ક્રિમોના : ઇટાલીમાં પો નદીને કાંઠે આવેલી કમ્યૂન(પ્રાન્ત)ની રાજધાની. ધબકતું કૃષિકેન્દ્ર અને માંસ તથા ડેરીઉદ્યોગનું મથક ક્રિમોના સ્થાપત્યની ર્દષ્ટિએ અસાધારણ મહત્વ ધરાવે છે. બારમી-તેરમી સદીનું સો મીટર ઊંચું ટાવર, અષ્ટકોણી બૅપ્ટિસ્ટરી, સુંદર ગ્રંથાલય, વિશાળ થિયેટર એ ત્યાંની ધ્યાનાર્હ ઇમારતો છે.

ક્રિમોના પ્રાન્તની પશ્ચિમે આદા નદી, દક્ષિણમાં પો નદી, ઈશાન અને પૂર્વમાં ઓગ્લીઓ નદી આવેલી છે. સિંચાઈની સુયોજિત વ્યવસ્થાથી શોભતો આ પ્રાન્ત ઈ. પૂ.ની ત્રીજી સદીમાં રોમનોએ એક કૉલોની તરીકે સ્થાપેલો અને કાર્થેજના હુમલાથી બચવા ક્રિમોનાની કિલ્લેબંધી કરેલી. સાતમી સદીમાં લૉમ્બાર્ડોએ ક્રિમોના ઉપર કબજો જમાવ્યો. અગિયારમી સદીમાં એ સ્વતંત્ર કમ્યૂન બન્યું. બારમી સદીમાં લૉમ્બાર્ડ લીગમાં જોડાયું. વેનિસના વારંવારના હુમલાથી ક્રિમોના વેનિશિયન પ્રજાસત્તાકમાં ભળી ગયું. તે પછી અનુક્રમે સ્પેન અને ઑસ્ટ્રિયાની હકૂમત હેઠળ ગયું. તે પછીનો તેનો ઇતિહાસ એટલે લૉમ્બાર્ડીનો ઇતિહાસ.

રસેશ જમીનદાર