ક્ષયાર્ષ (જર્સિસ કે ઝર્કસિસ)

January, 2010

ક્ષયાર્ષ (જર્સિસ કે ઝર્કસિસ) (શાસનકાળ : ઈ. પૂ. 486 – ઈ. પૂ. 465) : ઈરાનનો રાજા. દરાયસ 1લાનો પુત્ર. મહાન સાયરસ 2જાનો પૌત્ર. ગાદીએ બેસતાં અગાઉ 12 વર્ષ તે બૅબિલોનનો વાઇસરૉય હતો. ગાદીએ બેઠા પછી તેમણે ઇજિપ્ત અને બૅબિલોનના બળવા દબાવી દીધા. તેણે વિશાળ લશ્કર તૈયાર કર્યું અને તેનું સેનાપતિપદ સંભાળીને ગ્રીસ પર આક્રમણ કર્યું. તે ગ્રીસમાં થર્મોપિલી પહોંચ્યો અને લિયોનિડાસને હરાવ્યો. ત્યાંથી તે ફોસિસ અને બોએશિયા થઈને એથેન્સ ગયો. તેણે એથેન્સનો નાશ કર્યો. તે પછી નૌકાયુદ્ધમાં સાલેમીસ પાસે ઈ. પૂ. 480માં હારી ગયો. ગ્રીસના બધા પ્રદેશોનો કબજો મેળવવા તેણે વિશાળ લશ્કર સાથે મર્દોનિયસને ત્યાં રાખ્યો. ઈ. પૂ. 479માં મર્દોનિયસને પ્લેટિયામાં પરાજય મળ્યો અને આયોનિયામાં માઇકલ પાસે ઈરાની નૌકાકાફલાનો પરાજય થયો. ત્યારબાદ એશિયા માઇનર કિનારાનાં ગ્રીક નગરરાજ્યો સ્વતંત્ર થવા માંડ્યાં અને ઈ.પૂ. 466 સુધીમાં ક્ષયાર્ષે (ઝર્કસિસે) આ પ્રદેશો પરનો અંકુશ ગુમાવ્યો. તે પછી તેના મુખ્ય મંત્રી અર્તાબેનસે તેની હત્યા કરી અને તેનો પુત્ર અર્તાઝર્કસિસ 1 લો ગાદીએ બેઠો.

જ. મ. શાહ

જયકુમાર ર. શુક્લ