ગર્ભાશય-ગ્રીવાશોથ (cervicitis) : ગર્ભાશયના નીચલા છેડે આવેલી ગર્ભાશય-ગ્રીવામાં સોજો આવવો તે. તેને ટૂંકમાં ગ્રીવાશોથ પણ કહે છે. ગર્ભાશય(uterus)ના નીચલા છેડાને ગર્ભાશય-ગ્રીવા (uterine-cervix) કહે છે. તેના પોલાણની દીવાલને અંત:ગ્રીવાકલા (endocervix) અથવા ગ્રીવાકલા કહે છે. તેમાં ગ્રંથિઓ (glands) આવેલી હોય છે. તેમાં તથા તેની આસપાસની પેશીમાં ચેપ કે ઈજાને કારણે સોજો આવે તથા લાલાશ ઉદભવે ત્યારે શોથ(inflammation)નો વિકાર થયેલો કહેવાય છે. આમ સાદી ભાષામાં ગર્ભાશયના નીચલા છેડાની અંદરની દીવાલના સોજાને ગર્ભાશય-ગ્રીવાશોથ અથવા ગ્રીવાશોથ કહે છે. ગર્ભાશય-ગ્રીવાનો કેટલોક ભાગ નીચે યોનિ(vagina)માં આવેલો હોય છે. યોનિના શોથના વિકારમાં ગર્ભાશય-ગ્રીવાનો આ ભાગ સૂજી જાય છે; પરંતુ તેને ગ્રીવાશોથ કહેવાતો નથી. ગ્રીવાશોથના મુખ્ય બે પ્રકાર છે  ઉગ્ર (acute) તથા દીર્ઘકાલી (chronic).

ઉગ્ર ગ્રીવાશોથ (acute cervicitis) : સામાન્ય રીતે તે પરમિયો (gonorrhoea) કે બાળકના જન્મ પછી તરત જ સૂતિકાકાળ(puerperal)માં માતાને લાગતા ચેપથી થાય છે. તે સમયે ઉદભવતા વિકારોનાં ચિહનો અને લક્ષણો એટલાં બધાં તીવ્ર હોય છે કે ગ્રીવાશોથ ખાસ ધ્યાન ખેંચતો નતી. ગ્રીવાકલાની ગ્રંથિના મુખમાંથી અથવા પ્રસૂતિ સમયની કે શસ્ત્રક્રિયાથી થતી ઈજા દ્વારા ચેપકારી જીવાણુઓ (bacteria) પ્રવેશ પામે છે. તેને કારણે ગ્રીવા લાલ, રુધિરભારિત (congested) તથા સૂજીને મોટી થાય છે. તેને કારણે તેની સૂજેલી અંદરની દીવાલ ગ્રીવામુખ(cervical os)માંથી બહાર ઊપસી આવે છે. ગ્રીવાને અડવાથી કે હલાવવાથી દુખાવો થાય છે (સ્પર્શવેદના, tenderness) અને તેના પોલાણમાંથી પરુ બહાર આવે છે. યોગ્ય ઍન્ટિબાયૉટિક વડે સારવાર કરવાથી તે સંપૂર્ણપણે મટે છે અથવા દીર્ઘકાલી તબક્કામાં પ્રવેશે છે.

દીર્ઘકાલી ગ્રીવાશોથ (chronic cervicitis) : લાંબા સમય સુધી ચાલતા ગર્ભાશય-ગ્રીવાના શોથને દીર્ઘકાલી ગ્રીવાશોથ કહે છે. તેનું પ્રમાણ ઘણું ઊંચું છે અને તે 35 %થી 85 % સ્ત્રીઓમાં હોય છે. તેનાં વિવિધ કારણો છે, જેમ કે યોનિમાંના ચેપકારી જીવાણુઓ ગર્ભનિરોધક સાધનોથી વારંવાર થતી ઈજા દ્વારા પ્રવેશ પામે, પરમિયાનો ચેપ કે પ્રસૂતિ સમયની ઈજા પછી ઉદભવતો સૂતિકાકાળનો ચેપ સ્થાયી સ્વરૂપે રહી જાય વગેરે. સૂતિકાકાળમાં થતા દીર્ઘકાલી ચેપમાં ગર્ભાશય-ગ્રીવા પર ચીરા (lacerations) અને દીર્ઘકાલી કોષશોથ(cellulitis)નાં ચિહનો જોવા મળે છે (જુઓ આકૃતિ).

