કોશસાહિત્ય

January, 2008

કોશસાહિત્ય

શબ્દ, અર્થ, માહિતી કે જ્ઞાનના સંચયરૂપ સાહિત્ય. ભાષાકીય વ્યવહારમાં સરળતા તથા એકરૂપતા લાવવા તથા અન્ય ભાષાભાષી સમુદાયને જે તે ભાષાની સમજ આપવા કોશરચનાની પ્રવૃત્તિ હાથ ધરાય છે. કોશ ઉપરાંત સંસ્કૃતમાં અભિધાન તથા નિઘંટુ પર્યાયો યોજાયેલ છે.

સંસ્કૃતમાં કોશની પરંપરા વૈદિક સંહિતાઓ જેટલી પ્રાચીન છે. સાંપ્રત ઉપલબ્ધ નિઘંટુ સંસ્કૃતનો પ્રાચીનતમ કોશ છે. વેદનાં છ અંગભૂત શાસ્ત્રોમાં નિરુક્તની ગણના થઈ છે. આ નિરુક્ત તે નિઘંટુમાંના શબ્દસંગ્રહનું નિર્વચન કરનારું ભાષ્ય છે. તેથી નિરુક્ત અને નિઘંટુ અભિન્ન ગણાઈ ગયાં છે. સાંપ્રત ઉપલબ્ધ નિઘંટુ ઋગ્વેદના મંત્રોનો શબ્દસંગ્રહ છે. અન્ય વેદોના મંત્રોના આવા શબ્દસંગ્રહો હશે. તૈત્તિરીય સંહિતા પરના ભટ્ટ ભાસ્કરના ભાષ્યમાં તેણે ઘણા અજાણ્યા નિઘંટુઓમાંના શબ્દો અને તેમનાં નિર્વચનોના ઉલ્લેખો કર્યા છે. એ ઉપરથી પં. ભગવદ્દત્તની ધારણા છે કે અન્ય વેદાંગોની જેમ શાખાવાર નિઘંટુઓ હશે અને તેમનાં નિર્વચન આચાર્યોએ કર્યાં હશે. યાસ્કે તેના નિરુક્તમાં ચૌદ જેટલા નિર્વચનકારોનાં નામોનો ઉલ્લેખ કર્યો છે. નિઘંટુ શબ્દ नि + घण्ट् ધાતુને ઉણાદિનો कु પ્રત્યય લાગી બન્યો છે. નિઘંટુ એટલે પ્રકાશક, વ્યક્ત કરનાર. વૈદિક મંત્રોમાંના અજાણ્યા થઈ ગયેલા શબ્દોના અર્થ પ્રકાશિત કરનાર સંગ્રહ તે નિઘંટુ. આમ નિઘંટુઓ એ સંસ્કૃત ભાષાના પ્રાચીનતમ કોશો છે. વૈદિક નિઘંટુઓની જેમ વ્યાકરણાદિ શાસ્ત્રોમાં પણ આ પ્રકારના શબ્દસંગ્રહો થયા છે. પાણિનિએ તેના શબ્દાનુશાસનશાસ્ત્રમાં ધાતુપાઠ સંગ્રહ્યો છે તે આખ્યાતોનો સાર્થ કોશ જ છે. આવા અન્ય નામસંગ્રહો અને આખ્યાતસંગ્રહો પાણિનિના સમયમાં જ લગભગ કાલગ્રસ્ત થઈ ગયા હતા.

સમગ્ર ભાષાને આવરી લેતા કોશોમાં અમરસિંહનો ‘નામલિંગાનુશાસન’ નામે કોશ જે ‘અમરકોશ’ને નામે વધારે પરિચિત છે તે આદિમ કોશ છે. કદાચ અમરસિંહ પહેલાં પણ આવા સમગ્ર ભાષાકોશો હશે પણ તે કાલગ્રસ્ત થઈ ગયા છે. અમરસિંહના સમય વિશે વિદ્વાનોમાં એકનિશ્ચય નથી. લોકકથા અનુસાર વિક્રમ સંવતના સ્થાપક વિક્રમાદિત્યની રાજસભાનાં નવરત્નોમાંનો અમરસિંહ એક હતો પણ આ મતને ઐતિહાસિક આધાર નથી. કદાચ ગુપ્તવંશીય વિક્રમાદિત્ય સાથે અમરસિંહનો સંબંધ હોઈ કેટલાક વિદ્વાનો અમરસિંહને ઈસુની છઠ્ઠી શતાબ્દીમાં મૂકે છે. સ્વરૂપની ર્દષ્ટિએ અમરકોશમાં સમાનાર્થક અને વિવિધ અર્થવાળા અનેકાર્થ એમ બેય પ્રકારના શબ્દો સંગ્રહાયેલા છે. નાનાર્થક શબ્દોના સ્વતંત્ર કોશો પણ થયેલા છે. અમરકોશ ત્રણ કાંડોમાં વહેંચાયેલો છે. આ ત્રિકાંડમાં નહિ સંગ્રહાયેલા શબ્દોનો એક કોશ ‘ત્રિકાંડશેષ’ નામનો બારમી શતાબ્દીના પુરુષોત્તમદેવે રચ્યો છે. ‘ત્રિકાંડશેષ’ કોષની એ વિશેષતા છે કે તેમાં બુદ્ધનાં અતિઅલ્પપરિચિત નામો અને બૌદ્ધ સાહિત્યમાંના ઘણા શબ્દો સંગ્રહાયા છે. અમરસિંહ પછી તેના લગભગ ઉત્તર સમકાલીન શાશ્વત નામના પંડિતનો ‘અનેકાર્થસમુચ્ચય’ નામનો કોશ મળે છે. દશમી શતાબ્દીમાં હલાયુધે ‘અભિધાનરત્નમાલાકોશ’ રચ્યો છે. આ જ અરસાના યાદવપ્રકાશે ‘વૈજયન્તીકોશ’ રચ્યો છે જે અમરકોશની જેમ બંને પ્રકારના શબ્દોનો કોશ છે. ધનંજયનો ‘નામમાલાકોશ’ અને મંખનો ‘અનેકાર્થકોશ’ અગિયારમી સદીના આરંભકાળના કોશો છે. ત્યાર પછી શ્રી હેમચંદ્રાચાર્યે ‘અભિધાનચિંતામણિમાલા’, ‘નિઘંટુશેષ’ અને ‘અનેકાર્થસંગ્રહ’ એમ ત્રણ કોશ રચ્યા છે.

