ગ્રંથસાહિબ (શ્રી ગુરુ) : શીખ ધર્મનું મહામાન્ય પુસ્તક. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવજીએ આ ગ્રંથ ઈ. સ. 1604માં શરૂ કર્યો. રામસર (અમૃતસર) મુકામે પ્રથમ ચાર ગુરુસાહેબોની વાણી, પોતાની રચના અને ભક્તોની વાણી એકત્ર કરીને 1605માં ભાઈ ગુરુદાસજીના વરદ હસ્તે તે પૂર્ણ થયો. ગ્રંથની આ મૂળ પ્રત અત્યારે કરતારપુરના ગુરુદ્વારામાં છે.

પછી એક નકલ ભાઈ બન્નેજીએ તૈયાર કરી, જે તેમનાં કુટુંબીજનો પાસે છે. ત્રીજી અને અંતિમ આવૃત્તિ ગુરુ ગોવિંદસિંઘે ઈ. સ. 1606–07 દરમિયાન દમદમા મુકામે નવમા ગુરુ શ્રી તેગબહાદુરજીની વાણીનો ઉમેરો કરીને તૈયાર કરેલી. આ ગ્રંથની વાણી 31 રાગોમાં છે. 1,430 પાનાંમાં 5,867 કાવ્યો છે. આ ગ્રંથસાહિબમાં છ શીખ ગુરુઓ ઉપરાંત 30 જેટલા વિવિધભાષી સંતો અને ભક્તોની વાણી ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, સંપ્રદાય ઇત્યાદિના કોઈ ભેદભાવ વિના અંકિત થયેલી છે; દા.ત., કબીરજી, રામાનંદ, પરમાનંદ (બધા ઉત્તરપ્રદેશ), નામદેવ, ત્રિલોચન (મહારાષ્ટ્ર), જયદેવ (બંગાળ), શનો અને પીપો (ગુજરાત), સંધના (સિંધ), બેણી (બિહાર), ફરીદ, સૂરદાસ, સુંદર, સત્તા (પંજાબ) વગેરે ભક્તોની વાણી ગ્રંથસ્થ થયેલી છે.

ઈ. સ. 1609માં ગુરુ ગોવિંદસિંઘજીએ પોતાના પછી ગુરુપદ ગ્રંથસાહિબને સોંપ્યું ત્યારથી ગ્રંથસાહિબની આગળ ‘ગુરુ’ શબ્દ લગાડવામાં આવે છે.

ગ્રંથસાહિબની વાણી કલ્યાણકારી છે. ગ્રંથસાહિબ દ્વારા સાંપડતો ઉપદેશ મનુષ્યજાતિના કોઈ એક વર્ગ માટે નહિ; પરંતુ સમગ્ર માનવતા માટે છે. વળી એમાં મનુષ્યજીવનની સફળતા માટેનો સુગમ માર્ગ દર્શાવેલ છે.

દર્શનસિંઘ બસન