ગંગાનગર (Ganganagar) : રાજસ્થાનના ઉત્તર છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 04’થી 30° 06’ ઉ. અ. અને 72° 30’થી 74° 30’ પૂ. રે. વચ્ચેનો 7,944 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પશ્ચિમ તરફ પાકિસ્તાનનો ભાવલપુર જિલ્લો, ઉત્તર અને ઈશાન તરફ પંજાબ રાજ્યની સીમા, પૂર્વ તરફ હનુમાનગઢ જિલ્લો તથા દક્ષિણ તરફ બિકાનેર જિલ્લો આવેલા છે. જિલ્લામથક ગંગાનગર જિલ્લાના ઉત્તર ભાગમાં પંજાબની સીમા પાસે આવેલું છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લામાં કોઈ અગત્યની ટેકરીઓ આવેલી નથી; પરંતુ જૂનો, શુષ્ક પટ છોડી ગયેલી સરસ્વતી અને ર્દશદવતી નદીઓના કાંઠા નાના કદના ટેકરાઓથી છવાયેલા દેખાય છે. સ્થાનભેદે જિલ્લાના ભૂપૃષ્ઠની ઊંચાઈ 168 મીટરથી 277 મીટર વચ્ચેની જોવા મળે છે. ભૂપૃષ્ઠનો સામાન્ય ઢોળાવ પશ્ચિમ તરફી છે. અહીં પથરાયેલા રેતીના ઢૂવા સામાન્ય રીતે 4થી 5 મીટરના, જ્યારે અન્યત્ર 10થી 15 મીટરની ઊંચાઈ ધરાવે છે.

જિલ્લામાં ચિરોડી, ચૂનાખડકો, ઈંટોની માટી જેવી આર્થિક પેદાશો મળી આવે છે.

અહીંની આબોહવા ગરમ રહેતી હોવાથી પાણીની અછત તથા જમીનોની અસ્થિરતા પ્રવર્તે છે. અહીં જંગલોનું અસ્તિત્વ નથી અને વૃક્ષો પણ ઓછાં જોવા મળે છે. ગંગાની નહેર – રાજસ્થાન નહેર અહીંથી પસાર થતી હોવાથી હવે વૃક્ષોનું વાવેતર થાય છે. નહેરોને કાંઠે સીસમ, માલબેરી અને નીલગિરિનાં વૃક્ષો વવાય છે. ક્યાંક ક્યાંક બાવળ, ખીજડો, લીમડો, ખેર વગેરે નજરે પડે છે.

ગંગાનગર

જળપરિવાહ : આ જિલ્લાની મુખ્ય નદી ઘગ્ગર છે. ચોમાસામાં ક્યારેક તેમાં પૂર આવે છે. અહીંથી ગંગા નહેર અને રાજસ્થાન નહેર તથા તેમના ફાંટા પસાર થાય છે. ગંગા નહેરમાંથી વધારાનું પાણી ડાબલા ખાતેના બુધા જોહર તળાવમાં ભરાય છે, જે માત્ર મોસમ પૂરતું જળવાતું હોવાથી સિંચાઈ માટે તેનો ઉપયોગ થઈ શકતો નથી.

ખેતીસિંચાઈપશુપાલન : અહીંની જમીનો સમૃદ્ધ અને ભેજગ્રહણ-ક્ષમતાવાળી હોવાથી ખાદ્યાન્ન તેમજ રોકડિયા પાકો માટે અનુકૂળ છે. કપાસ અને શેરડી, ઘઉં અને ચણા અહીં મોટા પાયા પર થાય છે. ફળો અને શાકભાજીની ઊપજ બાગાયતી પાકો તરીકે લેવાય છે. આ ઉપરાંત અહીં બાજરો, જવ વગેરેના પાક પણ લેવાય છે.

