ગર્ભાશય-ગ્રીવાવ્રણ (cervical erosion) : ગર્ભાશયના મુખની ચાંદીનો વિકાર. તેમાં ગર્ભાશય-ગ્રીવા(cervix)ની બહારની સપાટી પરના આવરણનું ઉપલું પડ (અધિચ્છદ, epithelium) બદલાય છે. ગર્ભાશય-ગ્રીવાના યોનિ(vagina)માંના ભાગની બહારની સપાટી પર લાદીસમ કોષો(squamous cells)નો સ્તર હોય છે. જ્યારે તે સ્તંભકોષો(columnar cell)નો બને ત્યારે તે ગ્રીવાકલા(endo-cervix)ના અધિચ્છદ જેવું બની જાય છે. તેને અંગ્રેજીમાં cervical ectopy પણ કહે છે. ગર્ભાશય-ગ્રીવાવ્રણને ટૂંકમાં ગ્રીવાવ્રણ અથવા ગ્રીવાક્ષરણ કહે છે. સાદી ભાષામાં તેને ચાંદી કહે છે. આ નામો સૂચવે છે તે પ્રમાણે ગ્રીવા પર કોઈ ચાંદું પડેલું હોતું નથી; પરંતુ ક્યારેક પાછળથી ચાંદું પડે છે. સ્તંભકોષી અધિચ્છદનો સ્તર પાતળો હોવાથી નીચેની નસોને કારણે તે વિસ્તારનો રંગ ચળકતો લાલ હોય છે અને તેની કિનારી સ્પષ્ટ હોય છે. ક્યારેક તેમાં સંખ્યાવૃદ્ધિ થાય તો અંકુર (papilla) જેવા પ્રવર્ધો બને છે તેને અંકુરિત અન્યસ્થાનિતા (papillary ectopy) કહે છે. નીચેના ભાગમાં ગોળ કોષો અને ગ્રંથિની વૃદ્ધિ થયેલી હોય છે તેથી કેટલાક નિષ્ણાતો આ વિકારનું કારણ લાંબા સમય સુધી ચાલતો ચેપ (infection) હશે એમ માને છે; પરંતુ આવો કોઈ પણ ચેપ ગ્રીવાવ્રણનું કારણ હોવા કરતાં તેનું પરિણામ હોવાની સંભાવના વધુ હોય એમ પણ મનાય છે. ગર્ભાશયના બહારના મુખ પાસે વ્રણની કિનારી આજુબાજુ ખસતી હોય છે. સ્તંભકોષોને સ્થાને લાદીસમ કોષોનું અધિચ્છદ બને ત્યારે ગ્રંથિઓનાં મુખ બંધ થાય છે અને ત્યાં નૅબોથિયન કોષ્ઠ (cyst) બને છે. ગર્ભાશયના મુખ પાસે જ્યાં બંને પ્રકારનાં અધિચ્છદો મળે છે તે વિસ્તારને પરિવર્તન વિસ્તાર (transformation zone) અથવા જોડાણ(junction)નો વિસ્તાર કહે છે. અગાઉ ગ્રીવાવ્રણમાં કૅન્સર ઉદભવે છે એવું મનાતું હતું પણ હાલ જોડાણના વિસ્તારના કોષોને કૅન્સરના સંભવિત નિદાન માટે તપાસવાનું સૂચવાય છે.

