ગુડમાર : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ક્લેપિયેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gymnema sylvestre R. Br. (સં. મેષશૃંગી, મધુનાશિની; હિં. ગુડમાર, મેઢાશિંગી, મેરસિંગી, છોટી દુધીલતા; બં. ગડલસિંગી, મેરા-શિંગી; મ. કાવળી, પિતાણી, વાખંડી; ગુ. ગુડમાર, ગુમાર, ખરશિંગી, ધુલેટી, મદરસિંગી; કો. રાનમોગરા; તે. પોડાપત્રી; તામ. આદિગમ, ચેરુકુરિન્જા) છે. તેના સહસભ્યોમાં ડોડી, કુંજલતા, માલતી, શ્વેતગંધા, પાતાળતુંબડી, કાકાતુંડી વગેરેનો સમાવેશ થાય છે.

ગુડમાર(Gymnema sylvestre)ની પુષ્પિત શાખા

વિતરણ અને સ્વરૂપ : તે ખૂબ મોટી, વધતે ઓછે અંશે રોમિલ, કાષ્ઠમય આરોહી વનસ્પતિ છે અને ડૅકન દ્વીપકલ્પમાં જોવા મળે છે. તે કોંકણ, મહાબળેશ્વર, ધારવાડ અને બેલગામના વિસ્તારોમાં તથા કેટલીક વાર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પણ થાય છે. ગુજરાતમાં અમદાવાદ પાસે ડભોડા અને ફાર્મસી કૉલેજના ઉદ્યાનમાં તથા છોટા-ઉદેપુરનાં જંગલોના દુગથા ગામે આ વેલ મળી આવે છે. સૌરાષ્ટ્રમાં તે ભાગ્યે જ જોવા મળે છે. પશ્ચિમ ઘાટ, કોંકણ, તામિલનાડુ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં કેટલાંક સ્થળોએ ઔષધીય વનસ્પતિ તરીકે તેનું વાવેતર કરવામાં આવે છે. તે સૂકી અને પડતર જમીનમાં થાય છે. પર્ણો સાદાં, સામાન્યત: ઉપવલયી (elliptic) કે અંડાકાર (3.0–5.0 સેમી. x 1.25–3.0 સેમી.) હોય છે. પુષ્પો નાનાં અને પીળાં હોય છે અને પરિમિત છત્રક (umbel) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળો એકસ્ફોટી (follicle) યુગ્મ સ્વરૂપે જોવા મળે છે. તેઓ મૂસળાકાર (terete) કે ભાલાકાર હોય છે અને 7.5 સેમી. સુધીની લંબાઈ ધરાવે છે. પર્ણો, પુષ્પ અને ફળ તોડવાથી દૂધ નીકળે છે. પર્ણોનું દૂધ મહિનાઓ સુધી સુકાતું નથી.

ઉત્પાદન : 2000 કિગ્રા. તાજા છોડ/હૅક્ટર; 12,000 કિગ્રા. પર્ણો હૅક્ટર/વર્ષ. 2003માં ગુડમારના પાઉડરની અંદાજે 9000 કિગ્રા.ની આયાત અને લગભગ 5000 કિગ્રા. નિષ્કર્ષની નિકાસ થઈ હતી.

