ખ્રિસ્તી ધર્મ

સેમેટિક ધર્મો પૈકીનો એક ધર્મ. આ ધર્મની સ્થાપના ઈસુ ખ્રિસ્તે કરી હતી. ખ્રિસ્તી ધર્મ યહૂદી ધર્મમાંથી પ્રગટ્યો હતો. એટલે કહેવાય છે કે, Christianity was a child of Judaism. શરૂઆતમાં રોમન સામ્રાજ્ય તરફથી ખ્રિસ્તી ધર્મને ઘણી કનડગત સહેવી પડી; પરંતુ ઈ.સ. 314માં સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ત્યારથી તે રોમનો રાજધર્મ બન્યો અને તેનો પ્રસાર વધ્યો. તેના પ્રસારમાં સેંટ પૉલ અને સેંટ ઑગસ્ટાઇનનો ફાળો નોંધપાત્ર છે.

ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો

ખ્રિસ્તી ધર્મના દાર્શનિક તથા વ્યાવહારિક સિદ્ધાંતો યહૂદી ધર્મને મળતા આવે છે; પરંતુ તેના નૈતિક સિદ્ધાંતો યહૂદી પયગંબરોના તેવા સિદ્ધાંતોના કરતાં ઘણા વધારે ઉચ્ચ અને ઉમદા છે. તે પ્રમાણે જો આચરણ કરવામાં આવે તો કદાપિ યુદ્ધ થાય જ નહિ. બૌદ્ધ ધર્મના નૈતિક ઉપદેશો સાથે ખ્રિસ્તી ધર્મના ઉપદેશોનું ઘણું સામ્ય છે.

યહૂદી ધર્મમાં ઈશ્વરને કડક ન્યાયાધીશ અને સત્તાધારી રાજા તરીકે કલ્પવામાં આવ્યો હતો. ઈસુએ કહ્યું કે ઈશ્વર કડક ન્યાયાધીશ ઉપરાંત પ્રેમાળ પિતા પણ છે. તે સકળ સૃષ્ટિનો માલિક અને સર્જક છે. આ સૃષ્ટિ એ કોઈ માયા કે મિથ્યા નથી, પણ વાસ્તવિક છે; પરમ મંગળ અને પવિત્ર છે. ઈસુના ઉપદેશમાં કડક એકેશ્વરવાદ જણાય છે; પરંતુ તેની જગ્યાએ પાછળથી ધીરે ધીરે ત્રિમૂર્તિનો ખ્યાલ દાખલ થયેલો જોવા મળે છે. ઈશ્વરનું આ ત્રિવિધ સ્વરૂપ ભગવાનનું સંપૂર્ણ સ્વરૂપ છે. પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો ખ્યાલ તેમાં રહેલો છે. પરમપિતા (father) એ ઈશ્વર છે. એ જ ઊંચા સિંહાસન પર બેઠેલો રાજાધિરાજ અને સ્વર્ગમાં વસતો એવો ઈશ્વર પોતે છે. ઈસુ પોતાને ‘ઈશ્વરના પુત્ર’ – Son of God તરીકે ઓળખાવતા ને પોતાને મનુષ્યપુત્ર પણ કહેતા. મનુષ્યના રૂપમાં જન્મેલ ઈશ્વરના પુત્ર તે ઈસુ. મનુષ્યના અંતરમાં જે સત્ તત્વ છે તે પવિત્ર આત્મા (holy ghost) છે. આ ત્રણ – પિતા (સર્જક), પુત્ર (ઈસુ) અને પવિત્ર આત્મા (Holy ghost) મળીને ઈશ્વરનું સ્વરૂપ થાય છે. આને ખ્રિસ્તી ધર્મમાં ત્રૈક્યનો સિદ્ધાંત કહે છે. તે જ મનુષ્યને સન્માર્ગે ચાલવાની પ્રેરણા કરે છે. તે સર્વોચ્ચ દેવમાંથી થયેલો આધ્યાત્મિક આવિર્ભાવ છે. તે બધા નિષ્ઠાવાન ખ્રિસ્તીઓનો માર્ગદર્શક અને આશ્વાસક છે. બધા મનુષ્યો ઈશ્વરનાં સંતાનો છે; પણ ઈસુ વિશેષ અર્થમાં ઈશ્વરપુત્ર છે. ઈશ્વરનો અવતાર છે. પરમપિતા સાથે તે એકરૂપ છે. ઈસુ કહે છે, ‘હું અને પિતા એક છીએ.’ ઈશ્વરને પરમપિતા કહેતાં ઈસુને પરમપુત્રનું બિરુદ શોભે છે. ખ્રિસ્તી લોકો કોઈ પણ શુભ પ્રસંગનો પ્રારંભ ‘પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે’ – એવા સૂત્રથી કરે છે. સંત પૉલ પણ ભક્તમંડળને ઉદ્દેશીને પત્રમાં લખે છે કે, ‘‘આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતો રહો’’ – ત્રૈક્યના આ સિદ્ધાંતે ઈશ્વરની એકરૂપતામાં ઈસુના માટે સ્થાન કરી આપવાનો પ્રયત્ન કર્યો; એટલું જ નહિ, પણ બાઇબલના જૂના કરારમાં ઈશ્વરને વિશે જે એકાંગી વિચાર (ઉદા. યાહવે એક જ પ્રજાનો દેવ) હતો તેને સુધારવાનો પણ પ્રયત્ન કર્યો. ઈશ્વર જગતની પાર ને જગતથી અળગો ક્યાંક બેઠેલો છે એવું નથી; તે નિરવધિ પ્રેમની પ્રતિમા છે અને જગતની ઉન્નતિના કાર્યમાં અવિશ્રાંતપણે પોતાની શક્તિ પ્રતિક્ષણ રેડી રહ્યો છે. ઈશ્વરનું ત્રિગુણાત્મક સ્વરૂપ દર્શાવવાનો આ ત્રૈક્યના સિદ્ધાંત દ્વારા સુંદર પ્રયાસ થયો છે.