કોશમાં શબ્દોની ગોઠવણીમાં બે વિશિષ્ટ પ્રકારો જોવા મળે છે. એક સ્વરવાળા શબ્દો પહેલાં, પછી બે, ત્રણ, ચાર, પાંચ અને છ સ્વરોવાળા શબ્દ અનુક્રમે આવે એવી રચના હેમચંદ્રાચાર્યે કરી છે. અન્ત્ય વ્યંજનના ક્રમે પણ કોઈ કોશમાં શબ્દો ગોઠવાયેલા મળે છે. વર્ણાનુક્રમે ગોઠવાયેલા કોઈ પ્રાચીન કોશ મળ્યા નથી. આધુનિક અર્થમાં કોશ કહી શકાય એવા બે બૃહત્કાય કોશ વીસમી શતાબ્દીના આરંભમાં રચાયા છે. એક છે રાજા રાધાકાન્ત દેવનો ‘શબ્દકલ્પદ્રુમ’ કોશ અને બીજો છે તારાનાથ તર્કવાચસ્પતિનો ‘વાચસ્પત્યમ્’ કોશ. આ કોશોમાં વર્ણાનુક્રમે શબ્દો ગોઠવાયા છે અને શબ્દની વ્યુત્પત્તિ તથા અર્થ ઉપરાંત તે અર્થને લગતી વૈદિક પૌરાણિક શાસ્ત્રીય માહિતી પણ અપાઈ છે.

પાલિ પ્રાકૃત કોશોમાં મોગ્ગલાનનો ‘અભિધાનપ્પદીપિકા’ કોશ પાલિ શબ્દકોશ છે. પ્રાકૃતમાં હેમચંદ્રાચાર્યનો ‘દેશીનામમાલા’ કોશ છે, ‘પાઇયસદ્દમહણ્ણવો’ (પ્રાકૃતશબ્દ મહાઅર્ણવ) એ આધુનિક પ્રાકૃત કોશ વર્ણાનુક્રમે ગોઠવેલો અને પંડિત હરગોવિંદદાસનો રચેલો છે.

છેલ્લી બે શતાબ્દીઓમાં સંસ્કૃત આદિ ભારતીય ભાષાઓનું અધ્યયન પશ્ચિમી દેશોમાં થયું છે. તેને પરિણામે સંસ્કૃતમાં રૉથ અને બોતલિંકનો ‘સેન્ટ પીટર્સબર્ગ લેક્સિકન’ સંસ્કૃત-જર્મનમાં રચાયો છે. ફ્રેન્ચ ભાષામાં પણ કોશ છે. અંગ્રેજીમાં મોનિયેર વિલિયમ્સના સંસ્કૃત-અંગ્રેજી અને અંગ્રેજી-સંસ્કૃત કોશો જાણીતા છે. પૂના યુનિવર્સિટીનો સંસ્કૃત શબ્દોના ઐતિહાસિક વિકાસક્રમવાળો એક કોશ અંગ્રેજીમાં રચાઈ રહ્યો છે. ડૉ. સૂર્યકાન્તનો વૈદિક શબ્દોનો વ્યાવહારિક કોશ છે. વી. એસ. આપ્ટેના સંસ્કૃત-અંગ્રેજી અને અંગ્રેજી-સંસ્કૃત કોશ છે. ફારસી ભાષામાં પણ સંસ્કૃત કોશ હોવાનો સંભવ છે.

કોશ માટે અંગ્રેજીમાં dictionary શબ્દ પ્રચલિત છે. મૂળ લૅટિન શબ્દ dictio(= saying) પરથી બનેલા dictionarium કે dictionarius જેવા શબ્દોના આધારે તે પ્રયોજાયેલો છે. કોઈ પણ ભાષાના શબ્દોનો વર્ણાનુક્રમ પ્રમાણે કરાયેલો સંચય તે શબ્દકોશ. આવો શબ્દસંચય શબ્દોની પ્રમાણભૂત જોડણી દર્શાવવા માટે હોઈ શકે; જેમ કે ગૂજરાત વિદ્યાપીઠ તરફથી 1929માં સર્વપ્રથમ પ્રગટ થયેલો ‘જોડણીકોશ’. બહુધા કોશમાં શબ્દ સાથે તેની જોડણી અને અર્થ પણ અપાય છે. એ જ સંસ્થા તરફથી 1931માં મૂળ ‘જોડણીકોશ’ ‘સાર્થ જોડણીકોશ’ રૂપે પ્રગટ કરાયો તે એનો નમૂનો ગણાય. સામાન્ય રીતે કોશ એટલે કે શબ્દકોશમાં શબ્દોની વર્ણાનુક્રમી ગોઠવણી, શુદ્ધ જોડણી, જરૂર પડે ત્યાં ઉચ્ચારનો ઉલ્લેખ, વ્યુત્પત્તિનો નિર્દેશ તથા શબ્દોના એક કે અનેક અર્થ એટલી સામગ્રી અપેક્ષિત છે. આ પ્રકારના બધા કોશમાં વ્યુત્પત્તિ અને ઉચ્ચારનો નિર્દેશ નથી હોતો. મુખ્યત્વે શબ્દની જોડણી અને તેનો અર્થ મોટા ભાગના શબ્દકોશમાં જોવા મળે છે. શબ્દના વિવિધ પ્રયોગ દર્શાવતા રૂઢિપ્રયોગો, કહેવતો તથા સાહિત્યકૃતિમાંનાં અવતરણો પણ અમુક શબ્દકોશ આપે છે.

