ખીજડો : દ્વિદળી વર્ગના માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. (ગુ. શમી, હિં. સમડી) તેનાં સહસભ્યોમાં બાવળ, ખેર, લજામણી, રતનગુંજ, શિરીષ, ગોરસ આંબલી વગેરે છે. તેનું શાસ્ત્રીય નામ Prosopis cineraria Druce છે.

વનસ્પતિ મોટા વૃક્ષ સ્વરૂપે સંયુક્ત, દ્વિપિચ્છાકાર, દ્વિતીય ક્રમની 3 જોડ અને દરેક ધરી પર પર્ણિકાઓની 7થી 12 જોડ હોય છે.

તેની ત્રણ જાતો ગુજરાતમાં મળે છે. જંગલોમાં આપમેળે ઊગતો P. cineraria Druce, સરકતી જમીનને બાંધવા P. juliflora DC મેક્સિકોનું વતની પરંતુ ગુજરાતમાં ફેલાયેલું છે અને પાટકંડી કે બેઠી ખીજડી તે P. stephaniana kunth ઘોઘાકિનારે મળે છે. શ્રી જયકૃષ્ણભાઈએ કચ્છમાંથી નોંધેલ છે.

તે થોડી ખારાશવાળું રણકાંઠા વિસ્તારમાં, શુષ્ક પ્રદેશોમાં આપમેળે ઊગતું સુંદર વૃક્ષ છે. તે ઇમારતી લાકડાનું બળતણ અને ફળો આપે છે. કાચી શિંગો ખાવા તથા શાક માટે પણ વપરાય છે. તેના લાકડાનો હળ, ઓજારો, ઘરના મોભ વગેરે માટે ઉપયોગ થાય છે.

શમી એક હવનીય દ્રવ્ય તરીકે વેદકાળમાં વપરાતું. વિજયા દશમી(દશેરા)ને દિવસે ભારતમાં શમીપૂજન કરવાનો રિવાજ હતો તે હવે ઓછો થતો જાય છે. હોમહવનના ઉપયોગમાં આવતી તે કાષ્ઠ ઔષધિ છે. આ વૃક્ષમાં ભૂત અને પ્રેતાત્માઓનો વાસ હોય છે એવો વહેમ-અજ્ઞાન લોકોમાં પ્રચલિત છે.

આયુર્વેદ અનુસાર તે અતિશય રુક્ષ અને કષાય તુરી, રસવાળી હોવાથી રક્તસ્રાવ, આમાજીર્ણ કે અતિસાર જેવા ઝાડામાં અકસીર છે; પરંતુ એનો વિશેષ ઉપયોગ વાળનો નાશ કરવામાં થાય છે. દ્રવ્યગુણ વિજ્ઞાન ગ્રંથના કર્તા જાદવજી ત્રિકમજી આચાર્યે તેનાં સર્વે અંગોનો ઉપયોગ ખાવામાં કરવા યોગ્ય ઠરાવ્યું છે. આર્યભિષકના કર્તા પદેજીએ નોંધ્યું છે કે તેનાં પાંદડાંનો રસ સાપનું ઝેર ઉતારવાનો એક ચમત્કારિક રામબાણ ઇલાજ છે. તેની શીંગ અને છાલ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. અને ખીજડાનો ગુંદર શક્તિદાયક ઔષધિ તરીકે વપરાય છે.

પ્રાગજી મો. રાઠોડ

મૃગેન્દ્ર વૈષ્ણવ

અંજના સુખડિયા