ક્ષત્રિય : વેદધર્માવલંબી લોકોમાં સ્વીકારાયેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ચાર વર્ણો પૈકીનો એક. વર્ણોનો સર્વપ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં (ઋ. સં. 10.90.12માં) છે. આ મંત્રમાં ‘રાજન્ય’ શબ્દ ક્ષત્રિયના સમાનાર્થક તરીકે વપરાયો છે. ક્ષત્રિય માટે ‘ક્ષત્ર’ શબ્દ પણ પ્રયોજાયેલો છે. ક્ષત કે સંકટમાંથી રક્ષા કરે તે ક્ષત્ર (क्षद् + त्रै + क) અને ક્ષત્ર એ જ ક્ષત્રિય (क्षत्र + घ) એટલે કે ક્ષત્રિય જાતિનો એવો આ શબ્દોનો અર્થ છે. ‘રાજન્ય’ શબ્દનો પણ રાજાનું અપત્ય (राजन् + घ) એવો અર્થ છે. ‘ક્ષત્ર’, ‘ક્ષત્રિય’ અને ‘રાજન્ય’ એ શબ્દોમાં આ વર્ણના શસ્ત્રાજીવ (શસ્ત્ર વડે આજીવિકા મેળવવી) અને પ્રજાપાલન – એ ધર્મોનું સ્પષ્ટ સૂચન છે. વેદમંત્રમાં ક્ષત્રિયને પરમપુરુષના બાહુઓમાંથી ઉત્પન્ન થયેલો કહ્યો છે તેનો પણ આ જ નિહિતાર્થ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રૈવર્ણિકો માટે વેદોનું અધ્યયન; હોમ, પૂજા દ્વારા દેવોનું યજન અને ધર્માર્થે સંપત્તિનું દાન – એ ત્રણ ધર્મો સર્વસામાન્ય હતા. બ્રાહ્મણ અધ્યાપન, યાજન એટલે કે પૌરોહિત્ય અને દાનનો સ્વીકાર કરી આજીવિકા રળતો. ક્ષત્રિય પ્રજાઓનું પાલન, રક્ષણ, વર્ણધર્મોનું સંગોપન અને એ માટે આયુધ ગ્રહણ કરી આજીવિકા પ્રાપ્ત કરતો. હવિર્યજ્ઞો અને પાકયજ્ઞો ત્રણેય વર્ણ માટે વિહિત હતા. તેમને માટે સંસ્કારો સમાન હતા. ક્વચિત્ થોડુંક અંતર રહેતું; જેમ કે, બ્રાહ્મણના બાળકનો આઠમે વર્ષે યજ્ઞોપવીત સંસ્કાર થતો, જ્યારે ક્ષત્રિય બાળકનો અગિયારે અને વૈશ્ય બાળકનો બારમે વર્ષે થતો. તેમના બ્રહ્મચારીના ધર્મોમાં પણ થોડુંક અંતર છે. બ્રાહ્મણ બ્રહ્મચારી ગુરુગૃહે રહેતો હોય ત્યારે પલાશ(ખાખરા)નો દંડ રાખતો જ્યારે ક્ષત્રિય બિલ્વ(બીલી)નો દંડ રાખતો. ભિક્ષા માગતાં બ્રાહ્મણ भवति भिक्षां देहि એમ બોલતો જ્યારે ક્ષત્રિય भिक्षां भवति देही એમ બોલતો. વેદવ્રતો ઉપરાંત ક્ષત્રિય બ્રહ્મચારીને વર્મહરણ (બખ્તર ધારણ કરવું) એટલે કે શસ્ત્રદીક્ષાનો નાનકડો સંસ્કાર થતો. સમાવર્તન પછી ક્ષત્રિય સ્નાતક બ્રાહ્મ, દૈવ, આર્ષ કે પ્રાજાપત્ય પ્રકારે વિવાહ કરતો. આસુર, ગાંધર્વ અને રાક્ષસ પ્રકારના વિવાહો પણ ક્ષત્રિય માટે માન્ય હતા. ગૃહસ્થધર્મનું પાલન કરતાં તે યજ્ઞ, દાન આદિ આચરતો અને બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસી આશ્રમોની રક્ષા કરતો. સ્વયં ક્ષત્રિય વાનપ્રસ્થ અને સંન્યસ્ત આશ્રમોનું પાલન કરતો. સાંપ્રત સમયમાં સર્વ વર્ણોમાં વર્ણાશ્રમ ધર્મોના પાલનમાં શિથિલતા આવી ગઈ છે. ક્ષત્રિયોમાં વિવાહ સિવાયનો કોઈ સંસ્કાર થતો જવલ્લે જ જોવા મળે છે.