શબ્દકોશના બે પ્રચલિત પ્રકાર જોવા મળે છે : એકભાષી અને દ્વિભાષી. પહેલા પ્રકારના કોશમાં જે તે ભાષાના શબ્દોના અર્થ એ જ ભાષામાં દર્શાવ્યા હોય છે. દા. ત., ગુજરાતી-ગુજરાતી; અંગ્રેજી-અંગ્રેજી. દ્વિભાષી શબ્દકોશમાં એક ભાષાના શબ્દોના અર્થ બીજી ભાષામાં દર્શાવાયા હોય છે. ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે અંગ્રેજી-ગુજરાતી કોશોનું વિશેષ ચલણ રહ્યું છે અને તેનાં કારણો પણ દેખીતાં છે. પણ આ ઉપરાંત હિંદી-ગુજરાતી અને ગુજરાતી-હિંદી, ફારસી-ગુજરાતી કે ઉર્દૂ-ગુજરાતી કોશો રૂપે ભારતની ભગિની ભાષાઓ સાથેના વાણી-વ્યવહારની ઘણી સરળતા થઈ છે. આ બધામાં ફ્રેન્ચ-ગુજરાતી તથા ગુજરાતી-ફ્રેન્ચ શબ્દકોશના સંકલનનો પ્રયાસ વિશેષ ઉલ્લેખનીય ગણાય. રાવળ જગજીવન મહાશંકરે છેક વીસીના ગાળામાં ફ્રેન્ચ-ગુજરાતી અને ગુજરાતી-ફ્રેન્ચ એમ બંને પ્રકારે ‘લઘુ શબ્દકોશ’ પ્રગટ કરીને એક ઇતિહાસમૂલક પહેલ કરી હતી.

એકભાષી અને દ્વિભાષી શબ્દકોશો ઉપરાંત પ્રજાસત્તાક ભારતના સંવિધાનની જોગવાઈ અનુસાર પ્રદેશભાષા રાજભાષા (official language) બની હોવાથી, ત્રિભાષી શબ્દકોશ પણ હવે ભારતમાં સુલભ છે. કેન્દ્ર સરકાર સાથે વહીવટ-વ્યવહારમાં ભાષાકીય સુસંગતતા જળવાય એ ર્દષ્ટિએ ગુજરાત રાજ્યે ભાષાનિયામકની કચેરીના ઉપક્રમે અંગ્રેજી-ગુજરાતી-હિંદી એ ત્રણ ભાષાને આવરી લેતો, ‘ત્રિભાષી વહીવટી શબ્દકોશ’ (Trilingual Administrative Dictionary) 1988માં પ્રગટ કરીને એ દિશામાં પ્રશસ્ય પ્રારંભ કર્યો છે. ભારત સરકારના હિંદી નિર્દેશાલય તરફથી પણ આવા જ ઉદ્દેશથી ભારતની તમામ પ્રમુખ ભાષાઓને આવરી લેતા ત્રિભાષી કોશ પ્રગટ થયા છે. આ પ્રકારની કોશસામગ્રી ભાષાશિક્ષણ, સંશોધન, લેખન તથા ભાષાંતર-પ્રવૃત્તિ, પ્રકાશન અને પત્રકારત્વના વ્યવસાય, લઘુલિપિક તથા સેક્રેટરી જેવી કામગીરી અને વહીવટના તમામ સ્તરે ખૂબ ઉપયોગી બની રહે છે.

પરંતુ કોશ એટલે કેવળ શબ્દકોશ – ‘ડિક્શનરી’ નહિ. કોશરચનાવિજ્ઞાન(lexicography)નું વિશ્વ ખાસ કરીને પશ્ચિમના દેશોમાં એટલું વિકસ્યું છે કે ત્યાં અનેક પ્રકારના કોશ તથા સંપાદનો સતત પ્રગટતાં રહે છે અને નિયમિત સંવર્ધિત પણ થતાં રહે છે.

એ રીતે કોશસાહિત્યમાં શબ્દકોશ ઉપરાંત બીજા બે મુખ્ય પ્રકારો પણ ઉલ્લેખાય છે તે અબ્દીકોશ (annual) અને જ્ઞાનકોશ (encyclopaedia). અબ્દીકોશ એટલે વાર્ષિક માહિતીકોશ. એમાં મુખ્યત્વે કોઈ દેશ કે પ્રદેશને લગતાં ભૂગોળ, ઇતિહાસ, વેપાર-ઉદ્યોગ, શિક્ષણ, સાહિત્ય, સંસ્કાર, વહીવટ વગેરેની અધિકૃત માહિતીનો સંચય હોય છે અને તે વરસોવરસ સંવર્ધિત થઈને અદ્યતન સ્વરૂપે પ્રગટ થતો રહે છે. ભારત સરકારના પબ્લિકેશન ડિવિઝન તરફથી ભારત વિશે ‘ઇન્ડિયા-1990’ એમ જે વર્ષની માહિતી હોય તે વર્ષના નિર્દેશ સાથે અંગ્રેજીમાં નિયમિત પ્રગટ થાય છે.

દેશ વિશેના અબ્દીકોશ ઉપરાંત સમગ્ર વિશ્વ એટલે કે તમામ દેશોને આવરી લેતી આ પ્રકારની માહિતીના સંચયકોશ પણ અબ્દીકોશમાં ઉલ્લેખી શકાય. ભારતમાં અંગ્રેજીમાં પ્રગટ થતા ‘મનોરમા’ નામના વાર્ષિક સંચયો જાણીતા છે. આ પ્રકારના અબ્દીકોશ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સંશોધનપ્રવૃત્તિ, પત્રકારત્વ, સંપાદન જેવાં ક્ષેત્રોમાં હાથવગા સંદર્ભગ્રંથ તરીકે ખૂબ ઉપયોગી બની રહે છે.

કોશનો સૌથી વિશેષ મહત્વનો પ્રકાર તે જ્ઞાનકોશ કે વિશ્વકોશ. તે માટેનો અંગ્રેજી શબ્દ encyclopaedia ગ્રીક શબ્દો enkuklios એટલે કે વર્તુળાકાર અને paideia સર્વાંગી જ્ઞાન પરથી વ્યુત્પન્ન થયો છે. એટલે જ કદાચ ગુજરાતનો પ્રથમ વિશ્વકોશ તૈયાર કરનાર રતનજી ફરામજી શેઠનાએ તે માટે ‘જ્ઞાનચક્ર’ (1898) શબ્દ પ્રયોજ્યો છે. ખરેખર એમાં વિશ્વ સમસ્ત તો ઠીક બ્રહ્માંડ સમસ્તની સઘળી માહિતી આપવાનો ઉપક્રમ હોય છે.

