ગર્ભાશયકલાવિસ્થાન (endometriosis) : ગર્ભાશયની અંદરની દીવાલ (શ્લેષ્મકલા, mucosa) અન્ય સ્થાને હોય તેવો વિકાર. ગર્ભાશયની અંદરની દીવાલને ગર્ભાશયકલા (endometrium) કહે છે અને તે અન્ય અવયવ પર કોઈ હોઈ શકે નહિ; પરંતુ ક્યારેક અજ્ઞાત કારણોસર તે અંડપિંડ, અંડનલિકા વગેરે જેવાં સ્થાને જોવા મળે છે. તેને ગર્ભાશયકલાવિસ્થાન અથવા ટૂંકમાં કલાવિસ્થાન કહે છે. તે નવવિકસન (neoplasia) કે ગાંઠનો વિકાર નથી; પરંતુ તેમાં ક્યારેક કૅન્સર ઉદભવે છે. છેલ્લા બે દાયકામાં તેનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રથમ ગર્ભધારણની ઉંમર મોટી થવાને કારણે તથા નાનું કુટુંબ હોવાને કારણ તેનો દર સીધેસીધો વધ્યો છે. વળી નિદાન માટે પેટના પોલાણમાં સાધન વડે જોવાની તપાસનું પ્રમાણ વધ્યું છે, તેથી પણ હાલ આ વિકારનું નિદાન વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે. એકંદરે સ્ત્રીજનન અવયવોના વિકારો માટે કરાતી ઉદરછેદન (laparotomy) શસ્ત્રક્રિયા કે ઉદરનિરીક્ષા(laparoscopy)ની પ્રક્રિયાના 5 %થી 30 % કિસ્સામાં આ વિકારનું નિદાન થાય છે.

આકૃતિ 1 : ગર્ભાશયકલાવિસ્થાન : (અ) ગર્ભાશયની બહાર ગર્ભાશયકલાવિસ્થાન (બહિ:કલાવિસ્થાન, endometriosis exerna), (આ) ગર્ભાશયના સ્નાયુસ્તરમાં કલાવિસ્થાન (અંત:કલાવિસ્થાન, endometriosis interna) અથવા ગ્રંથિસ્નાયુતા (adenomyosis). (1) ગર્ભાશય, (2) ગ્રીવા, (3) યોનિ, (4) ગર્ભાશયનું પોલાણ, (5) અંડનલિકા, (6) અંડનલિકાનો છેડો, (7) અંડપિંડ, (8) વિસ્તૃત રજ્જુબંધ, (9) ગર્ભાશયની બહાર આવેલું કલાવિસ્થાન, (10) ગર્ભાશયના સ્નાયુમાં થયેલું કલાવિસ્થાન, (11) એક ગાંઠ જેવું બનતું કલાવિસ્થાન

પ્રકારો અને સ્થાન : તેના મુખ્યત્વે બે પ્રકાર છે. ગર્ભાશયની અંદરની દીવાલ તેના સ્નાયુસ્તરમાં જોવા મળે તો તેને ગ્રંથિસ્નાયુતા (adenomyosis) અથવા અંત:ગર્ભાશયકલાવિસ્થાન (endometriosis interna) અથવા અંત:કલાવિસ્થાન કહે છે અને જ્યારે તે અન્ય અવયવ પર કે અન્ય સ્થાને હોય ત્યારે તેને બહિર્ગર્ભાશયકલાવિસ્થાન (endometriosis external) અથવા બહિ:કલાવિસ્થાન કહે છે : તે વિવિધ સ્થાને જોવા મળે છે (સારણી 1).

સારણી 1 : કલાવિસ્થાનનાં વિવિધ સ્થાનો

મુખ્ય સ્થાનો અંડપિંડ, ડગ્લાસની કોથળી (pouch), ગર્ભાશય-

ત્રિકાસ્થિ રજ્જુબંધ (uterosacral ligament),

અંડનલિકા, બહુવિસ્તારી રજ્જુબંધ (broad

ligament), મળાશય-યોનિપટલ (rectovaginal

septum)

