ખ્રિસ્તીઓનો કાયદો : ખ્રિસ્તીઓના વૈયક્તિક જીવનને સ્પર્શતા કાયદાઓનો સમૂહ. અલબત્ત ભારતના ખ્રિસ્તીઓ ભારતના નાગરિકો તો છે જ; તેથી ભારતના નાગરિકોને લાગુ પડતા મોટા ભાગના કાયદા તેમને પણ લાગુ પડે છે. ભારતના બંધારણ ઉપરાંત ભારતનો કરારનો કાયદો, મિલકત હસ્તાંતરનો કાયદો, શ્રમજીવીઓ અને કરવેરાને લગતા કાયદા, ફોજદારી કાયદા, ચૂંટણીઓને લગતો કાયદો, ગ્રાહક સુરક્ષા અને પર્યાવરણ સુરક્ષાને લગતો કાયદો, અપકૃત્યોનો કાયદો, ટ્રસ્ટનો કાયદો, દીવાની અને ફોજદારી કેસોમાં અનુસરવાની કાર્યવહીને લગતા અને તેમાં પુરાવાને લગતા કાયદા જેવા મોટા ભાગના કાયદા અને ધારાઓ ખ્રિસ્તીઓ સહિત ભારતના તમામ નાગરિકોને એકસરખા ધોરણે લાગુ પાડવામાં આવે છે. તેમ છતાં જેને વૈયક્તિક કાયદો – ‘પર્સનલ લૉ’ કહે છે તેવા જુદા જુદા કાયદા ભારતમાં જુદા જુદા ધર્મો પાળતી પ્રજા માટે છે અને તેમાં ખ્રિસ્તીઓ માટેના અલગ વૈયક્તિક કાયદાનો પણ સમાવેશ થાય છે. આવા કાયદામાં મુખ્યત્વે લગ્ન, છૂટાછેડા, વારસાહક, વાલીપણું જેવી બાબતોનો સમાવેશ થાય છે. તે ધોરણે ભારતના ખ્રિસ્તીઓ માટે વારસાહકને લગતો, લગ્નને લગતો, તેમના છૂટાછેડાને લગતો, તેમના ધર્મપરિવર્તનની તેમના લગ્ન ઉપર પડનારી અસરને લગતો – એમ અલગ અલગ ધારા છે. આ પૈકીના કેટલાક ધારાઓમાં સ્ત્રીપુરુષો વચ્ચે ભેદભાવ કરતી કેટલીક જોગવાઈઓ પણ છે; જેમ કે, પત્ની વ્યભિચારયુક્ત જીવન ગુજારતી હોય તો તેટલા માત્રથી પતિને છૂટાછેડા મેળવવાનો હક મળી જાય છે, પણ પત્નીને આવો તત્સમ હક મળતો નથી. તેને પતિની સામે વ્યભિચાર ઉપરાંત અન્ય કારણો હોય તો જ છૂટાછેડા મેળવવાનો હક મળે છે. પતિ-પત્નીમાંથી જે પક્ષ આવો વ્યભિચાર આચરે તેની પાસેથી બીજો પક્ષ નુકસાનવળતર મેળવવાનો સમાન અધિકારી બને છે.