પ્રાણીમાત્રની સરખામણીમાં માનવીનું સ્થાન ઘણું ઊંચું છે. આ ધર્મમાં માનવીનો મહિમા અને ગૌરવ કરવામાં આવે છે. તે ઈશ્વરની પ્રતિમા છે. સત્યને પારખવાની, સારાસારનો વિવેક કરવાની અને સ્વતંત્ર સંકલ્પ કરીને નૈતિક જવાબદારી વહોરવાની શક્તિ કેવળ મનુષ્યમાં છે. એનામાં જ જ્ઞાન અને પ્રેમનું તત્વ છે. માણસમાં પાપવૃત્તિ જન્મથી જ છે અને પ્રભુની કૃપા (grace) સિવાય એ જીતી શકાતી નથી.

ખ્રિસ્તી ધર્મમાં કર્મ અને તેના ફળનો સિદ્ધાંત માન્ય છે; પરંતુ પુનર્જન્મનો સિદ્ધાંત જોવા મળતો નથી. કર્મ પ્રમાણે હંમેશાં ફળ મળે છે – સારાં કામનાં સારાં અને માઠાં કામનાં માઠાં. માણસ વાવશે તેવું લણશે. ભલાં કર્મો કરતાં મનુષ્યે કદી થાકવું ન જોઈએ. મનુષ્ય-જીવનમાં સર્વત્ર વ્યાપી રહેલું ભયંકર તત્વ અનિષ્ટ (evil) છે. અંગત સ્વાર્થ સાધવા માટે ઈશ્વરે આપેલા સંકલ્પ-સ્વાતંત્ર્યનો માણસ દુરુપયોગ કરે છે, તે જ ખરું અનિષ્ટ છે, એનાથી જ પાપ (sin) લાગે છે. સત્કર્મને બદલે દુષ્કર્મને પસંદગી આપવા માટે વ્યક્તિ પોતે જવાબદાર છે. મરણોત્તર સ્થિતિ સંબંધમાં જોઈએ તો આ ધર્મ અનુસાર માણસ એક જ વાર જન્મે છે અને એક જ વાર મરે છે. મરણ પછી એનો ન્યાય અંતિમ દિવસે (Day of Judgement) તોળાય છે. બધાં માણસો મૃત્યુ પામ્યાં પછી તે દિવસે ફરી સજીવન થાય છે અને પછી અનંત કાળ માટે (કર્માનુસાર બદલારૂપે સ્વર્ગ યા નરકમાં વાસ કરી) જીવે છે. મોક્ષના સ્વરૂપસંબંધમાં આ ધર્મ એમ માને છે કે વિવિધ પ્રકારનાં દુ:ખોમાંથી કાયમી છુટકારો મેળવવો એનું જ નામ મોક્ષ. બાઇબલમાં તેને ‘અનંત જીવન’ કહ્યું છે. મોક્ષપ્રાપ્તિ માટેના સાધનની બાબતમાં જોઈએ તો આ ધર્મ પ્રેમપૂર્ણ સમાજસેવા પર વધુ ભાર મૂકે છે. ઈશ્વરની કૃપા મેળવવા માટે સમૂહપ્રાર્થના યોજવામાં આવે છે. ઈશ્વરમાં શ્રદ્ધા એ મુખ્ય વસ્તુ છે. ભગવાન સૌનો પિતા છે, એટલે સર્જક છે. શુભ કે અશુભ જે કાંઈ બને છે તેની પાછળ પરમકૃપાળુ પિતાનો હાથ હોય છે. તેમની જ યોજના મુજબ બધું થતું હોય છે. આ ર્દષ્ટિ માણસના જીવનમાં તેમના પ્રત્યે અસીમ શ્રદ્ધા (faith) જન્માવે છે. જીવનમાં સુખ છે અને દુ:ખ પણ છે. દુ:ખ એ શિક્ષારૂપ છે, કસોટીરૂપ છે. માનવજીવનની મંગળ યોજનામાં તેને પણ સ્થાન છે. આ અર્થમાં ખ્રિસ્તીઓ પોતાને શ્રદ્ધાળુ કહેવરાવે છે. બધા માનવીઓ એ પરમ પિતાનાં સંતાન છે અને તેથી બધાં સમાન છે. સૌનું ગૌરવ, સ્વમાન, સ્વતંત્રતા, દરજ્જો વગેરે એક જ છે. કોઈ પારકું નથી, કોઈ કોઈનો દુશ્મન નથી. બધાં સ્ત્રી-પુરુષો એકબીજાંનાં ભાઈ-બહેનો (brotheren) છે. આથી પરસ્પરની સેવા કરવી એમાં જ માનવજીવનની સાર્થકતા છે. માનવી જે કાંઈ કરે છે તે ભગવાનને માટે જ કરે છે. આ અગ્રિમ માન્યતામાંથી જ વ્યક્તિગત અને સામાજિક નીતિમત્તાના નિયમો ફલિત થાય છે.

