ગીતા (ભગવદગીતા અને અન્ય ગીતાઓ)

January, 2010

ગીતા (ભગવદગીતા અને અન્ય ગીતાઓ)

ભગવદગીતા

સ્વસ્થ જીવન જીવવાની અને સંસાર તરી જવાની કળા શીખવતો ગ્રંથ. મહાભારતના ભીષ્મ પર્વમાં તેનો સમાવેશ કરાયો છે. 700 શ્લોકનો આ ઉપદેશ શ્રીકૃષ્ણ ભગવાને પાંડવ ભાઈઓમાંના અર્જુનને યુદ્ધભૂમિ પર પાંડવો અને કૌરવોનાં સૈન્યો સામસામે ગોઠવાઈ ગયાં હતાં અને યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી ત્યારે આપ્યો હતો.

ભગવદગીતાના 18 અધ્યાયમાંથી દરેક અધ્યાયનું પ્રતિનિધિત્વ કરે એવા શ્લોક તારવીને અષ્ટાદશશ્લોકી ગીતાને મૂળ ગીતા તરીકે રજૂ કરવાનો પ્રયત્ન થયો છે (1.32; 2.20; 3.28; 4.24; 5.18; 6.25; 7.4; 8.13; 9.22; 10.42; 11.36; 12.16; 13.32; 14.22; 15.14; 16.13; 17.16; 18.73).

ભગવદગીતાના 18 અધ્યાયોનાં નામ : (1) અર્જુનવિષાદયોગ, (2) સાંખ્યયોગ, (3) કર્મયોગ, (4) જ્ઞાનયોગ, (5) કર્મસંન્યાસયોગ, (6) ધ્યાનયોગ, (7) જ્ઞાનવિજ્ઞાનયોગ, (8) અક્ષરબ્રહ્મયોગ, (9) રાજવિદ્યા-રાજગુહ્યયોગ, (10) વિભૂતિયોગ, (11) વિશ્વરૂપદર્શન-યોગ, (12) ભક્તિયોગ, (13) ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ, (14) ગુણત્રય-વિભાગયોગ, (15) પુરુષોત્તમયોગ, (16) દૈવાસુરસંપદ્વિભાગયોગ, (17) શ્રદ્ધાત્રય-વિભાગયોગ અને (18) મોક્ષસંન્યાસયોગ (ક્યાંક નામો જરા જુદાંય મળે, પણ તેનું ખાસ મહત્વ નથી).

‘યોગ’ એટલે પરતત્વ કે ઈશ્વર સાથે જોડે તે. પણ युज् = કામે લગાડવું, તેથી જે પ્રવૃત્તિ કરાવે, અનુકૂલ માર્ગે કે કામે જોતરી દે તે યોગ, જીવનપદ્ધતિ કે ઉપાય. તે જ્ઞાનપ્રધાન હોય કે ભક્તિપ્રધાન કે કર્મપ્રધાન કે અનુકૂલ કોઈ અન્ય, પણ ક્રમે ક્રમે પરપ્રાપ્તિ કે ધ્યેયપ્રાપ્તિ તરફ લઈ જાય.

ભગવદગીતા વિશે કેટલાક મતો : (i) મૂળ સાંખ્યયોગપરક ગ્રંથ હતો તેમાં કૃષ્ણ-વાસુદેવનો સાંપ્રદાયિક મત મિશ્રિત થયો અને પછી કૃષ્ણ અને વિષ્ણુ એક મનાવા લાગ્યા એટલે વૈદિક ધારામાં તેને સ્થાન મળ્યું. (ii) મૂળમાં તે શ્વેતાશ્વતર ઉપનિષદ પછીનું ઉપનિષદ હશે જેને વૈષ્ણવ સંપ્રદાયે અપનાવ્યું અને પછી કૃષ્ણ-સંપ્રદાયનો સંસ્કાર અપાયો અને કૃષ્ણભક્તિનો રંગ ચડાવવામાં આવ્યો હોય. (iii) કોઈ દાર્શનિક વાદ કે ધર્મનું પ્રતિપાદન કરવાનો આશય જ નહોતો, માત્ર અર્જુનને યુદ્ધ માટે તૈયાર કરવાના પ્રસંગને કેન્દ્રમાં રાખી ભિન્ન ભિન્ન દાર્શનિક મતોનો સમન્વય થયો હોય.

ભગવદગીતા ઉત્કૃષ્ટ કોટિની કૃતિ છે. તેમાં ઉપનિષદોની ‘પ્રજ્ઞા પુરાણી’ને કેન્દ્રમાં રાખીને જીવનને સમગ્રતયા અવલોક્યું છે અને દરેકને ઉપયોગી થાય તેવો ઉપદેશ આપ્યો છે. ભગવદગીતાને દાર્શનિક ગ્રંથ તરીકે ન જોતાં ધર્મ – વિશાળ અર્થમાં ધર્મ જગતને સર્વ રીતે ધારણ કરનાર સર્વવ્યાપી પરમતત્વ સાથેનો યોગ, ઐક્યભાવ શીખવનાર અને તે માર્ગે જોતરી દેનાર ધર્મ – પ્રતિપાદિત કરનાર ગ્રંથ તરીકે તે દેશ, કાલ કે સંપ્રદાયની મર્યાદાથી પર ગણાયો છે અને સર્વત્ર તેને આદર પ્રાપ્ત થયો છે. યોગ્ય જ કહેવાયું છે :

सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दन: ।

पार्थो वत्सः सधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् ।।

(સર્વ ઉપનિષદો ગાયો છે. ગોપાલનંદન કૃષ્ણ એ ગાયોને દોહનાર છે, અર્જુન વાછરડો છે, જ્ઞાની ભોક્તા છે અને ગીતારૂપી અમૃત ઉત્તમ દૂધ છે.) દરેક અધ્યાયના અંતે જે પુષ્પિકા મૂકવામાં આવી છે તેમાં જ ભગવદગીતાને બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર – પરતત્વનું યથાર્થ જ્ઞાન અને પરપ્રાપ્તિ તરફ લઈ જવા પ્રવૃત્તિની કળા શીખવતું શાસ્ત્ર  કહી છે (इति श्रीमदभगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे…. अध्याय: ।)

ભગવદગીતામાં જ્ઞાન, કર્મ અને ભક્તિ દરેકને તે તે સ્થળે સર્વશ્રેષ્ઠ કે વધારે સારાં કહ્યાં છે, અને આ વિચિત્ર કે વિરોધાભાસી જણાશે તેનો ઉપદેશકને પૂરો ખ્યાલ છે, કારણ કે જિજ્ઞાસુ અર્જુન પાસે આ વિશે શંકા પણ કરાવી છે. આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ જુદી હોય છે, દરેકને માટે સર્વસામાન્ય ઔષધ, નીતિનિયમ કે ઉપદેશ કામમાં ન આવે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એક જ ચિત્તની બુદ્ધિ (Intellect), ઇચ્છા (Will) અને ભાવ (Emotion) એ ત્રણ વૃત્તિનાં રૂપ છે જે એકબીજાંથી સર્વથા અલગ હોતાં નથી. પ્રકૃતિ પ્રમાણે કોઈ જ્ઞાનમાર્ગે, કોઈ કર્મયોગના માર્ગે તો વળી બીજો ભક્તિયોગનો આશ્રય લઈને પરમ તત્વને પામવા પ્રયત્ન કરે પણ તેમાં એકનું પ્રાધાન્ય હોય એટલું જ, બીજાં બેની બાદબાકી થઈ શકે નહિ. જ્ઞાન માટે કર્મ અને શ્રદ્ધામય ભક્તિ એટલાં જ જરૂરી છે, જેટલાં કર્મ માટે ભક્તિ અને જ્ઞાન, અને ભક્તિ માટે કર્મ અને જ્ઞાન. અન્યથા આળસ, જડતા અને અજ્ઞાનના અવરોધો એવા આવી જાય કે પરમતત્વની અનુભૂતિ શક્ય બને નહિ. એટલું જ નહિ, આ સાંસારિક જીવન પણ પીડારૂપ લાગે. ભગવદગીતાએ સમતોલ ઉપદેશ આપ્યો છે, જેમાં કોઈનો નિષેધ નથી, પણ સર્વનો સંગ્રહ કરીને આગળ વધવાનું છે – સત્યની અનુભૂતિ માટે અને લોકસંગ્રહ માટે. ભગવદગીતામાં વૈદિક ધર્મની મર્યાદામાં રહીને વૈદિક કર્મકાંડ, ઉપનિષદોનું અદ્વૈતપરક તત્વચિંતન, સાંખ્યયોગનો પ્રકૃતિ-પુરુષવિષયક સિદ્ધાંત અને ધ્યાન-પ્રક્રિયા, ભાગવતપરંપરાની ભક્તિ વગેરે જ્યાંથી જે સારું, વ્યવહારુ અને બુદ્ધિયુક્ત લાગ્યું તેનો સુભગ સમન્વય કર્યો છે અને એવી રજૂઆત કરી છે જે લગભગ સૌને સ્વીકાર્ય બને. વૈદિક કર્મકાંડમાં જડતા, જટિલતા જેવાં લક્ષણોનો પ્રવેશ ક્રમે ક્રમે થયો હતો અને બ્રાહ્મણ ઋત્વિજોનું વર્ચસ્ સ્થાપિત કરવાનો પ્રયત્ન જણાવા લાગ્યો હતો જેને આધારે લૌકાયતિકો, બૌદ્ધ અને જૈન ધર્મના અનુયાયીઓ વેદની પ્રમાણભૂતતા પર આક્ષેપ કરી શકતા. ઉપનિષદોમાં પણ વૈદિક યજ્ઞોને ‘અર્દઢ પ્લવ’ કહ્યા છે જેનાથી સંસારને તરી ન શકાય, ઊલટું બંધનમાં, જન્મમરણના ફેરામાં ફસાવું પડે. તેમ છતાં વૈદિક ધર્મની મર્યાદામાં રહીને અગ્નિહોત્રાદિ નિત્યકર્મો, જેનાથી પુણ્ય પ્રાપ્ત ન થાય પણ ન કરવાથી પાપ થાય તેમને ચિત્તશુદ્ધિ અર્થે આવશ્યક માન્યાં છે. ભગવદગીતાએ વૈદિક કર્મકાંડમાં વિશાળતા અને ઉદારતાનાં લક્ષણો દાખલ કર્યાં છે. નિષ્કામ ભાવે કરેલું દરેક કર્મ યજ્ઞ જ છે, કારણ કે તે લોકસંગ્રહાર્થે કરેલું છે જેમાં યજ્ઞ કરનાર, યજ્ઞ, આહુતિ, ફલ બધું જ બ્રહ્મમય છે કારણ કે પરતત્વ બ્રહ્મ સર્વવ્યાપક, સર્વનિયામક, અક્ષય એવું એક તત્વ છે. આવાં કર્મ કરવાથી પણ બ્રહ્મભાવ કે પરપ્રાપ્તિના માર્ગે આગળ વધી શકાય છે (4.24). પોતાનો અહંભાવ ઓગાળી નાખીને, શ્રદ્ધાપૂર્વક પરમેશ્વરને સંપૂર્ણપણે શરણે જવાથી, સમર્પિત થવાથી પણ એ શક્ય બને છે અને બ્રહ્મજિજ્ઞાસાના માર્ગે પ્રયત્નશીલ રહીને પરમતત્વની અનુભૂતિ જ્ઞાનમાર્ગે કરવાથી પણ પરપ્રાપ્તિ થાય છે – આ નિર્ગુણ, અક્ષરબ્રહ્મની અનુભૂતિનો માર્ગ કઠિન છે, દરેકને સુલભ નથી. અલબત્ત આ કર્મયોગ અને ભક્તિયોગથી પ્રસન્ન થયેલ ભગવાન બુદ્ધિયોગ શક્ય બનાવે છે (10.10). તે જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને પરમતત્વ સાથે એકીભાવ પ્રાપ્ત થાય છે. ભગવદગીતામાં પ્રતિપાદિત ભક્તિ કેવળ લાગણીવેડા નથી, અને તેના કર્મયોગમાં માત્ર બુદ્ધિશૂન્ય ઐકાન્તિક ક્રિયાશીલતા નથી.

ભગવદગીતાના અઢારે અધ્યાયને અલગ અલગ રીતે બોધ આપતા ગણી શકાય, અથવા છ છ અધ્યાયના ત્રણ ગુચ્છ કર્મ, ભક્તિ અને જ્ઞાનનો પુરસ્કાર કરતા માની શકાય. અથવા ભગવદગીતાને એક કૃતિ માની સમગ્રતયા ઉપદેશ આપતી માની શકાય, જેમાં દરેક ચિંતન કે દર્શન કે સંપ્રદાયને પોતાના મતનું સમર્થન સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે. જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ કે કર્મમાર્ગ ત્રણમાંથી કોઈ એક અંગે પ્રમાણ મેળવવું મુશ્કેલ ન બને. તેના તત્વચિંતનમાં સાંખ્યયોગનો તત્વવિચાર માન્ય છે, માત્ર પ્રકૃતિ ને જીવાત્મા(પુરુષ)ને ઈશ્વરથી સ્વતંત્ર નથી માન્યાં. જીવને, આત્મતત્વને પરમાત્માસ્વરૂપ માન્યું છે જે કેવલાદ્વૈતને અનુકૂલ છે, તો સગુણ ઈશ્વર અને તેને શરણે જતા જીવોની પણ વાત કરી છે જે ભક્તિપરાયણ દર્શનોને અનુકૂળ છે. ભગવદગીતાનો ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર સાથે પ્રસ્થાનત્રયીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, વલ્લભાચાર્ય જેવા આચાર્યોએ કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, શુદ્ધાદ્વૈત માટે જેમ ઉપનિષદો કે બ્રહ્મસૂત્રોમાંથી તેમ ભગવદગીતામાંથી સમર્થન મેળવવાનો પ્રયત્ન કર્યો છે અને તેમના સંપ્રદાયોમાં તેના પર ભાષ્યો પણ લખાયાં છે.

ભગવદગીતા સ્પષ્ટ કહે છે કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અનુસાર સાધના જ્ઞાનપ્રધાન, કર્મપ્રધાન કે ભક્તિપ્રધાન હોય પણ દરેકમાં બીજાં બેની બાદબાકી તો શક્ય જ નથી. જ્ઞાનમાર્ગે પણ કર્મ તો કરતાં જ રહેવું પડે છે, જીવવાને માટે પણ એ જરૂરી છે, સભાન થયા વિના કર્મ કરવાનું ચાલુ જ હોય છે. કર્મયોગમાં પણ પરમેશ્વર પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ હોવાં જ જોઈએ જેથી એ ઈશ્વરને પૂર્ણપણે સમર્પિત થઈ શકે; અને કર્મ પ્રકૃતિ-પુરુષના, ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના, અનાત્મા-આત્માના વિવેકજ્ઞાન અને પરતત્વના સ્વરૂપના જ્ઞાનપૂર્વક થાય એ આવશ્યક છે. ભક્તિ માટે પણ કર્મ જરૂરી છે અને જ્ઞાન પ્રાપ્ત થતાં તત્વાનુભૂતિ થાય છે. આ ત્રણ મુખ્ય માર્ગોને સહાયભૂત થવા ધ્યાનયોગની આવશ્યકતા સ્વીકારી છે, પણ ગૌણ સાધન તરીકે અને તેની કઠોરતા કે જટિલતાનો આગ્રહ રાખ્યા વિના. દેહદમન કે ઇન્દ્રિયદમનની ભલામણ કોઈ જગ્યાએ નથી, ઊલટું એમ કહ્યું છે કે પ્રકૃતિ પોતાનું કામ કર્યે જ જવાની, તેનો નિગ્રહ શક્ય નથી અને તે જરૂરી પણ નથી (3.33). પ્રકૃતિ જે અચેતન તત્વ છે તે ચેતન આત્મ-તત્વથી અલગ છે અને આત્મા નિત્યશુદ્ધ સચ્ચિદાનંદરૂપ છે અને તેના પ્રકાશથી પ્રકૃતિ પોતાની પ્રવૃત્તિ કરે છે એવી ર્દઢ સમજણ જાગી જાય તો કોઈ પણ કર્મ જે સંજોગ અનુસાર કરવાનું આવે તેનાથી પાપ કે બંધન થતું નથી. ભગવદગીતાની ઉદાર ર્દષ્ટિ અનુસાર દરેક માર્ગ પોતાની રીતે બ્રહ્મભાવમાં પરિણમે છે અને વાસ્તવમાં એકબીજાથી તદ્દન ભિન્ન છે પણ નહિ. ભગવાનને જે સ્વરૂપે ભજો તે સ્વરૂપે ભગવાન પ્રાપ્ત થશે કારણ કે જે કંઈ છે તે બધું ભગવત્-સ્વરૂપ જ છે. ભગવદગીતાએ અલગ અલગ ર્દષ્ટિએ અને દરેક પ્રકૃતિને અનુરૂપ ઉપદેશ આપ્યો છે અને દરેક માર્ગમાં રહેલી મુશ્કેલી કે સરળતા પ્રત્યે પણ ધ્યાન દોર્યું છે.

ભગવદગીતાએ કર્મમાર્ગ, ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગનો ઉપદેશ આપ્યો છે તેનો વિચાર કરીએ તો તેમની સાથે સંકળાયેલા બીજા મુદ્દાઓનો પણ સ્પર્શ થઈ જશે.

કર્મમાર્ગ, કર્મયોગ : યુદ્ધભૂમિ પર અર્જુનના વિચારમાં પરિવર્તન લાવવા ભગવાન શ્રીકૃષ્ણ કર્મ અને કર્મસંન્યાસની સંભાવનાનો વિચાર તેની સમક્ષ મૂકે છે અને ઠસાવે છે કે કર્મસંન્યાસ સંપૂર્ણપણે શક્ય જ નથી, અને રાગદ્વેષ વિના અનાસક્ત ભાવે કરેલું કર્મ બંધનકારક નથી. કેટલીક વૈરાગ્યપ્રધાન પરંપરાઓએ નૈષ્કર્મ્ય અને નિવૃત્તિ પર ખૂબ જ ભાર મૂકીને કર્મને બંધનકારક કહ્યાં છે. ભગવદગીતાએ તેમની વાત માન્ય રાખીને પણ દર્શાવ્યું છે કે કર્મ કરવાં જ પડે છે, છૂટકો જ નથી, અને મનુષ્યની સિદ્ધિ એમાં છે કે કર્મ કરે પણ બંધનકારક ન થાય એ રીતે કરે. શરીર, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને મન (જેમાં બુદ્ધિ અને અહંકારનો સમાવેશ થઈ જાય છે) – એ સર્વ પ્રકૃતિના વિકારો છે અને સત્વ-રજસ્-તમસ્ એ ત્રણ ગુણોથી ઓતપ્રોત છે. પ્રકૃતિ સતત પરિણામ પામતી અને ક્રિયાશીલ છે જેને માટે ચિત્સ્વરૂપ આત્મતત્વનો સંયોગ અને તેનો પ્રકાશ જરૂરી છે. આત્મતત્વ વાસ્તવમાં અલિપ્ત અને નિત્યશુદ્ધ છે; તે નિત્ય છે, તેને જન્મ, મરણ, ક્ષય, વિકાર જેવું કશું છે જ નહિ. અજ્ઞાનને લીધે પ્રકૃતિ પ્રત્યે અહંતા-મમતા રાખવાને કારણે દેહાદિ ઉપાધિવાળો આત્મા કે જીવ પોતાને કર્તા માને છે અને પ્રકૃતિથી કરાતાં કર્મોથી થતાં પાપપુણ્ય પોતાનાં માનીને તેમને લીધે વારંવાર જન્મમરણ ભોગવે છે જે વાસ્તવમાં પ્રકૃતિના વિકારરૂપ દેહનાં છે. કર્મ તો પ્રકૃતિવશ થયાં જ કરવાનાં, આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ. સૂતાં કે જાગતાં કર્મોની પરંપરા ચાલુ રહેવાની જ. કર્મો પોતે પાપ કે પુણ્ય ઉત્પન્ન નથી કરતાં પણ તેમની પાછળ રહેલો સંકલ્પ આ મારું કર્મ છે, તેનું ફળ મને મળશે, મેં ફળ માટે કરેલું છે; આ મારો શત્રુ છે, તેને હાનિ પહોંચાડું તો જ મને સુખ મળે; હિંસા પાપકારક છે પણ મારા સુખ ખાતર કરીશ જ; ગરીબને દાન આપીને પુણ્ય મેળવી લઉં વગેરે. પાપપુણ્ય પ્રત્યે અભિમાન, આ મારું છે એવો ભાવ જગાડીને તેમને બંધનકારક બનાવે છે, જોતાં, સાંભળતાં, ખાતાં, ચાલતાં વગેરે ક્રિયાઓ ચાલતી હોય ત્યારે ઇન્દ્રિયો પોતાના વિષયો વિશે પ્રવૃત્ત થાય છે. હું કશું કરતો નથી એવી સમજપૂર્વક, આસક્તિ ત્યાગીને, બ્રહ્મને સમર્પિત કરવાની ભાવનાથી કર્મ કરે તેને પાપનો લેપ લાગતો નથી; આવો યુક્ત જન પરમ શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે કામથી પ્રેરિત થઈને કર્મ કરનારો અયુક્ત જન ફળમાં આસક્ત થઈને બંધનમાં પડે છે (4.16–22; 5.3–12).

