ગુર્જરો, નાંદીપુર – ભરુ કચ્છના

February, 2011

ગુર્જરો, નાંદીપુર – ભરુ કચ્છના : ગુર્જર દેશના રાજવીઓનો વંશ. છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં ભરૂચ જિલ્લાના વિસ્તારમાં ગુર્જરનૃપતિવંશની સત્તા સ્થપાઈ. આ વંશના 13 દાનશાસન મળ્યાં છે, જેમ કલચુરિ વર્ષ 380થી 486(ઈ. સ. 629થી 736)ના છે. દાનશાસનોમાં આ રાજવંશને ‘ગુર્જર નૃપતિવંશ’ કહ્યો છે. એની રાજધાની શરૂઆતમાં નાંદીપુરી  – નાંદીપુર(નાંદોદ)માં હતી.

આ વંશનો સ્થાપક સામન્ત દદ્દ ગુર્જર દેશના પ્રતિહાર રાજા હરિચન્દ્રનો કનિષ્ઠ પુત્ર દદ્દ લાગે છે. એણે કટચ્ચુરિ રાજવીના આધિપત્ય નીચે ઈ. સ. 570ના અરસામાં આ પ્રદેશમાં સત્તા સ્થાપી લાગે છે. એનો ઉત્તરાધિકાર એના પુત્ર જયભટ – વીતરાગને મળ્યો. એનો પુત્ર દદ્દ પ્રશાંતરાગ આ વંશનો પ્રતાપી રાજા હતો. એનાં ઈ. સ. 629થી 642ના પાંચ દાનશાસન મળ્યાં છે. એમાં અંકલેશ્વર અને સંખેડા પ્રદેશની ભૂમિ દાનમાં દીધાનું જણાવ્યું છે. એનો ઉત્તરાધિકાર એના પુત્ર જયભટ બીજાને પ્રાપ્ત થયો. એણે કાવી પાસે જયાદિત્યનું મંદિર બંધાવ્યું લાગે છે. એના પુત્ર દદ્દ બાહુસહાયે ભરુ કચ્છ પ્રદેશ જીતી લીધો ને રાજધાની ભરૂચમાં રાખી. અગાઉના રાજાઓ આદિત્યભક્ત હતા, જ્યારે પછીના રાજાઓ માહેશ્વર હતા. જયભટ ત્રીજાએ ઈ. સ. 706 અને 710માં ભૂમિદાન દીધેલું. એનો પૌત્ર જયભટ ચોથો આ વંશનો છેલ્લો જ્ઞાત રાજા છે. એણે તજ્જિક (અરબ) સેનાને હરાવેલી (ઈ. સ. 726) ઈ. સ. 736માં એણે બે ભૂમિદાન દીધેલાં.

હરિપ્રસાદ શાસ્ત્રી