ક્ષત્રિય, રશ્મિ (જ. 21 ફેબ્રુઆરી 1926, વડોદરા, ગુજરાત; અ. ઑગસ્ટ 1986, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતના આધુનિક ચિત્રકાર અને કલાશિક્ષક. સામાન્ય સ્થિતિના મધ્યમ વર્ગમાં તેમનો જન્મ થયેલો. બાર વર્ષની કુમળી વય પહેલાં પિતા અને પછી માતાનું અવસાન થતાં કાકાએ તેમને છત્ર પૂરું પાડ્યું.

રશ્મિ ક્ષત્રિય

ચિત્રકલાનો અભ્યાસ કરવા અમદાવાદ આવી પહોંચ્યા અને રવિશંકર રાવળની ચિત્રશાળા ‘ગુજરાત કલાસંઘ’માં વિદ્યાર્થી તરીકે પ્રવેશ પામ્યા. એમની પાસે કોઈ આર્થિક પીઠબળ નહોતું, તેથી માત્ર સવારના અઢી કલાક જ તેઓ ચિત્રશાળામાં વર્ગો ભરે અને અગિયાર વાગ્યાથી તો આખો દિવસ રૅશનિંગ ખાતામાં નોકરી કરે. રૅશનિંગ ખાતાએ કેટલાક કર્મચારીઓની છટણી કરી તેમાં રશ્મિભાઈ પણ સપડાઈ ગયા.

રશ્મિ ક્ષત્રિયનું એક ચિત્ર

ઑફિસના ઓટલા પર બેસીને લોકોને અરજી લખી આપવાનું કામ તેમણે શરૂ કરી દીધું અને આર્થિક વિટંબણાઓમાંથી બની શકે તેટલો માર્ગ કાઢ્યો. રવિશંકર રાવળે તેમને ટેકો તથા હૂંફ પૂરાં પાડ્યાં હતાં.

રશ્મિભાઈએ અંગ્રેજી વિષય સાથે એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી સ્નાતકની ઉપાધિ હાંસલ કરી.

પછી રશ્મિભાઈએ અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની અનુસ્નાતકની પદવી બીજા વર્ગમાં પ્રાપ્ત કરી. અભ્યાસ પૂરો કરીને તેઓ ઉત્તર ગુજરાતના સરઢવ નામના એક ગામડામાં બે વર્ષ માટે ચિત્રશિક્ષક તરીકે જોડાયા.

1958થી અમદાવાદની શેઠ ચી. ન. વિદ્યાવિહારમાં પ્રાથમિક વિભાગમાં ચિત્રશિક્ષક તરીકે જોડાયા. 1986માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેઓ અહીં આ જ પદ પર રહ્યા. રશ્મિભાઈએ કહેલું, ‘મારું કામ કલાકારો તૈયાર કરવાનું નથી, પણ કલાનો આનંદ માણી શકનાર જમાતનું નિર્માણ કરવાનું છે.’ આ કામ તેમણે નિર્વિવાદ સફળતાથી પૂરું પાડ્યું છે.

તેઓ નબળી આર્થિક સ્થિતિનાં માબાપનાં સંતાનોને પોતાના ખર્ચે કાગળો અને રંગો પણ પૂરા પાડતા. એ વિદ્યાર્થીઓ પાસે અવનવા પ્રયોગો અને પ્રોજેક્ટ પણ કરાવતા.

પોતે રવિશંકર રાવળના શાગિર્દ હોવા છતાં જીવનના ઉત્તરાર્ધમાં રશ્મિભાઈને રવિશંકર રાવળ અને બંગાળ શૈલીની ચિત્રકલા પ્રત્યે કોઈ આકર્ષણ નહોતું. પોતાના અભિપ્રાયો અંગે રશ્મિભાઈ બહુ જ ચોક્કસ તેમજ સ્પષ્ટ હતા. સી. એન. વિદ્યાવિહારના નિયામક જાણીતા કવિ અને કેળવણીકાર સ્નેહરશ્મિએ 1973ના સી. એન. વિદ્યાવિહારના શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમનું સન્માન કરેલું. આ સ્નેહરશ્મિએ શિક્ષણકાર્યમાં રશ્મિભાઈને પૂરતી મોકળાશ આપી હતી. તેથી બાળકો પાસેથી પહેલેથી આવાં ગાર્દે પ્રકારના આધુનિકતાની ચરમ કક્ષાના પ્રયોગો કરાવવામાં રશ્મિભાઈમાં રહેલા શિક્ષક ઉપરાંત સર્જકને પણ સંતોષ થયેલો.

જાપાન, કૅનેડા, ઇટાલી, અમેરિકા, જર્મની, ચેક રિપબ્લિક, રશિયા, ઇંગ્લૅન્ડ વગેરે દેશોમાં રશ્મિભાઈનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયેલાં અને તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળેલી. 1956માં ટોકિયોની કેપાસ ગૅલરીમાં યોજાયેલા તેમનાં અંગત જીવનને સ્પર્શતાં ચિત્રોના પ્રદર્શને પ્રેક્ષકોને હચમચાવી મૂક્યા હતા. અને ત્યાંનાં દૈનિકોએ તેમને ખ્યાતનામ આધુનિક ચિત્રકાર મીરો સાથે સરખાવેલા. આ ચિત્ર-પ્રદર્શનને રશ્મિભાઈએ શીર્ષક આપેલું : ‘ધ સ્ટૉરી ઑવ્ માય લવ ઍન્ડ ડિસ્પેર રિટન ઇન ટિયર્સ ઍન્ડ બ્લડ.’ તેઓ પોતાનું બધું વહાલ પોતાના છાત્રો પ્રત્યે વહાવતા. તેમનો બિલાડીઓ પ્રત્યેનો પ્રેમ વિલક્ષણ હતો.

શેઠ ચી. ન. વિદ્યાવિહારમાં તેમણે અઠ્ઠાવીસ વરસ સુધી ચિત્રશિક્ષક તરીકે નોકરી કરેલી. 1986ના જૂનમાં નિવૃત્ત થયા અને ત્રણ મહિનામાં જ અવસાન પામ્યા.

અમિતાભ મડિયા