શબ્દકોશ અને વિશ્વકોશ બંને જ્ઞાન મેળવવાનાં સાધન છે એ ખરું પણ શબ્દકોશ કંઈક અંશે જ્ઞાનકોશનું પૂર્વરૂપ છે. હવે જોકે એન્સાઇક્લોપીડિયા પ્રકારના શબ્દકોશ પણ મળતા થયા છે. ‘ધ ઑક્સફર્ડ એન્સાઇક્લોપીડિક ઇંગ્લિશ ડિક્શનરી’(1991) તથા ‘ઑક્સફર્ડ ઍડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરી – એન્સાઇક્લોપીડિક એડિશન’ પણ આ શ્રેણીનાં નમૂનેદાર પ્રકાશન છે.

શબ્દકોશમાં જે તે ભાષાના શબ્દ વિશે અર્થ સહિતની માહિતી અપાય છે જ્યારે વિશ્વકોશમાં જે તે વિષયના ઘટકની વિસ્તૃત માહિતીનું સંકલન હોય છે; પરંતુ શબ્દકોશ અને વિશ્વકોશમાં પીરસાતી માહિતીનો પ્રકાર તથા તેના સંકલનની પદ્ધતિ જુદાં પડે છે. વળી બંનેમાં અપાતી માહિતીના પ્રમાણની માત્રામાં તો ફેર હોય જ એ દેખીતું છે. શબ્દકોશમાં ‘શબ્દ’ના અર્થ પૂરતી સીમિત માહિતી હોય છે, બહુ બહુ તો જોડણી, ઉચ્ચાર, વ્યાકરણ, વ્યુત્પત્તિ કે ઉપયોગ, ર્દષ્ટાંત વગેરેની વિગત મુકાય છે. વિશ્વકોશમાં તેને પદ (term) તરીકે મૂલવી તેની સાંગોપાંગ સમજૂતી અપાય છે; જેમ કે ‘ઉપવાસ’નું અધિકરણ હોય તો તે પદનો શબ્દાર્થ સમજાવવા ઉપરાંત ઉપવાસની પરંપરા, આયુર્વેદ અને ઔષધવિજ્ઞાનની ર્દષ્ટિએ ઉપવાસના લાભાલાભ દર્શાવવાની સાથે તેનો રાજકીય સંદર્ભ પણ વિસ્તારથી સમજાવવામાં આવે છે. શબ્દકોશમાં જે તે શબ્દના પ્રચલિત હોય તે તમામ અર્થો દર્શાવાય છે અને એ પ્રકારે એ અનેકાર્થી (polysemy) રચના બની રહે છે, જ્યારે વિશ્વકોશ જે તે પદના કેવળ એક જ અર્થને સ્વીકારીને એ અર્થ પૂરતી માહિતી આપે છે. એકથી વધુ અર્થ થતા હોય તેવા પ્રસંગે જુદા જુદા અર્થવાર અધિકરણ અપાય છે; જેમકે ‘કોશ’ શબ્દ. એમાં કોશ એટલે શબ્દકોશ તથા કોષ એટલે શરીરરચનાનો અણુ જેવો મૂળ ઘટક એમ ભાષાવિજ્ઞાન તથા શરીરરચનાવિજ્ઞાન બંને ર્દષ્ટિએ જુદાં અધિકરણ હોય અને તેના લખનારા નિષ્ણાત પણ જુદા હોય. શબ્દકોશમાં સામાન્ય રીતે વિશેષ નામોનો ઉલ્લેખ નથી હોતો, જ્યારે વિશ્વકોશમાં વિશેષ નામો એટલે કે વ્યક્તિઓ, સ્થળો, ઘટનાઓ, પદાર્થો, સંજ્ઞાઓ, સાધનો, શોધખોળ વગેરેનાં વિશેષ નામોને લગતી માહિતી અપાય છે. અલબત્ત શબ્દકોશમાં ગાંધી, હિમાલય, કન્યાકુમારી જેવાં વિશેષ નામો પણ સહેતુક સ્થાન પામે છે કારણ કે એ પ્રકારનાં વિશેષ નામોમાં સાર્વત્રિક માહિતીસંદર્ભ રહેલો હોય છે. આમ માહિતીના પ્રકાર તથા પ્રમાણની ર્દષ્ટિએ આ બંને પ્રકારના કોશ તાત્ત્વિક રીતે જુદા પડે છે. ‘ધ ઑક્સફર્ડ એન્સાઇક્લોપીડિક ઇંગ્લિશ ડિક્શનરી’ જેવા બંનેના સમન્વયરૂપ કોશ પણ અગાઉ જણાવ્યા મુજબ સુલભ છે. તેમાં શબ્દની પૂરેપૂરી અર્થ-સમજૂતી આપવા સાથે તેને લગતી માહિતી કે જ્ઞાનની વિગતો અપાય છે, પણ તે સંક્ષિપ્ત સ્વરૂપે. બે કોશનો અર્થ એકથી સરતો હોઈ વિસ્તૃત માહિતીની અપેક્ષા ન હોય તેવા પ્રસંગે આ પ્રકારના ઉભયસ્વરૂપી કોશ ઉપયોગી સંદર્ભસાધન બની રહે. ગુજરાતીમાં આવો જ્ઞાનકોશ સહિતનો શબ્દકોશ (encyclopaedic dictionary) મળવો બાકી છે.