ઈશ્વરનો મનુષ્ય અને જગતની સાથેનો સંબંધ કેવા પ્રકારનો છે એ તેમણે આપણને અસાધારણ જ્ઞાનપ્રતિભા વડે બતાવ્યું છે. ઈશ્વરના પ્રેમ (love) ઉપર જ એમણે વધારે ભાર મૂક્યો છે. ઈશ્વરના પિતૃપદ પર અને એના વાત્સલ્યભાવ પર તેમણે વિશેષ ભાર દીધો છે. ઈશ્વર મુખ્યત્વે પ્રેમસ્વરૂપ છે; આપણો ઉદ્ધારક (SAVIOUR) છે. તે પાપી અને પતિત લોકોનો પ્રેમપૂર્વક સ્વીકાર કરે છે. સંત પૉલ કહે છે, ‘‘ગરીબનું પોષણ કરવા માટે હું મારી સઘળી માલ-મિલકત આપી દઉં, પણ જો મારામાં પ્રેમ ન હોય તો તે સઘળું નકામું છે.’’ ઈશ્વરનું રાજ્ય લોકોના હૃદયમાં છે; જ્યારે તેમના હૃદયમાં અન્ય લોકો પ્રત્યે પ્રેમ હોય અને એ પ્રેમ વિશ્વમાં ફેલાય ત્યારે સમજવું કે ઈશ્વરનું રાજ્ય છે.

સેવા, સમાનતા, વ્યક્તિગૌરવ અને સામાજિક ન્યાય – એ ખ્રિસ્તી ધર્મના નીતિના મુખ્ય સિદ્ધાંતો છે. સર્વ માનવીઓના હક્કો, સ્વાસ્થ્ય અને સ્વતંત્રતા માટે લડવું એ સાચા ખ્રિસ્તીની મુખ્ય ફરજ ગણાય છે. બીજાંઓનું કલ્યાણ કરીને પછી પોતાનું કલ્યાણ સાધવું જોઈએ. માનવપ્રેમ એ જ પ્રભુપ્રેમ છે. જે માનવોને ચાહે છે તેને ઈશ્વર ચાહે છે. પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે. પ્રીતિ કદી અદેખાઈ કરતી નથી. પ્રીતિ કદી ખૂટતી નથી. પ્રેમ તો આપવાથી જ વધતો રહે છે. ખ્રિસ્તી ધર્મના મતાનુસાર ડહાપણ, ન્યાય, શૌર્ય, સંયમ વગેરે સદગુણો માનવી આપમેળે વિકસાવી શકે છે; પરંતુ શ્રદ્ધા, આશા અને પ્રેમ કેવળ પ્રભુકૃપાથી જ મેળવી શકાય છે. ‘જનસેવા એ જ પ્રભુસેવા’ એ ખ્રિસ્તી ધર્મનું પાયાનું સૂત્ર છે. સેવા અને જ્ઞાન આપવાની બાબતમાં ખ્રિસ્તી સાધુઓની રોગી અને માંદાની સારવાર વગેરે મિશનરી પ્રવૃત્તિઓ સુવિખ્યાત છે. આ ધર્મ મુજબ ભક્ત અને ભગવાન વચ્ચેનો અતૂટ સ્નેહ તે જ ભક્તિ છે. ભક્તે પ્રભુ પ્રત્યે પોતાનો પ્રેમ બંધુપ્રેમ દ્વારા, માનવપ્રેમ દ્વારા વ્યક્ત કરવાનો છે. આધ્યાત્મિક જીવન એટલે શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ. માનવ સામેનો અપરાધ એ ઈશ્વર સામેનો અપરાધ છે. માનવબંધુ માટે કરેલું સહૃદયી કાર્ય એ જ ભગવાનની સાચી પૂજા છે. રવિવારે દેવળમાં નિયમિત પ્રાર્થના કરવી, ધર્મગ્રંથોનું નિયમિત વાચન કરવું, સમૂહપ્રાર્થના, સ્વૈચ્છિક દાન, નિરાધારને મદદ વગેરે નિયમિત કરવાં. પાપી, પતિત, દલિત ને દુ:ખી, ત્યક્ત તથા અભણ ને અજ્ઞાનીની નિ:સ્વાર્થભાવે સેવા એ જ ખરી ઈશ્વરસેવા છે. આવા લોકોની પ્રત્યક્ષ ઐહિક સેવા બજાવી તથા તેમને ઈશ્વરમાર્ગે વાળી તે દ્વારા ઈશ્વરની આરાધના કરવી એવો દીન-માનવસેવા-યોગ એ ખ્રિસ્તી ધર્મની વિશેષતા છે. ઈસુના ધર્મદર્શનમાં માનવસેવાનો મહિમા અને ગૌરવ છે.