ભગવદગીતાએ વૈદિક કર્મકાંડનો વિશાળ અને આધ્યાત્મિક અર્થ કર્યો છે. જ્ઞાનમાં ચિત્ત પરોવીને નિર્મમ ભાવે યજ્ઞ ખાતર કરેલું કર્મ ઓગળી જાય છે. આવી વ્યક્તિ માટે અર્પણક્રિયા બ્રહ્મ છે, હવિ બ્રહ્મ છે, અધ્વર્યુ પણ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપી આહુતિ આપવામાં આવે છે તેથી આ બ્રહ્મકર્મની અનુભૂતિ જેને થઈ હોય તે બ્રહ્મને જ પ્રાપ્ત કરે છે (4.23–24). જાતજાતના યજ્ઞો હોઈ શકે – દેવોને ઉદ્દેશીને કરેલો યજ્ઞ, બ્રહ્માગ્નિમાં યજ્ઞથી કરેલી યજ્ઞની આહુતિ, સંયમરૂપી અગ્નિમાં શ્રોત્રાદિ ઇન્દ્રિયોની આહુતિ, ઇન્દ્રિયાગ્નિમાં શબ્દાદિ વિષયોની આહુતિ, જ્ઞાનપ્રદીપ્ત આત્મસંયમયોગાગ્નિમાં સર્વ ઇન્દ્રિયકર્મ અને પ્રાણકર્મની આહુતિ, દ્રવ્યયજ્ઞ, તપોયજ્ઞ, યોગયજ્ઞ, સ્વાધ્યાય-જ્ઞાનયજ્ઞ, પ્રાણાયામરૂપી યજ્ઞ, નિયત આહાર દ્વારા પ્રાણોમાં પ્રાણોની આહુતિ ઇત્યાદિ. જ્ઞાનપૂર્વક કોઈ પણ યજ્ઞ કરવામાં આવે તો તે પાપનો નાશ કરે છે. આ બધા યજ્ઞો બ્રહ્મપ્રાપ્તિનાં સાધન મનાયાં છે પણ એ ધ્યાનમાં રહે કે એ સર્વ કર્મથી ઉદભવે છે. અપવાદ વિના સર્વ કર્મ જ્ઞાનમાં પરિસમાપ્ત થાય છે. આ જ્ઞાન યોગ્ય રીતે પ્રાપ્ત કરવામાં આવે તો સર્વ કર્મોને ભસ્મસાત્ કરે છે (4.25-42). ભગવદગીતામાં સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે કર્મસંન્યાસ અને કર્મયોગ બંને નિ:શ્રેયસકર છે, બંને રીતે બ્રહ્મપ્રાપ્તિ થઈ શકે છે, પણ કર્મસંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે (5.2). વાસ્તવમાં નિત્યસંન્યાસી એ છે જે દ્વેષ કરતો નથી, કોઈ આકાંક્ષાઓ રાખતો નથી, માન-અપમાન આદિ દ્વંદ્વોથી પર છે, તે નિરાંતે બંધનમાંથી મુક્ત થઈ શકે છે. જેને સાચી સમજ નથી તે જ સાંખ્ય (કર્મસંન્યાસ કે જ્ઞાનમાર્ગ) અને (કર્મ) યોગને જુદા માને છે. કોઈ પણ એકને અપનાવે તે બંનેનું ઇષ્ટ ફળ મેળવે છે. જે સાંખ્ય અને યોગને એક માને છે તેને જ સાચી સૂઝ છે. પણ યોગ વિના સાચો સંન્યાસ દુર્લભ છે, જ્યારે યોગયુક્ત જ્ઞાની જલદીથી તેને સાધી શકે છે. યોગયુક્ત વિશુદ્ધ જન, જેને પોતા પર સંપૂર્ણ કાબૂ છે, જેણે ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે, જે પોતાના આત્માની સર્વ ભૂતોના આત્મા સાથે એકતા અનુભવે છે, તે કર્મ કરતો હોવા છતાં લેપાતો નથી (5.4-7). આવી અનાસક્ત યોગની અવસ્થાએ પહોંચવા માટે કર્મ કારણરૂપ બને છે. કર્મ કરતાં રહેવું જોઈએ, અને યોગારૂઢ થઈ જવાતાં શમ કારણરૂપ બને છે. જ્યારે કર્મમાં કે ઇન્દ્રિયના વિષયોમાં કોઈ આસક્તિ રહેતી નથી ત્યારે સર્વસંકલ્પોનો ત્યાગ કરનાર યોગારૂઢ કહેવાય છે. આત્મા પોતે જ પોતાનું બળ બની શકે. આત્મવિશ્વાસ કદી ગુમાવવો ન જોઈએ. જેણે પોતાનો આત્મા ગુમાવ્યો છે, પોતા પરનો કાબૂ ગુમાવ્યો છે અને પોતાનું – આત્માનું સ્વરૂપ ઓળખ્યું નથી તે પોતાનો જ શત્રુ બને છે (6.5-6).

દ્વંદ્વોથી પર થવા માટે અને સર્વ પ્રત્યે સમબુદ્ધિ કેળવવા માટે શાન્ત એકાન્ત જગ્યાએ એકાગ્ર ચિત્તે (ભગવાનનું) ધ્યાન ધરવું જોઈએ. યોગયુક્ત આત્મા જેનો છે તે સર્વ ભૂતોમાં આત્મા અને આત્મામાં સર્વ ભૂતો જુએ છે અને સર્વત્ર સમદર્શી બને છે. એ બધામાં ભગવાન જુએ છે અને ભગવાનમાં બધું જુએ છે. એ વાત સાચી કે મન અત્યંત ચંચળ અને ધાંધલિયું છે પણ પ્રયત્નો કરવાથી તેના પર કાબૂ મેળવી શકાય છે. અનેક જન્મોના પ્રયત્ન પછી સિદ્ધિ મેળવીને પરમ ગતિ પ્રાપ્ત કરી શકાય છે. જે શ્રદ્ધાપૂર્વક પરમેશ્વરમાં એકરૂપ થઈને તેને ભજે તે યુક્તતમ છે (6.46–47). આમ આ યોગમાં તપ, જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય થાય તો જ તે સાચો યોગ કહેવાય.

શ્રીકૃષ્ણ ભગવાને વ્યવહારુ સલાહ આપી છે. પ્રકૃતિવશાત્ ક્રિયાઓ ચાલ્યા જ કરવાની તેથી અજ્ઞાની લોકો કર્મ કરતા હોય તેઓમાં ‘બુદ્ધિભેદ’ પેદા ન કરવો પણ પોતે નિષ્કામભાવે કર્મ કરતા રહીને તેમને પ્રેરણા આપ્યા કરવી (3.26, 29). કર્મ કરતા હશે તો ક્રમે ક્રમે સમજ આવતાં નિષ્કામ કર્મ કરતા થશે.

ભક્તિમાર્ગ, ભક્તિયોગ : પરમતત્વ, પરમાત્માનો વિચાર બે રીતે કરવામાં આવ્યો છે — અક્ષર, અનિર્દેશ્ય, અવ્યક્ત, કૂટસ્થ તરીકે; અને જેના પર શ્રદ્ધા રાખી શકાય, જે પરમ અનુકંપા અને કરુણાવાળો છે, જગતનો તારણહાર છે એવા પરમેશ્વર તરીકે. અર્જુનને એ પ્રશ્ન મૂંઝવે છે કે સતત યુક્ત રહીને જે ભક્ત પરમેશ્વરની ઉપાસના કરે અને બીજા જે અક્ષર, અવ્યક્તની ઉપાસના કરે એ બેમાંથી કોણ શ્રેષ્ઠ યોગવિદ્ કહેવાય ? ભગવાન શ્રીકૃષ્ણનો ઉત્તર છે કે મારામાં મન પરોવીને પરમ શ્રદ્ધાપૂર્વક નિત્યયુક્ત બનીને મારી ઉપાસના કરે તેમને યુક્તતમ માનું છું. જેઓ ઇન્દ્રિયો પર કાબૂ મેળવીને, સર્વત્ર સમત્વબુદ્ધિ કેળવીને, પ્રાણીમાત્રનું હિત ધ્યાનમાં રાખીને, અક્ષર અચિંત્ય કૂટસ્થની ઉપાસના કરે છે તેઓ મને જ પ્રાપ્ત કરે છે. પણ દેહધારીઓ માટે આ અવ્યક્તની ઉપાસના મુશ્કેલ છે, તેમનો માર્ગ ઘણો કઠિન છે. પણ જેઓ અનન્યભાવથી બધાં કર્મો મને સમર્પિત કરીને મારું જ ધ્યાન ધરીને મારી ઉપાસના કરે છે તેમનો હું મૃત્યુસંસાર-સાગરમાંથી તારનાર બનું છું. માટે મન અને બુદ્ધિ મારામાં સ્થિર કરીશ તો તું મારામાં જ રહીશ. કદાચ આને માટે તારે અભ્યાસ કરવો પડે. તું આ અભ્યાસ કરવા સમર્થ ન હો તો ‘મત્કર્મપર’ (મારું કામ એ જ જેનું સર્વસ્વ છે તેવો) બન, મારે માટે કર્મ કરીને પણ તું પરમ સિદ્ધિ મેળવી શકીશ. જો તું આ પણ ન કરી શકે તો પોતા પર કાબૂ મેળવીને સર્વ કર્મના ફળનો ત્યાગ કર. અભ્યાસ કરતાં જ્ઞાન ચડિયાતું છે અને જ્ઞાન કરતાં ધ્યાન (ભગવન્મયત્વ) ચડિયાતું છે, ધ્યાન કરતાં કર્મફલત્યાગ ચડિયાતો છે, ત્યાગથી તરત જ શાન્તિ પ્રાપ્ત થાય છે (12.1–12).

સાચો ભક્ત કોઈનો દ્વેષ નથી કરતો, સૌ પ્રત્યે મિત્રભાવ અને કરુણા રાખે છે, મમતા અને અહંકાર વિનાનો હોય છે, ક્ષમાશીલ હોય છે, સુખદુ:ખ પ્રત્યે સમભાવ રાખનારો હોય છે, તે સદાય સંતુષ્ટ હોય છે, પોતા પર પૂર્ણ સંયમવાળો હોય છે, ર્દઢ નિશ્ચયવાળો હોય છે. તેનાં મન અને બુદ્ધિ ભગવાનને સમર્પિત થયેલાં હોય છે. તે કોઈનો દ્વેષ નથી કરતો અને કોઈ તેનો દ્વેષ નથી કરતું. તે હર્ષ, દ્વેષ, ક્રોધ, ભય, શોક, ઉદ્વેગ, કાંક્ષા, શુભ-અશુભના ખ્યાલોથી મુક્ત હોય છે. કોઈ વ્યથા તેને સ્પર્શતી નથી. સંકલ્પપૂર્વક કોઈ કામ તે આદરતો નથી. તેને માટે નિંદા કે સ્તુતિ સરખી જ હોય છે; વાણી પર તેને પૂર્ણ સંયમ હોય છે. રહેઠાણનું કોઈ બંધન તેને નથી હોતું પણ તેની મતિ સ્થિર હોય છે. જે આ પ્રમાણેના ઉપદેશને અનુસરે અને શ્રદ્ધા રાખીને ભગવત્પરાયણ હોય તે ભક્ત ભગવાનને અત્યંત પ્રિય હોય છે (12.13–20).

ભગવાન શ્રીકૃષ્ણે ભક્તિયોગને રાજવિદ્યા, રાજગુહ્ય (વિદ્યાઓમાં રાજા અને રહસ્યોમાં ઉત્તમ, અથવા રાજાઓ કે ક્ષત્રિયોમાં વિશેષ પ્રચલિત વિદ્યા કે રહસ્ય) કહીને તેને ઉત્તમ, પવિત્ર, અવ્યય, પ્રત્યક્ષ અનુભવી શકાય તેવો, ધર્મ્ય અને આચરણમાં મૂકવો સહેલો પડે તેવો કહ્યો છે. પરમેશ્વરના અવ્યક્ત રૂપથી સમગ્ર જગત વ્યાપ્ત છે. સર્વ ભૂતો પરમાત્મામાં છે પણ પરમાત્મા તેમનાથી પર રહીને તેમની સુખદુ:ખાદિ, રાગદ્વેષાદિ અશુદ્ધિઓથી અલિપ્ત છે. કલ્પના આરંભમાં બધું પરમાત્માની અવ્યક્ત પ્રકૃતિમાંથી તેમના નિયમન હેઠળ ઉત્પન્ન થાય છે અને કલ્પના અંતે તેમાં જ લય પામે છે. પરમેશ્વરને કર્મનું કોઈ બંધન નથી અને તેની પ્રેરણા વિના કશું જ સંભવે નહિ. જેઓ આ ભૌતિક દેહાદિમાં ફસાઈ જાય છે તેઓ આસુરી વૃત્તિવાળા હોઈને પરમેશ્વરની અવજ્ઞા કરે છે, જ્યારે મહાત્માઓ દૈવી વૃત્તિવાળા હોઈને તેને સર્વ ભૂતોનું અવ્યય કારણ માનીને તેને અનન્ય ચિત્તથી ભજે છે. વળી જે કેટલાક જ્ઞાનયજ્ઞથી પરમેશ્વરનું યજન કરે છે તે પણ એક તરીકે, પૃથક્ તરીકે વગેરે અનેક રીતે કરે છે, પણ પરમેશ્વર વિશ્વતોમુખ હોઈને જે કંઈ તેઓ જુએ છે તે ભગવત્સ્વરૂપ જ છે. ભગવાન જ બધું છે – વૈદિક યજ્ઞો, હવિ, શ્રાદ્ધ, મંત્ર, અગ્નિ વગેરે બધું જ, જે કંઈ આપણે કરીએ તે બધું ભગવાનને સમર્પિત છે કારણ કે તે જ બધું છે. તે જગતનો પિતા, માતા, પિતામહ, ધાતા, પરમગતિ, ભર્તા, સાક્ષી, મિત્ર, પ્રભવ, પ્રલય છે; બધું તેનાથી જ છે. જેઓ અનન્યભાવથી ભગવાનનું સતત ચિંતન અને ભજન કરે છે તેમના યોગક્ષેમની જવાબદારી ભગવાન લઈ લે છે. જેઓ શ્રદ્ધાપૂર્વક બીજા દેવોનું યજન કરે છે તે પણ ભલે વિધિપૂર્વક નહિ તોપણ ભગવાનનું જ યજન કરે છે, કારણ કે આ દેવો પણ પરમેશ્વરની શક્તિઓના આવિર્ભાવરૂપ જ છે. તેઓ જાણતા નથી કે ભગવાન જ સર્વ યજ્ઞોનો ભોક્તા અને પ્રભુ છે તેથી મુખ્ય માર્ગથી ચલિત થાય છે, પણ તેમને તેમની સાધના અનુસાર ફળ મળે છે. જેઓ ભગવાનનું યજન કરે છે તેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે. ભક્તિપૂર્વક શુદ્ધ હૃદયથી જે કંઈ પત્ર, પુષ્પ, ફળ કે જળ પ્રેમના ઉપહાર તરીકે અર્પણ કરવામાં આવે તેને ભગવાન સ્વીકારી લે છે માટે ભગવદગીતાની સલાહ છે કે જે કંઈ ખાઓ, આહુતિ આપો કે દાન આપો કે તપ કરો, તેનું અર્પણ ભગવાનને કરી દેવું; આમ કરવાથી શુભ-અશુભ ફળવાળા કર્મનાં બંધનથી મુક્ત રહેવાશે અને સાચા કર્મસંન્યાસ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકાશે. ભગવાનનું જે કોઈ ભજન કરે છે તે કદી નાશ પામતો નથી, તેની પરમ ગતિ જ થાય છે (અધ્યાય 9). બધું ભગવાનની વિભૂતિ જ છે, તેમના ઐશ્વર્યનો આવિર્ભાવ છે એમ જાણીને જેઓ પ્રીતિપૂર્વક અનન્યભાવથી તેમનું સતત ભજન કરે છે, તેમને ભગવાન બુદ્ધિયોગ આપે છે, એવી શક્તિ આપે છે જેથી સર્વત્ર ભગવાનની અનુભૂતિ થાય, અને ભગવાન તેમના પ્રત્યે અનુકંપાથી જ્ઞાનદીપથી તેમના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે (10.11).

ભગવાન સર્વત્ર છે અને બધું ભગવાનથી છે, પણ તેમાંય જે ઉત્તમ છે તેમાં ભગવાનની શક્તિ અને ઐશ્વર્યનો આવિર્ભાવ વિશેષ છે, એ તેમની વિભૂતિ છે; જેમ કે વેદોમાં સામવેદ, દેવોમાં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન, સિદ્ધોમાં કપિલ, વૃક્ષોમાં અશ્વત્થ, નદીઓમાં ગંગા, વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા વગેરે વગેરે. ટૂંકમાં, જે કંઈ વિભૂતિ, શ્રી, ઊર્જાથી યુક્ત હોય તેને ભગવાનના તેજના અંશમાંથી ઉદભવેલું માનવું. આ જગતને પોતાના એક અંશથી ભગવાન ટકાવી રાખે છે એટલું કહેવું પૂરતું છે (10.41–42). ભગવદગીતા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને તેની વિનંતીથી વિશ્વરૂપદર્શન કરાવે છે. આ ભગવાનની પ્રસન્નતાનું ફળ હતું કારણ કે અન્યથા વેદ, યજ્ઞ, સ્વાધ્યાય, ક્રિયાઓ, ઉગ્ર તપથી મનુષ્યલોકમાં આ રીતે ભગવાનનું દર્શન સંભવે નહિ (11.53–54). ભક્તિમાર્ગનો ઈશ્વર જગતનાં ભૂતો પ્રત્યે ભરપૂર કરુણા અને વાત્સલ્યવાળો છે. તે ભક્તોના પ્રેમનો ભૂખ્યો છે અને જે રીતે ભક્તો તેને ભજે તેને અનુકૂળ થાય છે. વળી જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મનું અભ્યુત્થાન થાય છે ત્યારે ત્યારે સદાચારીઓના સંરક્ષણ માટે અને દુરાચારીઓના વિનાશ માટે તે યુગે યુગે દેહ ધારણ કરે છે, તેનો અવતાર થાય છે. માનવને ભગવદરૂપ બનાવવા માટે ભગવાન મૃત્યુલોકમાં અવતરે છે. (4.7, 8).

