણ હોવાથી કેટલાક ભક્ષકો આવાં પ્રાણીઓનું ભક્ષણ પણ કરતા નથી.

અશ્રુગ્રંથિ : આંખો સાથે સંકળાયેલી આ ગ્રંથિઓ આંખને ભીની રાખે છે. દુ:ખ કે આનંદની લાગણી પણ ઘણીવાર અશ્રુ દ્વારા વ્યક્ત થાય છે.

સ્તનગ્રંથિ : આ ગ્રંથિઓના સ્રાવ સસ્તનોનાં સંતાનોને પોષક તત્વો પૂરાં પાડે છે.

તૈલગ્રંથિ : તેનો સ્રાવ ત્વચા અને વાળને સુંવાળાં બનાવે છે. વળી સ્રાવમાં મીણ જેવો પદાર્થ હોવાથી તે ચામડીને શુષ્ક થતી અટકાવે છે.

સ્વેદગ્રંથિ : સસ્તનોની ત્વચા પર આવેલી આ ગ્રંથિઓ ત્વચાને શીતલ રાખે છે. શરીરની ઉષ્ણતા જાળવવામાં પણ તે મદદરૂપ નીવડે છે. વળી સ્વેદ વાટે કેટલેક અંશે દ્રાવ્ય નાઇટ્રોજનયુક્ત કચરાનો નિકાલ થાય છે.

સંમોહકો : બહિ:સ્રાવોની અસર સ્રવિત ક્ષેત્ર પૂરતી મર્યાદિત હોય છે. જ્યારે અંત:સ્રાવોનો પ્રસાર રુધિર વાટે શરીરના જુદા જુદા ભાગમાં થાય છે અને ત્યાં તે અસરકારક નીવડે છે; પરંતુ સંમોહકોના સ્રાવ પર્યાવરણમાં કરવામાં આવે છે. પર્યાવરણમાં વાસ કરતા સ્વજાતીય પ્રાણીઓ પર તે પ્રભાવક નીવડે છે. આ ગ્રંથિઓના સ્રાવ પ્રવાહી કે વાયુરૂપે થાય છે. તેના કણો પર્યાવરણમાં ફેલાતાં સજાતીય સભ્યો તેને સંદેશ રૂપે ઝીલે છે. મોટે ભાગે આ સંદેશાથી વિરુદ્ધ જાતિ(opposite sex)ના સભ્યો આકર્ષાતા હોય છે. પતંગિયાં કે ફૂદાં જેવા કીટકો ઉડ્ડયન કરીને લાંબું અંતર કાપતા હોય છે. તેમની માદાઓ દ્વારા વિમોચિત સંમોહકો 3 કિમી. અંતરે ઉડ્ડયન કરતા નરને પણ આકર્ષે છે. આવાં સંમોહકોનો ઉપયોગ હાલમાં કીટકનિયંત્રણ માટે મોટા પાયા પર કરવામાં આવે છે.

પ્રજનનકાળ દરમિયાન ગરમીમાં આવેલાં કૂતરાં કે બિલાડી જેવાં સસ્તનો પેશાબમાં વિમોચિત કરેલ સંમોહકની ગંધને પારખી સમાગમ માટે આકર્ષાય છે. સંમોહકો દાંપત્યજીવનમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. કેટલાંક પક્ષીઓ સાથીએ વિમુક્ત કરેલ સંમોહકોની અસર હેઠળ ઈંડાં મૂકવાની જગ્યા, વિશ્રાંતિસ્થાન અને ખોરાકપ્રાપ્તિનાં સ્થાનો અચૂક શોધી કાઢે છે. સંમોહકો સંભાવ્ય સંકટની પણ જાણકારી આપે છે. રાણી મધમાખીએ વિમુક્ત કરેલ સંમોહક સંદેશને ઝીલી કામદાર (worker) મધમાખી મધપૂડામાં રહેલ સંતાનોની દેખભાળ કરવા પ્રેરાય છે. રાણીના ફેરોમોન્સ(સંમોહકો)ના સંસર્ગમાં જે ભાવી રાણી આવે તે વંધ્ય બની જાય છે અને તેથી રાણી મધમાખી ને ભાવી રાણીના ખાના તરફ જવા દેવામાં આવતી નથી. પ્રાણીઓના સામાજિક વર્તનમાં પણ સંમોહકો મહત્વનો ભાગ ભજવે છે.

સંમોહકોનું અસ્તિત્વ કીટકોમાં શોધાયું હતું. કીટકોનાં સંમોહકોના અભ્યાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. સંમોહકોને અગાઉ કીટ-આકર્ષકો તરીકે ઓળખવામાં આવતાં.

મ. શિ. દૂબળે