ખ્રિસ્તી ધર્મની પ્રાર્થનામાં વિનંતીની સાથે આભારનો ભાવ પણ વ્યક્ત થાય છે. ‘‘હે અમારા પ્રેમાળ પિતા ! તમે સ્વર્ગમાં વસો છો, તમારા નામનો જય થાઓ. તમારું રાજ્ય સર્વત્ર વ્યાપો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પણ તમારી ઇચ્છા મુજબ જ થાઓ. અમને રોજની રોટી આપો અને જેમ અમે અમારા અપરાધીઓને માફ કર્યા છે તેમ તમે પણ અમારા અપરાધો માફ કરો અને અમને લાલચોમાં ન લપટાવો પણ અનિષ્ટોમાંથી બચાવો.’’ ખ્રિસ્તી ધર્મની સાધનામાં પ્રાર્થનાનું વિશેષ મહત્વ છે. કહ્યું છે કે, ‘‘તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં જઈને બારણાં વાસજે અને એકાન્તમાં પણ વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે. એકાન્તની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે.’’ (માથ્થી. 6 : 6)

શ્રદ્ધાયુક્ત થઈને કરેલી પ્રાર્થના જરૂર ફળે છે. શ્રદ્ધા એ તર્ક કે લાગણીનો નહિ પણ જીવનનો વિષય છે. એ કોઈ જડ વૃત્તિ કે વહેમ નથી; શ્રદ્ધા વિવેકપૂર્ણ હોય છે, બુદ્ધિજન્ય હોય છે. તે મનનો ખાલી તરંગ નથી; એ તો છે પૂર્ણ વિશ્વાસ. તેમાં વફાદારી અને સંપૂર્ણ શરણાગતિનો ભાવ સમાયેલો છે. શ્રદ્ધાથી પુણ્યશાળી બનેલ માણસ જ સાચું જીવન પામે છે એમ કહી શકાય. પ્રભુ સિવાય સગાંસંબંધી કે માલ-મિલકતમાં પ્રીતિ નહિ રાખવાનો અને વૈરાગ્યભાવ કેળવવાનો ઈસુએ ઉપદેશ આપ્યો છે. દાન, પ્રાર્થના અને ઉપવાસ વગેરે તો પુણ્યનાં કાર્યો છે; પરંતુ એની પાછળનો હેતુ જો શુદ્ધ ન હોય તો એ ખાલી તપની પ્રવૃત્તિ કે શિસ્તના પ્રયોગો કે કોઈ વાર આત્મપ્રદર્શનની ચેષ્ટાઓ બની જાય છે.

પ્રાયશ્ચિત્ત તથા ક્ષમાના તત્વને પણ ખ્રિસ્તી ધર્મમાં એક મહત્વનું સ્થાન મળેલ છે. જે માણસ પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરીને સન્માર્ગે વળે છે તેને પ્રભુ ખૂબ જ પ્રેમપૂર્વક આવકારે છે. મનુષ્યના અપરાધોની ઈશ્વર ક્ષમા આપે છે અને માણસે પણ અન્યના અપરાધો માફ કરવા જોઈએ. પ્રેમ, સેવા અને ક્ષમાના ઉચ્ચ આદર્શો ઈસુએ પોતાના વાસ્તવિક જીવનમાં મૂર્તિમંત કર્યા હતા. ઈસુના જેવું આદર્શ જીવન જીવવા દરેક સાચા ખ્રિસ્તીએ પ્રયત્ન કરવાનો હોય છે.