અહીં સિંચાઈ માટે ગંગા નહેર, રાજસ્થાન નહેર, ભાખરા બંધની નહેર તથા ઘગ્ગર નહેરની સુવિધા છે. જિલ્લામાં કોઈ સરોવરો કે તળાવો આવેલાં નથી.

ગાયો, ભેંસો, ઘેટાં, બકરાં, ઊંટા, ઘોડા, ગધેડાં, ડુક્કર અહીંનાં પાલતુ પશુઓ છે. પશુઓ માટે પૂરતાં દવાખાનાં અને ચિકિત્સાલયોની સગવડ છે. ગાયો માટે ગૌશાળાઓ અને ઘેટાં માટે વિસ્તરણ કેન્દ્રો ઊભાં કરાયાં છે.

ઉદ્યોગોવેપાર : અગાઉના વખતમાં આ પ્રદેશ રેતાળ વિસ્તાર હોવાથી તેમજ વાહનવ્યવહાર વિકસેલો ન હોવાથી ઔદ્યોગિક રીતે પછાત ગણાતો હતો. એ વખતે અહીં માત્ર ઊન તૈયાર કરવાના, સુથારીકામના અને ચામડાંના કુટિરઉદ્યોગો ચાલતા હતા. હવે રેલમાર્ગની તેમજ નહેરની સગવડો ઉપલબ્ધ થઈ હોવાથી ઘણી જાતના ઉદ્યોગોનો વિકાસ થયો છે.

આ જિલ્લામાંથી ઘઉં, ચણા, કપાસ, શેરડી, સુતરાઉ કાપડ, ખાલ અને ચામડાં, સૂતર અને રેશમ, લાકડાં, કોલસોની નિકાસ તથા સિમેન્ટ, ખાતરો, ચામડું અને ચામડાની ચીજવસ્તુઓ, મીઠું, ઔષધિઓ અને દવાઓ, વાંસ, વનસ્પતિ તેલો, પ્લાસ્ટિક અને તેની પેદાશો, ચા, કૉફી, કૃષિઓજારો તથા યંત્રસામગ્રીની આયાત થાય છે.

જિલ્લાનાં લગભગ બધાં જ નગરોમાં તેમજ મોટાં ગામડાંઓમાં કૃષિબજારો ઊભાં કરવામાં આવ્યાં છે. રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બૅંકોની સુવિધા ઉપલબ્ધ છે.

પરિવહન : અગાઉ આ જિલ્લામાં માલની હેરફેર મોટેભાગે ગાડાં દ્વારા થતી હતી. હવે અહીં રાજ્યમાર્ગો, જિલ્લામાર્ગો, ગ્રામીણ માર્ગો વિકસ્યા હોવાથી માલની હેરફેર તેમજ અવરજવરની સગવડો ઉપલબ્ધ થઈ છે. ઉત્તર વિભાગીય રેલવેના મીટર ગેજ રેલમાર્ગો તથા વાયવ્ય-વિભાગીય રેલવેના બ્રૉડ ગેજ રેલમાર્ગો અહીંથી પસાર થાય છે.

પ્રવાસન : ગંગાનગર અને સુરતગઢ જેવાં બે નગરો જિલ્લા માટે મહત્વનાં સ્થળો છે. સુરતગઢ નજીક 6 કિમી.ને અંતરે રંગમહેલ(જૂના વખતનું આ વિસ્તારનું રાજધાનીનું સ્થળ)ના અવશેષો જોવા મળે છે. આ સ્થળમાંથી કેટલીક ચીજવસ્તુઓ પુરાતત્વીય ઉત્ખનનોમાંથી મળી આવી છે, જે ઈ. પૂ. 500ના અરસાની તેની જાહોજલાલીનો પુરાવો પૂરો પાડે છે. અહીંથી 4 કિમી.ને અંતરે આવેલા હનુમાનજીના મંદિરે કાર્તિક માસમાં મેળો ભરાય છે. જિલ્લાનાં બીજાં ઘણાં સ્થળોએ મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.