ભારતમાં ખ્રિસ્તીઓના લગ્નને આવરી લેતો ‘ઇન્ડિયન ક્રિશ્ચિયન મૅરેજ ઍક્ટ, 1872’ છે. જે બાબતો વિશે આ ધારામાં સ્પષ્ટ રીતે કોઈ જોગવાઈ કરવામાં આવી ન હોય તે બાબતો માટે ભારતની કોર્ટોએ ઇંગ્લૅન્ડના કાયદાને અનુસરવાનો છે – આવી એક વિચિત્ર જોગવાઈ છે. આ ધારો ધર્મપરિવર્તન કરેલા ભારતના વતનીઓ અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલા તેમના વંશજોને લાગુ પડે છે. તેમાં ખ્રિસ્તીઓનાં લગ્નનાં વિવિધ સ્વરૂપોનો ઉલ્લેખ છે; દા.ત., પૂર્ણત: ધાર્મિક કે ધર્મનિરપેક્ષ કે મિશ્ર સ્વરૂપનાં લગ્ન. તેમાં ચર્ચના અમુક નિયમો, વિધિઓ, ધાર્મિક વિધિઓ અને રિવાજો અનુસાર કરાતાં લગ્ન નોંધપાત્ર છે. આવા લગ્નના પક્ષકારો અમુક નજીકના સગપણમાં હોય તો તેમના લગ્નની વિધિ કરાવવાનો ઇન્કાર કરવામાં આવે છે. ખ્રિસ્તી લગ્નમાં બહુપતિત્વ કે બહુપત્નીત્વની પ્રથા નથી. જો લગ્નનો કોઈ પક્ષકાર ધર્મપરિવર્તન કરે તો તેથી આ માટે આવા લગ્નને કોઈ આંચ આવતી નથી. તે જ પ્રમાણે જો કોઈ અન્ય બિનખ્રિસ્તી વ્યક્તિ ખ્રિસ્તી બને તોપણ તેના લગ્નને આમ તો આંચ આવતી નથી પણ અન્ય પક્ષકારને વૈયક્તિક કાયદા અનુસાર મળી શકતા જે તે ઉપાયો મળે છે. આ માટે ‘કન્વટર્સ મેરેજ ડિઝોલ્યુશન ઍક્ટ, 1866’, નામનો અલગ ધારો છે.

ખ્રિસ્તીઓના છૂટાછેડા માટે ‘ઇન્ડિયન ડાઇવૉર્સ ઍક્ટ, 1869’ છે. તેમાં લગ્નને રદબાતલ જાહેર કરવાની, કોર્ટના હુકમ અન્વયે અલગ રહેવાની અને લગ્નજીવનના હકો પુન: સ્થાપિત કરવાને લગતી જોગવાઈઓ છે. જે સ્ત્રીનો તેના પતિએ ત્યાગ કર્યો હોય તે સ્ત્રીને કોર્ટ પાસેથી પોતાની મિલકતના રક્ષણ માટેના ખાસ હુકમો મેળવવાની જોગવાઈ છે. આવા હુકમો થયેથી તેના પતિનો કે તેના લેણદારોનો પત્નીની મિલકત ઉપર અધિકાર રહેતો નથી. વળી લગ્નમાં ભંગાણ પડવાના સંજોગોમાં પત્નીની મિલકતના નિકાલ વિશે નિર્ણય કરવાની સત્તા કોર્ટને આપવામાં આવી છે. કોર્ટ પત્નીને ભરણપોષણ આપવાની અને બાળકોના કબજા અંગે યોગ્ય નિર્ણય કરવાની સત્તા ધરાવે છે.

ખ્રિસ્તીઓના વારસાહક માટે ભારતમાં ‘ઇન્ડિયન સક્સેશન ઍક્ટ, 1925 છે. તે તેમના વસિયતી અને બિનવસિયતી એમ બંને પ્રકારના વારસાહક માટે લાગુ પડે છે. જે ખ્રિસ્તીઓ ભારતની બહાર મૃત્યુ પામે તેમના વારસાને લગતા નિયમો પણ આ ધારો આપે છે. તેમાં વારસાહકના અમલ માટે પ્રોબેટ, વહીવટી પત્રો, વારસાપ્રમાણપત્ર વગેરે માટે વિસ્તૃત જોગવાઈઓ છે. આ ધારામાં વ્યક્તિનો અધિવાસ (domicile) , વસિયતી અને બિનવસિયતી વારસાહક, ખ્રિસ્તી વિધવાના મિલકતના અધિકારો, ખ્રિસ્તીનાં બાળકોના અધિકારો, વારસદારોના હિસ્સા વગેરે વિશે વિસ્તૃત જોગવાઈઓ છે.

ભારતના ખ્રિસ્તીઓને લગતા કાયદામાં દત્તક-વિધાન અંગે ક્યાંય કોઈ જોગવાઈ નથી.

બિપીન શુક્લ