પ્રાચીન કાળમાં જન્મથી વર્ણ ગણાતો ન હતો. કર્મને આધારે વર્ણ ગણાતો. બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ણોની બાબતમાં નિશ્ચિત વર્ણભેદ ન હતો. ક્ષત્રિયની વૃત્તિ કરનાર બ્રાહ્મણ ક્ષત્રિય કહેવાતો. ભરદ્વાજના પુત્રો ભરત દૌષ્યન્તિના દત્તક પુત્રો થયા તેથી તે ક્ષત્રિયો કહેવાયા. વિશ્વામિત્ર તપોબળે રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ થયા. એક જ પિતાના પુત્રોમાંનો દેવાપિ તપસ્વી બ્રાહ્મણ થયો અને શન્તનુ રાજા તરીકે ક્ષત્રિય જ રહ્યો. મહાભારત પછીના કાળમાં જન્મથી જાતિ ગણાવાનો આરંભ થયો અને તેમના ધર્મો વર્ણાનુસાર નિશ્ચિત થયા.

વેદોમાં સૃંજયો, ભરતો, તૃત્સુઓ, હૈહયો વગેરે ક્ષત્રિય કુળોના ઉલ્લેખ છે. પુરાણોમાં સૂર્યવંશ અને ચંદ્રવંશ – એ બે પ્રસિદ્ધ રાજવંશો ગણાયા અને અન્ય ક્ષત્રિય-કુળોનો આ બે વંશોમાં સમાવેશ કરાયો. સૂર્યવંશ મનુ વૈવસ્વતના પુત્ર ઇક્ષ્વાકુથી આરંભાયો અને ચંદ્રવંશ બ્રહ્માના પુત્ર અત્રિના પુત્ર ચંદ્રથી આરંભાયો. વંશવિસ્તાર થતાં આ બે પ્રધાન વંશોમાંથી અનેક કુળ અસ્તિત્વમાં આવ્યાં. ચંદ્રવંશી જનમેજય પછીનાં, ભવિષ્યપુરાણમાં વર્ણવાયેલાં રાજકુળોનાં મૂળ આ બે પ્રસિદ્ધ વંશોમાં છે. આ બે વંશોની પ્રતિષ્ઠા એટલી તો હતી કે વેદોત્તર કાળમાં અન્ય આર્યેતર આયુધજીવી વર્ગોને વૈદિક ક્ષત્રિયોમાં સમાવિષ્ટ કર્યા ત્યારે એ બધા વર્ગોનાં મૂળ પણ સૂર્ય કે ચંદ્રવંશમાં બતાવાયાં. એમની શુદ્ધિ અર્થે વસિષ્ઠ ઋષિએ આબુ પર્વત પર કરેલા યજ્ઞના અગ્નિમાંથી ચાર ક્ષત્રિય પુરુષો ઉત્પન્ન થયા. તેમના વંશ ચાહમાન (ચૌહાણ), ચૌલુક્ય (સોલંકી), પ્રતીહાર (પઢિયાર) અને પરમાર વંશો કહેવાયા. વસ્તુત: આર્યેતરોને ક્ષત્રિયોમાં સમાવિષ્ટ કરવાની આ એક શુદ્ધિ-પ્રક્રિયા હતી. આવા શુદ્ધ થયેલા લોકો મોટે ભાગે રાજપુત્રો – રાજપૂત કહેવાયા. રાજસેવા કરતાં જેમને ગ્રાસ – ગરાસ મળ્યા તેવા રાજપૂતો ગ્રાસિયા કે ગરાસિયા પણ કહેવાયા. સાંપ્રતકાળમાં મૂળ સૂર્ય કે ચંદ્ર વંશના ક્ષત્રિયો ઉપરાંત રાજપૂત અને ગરાસિયા એ સર્વે પોતાને ક્ષત્રિય કહેવડાવે છે.

ગુજરાતમાં યાદવવંશી ચૂડાસમા તથા રાયજાદા, ઝાલા, જાડેજા, પરમાર, રાઠોડ, ગોહિલ, સોલંકી, સિસોદિયા અને ચાવડા કુળના ક્ષત્રિયો વસે છે. આઝાદી પૂર્વે તેમનાં કચ્છ, સૌરાષ્ટ્ર, સાબરકાંઠા, પંચમહાલ, ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં નાનાંમોટાં રાજ્યો હતાં.

પરમાનંદ દવે