દીર્ઘકાલી ગ્રીવાશોથમાં ગર્ભાશય-ગ્રીવાની ગ્રંથિઓમાં જીવાણુ લાંબો સમય હોય છે; પરંતુ સામાન્ય રીતે શોથ(inflammation)નાં કોઈ ચિહનો હોતાં નથી. ખરેખર તો તે ઈજા, ચેપ અને શોથ પછીના પરિણામસ્વરૂપ થતી સ્થિતિ છે. તેને કારણે ગર્ભાશય-ગ્રીવાની અંદરની દીવાલ તંતુમય(fibrosed), રુધિરભારિત (congested) અને લોહીના શ્વેત કોષો અને પ્લાઝમા કોષોથી ભરેલી હોય છે. તેની ગ્રંથિઓ મોટી થાય છે અને તેથી આવી ગર્ભાશય-ગ્રીવાને અતિગ્રંથિમય ગ્રીવા (adenomatous cervix) કહે છે. ગ્રંથિઓની નલિકાઓમાં કોષો અને સુકાયેલું શ્લેષ્મ (mucus) જામી જાય છે અને તેથી ગ્રંથિઓમાં પ્રવાહી ભરાય છે. તેને સંગૃહીત કોષ્ઠ (retention cyst) અથવા નૅબોથિયન પુટિકા (follicle) કહે છે. ક્યારેક તે ઘણી મોટી પણ થાય છે. ગ્રીવાશોથને કારણે ગર્ભાશય-ગ્રીવાવ્રણ (cervical erosion) થતું નથી. માટે તેમાંથી કૅન્સર ઉદભવે છે એવી માન્યતા ખોટી છે.

આકૃતિ : સૂતિકાકાળનો (puerperal) અથવા ગર્ભપાત પછી ફેલાતા ચેપ (અ)માં અને પરમિયા(gonorrhoea)ના ફેલાતા ચેપ(આ)માં ગર્ભાશય-ગ્રીવા(cervix)માં ઉદભવતો ચેપજન્ય વિકાર. (1) યોનિ, (2) ગર્ભાશય-ગ્રીવાશોથ, (3) ગર્ભાશય, (4) અંડનલિકા, (5) અંડપિંડ, (6) પરિતનગુહામાં ફેલાતો ચેપ (peritionitis), (7) લોહીમાં ફેલાતો ચેપ (septicaemia), (8) કોષશોથ (cellulitis), (9) ગર્ભાશયની અંદરની દીવાલનો ચેપ, (10) અંડનલિકા-અંડપિંડમાં ચેપ

ઈજા કે તેની સામેની પ્રતિક્રિયા તીવ્ર હોય તો જ લક્ષણો ઉદભવે છે. લક્ષણોની તીવ્રતા ઋતુસ્રાવ પહેલાં વધે છે. દર્દીના શરીરમાંથી પરુવાળું ચીકણું પ્રવાહી પડે છે તથા તેની કમરના નીચલા ભાગમાં તથા પેઢુમાં દુખાવો થાય છે અને તે આરામ કરવાથી ઘટે છે. સમાગમ સમયે તેને ઊંડે દુખે છે અને તે સમયે થોડું લોહી પડે છે. ઘણી વખત વધુ પડતો કે કષ્ટદાયક ઋતુસ્રાવ થાય છે. ગ્રીવામાંના શ્લેષ્મના ગુણધર્મો બદલાય છે અને તેથી કદાચ સ્ત્રીને ગર્ભધારણમાં મુશ્કેલી પડે છે. ઘણી વખત દર્દી સાંધાનો દુખાવો, અજીર્ણ, મળત્યાગ વખતે દુખાવો કે વારંવાર પેશાબની હાજત લાગવાની તકલીફો વર્ણવે છે. પરંતુ શાસ્ત્રીય રીતે ફક્ત પ્રવાહીનો સ્રાવ (પ્રદર) જ ગ્રીવાશોથનું લક્ષણ ગણાય છે. ગર્ભાશય-ગ્રીવાનો સોજો, રુધિરભારિતા-(congestion)ને કારણે થતી લાલાશ, કોષ્ઠ (cyst), ઊપસી આવતી શ્લેષ્મકલા (mucosa), આસપાસની પેશી સાથે ચોંટી ગયેલી ગ્રીવા, અડવાથી કે હલાવવાથી થતો દુખાવો તથા ગ્રીવામુખમાંથી નીકળતું પ્રવાહી નિદાનસૂચક ચિહનો ગણાય છે. ઘણી વખત તેને કૅન્સરથી અલગ પાડવું અઘરું હોય છે અને તેથી તેની બાયૉપ્સી કરાય છે.

