ગુર્જર વંશ : પશ્ચિમ ભારતમાંના કેટલાક રાજવંશ. એ વંશના રાજાઓ પોતે ગુર્જર જાતિના હતા કે તેઓ ગુર્જરદેશ પર રાજ્ય કરતા હોવાથી એ રીતે ઓળખાયા એ વિવાદાસ્પદ છે.

રાજસ્થાનમાં છઠ્ઠી સદીના મધ્યમાં વિપ્ર હરિચન્દ્રનો વંશ સત્તારૂઢ થયો. એને ક્ષત્રિય રાણીથી થયેલ પુત્રો અને તેમના વંશજો પ્રતિહારો તરીકે ઓળખાયા. આ વંશના રાજા બાઉક અને કક્કુકના ઈ. સ. 837 અને 861ના શિલાલેખ મળ્યા છે.

પ્રતિહાર કુળનો એક બીજો રાજવંશ નાગભટ્ટમાંથી ઉત્પન્ન થયો હતો. નાગભટ્ટ પહેલો આઠમી સદીના પૂર્વાર્ધમાં થયો. રાજા વત્સરાજ (ઈ. સ. 788–793) ઘણો પ્રતાપી હતો. એ માળવા તેમજ મધ્ય અને પૂર્વ રાજસ્થાન પર સત્તા ધરાવતો. એના પુત્ર નાગભટ્ટ બીજાએ કનોજ પર પોતાનું શાસન પ્રવર્તાવ્યું. એ ‘નાગાવલોક’ તથા ‘આમ’ નામે પણ ઓળખાતો. એના પૌત્ર ભોજે ગુર્જરદેશના પ્રતિહાર રાજ્ય પર તથા સૌરાષ્ટ્ર પર પોતાનું આધિપત્ય પ્રવર્તાવ્યું. એ ‘આદિવરાહ’ અને ‘મિહિર’ તરીકે પણ ઓળખાતો. એણે લગભગ ઈ. સ. 836થી 885 સુધી રાજ્ય કર્યું. એનો પુત્ર મહેન્દ્રપાલ પણ પ્રતાપી હતો. મહીપાલ-(ઈ. સ. 912–942)ના સમયમાં કનોજના પ્રતિહાર રાજ્યની સત્તાનો હ્રાસ થયો ને એ સામ્રાજ્ય કનોજ પ્રદેશમાં સીમિત થઈ ગયું.

નાંદીપુર-ભરુ કચ્છનો રાજવંશ ‘ગુર્જરનૃપતિવંશ’ કહેવાતો. એ વંશનો સ્થાપક સામંત દદ્દ પ્રાય: ગુર્જરદેશના પ્રતિહાર રાજા હરિચન્દ્રનો કનિષ્ઠ પુત્ર હતો.

હરિપ્રસાદ શાસ્ત્રી