વસ્તી–લોકો : 2001 મુજબ જિલ્લાની વસ્તી 17,88,487 જેટલી છે, તે પૈકી 52 % પુરુષો અને 48 % સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 65 % અને 35 % જેટલું છે. જિલ્લામાં હિન્દી, પંજાબી, રાજસ્થાની અને સિંધી ભાષાઓ બોલાય છે. જિલ્લામાં હિન્દુઓની વસ્તી વિશેષ છે; જ્યારે મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ અને જૈનોની વસ્તી ઓછી છે. શહેરો અને ગામડાંઓમાં સાક્ષરતાનું પ્રમાણ અનુક્રમે 65 % અને 35 % જેટલું છે. જિલ્લામાં પ્રાથમિક-માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા સારી છે. જિલ્લામાં આર્ય ભાષા પુસ્તકાલય છે તેમજ હસ્તલિખિત પુસ્તકોને મોટા પાયા પર જાળવી રાખવામાં આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 9 તાલુકાઓમાં અને 7 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે; અહીં 10 નગરો અને 3,014 જેટલાં ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : ગંગાનગર (શહેર) : 1927 પહેલાં આ સ્થળ રામનગર નામથી ઓળખાતું નાનું ગામ હતું, તે તત્કાલીન બિકાનેર રાજ્યના મિરઝેવાલા તાલુકાનું ગામ ગણાતું હતું. 1927માં અહીંથી ગંગનહેર (Gang Canal) પસાર કરવામાં આવી તે પછી અહીં મંડી(બજાર)ની સ્થાપના કરાઈ અને મહારાજા ગંગાસિંહના નામ પરથી રામનગર નામ બદલીને ગંગાનગર કરવામાં આવ્યું. ત્યાર બાદ આ વિસ્તારનો વિકાસ થતો ગયો, ઉદ્યોગો અને વેપાર વધ્યા. આજે તે આજુબાજુના તેમજ બહારનાં મથકો સાથે રેલમાર્ગે જોડાયેલું છે. આ નગરની નજીકમાં ઘણી વાડીઓ ઊભી થઈ છે, જેમાં ખાટાં ફળોનું ઉત્પાદન લેવાય છે. નજીકમાં આવેલું શિવપુર આ શહેરમાં આવનારા સહેલાણીઓ માટેનું ઉજાણી મથક બની રહ્યું છે; આ શિવપુર મથકેથી ગંગનહેરની શાખાઓ જુદી પડે છે.

ઇતિહાસ : આ જિલ્લો અગાઉના બિકાનેર રાજ્યનો એક ભાગ હતો. બિકાનેરના રાજા ગંગાસિંહના વારંવારના પ્રયાસોના પરિણામે, આ રણ જેવા ઉજ્જડ પ્રદેશમાં ગંગા નહેર બાંધવામાં આવી હતી. આ પ્રદેશમાં સિંધુ ખીણની સંસ્કૃતિ પ્રસરી હતી. ઘગ્ગર નદીના કિનારાના પ્રદેશોમાં – ભાટનેર, ભદ્રકાલી, ફત્તેહગઢ અને કાલીબંગનમાંથી હડપ્પા અને મોહેં-જો-દડો જેવા પ્રાચીન અવશેષો મળ્યા છે.

જોધપુરના સ્થાપક રાવ જોધાના પુત્ર રાવ બીકાએ 1488માં બિકાનેર રાજ્ય સ્થાપ્યું અને ત્યાંની ગોદારા, પુણિયા, સરણ વગેરે આદિવાસી જાતિના લોકોને અંકુશમાં લીધા. બિકાનેર રાજ્યનું રાજસ્થાન રાજ્ય સાથે 1949માં વિલીનીકરણ થયું. તેથી ગંગાનગરના ઇતિહાસનો બિકાનેરના ઇતિહાસમાં સમાવેશ થાય છે.

ગિરીશ ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