જ્ઞાનમાર્ગ, જ્ઞાનયોગ : ભારતીય તત્વચિંતન અને શાસ્ત્રોમાં જ્ઞાન દ્વારા બ્રહ્મપ્રાપ્તિનો ખૂબ મહિમા છે. જ્ઞાન વિના મોક્ષ કે બ્રહ્મપ્રાપ્તિ સંભવે જ નહિ એવો એક ર્દઢ મત છે જ્યારે બીજા જ્ઞાન-કર્મ-સમુચ્ચય, જ્ઞાનપ્રધાન ભક્તિ કે વૈધ ભક્તિ કે પ્રપત્તિનો માર્ગ પણ સ્વીકારે છે. જ્ઞાનનો અર્થ બ્રહ્મ-સાક્ષાત્કાર કે તત્વાનુભૂતિ લઈએ તો એ જ્ઞાનથી જ મુક્તિ કે બ્રહ્મપ્રાપ્તિ થાય એમ તો સૌ સ્વીકારે છે. પણ જો જ્ઞાનનો અર્થ બુદ્ધિની બ્રહ્માકારવૃત્તિ લેવામાં આવે અને આગ્રહ રખાય કે એ દ્વારા જ મુક્તિ છે તો મતમતાન્તર જણાય છે. અજ્ઞાન દૂર કરવા માટે આ બ્રહ્માકારવૃત્તિની આવશ્યકતા છે અને એ બુદ્ધિની વૃત્તિ હોઈ પ્રાકૃતિક ક્ષેત્રમાં જ તેનો સમાવેશ થાય અને બ્રહ્મરૂપ જ્ઞાન કે મુક્તિ થતાં એ પણ વિલીન થઈ જાય, જેમ ઇંધન બળી જતાં અગ્નિ પોતાની મેળે વિલીન થઈ જાય છે. આ તો જ્ઞાનમાર્ગીઓ પણ સ્વીકારે છે. પણ જ્ઞાનમાર્ગીઓ આગ્રહપૂર્વક માને છે કે તત્વાનુભૂતિ માટે પરમતત્વનું જ્ઞાન મેળવવું આવશ્યક છે, તે વિના અજ્ઞાન નષ્ટ ન થાય અને તત્ત્વાનુભૂતિ શક્ય ન બને. આ પરમતત્વનું જ્ઞાન મેળવવા માટે (નિષ્કામ) કર્મ ચિત્તશુદ્ધિ અર્થે જરૂરી છે, ઉપાસના ચિત્તની એકાગ્રતા માટે ઉપયોગી છે, ભક્તિ અહંકાર આદિનો નાશ કરી નિર્મમભાવ મેળવવામાં અને સાંસારિક ભોગોથી દૂર થવામાં મદદરૂપ થાય તેમ સગુણબ્રહ્મ કે ઈશ્વરમાં શ્રદ્ધાપૂર્વક સ્થિર થવા માટે ઉપયોગી બને — આ બધું તત્વાનુભૂતિને માટે જરૂરી સમ્યગ્જ્ઞાનની ઘણી નજીક લઈ જાય, પણ મુક્તિ તો બ્રહ્મજ્ઞાન કે પરમતત્વના જ્ઞાનથી જ સંભવે.

ભગવદગીતામાં કર્મ અને ભક્તિ દ્વારા બ્રહ્મપ્રાપ્તિનો ઉપદેશ આપ્યો છે. સાથે સાથે જ્ઞાનવિજ્ઞાનની વાત વારંવાર કરી છે, અને એમ પણ સ્વીકાર્યું છે કે અક્ષરબ્રહ્મનું જ્ઞાન મેળવીને કેટલાક બ્રહ્મપ્રાપ્તિ કરે છે પણ એ માર્ગ ખૂબ જ મુશ્કેલ છે, તેમ છતાં કર્મયોગ કે ભક્તિયોગની સમજ માટે અને તેના સમર્થન માટે જ્ઞાનની ઉપયોગિતા સ્વીકારીને જગતનાં તત્વો વિશે ઉપદેશ આપ્યો છે. પરમતત્વની બે પ્રકૃતિ છે – અપરા અને પરા. અપરા પ્રકૃતિ અષ્ટધા છે : પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર. પરમતત્વની પરા પ્રકૃતિ જીવરૂપ છે, તે સ્થિર, જ્ઞાનયુક્ત અને એકરૂપ છે; અને તે અપરા પ્રકૃતિને આધાર આપી વિશ્વને ધારણ કરે છે. જગતમાં જે કંઈ છે તે સર્વનું કારણ પરમાત્માનો આ બે પ્રકારનો જડચિદાત્મક સ્વભાવ છે અને આ બે પ્રકૃતિથી પરમાત્મા સમગ્ર વિશ્વની ઉત્પત્તિ અને પ્રલયનું કારણ બને છે. પરમાત્મા સિવાય બીજું કોઈ તત્વ નથી અને દોરામાં મણકા પરોવાયા હોય તેમ પરમાત્મામાં સર્વ વિશ્વ પરોવાઈ રહેલું છે (7.4–7). સાંખ્યદર્શનની પ્રકૃતિ-પુરુષની માન્યતા છે તે ભગવદગીતાને સ્વીકાર્ય છે; ફરક એટલો કે સાંખ્યદર્શન ચિત્સ્વરૂપ એક પરમતત્વ માનતું નથી, જ્યારે ભગવદગીતાએ સાંખ્યદર્શન અને ઉપનિષદના અદ્વૈત વિચારનો સમન્વય કરીને પ્રકૃતિ-પુરુષ(જીવ)ને પરમતત્વના અપર-પર સ્વભાવરૂપ કહ્યા છે, નિષ્કામ કર્મનો ઉપદેશ બુદ્ધિયુક્ત રીતે સમજાવવા માટે ક્રિયાશીલ, પરિવર્તનશીલ પ્રકૃતિ અને અલિપ્ત ચિન્મય પુરુષનો વિચાર ભગવદગીતાને તદ્દન અનુકૂળ હતો. ચેતન આત્મતત્વ જે ધ્રુવ છે તે કશું કરતું નથી, તેનો પ્રકાશ મેળવીને તેના સંયોગથી જડ દેહાદિ પ્રવૃત્તિ કરે છે માટે આત્માનું કર્તૃત્વ છે જ નહિ. અજ્ઞાનવશાત્ તે મોહ કેળવીને આ કર્મ પ્રત્યે અહંતા-મમતાનો ભાવ રાખે છે અને બંધનમાં પડે છે અને વારંવાર સારીનરસી યોનિમાં જન્મ લેવો પડે છે, જો પ્રતીતિ થઈ જાય કે પ્રવૃત્તિ પ્રકૃતિમય દેહાદિની છે અને આત્માને તેની સાથે કોઈ સંબંધ નથી તો નિર્મમભાવને લીધે કર્મોનું બંધન રહેતું નથી.

ભગવદગીતાના અધ્યાય 13માં પણ પ્રકૃતિ-પુરુષ, ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વિશે પ્રતિપાદન છે. આ શરીરને ક્ષેત્ર કહે છે અને તેને જાણનાર કે તેનો સાક્ષી તે ક્ષેત્રજ્ઞ. પરમાત્મા જ સર્વ શરીરોમાં કે સર્વ ક્ષેત્રોમાં છે અને ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનું જ્ઞાન એ જ પરમજ્ઞાન છે (13.1–2). ઋષિઓ, બ્રહ્મસૂત્રો આદિએ બુદ્ધિયુક્ત રીતે બતાવ્યું છે તે પ્રમાણે ક્ષેત્ર અને તેના વિકારોમાં મહાભૂતો (આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી), અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન, પાંચ ઇન્દ્રિયવિષયો (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ગંધ) એ ચોવીસ તત્વો તેમજ ઇચ્છા, દ્વેષ, સુખ, દુ:ખ, સંઘાત (ભિન્ન ભિન્ન તત્ત્વોની એકબીજા સાથે મેળયુક્ત રચના અને વ્યવહાર), ચેતના (સભાનતા), ધૃતિ (ટકી રહેવાની શક્તિ) એમ 31 તત્વોનો સમાવેશ છે. આ ધર્મો કે તત્વો અપરા-પ્રકૃતિરૂપ કે ક્ષેત્રરૂપ છે, આત્મા નથી એ સ્પષ્ટ જાણી લેવું જોઈએ.

ભગવદગીતાએ જ્ઞાનની પણ વિશાળ વ્યાખ્યા કરી છે. નિર્માનિત્વ, નિર્દંભત્વ, અહિંસા, ક્ષાન્તિ (ધીરજ અને હિંમત), આર્જવ, આચાર્યની સેવા, શૌચ (શરીર અને મનની સ્વચ્છતા), સ્થિરતા, આત્મવિનિગ્રહ (પોતા પર સંયમ), ઇન્દ્રિયવિષયો પ્રત્યે વૈરાગ્ય, અનહંકાર (શરીર આદિ પ્રત્યે અહંતાનો અભાવ), જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુ:ખ જેવા દોષોનું ભાન, અનાસક્તિ, પુત્ર, પત્ની, ગૃહ વગેરે વિશે લોલુપતાનો અભાવ, ઇષ્ટ કે અનિષ્ટ પરિસ્થિતિમાં મનનું નિત્ય સમત્વ, ભગવાનમાં અનન્યભાવે અવિચલિત ભક્તિ, એકાંત સ્થાનનું સેવન, જનસમૂહના ઘોંઘાટ પ્રત્યે અરુચિ, અધ્યાત્મજ્ઞાનને વિશે ર્દઢતા, તત્વજ્ઞાનથી જે પ્રાપ્ત કરવાનું છે તેની સૂઝ – આ બધું જ્ઞાન કહેવાય. આનાથી જુદું હોય તે અજ્ઞાન. પરમતત્વ અને તેના સ્વભાવ કે સ્વરૂપ વિશેની માહિતી હોવી એટલો જ જ્ઞાનનો અર્થ નથી પણ એ જાણવાને પરિણામે વર્તનમાં ફરક પડવો જોઈએ, ચિત્તની સ્થિરતા અને સારા સંસ્કારો કે ગુણો આવવા જોઈએ તેનો પણ સમાવેશ પરપ્રાપ્તિની અપેક્ષા રાખી શકાતી હોય (13.7–11) તેવા જ્ઞાનમાં થાય છે.

આ જ્ઞાનથી જે બ્રહ્મ જ્ઞેય છે તેનો ખ્યાલ પણ આપ્યો છે. પરમ બ્રહ્મ અનાદિ, સત્ નહિ તેમ અસત્ નહિ (વ્યવહારના ખ્યાલોથી પર), સર્વત્ર હાથ, પગ, નાક, મુખ, આંખ વગેરે વાળું, બધું વ્યાપીને રહેલ, સર્વ ઇન્દ્રિયોના ગુણોના આભાસવાળું છતાં ઇન્દ્રિયો વિનાનું, અસક્ત પણ સર્વને ટકાવનારું, સત્ત્વાદિ ગુણો વિનાનું છતાં ગુણોને ભોગવનારું, ભૂતોની અંદર અને બહાર રહેલું, અચર તેમજ ચર, સૂક્ષ્મ હોવાથી અવિજ્ઞેય, દૂર અને છતાં નજીક, ભૂતોમાં અવિભક્ત હોવા છતાં વિભક્ત હોય તેમ રહેલું, સર્વ ભૂતોની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારનું કારણ, જ્યોતિઓની પણ જ્યોતિ, તમસથી પર, જ્ઞાનરૂપ, જ્ઞેય અને જ્ઞાનગમ્ય, સર્વના હૃદયમાં અધિષ્ઠિત એવું છે. ભગવદગીતા કહે છે કે ક્ષેત્ર, જ્ઞાન અને જ્ઞેય વિશે જે આ કહ્યું છે તે બરાબર જાણીએ તો ભગવદભાવને યોગ્ય થવાય (13.12–18).

પરમાત્મા પ્રકૃતિરૂપી યોનિમાં ગર્ભ મૂકે છે અને તેમાંથી સર્વ સૃષ્ટિનો ઉદભવ થાય છે, સર્વ યોનિઓમાં જે મૂર્તિઓ જન્મે છે તેમાં મહદ્ બ્રહ્મ કે પ્રકૃતિ મહદ્યોનિ છે અને પરમેશ્વર બીજ મૂકનાર પિતા છે. આ પ્રકૃતિ ત્રિગુણાત્મક છે તેથી બુદ્ધિ આદિ બધું ત્રણ ગુણોથી રંજિત છે. આ ત્રણ ગુણો તે સત્વ, રજસ્ અને તમસ્. એ ત્રણેય સર્વત્ર હોય છે. જોકે એકનું પ્રાધાન્ય હોય અને બીજા બે ગૌણ હોય એવું સંભવે છે, અને દેહીને દેહમાં બાંધે છે. પોતામાં, બીજામાં કે વસ્તુમાત્રમાં નિર્મળતા, પ્રકાશ, સ્ફૂર્તિ, નિર્દોષતાનો અને જ્ઞાનનો અનુભવ થાય છે તે સત્વગુણના પ્રાધાન્યને આભારી છે; આ અનુભવને લીધે જીવને તેના પ્રત્યે આસક્તિ જન્મે છે. સત્વગુણ પ્રત્યેનો રાગ બીજા રાગો કરતાં શુદ્ધ હોવા છતાં એ રાગ જ છે અને બ્રહ્મભાવમાં બાધક જ ગણાય. રજોગુણનું પ્રાધાન્ય હોય ત્યારે જીવમાં લોભ, નવી નવી તૃષ્ણાઓથી પ્રેરાઈ નવી નવી પ્રવૃત્તિઓ આદરવાની વૃત્તિ અને પરિણામે બેચેની અને સ્પૃહા જણાય છે. તમોગુણના પ્રાધાન્યથી અપ્રકાશ (અજ્ઞાન), અપ્રવૃત્તિ, પ્રમાદ, મોહનાં લક્ષણો જણાય છે. સાત્વિક કર્મોનું ફળ પ્રસન્ન કરનારું અને નિર્મળ હોય છે અને તેથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. રજોગુણથી થતાં કર્મોનું ફળ દુ:ખકારક અને લોભકારક હોય છે જ્યારે તમોગુણથી અજ્ઞાન થાય છે અને તેથી પ્રમાદ, મોહ અને અજ્ઞાનની વૃદ્ધિ થાય છે. આ ત્રણે ગુણોથી અલગ કર્તા કોઈ છે નહિ અને પુરુષ કે આત્મા સર્વ ગુણોથી પર, અકર્તા અને સાક્ષી છે. જે આ ત્રણ ગુણોનું સ્વરૂપ અને આત્માથી તેમનો ભેદ જાણીને તેમનાથી પર થાય છે તે ત્રિગુણાતીત બનીને પરમગતિ કે બ્રહ્મભાવ પામે છે (અધ્યાય 14).

સાચા કર્મયોગી, સ્થિતપ્રજ્ઞ, ભક્ત અને ત્રિગુણાતીતનાં લક્ષણો સમાન જ છે. એ જ ગીતાનો આદર્શ પુરુષ છે.

જગતને માટે અશ્વત્થ વૃક્ષનું રૂપક આપવામાં આવ્યું છે જેનાં મૂળ ઉપર સર્વથી શ્રેષ્ઠ અને પર એવા પરમાત્મામાં છે અને શાખાઓનો વિસ્તાર નીચે સંસારરૂપે છે. આ વૃક્ષને કોઈ જાણી શક્યું નથી. તેના આદિ, અંત, વિસ્તાર વગેરે વિશે કશું જ જ્ઞાત નથી માટે શાણપણ એમાં જ છે કે અનાસક્તિરૂપી મજબૂત શસ્ત્રથી તેને કાપી નાખવું અને જેમાંથી એ સંભવ્યું એ આદ્ય પુરુષને શરણે જવું (15.1–6).

પુરુષોત્તમ અંગે ખ્યાલ આપતાં ભગવદગીતામાં કહ્યું છે કે લોકમાં બે પુરુષ છે – ક્ષર અને અક્ષર. સર્વ ભૂતો ક્ષર છે અને કૂટસ્થ અક્ષર કહેવાય છે; જ્યારે ઉત્તમ પુરુષ આ બેથી અન્ય છે જે પરમાત્મા કહેવાય છે અને જે અવ્યય ઈશ્વર તરીકે ત્રણે લોકમાં દાખલ થઈને બધું ધારણ કરે છે. ભગવાન ક્ષર અને અક્ષર બંનેને ઓળંગી ગયા છે, તેમનાથી પર છે તેથી લોકમાં અને વેદમાં પુરુષોત્તમ તરીકે ઓળખાય છે. જે કોઈ પ્રકારના ભ્રમ વિના વિશદ પ્રતીતિપૂર્વક આ પુરુષોત્તમને ઓળખે છે તે સર્વવિદ્ છે અને પછી સંપૂર્ણ ભાવથી તેને જ ઉપાસે છે, ભજે છે. આ ગુહ્યતમ શાસ્ત્ર છે જે જાણનાર બુદ્ધિમાન અને કૃતકૃત્ય થાય છે (15.16–20).

આ ક્ષર અને અક્ષર પુરુષ અને પુરુષોત્તમ વિશે આચાર્યો, ટીકાકારો અને વિદ્વાનોમાં ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે. જેમકે, શંકરાચાર્ય પ્રમાણે ક્ષર એટલે વિકારી જગત, અક્ષર એટલે પરમાત્માની માયાશક્તિ અને પુરુષોત્તમ એટલે ક્ષર અને અક્ષર ઉપાધિઓથી મુક્ત નિત્યશુદ્ધ ચિત્તતત્વ. રામાનુજાચાર્ય પ્રમાણે અક્ષર એટલે મુક્ત જીવાત્મા. વિચાર કરતાં એમ જણાય છે કે ક્ષર એટલે એ તત્વ જે જીવરૂપે જગતમાં છે, અને જેમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય છે. અક્ષર તત્વ એટલે જગતમાં વ્યાપ્ત હોઈને જે એનાથી પર અવિકારી કૂટસ્થ છે અને જેને જાણવા જ્ઞાનીઓ શ્રવણ-મનન-નિદિધ્યાસન આદિ કરે છે તે. ભગવદગીતાને આટલા તત્વજ્ઞાનથી સંતોષ થતો જણાતો નથી કારણ કે ક્ષરમાં વિકાર, અશુદ્ધિ વગેરેનો ખ્યાલ છે; અક્ષર કૂટસ્થનું જ્ઞાન નિત્ય, નિર્વિકાર ચિત્ કે પરમાત્મતત્વની અનુભૂતિ કરાવી શકે પણ જાણે એ પરતત્વને જગત સાથે કોઈ સંબંધ ન હોય એટલું અલિપ્ત અને સાક્ષીભૂત જ લાગે. પરમતત્વમાં આ બંને અંશો છે, પણ આ બે તેનાં પાસાં છે. આમ હોઈને પરમ બ્રહ્મ આથી વિશેષ પણ છે, એ પુરુષોત્તમ છે જે માત્ર સાક્ષી રહીને જીવોનાં સુખદુ:ખ અને જગતમાં ધર્મ-અધર્મનાં ગ્લાનિ-અભ્યુત્થાન જોયાં નથી કરતો પણ અનુકંપા અને પ્રેમ ધારણ કરીને સર્વનું કલ્યાણ કરે છે, અને ખરી આપત્તિના સમયમાં અવતાર ધારણ કરીને યુગે યુગે સૌને સન્માર્ગે દોરે છે. આ પરમતત્વનું સાચું સત્-ચિત્-આનંદ સ્વરૂપ છે. સંસારનો મોહ છોડીને અલિપ્ત થવાનું છે અને અલિપ્ત થયા પછી અનાસક્ત ભાવે સર્વનું કલ્યાણ કરવાનું છે – એ ભગવદગીતાનો પરમ ઉપદેશ છે જેને માટે ‘પુરુષોત્તમ’ની કલ્પના આદર્શરૂપ છે.