અન્ય સ્થાનો શ્રોણી(pelvis)ની લસિકાવાહિનીઓ (lympha-

tics), આંતરડાં, ઍપેન્ડિક્સ (આંત્રપુચ્છ),

મૂત્રાશય તથા મૂત્રનળી

જવલ્લે અસરગ્રસ્ત

થતાં સ્થાનો

પેટ પર ઘાની રૂઝપેશ (scar), નાભિ, યોનિ

(vagina), ફેફસાં તથા તેની આસપાસનું આવરણ

કારણો અને રુગ્ણવિદ્યા (pathogeneis) : તેનું કારણ જાણી શકાયું નથી. તે સામાન્ય રીતે 24થી 35 વર્ષની વયે શ્વેત ચામડીવાળી પ્રજાની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. આવી સ્ત્રીઓને ઓછાં બાળકો જન્મેલાં હોય છે. ધૂમ્રપાન, નિયમિત કસરત કે ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરતાં હોય તેમનામાં તે ઓછું જોવા મળે છે. તેના ઉદભવ અંગે વિવિધ માન્યતાઓ પ્રચલિત છે. જેવી કે, સામાન્ય ઋતુસ્રાવ વખતે થોડો ઋતુસ્રાવ અંડનલિકા (fallopian tube) દ્વારા પેટના પોલાણમાં પણ પડ્યો હોય, દેહગુહા(coelomic cavity)ની અંદરની દીવાલના કોષોનું પરાવિકસન (metaplasia) થયું હોય, ગર્ભાશયની અંદરની દીવાલના કોષો લસિકાવાહિનીઓ દ્વારા ફેલાયા હોય અથવા ગર્ભાશય દૂર કરવાની શસ્ત્રક્રિયા કે ગર્ભપાત વખતે ગર્ભાશયની અંદરની દીવાલના કોષો અન્યત્ર પડ્યા હોય વગેરે. જો તે અંડપિંડ(ovary)માં ફેલાય તો તે સામાન્ય રીતે બંને અંડપિંડોમાં જોવા મળે છે. અંડપિંડ મોટા થાય છે અને ચૉકલેટના રંગના બને છે. તે આસપાસ ચોંટી જાય છે.

ચિહનો અને લક્ષણો : લગભગ ચોથા ભાગના કિસ્સામાં કોઈ ચિહન કે લક્ષણ હોતું નથી. આ વિકાર આકસ્મિક થયેલો હોય છે. 50 % કે વધુ દર્દીઓ ઋતુસ્રાવ વખતે પીડા અનુભવે છે અને તે ઋતુસ્રાવચક્રના ત્રીજાથી પાંચમા દિવસે જોવા મળે છે. વધુ તીવ્ર વિકારમાં થોડો દુખાવો કાયમ રહે છે. કલાવિસ્થાનને કારણે અંડપિંડ કે અંડનલિકા ચોંટી જાય છે તથા તેમાં અવરોધ પેદા થાય છે. પરિતનગુહા(peritoneal cavity)ના પ્રવાહીનું બંધારણ બદલાય છે, અંડકોષ છૂટો પડવાની પ્રક્રિયા અસરગ્રસ્ત થાય છે, અંડકોષનું ફલન વિકારવાળું બને છે અને સાથે સાથે પ્રતિરક્ષાકીય પરિબળો(immunological factors)નો વિકાર થાય છે. તેને કારણે સ્ત્રીને ગર્ભધારણમાં મુશ્કેલી રહે છે અને ક્યારેક તે ગર્ભધારણ કરી શકતી નથી. ઋતુસ્રાવનું પ્રમાણ અને પ્રકાર બદલાય છે. જેમ કે ત્વરિત ઋતુસ્રાવતા (epimenorrhoea), ત્વરિત-અતિઋતુસ્રાવતા (epimenorrhagia) તથા અનિયમિત અતિઋતુસ્રાવતા (metromenorrhagia) વગેરે. સંભોગ સમયે દુખાવો થાય છે. પેઢા(શ્રોણી, pelvis)માં દુખે છે. ગાંઠ બને છે. વારંવાર ગર્ભપાત થાય છે. ક્યારેક ગળફામાં, પેશાબમાં કે મળમાં લોહી પડે છે. ઘણી વખત કોઈ જ ચિહન જોવા મળતું નથી. ગર્ભાશયની બંને બાજુએ ગાંઠ થાય, ગર્ભાશય-ગ્રીવા(cervix)ને અડવાથી તે દુખે તથા તેને આસપાસ ખાસ હલાવી શકાય નહિ તેમજ ક્યારેક ક્યારેક પાછળ તરફ વળીને ચોંટી ગયેલા ગર્ભાશયની સાથે યોનિગડી(vaginal formix)માં ગંડિકાઓ જોવા મળે છે. લક્ષણ અને ચિહનોને આધારે આ વિકારનું અગાઉ હફમૅન અથવા ઍકોસ્ટાનું વર્ગીકરણ થયું હતું. હાલ અમેરિક્ધા ફર્ટિલિટી સોસાયટીએ સૂચવેલું વર્ગીકરણ વપરાશમાં છે.