ખ્રિસ્તી ધર્મનાં પવિત્ર શાસ્ત્રો

ઈસુએ પોતે કોઈ પુસ્તક લખ્યું નથી. તેમણે આપેલા ઉપદેશોનો સમાવેશ બાઇબલમાં કરવામાં આવ્યો છે. તેના સર્જનમાં અનેક સંતોએ ફાળો આપેલો છે. મૂળ બાઇબલના પૂર્વાર્ધ (જૂનો કરાર) અને ઉત્તરાર્ધ (નવો કરાર) (Old Testament and New Testament) એવા બે ભાગ છે. કરાર એટલે ભગવાન અને યહૂદી પ્રજાની વચ્ચે થયેલા પુણ્યકરાર. તમે મારી પ્રજા છો અને હું તમારો ભગવાન છું. અસલ યહૂદીઓ સાથે ઈશ્વરે જે કરાર કર્યો હતો તે રદ કરીને ઈસુ ખ્રિસ્તના ઉપદેશ અને મૃત્યુ પછી ઈશ્વરે માણસો સાથે નવો કરાર કર્યો એવી સમજણથી આ પવિત્ર ગ્રંથ(બાઇબલ)ને ખ્રિસ્તીઓ ‘નવો કરાર’ એવું નામ આપે છે. પૂર્વાર્ધમાં ઈસુ પહેલાંના પયગંબરોનું જીવન અને કવન છે. તે ખ્રિસ્તીઓ તથા યહૂદીઓનું પણ આજ સુધી પવિત્ર શાસ્ત્ર રહ્યું છે. તે મૂળ હિબ્રૂ ભાષામાં વંચાતું પણ પાછળથી ઍલેક્ઝાન્ડ્રિયામાં ગ્રીક-લૅટિન ભાષામાં તેનો અનુવાદ કરવામાં આવ્યો. જૂના કરારના 39 ભાગ બાઇબલમાં છે. ઉત્તરાર્ધમાં ઈસુનું જીવન-કવન છે. કદની ર્દષ્ટિએ જોતાં તે સમસ્ત બાઇબલનો નાનકડો ભાગ છે. ગ્રીક ભાષામાં લખાયેલ તે મૂળ બાઇબલના આઠમા ભાગ જેટલો જ છે. નવા કરારના 27 ભાગ છે. ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનું હાર્દ તેમાં સમાઈ જાય છે. જગતનું સૌથી વધુ ફેલાવો ધરાવતું આ ધર્મપુસ્તક છે. તેનો જગતની 600 જેટલી ભાષાઓમાં અનુવાદ થયો છે. બાઇબલના ‘નવા કરાર’માં ઈસુને ચાર ઉપનામ આપેલાં છે; જેવાં કે, ખ્રિસ્ત (તારનાર, ઉદ્ધારક), પુણ્યાત્મા, ઈશ્વરનો લાડકો અને માનવપુત્ર. (અહીં શ્વેતાશ્વતર ઉપનિષદ્ (II; 5)નો ‘अमृतस्य पुत्रा:’ શબ્દ યાદ કરી શકાય. આ ચારેય ઉપનામ ઇનોકની સંહિતા(આ એક પ્રસિદ્ધ હિબ્રૂ ગ્રંથ છે.)માં જોવા મળે છે જે ઈ. પૂર્વે લખાયેલો મનાય છે અને તેમાં યહૂદી તત્વવિચારો છે. ‘નવા કરાર’માં (1) સંત માર્ક, (2) સંત લ્યૂક, (3) સંત મૅથ્યૂ અને (4) સંત જ્હૉનની સુવાર્તાઓનો સમાવેશ થાય છે. ઈસુના જીવનનો વૃત્તાંત રજૂ કરનાર ઉપદેશો (gospels) અથવા ‘શુભ સંદેશ’ એ નામે ઓળખાય છે. ત્યાર પછી ધર્મસંઘના વિસ્તાર અને સંત પાઉલની ધર્મયાત્રાઓનું નિરૂપણ કરનાર પ્રેષિતોનાં ચરિત્રો આવે છે અને પછી પાઉલના અને બીજા પ્રેષિતોના પત્રો આવે છે જેમાં ખ્રિસ્તી ધર્મના આચાર અને વિચારનું સુંદર નિરૂપણ છે. છેલ્લે એક વિશિષ્ટ ગ્રંથ ‘દર્શન’ આવે છે. એમાં ભૂતકાળનો ઇતિહાસ, વર્તમાન કટોકટી અને ભાવિ મુક્તાવસ્થાનાં સાંકેતિક દર્શન કરાવીને ઈસુમાં શ્રદ્ધા રાખનારાઓને હિંમત, ર્દઢતા અને આનંદ આપનાર બોધવાર્તાઓ છે. ખ્રિસ્તીઓના મતે બાઇબલ એ ઈશ્વરની વાણી છે. આમ, બાઇબલમાં જૂના અને નવા કરાર વચ્ચે એકતા અને સમન્વયની ર્દષ્ટિ જોવા મળે છે. યુરોપીય જીવનમાં જોવા મળતા બંધુભાવ, સહકાર અને લોકશાહીનાં મૂલ્યો બાઇબલના ઉપદેશને આભારી છે એમ વિના સંકોચે કહી શકાય.

ખ્રિસ્તી ધર્મના સંપ્રદાયો

ખ્રિસ્તી ધર્મના મુખ્ય બે પંથ છે : (1) રોમન કૅથલિક અને (2) પ્રૉટેસ્ટંટ

રોમન કૅથલિક પંથ સૌથી જૂનો છે. આ પંથના લોકો આ પંથના વડા પોપને સર્વોચ્ચ ધર્મગુરુ માને છે અને તેમની આજ્ઞાનું પાલન કરે છે. આ પંથમાં દીક્ષાનું મહત્વ છે. સ્ત્રી અને પુરુષ બંને દીક્ષા લઈને બ્રહ્મચર્યનું પાલન કરે છે. જોકે ધાર્મિક વિધિ કરવાનો અધિકાર સાધુને છે, સાધ્વીને નથી. ઈસુ ઉપરાંત ઈસુની માતા મેરી તેમજ અન્ય સંતોને પણ માન આપે છે. આ પંથનાં દેવળોમાં તેમની પ્રતિમાઓ પણ જોવા મળે છે. તેઓની ચોક્કસ પ્રાર્થનાઓ નક્કી કરેલી હોય છે તે પ્રસંગોચિત કે એ જ કરે છે. પ્રાર્થના માટે માળા (rosary) પણ વાપરે છે. આ પંથમાં સાત સંસ્કારો પ્રચલિત છે : નામકરણ સંસ્કાર (બૅપ્ટિઝમ), આત્મિક બળ સંસ્કાર, પ્રાયશ્ચિત્ત સંસ્કાર, પ્રભુ-ભોજન (યુકેરિસ્ટ) સંસ્કાર, લગ્ન-સંસ્કાર, દીક્ષા સંસ્કાર અને અંતિમ સંસ્કાર (મરણ વખતનો સંસ્કાર). આ પંથમાં બાઇબલ ઉપરાંત, સંતોએ કે સાધુઓએ લખેલા ધાર્મિક ગ્રંથોનું પણ વાચન કરવામાં આવે છે. સમય જતાં તેરમા સૈકામાં આ પંથના સાધુઓમાં બે મોટા વર્ગ થયા. આસીસીના સેંટ ફ્રાન્સિસના અનુયાયીઓ ‘ફ્રાન્સિસ્કન’ કહેવાયા અને સંત ડૉમિનિકના અનુયાયીઓ ‘ડૉમિનિકન’ કહેવાયા. સેંટ ઑગસ્ટાઇને ‘સોસાયટી ઑવ જિસસ’ નામનો સંઘ સ્થાપ્યો હતો. આ સંઘના સાધુઓ ‘જેસ્યુઇટ્સ’ કહેવાય છે.