આકૃતિ 1 : ગર્ભાશય-ગ્રીવાવ્રણ (cervical erosion) : (અ) ગર્ભાશયનો ઊભો છેદ, (આ) ગર્ભાશય-ગ્રીવાની ઉપલી સપાટી પરના કોષો, (ઇ) ગર્ભાશય-ગ્રીવાનો યોનિમાંનો જે યોનિદ્વાર દ્વારા જોઈ શકાય, (ઉ) ગર્ભાશય-ગ્રીવાવ્રણ થાય ત્યારે જોવા મળતા કોષોના સ્તર. (1) ગર્ભાશય, (2) ગર્ભાશયનું પોલાણ, (3) ગર્ભાશય-ગ્રીવા, (4) અંતર્મુખ (internal os), (5) બહિર્મુખ (external os), (6) ગ્રીવાની અંદરની સપાટી ગ્રીવાકલા(endocervix)નું સ્તંભકોષી અધિચ્છદ, (7) ગ્રીવાની બહારની સપાટી – બહિ:ગ્રીવાકલા(ectocervix)નું લાદીસમ અધિચ્છદ, (8) બંને પ્રકારના અધિચ્છદનું જોડાણ, (9) ગ્રીવાકલાની ગ્રંથિઓની શાખાઓ

કારણો : બંને અધિચ્છદોના જોડાણનો વિસ્તાર સામાન્ય રીતે ગર્ભાશયના મુખમાં હોવો જોઈએ; પરંતુ તે જન્મસમયે લગભગ દરેક માદા શિશુમાં અને યૌવનારંભે (puberty) લગભગ ત્રીજા ભાગની છોકરીઓમાં જોવા મળે છે. તેનું કારણ તે સમયે ઇસ્ટ્રોજનનું વધુ પ્રમાણ ગણાય છે. તેને કારણે સગર્ભાવસ્થામાં પણ ગ્રીવાવ્રણ થાય છે, જે પ્રસૂતિ પછીના 3થી 6 મહિને ફરીથી મૂળ લાદીસમ અધિચ્છદમાં ફેરવાઈ જાય છે. આનું કારણ પણ ઇસ્ટ્રોજનનું લોહીમાં બદલાતું પ્રમાણ છે એમ મનાય છે. આવી જ રીતે ગર્ભનિરોધક દવા લેવાથી પણ ઔષધજન્ય ગ્રીવાવ્રણ(pill-ectopy) થાય છે. ગ્રીવાવ્રણમાં ઇસ્ટ્રોજનનો મુખ્ય ફાળો હોવાને કારણે ઋતુસ્રાવ બંધ થયો હોય એવી મોટી ઉંમરની સ્ત્રીઓમાં ગ્રીવાવ્રણ જોવા મળતું નથી. અગાઉ ચેપને કારણે યોનિમાંનું pH બદલાય અને તેથી અધિચ્છદનો પ્રકાર બદલાય છે એવું મનાતું હતું; પરંતુ હાલ ઉપલબ્ધ બધી જ સાબિતીઓ આ પરિકલ્પનાને ખોટી પાડે છે. તેવી રીતે યોનિનું શોધન (douche) કે યોનિમાં ગર્ભનિરોધક રસાયણોથી ગ્રીવાવ્રણ ઉદભવે છે એવી માન્યતા પણ ખોટી ગણાય છે.

આકૃતિ 2 : ગર્ભાશય-ગ્રીવાની સપાટી પરના કોષોમાં આવતા ફેરફાર અને કૅન્સરનો ઉદભવ : (અ) લાદીસમ અધિચ્છદનું પરાવિકસન (metaplasia), (આ) તલીય કોષોનું અતિવિકસન (basal cell hyperplasia), (ઇ) દુર્વિકસન (dysplasia), (ઉ થી ઐ) કૅન્સર. (1) લાદીસમ અધિચ્છદનો ઉપલો સ્તર, (2) લંબગોળ અને બહુકોણી કોષો, (3) તલીય (basal) કોષો, (4) તલીય કોષોની વધેલી સંખ્યા, (5) મોટા કોષકેન્દ્રવાળા અપક્વ કોષો, (6) કૅન્સરના કોષો અને વિવિધ સ્તરોનો નાશ, (7) ગ્રીવામાં ફેલાતું કૅન્સર, (8) કૅન્સરને લીધે થતું ચાંદું