નિદાન : દર્દીને બેભાન કરીને શારીરિક તપાસ કરવાથી, ઉદરનિરીક્ષા વડે, પેટના પોલાણ(પરિતનગુહા)નું શોધન (wash) કરીને કોષવિદ્યાલક્ષી તપાસ વડે, શંકાસ્પદ ભાગનું જીવપેશીપરીક્ષણ (biopsy) કરીને, સૉનોગ્રાફી વડે મોટો થયેલો અંડપિંડ દર્શાવીને, મૂત્રપિંડની નસોનું ચિત્રણ (renal-angiography) કરીને કે એમઆરઆઈ વડે ચિત્રણો મેળવીને નિદાન કરી શકાય છે. CA-125 જેવા પેશીદર્શકોનો નિદાનલક્ષી ઉપયોગ મર્યાદિત છે તથા મર્યાદિત વિશ્વસનીયતા ધરાવે છે. શ્રોણીનો શોથજન્ય રોગ, (pelvic inflammatory disease), ફાઇબ્રૉઇડની અનેક ગાંઠો, અંડપિંડની ગાંઠ, લાંબા સમયનો ઍપેન્ડિસાઇટિસ તથા સ્ત્રીનાં જનનાંગોનું કૅન્સર વગેરે વિવિધ વિકારો અને રોગોથી અલગ પાડીને આ વિકારનું નિદાન કરાય છે.

સારવાર : વહેલી સગર્ભાવસ્થા તથા પેઢામાં દુખાવો થાય કે ગર્ભધારણ ન થતું હોય ત્યારે તરત ઉદરનિરીક્ષા વડે તપાસ કરવાથી કલાવિસ્થાનનો વિકાર થતો અટકાવી શકાય છે. મંદ તીવ્રતાવાળા વિકારવાળી સ્ત્રીને ગર્ભવતી થવા પ્રોત્સાહન અપાય છે. વિવિધ દવાઓ ઉપલબ્ધ છે. અગાઉ ઇસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટીરોન અને ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ થતો હતો; પરંતુ હાલ તેમનો ઉપયોગ જવલ્લે જ થાય છે. પ્રોજેસ્ટેરોન, ડેનેઝોલ, ગોનેડોટ્રોફિન, રિલીઝિંગ સમધર્મી દ્રવ્યો તથા ગૅસ્ટ્રિનોનનો ઉપયોગ વધ્યો છે. પ્રોજેસ્ટેરોન ગર્ભાશયની અંદરની દીવાલની વૃદ્ધિ ઘટાડે છે; પરંતુ અંડકોષ છૂટો પડવા દે છે. મુખ્યત્વે નોર-એથિસ્ટેરોન અને મેડ્રૉક્સિ પ્રોજેસ્ટેરોન વપરાય છે. ડેનેઝોલ મોંઘી પણ અસરકારક દવા છે. તે ગોનેડોટ્રોફિનનું પ્રમાણ વધવા દેતી નથી અને ગર્ભાશયકલાની ક્ષીણતા લાવે છે. તેની ઘણી આડઅસરો છે. ગોનેડોટ્રોફિન રિલીઝિંગ સમધર્મી દ્રવ્યો ખૂબ જ મોંઘાં પણ દેહધાર્મિક રીતે સૌથી વધુ બંધબેસતા ઉપચારરૂપ છે. તે ખૂબ અસરકારક છે. તેનાં ઇન્જેક્શન ચામડીની નીચે અપાય છે અથવા નાકમાં તેનો છંટકાવ (spray) કરાય છે. ગૅસ્ટ્રિનોન નવી શોધાયેલી અને મર્યાદિત જથ્થામાં મળતી દવા છે. તે અન્ય દવાઓ જેટલી જ અસરકારક છે.

જરૂર પડ્યે મર્યાદિત ઉદરછેદન (laparotomy) કે શસ્ત્રક્રિયાલક્ષી ઉદરનિરીક્ષા કરાય છે. ખૂબ ફેલાયેલા રોગવાળી અને ગર્ભધારણશીલતાની ઉંમર વીતી ગઈ હોય એવી સ્ત્રીમાં વ્યાપક શસ્ત્રક્રિયા કરાય છે.

નવીનતમ પ્રયાસો : લેઝર વડે શસ્ત્રક્રિયા કરવાથી અસરકારક અને નિશ્ચિત (accurate) લાભ થાય છે. દવાઓ અને શસ્ત્રક્રિયા વડે કરાતી સારવારમાં સંતુલન જાળવવાનું સૂચવાય છે. અંડનલિકા કે પ્રતિરક્ષાલક્ષી (immunological) વિકારો સામે મદદરૂપ થાય એવી ગર્ભધારણની નવી તકનીકોનો ઉપયોગ કરાય છે. દુખાવો ઘટાડવા ઉપર જણાવેલી દવાઓ ઉપરાંત નૉનસ્ટીરૉઇડલ ઍન્ટિઇન્ફ્લેમેટરી દવાઓ, ચિંતાનાશકો (anxiolytic drugs), ટેસ્ટોસ્ટીરોન તથા અંડકોષ છૂટો પાડતી દવાઓ વપરાય છે.

શિલીન નં. શુક્લ

અતુલ મુનશી