ગુણધર્મો અને ઉપયોગ : ગુડમાર ક્ષુધાવર્ધક (stomachic), ઉત્તેજક, રેચક (laxative), કફ-નિરોધક (cough-suppresant) અને મૂત્રલ (diuretic) ગુણધર્મો ધરાવે છે. તે કફ, પિત્તદોષ (biliousness) અને નેત્રદાહ(sore eyes)માં ઉપયોગી છે. ગુડમારનાં પર્ણો ચૂસવામાં આવે તો થોડાક કલાક માટે મીઠા અને કડવા સ્વાદની સંવેદના જતી રહે છે. ખાટા સ્વાદ પર તેની અસર થતી નથી; જ્યારે ખારા સ્વાદ પર બહુ ઓછી અસર થાય છે. પર્ણોનો કેટલીક વાર મધુપ્રમેહમાં ઉપયોગ કરવામાં આવે છે. જોકે પર્ણના ચૂર્ણની કે તેના આલ્કોહોલીય નિષ્કર્ષની મધુપ્રમેહના દર્દીઓના રુધિરમાં કે મૂત્રમાં શર્કરાની સાંદ્રતા પર કોઈ અસર થતી નથી. પ્રાયોગિક પ્રાણીઓને મોં દ્વારા કે અંત:ક્ષેપણ દ્વારા ગુડમાર આપતાં તેમને અલ્પગ્લુકોઝરક્તતા (hypoglycaemia) થાય છે. આ અસર સ્વાદુપિંડ દ્વારા થતા ઇન્સ્યુલિન સ્રાવના પરોક્ષ ઉત્તેજન કારણે ઉદભવે છે. હાલમાં તેનો તજ, ક્રોમિયમ, ઝિંક, બાયોટિન, બનાબા, હકલબેરી અને બીટર મૅલોન જેવા અન્ય ઘટકો સાથે મધુપ્રમેહની નૈસર્ગિક ચિકિત્સામાં ઉપયોગ થાય છે.

પર્ણનું ચૂર્ણ સ્વાદવિહીન હોય છે અને આછી આનંદદાયી સુવાસ ધરાવે છે. તે હૃદય અને રુધિરાભિસરણતંત્રને ઉત્તેજે છે. મૂળના સ્રાવમાં વધારો કરે છે અને ગર્ભાશયને સક્રિય કરે છે. રેચક ગુણધર્મ ઍન્થ્રેક્વિનોન વ્યુત્પન્નોની હાજરીને આભારી છે. ઔષધનો ઉપયોગ વિકૃતસ્વાદુતા (parageusia) ચામડી પર થતી નાની ફોલ્લીઓના રોગમાં અને નસ્ય (errhine) તરીકે થાય છે.

જૈવ રસાયણ : શુષ્ક પર્ણોના ચૂર્ણનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 4.42 %, ભસ્મ 11.45 %, પેટ્રોલિયમ દ્રાવ્ય 6.21 %, ઇથર દ્રાવ્ય 1.72, આલ્કોહોલ દ્રાવ્ય 12.16 %, આલ્બ્યુમિન 0.45 %, આલ્બ્યુમિનૉઇડો : જલદ્રાવ્ય 1.95 % અને આલ્કલી દ્રાવ્ય 5.91 %, શ્લેષ્મ : જલદ્રાવ્ય 4.98 % અને આલ્કલી દ્રાવ્ય 2.72 %, ઑર્ગેનિક ઍસિડ 5.50 %, પૅરારેબિન 7.26 %, કૅલ્શિયમ ઑક્ઝેલેટ 7.30 %, લિગ્નિન 4.80 % અને સેલ્યુલોઝ 22.65 %. તેની ભસ્મનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : k2O 14.73 %, Na2O 8.56 %, CaO 20.72 %, MgO 2.75 %, Fe2O3 5.44 %, Al2O3 0.92 %, Mn 1.31 %, CO2 11.66 %, SO3 6.04 %, P2O5 6.73 %, SiO2 (અદ્રાવ્ય) 11.90, SiO2 (દ્રાવ્ય) 5.79 % અને Cl 3.35 %.

ગુડમારના મુખ્ય જૈવસક્રિય (bioactive) ઘટકોમાં જિમ્નેમિક ઍસિડ તરીકે જાણીતા ઑલીએનેન પ્રકારના ટ્રાઇટર્પેનૉઇડ સેપોનિનનો સમૂહ છે. જિમ્નેમિક ઍસિડ ડીઍસાઇલ-જિમ્નેમિક ઍસિડ(DAGA)ના કેટલાક એસાઇલેટેડ વ્યુત્પન્નો છે; જે જિમ્નેમેજેનિનના 3–0–ગ્લુક્યુરોનાઇડ છે. વ્યક્તિગત જિમ્નેમિક ઍસિડ(સેપોનિન)માં જિમ્નેમિક ઍસિડ I-VII, જિમ્નેમોસાઇડો A–F અને જિમ્નેમાસેપોનિનોનો સમાવેશ થાય છે.

