ગુર્જરો : જાતિવાચક તેમજ પ્રદેશવાચક સંજ્ઞા. સંભવત: ભારતમાં આવી વસેલી મધ્ય એશિયાની કોઈ વિદેશી જાતિના નામનું રૂપાંતર. ‘ગુર્જર’ નામ પહેલવહેલું સાતમી સદીના સાહિત્યમાં દેખા દે છે. એ પહેલાંની સાહિત્યિક તથા આભિલેખિક નામાવલીઓમાં તે પ્રયોજાયું નથી. ‘ગુર્જર’ શબ્દ જાતિવાચક નહિ, પણ પ્રદેશવાચક હોવાનુંય સૂચવાયું છે; પરંતુ એ તર્ક ગ્રાહ્ય જણાતો નથી. ગુર્જરો મૂળમાં શકો, કુશાનો, કેદારો, હૂણો, ખઝરો વગેરે હોવાનું સૂચવાયું છે. ‘ગુર્જર’ નામના મૂળમાં गुज्र શબ્દ હોવાનું ને એ શબ્દ ‘જ્યૉર્જિયા’નું અરબ રૂપ હોવાનું જણાય છે.

ગુર્જરો પેશાવરથી પંજાબ થઈ દક્ષિણ રાજસ્થાનમાં સ્થિર થઈ, આગળ જતાં ગુજરાત અને દખ્ખણ સુધી વસ્યા લાગે છે. સાતમી સદીમાં દક્ષિણ રાજસ્થાનમાં ભીનમાલની આસપાસનો પ્રદેશ ‘ગુર્જર’ નામે ઓળખાયો. એ પછી બે-ત્રણ સદીઓ સુધી ત્યાં પ્રતિહારોની સત્તા પ્રવર્તી. તેઓ ગુર્જર હોવાનો સંભવ છે. ત્યારે આ નામ એ પ્રદેશ માટે જ પ્રયોજાયું હતું. સોલંકી વંશના સ્થાપક મૂલરાજે રાજસ્થાનથી ઉત્તર ગુજરાત પર પોતાની સત્તા પ્રસારી ત્યારથી આ નામ હાલના ગુજરાત માટે પણ પ્રયોજાવા લાગ્યું. ‘ગુજરાત’ નામમાં गुज्र + आत હોવાનું જણાય છે. પ્રતિહારો અને ભટ્ટિઓ તથા ચૌહાણો, પરિહારો, પરમારો, સોલંકીઓ તથા ચંદેલો, ચાવડાઓ, મેરો, સિસોદિયાઓ વગેરે જેવા ગુર્જર વર્ગ ક્ષત્રિય ગણાયા. મારવાડના ઓસવાળો અને ગુજરાતના કણબીઓ ગુર્જર હોવા સંભવે છે. ગુજરાતમાં સુથારો, કડિયા, રબારીઓ વગેરે ગુર્જરો ગણાય છે. આમ ગુર્જરો મૂળમાં વિદેશી હોવા છતાં ભારતમાં શતકો સુધી વસ્યા ને અંતે અહીંના સમાજમાં જુદા જુદા સ્વરૂપે ભળી ગયા.

હરિપ્રસાદ શાસ્ત્રી