સારવાર : દીર્ઘકાલી ગ્રીવાશોથમાં ચેપ ઊંડે આવેલો હોવાથી જીવાણુનાશકો ચોપડવાથી કે તેમના વડે શોધન (douche) કરવાથી થોડા સમય માટે ગંધ કે પ્રદર ઘટે છે. પરમિયો હોય તો ઍન્ટિબાયૉટિક લાભકારક નીવડે છે. રોગગ્રસ્ત વિસ્તારનો નાશ કરવા માટે દહન અથવા વહ્નીકરણ (cauterization) કે શીત-શસ્ત્રક્રિયા (cryo-surgery) કરાય છે. વીજ-દહન (electro-cauterization) અથવા અંત:શેકલક્ષી (diathermic) વહનીકરણથી રોગગ્રસ્ત ભાગને બાળી શકાય છે. ગ્રીવાના પોલાણમાં વહનીકરણ થતું નથી અથવા તે માટે ખૂબ સાવચેતી રખાય છે. જરૂરી ભાગને બહેરો કરીને કે દર્દીને બેહોશ કરીને પ્રક્રિયા કરવામાં આવે છે. જેથી ગ્રીવાને પહોળી કરીને ગ્રંથિઓમાંનું પ્રવાહી કાઢી નાખી શકાય. 10 દિવસ પછી પોપડો (slough) છૂટો પડે છે. તે માટે શોધન કે દાબવસ્ર (packing) વપરાય છે. 4થી 6 અઠવાડિયાંમાં ધીમે ધીમે રૂઝ આવે છે અને વિકાર શમે છે. ક્યારેક ગ્રીવાનું પોલાણ સાંકડું થઈ જવાનો ભય રહે છે.

જરૂર પડ્યે ગ્રીવા પરના ચીરાની કિનારીઓ કાપીને તેની પુનર્રચના કરાય છે. જો ગ્રીવાનું બહારનું મુખ અને શ્લેષ્મકલા ખૂબ જ વિકૃત થયાં હોય તો તેને શંકુઆકારે કાપીને દૂર કરાય છે. ગર્ભાશય-ગ્રીવાનું ઉચ્છેદન (amputation) ભૂતકાળમાં થતું હતું. હાલ તેવું ભાગ્યે જ કરાય છે. યુવાન સ્ત્રીઓમાં ગર્ભધારણક્ષમતા ઘટતી હોવાને કારણે તે ન કરવાનું સૂચવાય છે. અતિશય રોગગ્રસ્તતાને કારણે વિકૃતિ ઉદભવી હોય અને ગર્ભધારણની જરૂરિયાત ન હોય તેવી સ્ત્રીમાં ગર્ભાશયને કાઢી નાખવાનું સૂચવાય છે.

વિશિષ્ટ ગ્રીવાશોથ (specific cervicitis) : ક્ષય, ઉપદંશ (syphilis) શિસ્ટોસોમિયાસિસ, અમીબાજન્ય રોગ વગેરે રોગોમાં પણ ગ્રીવાશોથ ઉદભવે છે.

શિલીન નં. શુક્લ

હર્ષિદા પટેલ