ગાંધી, પ્રભુદાસ છગનલાલ (જ. 4 ડિસેમ્બર, 1901, પોરબંદર, સૌરાષ્ટ્ર; અ. 6 મે 1995, રાજકોટ) : ગાંધીજીના અન્તેવાસી ભત્રીજા. ગુજરાતી આત્મકથાકાર, જીવનકથાકાર. બાળપણ દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં તથા ગાંધીજીના શિક્ષણના પ્રયોગો દ્વારા પ્રારંભિક કેળવણી અને જીવનનું ઘડતર પ્રાપ્ત કર્યાં. 1915માં ગાંધીજી સાથે ભારત આવ્યા, અમદાવાદ કોચરબ આશ્રમમાં સ્થિર થયા. ત્યાર બાદ ‘કાંગડી ગુરુકુળ’ તથા ‘શાંતિનિકેતન’માં અભ્યાસાર્થે રહ્યા. 1917માં ચંપારણ સત્યાગ્રહ વખતે તથા 1921માં અસહકારની ચળવળ વખતે તેઓ ગાંધીજી સાથે રહ્યા.

ત્યાર બાદ વિનોબાજી અને કાકાસાહેબ કાલેલકરના સાન્નિધ્યમાં તેમણે વિચારવિકાસ સાધ્યો. 1922માં મજૂર હડતાળ વખતે કામ કર્યું. બારડોલી સ્વરાજ આશ્રમમાં થોડો વખત સેવા આપ્યા બાદ તેઓ સાબરમતી આશ્રમમાં ખાદીકાર્યમાં જોડાયા. 1928માં સરદાર વલ્લભભાઈની નેતાગીરી હેઠળ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લેતાં 6 માસનો જેલવાસ ભોગવ્યો. ગુજરાત તેમજ ઉત્તરપ્રદેશમાં ખાદી-ઉત્પાદન, રેંટિયાનું સંશોધન તથા ગ્રામનિર્માણ પ્રવૃત્તિ આદરી. ઉત્તરપ્રદેશમાં આશ્રમ સ્થાપ્યો, અને બદાયૂં જિલ્લામાં ખાદી પ્રવૃત્તિ સાથે સંલગ્ન રહ્યા.

પ્રભુદાસ છગનલાલ ગાંધી

1940માં વ્યક્તિગત સત્યાગ્રહમાં જોડાયા અને જેલવાસ વેઠ્યો. 1942ની ‘હિંદ છોડો’ લડત વખતે પકડાયા. બદાયૂંમાં 3 વર્ષ જેલવાસ ભોગવ્યો. સ્વરાજ મળ્યા બાદ ઉત્તરપ્રદેશના ખાદીબૉર્ડમાં સેવા આપી. દિલ્હીમાં કસ્તૂરબા ટ્રસ્ટ તેમજ હરિજનસેવાનું કાર્ય કર્યું. ત્યારપછી ગઢડા ગ્રામોદ્યોગ મંદિર તથા પોરબંદર ખાતે કીર્તિમંદિરમાં રહીને સેવા આપી.

આ બધાં વર્ષો દરમિયાન તેમનું લેખનકાર્ય તો ચાલુ જ હતું. આત્મકથાના એક ખંડ રૂપે ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમની પ્રવૃત્તિઓ કરતાં કરતાં ગાંધીજી મોહનદાસમાંથી ‘મહાત્મા’ કેમ બન્યા તેના ઉત્તરોત્તર વિકાસનું આલેખન કરતું તેમનું દળદાર પુસ્તક ‘જીવનનું પરોઢ’ (1948) અમૂલ્ય છે.

‘મારી જીવનકથા’ (1950) એ એમણે કરેલો રાજેન્દ્રપ્રસાદની આત્મકથાનો અનુવાદ છે. એમનાં અન્ય પુસ્તકોમાં ‘માય ચાઇલ્ડહુડ વિથ ગાંધીજી’ (1957) (અંગ્રેજીમાં); ‘ગીતા કા સમાજધર્મ’ (હિંદીમાં); ‘ઓતાબાપાનો વડલો’ (1972) અને ‘આશ્રમ ભજનોનો સ્વાધ્યાય’(1978)નો સમાવેશ થાય છે. સરળ શૈલીમાં ચરિત્ર-સાહિત્યમાં લખાયેલું એમનું ‘બાપુના જુગતરામભાઈ’ (1984) પુસ્તક નોંધપાત્ર છે.

બળદેવભાઈ કનીજિયા