ધર્મસંઘની અબાધિત સત્તા સામે કોઈ અવાજ ઉઠાવી શકે નહિ. રોમન કૅથલિક ધર્મની નાગચૂડ ખ્રિસ્તી સમાજ પર અસાધારણ હતી; પરંતુ વખત જતાં ધર્મમાં સડો પેઠો. ધર્મગુરુઓ વિલાસી બન્યા. પ્રાર્થના માત્ર શબ્દોમાં જ રહી. લોકો ઈશ્વરને ભૂલી સાધુસંતોને જ ભજવા લાગ્યા. યુરોપના જાગૃતિકાળ (Renaissance) દરમિયાન રોમમાં બંધાનાર સેંટ પીટરના દેવળ માટે નાણાંની જરૂર ઊભી થતાં પોપ (Leo the Xth) દ્વારા પાપમાંથી મુક્તિ આપતાં માફીપત્રો (Indulgencies) પણ કાઢવામાં આવ્યાં. આ સમયે ઉગ્ર વિરોધ પણ થયો. માર્ટિન લ્યૂથરનું નામ એ માટે જાણીતું છે. તેને જર્મની, ફ્રાન્સ તથા ગ્રૅટ બ્રિટનનો ટેકો મળ્યો. માર્ટિન લ્યૂથરના આ વિરોધમાંથી પ્રૉટેસ્ટંટ નામનો નવો પંથ ઉદભવ્યો.

માર્ટિન લ્યૂથરે (ઈ. સ. 1483-1546) પોપની અબાધિત સત્તા સામે ખ્રિસ્તી ધર્મમાં અવાજ ઉઠાવ્યો અને બળવો જગાવીને ધર્મમાં સુધારો કરવા પ્રયત્નો આદર્યા. તે જર્મન હતો. ધર્મવેત્તા અને સુધારક હતો. પોપ પાપમુક્તિનાં જે માફીપત્રો વહેંચતા તેની સામે તેણે વિરોધ (protest) ઉઠાવ્યો. ધર્મ અને તત્વજ્ઞાન તેના શોખના વિષયો હતા. યુનિવર્સિટીનો અનુસ્નાતક-કક્ષા સુધીનો અભ્યાસ પૂરો કરી તે સાધુ થઈ મઠમાં દાખલ થયો. વિટનબર્ગની યુનિવર્સિટીમાં ધર્મદર્શનના અધ્યાપક તરીકે પણ તેણે થોડો વખત કામ કરેલું હતું. પ્રથમ તો તે શ્રદ્ધાળુ રોમન કૅથલિક હતો, પરંતુ બાદમાં તે પ્રૉટેસ્ટન્ટ ધર્મનો સ્થાપક બન્યો. આથી તેને ઘણું સહન પણ કરવું પડ્યું. પોપ સામેના વિરોધને લીધે તેને પણ ધર્મબહાર કાઢવામાં આવ્યો. ટીકાત્મક પુસ્તકો લખી તેણે લોકોમાં જાગૃતિ આણી. બ્રહ્મચર્યની કે સંન્યાસ લેવાની તેણે હિમાયત કરી નથી. બાઇબલ લોકભાષામાં જ વંચાવું જોઈએ એવો તેનો આગ્રહ હતો. મૂર્તિપૂજાનો વિરોધ કર્યો. પ્રભુ ધાર્મિક કર્મકાંડોથી નહિ પણ શ્રદ્ધાથી જ પ્રસન્ન થાય છે એમ તે કહેતો હતો. ઈસુના બાર શિષ્યોનો ધર્મ એ જ ખરો ધર્મ છે અને મારો પણ એ જ ધર્મ છે એમ તે કહેતો. પોપની અબાધિત સત્તા સામે આ રીતે ખુલ્લો બુદ્ધિવાદી વિરોધ કરવો એ તો મધ્યયુગમાં મહાપાપ ગણાતું – ધર્મદ્રોહ ગણાતો. આજે સમય જતાં બંને મુખ્ય ધર્મપંથો વચ્ચેનો વિરોધ કંઈક શમ્યો છે અને જે ઉગ્ર મતભેદો હતા તેમાં પણ ફેરફાર થયા છે.

લ્યૂથરના જેવો જ એક બીજો ખ્રિસ્તી ધર્મવેત્તા અને અભ્યાસી તથા તેવો જ ધર્મસુધારક નવમતવાદી ધર્મપુરુષ અને પ્રખર પંડિત સ્વિટ્ઝર્લૅન્ડમાં થયો. તેનું નામ છે જ્હૉન કૅલ્વિન(ઈ. સ. 1509-1564). પોતાના સ્વતંત્ર વિચારોને કારણે તેણે પણ પોપની સત્તા સામે અવાજ ઉઠાવ્યો. તે કડક અને સંયમી જીવનમાં માનતો. લૅટિન અને ફ્રેંચ ભાષામાં તેણે ઘણા ગ્રંથો રચેલા છે. તેના મતને ‘કૅલ્વિનિઝમ’ કહેવામાં આવે છે. પ્રૉટેસ્ટન્ટ પંથનો આ એક પેટા પંથ જ ગણી શકાય. તે બૅપ્ટિઝમ અને કૉમ્યુનિયન (આ સંસ્કાર દ્વારા વ્યક્તિનો ઈસુ સાથે સંબંધ બંધાય છે.) એમ બે જ સંસ્કારોમાં માને છે. ઈશ્વરનો પ્રેમ અનંત અને અમર્યાદ છે અને જેઓ સન્માર્ગે પ્રસ્થાન કરે છે તે સહુને તે ટેકો આપે છે. લ્યૂથર, કૅલ્વિન વગેરે દ્વારા જે ધાર્મિક સંપ્રદાય ચલાવાયો તે ‘યુનિટેરિયન પંથ’ને નામે ઓળખાય છે. પ્યુરિટન પંથનું પણ કૅલ્વિનિઝમ જોડે ઘણી બાબતોમાં મળતાપણું છે. આ પંથમાં સાદા અને સંયમી જીવન પર તથા ચારિત્રશુદ્ધિ પર ખૂબ ભાર મૂકવામાં આવે છે. પ્રૉટેસ્ટન્ટ પંથનો આ પણ એક પેટા પંથ ગણી શકાય.