આમ ભગવદગીતાનો જ્ઞાનમાર્ગ અનુશાસનપૂર્વક અનુકંપા અને પ્રેમથી રસેલો છે.

ભગવદગીતાના 16મા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિનો ખ્યાલ આપ્યો છે. 17મા અધ્યાયમાં ત્રિવિધ (સાત્ત્વિક, રાજસ, તામસ) શ્રદ્ધા, આહાર, યજ્ઞ, તપ, દાન અને 18મા અધ્યાયમાં ત્રિવિધ કર્મત્યાગ, (એ નોંધવું જોઈએ કે ભગવદ્ગીતા અનુસાર આસક્તિ છોડીને અને ફળની ઇચ્છા રાખ્યા સિવાય નિયત કર્મ કરવામાં આવે તો તે ત્યાગ ‘સાત્વિક’ કોટિનો ગણ્યો છે.) જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ, સુખની સમજ આપી છે.

આપણો કર્તૃત્વનો દાવો કેટલો પોકળ છે તે બતાવવા ભગવદગીતા કહે છે કે સાંખ્ય સિદ્ધાંતમાં સર્વ કર્મની સિદ્ધિને માટે પાંચ કારણો ગણાવ્યાં છે – અધિષ્ઠાન (શરીર), કર્તા, વિવિધ સાધનો, અલગ અલગ જાતની ચેષ્ટાઓ અને પાંચમું દૈવ. જે નાસમજ એમ માને કે પોતે એકલો જ કર્તા છે તેને સાચો ખ્યાલ નથી. જેનામાં ‘હું’પણું નથી, જેની બુદ્ધિ લેપાતી નથી તે કશું ખરાબ કામ કરતો નથી કે તેના બંધનમાં પડતો નથી; તેને માટે કોઈ કર્મ સારું કે ખરાબ હોતું નથી કે બંધનકારક હોતું નથી. કારણ કે કરવાનું છે એ રીતે જ સ્વધર્મ તરીકે અનાસક્ત ભાવે, ફળની આશા રાખ્યા વિના તેણે કર્યું છે (18.13–17). જે લોકો કર્મસંન્યાસનો દાવો કરે છે ત્યાં પણ સર્વ કર્મોનો સંન્યાસ નથી હોતો પણ સાંસારિક ગણાતાં કર્મોનો સંન્યાસ હોય છે તે સિવાયનાં કર્મો તો પ્રકૃતિવશાત્ કરવાં જ પડે છે. સર્વથી થઈ શકનારો સંન્યાસ તો કર્મનો નહિ પણ સંકલ્પનો છે અને એ જ સાચી નૈષ્કર્મ્યસિદ્ધિ છે (18.49).

આવા કર્મયોગીનો બ્રહ્મપ્રાપ્તિનો માર્ગ આ રીતે બતાવ્યો છે : તે વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત થઈ, સાત્વિક ધૃતિથી પોતાના મનને વશ કરે છે, ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી ખેંચી લે છે, રાગદ્વેષ છોડી દે છે; એકાંતનું સેવન કરી, આહારને અલ્પ કરી, વાણી, શરીર અને મનને સંયમમાં રાખી ધ્યાનયોગ-પરાયણ બને છે અને વૈરાગ્યનો આશ્રય લે છે. અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ, પરિગ્રહનો ત્યાગ કરી, મમત્વરહિત શાન્ત થયેલ તે બ્રહ્મરૂપ બનવાને યોગ્ય થાય છે. બ્રહ્મભૂત થયેલો તે પ્રસન્ન ચિત્તવાળો હોઈને કશાનો શોક નથી કરતો તેમ સ્પૃહા નથી કરતો. સર્વ ભૂતો માટે સમબુદ્ધિવાળો તે પરમેશ્વરની પરાભક્તિ પામે છે. આ પરાભક્તિથી તે પરમાત્માના સ્વરૂપનું સાચું જ્ઞાન મેળવે છે અને જેવો તે પરમેશ્વરને ઓળખે છે કે તરત જ પરમેશ્વરમાં પ્રવેશ કરે છે, તેની સાથે એકરૂપ થાય છે. બધાં કર્મોને પણ હંમેશ પરમાત્માના આશ્રયપૂર્વક કરતો તે પરમાત્માની કૃપાથી અવિનાશી પદને પામે છે (18.51–56).

સંક્ષેપમાં, પ્રકૃતિ તેના સ્વભાવ પ્રમાણે ક્રિયાઓ કરાવે જ છે અને મનુષ્ય જો વિવેકરહિત હોય તો લાચાર થઈને કર્યે જ જાય છે. વિવેકયુક્ત જ્ઞાની સમજીને અલિપ્ત રહીને એ કર્મ કરે છે. ભક્ત પરમેશ્વરને પોતાનું સમર્પણ કરીને તેની ઇચ્છાથી પ્રેરિત થઈને કર્મ કરે છે. માટે અહંકાર છોડીને અનાસક્તભાવે પરમેશ્વરને સમર્પિત કરીને જે કર્મ કરવાનું આવે તે કરવું એ જ શ્રેયસ્કર છે. એક રીતે વિચારતાં પ્રાણીમાત્ર યંત્રથી ચાલતી પૂતળી જેવાં છે. હૃદયમાં રહેલો અંતર્યામી ઈશ્વર જેમ તેમને તેમનાં કર્મ પ્રમાણે પોતાની માયા વડે નચાવે છે તેમ નાચે છે. માટે મૂંઝવણ ઊભી થાય ત્યારે અનન્યભાવથી તેને શરણે જવું એ જ તેના અનુગ્રહથી પરમ શાન્તિ અને શાશ્વત સ્થાન પામવાનો શ્રેષ્ઠ ઉપાય છે (18.61–62).

આમ ભગવદગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગનો સુંદર સહકારયુક્ત વિનિયોગ દર્શાવ્યો છે. એમાં પોતાના વલણ અનુસાર તે તે માર્ગને પ્રાધાન્ય આપી શકાય પણ બીજા બેનો સહકાર તો અનિવાર્ય જ છે. આમ, ભગવદ્ગીતા દરેકને સુંદર સ્વસ્થ જીવનનો અને સંસાર તરી જવાનો માર્ગ શીખવે છે.

અન્ય ગીતાઓ

ભગવદગીતા ઉપરાંત અન્ય ગીતાઓ મહાભારતમાં તેમજ પુરાણોમાં મળી આવે છે જે આ પ્રમાણે છે :

મહાભારતમાં મળતી ગીતાઓ : શાન્તિપર્વમાં (1) અજગર-ગીતા (અધ્યાય 172), (2) અશ્મ-ગીતા (અ. 28), (3) અંગિરસ-ગીતા (અ. 69, શ્લોક 70–71), (4) ઉતથ્યગીતા (અ. 91–92), (5) ઉશનસ્-ગીતા (અ. 51, શ્લો. 29–31), (6) ઋષભગીતા (અ. 125, 126), (7) કપિલગીતા (અ. 260–262), (8) કેકયગીતા (અ. 78, શ્લો. 631), (9) ખડ્ગગીતા (અ. 160), (10) જનકગીતા (અ.17, શ્લો. 17–23), (11) નારદગીતા (અ. 316, 317), (12) નારાયણગીતા (અ. 62, શ્લો. 13–21), (13) પરાશરગીતા (અ. 270–287), (14) પિંગલાગીતા (અ. 168, શ્લો. 46–53), (15) બલિગીતા (અ. 216–218), (16) બોધ્યગીતા (અ. 171, શ્લો. 55–61), (17) બ્રહ્મગીતા (અ. 134, શ્લો. 1–10; અ. 256, શ્લો. 7–22), (18) ભાર્ગવગીતા (અ. 57, શ્લો. 40–45), (19) ભૃગુગીતા (અ. 175 –185), (20) મનુગીતા (અ. 56, શ્લો. 23–25), (21) મંકિગીતા (અ. 171, શ્લો. 1-54), (22) માંડવ્યગીતા (અ. 268), (23) યજ્ઞગીતા (અ. 60, શ્લો. 46–52), (24) યયાતિગીતા (અ. 313, શ્લો. 31–51), (25) યાજ્ઞવલ્ક્ય ગીતા (અ. 298–306), (26) વામદેવગીતા (અ. 93–95), (27) વિચખ્નુગીતા (અ. 257), (28) વૃત્રગીતા (અ. 270, 271), (29) વ્યાસગીતા (અ. 309), (30) શમ્યાક્ગીતા (અ. 170), (31) શૃગાલગીતા (અ. 173), (32) ષડ્જગીતા (અ. 161), (33) સેનજિત્ગીતા (અ. 26, શ્લો. 13–36; અ. 168), (34) હંસગીતા (અ. 288), (35) હારિતગીતા (અ. 269);

આશ્વમેધિક પર્વમાં : (36) અનુગીતા (અ. 16-19), (37) કામગીતા (અ. 13, શ્લો. 12–21), (38) ગુરુશિષ્ય-સંવાદગીતા (અ. 35–51), (39) બ્રાહ્મણગીતા (અ. 20–34);

ઉદ્યોગપર્વમાં : (40) વિદુરગીતા, (અ. 33–40), (41) સનત્- સુજાતીય ગીતા (અ. 42–45).

શાન્તિપર્વની મોટા ભાગની ગીતાઓ ભીષ્મે યુધિષ્ઠિરને કહી સંભળાવી છે. આશ્વમેધિક પર્વની ચારે ગીતા શ્રીકૃષ્ણે અર્જુનને કહી સંભળાવી છે, જ્યારે ઉદ્યોગપર્વની વિદુરગીતા અને સનત્સુજાતીય ગીતા વિદુરે તથા સનત્સુજાતે ધૃતરાષ્ટ્રને કહી સંભળાવી છે, જોકે આ ગીતાઓ મહદંશે ઇતિહાસરૂપે હોવાથી અનેક વક્તાઓ અને અનેક શ્રોતાઓ વચ્ચેનો સંવાદ અહીં રૂપાન્તરે મુકાયો છે.

પુરાણોમાં ગીતા : શ્રીમદ્ ભાગવતપુરાણમાં (1) હંસગીતા, (2) ભિક્ષુગીતા, (3) કપિલગીતા (સ્વતંત્ર ગ્રંથ પણ છે), (4) પિંગલાગીતા, (5) ઉદ્ધવગીતા કે અવધૂતગીતા; (6) ઈશ્વરગીતા (કૂર્મપુરાણ), (7) વ્યાસગીતા (કૂર્મપુરાણ), (8) બ્રહ્મગીતા (સ્કંદપુરાણ), (9) બ્રહ્મગીતા (યોગવાસિષ્ઠ), (10) સૂતગીતા (સૂતસંહિતા), (11) અગસ્ત્યગીતા (વરાહપુરાણ), (12) રુદ્રગીતા (વરાહપુરાણ), (13) ગણેશગીતા (ગણેશપુરાણ), (14) દેવીગીતા (દેવી ભાગવત), (15) યમગીતા (વિષ્ણુપુરાણ અ. 3-7; નૃસિંહપુરાણ, અ. 8; અગ્નિપુરાણ અ. 382); (16) વસિષ્ઠગીતા (યોગવાસિષ્ઠ), (17) શિવગીતા (પદ્મપુરાણ – ગૌડીય સંસ્કરણ), (18) સિદ્ધગીતા (યોગવાસિષ્ઠ),

પુરાણો સિવાયની ગીતા : (19) રામગીતા (અધ્યાત્મ-રામાયણ), (20) રામગીતા (ગુરુજ્ઞાન-વાસિષ્ઠ-તત્વસારાયણ), (21) સૂર્યગીતા (ગુરુજ્ઞાન-વાસિષ્ઠ-તત્વસારાયણ),

અન્ય ગીતા : (22) શ્રીધીશગીતા, (23) વિષ્ણુગીતા, (24) અષ્ટાવક્રગીતા, (25) અવધૂતગીતા, (26) પાંડવગીતા.

અનુગીતા : ભગવદગીતાની પ્રતિકૃતિ હોવાથી અનુગીતાનો વિચાર સૌપ્રથમ કરીએ. અનુગીતા ત્રણ ભાગમાં વહેંચાયેલી મનાય છે. આશ્વમેધિક પર્વના અધ્યાય 16–19ને ‘અનુગીતા’ નામ આપવામાં આવ્યું છે. અ. 20–34ને ‘બ્રાહ્મણગીતા’ કહે છે. જેમાં એક બ્રાહ્મણ તેની પત્નીને યોગની મહત્તા સમજાવે છે. અ. 35–51માં ‘ગુરુશિષ્યસંવાદ’ છે, જેમાં પરમાર્થજ્ઞાનનું પ્રતિપાદન છે. વિચારસંગતિ અને સાતત્યને લીધે આ ત્રણેયનો અનુગીતામાં સમાવેશ મનાય છે. (જુઓ કે. ટી. તેલંગનો ગ્રંથ ‘ભગવદગીતા વિથ સનત્સુજાતીય ઍન્ડ અનુગીતા’, S. B. E., Vol. 8.)

યુદ્ધ પૂરું થયા પછી અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે યુદ્ધ વખતે તમારા દિવ્યરૂપનું દર્શન થયું હતું ત્યારે તમે જ્ઞાનની જે વાત કરી હતી તે હું ભૂલી ગયો છું માટે ફરીથી બધું સંભળાવો. તેની વિનંતીને માન્ય રાખીને શ્રીકૃષ્ણે ફરી અર્જુનને ઉપદેશ આપ્યો. તેથી આ ગીતાને ‘અનુગીતા’ નામ આપવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણે સ્પષ્ટતા કરતાં અર્જુનને કહ્યું કે યુદ્ધ વખતે યોગયુક્ત થઈને તને પરબ્રહ્મ વિશે કહ્યું હતું, આજે ફરીથી એ જ સ્વરૂપે મારાથી કહી શકાશે નહિ, તેથી એક પુરાતન ઇતિહાસરૂપે કહું છું. અનુગીતામાં તપસ્વી કાશ્યપે એક સિદ્ધ મહર્ષિની કૃપા મેળવીને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું તેની વાત શ્રીકૃષ્ણે અર્જુનને કહી છે.

અધ્યાય 16–19માં જન્મમરણની દુ:ખમયતા, મરણની પ્રક્રિયા, પાપપુણ્ય અનુસાર જીવને કેવા જન્મ પ્રાપ્ત થાય છે અને જ્યાં સુધી જીવ પ્રયત્ન કરીને મુક્તિ માટે યોગ્યતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી આ જન્મમરણપરંપરા ચાલ્યા કરે છે, મુક્તિના ભિન્ન માર્ગો, જેમાં યોગને ઘણું મહત્વ આપ્યું છે અને સ્વસ્થતા માટે જે સદાચરણ આવશ્યક છે તેની ચર્ચા છે. અર્જુનના મનમાંથી યુદ્ધથી થયેલો ઉદ્વેગ દૂર કરી બ્રહ્મપ્રાપ્તિના માર્ગે તેને વાળવા માટે શ્રીકૃષ્ણે અર્જુનને આ ઉપદેશ આપ્યો છે.

બ્રાહ્મણગીતા : આમાં યોગનું ઘણું મહત્વ દર્શાવ્યું છે. શરીરની અંદર કરાતા યજ્ઞ તરીકે યોગની વ્યાખ્યા કરી છે. કરણ, કર્તા, કર્મ અને મોક્ષને ચાર હોતા કહ્યા છે. ઇન્દ્રિયો સાધન છે. ગંધ, રસ, રૂપ વગેરે કર્મફળ છે અને ઇન્દ્રિયોની ક્રિયાઓ કર્તૃત્વમાં હેતુભૂત છે. બ્રહ્મ શરીરમાં અગ્નિરૂપે પ્રકાશિત છે, સંકલ્પનો ત્યાગ અને ઉત્તમ કર્મ એ જ આ હોમની ઉત્તમ દક્ષિણા છે. નારાયણ દેવતાને એકમાત્ર શાસ્તા અને નિત્ય ઉપદેશક ગણીને તેમના ઉપદેશથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, એમ આ ગીતામાં કહ્યું છે. બ્રહ્મપ્રાપ્તિની સાધનામાં બ્રહ્મચર્ય મહત્વનો ભાગ ભજવે છે. વળી જીવનમાં જલકમલવત્ રહેવું જરૂરી છે. હૈહય વંશીય કાર્તવીર્ય અર્જુન અને સમુદ્રનો સંવાદ રજૂ કરીને મોક્ષધર્મનો ઉપદેશ આ ગીતામાં વર્ણવ્યો છે, જે પરશુરામને એકવીસ વાર પૃથ્વી નક્ષત્રી કરી ત્યારે દિવ્યવાણી પાસેથી સાંપડ્યો હતો. અલર્ક રાજાના ર્દષ્ટાંતથી મનની એકાગ્રતા દ્વારા ધ્યાનયોગનું આલંબન લઈને જિતેન્દ્રિય બનીને યોગબળે પરમાત્માને પામી શકાય છે, એમ સમજાવ્યું છે. આ ઉપદેશ દ્વારા પરશુરામને પણ હિંસાથી પર રહી તપશ્ચર્યા માટે પ્રેરવાનો આશય છે. અંબરીષ રાજાના ર્દષ્ટાંતથી એમ બતાવ્યું છે કે મન અને બુદ્ધિને વશ કરી ધ્યાનયોગમાં લીન થતાં પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. રાજા જનકની કથાથી સમજાવ્યું છે કે આ જગતમાં આપણું કંઈ નથી એ સમજી લઈએ તો મોહ રહેતો નથી અને દુષ્કૃત્યોની કોઈ આવશ્યકતા જણાતી નથી.