કોશરચનાશાસ્ત્રનો હવે ખૂબ આશ્ચર્યજનક વિકાસ થયો છે અને કોશસાહિત્યનો વિવિધ સ્વરૂપે વિકાસ થવાથી અનેક પ્રકારના કોશ સુલભ થયા છે. શબ્દના અનેક સમાનાર્થી પર્યાયો આપનારા પર્યાયકોશ(thesaurus)નો પ્રકાર પ્રચલિત છે. સંસ્કૃતમાં એક જમાનામાં આ પ્રકારના કોશ ખૂબ પ્રચલિત હતા. સમાનાર્થી કે પર્યાયકોશથી ઊલટું અનેકાર્થી કોશ તરીકે ‘ભગવદગોમંડળ’ જેવો બૃહદ્ કોશ અનન્ય નીવડ્યો છે, કેવળ એટલા માટે નહિ કે એક વહીવટકુશળ રાજવીએ નિષ્ણાત કોશકારને છાજે તેવી ચીવટ અને જહેમતપૂર્વક તે લગભગ એકલે હાથે અને રઝળપાટ કરીને તૈયાર કર્યો છે, પણ ખાસ તો એટલા માટે કે એમાં લુપ્ત થયેલા કે થતા અને અલ્પપરિચિત શબ્દો સમાવી લેવાયા છે અને સાથોસાથ અઘરા અને સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન થયેલા શબ્દોના અંગ્રેજી પર્યાયો પણ અપાયા છે; એટલે આ કોશશ્રેણીમાં વિપુલ શબ્દભંડોળ સચવાયો છે.

એવા પણ કોશ હોય છે જેમાં શબ્દનો અર્થ અપાતો જ નથી ! આ પ્રકારના શબ્દકોશમાં શબ્દનાં વિવરણ સમજૂતી તથા પ્રયોગ અંગેની માહિતીનું સંકલન હોય છે. એને સમજૂતીકોશ તરીકે ઓળખાવી શકાય. ‘કૉલિન્સ કૉબિલ્ડ ઇંગ્લિશ લગ્વેજ ડિક્શનરી’ આનું લાક્ષણિક ઉદાહરણ છે. આમ શબ્દના અર્થ અથવા સમાનાર્થી શબ્દો અથવા સમજૂતી આપનારા જુદા જુદા કોશ હોય છે; એમાં હવે ચિત્રનું પરિમાણ ઉમેરવામાં આવ્યું છે. એમાં પ્રચલિત કોશ પ્રમાણે શબ્દના અર્થ, સમજૂતી, વ્યાકરણ વગેરે આપવાને બદલે એવો અભિનવ અભિગમ અપનાવવામાં આવે છે કે કોઈ નિશ્ચિત વિષય લઈ તેમાંથી ઉદભવતા તમામ શબ્દો તથા તેનાં ચિત્રો જ આપવામાં આવે છે. દા.ત., ‘ઍટમ’ વિષય પરત્વે એક પાના પર 66 ચિત્રો અને સામેના પાને 66 શબ્દો આપવામાં આવે છે. શબ્દનો અર્થ કહો કે સમજૂતી, બધું ચિત્રમાં જ, ચિત્ર રૂપે જ વ્યક્ત થાય. આ પ્રકારમાં ધી ઑક્સફર્ડ-ડ્યુડન સંપાદિત ‘પિક્ટોરિયલ ઇંગ્લિશ ડિક્શનરી’(1981) લાક્ષણિક પ્રકાશન ગણાય છે. આમ કોશકારે હવે જાણે શબ્દનાં અર્થ તથા સમજૂતી આપવાનાં રહ્યાં નહિ ! શબ્દકોશમાંથી ક્રમશ: બીજો બોજો પણ હળવો થતો ગયો. દા.ત., શબ્દકોશમાંથી વ્યુત્પત્તિ તથા ઉચ્ચારણનો ભાગ તારવીને તેના સ્વતંત્ર કોશ રચાયા. નવી જરૂરતોના સંદર્ભમાં વ્યુત્પત્તિકોશ (dictionary of etymology) તથા ઉચ્ચારકોશ(dictionary of pronounciation)ની ઉપયોગિતા અને ખપત ખૂબ વધ્યાં છે. ડૅન્યલ જોન્સસંપાદિત ‘ઇંગ્લિશ પ્રોનાઉન્સિંગ ડિક્શનરી’ (1917) એટલી લોકભોગ્ય નીવડી છે કે અનેક પુનર્મુદ્રણ ઉપરાંત 60 વર્ષમાં તેની સોળેક સંશોધિત-સંવર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ ચૂકી છે.

જોડણીની એકરૂપતા તથા શુદ્ધિનો આગ્રહ વધે એ આશયથી ગૂજરાત વિદ્યાપીઠે ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’માંથી કેટલાક અઘરા જણાતા શબ્દોની જોડણી તારવીને ‘ખિસ્સાકોશ’ રૂપે કેવળ જોડણીકોશ પ્રગટ કર્યો હતો. અને તેને સારો આવકાર મળ્યો હતો. આમ જે કામગીરી શબ્દકોશના ભાગરૂપ હતી તેને અલાયદી પાડીને કોશરચના થતાં કોશના પ્રકારભેદ થયા. એથી આગળ જઈને વિષયવાર શબ્દકોશનું નિર્માણ થવાથી પણ ઓર વૈવિધ્ય આવ્યું.