ખ્રિસ્તી ધર્મના વિવિધ પંથો કે સંપ્રદાયો દુનિયાભરમાં પ્રસરેલા છે. જોકે કેટલાક દેશોમાં જેવા કે જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ, અમેરિકા, સ્વીડન, નૉર્વે વગેરેમાં મુખ્યત્વે પ્રૉટેસ્ટન્ટ ધર્મ કે તેનાં વિવિધ સ્વરૂપો જોવાં મળે છે. બીજી તરફ પોર્ટુગલ, ફ્રાન્સ, ઇટાલી, પોલૅન્ડ તથા દક્ષિણ (લૅટિન) અમેરિકામાં રોમન કૅથલિક પંથ પ્રચલિત છે. જ્યારે ચુસ્ત કે ઑર્થોડૉક્સ સંપ્રદાય પૂર્વ યુરોપ, રશિયા તેમજ કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સમાં જોવા મળે છે.

ખ્રિસ્તી ધર્મના તહેવારો

નાતાલક્રિસ્ટ્મસ : ઈસુનો જન્મનો દિવસ છે. 25મી ડિસેમ્બર નાતાલના દિવસ તરીકે ઊજવાય છે. ખ્રિસ્તી ઘરોમાં આ દિવસો દરમિયાન એક ચમકતો તારો (star) મૂકવામાં આવે છે. આ તારો તે ઈસુના જન્મસમયે આકાશમાં દેખાયેલ અને જ્ઞાની માણસોએ જોયેલા તારાનું પ્રતીક છે. બાળ ઈસુ આ દિવસે ધરતી પર આવે છે, તેથી આ તહેવાર બાળકોનો તહેવાર પણ મનાય છે. બાળકો માતા, પિતા અને મિત્રો પાસેથી ભેટ મેળવે છે. દંતકથાનુસાર એક સફેદ દાઢીવાળા, લાલ કોટ અને હૅટવાળા ચાચા (સાન્તાક્લૉઝ) – નાતાલ-પિતા – બાળકો માટે અવનવી ભેટ લઈને ધરતી પર ઊતરે છે. આ દિવસો દરમિયાન પરસ્પર શુભેચ્છાઓ (greetings) પાઠવવામાં આવે છે; મિજબાનીઓ યોજવામાં આવે છે; ગરીબોને ભોજન, કપડાં ઇત્યાદિની મદદ કરવામાં આવે છે. ગરીબ-તવંગર, આબાલ-વૃદ્ધ સૌને માટે (હિન્દુઓની દિવાળીના જેવો) આ આનંદનો દિવસ છે.

નવું વર્ષ : અથવા બેસતું વર્ષ : 1લી જાન્યુઆરીનો દિવસ. આ દિવસને ઈસુના જીવન સાથે કોઈ સંબંધ નથી. નવા અને જૂના વર્ષ વચ્ચે સાંકળરૂપ આ દિવસ છે. વીતી ગયેલાંને યાદ કરવાનો અને નવાંને સત્કારવાનો આ દિવસ છે. ગત વર્ષમાં થયેલ ભૂલો કે પાપકર્મ માટે ક્ષમા માગવાનો દિવસ છે. (જૈન ધર્મમાં સંવત્સરી દિન જેમ ‘મિચ્છામિ દુક્કડમ્’નો દિવસ છે.) નવું વર્ષ શુભ નીવડે એવી સૌએ પ્રાર્થના કરવાનો આ દિવસ છે.

લેન્ટ : શેતાન પર થયેલા ઈસુના વિજયની યાદગીરી રૂપે આ દિવસ ઊજવવામાં આવે છે. શેતાન એ માનવહૃદયોને દૂષિત કરનાર શક્તિ છે. બૌદ્ધ ધર્મમાં પણ ‘માર’ નામની આસુરી શક્તિની વાત આવે છે. જૈન ધર્મમાં પણ મહાવીર સ્વામીને તપ દરમિયાન આવી આસુરી શક્તિ દ્વારા કષ્ટ ભોગવવાં પડેલાં. મહાન અવતારધારી પુરુષો પાસે આવી શક્તિનું તો છેવટે કાંઈ ચાલતું નથી, તેની હાર થાય છે અને મહાન પુરુષની જીત જ થાય છે. મોટે ભાગે કૅથલિકો આ લેન્ટના 40 દિવસ પાળે છે. ઈસુના જીવનની યાદગીરી રૂપે આ દિવસો ઊજવાય છે.