ગુરુશિષ્યસંવાદ : આ ગીતામાં મોક્ષ વિશે પ્રતિપાદન છે. પૂર્વે બ્રહ્માએ અંગિરસ, બૃહસ્પતિ આદિ મહર્ષિઓને મોક્ષવિષયક ઉપદેશ આપવા સંભળાવેલી ગીતા જ અહીં શ્રીકૃષ્ણે અર્જુનને ગુરુશિષ્યસંવાદરૂપે કહી સંભળાવી છે. ચાર આશ્રમો, પ્રકૃતિ અને તેના વિકારો, સત્વ-રજસ્-તમસ્ ગુણો અનુસાર સ્વભાવ અને કર્મોનું ઘડતર, ગુણાતીતની યોગ્યતા વગેરે વિશે ઉપદેશ આપ્યો છે. ભગવદગીતાના વિભૂતિયોગની જેમ દરેક વર્ગમાં ઉત્તમને ગણાવીને બ્રહ્માને પ્રાણીઓના અધિપતિ માન્યા છે. ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞની વાત કરી છે. અહિંસાને સર્વશ્રેષ્ઠ ગણાવી છે. ઇન્દ્રિયરૂપી અશ્વોને બુદ્ધિરૂપી સારથિ જ વશમાં રાખી શકે એમ સમજાવીને કહ્યું છે કે તપ અને ધ્યાનથી સતત સાધના કરી ચિત્તનું શમન થતાં પરમ શાન્તિ પ્રાપ્ત થાય છે.

સનત્સુજાતીય ગીતા : આ ગીતામાં મૃત્યુ, અપમૃત્યુ, બ્રહ્મચર્ય, શ્રેષ્ઠ બ્રાહ્મણ, પરબ્રહ્મની પ્રાપ્તિ જેવા મુદ્દાઓનું પ્રતિપાદન છે. યુદ્ધના ભયથી ભાંગી પડેલા ધૃતરાષ્ટ્રને ધીરજ બંધાવવા સનત્સુજાતે આ ઉપદેશ આપ્યો હતો. તેથી તે સનત્સુજાત પર્વ કે સનત્સુજાતીય ગીતા તરીકે ઓળખાય છે. પ્રારંભમાં ધૃતરાષ્ટ્ર મૃત્યુ વિશે કેટલાક પ્રશ્ન પૂછે છે. તેના જવાબમાં સનત્સુજાત કહે છે કે એના મતે પ્રમાદ એ મૃત્યુ છે અને અપ્રમાદ અમૃત છે. તે કર્મ અને મૃત્યુનો સંબંધ સમજાવે છે; નિષ્કામ કર્મથી મૃત્યુથી મુક્ત થવાય છે અને સકામ કર્મથી જન્મમૃત્યુની સાંકળમાં ફસાવાનું થાય છે. શ્રેષ્ઠ બ્રાહ્મણની સનત્સુજાતે સુંદર વ્યાખ્યા આપી છે – પરિવાર વચ્ચે રહેતો હોવા છતાં અલિપ્ત હોય, અન્ય લોકોના ગુણદોષોની ચર્ચાથી દૂર રહેતો હોય, સુખદુ:ખ, આદર-અનાદર આદિના ખ્યાલોથી પર હોય, લૌકિક ધન વિનાનો હોવા છતાં જ્ઞાનરૂપી ધનવાળો હોય, બ્રાહ્મણત્વના પ્રદર્શન દ્વારા આજીવિકા મેળવવાનો વિચાર પણ ન કરનારો હોય તે બ્રાહ્મણ કહેવાય. પાપકર્મ કરનારને વેદ પણ બચાવી શકે નહિ. તપના બાર દોષો અને દમના અઢાર દોષો સામે લાલબત્તી ધરી છે અને કહ્યું છે કે દોષરહિત દમ, શ્રેષ્ઠ પ્રકારના ત્યાગ અને અપ્રમાદમાં અમૃતનો વાસ છે. સંસારરૂપી અશ્વત્થ વૃક્ષનું વર્ણન કર્યું છે અને કહ્યું છે કે પૂર્ણ પરમેશ્વરમાંથી પૂર્ણ ચરાચર ઉત્પન્ન થાય છે અને પૂર્ણ બ્રહ્મમાં લીન થાય છે અને પૂર્ણ બ્રહ્મ રહે છે. બ્રહ્મ માતા, પિતા, પુત્ર, આત્મા છે; જે છે અને જે નથી તે તે જ છે. તેને જ્ઞાન દ્વારા જાણી શકાય છે અને પામી શકાય છે.

કપિલગીતા : યુધિષ્ઠિરનો શોક દૂર કરવા ભીષ્મે આ ગીતા સંભળાવી ગૃહસ્થધર્મ, યોગધર્મ, પ્રવૃત્તિ-નિવૃત્તિ વગેરે વિષયો અંગે જ્ઞાન આપ્યું. પૂર્વે કપિલે આ ગીતા સ્યૂમરશ્મિને કહી હતી તેથી તે કપિલગીતા તરીકે ઓળખાય છે. વેદવચનોની સારાસારતા કેવી રીતે નક્કી કરવી; કેટલાંક વેદવિહિત કર્મો હિંસાયુક્ત છે જ્યારે બીજાં હિંસારહિત છે; વળી વેદમાં કર્મોની પ્રશંસા છે તેમ કર્મોથી દૂર રહી કર્મફળથી બચવાનું કહ્યું છે તો પછી શું સમજવું ? સ્યૂમરશ્મિ વૈદિક કર્મકાંડને યજ્ઞમય કહે છે અને માને છે કે યજ્ઞ લોકસ્થિતિનું મૂલ છે તેથી જે ઇચ્છા રાખ્યા વિના કર્તવ્ય સમજીને યજ્ઞો કરે તે હિંસા કરવા છતાં હિંસા કરતો નથી, કારણ કે તેની વૃત્તિ નિષ્કામ છે. કપિલ કર્મને ચિત્તશુદ્ધિનું સાધન માને છે પણ હિંસાયુક્ત કર્મ તેમને માન્ય નથી અને ધર્મ્ય પણ નથી. બાહુ, મુખ, ઉદર અને ઉપસ્થ એ ચાર દ્વારોનું નિયમન કરનારને માટે તપ, યજ્ઞ વગેરે કરવાની આવશ્યકતા રહેતી નથી. ચિત્તશુદ્ધિ વિના બ્રહ્મભાવ શક્ય નથી.

સ્યૂમરશ્મિ કપિલના પ્રશ્નના ઉત્તરમાં સમજાવે છે કે ગૃહસ્થાશ્રમ સર્વ આશ્રમોનો આશ્રય છે અને જ્ઞાનનિષ્ઠા પ્રાપ્ત કરાવવા પણ સમર્થ છે તેથી ગૃહસ્થાશ્રમીને મોક્ષસિદ્ધિ ન થાય એમ માનવું ભૂલભરેલું છે. કપિલ કહે છે કે મોક્ષપ્રાપ્તિ માટે જ આચરણમાં મુકાતું શાસ્ત્ર ફલદાયી છે. જ્ઞાન વિના કરાતાં વૈદિક કર્મો સંસારને માટે વિનાશક પણ બની શકે. દરેકે પોતાની પ્રકૃતિને અધીન રહી બ્રહ્મપ્રાપ્તિનો માર્ગ પસંદ કરવો જોઈએ. વેદ સર્વને માટે પ્રમાણભૂત છે. શબ્દબ્રહ્મમાં નિષ્ણાત પરબ્રહ્મને પામી શકે. પૂર્વે જનકાદિ રાજા અને યાજ્ઞવલ્ક્ય આદિ બ્રાહ્મણ ગૃહસ્થાશ્રમમાં રહીને ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરીને મોક્ષ પામ્યા છે કારણ કે તેમનાં સર્વ કર્મ બ્રહ્મને સમર્પિત હતાં. પ્રાણીમાત્રને અભયદાન આપે અને ભૂતમાત્રને આત્મરૂપ જુએ તે બ્રાહ્મણ. કર્મમાર્ગ અને મોક્ષમાર્ગમાં કોઈ વિરોધ નથી. સ્થૂલ-સૂક્ષ્મ શરીરની શુદ્ધિ કર્મનું પ્રયોજન છે, જ્યારે જ્ઞાનનું પ્રયોજન મોક્ષપ્રાપ્તિ છે. કર્મના અનુષ્ઠાન અને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિના બળે જે અહંકારરહિત બને તે જ સાચો વેદવિદ્. કર્મો દ્વારા ચિત્તશુદ્ધિ સધાતાં અને ક્ષમા-તેજ-શાન્તિ દ્વારા અજ્ઞાન-નાશ થવાથી બ્રહ્મને પામી શકાય એમ આ ગીતામાં પ્રતિપાદિત થયું છે.

યાજ્ઞવલ્ક્યગીતા : આ ગીતામાં યુધિષ્ઠિરના પરમતત્વવિષયક પ્રશ્નના ઉત્તરમાં ભીષ્મે જનક-યાજ્ઞવલ્ક્ય સંવાદ કહી સંભળાવ્યો છે, જેમાં પ્રકૃતિ અને તેના વિકારો, કાળગણના, સૃષ્ટિનાં સર્જન-સંહાર, અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવત, સત્વાદિ ગુણો, પુરુષ અને પ્રકૃતિ, યોગ, મૃત્યુસૂચક ચિહનો વગેરે વિષયોની ચર્ચા છે. અંતિમ અધ્યાયમાં યાજ્ઞવલ્ક્ય કહે છે કે બ્રહ્મ વિશેનું જ્ઞાન તેને સૂર્ય પાસેથી મળ્યું છે. બ્રહ્મજ્ઞાનથી જ મોક્ષ શક્ય બને છે અને આ જ્ઞાન ગમે તે વર્ણના ગુરુ પાસેથી મેળવી શકાય.

અજગરગીતા : અજગરવૃત્તિ ધારણ કરનાર એક મુનિએ પ્રહલાદને ઉપદેશ આપેલો તે વાત કરી ભીષ્મ યુધિષ્ઠિરને સમજાવે છે કે અજગરવૃત્તિ ધારણ કરવાથી તૃષ્ણાત્યાગ થતાં પરમ ગતિ પ્રાપ્ત કરી શકાય છે. અજગર જેમ વધારે પડતાં ફાંફાં માર્યા વિના જે મળે તેનાથી પોતાનો ગુજારો કરી લે છે તેમ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવા ઇચ્છનારે પ્રારબ્ધનું બળ સ્વીકારીને મળેલા પદાર્થોથી સંતોષ માનવો જોઈએ, બુદ્ધિને ચલિત ન થવા દેવી જોઈએ, સારા-ખરાબનું જ્ઞાન મેળવીને દ્વેષ, મોહ વગેરે ત્યાગીને અજગરવ્રત ધારણ કરવું જોઈએ જેથી અનાસક્ત બનીને અંત:કરણને તૃપ્ત અને સ્થિર રાખી શકાય અને જ્ઞાન પ્રાપ્ત કરીને પરમગતિ પામી શકાય.

અશ્મગીતા : સ્વજનોના વિયોગથી દુ:ખી થઈ પ્રાણત્યાગનો વિચાર કરતા યુધિષ્ઠિરને અશ્મ ઋષિએ પૂર્વે જનક્ધો કહેલી વાત વ્યાસ મુનિએ કહી સંભળાવી તેમાં પ્રારબ્ધની પ્રબળતા અને મર્ત્ય જીવનની ક્ષણભંગુરતા પર ભાર છે. સુખદુ:ખ પ્રારબ્ધને અધીન છે. તેથી શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. કાળ અને પ્રારબ્ધ જેવાં તત્વો તરફ ધ્યાન દોરીને આ ગીતા એવું પ્રતિપાદિત કરે છે કે મનુષ્યની મર્યાદા બહારના બનાવો માટે શોક નિરર્થક છે; તેના કરતાં પરિસ્થિતિને અનુરૂપ કર્તવ્ય કરવામાં જ ડહાપણ છે.

અંગિરસગીતા : અંગિરસ ઋષિએ કહેલી વાત ભીષ્મ યુધિષ્ઠિરને કહી સંભળાવે છે. રાજાને માટે ધર્મપાલનપૂર્વક પ્રજાનું પાલન એ મોટું તપ છે.

ઉતથ્યગીતા : બાણશય્યા પર સૂતેલા ભીષ્મ રાજનીતિ વિશે જાણવા આવેલા યુધિષ્ઠિરને ઉતથ્યે રાજા માંધાતા સમક્ષ ગાયેલી ગીતા કહી સંભળાવે છે. રાજધર્મનો ઉપદેશ આપતાં પ્રત્યેક દેશકાળમાં ઉપયોગી થાય અને જીવનમૂલ્યોની સમજણ કેળવાય તેવી વાતો તેમાં કરી છે.

ઉશનસગીતા : ઉશનસે આપેલો ઉપદેશ ભીષ્મ યુધિષ્ઠિરને કહી સંભળાવે છે. – બ્રાહ્મણની સર્વથા રક્ષા કરવી જોઈએ, દોષી હોય તોપણ વધ કરવો ઉચિત નથી. પણ શસ્ત્ર લઈને આવે તો વેદવેત્તા બ્રાહ્મણ પણ સંગ્રામમાં વધ્ય છે.

કેકયગીતા : યુધિષ્ઠિર રાજાના ધનાધિકારવિષયક પ્રશ્નના ઉત્તરમાં ભીષ્મ કેકયરાજે પોતાને હરી જનાર રાક્ષસને પૂર્વે જે વચનો કહ્યાં હતાં તે કહી સંભળાવે છે. – રાજાની આજીવિકા અબ્રાહ્મણ અને કુકર્મી બ્રાહ્મણના ધનથી થઈ શકે.

ખડ્ગગીતા : નકુલના પ્રશ્નના ઉત્તરમાં ભીષ્મ દ્વારા અપાયેલી ખડ્ગની ઉત્પત્તિ, ખડ્ગવિદ્યાની ઉત્તરોત્તર પરંપરા વગેરે વિસ્તૃત માહિતી આ ગીતામાં છે. વાગ્દંડ, અર્થદંડ, શારીરિક દંડ અને પ્રાણદંડ જેવા ચાર પ્રકારના દંડનું વર્ણન કરતાં કહ્યું છે કે ધર્મનું ઉલ્લંઘન થતું હોય ત્યારે ખડ્ગના પ્રમાણિત પ્રયોગથી ધર્મની રક્ષા કરવી. (નીલકંઠના પાઠમાં તેમ સમીક્ષિત આવૃત્તિમાં આનો ગીતા તરીકે ઉલ્લેખ નથી એ નોંધવું જોઈએ.)

વિચખ્નુગીતા : ભીષ્મે યુધિષ્ઠિરને વિચખ્નુ રાજાએ યજ્ઞશાળામાં કપાયેલા વૃષભ અને આહુતિ માટે તૈયાર કરાયેલી આક્રંદ કરતી ગાયોને જોઈને અનુકંપાથી જે વાત પુરોહિતને કરી તે કહી સંભળાવી. માંસ, મદ્ય, માછલી વગેરે વિશે વિધાન કરનારા ધૂર્ત અને સ્વાર્થી છે. વેદોમાં એનું વર્ણન નથી. મનુએ પણ અહિંસાની પ્રશંસા કરી છે. ભગવાન વિષ્ણુને ફલ, ફૂલ, દૂધથી પણ પ્રસન્ન કરી શકાય. ગમે તે સંજોગોમાં કોઈને પણ યાતના ન પહોંચે તેવું માણસનું વર્તન હોવું જોઈએ.

કામગીતા : ભીષ્મના જ્ઞાનબોધ પછી પણ યુધિષ્ઠિરનું મન શાન્ત ન થયું, ત્યારે શ્રીકૃષ્ણે કામદેવે ગાયેલી ‘ગાથા’ કહી સંભળાવી, જેમાં કામનું બંધન કેટલું મજબૂત છે તે વર્ણવ્યું છે. કામદેવે સ્પષ્ટ કહ્યું છે કે નિર્મમત્વ વિના તેને જીતી શકાતો નથી. શાસ્ત્રજ્ઞાન, દક્ષિણાયુક્ત યજ્ઞ, વેદવેદાંગ, ધૈર્ય કે તપથી તેને જીતવાનો પ્રયત્ન થતાં તે અહંકાર, દંભાદિ ભાવોમાં એકરૂપ થઈ જાણી ન શકાય તે રીતે કે તપરૂપે પ્રકટ થાય છે. ચિત્તવૃત્તિઓના તૃષ્ણાયુક્ત આવિષ્કારને બરાબર સમજી મમત્વરહિત થઈને યજ્ઞ કરે તે બંધનથી મુક્ત થઈને મોક્ષને માર્ગે આગળ વધી શકે. આમ સર્વ શોક અને દુ:ખનું મૂળ આસક્તિ હોઈ કામનાઓનો ત્યાગ કરવો જોઈએ એમ ઉપદેશ છે.

જનકગીતા : તત્વદર્શી જીવન્મુક્ત વિદેહરાજ જનકે મોક્ષવિષયક વિચારો પૂર્વે વ્યક્ત કર્યા હતા તે અહીં યુધિષ્ઠિર ભીમને કહી સંભળાવે છે.

નારદગીતા : આ ગીતા સૌપ્રથમ સનત્કુમારે ઋષિઓને, ત્યારબાદ નારદે શુકદેવને અને છેલ્લે ભીષ્મે યુધિષ્ઠિરને ઉપદેશી. વિદ્યા સમાન નેત્ર નથી, ત્યાગ સમાન સુખ નથી, રાગ સમાન દુ:ખ નથી, કર્મોનું બળ સમજાવીને આ ગીતા પાપકર્મથી નિવૃત્ત થઈ સદાચાર અને કલ્યાણના માર્ગે વળવા કહે છે. સાંખ્યનાં પચીસ તત્વોનું નિરૂપણ કરીને કહ્યું છે કે આ તત્વોને ધર્મ, અર્થ, કામ, સુખદુ:ખ, જીવનમૃત્યુ, ઉત્પત્તિલયના સંદર્ભમાં જાણી શકે તે પરબ્રહ્મને પામી શકે.

નારાયણગીતા : ભીષ્મ યુધિષ્ઠિરને આ ગીતા કહી સંભળાવે છે. એમાં ગૃહસ્થાશ્રમ અને બ્રહ્મચર્યાશ્રમના ધર્મોનું પ્રતિપાદન છે.

પરાશરગીતા : આ ગીતા સૌપ્રથમ જનક રાજાએ પરાશર ઋષિ પાસેથી સાંભળી હતી, તે અહીં પરાશર-જનકના સંવાદરૂપે ભીષ્મ યુધિષ્ઠિરને કહી સંભળાવે છે. તેમાં મુખ્યત્વે પાપ-પુણ્ય, કર્મનું બળ, દાનનું માહાત્મ્ય, તપની શક્તિ, ચાતુર્વર્ણ્યની ઉત્પત્તિ અને તેના ધર્મો, મૃત્યુ અને તે પછીની ગતિ, બ્રહ્મપ્રાપ્તિ અને તેના વિવિધ માર્ગોનું નિરૂપણ છે.

પિંગલાગીતા : આમાં પિંગલાના ઉદાહરણથી યુધિષ્ઠિરને સાંત્વન આપવાનો ભીષ્મ દ્વારા પ્રયત્ન છે. લાંબા સમય સુધી પ્રિયતમની પ્રતીક્ષા કરતી પિંગલા મોહનિદ્રામાંથી જાગી ગઈ અને તેણે કામનાઓનો ત્યાગ કર્યો.

શ્રીમદભાગવતની પિંગલાગીતા : શ્રીકૃષ્ણે ઉદ્ધવને જ્ઞાન આપવા દત્તાત્રેયની વાણીમાં કહી છે. આમાં પણ તૃષ્ણાજન્ય દુષ્ટ આશાના ત્યાગ પર ભાર છે.

બલિગીતા : બલિ અને ઇન્દ્ર વચ્ચેનો સંવાદ છે જેમાં સ્થિતપ્રજ્ઞ થવાનો ઉપદેશ છે.