વ્યક્તિવિશેષ પરત્વેની જિજ્ઞાસા ચરિત્રકોશ દ્વારા સંતોષાય છે. ડાહ્યાભાઈ પી. દેરાસરીરચિત ‘પૌરાણિક કથાકોશ’(1932)માં આવી નવતર પહેલની પ્રતીતિ થાય છે. ચરિત્રકોશ નામે ઓળખાતા આ પ્રકારના સંપાદનમાં વિશ્વસમસ્તની જુદાં જુદાં ક્ષેત્રની અગ્રણી વ્યક્તિઓના જીવનકાર્યની સંક્ષિપ્ત માહિતી ક્રમવાર આપવામાં આવે છે. ‘ચેમ્બર્સ બાયૉગ્રાફિકલ ડિક્શનરી’ (સંવર્ધિત આવૃત્તિ, 1984) તથા ‘વેબ્સ્ટર્સ ન્યૂ બાયૉગ્રાફિકલ ડિક્શનરી (1983) જેવા ચરિત્રકોશો માહિતી-સંપાદન તથા સંશોધનના લાક્ષણિક નમૂના છે. ચરિત્રકોશ ઉપરાંત વ્યક્તિવિશેષને લગતા અવતરણકોશ (dictionary of quotations) પણ સંપાદિત થયા છે. એના લાક્ષણિક ર્દષ્ટાંત તરીકે ‘ધ ડિક્શનરી ઑવ્ બાયૉગ્રાફિકલ ક્વૉટેશન ઑવ્ બ્રિટિશ ઍન્ડ અમેરિકન સબ્જેક્ટ્સ’નો ઉલ્લેખ કરી શકાય. જેમ વ્યક્તિવિશેષ અંગે તેમ સ્થળવિશેષ અંગે માહિતી આપતા કોશ હોય છે. ‘સ્થળનામકોશ’ પ્રકારના આ કોશ મુખ્યત્વે ભૂગોળવિષયક કોશ તરીકે ઓળખાય છે અને એમાં ‘વેબ્સ્ટર્સ ન્યૂ જ્યૉગ્રાફિકલ ડિક્શનરી’ (1977) સંશોધન માટે ઉપયોગી સાધન છે. પણ ‘જ્યૉગ્રાફિકલ ડિક્શનરી’ અને ‘ડિક્શનરી ઑવ્ જ્યૉગ્રાફી’ વચ્ચે ખાસ્સો તફાવત છે. ‘ડિક્શનરી ઑવ્ જ્યૉગ્રાફી’(1949)માં ભૂગોળ વિષયના તમામ શબ્દોનાં અર્થવિવરણ તથા ચિત્ર આપેલાં હોય છે, જેમ કે જ્યૉગ્રાફિકલ ડિક્શનરીમાં દુનિયાના તમામ રણવિસ્તારો વિશે નામવાર તથા સ્થળવાર પ્રાકૃતિક માહિતી વિગતે અપાય છે, જ્યારે ‘ડિક્શનરી ઑવ્ જ્યૉગ્રાફી’માં કેવળ ‘ડેઝર્ટ’ શબ્દ વિશે જ સમજૂતી અપાયેલી હોય છે.

હકીકતમાં તમામ વિદ્યાશાખાના અભ્યાસવિષય અંગે અલાયદી વિષયવાર ડિક્શનરીની ‘પેંગ્વિન બુક્સ’ની ઓછી કિંમતની કોશશ્રેણી ખૂબ લોકભોગ્ય નીવડી છે. આવા વિષયવાર શબ્દો વિશે સામાન્ય શબ્દાર્થ કોશમાં કેવળ અર્થ અને જૂજ માહિતી મળતી હોય છે, જ્યારે એવા વિષયકોશમાં જે તે વિષયની વિભાવનાઓ, શોધો, અગ્રણી સંશોધકો-વિજ્ઞાનીઓ તથા લાક્ષણિક પારિભાષિક શબ્દોની વિગતવાર અને જરૂર પડ્યે ચિત્રાત્મક ઢબે કે આકૃતિ કે આલેખ દર્શાવીને સમજૂતી આપવામાં આવી હોય છે, આવા વિષયવાર કોશ અને પરિભાષા કોશ(dictionaryofterminology)નો પ્રકારભેદ પણ સ્પષ્ટ છે.

પેંગ્વિન બુક્સની વિષયવાર ડિક્શનરી શ્રેણીની ‘ધ ડિક્શનરી ઑવ્ સાયન્સ’ અને આર્નોલ્ડ હાઇનમાનની ‘કૉન્સાઇઝ મેડિકલ ડિક્શનરી’ આ પ્રકારના વિષયવાર કોશ છે. આ પ્રકારના કોશનું ઘણુંખરું અંગ્રેજી-અંગ્રેજીમાં નિરૂપણ થયેલું હોય છે. બીજા પ્રકારના પારિભાષિક કોશમાં જે તે વિષયના અંગ્રેજી પારિભાષિક શબ્દોના અન્ય ભાષા(દા. ત., હિંદી, ગુજરાતી, મરાઠી)ના પર્યાય આપવામાં આવે છે. પ્રજાસત્તાક ભારતમાં પ્રાદેશિક ભાષાનો બોધભાષા તથા રાજભાષા તરીકે સ્વીકાર થયેથી આ પ્રકારના પારિભાષિક કોશનાં મહત્વ અને માગ વધી ગયાં છે.

ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી પ્રગટ કરાયેલો વિશ્વનાથ મગનલાલ ભટ્ટ-પ્રયોજિત ‘પારિભાષિક કોશ’ (1930) અત્યારના પ્રચલિત પારિભાષિક કોશથી એ રીતે જુદો પડે છે કે એમાં વિવિધ વિષયના અન્ય ગુજરાતી લેખકોએ પ્રયોજેલા ગુજરાતી પર્યાયો તારવીને રજૂ કરવામાં આવ્યા છે તથા તેના આધારરૂપ અવતરણો પણ તરત નીચે આપવામાં આવ્યાં છે. ગુજરાત સંશોધન મંડળ તરફથી પ્રગટ થયેલો ડૉ. પી. જી. શાહ રચિત અંગ્રેજી-ગુજરાતી ‘વૈજ્ઞાનિક શબ્દકોશ’ પારિભાષિક કોશસાહિત્યના ક્ષેત્રે જહેમતપૂર્વક તૈયાર કરાયેલો કોશ હતો અને સારો આદર પામ્યો હતો. એ દિશામાં ગુજરાત યુનિવર્સિટી, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત રાજ્યની ભાષાનિયામકની કચેરી, કાયદા વિભાગ તથા વિધાનસભા સચિવાલય અને કેટલાક ખાનગી પ્રકાશકોએ પણ પાયાનું મૂલ્યવાન કાર્ય કર્યું છે. ગુજરાતીમાં પરિભાષાના સત્વશીલ અધિકૃત વિષયકોશ મળવા હજુ બાકી છે.

ભારત સરકારના કેન્દ્રીય હિંદી નિર્દેશાલય તરફથી પણ રાજભાષા હિંદીમાં આવા પારિભાષિક કોશ તથા શબ્દાવલીનું થોકબંધ સાહિત્ય પ્રગટ થયું છે. વૈજ્ઞાનિક તથા તકનીકી શબ્દાવલી આયોગ દ્વારા પ્રકાશિત ‘બૃહત્ પારિભાષિક શબ્દસંગ્રહ (વિજ્ઞાન)’ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વિવિધ વિષયના શબ્દો તારવીને કોશરૂપે સંપાદિત કરવાની પ્રવૃત્તિ એવી વેગીલી અને વ્યાપક બનેલી છે કે લોકસાહિત્ય તથા સંતસાહિત્ય જેવાં ક્ષેત્રોના કોશ પણ સુલભ થયા છે. જેઠાલાલ ત્રિવેદીએ ‘લોકસાહિત્યકોશ’ (1978) તથા ‘સંતસાહિત્યકોશ’ (1984) પ્રગટ કર્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદપ્રકાશિત ‘આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ (1980) સાહિત્ય તથા કલા જેવા વિષયોના પરિભાષાકોશ તરીકેની પ્રશસ્ય પહેલરૂપે ઉલ્લેખનીય છે.

