ગુડ ફ્રાઇડે : ઈસુની પીડા અને મરણની યાદગીરીમાં પવિત્ર રવિવાર (ઈસ્ટર સન્ડે) પહેલાંનો શુક્રવાર. ખ્રિસ્તીઓ તેને સાધના-ઉપાસના દિન તરીકે માને છે. તેને અંગ્રેજીમાં ‘ગુડ ફ્રાઇડે’ અને ગુજરાતીમાં ‘પવિત્ર શુક્રવાર’ કહેવામાં આવે છે. આ ‘ગુડ ફ્રાઇડે’નો દિવસ ઈસ્ટરની તૈયારી માટેના ચાળીસ દિવસના તપની ટોચ ગણાય છે. મોટા ભાગના તહેવારોમાં સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પાસાં ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળે છે; પણ પવિત્ર શુક્રવારનું આધ્યાત્મિક પાસું અન્ય પાસાં કરતાં વિશેષ મહત્વનું છે. તે અંગેની ધર્મવિધિઓ મુખ્યત્વે રોમન કૅથલિક પરંપરાની હોય છે. જોકે ઑર્થડૉક્સ તથા ઍંગ્લિકન સંપ્રદાયોમાં પણ આવી વિધિઓ અમુક અંશે જોવા મળે છે.

દેવળની ધર્મવિધિઓ : પવિત્ર શુક્રવારે ધર્મવિધિઓ બપોરે ત્રણ વાગ્યે શરૂ થાય છે. આ સમય ઈસુના મરણનો સમય ગણાય છે. લાલ કે કિરમજી રંગનાં કપડાં પહેરેલા પુરોહિતો વેદી આગળ આવી સાષ્ટાંગ પ્રણામ કરે છે અને એક નિર્ધારિત પ્રાર્થના પછી પુરોહિતો આસન ઉપર બેસે ત્યારે ઈસુની પીડાનું વાચન ભક્તિભાવથી કરવામાં આવે છે. વાચન પછી દેશ, ધર્મ, શ્રદ્ધાળુઓ, અન્ય ધર્મના લોકો વગેરે માટે જાહેરમાં ખાસ પ્રાર્થનાઓ કરવામાં આવે છે.

ક્રૉસવંદના ગુડ ફ્રાઇડેની એક ખાસ વિધિ છે.

પાવન ક્રૉસ નિહાળો

એની ઉપર તારણહારો

શિર તમારાં નમાવો. . . .’

એ સૂત્રોચ્ચારથી કિરમજી રંગના કપડાથી ઢાંકેલા ક્રૉસનું અનાવરણ ધીમે ધીમે કરાય છે. પછી પુરોહિતો તેમજ ભક્તગણો સરઘસમાં આવી ક્રૉસને ચુંબન કરે છે. ક્રૉસવંદના પછી મોટા ભાગનાં દેવળોમાં ‘ક્રૉસના માર્ગની ભક્તિ’ તરીકે ઓળખાતી એક ખાસ સાધના થાય છે. ઈસુએ ક્રૉસ ઉપાડીને કાલવરી નામના ડુંગર તરફ જે દુ:ખની યાત્રા કરી એના સ્મરણાર્થે આ સાધના કરાય છે.

ગુડ ફ્રાઇડેઉપાસનાનો ભાવાર્થ : ઈસુએ કહ્યું, ‘જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી ત્યાં સુધી એકલો જ રહે છે; પણ જો તે મરી જાય છે તો મબલક પાક પેદા થાય છે’ (યોહાન 12 : 24).  ઘઉંના દાણાનું મરણ અને પુનર્જીવન અન્યોન્ય સંબંધિત છે. ઈસુના મરણ અને પુનરુત્થાનનો સંબંધ પણ એવો જ છે. સત્ય અને પ્રેમનું જીવન એટલે અહમનો ત્યાગ અને ક્રૉસના માર્ગની પસંદગી. પણ આવા ક્રૉસના રસ્તામાં જ અમરતા અને પુનરુત્થાનની શક્તિ ઢંકાયેલી છે. તેથી ઈસુએ કહ્યું : ‘જો કોઈ મારો અનુયાયી થવા માગતો હોય તો તેણે પોતાના અહમનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રૉસ ઉપાડી મારી પાછળ આવવું જોઈશે.’ (માથ્થી 18 : 24)

ઈશાનંદ