બોધ્યગીતા : શાંત મન રાખવાનો ઉપદેશ આપતાં ભીષ્મ રાજા નહુષને બોધ્ય ઋષિએ આપેલું ઉદાહરણ આપતાં કહે છે કે વેશ્યા પિંગલાના ર્દષ્ટાંતથી બોધ્ય આસક્તિ ત્યાગવાનું શીખ્યા, કુરરી પક્ષીના વ્યવહાર પરથી સંપત્તિત્યાગ, સર્પ પાસેથી નિશ્ચિત નિવાસ બનાવવાનું, મધમાખી પાસેથી કોઈને નુકસાન કર્યા વિના જીવનનિર્વાહ કરવાનું, શિકારી પાસેથી એકાગ્રતા અને કોઈનું ધ્યાન ન ખેંચાય તે માટે એક જ બંગડી પહેરનાર કન્યા પાસેથી એકલવિહારીપણું શીખ્યા. આમ સમગ્ર વિશ્વને તેમણે ગુરુપદ આપ્યું.

બ્રહ્મગીતા : અ. 134માં રાજનીતિ અંગેની વાત છે. કોષસંચય વિશેના યુધિષ્ઠિરના પ્રશ્નના ઉત્તરમાં ભીષ્મ બ્રહ્માએ પૂર્વે કહેલી ગાથા કહી સંભળાવે છે.

અધ્યાય 256માં શ્રદ્ધાનું મહત્વ પ્રતિપાદિત કર્યું છે. જાજલિ-તુલાધારનું ર્દષ્ટાંત આપીને શ્રદ્ધાપૂર્વક સ્વધર્મના આચરણનો ઉપદેશ આપ્યો છે.

ભાર્ગવગીતા : ભૃગુનંદન શુક્રાચાર્યે રામના ચરિત્રનું વર્ણન કરતાં આ ગીતા કહી હતી તે ભીષ્મ અહીં યુધિષ્ઠિરને કહી સંભળાવે છે.

ભૃગુગીતા : ભરદ્વાજ ઋષિએ જગતની ઉત્પત્તિ-સ્થિતિ-લય, પ્રાણવાયુ અને જઠરાગ્નિની ક્રિયા, જીવનું સ્વરૂપ, ચાતુર્વર્ણ્યવ્યવસ્થા, આશ્રમ-વ્યવસ્થા, સત્ય-અસત્ય, મુક્ત જીવોની ગતિ, ઇહલોક-પરલોક વિશે પૂછેલા પ્રશ્નો અને તેમની શંકાના નિવારણ માટે ભૃગુ ઋષિએ તેમને સંભળાવેલી ગીતા અહીં ભીષ્મે યુધિષ્ઠિરને સંભળાવી છે. ભૃગુ કહે છે કે સૌપ્રથમ અજ્ઞાનમાંથી મનની ઉત્પત્તિ થઈ જે ચૈતન્યના પ્રતિબિંબથી યુક્ત થઈને ‘માનસ’ કહેવાયું અને ‘અવ્યક્ત’ તરીકે પણ જ્ઞાત છે. આ અવ્યક્તમાંથી જ બધું ઉત્પન્ન થાય છે અને તેમાં જ લય પામે છે. આ અવ્યક્તમાંથી પ્રથમ મહતતત્વ ઉત્પન્ન થયું, તેમાંથી અહંકાર અને અહંકારમાંથી આકાશ ઉત્પન્ન થયું.

આકાશમાંથી જળ અને જળમાંથી વાયુ અને અગ્નિ ઉત્પન્ન થયા. અગ્નિ અને વાયુના સંયોગથી પૃથ્વી ઉત્પન્ન થઈ.

સ્વયંભૂ ભગવાન માનસે તેજોમય દિવ્ય કમળ ઉત્પન્ન કર્યું જેમાં બિરાજેલ માનસની મૂર્તિ જ બ્રહ્મદેવ છે. બ્રહ્મદેવના વિરાટ પુરુષરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે આ વિશ્વવ્યાપી પુરુષને શાસ્ત્રકારો વિષ્ણુ અને અનંત નામથી વર્ણવે છે જે સર્વ પ્રાણીઓમાં આત્મારૂપ અહંકારમાં રહે છે પણ અજ્ઞાનીઓ તેને જાણી શકતા નથી. પૃથ્વી અને તેની સાથે સંકળાયેલ પદાર્થોની ઉત્પત્તિ અને સ્વરૂપનું વિસ્તારથી વર્ણન છે. ભૃગુ પ્રાણવાયુ અને જઠરાગ્નિની ક્રિયા પણ સમજાવે છે. તેમના મતે પ્રાણવાયુ અને જઠરાગ્નિ વગેરેનો સમુદાય જ જીવસ્વરૂપ છે. શરીરમાં રહેલો વાયુ મરણ સમયે આકાશમાં જાય છે અને તેની પાછળ અગ્નિ જાય છે. આકાશ હોય ત્યાં વાયુ હોય અને વાયુ હોય ત્યાં અગ્નિ. સર્વ જગત જલમય છે. જગતમાં સર્વ પ્રાણીઓમાં લોકસ્રષ્ટા બ્રહ્મદેવરૂપ માનસ આત્મા રહેલો છે. આત્મા પ્રકૃતિના ગુણોથી યુક્ત થાય ત્યારે ‘ક્ષેત્રજ્ઞ’ કહેવાય છે અને ગુણોથી મુક્ત થાય ત્યારે પરમાત્મા કહેવાય છે.

આ ચિંતનમાં સાંખ્યદર્શનના વિચારો તેમજ સૂક્ષ્મ શરીરનો ખ્યાલ સંમિશ્રિત થયેલા જણાય છે. ઉપનિષદોનો અદ્વૈત વિચાર તો કેન્દ્રસ્થાને છે.

મનુગીતા : મનુએ કહેલી ગીતા ભીષ્મ યુધિષ્ઠિરને સંભળાવે છે. તેમાં કહ્યું છે કે જલમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. બ્રાહ્મણથી ક્ષત્રિય, પથ્થરથી લોખંડ ઉત્પન્ન થાય છે. બ્રાહ્મણો સદા આદરને પાત્ર છે.

મંકિગીતા : કૃષિ, વેપાર વગેરે કરવા છતાં અર્થપ્રાપ્તિ ન થાય તો પછી સુખ માટે કેવાં કાર્યો કરવાં એવા યુધિષ્ઠિરના પ્રશ્નના ઉત્તરમાં વિરક્ત બનેલા આચાર્ય મંકિની કથા સંભળાવી ભીષ્મે અનાસક્તિનો ઉપદેશ આપ્યો છે. મંકિ ઋષિની કથા દ્વારા પ્રારબ્ધનું પ્રાબલ્ય અને કામનાઓ અને આસક્તિના ત્યાગથી બ્રહ્મપ્રાપ્તિનો માર્ગ નિર્વિઘ્ન બને છે તે બતાવ્યું છે.

માંડવ્યગીતા : સ્વજનના નાશથી વ્યથિત થયેલા યુધિષ્ઠિરને સાંત્વન આપવા પૂર્વે જનકે રાજા માંડવ્યને ઉપદેશ આપેલો તે ભીષ્મ કહી સંભળાવે છે. વિવેકપૂર્વક તૃષ્ણાનો ત્યાગ કરી દ્વંદ્વોથી પર થઈ, સ્થિતપ્રજ્ઞ બની સુખી થવાય છે અને મોક્ષના માર્ગે ચડી શકાય છે.

યજ્ઞગીતા : ભીષ્મ વૈખાનસ મુનિઓએ કહેલી ગાથા ‘યજ્ઞગીતા’ યુધિષ્ઠિરને કહી સંભળાવે છે. તેનો સાર એ છે કે પ્રત્યેક મનુષ્ય – સારો હોય કે ખરાબ – તેણે અસૂયારહિત થઈને શ્રદ્ધાપૂર્વક વિધિ પ્રમાણે અને શક્તિ તેમજ ઇચ્છા પ્રમાણે યજ્ઞ કરવો જોઈએ.

યયાતિગીતા : યયાતિ રાજાએ કહેલી ગીતા અહીં ભીષ્મ યુધિષ્ઠિરને સાંત્વન આપવા કહી સંભળાવે છે. સર્વ પ્રત્યે સમભાવ રાખી મોહ, ઈર્ષ્યાનો ત્યાગ કરી, દ્વંદ્વોથી પર થઈને, તપોબળથી મનને આત્મામાં જોડીને, જ્ઞાનથી અજ્ઞાનને દૂર કરીને પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે.

વામદેવગીતા : વામદેવ ગીતામાં ઉત્તમ રાજાના ગુણો, રાજ્ય અને સમાજ પ્રત્યે તેનું કર્તવ્ય અને સદાચરણ, રાજનીતિના કેટલાક સિદ્ધાંતો પ્રતિપાદિત થયેલા છે. વામદેવના ઉપદેશથી વસુમનસ્ જેવું ધર્માચરણ કરે છે તેવું કરીને ઇહલોક અને પરલોકમાં જય પ્રાપ્ત કરવા ભીષ્મ યુધિષ્ઠિરને પ્રેરણા આપે છે.

વિદુરગીતા : યુધિષ્ઠિરનો સંદેશ સંજય પાસેથી સાંભળવા અત્યંત અધીર અને વ્યાકુળ બનેલા ધૃતરાષ્ટ્રને વિદુરે ઉપદેશ આપ્યો જેમાં તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ધૃતરાષ્ટ્રની ચિંતાનું કારણ તેમની અનિર્ણાયકતા, પુત્ર પ્રત્યેનો અંધ પ્રેમ અને તેમાં રહેલ અવિવેક છે. પંડિત અને મૂર્ખનાં લક્ષણ બતાવી સુંદર શાસનનો ખ્યાલ આપ્યો છે. અસુરરાજ સુધન્વાએ નિર્ણય લેતાં પોતાના પુત્રનો પક્ષ નહોતો લીધો તેનું ર્દષ્ટાંત આપ્યું છે. વાણી સુખદુ:ખનું કારણ હોઈ શુભ વાણી પ્રયોજવી જોઈએ. કેશિનીના વિવાહ પ્રસંગે વિરોચન અને સુધન્વાનો વિવાદ થયો તેમાં પ્રહલાદે પુત્ર પ્રત્યે પક્ષપાત નહોતો દાખવ્યો પણ સત્યનો પક્ષ લઈને નિર્ણય આપ્યો હતો તેનું પણ ર્દષ્ટાંત આપ્યું છે. આત્રેય અને સાધ્યોના સંવાદ દ્વારા સોબતના દોષથી દૂર રહીને સદાચારનો માર્ગ ગ્રહણ કરવા જણાવ્યું છે અને રાજનીતિ પણ થોડે અંશે સમજાવી છે. ધૃતરાષ્ટ્રને ચિંતાથી મુક્ત કરવા નૈતિક અને રાજનૈતિક ઉપદેશ આપ્યો છે. તેથી આ વિદુરનીતિનું કે વિદુર–ગીતાનું સાહિત્યમાં ઊંચું સ્થાન છે.

વૃત્રગીતા : ‘જગતમાં અમારા જેવું દુ:ખી કોઈ નથી’ એવા ખેદપૂર્ણ ઉદગાર અને આમાંથી મુક્ત થઈને ‘સંન્યાસધર્મ ક્યારે અપનાવીશું’ એવા પ્રશ્નના ઉત્તરમાં વૃત્રાસુરના ઉદાહરણથી ભીષ્મ યુધિષ્ઠિરને બોધ આપે છે. અહીં વૃત્રાસુરને સનત્કુમારે અગાઉ આપેલા ઉપદેશનું સંક્ષેપમાં ભીષ્મે પુનરાવર્તન કર્યું છે. સાંસારિક વસ્તુઓ અને ભોગોની ભંગુરતા, સત્ય, તપ અને જ્ઞાનથી સુખદુ:ખના ખ્યાલોથી મુક્ત થઈને શોક પર વિજય મેળવી શકાય છે, કર્માનુસાર ગતિ, છ પ્રકારના જીવ, જીવની મુક્તિ, પરબ્રહ્મ અને તેની પ્રાપ્તિ જેવા વિષયોનું નિરૂપણ છે. વિરાટપુરુષની કલ્પના સુંદર રીતે રજૂ કરી છે. – પૃથ્વી તેના ચરણ છે, દિશાઓ બાહુ છે વગેરે. પ્રાણીઓના હૃદયમાં તે ધર્મરૂપે રહે છે અને એ જ પરબ્રહ્મ છે. યજ્ઞ પણ તેનું જ રૂપ છે. સર્વ જગત નારાયણને અધીન છે અને પરમાત્માનાં જે અનેક રૂપો છે તે નારાયણમાં જ સ્થિત છે એમ જેને પ્રતીતિ થાય તેને સાક્ષાત્કાર થાય છે. સત્ત્વાદિક ગુણોની ન્યૂનાધિક માત્રા અનુસાર કૃષ્ણ, નીલ, ધૂમ્ર, લાલ, પીળા અને શ્વેતવર્ણ – એમ છ પ્રકારના જીવ વર્ણવ્યા છે.

યુધિષ્ઠિરે બે પ્રશ્નો પૂછ્યા : (1) શ્રીકૃષ્ણ નારાયણ પોતે છે ? અને (2) અમે મૃત્યુ પછી કઈ યોનિ પ્રાપ્ત કરીશું ? ભીષ્મે ઉત્તર આપતાં કહ્યું કે (1) શ્રીકૃષ્ણ નારાયણનો અષ્ટમાંશ છે અર્થાત્ અંશાવતાર છે. અને (2) તમે કઠોર વ્રતપાલન કર્યું હોવાથી દેવલોકમાં વિહાર કરીને ફરી મનુષ્યલોકમાં આવશો અને પ્રલયકાળ સુધી સુખપૂર્વક જીવીને ફરી દેવલોકમાં જશો અને અંતે સિદ્ધોમાં સ્થાન પામશો.

વ્યાસગીતા : ભીષ્મ વ્યાસ-શુકદેવ સંવાદ દ્વારા – ધર્માચરણ દ્વારા શોક દૂર કરી મોક્ષ માટે પ્રયત્ન કરવાનો ઉપદેશ યુધિષ્ઠિરને આપે છે. ધર્મપૂર્વક આચરણ, ઇન્દ્રિયોને વશમાં રાખવી, સત્ય, અહિંસા વગેરે ગુણો કેળવવા, દેવ અને અતિથિઓને અર્પણ કરતાં વધેલું અન્ન પ્રાણ ટકાવવા પૂરતું ગ્રહણ કરવું, અશુભ-શુભ કર્મનાં ફળ વગેરે વિષયોની ચર્ચા છે.

શમ્યાક્ગીતા : યુધિષ્ઠિરના એક પ્રશ્નના ઉત્તરમાં ભીષ્મ શમ્યાક્ નામના ત્યાગી બ્રાહ્મણે તેમને ઉપદેશેલી વાત કહી સંભળાવે છે, જેમાં ત્યાગ અને નિર્લેપપણાનો મહિમા બતાવ્યો છે. ધન સાથે સુખ કે દુ:ખને કોઈ સંબંધ નથી, ઊલટું નિર્ધન શુદ્ધ સ્વભાવનો હોય તો નિરાંતે રહી શકે છે, જ્યારે ધનવાન સતત ધનની ચિંતા કરીને દુ:ખી થાય છે અને અભિમાની અને મૂર્ખ પણ બને છે.

શૃગાલગીતા : ભીષ્મ યુધિષ્ઠિરને ઇન્દ્ર-કાશ્યપ સંવાદ કહી સંભળાવે છે. તેમાં એ વાત પર ભાર છે કે બુદ્ધિથી ઘણું સિદ્ધ થઈ શકે છે, માટે પુરુષાર્થ કરવો અને કદાપિ નિરાશ ન થવું. એક મત વૈશ્યે રથચક્રથી કાશ્યપ ઋષિને પાડી દીધા ત્યારે તેમણે ક્રોધાવેશમાં શરીર ત્યાગવાનો વિચાર કર્યો, એ પ્રસંગે ઇન્દ્રે શિયાળના રૂપમાં તેમને સમજાવ્યું કે મારે તો હાથ પણ નથી તેથી કાંટો કાઢવો હોય તો એય શક્ય બનતું નથી. જ્યારે તમે તો શ્રેષ્ઠ બ્રાહ્મણ જન્મ્યા છો, પછી બીજી શી અપેક્ષા હોય ? પ્રાણીમાત્રને માટે આત્મહત્યા પાપ છે. પ્રમાદરહિત અને તૃષ્ણારહિત થઈ પોતે જે પરિસ્થિતિમાં હોય તેમાં ધર્માચરણ અને સદાચારપૂર્વક જીવન વ્યતીત કરવું જોઈએ.

ષડ્જગીતા : યુધિષ્ઠિરના પ્રશ્નના ઉત્તરમાં પાંડવો અને વિદુર ચાર પુરુષાર્થ વિશે પોતપોતાના અભિપ્રાય વ્યક્ત કરે છે. વિદુર ધર્મને પ્રાધાન્ય આપે છે. અને અર્જુન અર્થને, નકુલ અને સહદેવ અર્થ અને ધર્મને સમાન મહત્વના ગણે છે. ભીમ કામને ઉત્તમ ગણે છે, કારણ કે તે વિના પ્રવૃત્તિ શક્ય ન બને. અંતમાં યુધિષ્ઠિર પ્રથમ ત્રણ પુરુષાર્થોની ચર્ચા કરીને અનાસક્તિનું મહત્વ બતાવીને મોક્ષપ્રાપ્તિને પ્રાધાન્ય આપે છે.

સેનજિત્ગીતા : આ ગીતા શાન્તિપર્વમાં બે જગ્યાએ આવેલી છે – રાજધર્મપર્વમાં અને મોક્ષધર્મપર્વમાં. પહેલી વ્યાસ યુધિષ્ઠિરને કહી સંભળાવે છે, જ્યારે બીજી ભીષ્મ યુધિષ્ઠિરને કહી સંભળાવે છે. બંનેમાં એક બ્રાહ્મણે રાજા સેનજિતને આપેલા ઉપદેશની વાત છે. પુત્રના મૃત્યુથી શોકગ્રસ્ત રાજા સેનજિતને બ્રાહ્મણે એષણાઓના ત્યાગ અને સંપત્તિ પ્રત્યેની વિરક્તિ વિશે ઉપદેશ આપ્યો હતો. સુખદુ:ખ આપણા હાથમાં નથી, દૈવ અકળ છે અને કર્મ ભોગવવાં જ પડે છે. મનુષ્ય કોઈ પણ પ્રકારની આસક્તિ ન રાખે ત્યારે જ પરમ આનંદ પ્રાપ્ત કરી શકે છે.

હંસગીતા : હંસનું રૂપ ધારણ કરીને બ્રહ્માએ સાધ્યોને મોક્ષધર્મ વિશે ઉપદેશ આપ્યો હતો તે ભીષ્મ યુધિષ્ઠિરને કહી સંભળાવે છે – ઇન્દ્રિયનિગ્રહ, વાણી પર સંયમ અને લાગણીઓ ઉપર કાબૂ, સત્ય, અહિંસા, ક્ષમા જેવા ગુણો અને અનાસક્તિ સાંસારિક બંધનોમાંથી મુક્ત થવા માટે અને મોક્ષમાર્ગે આગળ વધવા માટે જરૂરી છે.