નિદાન : સામાન્ય રીતે તેનાથી કોઈ તકલીફ ઉદભવતી નથી. ગ્રીવા પરની ઝીણી તિરાડો(crypts)ની અતિક્રિયાશીલતાને કારણે સફેદ સ્રાવ અથવા શ્વેતપ્રદર (leucorrhoea) થાય છે. જો તેમાં ચેપ લાગે તો પરુ પડે છે. ઋતુસ્રાવ થતા પહેલાંના દિવસમાં ગ્રીવાની પેશી રુધિરભારિત (congested) બને છે અને તેથી ક્યારેક ત્યાંથી લોહી પડે છે. સ્તંભકોષી સ્તર મૃદુ હોય છે અને તેથી સંભોગ સમયે કે મળત્યાગ સમયે ઘસારાને કારણે લોહી પડે છે. તેવે સમયે કૅન્સર ઉદભવ્યું છે કે નહિ તે તપાસવું જરૂરી ગણાય છે. ક્યારેક અફલિતતા, કમરમાં દુખાવો, શ્રોણી(pelvis)માં અસ્વસ્થતા વગેરે તકલીફોને ગ્રીવાવ્રણ સાથે જોડવામાં આવે છે; પરંતુ તે શાસ્ત્રીય રીતે બરાબર ગણાતું નથી. ગ્રીવાવ્રણને અડવાથી દુખાવો થતો નથી. તેની સપાટી પોચી અને દાણાદાર હોય છે. તેને ક્ષય, ઉપદંશ (syphilis) અને કૅન્સરથી અલગ પડાય છે.

સારવાર : લક્ષણરહિત ગ્રીવાવ્રણ માટે કોઈ સારવારની જરૂર હોતી નથી. ચેપ હોય તો તે સારવારથી મટ્યા પછી પણ જો તકલીફ આપતું વ્રણ (ચાંદી) હોય (દા. ત. શ્વેતપ્રદર) તો દહન(cauterization)ની પ્રક્રિયાથી તેને બાળી નંખાય છે અથવા નાઇટ્રોજન કે કાર્બન ડાયૉક્સાઇડની મદદથી તેની શીત-શસ્ત્રક્રિયા (cryosurgery) કરાય છે. 6થી 8 અઠવાડિયાંમાં ત્યાં લાદીસમ અધિચ્છદ બને છે. ત્યાં સુધી જાતીય સમાગમ ન કરવાનું સૂચવાય છે તથા મુખમાર્ગી ગર્ભનિરોધક દવાઓ પણ બંધ કરાય છે.

ગર્ભાશય-ગ્રીવામાં લાદીસમ અધિચ્છદનું પરાવિકસન (metaplasia), અતિવિકસન (hyperplasia), દુર્વિકસન (dysplasia), ગ્રીવાના અધિચ્છદમાં નવવિકસન (cervical intraepithelial neoplasia) તથા અતિસીમિત (in citu) કૅન્સર : ગ્રીવાકલાના સ્તંભકોષી અધિચ્છદનું લાદીસમ અધિચ્છદમાં પરિવર્તન થાય છે ત્યારે તેને પરાવિકસન કહે છે. સામાન્ય રીતે તે અંત:સ્રાવોની અસરથી થાય છે. કેટલાક તેના કારણ માટે ચેપ તથા ક્ષોભકો(irritants)ને દોષ દે છે. ક્યારેક ટ્રાઇકોમોનાસ કે કૅન્ડિડાના ચેપને કારણે અતિવિકસનનો વિકાર જોવા મળે છે. આ બંને વિકારોમાં કૅન્સર થયેલું હોતું નથી. ગ્રીવાના લાદીસમ અધિચ્છદના કોષોની પુખ્તતા અને વિભેદનની પ્રક્રિયામાં વિકાર ઉદભવે ત્યારે દુર્વિકસન અને તેમાંથી છેવટે અતિસીમિત કૅન્સર ઉદભવે છે. યોનિમાંના પ્રવાહીના કોષવિદ્યાકીય (cytological) અભ્યાસથી તેનું નિદાન કરી શકાય છે.

શિલીન નં. શુક્લ

હર્ષિદા પટેલ