આમ હવે માગો તે વિષયના કોશ અને એમાંથી માગો તે શબ્દની માહિતી મળી રહે એટલું વિપુલ અને વૈવિધ્યપૂર્ણ કોશસાહિત્ય પ્રગટ થયું છે અને થતું રહે છે; એનો આછો ખ્યાલ મેળવવા કેટલાક કોશોના કેવળ શીર્ષકનો ઉલ્લેખ કરવો રહ્યો – ‘ડિક્શનરી ઑવ્ રિડલ્સ’ (1990) ‘ડિક્શનરી ઑવ્ સિમ્બલ્સ’, ‘ડિક્શનરી ઑવ્ ગૉડ્ઝ ઍન્ડ ગૉડિસિઝ’, ‘ડેવિલ્સ ઍન્ડ ડીમન્સ’, ‘એ ડિક્શનરી ઑવ્ ઇંગ્લિશ સરનેમ્સ’, ‘એ કન્સાઇઝ ડિક્શનરી ઑવ્ સ્લગ’; આ અને આવા અન્ય કોશો ગુજરાતી કોશકાર માટે પડકાર બનીને ઊભા છે.

વિશ્વકોશ : વિશ્વકોશનું સાહિત્ય પણ અપાર વૈવિધ્ય ધરાવે છે. સર્વસંગ્રાહક (general) અને વિષયવાર વિશ્વકોશ એમ તેના બે મુખ્ય ભાગ પડે છે. સર્વસંગ્રાહક વિશ્વકોશમાં જ્ઞાન-વિજ્ઞાનને લગતા તમામેતમામ વિષયોના લેખ અકારાદિ ક્રમે મૂકવામાં આવે છે; વિષયવાર વિશ્વકોશ જે તે વિષય પૂરતા સીમિત હોય છે. ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ની માઇક્રોપીડિયા શ્રેણીના વિશ્વકોશ સર્વસંગ્રાહક પ્રકારના છે. ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ લિટરેચર ઍન્ડ આર્ટ’ તથા ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ ફિલૉસૉફી’ને વિષયવાર વિશ્વકોશ તરીકે ઉલ્લેખી શકાય. કેટલાક વિશ્વકોશ વયજૂથ પ્રમાણે પણ તૈયાર કરાય છે.

બાળકો માટેના વિશ્વકોશ સચિત્ર સામગ્રીવાળા હોય છે. તેમાં બાળક સમજી શકે તેવી ભાષામાં મોટે ભાગે ચિત્રો દ્વારા સમજૂતી આપેલી હોય છે. તેમાં વિષયની પસંદગી પણ વયજૂથ પ્રમાણે કરેલી હોય છે. ‘કૉમ્પ્ટન્સ યંગ ચિલ્ડ્રન્સ પ્રિસાઇક્લોપીડિયા’ તથા ‘ઑક્સફર્ડ જુનિયર એન્સાઇક્લોપીડિયા’ અથવા હૅમ્લિનની ‘વૉટ ડુ યુ નો’ શ્રેણીનાં પુસ્તકો આનાં ઉદાહરણ છે.

માધ્યમિક શાળા-કક્ષા માટેના જુનિયર સ્તરના વિશ્વકોશમાં લખાણ સરળ અને મર્યાદિત હોય છે. તેમાં પણ માહિતી પીરસવામાં રંગીન ચિત્રો, આકૃતિ, આલેખ વગેરેનો ઉપયોગ થાય છે. યુનિવર્સિટી કક્ષાના તથા અનુસ્નાતક શિક્ષણ અને સંશોધનપ્રવૃત્તિ માટે ઉપયોગી ઉચ્ચ સ્તરના વિશ્વકોશમાં તમામ ક્ષેત્રના વિષયોનું નિરૂપણ તેનાં ટૅકનિક અને છેલ્લામાં છેલ્લા સંશોધનને લક્ષમાં રાખીને કરાય છે. જે તે વિષયની લખાવટમાં પણ પારિભાષિક શબ્દોનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે. ‘બે બુક્સ’ પ્રકાશિત ‘ધ ન્યૂ જુનિયર વર્લ્ડ એન્સાઇક્લોપીડિયા’ તથા ‘ઝેરોક્સ એજ્યુકેશન પબ્લિકેશન’ તરફથી પ્રગટ થયેલા ‘યંગ સ્ટુડન્ટ્સ એન્સાઇક્લોપીડિયા’ની શ્રેણી કિશોર વયના વાચકો માટે છે જ્યારે ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ ટેરરિઝમ ઍન્ડ પોલિટિકલ વાયોલન્સ’ તથા ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ લૅંગ્વેજ’ જેવા વિષયવાર વિશ્વકોશ વિસ્તૃત અને ગંભીર અભ્યાસ માટે ઉપયોગી સંદર્ભગ્રંથો બની રહે છે. ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ના મૅક્રોપીડિયા શ્રેણીના વિશ્વકોશમાં જુદી જુદી વિદ્યાશાખાના મુખ્ય અભ્યાસવિષય અંગે એકાદ લઘુપુસ્તિકા જેટલી માહિતી એકીસાથે અપાતી હોય છે અને જ્ઞાનકોશનો પર્યાય તેની બાબતમાં પૂરેપૂરો સાર્થક નીવડે છે. ‘એકૅડેમિક અમેરિકન એન્સાઇક્લોપીડિયા’ પણ આવું જ ઉપયોગી પ્રકાશન છે.