હારિતગીતા : મનુષ્ય કેવાં કર્મ કે જ્ઞાનથી પ્રકૃતિથી પર એવા બ્રહ્મના પરમધામને પામી શકે એવા યુધિષ્ઠિરના પ્રશ્નના ઉત્તરમાં ભીષ્મ હારિત ઋષિએ મોક્ષમાર્ગ વિશે જે વિચારો વ્યક્ત કર્યા હતા તે કહી સંભળાવે છે. મિતભોજન, ઇન્દ્રિયનિગ્રહ, સર્વ પરિસ્થિતિમાં સમભાવ, મન ઉપર સંયમ, એકાંતવાસનું સેવન મોક્ષમાર્ગે આગળ વધવા માટે અને પરમધામને પામવા માટે તદ્દન આવશ્યક છે. આહાર વિશે ચોક્કસ નિયંત્રણોનો ઉપદેશ છે. ભોજનનો સમય વીતી ગયા પછી જ ભિક્ષા માટે જવું, ઉદરપૂર્તિ માટે જરૂરી હોય તેટલું જ લેવું અને જે મળે તેની ટીકા કદી કરવી નહિ વગેરે.

ઋષભગીતા : આ ગીતા આસક્તિના ત્યાગ પર ભાર મૂકે છે. તે મૌખિક પરંપરાથી ત્રણ વાર કહેવાઈ છે : (1) તનુ ઋષિએ વીરદ્યુમ્ન રાજાને કહેલી અને ઋષભ ઋષિએ પ્રત્યક્ષ સાંભળેલી, (2) ઋષભે સુમિત્ર રાજાને કહેલી, (3) ભીષ્મે યુધિષ્ઠિરને કહેલી. દુર્યોધન વિશેની જે અપેક્ષાઓ હતી તે ફળીભૂત ન થતાં યુધિષ્ઠિર ખૂબ ખિન્ન થયા ત્યારે ભીષ્મે એમને આ ગીતા સંભળાવી મનની એકાગ્રતા સાધી, નિરપેક્ષભાવે સ્વસ્થ થવા ઉપદેશ આપ્યો.

આ ગીતામાં ત્રણ ભિન્ન પ્રકારની અપેક્ષાઓ છે – વીરદ્યુમ્નની ખોવાયેલા પુત્ર વિશેની, રાજા સુમિત્રની મૃગના શિકાર વિશેની અને તનુ ઋષિની સન્માન મેળવવા વિશેની. આ ત્રણેય અપેક્ષાઓ યુધિષ્ઠિરની દુર્યોધન માટેની અપેક્ષા કરતાં જુદા પ્રકારની છે પણ સૌનું દુ:ખ તો અપેક્ષાના ભંગ અંગેનું છે. આમ આકાંક્ષાઓનો ત્યાગ એ આ ગીતાનો કેન્દ્રવર્તી વિચાર છે. આસક્તિ હોય ત્યાં દુ:ખ રહેવાનું જ, અને તેના ત્યાગથી શાન્તિ પ્રાપ્ત થાય છે.

મહાભારતમાં જે ગીતાઓ મળે છે તે સર્વમાં સ્વાધ્યાય, શાસ્ત્રોનાં વિધાનોનું પાલન, સદાચાર, ઇન્દ્રિયનિગ્રહ, સત્ય, અહિંસા, યોગધર્મ, અનાસક્તભાવે કર્તવ્યપાલન, આકાંક્ષાઓનો ત્યાગ અને સાંસારિક બંધનોથી મુક્ત થઈને પરબ્રહ્મપ્રાપ્તિ માટેના પ્રયત્ન પર ભાર છે. આ ઉપદેશના સમર્થન માટે જરૂરી જે તત્વવિચારનું પ્રતિપાદન છે તે ઘણુંખરું થોડા ફેરફાર સાથે સાંખ્યયોગના પ્રકૃતિ અને તેના વિકારોના વિચારથી સંમિશ્રિત ઉપનિષદોના અદ્વૈત જેવું છે એમ કહી શકાય. કેટલીક ગીતાઓમાં રાજનીતિ અને નૈતિક મૂલ્યોનું નિરૂપણ છે.

મહાભારતની આ ગીતાઓમાંથી કેટલીકના જેવાં નામ ધરાવતી શ્રીમદ્ ભાગવતમાં કપિલગીતા (3.23–33), પિંગલાગીતા (11.8.22–24), અને હંસગીતા (11.13) છે. વ્યાસગીતા કૂર્મપુરાણમાં (ઉત્તર ભાગ, અ. 12–29) છે. એક બ્રહ્મગીતા સૂતસંહિતા (યજ્ઞવૈભવખંડ, ઉપરિભાગ, અ. 1–12)માં છે જ્યારે એક અન્ય બ્રહ્મગીતા યોગવાસિષ્ઠ-મહારામાયણ(સર્ગ 173–181)માં છે.

કપિલગીતા : શૌનકની વિનંતીથી સૂત મૈત્રેયે વિદુરને કપિલે માતા દેવહૂતિને જે ઉપદેશ આપેલો તે કહી બતાવ્યો હતો તે સંભળાવે છે. આમાં સાંખ્યયોગ અને ઉપનિષદોનો અદ્વૈતવિચાર સંમિશ્રિત મળે છે. ભક્તિયોગની પણ વાત છે અને પ્રકૃતિ, તેના વિકારો, ત્રણ ગુણો તેમજ યોગનાં અંગોનું વિસ્તારથી પ્રતિપાદન છે. શ્રીમદ્ ભાગવતના આ કાપિલેય ઉપાખ્યાનને જ કેટલાક કપિલગીતા કહે છે. એક બીજી કપિલગીતા પણ છે, જે સ્વતંત્ર ગ્રંથ હોય તેમ જણાય છે. તે હઠયોગપ્રધાન છે અને મુસલમાન અમલ દરમિયાન રચાયો હોય એવું જણાય છે.

પિંગલાગીતા : મહાભારતની પિંગલાગીતા કરતાં થોડી મોટી છે. પણ બંનેનો વિષય સમાન છે. આશા પરમ દુ:ખદાયક છે અને આશારહિત હોવામાં જ પરમ સુખ છે.

હંસગીતા : ભાગવતની હંસગીતામાં ઉદ્ધવના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે બ્રહ્માને આગળ કરીને સનક વગેરે મુનિઓ તેની પાસે આવ્યા ત્યારે હંસનું રૂપ ધારણ કરીને મેં ઉપદેશ આપ્યો હતો તેમાં આત્મા દેહ, ઇન્દ્રિય અને બુદ્ધિની વૃત્તિઓથી વિલક્ષણ છે અને સાક્ષીરૂપે રહે છે તે સમજાવ્યું હતું. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય વિશે સમજૂતી આપીને જે બધું સંસારમાં અનુભવાય છે તે મનનો વિલાસ છે. જે અતિ ચંચલ છે, દેખાય છે અને નષ્ટ થાય છે, વાસ્તવમાં એક ચિત્ કે વિજ્ઞાનતત્વ માયાવશાત્ અનેકરૂપે ભાસે છે, દેહ કર્મવશાત્ છે વગેરે સાંખ્યયોગનાં રહસ્યો પ્રબોધ્યાં છે. મહાભારતની હંસગીતા સાથે અંશત: વિચારસામ્ય છે.

વ્યાસગીતા : કૂર્મપુરાણની વ્યાસગીતા મહાભારતની વ્યાસગીતાથી તદ્દન ભિન્ન છે. તેમાં ઉત્તમ જીવન માટેનો આચારવિધિ, વર્ણાશ્રમધર્મ, શુદ્ધિ, મરણોત્તર સંસ્કાર, શ્રાદ્ધ, તીર્થમાહાત્મ્ય, ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો દસ દિવસ સુધી નિત્યનૈમિત્તિક કામ્યકર્મો ન કરવાં; બ્રાહ્મણોની આજીવિકા અધ્યાપન અને દાનગ્રહણથી થાય તે ઉત્તમ છતાં આપદ્ધર્મ તરીકે વેપાર અને ખેતી કરી શકાય, દાનના પ્રકારો, સંન્યાસીઓનો પ્રકાર, જ્ઞાનસંન્યાસી, વેદસંન્યાસી અને કર્મસંન્યાસી, તેમનાં ધર્મો, વ્રતો, પ્રાયશ્ચિત્તો જેવા વિષયોની ચર્ચા છે.

બ્રહ્મગીતા (સૂતસંહિતાની) : મુનિઓની વિનંતીથી સૂત બ્રહ્માએ દેવોને જે વેદાર્થ સમજાવ્યો એ કહી સંભળાવે છે. શિવ જેને આત્મા કહે છે, તે એક, અદ્વય, શુદ્ધ છે, બીજું જે કંઈ છે તે એ જ છે. પોતપોતાના તર્ક અનુસાર કોઈ હરને માને છે, કોઈ વિષ્ણુને, કોઈ બ્રહ્માને, કોઈ ત્રિગુણ પ્રધાનને, કોઈ અણુઓને વગેરે, પણ વેદનો સાચો અર્થ તો શિવપરક જ છે, બીજું બધું માયાથી અધ્યસ્ત છે, તેમ છતાં આ બીજા માર્ગોનો ત્યાગ એ માનનાર ન કરે કારણ કે તે પણ પોતપોતાની રીતે વેદનો જે અર્થ છે તેની સિદ્ધિ કરાવશે. પણ વેદનિષ્ઠે એ માર્ગે ન જવું. મન, સંજ્ઞાન, ધૃતિ, મતિ વગેરે જે નામોથી જ્ઞાની પરમતત્વને જાણતા હોય તે શિવનાં જ નામ છે અને તે પરમતત્વ પ્રજ્ઞાનરૂપ બ્રહ્મ છે જેને શિવ, રુદ્ર આદિ નામ આપવામાં આવે છે. બ્રહ્મમાંથી સૃષ્ટિ, શરીર અને તેની સાથે સંકળાયેલા પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય કોશો વગેરે ઉદભવ્યાં છે, તેની આજ્ઞાથી અને કૃપાથી. ઉપનિષદ્વચનોનો આધાર લઈને તાત્વિક વિચારો રજૂ કર્યા છે, અને ઉપનિષદોના અર્થ સમજાવ્યા છે. આ બ્રહ્મગીતા મહાભારતની બ્રહ્મગીતાઓથી તદ્દન ભિન્ન છે.

બ્રહ્મગીતા (યોગવાસિષ્ઠની) : પરમાત્મા સર્વવ્યાપી હોવા છતાં સર્વથી અલિપ્ત, નિરાકાર અને ચિત્સ્વરૂપ છે. સ્વપ્નનટ સ્વપ્નમાં ભિન્ન ભિન્ન રૂપે દેખાય તેમ પરબ્રહ્મ ભિન્ન ભિન્ન રૂપે સ્ફુરે છે. પણ આ બધું ભ્રાન્તિ છે. તુર્યાવસ્થામાં પરમતત્વનો સાક્ષાત્કાર થાય છે. આ નિરૂપણ યોગ અને અદ્વૈતવિચાર પર આધારિત છે, જેમાં બૌદ્ધ વિજ્ઞાનવાદની પણ અસર જણાય છે. આ ગીતાનો વિચાર મહાભારતની બ્રહ્મગીતાથી તદ્દન ભિન્ન છે.

યોગવાસિષ્ઠમાં રામના પ્રશ્નના ઉત્તરમાં વસિષ્ઠ ઉપદેશ આપે છે, જે તેમને બ્રહ્મા પાસેથી પ્રાપ્ત થયો હતો.

સૂતગીતા : આ ગીતાનો પ્રારંભ સૂતે મુનિઓને સૃષ્ટિવિષયક જ્ઞાન આપ્યું હતું તેનાથી થાય છે. એમાં શૈવ સંપ્રદાયને માન્ય 36 તત્ત્વોનું પ્રતિપાદન છે. શિવને પરમેશ્વર માનવામાં આવ્યા છે, જેનું જ્ઞાન શ્રુતિથી પ્રાપ્ત થઈ શકે. શિવ એક અને અદ્વિતીય હોવા છતાં માયાના બળે અનેક રૂપે આવિર્ભાવ પામે છે. માયા અને અવિદ્યા એક છે પણ અવિદ્યાથી જીવના ભેદ થાય છે અને માયા પરમેશ્વરથી અભિન્ન હોવા છતાં સૃષ્ટિ કરવી હોય ત્યારે પરમેશ્વર માયાના ભેદથી જગતની ઉત્પત્તિ-સ્થિતિ-લય માટે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર ઉત્પન્ન કરે છે અને તેઓમાં પ્રવેશ કરે છે. નિર્વાણમાર્ગનો ઉપદેશ છે અને શ્રુતિને સ્મૃતિ કરતાં બલવત્તર કે વધારે પ્રમાણભૂત માની છે. તંત્રમાર્ગની પણ ઉપયોગિતા સ્વીકારી છે. જોકે તંત્રો વેદવિરોધી છે.

અગસ્ત્યગીતા : પહેલા ત્રણ અધ્યાયને ‘મોક્ષધર્મનિરૂપણ’ સંજ્ઞા આપવામાં આવી છે. તે પછીના બાર અધ્યાય, ભિન્ન ભિન્ન ફળ પ્રાપ્ત કરવા માટેનાં વ્રતો વિશે છે. છેલ્લા બે અધ્યાયોમાં પાંચરાત્ર ધર્મ અને વિષ્ણુ વિશે નિરૂપણ છે.

રુદ્રગીતા : રુદ્ર-અગસ્ત્યના સંવાદરૂપે આ ગીતા છે. તેમાં નારાયણનું પરમેશ્વર તરીકે નિરૂપણ છે, તેમ છતાં એમ કહ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રમાં કોઈ ભેદ નથી, માત્ર તેમનાં ભિન્ન કાર્યોને કારણે જુદા છે. શૈવાગમોને અવૈદિક માની તેમની નિંદા કરી છે. ભૈરવાગમોની ઉત્પત્તિ અને તેમના પ્રયોજન વિશે માહિતી આપી છે. આ ગીતા વારંવાર વિષ્ણુનું પરમેશ્વર તરીકે નિરૂપણ કરે છે. નારાયણ, પુરુષોત્તમ, બ્રહ્મા, શંકર તેનાં જ નામ છે. આ ગીતામાં વિસ્તારથી ભુવનકોશવર્ણન છે, જેમાં જુદા જુદા ખંડ, દ્વીપ, પર્વત, નદીઓ, ભારતવર્ષ અને તેના વાસીઓનું નિરૂપણ છે.

ગણેશગીતા : સૂત શૌનકને વ્યાસે કહેલી ગીતા કહી સંભળાવે છે. જે પૂર્વે વરેણ્ય રાજાને ગણેશે પ્રબોધી હતી અને જેમાં યોગમાર્ગનું નિરૂપણ છે. થોડાક ફેરફારો સાથે તે ભગવદગીતાને ઘણી મળતી આવે છે.

દેવીગીતા : વ્યાસ કહે છે કે હિમાલયની વિનંતીથી દેવીએ જે શ્રુતિનું રહસ્ય સમજાવ્યું તે પ્રમાણે દેવી કે પરબ્રહ્મરૂપ એકમાત્ર પરમતત્વ છે જેની સ્વત:સિદ્ધ માયાશક્તિ છે. વેદાંતના અદ્વૈત સિદ્ધાંત જેવું જ પ્રતિપાદન છે. જ્ઞાનમાર્ગને પરપ્રાપ્તિ માટે ઉત્તમ ગણાવ્યો છે. ઉપનિષદોનો સ્પષ્ટ પ્રભાવ દેખાય છે. માયાબીજમંત્ર, યોગાંગો, નાડી વગેરેનું પ્રતિપાદન છે. ભક્તિમાર્ગને પરમ અનુભૂતિ માટે સૌથી સરળ માર્ગ ગણાવ્યો છે અને ભક્તિના તામસ, રાજસ સાત્વિક પ્રકારો વર્ણવ્યા છે તેમજ સાયુજ્ય, સાષ્ટર્ય, સામીપ્ય અને સાલોક્ય એ મોક્ષના પ્રકારો વર્ણવ્યા છે. દેવીભક્તિ, તેને માટે યોગ્ય સ્થાનો, વ્રતો, ઉત્સવોનું નિરૂપણ છે. શ્રુતિ અને તેને અનુસરતી સ્મૃતિને પ્રમાણભૂત ગણીને વામ, કાપાલિક, કૌલક, ભૈરવાગમની નિંદા કરી છે. શૈવ, વૈષ્ણવ, સૌર, શક્તિ, ગાણપત્ય, આગમોમાં જે વેદાવિરોધી અંશ છે તે ગ્રહણ કરી શકાય એમ કહ્યું છે.

શિવગીતા : આ ગીતાની પુષ્પિકા પ્રમાણે તે પદ્મપુરાણમાં આવેલી છે. પણ જે પ્રત છપાયેલી છે તેમાં આ શિવગીતા પ્રાપ્ત થતી નથી. પદ્મપુરાણના ગૌડીય સંસ્કરણમાં તે પ્રાપ્ત છે, એમ પંડિત જ્વાલાપ્રસાદ તેમના ‘અષ્ટાદશપુરાણદર્શન’ નામના ગ્રંથમાં જણાવે છે. વળી નારદપુરાણમાં બીજાં પુરાણો સાથે પદ્મપુરાણની અનુક્રમણિકા આપેલી છે તેમાં શિવગીતાનો ઉલ્લેખ છે (પ્રાચીન ચરિત્રકોશ, પૃ. 765). આ ગીતામાં શિવનું પરમેશ્વર તરીકે નિરૂપણ છે અને પાશુપતવ્રતનો મહિમા અને વિધિ બતાવ્યો છે. વિરજા દીક્ષા કરીને, ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરનારા જેઓ વેદના સારરૂપ શિવનામસહસ્રનો જપ કરે તેઓ મર્ત્યત્વ ત્યજીને ‘શૈવી તનુ’ પ્રાપ્ત કરે છે અને ભગવાન તેમને દર્શન આપીને કૈવલ્યનું પ્રદાન કરે છે. સૂત આના ર્દષ્ટાંત રૂપે ઋષિઓને રાવણે સીતાનું અપહરણ કર્યું ત્યારપછી દુ:ખી થયેલા રામને અગસ્ત્યે જે ઉપદેશ આપ્યો તે કહી સંભળાવે છે અને રામને શિવની ઉપાસનાથી જે અનુભવ થયો તે પણ વર્ણવે છે. આ ગીતા પ્રમાણે શિવ એકમાત્ર પરમતત્ત્વ છે, તેના સિવાય બીજું કશું નથી, બધું તેનાથી જ ઉદભવ્યું છે અને તેમાં જ લય પામે છે. તે જ ચતુર્વિધ દેહમાં જીવ રૂપે વસે છે. આ ગીતા પર ભગવદગીતાનો ઘણો જ પ્રભાવ છે. શિવે રામને દિવ્ય ચક્ષુ આપ્યું, તેનાથી તેમને વિશ્વરૂપનું દર્શન થયું, કર્મબંધન અને બાળકનો જન્મ કઈ રીતે થાય છે અને તેના શરીરના ઘટકો વગેરેનું વર્ણન છે તેમજ જીવના સ્વરૂપનું તેમજ દેહાન્તરગતિ અને પરલોકગતિ અને ઉપાસનાપ્રકારો (સંવદ્, આરોપ, સંવર્ગ, અધ્યાસ) તેમજ પંચધા મુક્તિ(સાલોક્ય, સારૂપ્ય, સાષ્ટર્ય, સાયુજ્ય, કૈવલ્ય)નું નિરૂપણ છે. જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થઈ શકે અને કામાદિનો નાશ થતાં આત્મસ્વરૂપાનુભૂતિ થાય. મોક્ષ એટલે અજ્ઞાનહૃદયગ્રંથિનાશ. પંચકોશોનું અને સગુણ-નિર્ગુણ ઉપાસનાનું તેમજ ભક્તિયોગનું પ્રતિપાદન છે. જેને શિવ પ્રત્યે સાચી ભક્તિ હોય તે મોક્ષમાર્ગનો અધિકારી છે, પછી તે બ્રાહ્મણ હોય કે શૂદ્ર, પુરુષ કે સ્ત્રી, બ્રહ્મચારી, ગૃહસ્થ, વનમાં રહેતો કે ન રહેતો, પાશુપતવ્રતી યતિ હોય, શિવનું અર્ચન કેવી રીતે કરવું તે પણ વિસ્તારથી બતાવ્યું છે.