ગુડમારનાં પર્ણો ઑલીએનેન અને ડૅમારિન વર્ગનાં ટ્રાઇટર્પિન સેપેનિન ધરાવે છે. ઑલીએનેન સેપોનિનમાં જિમ્નેમિક ઍસિડો અને જિમ્નેમાસેપોનિનોનો અને ડૅમારિનસેપોનિનમાં જિમ્નેમોસાઇડોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય વનસ્પતિઘટકોમાં ફ્લૅવોન, ઍન્થ્રેક્વિનોન, હેન્ટ્રાઇઍકોન્ટેન, પેન્ટાટ્રાઇઍકોન્ટેન, a અને b-ક્લોરોફિલ, ફાઇટિન, રાળ, α-ક્વિર્સિટોલ, ટાર્ટારિક ઍસિડ, ફૉર્મિક ઍસિડ, બ્યુટિરિક ઍસિડ, લ્યુપીઓલ, β-ઍમાયરિન સંબંધિત ગ્લાયકોસાઇડો અને સ્ટિગ્મેસ્ટૅરોલનો સમાવેશ થાય છે. વનસ્પતિનિષ્કર્ષ આલ્કેલૉઇડ માટે ધનાત્મક કસોટી આપે છે. આ જાતિનાં પર્ણો ઍસિડિક ગ્લાયકોસાઇડો, ઍન્થ્રોક્વિનોન અને તેમના વ્યુત્પન્નો ઉત્પન્ન કરે છે.

જિમ્નેમિક ઍસિડ મધુપ્રમેહરોધી (anti-diabetic), મધુરતારોધી (anti-sweetener) અને શોથ-રોધી (anti-inflammatory) સક્રિયતા દર્શાવે છે.

ગુરમેનિક ઍસિડ સક્રિય ઘટક હોવાનું માનવામાં આવે છે. તેનું બંધારણ સૅકેરોઝ જેવું હોય છે. ગુડમારના નિષ્કર્ષોનો અલ્પગ્લુકોઝરક્તતા, સ્થૂળતા, કૉલેસ્ટેરોલની ઊંચી સાંદ્રતા, પાંડુરોગ અને પાચનસંબંધી રોગોની ચિકિત્સામાં ઉપયોગ થાય છે.

ગુડમારનો જલદ્રાવ્ય નિષ્કર્ષ ઉંદર અને મનુષ્યના β-કોષો(0.125 મિગ્રા./મિલી. સાંદ્રતાએ આપતાં)માં અંત:કોષીય (intracellular) કૅલ્શિયમ અને ઇન્સ્યુલિન સ્રાવમાં પ્રતિવર્તી (reversible) વધારો થાય છે.

ગુડમારની ક્રિયાવિધિ : જિમ્નેમિક ઍસિડ સૂત્રણ (formulation) સ્થૂળતા સામે ઉપયોગી જણાયા છે; કારણ કે જિમ્નેમિક ઍસિડ રુધિરમાં થતા ગ્લુકોઝના શોષણને વિલંબમાં નાખે છે. જિમ્નેમિક ઍસિડ અને ગ્લુકોઝની પરમાણ્વીય (atomic) ગોઠવણી સમાન હોય છે. આ અણુઓ સ્વાદકલિકાઓ પર આવેલો ગ્રાહી (receptor) સ્થાનો પર ગોઠવાઈ ખોરાકમાં રહેલા શર્કરાના અણુ દ્વારા થતા સક્રિયણને અટકાવે છે અને તેથી શર્કરાની તીવ્ર ઇચ્છા પર અંકુશ આવે છે. તે જ પ્રમાણે આંતરડાંનાં શોષક સ્તરોનાં ગ્રાહી સ્થાનો જિમ્નેનિક ઍસિડના અણુઓથી ભરાઈ જાય છે. તેથી આંતરડાં દ્વારા શર્કરાના અણુઓનું શોષણ અટકે છે અને રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે.