પામ (Palm) સન્ડે : આ દિવસે ઈસુએ જેરૂસલેમ શહેરમાં પ્રવેશ કર્યો. જનતાએ તેમનો સત્કાર કર્યો. ખજૂરીના વૃક્ષની ડાળીઓ કાપીને પાથરી તથા તે હલાવીને સ્વાગત કર્યું. ખજૂરીના વૃક્ષની ડાળીઓથી દેવળને શણગારવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે.

ગુડફ્રાઇડે : ઈસુનો મૃત્યુદિન છે. આ દિવસે તેમને ક્રૉસ પર લટકાવીને મારી નાંખવામાં આવ્યા હતા. ખ્રિસ્તીઓ આ દિવસે ઉપવાસ પણ કરે છે. ગુરુવારની રાત્રે તેમના શિષ્યો જોડેનું તેમનું છેલ્લું ભોજન હતું. તેમણે શિષ્યોના પગ ધોયા. ખાવા માટે તેમને બ્રેડ (રોટી) અને દ્રાક્ષાસવ આપ્યો. શુક્રવારે તેમને ક્રૉસ પર ચઢાવવામાં આવ્યા.

ઇસ્ટર સન્ડે : એ પુનરાગમનનો દિવસ છે. ખ્રિસ્તી ધર્મગ્રંથો અનુસાર એમ માનવામાં આવે છે કે મૃત્યુ પછી ત્રીજા દિવસે ઈસુનું પુનરુત્થાન થયું અને જુદા જુદા દિવસે પોતાના શિષ્યોને ઘણા દિવસો સુધી તેઓ મળતા રહ્યા અને પોતાનો સંદેશો જગતભરમાં ફેલાવવાનો આદેશ આપતા રહ્યા. ઇસ્ટરનો તહેવાર ઘણો પ્રચલિત છે. કેટલાંક દેવળોમાં ખ્રિસ્તી માતા-પિતા માટે તેમનાં બાળકોની નામકરણવિધિનો એ દિવસ છે.

ખ્રિસ્તી ધર્મના સંસ્કારો (sacraments) : દરેક ધર્મમાં કેટલાંક વિધિ-વિધાનો હોય છે એમ ખ્રિસ્તી ધર્મમાં પણ મુખ્યત: સાત સંસ્કારો ગણાવવામાં આવે છે. જોકે બધા ખ્રિસ્તીઓ સમાનપણે બધા સંસ્કારોનો સ્વીકાર કરતા નથી.

(1) સ્નાનસંસ્કાર અથવા જળસંસ્કાર : Baptisim : આ સંસ્કાર દ્વારા માણસનું પાપ ધોવાય છે. માથા ઉપર પાણી રેડીને ઉમેદવારના હૃદયમાં પવિત્ર આત્માનો સંચાર કરીને તેને ઈસુનો શિષ્ય જાહેર કરવાનો આ વિધિ છે.

(2) બળસંસ્કાર (Confirmation) : કિશોરાવસ્થામાં સંસારની લાલચો સામે લડવા પવિત્ર આત્માનું વરદાન મેળવવું તે. ધર્મગુરુ દ્વારા ધર્મનું કાર્ય કરવાની આ દ્વારા શક્તિ પ્રદાન કરવામાં આવે છે.

(3) પ્રાયશ્ચિત્ત સંસ્કાર (Confession) : વ્યક્તિએ કરેલાં કુકર્મોની દીક્ષિત અધિકારી પાસે ખાનગીમાં કબૂલાત (Confession) કરીને એની ક્ષમા મેળવવી તથા તે દ્વારા આત્મશુદ્ધિના માર્ગે જવું – પ્રાયશ્ચિત્ત દ્વારા પાપ ધોવાનો વિધિ છે.

(4) ખ્રિસ્ત પ્રસાદ કે સંસ્કાર (Ucherist) : છેલ્લું ભોજન શિષ્યોની સાથે લેતી વખતે ઈસુએ રોટી (બ્રેડ) અને દ્રાક્ષાસવ આપીને ‘‘આ મારો દેહ અને મારું લોહી છે એ મારા સ્મરણાર્થે લેજો.’’ એમ કહ્યું હતું. એ પરંપરાએ આશીર્વાદિત રોટી પ્રસાદ રૂપે લેવાનો આ સમૂહવિધિ છે. ધાર્મિક કાર્યો કરવાથી દિવ્ય શક્તિનો માણસમાં સંચાર થાય છે.

(5) લગ્નસંસ્કાર (Holy matrimony) : વર-કન્યાને કાયમી લગ્ન માટે જોડનાર સંસ્કાર. ઈશ્વરની સાક્ષીએ બે આત્માનું મિલન હોવાથી તે અતૂટ મનાય છે.

(6) યાજ્ઞિક દીક્ષા (Holy oder) : આજીવન બ્રહ્મચર્યનું વ્રત ગ્રહણ કરી લોકોની સેવામાં જીવન અર્પણ કરવાનો સંકલ્પવિધિ. આ સંસ્કાર દ્વારા સાધુ અધિકાર પ્રાપ્ત થાય છે.

(7) અંતિમ અભિષેક સંસ્કાર (Extreme action) : મોટી માંદગીમાં દેહને અને આત્માને બળ આપવા માટે પ્રાર્થનાવિધિ. મરણ સમયે કરવામાં આવતા સંસ્કારનો વિધિ.

ચીમનલાલ વલ્લભરામ રાવળ