કૌલ સંપ્રદાય : વામાચાર નામે જાણીતો તંત્રશાસ્ત્રનો પ્રાચીન સંપ્રદાય. તંત્રશાસ્ત્રમાં પૂર્વકાળથી ઉપાસનાના બે માર્ગ પ્રચલિત છે. એક છે સમય સંપ્રદાય અને બીજો કૌલ સંપ્રદાય. આ જ બે સંપ્રદાયો અનુક્રમે દક્ષિણાચાર અને વામાચાર નામે જાણીતા છે.

કૌલ શબ્દ ‘કુલ’ ઉપરથી આવ્યો છે. ‘કુલ’ એટલે પ્રચલિત અર્થમાં કુટુંબ, વર્ગ, સમૂહ, સંપ્રદાય. તંત્રશાસ્ત્ર અનુસાર ‘કુલ’ એટલે શક્તિ, કુંડલિનીસાધના. શિવ અકુલ કહેવાય છે અને શક્તિ કુલ કહેવાય છે. શક્તિ સૃષ્ટિનો હેતુ છે અને સમસ્ત જગત્પ્રપંચની પ્રવર્તિકા છે તેથી તે કુલ (કુટુંબ) કહેવાઈ છે. શિવ સૃષ્ટિપ્રપંચમાં ઉદાસીન છે તેથી તે અકુલ છે. શિવમાંથી ‘ઇ’કાર કાઢી નાખતાં તે શવ, નિષ્ક્રિય, મૃત થઈ જાય છે. इ એટલે શક્તિ. આમ ઇ એ જ સર્વ કંઈ છે તેથી શક્તિ જ ઉપાસ્ય છે. આમ માનનાર સાધકો તે ‘કૌલ’. તેમનો સંપ્રદાય તે કૌલ સંપ્રદાય.

‘કુલ’નો બીજો અર્થ છે ‘કુંડલિનીસાધના’. માનવશરીરમાં કરોડરજ્જુનો ગુદા પાસેનો છેડો મૂલાધાર કહેવાય છે. શક્તિ ત્યાં રહેલા શિવલિંગ ફરતે સર્પની જેમ સાડાત્રણ આંટા દઈને સુષુપ્ત પડી છે. તેથી મૂલાધારને કુલકુંડ કહ્યો છે. યોગ દ્વારા કુંડલિની શક્તિને જાગ્રત કરી સુષુમ્ણા માર્ગે તેને મસ્તકના બ્રહ્મરંધ્રમાં પહોંચાડવાનો યોગ તે કુંડલિની યોગ. આ યોગની સાધના કરે તે કૌલ અને તેનો સંપ્રદાય તે કૌલ સંપ્રદાય. ગુજરાતની સરહદે આવેલું રાજસ્થાનનું રાણપલ્લિકા ગ્રામ (જિ. જયપુર) આ સંપ્રદાયનું ઊગમસ્થાન ગણાય છે અને પાશુપત શૈવોની પંચાર્થિકા શાખાના સાધુ વિશ્વરૂપનો શિષ્ય અલ્લટ કે ભાવરક્ત આ શાખાનો સ્થાપક હતો એવું હર્ષના શિલાલેખમાંથી જાણવા મળે છે. ‘કુલ’ શબ્દના અર્થોમાં દાર્શનિક, વંશપરક, રહસ્યપરક અને યોગપરક અર્થોમાંના યોગપરક અર્થ અનુસાર ‘કુ’ એટલે પૃથ્વી અને ‘લ’ એટલે લીન. મૂલાધાર ચક્રનું તત્વ પૃથ્વી ગણાય છે. એટલે મૂલાધારમાં એટલે પૃથ્વીમાં લીન રહેનાર શક્તિ તે કુલ કહેવાઈ છે. કુલ કુંડલિની યોગ દ્વારા કે ગુરુકૃપા દ્વારા જાગ્રત થાય ત્યારે તે કરોડરજ્જુમાં રહેલી સુષુમ્ણા નાડી દ્વારા મસ્તકમાં રહેલા સહસ્રાર પદ્મમાં સ્થિત શિવનું સામરસ્ય પ્રાપ્ત કરે છે તેથી લક્ષણાવૃત્તિથી સુષુમ્ણાને પણ કુલ કહી છે. તંત્રસારગ્રંથમાં કુંડલિનીને શક્તિ કહી છે. આ જીવશક્તિને જાગ્રત કરવી તે સાધકનું લક્ષ્ય છે. તે માટેની સાધના કે આચરણ તે કૌલ આચાર. કૌલ સાધક પદાર્થમાત્રમાં અભેદ – અદ્વૈત બુદ્ધિ રાખે છે અને સર્વ દ્વન્દ્વોથી પર બને છે.

કૌલ સાધકો તેમની સાધનામાં માંસ, મદિરા, મત્સ્ય, મુદ્રા અને મૈથુન એ પંચ ‘મ’કારોના સેવન માટે જાણીતા છે. આવી અભદ્ર લાગતી ઉપાસનાને કારણે તેમનો સંપ્રદાય વામાચાર કે વામમાર્ગ પણ કહેવાયો છે. તત્વત: પંચમકાર એ કોઈ બાહ્ય પદાર્થો નથી પણ સાધકના પોતાના શરીરમાં યોગક્રિયાને લીધે ઉત્પન્ન થતી પરિસ્થિતિઓ છે. તેથી વામાચાર અભદ્ર માર્ગ નથી. વામ એટલે સુંદર, અને વામાચાર કે વામમાર્ગ એટલે ઉપાસનાનો સુંદર માર્ગ એવો વાસ્તવિક અર્થ થાય છે.

અરુણોદય જાની

જી. પ્ર. અમીન