ગુડમારનાં પર્ણો દ્વારા પ્રયોગશાળાનાં પ્રાણીઓમાં અલ્પગ્લુકોઝરક્તતા થાય છે. પુખ્ત વ્યક્તિમાં થતા મધુપ્રમેહની શરૂઆતમાં તેનાં પર્ણો ઔષધિ તરીકે આપવામાં આવે છે. તેનો નિષ્કર્ષ સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનના સ્રાવમાં વધારો કરે છે. આ સંયોજનો મળોત્સર્જન દરમિયાન કૉલેસ્ટેરોલના નિકાલમાં વધારો કરે છે. અતિકોલેસ્ટરરક્તતા(hypercholesterolemia)ની ચિકિત્સામાં તેના ઔષધીય મહત્વ વિશેનાં સંશોધન જરૂરી છે.

ગુડમારના પર્ણના નિષ્કર્ષમાં રહેલ ગુડમારિન પેપ્ટાઇડ છે અને તેની અસર જિમ્નેમિક ઍસિડ જેવી જ હોય છે. ગુડમારનાં પર્ણો અને ખાસ કરીને જિમ્નેમિક ઍસિડની કેટલીક સંભવિત ક્રિયાવિધિઓ આ પ્રમાણે છે :

(1) તે ઇન્સ્યુલિનના સ્રાવમાં વધારો કરે છે.

(2) તે લૅંગરહાનના કોષપુંજના પુનર્જનન(regeneration)ને ઉત્તેજે છે.

(3) તે ગ્લુકોઝના ઉપયોગમાં વધારો કરે છે. ઇન્સ્યુલિન-આધારિત પથ દ્વારા ગ્લુકોઝના ઉપયોગ માટે જવાબદાર ઉત્સેચકોની સક્રિયતામાં વધારો કરે છે. તે ફૉસ્ફોરાયલેઝની સક્રિયતામાં વધારો કરે છે. ગ્લુકોનવજનન (gluconeogenesis) ઉત્સેચકો અને સોર્બિટોલડી-હાઇડ્રોજીનેઝમાં ઘટાડો થાય છે.

(4) તે આંતરડાં દ્વારા થતા ગ્લુકોઝના શોષણને અટકાવે છે.

ઇન્સ્યુલિનનો અવરોધ પુખ્ત વ્યક્તિમાં મધુપ્રમેહના પ્રારંભ માટે જવાબદાર ક્રિયાવિધિ છે. ઇન્સ્યુલિન ગ્રાહીમાં થઈને કોષમાં ઇન્સ્યુલિનની પ્રવેશવાની બિનક્ષમતાને લીધે મધુપ્રમેહનો પ્રારંભ થાય છે. ગુડમાર આ અવરોધ અટકાવી શકે તેવી સંભાવના છે; પરંતુ તે માટે વધારે સંશોધનની આવશ્યકતા છે.

પર્ણો સિરમ કૉલેસ્ટેરોલની અને ટ્રાઇગ્લિસરાઇડોની સાંદ્રતા ઘટાડે છે.

બાપાલાલ વૈદ્યકૃત ‘નિઘંટુ આદર્શ’ ગ્રંથમાં ગુડમારનું વર્ણન છે. આયુર્વેદ અનુસાર ગુડમારનું મૂળ વામક અને કફ નિ:સારક છે. પર્ણો લોહીમાંની શર્કરા ઘટાડતાં હોવાથી મધુપ્રમેહમાં તેનાં પર્ણોનો અર્ક પિવડાવાય છે. તેનો અર્ક કાઢવા 700 ગ્રા. ગુડમાર, 117 ગ્રા. જટામાંસી અને 117 ગ્રા. નાગરમોથ લઈ આઠ ગણા પાણીમાં ભીંજવી તેનો અર્ક કાઢવામાં આવે છે. માત્ર ગુડમારનો અર્ક આપવાથી મોળ ચઢે છે.

માત્રા–મૂળની છાલ 0.12–0.24 ગ્રા. કફઘ્ન ગુણ માટે; વમન માટે 1.8 ગ્રા.–3.6 ગ્રા.; અર્ક 28–28 ગ્રા.

પ્રાગજી મો. રાઠોડ

બળદેવભાઈ પટેલ