યમગીતા : યમ અને યમદૂતો વચ્ચેનો સંવાદ ‘યમગીતા’ તરીકે પ્રસિદ્ધ છે અને જુદી જુદી રીતે ત્રણ સ્થાને મળી આવે છે. વિષ્ણુપુરાણ નૃસિંહપુરાણ (અ. 8), અગ્નિપુરાણ.

વિષ્ણુપુરાણની યમગીતા : મૈત્રેય પરાશર સમક્ષ ચિંતા વ્યક્ત કરે છે કે એવું કોઈ સ્થાન નથી જ્યાં કર્મબંધનથી યુક્ત પ્રાણીઓ યમને વશ ન થતાં હોય. તે એવું કંઈક જાણવા માગે છે, જેનાથી યમને વશ ન થવું પડે. પરાશર કહે છે કે નકુલે ભીષ્મને આ જ પ્રશ્ન કર્યો હતો અને ભીષ્મે તેને કાલિંગ મુનિ પાસેથી મેળવેલું જ્ઞાન કહી સંભળાવ્યું હતું, યમે પોતે તેના દૂતોને કહ્યું છે કે તેની સત્તા સર્વત્ર ચાલે છે. સિવાય કે મધુસૂદનના ભક્તો પર વિષ્ણુના ભક્તનાં લક્ષણ યમે તેના દૂતને કહ્યાં તે અહીં વર્ણવ્યાં છે.

નૃસિંહપુરાણની યમગીતા : વ્યાસ વર્ણન કરે છે કે મૃત્યુ અને તેના કિંકરોએ યમ આગળ દુ:ખપૂર્વક ફરિયાદ કરી કે વિષ્ણુના દૂતો અમને હેરાન કરે છે અને વિષ્ણુના ભક્તો આગળ અમારું કશું ચાલતું નથી. વિષ્ણુભક્ત યમ તેમને કહે છે કે તમે વિષ્ણુભક્તો પાસે ગયા તે સારું ન કર્યું અને તમારે તેમની પાસે કદી જવું નહિ એ મારો આદેશ છે. યમે તેમને વિષ્ણુ ભગવાને નારદને કહેલી વાત કહી કે, જે ‘હે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ’ એમ સ્મરણ કરે છે અને શરણે જાય છે તેમને ભગવાન ક્લેશ અને નરકમાંથી બચાવે છે.

અગ્નિપુરાણની યમગીતા : અગ્નિ વસિષ્ઠને યમે નચિકેતસને આપેલો ઉપદેશ કહી સંભળાવે છે, જેમાં સાંખ્યાચાર્યોએ વ્યક્ત કરેલા અને ઉપનિષદમાં પ્રતિપાદિત પરમબ્રહ્મ અને તેને લગતા વિચારોને મનુષ્યો માટે શ્રેયસ્કર તરીકે રજૂ કર્યા છે અને જીવ જ્ઞાન દ્વારા જ પોતાને બ્રહ્મભાવે જાણી શકે અન્યથા નહિ એમ કહ્યું છે.

વસિષ્ઠગીતા તથા સિદ્ધગીતા(યોગવાસિષ્ઠ, ઉપશમ-પ્રકરણ)માં પણ અદ્વૈતવિચાર અને પરમસુખની પ્રાપ્તિવિષયક વિચાર છે.

રામગીતા : રામ નિરાંતમાં હતા ત્યારે અજ્ઞાનસાગર સરળતાથી તરી શકાય તેવા ઉપાય વિશે લક્ષ્મણ પૂછે છે. તેના ઉત્તરમાં રામ સકામ કર્મથી થતા બંધ અને અનેક જન્મ-મૃત્યુ જેનું મૂળ અજ્ઞાન છે તેની વાત કરે છે. જ્યાં સુધી શરીરાદિ પ્રતિ અજ્ઞાનને કારણે આત્મભાવ રહેતો હોય ત્યાં સુધી શાસ્ત્રાનુસાર કર્મો કરવાં, પણ જ્યારે નેતિ જેવાં ઉપનિષદ્વચનોથી પરમતત્ત્વના નિર્વિશેષ એકત્વનું ભાન થાય અને પ્રતીતિ થાય કે જે કંઈ અન્ય ભાસે છે તે અજ્ઞાનકૃત અધ્યાસને લીધે છે અને પોતે પણ બ્રહ્મથી અભિન્ન છે ત્યારે ક્રિયાઓ છોડી મનને આત્મતત્વમાં સ્થિર કરવું. ૐકારની ઉપાસના ઉપાય તરીકે વર્ણવી છે. પરમતત્વની અનુભૂતિ થતાં આનંદસ્વરૂપ થવાય છે.

આ સિવાય બીજી એક રામગીતા મદ્રાસમાં પ્રસિદ્ધ થયેલ ‘ગુરુજ્ઞાનવાસિષ્ઠતત્વસારાયણ’માં છે.

સૂર્યગીતા : બ્રહ્મા દક્ષિણામૂર્તિ ઈશ્વરને પૂછે છે કે ઉત્પત્તિની પહેલાં અદ્વય નિરંજન, નિર્વિશેષ એવું બ્રહ્મ અકર્મ હતું તો તે સૃષ્ટિ કરનાર કેવી રીતે બની શક્યું અને ગમે તે હેતુથી સૃષ્ટિ કરી હોય તો તેને કર્મબંધન ન નડે ? ઉત્તર આપતાં શ્રીગુરુમૂર્તિ કહે છે કે ઉત્પત્તિની પહેલાં એક કર્મરહિત, અકર્તા, નિરિન્દ્રિય, નિર્વિશેષ પરબ્રહ્મ હતું તેમાં કોઈ સંશય નથી તોપણ તે ચિત્શક્તિયુક્ત હોવાને કારણે તેની પ્રતિચ્છાયાત્મક બે શક્તિ હતી – માયા અને અવિદ્યા. તેઓમાં પ્રતિબિંબિત થયેલું બ્રહ્મ અદ્વિતીય હોવા છતાં દ્વિવિધ – જીવ અને ઈશ્વર – બનતાં તેણે પુણ્ય-પાપાદિ અને જગત્સૃષ્ટિ આદિનું કર્તૃત્વ ધારણ કર્યું અને તે ઇન્દ્રિય અને કર્મથી યુક્ત બન્યું. પરમાત્માની પોતાની શક્તિથી જે સમુલ્લાસ ઉદભવ્યો તે પોતાનો બંધ ઉત્પન્ન કરનારું આદ્યકર્મ કહેવાય છે, તેનાથી તેના નિર્વિશેષત્વને કોઈ હાનિ થતી નથી, તેમ સંસારબંધન થતું નથી. પુણ્યાદિ કર્મવાળો જીવ પારમાર્થિક સંસારી છે, જ્યારે સૃષ્ટિ આદિ કર્મવાળો ઈશ્વર પ્રાતિભાસિક સંસારી છે, અસંસારી પરબ્રહ્મ જીવ અને ઈશ્વર બંનેનું કારણ છે તોપણ તેનાથી પર, રૂપમુક્ત અને વાણી અને મનનો વિષય નહિ તેવું છે. જે મહાજ્ઞાની કર્મયુક્ત જીવ અને ઈશને છોડીને કર્મ વિનાના પરબ્રહ્મપ્રતિ સમાધિથી જાય છે તે જીવનમુક્ત કે વિદેહમુક્ત અવસ્થામાં કર્મ-અકર્મથી પર થયેલા તે અરૂપ બ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે. આ ઉપદેશમાં જ્ઞાન, ઉપાસના અને કર્મના સમુચ્ચયની ભલામણ કરી છે. કારણ કે એ દ્વારા જ મુક્તિ શક્ય છે. ગુરુએ સૂર્યગીતા કહી સંભળાવી જેમાં સૂર્યે અરુણને કર્મવિષયક જ્ઞાન આપેલું. કર્મની ઉત્તરોત્તર ઉત્કર્ષવાળી પાંચ ભૂમિકા છે – તાંત્રિકી, પૌરાણિકી, સ્માર્ત, શ્રોત અને ઔપનિષદ. કર્મિશ્રેષ્ઠનાં લક્ષણ વર્ણવ્યાં છે. નિષ્કામ કર્મનું માહાત્મ્ય બતાવ્યું છે. શિવને પ્રાધાન્ય આપ્યું હોવા છતાં આ ગીતામાં શુદ્ધ તત્વચિંતન વધારે પ્રમાણમાં છે.

શ્રીધીશ ગીતા : પ્રશ્ન કરનાર ઋષિગણ અને ઉત્તર આપનાર શ્રીધીશ વચ્ચેનો સંવાદ. આ ગીતા ગણેશ સંપ્રદાયની છે.

વિષ્ણુગીતા : વિષ્ણુ સંપ્રદાયનો ગ્રંથ છે. તે ભગવદગીતાને ઘણો મળતો છે. વિષ્ણુએ દેવતાઓને પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું તેનું વર્ણન છે. વિભૂતિવર્ણન ભગવદગીતા કરતાં વધારે વિસ્તૃત છે. લગભગ એક સો શ્લોક ભગવદગીતાને મળતા આવે છે.

અવધૂતગીતા (શ્રી દત્તાત્રેયકૃત) : તેમાં આઠ અધ્યાય છે. તેમાં એવું પ્રતિપાદન છે કે કેવલ આત્મા છે, ભેદાભેદ જેવું નથી. આત્માના સ્વરૂપનું અને મોક્ષવિષયક નિરૂપણ છે. મુખ્યત્વે આત્માના નિર્લેપ, નિર્વિશેષ શુદ્ધ સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે.

પાંડવગીતા : લોમહર્ષણ કહે છે કે યુધિષ્ઠિરના કીર્તનથી ધર્મ વધે છે, ભીમના કીર્તનથી પાપ નાશ પામે છે, અર્જુનના કીર્તનથી શત્રુ નાશ પામે છે, નકુલ-સહદેવના કીર્તનથી રોગ થતા નથી. પછી બ્રહ્મા, ઇન્દ્ર, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, કુન્તી, માદ્રી, સુભદ્રા, અભિમન્યુ, ધૃષ્ટદ્યુમ્ન, સાત્યકિ, ઉદ્ધવ, ધૌમ્ય, સંજય, અક્રૂર, વિદુર, ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, કર્ણ વગેરે વગેરે પોતપોતાની રીતે કૃષ્ણ(કેશવ, નારાયણ વગેરે નામથી પણ)ની સ્તુતિ કરે છે.

અષ્ટાવક્રગીતા : જનકે પ્રશ્ન કર્યો કે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય, મુક્તિ કેવી રીતે થાય, વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય તેનો ઉત્તર અષ્ટાવક્ર વિસ્તારથી આપે છે. (આ ગીતાના 21 અધ્યાય છે.) તેમાં જીવાત્મા-પરમાત્માનો અભેદ, આત્માના નિર્વિશેષ શુદ્ધ સ્વરૂપનું પ્રતિપાદન છે અને મુક્તિનો માર્ગ બતાવ્યો છે. જે છે તે બધું આત્મા છે એવી પ્રતીતિ થયા પછી શાંત થઈ ગયેલા યોગીના ‘હું તે છું’, ‘હું આ નથી’ એવા વિચારો ક્ષીણ થઈ જાય છે. શાન્ત થઈ ગયેલા યોગીને વિક્ષેપ નથી તેમ એકાગ્રતા નથી, અતિજ્ઞાન નથી તેમ મૂઢતા નથી, સુખ નથી તેમ દુ:ખ નથી. તેને સ્વારાજ્ય કે ભિક્ષાવૃત્તિ, લાભ કે અલાભ, જન કે વનમાં કોઈ ભેદ દેખાતો નથી. જેણે પરબ્રહ્મને જોયું હોય તે ‘હું બ્રહ્મ છું’ એવો વિચાર કરે, પણ જે વિચારોથી મુક્ત હોય અને કોઈ દ્વિતીય જોતો જ ન હોય તે શાનો વિચાર કરે ? પ્રવૃત્તિ કે નિવૃત્તિની બાબતમાં ધીરને કોઈ દુરાગ્રહ હોતો નથી. જે વખતે જે કરવાનું આવે તે કરીને નિરાંતે રહે છે. મૂઢની નિવૃત્તિ પણ પ્રવૃત્તિ બની જાય છે. જ્યારે ધીરની પ્રવૃત્તિ પણ નિવૃત્તિના ફળવાળી હોય છે. કર્મથી નહિ પણ આત્મજ્ઞાનથી મુક્તિ મળે છે.

આમ આ ગીતામાં શાંકર દર્શનનાં હોય તેવાં સુંદર વિચારો અને કથનો પ્રાપ્ત થાય છે.

ઉત્તરગીતા : ઉત્તરગીતા માત્ર ત્રણ અધ્યાયની છે, તેને વિશે પણ અનુગીતાની જેમ, એમ માનવામાં આવે છે કે યુદ્ધ સમયે મળેલ ઉપદેશની વિસ્મૃતિ થઈ જતાં અર્જુન આગળ ઉપર તે જ્ઞાન ફરી સાંભળવાની ઇચ્છા શ્રીકૃષ્ણ પાસે વ્યક્ત કરે છે ત્યારે શ્રીકૃષ્ણે તેને ફરીથી સંક્ષેપમાં જે ઉપદેશ આપ્યો તે ઉત્તરગીતા. ભગવદગીતાની જેમ ઉત્તરગીતા શ્રીકૃષ્ણ-અર્જુનસંવાદરૂપે છે અને શ્રીકૃષ્ણની ઉક્તિના આરંભે ભગવદગીતાની જેમ જ ‘भगवान् उवाच’ એમ મળે છે. આ ઉત્તરગીતાનો સમાવેશ મહાભારતના કોઈ પર્વમાં કરવામાં આવ્યો નથી. (મહાભારતની સમીક્ષિત આવૃત્તિના સંદર્ભમાં તેના આદિપર્વના સંપાદક શ્રી સુખઠણકર જણાવે છે કે, હસ્તપ્રતોના પુરાવા પરથી ઉત્તરગીતા મહાભારતની અન્તર્ગત ન હોવાનું જ્ઞાન થાય છે. — આદિપર્વ, પ્રોલેગોમિના, પૃ. 65). ઉત્તરગીતાના કોઈ ભાગમાં ઉપર જણાવેલી માન્યતાનો નિર્દેશ મળતો નથી તેથી ઉત્તરગીતાની રચના સ્વતંત્ર કૃતિ તરીકે થયેલી હોવાનું સ્પષ્ટ થાય છે.

ઉત્તરગીતામાં આત્મા-પરમાત્માના સ્વરૂપનું સ્પષ્ટ નિરૂપણ છે. તેમાં જ્ઞાનયોગ દ્વારા મુક્તિની વાત પર ભાર છે અને બ્રહ્મજ્ઞાનપ્રાપ્તિમાં ધ્યાનની ઉપયોગિતા સ્વીકારી છે. વળી મનુષ્યદેહની ઉપયોગિતા પણ સમજાવી છે. મનુષ્યદેહ જ્ઞાન મેળવવા માટે જરૂરી છે કારણ કે દેહ વિના બુદ્ધિ ક્યાંથી સંભવે અને બુદ્ધિ વિના જ્ઞાન ક્યાંથી સંભવે (ઉત્તરગીતા, 1.54). ઉત્તરગીતા પ્રમાણે અનંત કર્મો, શૌચાદિ ક્રિયાઓ, જપ, યજ્ઞ, તીર્થયાત્રા વગેરે આત્મતત્વ-જ્ઞાન ન થાય ત્યાં સુધી જ જરૂરી છે (2.43). ઉત્તરગીતામાં દેહની નાડીઓનું મહત્વ બતાવ્યું છે. સમગ્ર જગતને સુષુમ્ણા નાડીની અંદર સમાયેલું માન્યું છે (2.18). વળી દેહમાં જ તેના સાત પાતાળલોક તથા દેહમાં જ સર્વ બ્રહ્માંડ છે એમ કહ્યું છે (2.26, 28, 29). દેહનું જ્ઞાન મેળવી દેહનો લય પરમાત્મામાં થાય છે ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય છે એ જાણવું જરૂરી છે. જે જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય એ જ તત્વજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન છે. ઉત્તરગીતામાં આત્મતત્વ અને પરમાત્મતત્વની ચર્ચા મુક્તિના સંદર્ભમાં કરવામાં આવી છે અને જીવનું તાત્ત્વિક સ્વરૂપ હંસત્વ — પરબ્રહ્મરૂપ છે એમ જણાવ્યું છે (1.5, 6). બ્રહ્મ કે પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ અહીં નિરૂપ્યું છે. ઉત્તરગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે ચાર વેદો અને ધર્મશાસ્ત્રોનો સર્વદા અભ્યાસ કરીને પણ બ્રહ્મને જે ન જાણે તે રસોઈના રસને નહિ જાણતી કડછી જેવો છે (2.41). જેમ ધાન્ય ઇચ્છનાર ધાન્ય મેળવી લઈ ફોતરાં ફેંકી દે છે તેમ જ્ઞાન-વિજ્ઞાન વિશે તત્પર બુદ્ધિમાન માણસે શાસ્ત્રગ્રંથોનું અધ્યયન કરીને પછી તે ગ્રંથોને પડતા મૂકવા જોઈએ (1.20). પરમાત્મતત્વની અનુભૂતિ થાય પછી વેદોની કોઈ જરૂર નથી (1.22). પરમતત્વની અપરોક્ષાનુભૂતિ થતાં સર્વત્ર એક જ (બ્રહ્મતત્ત્વ) દેખાય છે. જીવ અને પરમાત્મા એક જ છે. ઉપાધિવશાત્ જીવો જુદા ભાસે છે. અવિદ્યા દૂર થતાં જીવ જીવ મટી પરમાત્મભાવ પામે છે (2.2). જુદા જુદા દેહમાં રહેલો આત્મા સર્વવ્યાપક, સ્વયંપ્રકાશ, સુખદુ:ખાદિથી અલિપ્ત છે. ઉત્તરગીતામાં દેહની નાડીઓનું ઘણું મહત્ત્વ બતાવ્યું છે. બોંતેર હજાર નાડીઓ છે (2.20) જે કર્મવશાત્ પુનર્જન્મ અપાવનારી છે, પણ સુષુમ્ણા નાડી દ્વારા જીવ ઊંચે જાય છે ત્યારે તે બ્રહ્મનો અપરોક્ષાનુભવ કરે છે અને મુક્તિ પામે છે. જેમ પાણીમાં પાણી, દૂધમાં દૂધ અને ઘીમાં ઘી નાખતાં તે એક થઈ જાય છે તેમ જીવ અને બ્રહ્મની એકતા સંભવે છે. ઉત્તરગીતામાં જીવ અને બ્રહ્મનો અભેદ માન્યો છે. મુક્ત જીવ બ્રહ્મરૂપ જ છે.

એસ્થર સોલોમન