વિષયવાર વિશ્વકોશની બાબતમાં પણ પુષ્કળ વૈવિધ્ય જોવા મળે છે. હકીકતમાં કોશ વિશેષણથી ઓળખાતા કેટલાક વિષયકોશમાં વિષયનો વ્યાપ તથા સામગ્રીની વિપુલતા જોતાં તે લઘુ, મધ્યમ કે બૃહત્ વિશ્વકોશ બની શકે. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હિસ્ટૉરિકલ સ્ટડીઝ, કોલકાતા તરફથી પ્રગટ કરાયેલી ‘ડિક્શનરી ઑવ્ નૅશનલ બાયૉગ્રાફી’ની ગ્રંથશ્રેણી ડિક્શનરી કરતાં વિષયવાર એન્સાઇક્લોપીડિયાના વિશેષણને વિશેષ ચરિતાર્થ કરે છે. ‘સ્ટેડમૅન્સ મેડિકલ ડિક્શનરી’ પણ લઘુ વિશ્વકોશની ગરજ સારે એવો કોશ ગણાય. એક જ વિદ્યાશાખાના વિશ્વકોશના સંપાદનના ક્ષેત્રમાં ‘મૅકગ્રૉ-હિલ એન્સાઇક્લોપીડિયા ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી’ની ગ્રંથશ્રેણી તે વિષયનો બૃહત્ વિશ્વકોશ છે.

વિશ્વકોશના પરિણામે વિશ્વના કોઈ પણ વિષય, વ્યક્તિ, ઘટના, વિભાવના, શોધખોળ વગેરે અંગે આધારભૂત અને વિગતવાર માહિતીનું હાથવગું સાધન સુલભ થયું છે. ઉદાહરણ તરીકે ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ નોબેલ લૉરિયેટ્સ’માં નોબેલ પારિતોષિકવિજેતા મહાનુભાવોનાં જીવન તથા કાર્યની સંક્ષિપ્ત છતાં પર્યાપ્ત અને અધિકૃત માહિતી મળી રહે છે. ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ ઇન્ડિયન ઇવેન્ટ્સ ઍન્ડ ડેટ્સ’ ભારતની મહત્ત્વની ઘટનાઓની તવારીખને લગતો વિશ્વકોશ છે. ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ ગવર્નમેન્ટ ઍન્ડ પૉલિટિક્સ’માં રાજ્યતંત્રની પ્રકારવાર સિદ્ધાંતચર્ચા છે.

એન્સાઇક્લોપીડિયા એવું સ્પષ્ટ શીર્ષક ધરાવતાં ન હોય તેવાં કેટલાંક સંપાદનો પણ લઘુ વિશ્વકોશ જેવાં બની રહે છે ‘ગ્લૉસરી ઑવ્ ઇન્ડિયન મેડિસિનલ પ્લાન્ટ્સ’, ‘બિબ્લિયોગ્રાફી ઑવ્ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લગ્વેજિઝ’, ‘હૂઝ હૂ ઑવ્ ઇન્ડિયન રાઇટર્સ’, ‘ધ કન્સાઇઝ ઑક્સફર્ડ કમ્પેનિયન ટુ અમેરિકન લિટરેચર’ જેવાં જુદાં જુદાં નામ ધરાવતાં સંપાદનો વસ્તુત: જે તે વિષયની અધિકૃત, પર્યાપ્ત અને સુગ્રથિત માહિતી આપીને વિશ્વકોશની જેમ જ્ઞાનપ્રસારની જ કામગીરી બજાવે છે.

વિશ્વકોશ જ્ઞાનકોશ તરીકે પણ ઓળખાયો છે. છતાં અજ્ઞાનનો જ્ઞાનકોશ પણ ઉપલબ્ધ છે ! ‘ધી એન્સાઇક્લોપીડિયા ઑવ્ ઇગ્નરન્સ’માં અજ્ઞાતને પામવાની કોશિશ છે. કોશ કહો કે શબ્દકોશ, વિશ્વકોશ કહો કે જ્ઞાનકોશ; કોશસાહિત્યરૂપે જ્ઞાન પામવાની એટલી થોકબંધ અને વિવિધ સામગ્રી સુલભ થઈ છે કે માણસ માટે હવે અજ્ઞાત કશું જ રહ્યું નથી એવું લાગે.

કોશસાહિત્ય : પ્રારંભ અને વિકાસ : માનવ-મનની કુતૂહલવૃત્તિએ જ્ઞાનપિપાસાને સતત ઉત્તેજિત રાખવાથી આજે વિશ્વની સભ્યતા પાસે અદભુત જ્ઞાનરાશિ ઉપલબ્ધ છે. જ્ઞાનની સાચવણી અને તેના આદાનપ્રદાનમાં મુદ્રણકલાનો ફાળો અદ્વિતીય છે. વિવિધ જ્ઞાનક્ષેત્રની ઝીણામાં ઝીણી માહિતી આંતરરાષ્ટ્રીય સ્તરે સુલભ હોવાનું શ્રેય વ્યક્તિગત કે સામૂહિક પુરુષાર્થના ફલસ્વરૂપ ‘વિશ્વકોશ’ની પ્રવૃત્તિને ફાળે જાય છે.

માનવસમાજના સાંસ્કૃતિક વિકાસ સાથે જ્ઞાનસાધનોની વૃદ્ધિ થતી ગઈ. તેમાં ક્રમશ: પ્રાકૃતિક ઘટનાઓથી માનવમનનાં અતલ ઊંડાણો સુધીનાં ક્ષેત્રો આવરી લેવાયાં છે. ગ્રીસનો પ્રથમ જ્ઞાનકોશ ઈ. પૂ. ચોથી સદીમાં ઍરિસ્ટોટલે શિષ્યો માટે તૈયાર કરેલ જ્ઞાન અને ચિંતનના સારસંચયને ગણાવી શકાય. ઈ. પૂ. બીજી સદીમાં પ્રાચીન રોમના ટૉરેન્શિયસ વેરોએ ‘ડિસિપ્લિનેરમ લિબ્રી 9’ અને ‘ફિલૉસૉફિયા લિબ્રી 3’માં વક્તૃત્વ, ગણિત, જ્યોતિષ, વૈદક, સંગીત, સ્થાપત્ય વગેરે અનેક વિષયોનો સાર આપેલો. તેના ત્રીજા પુસ્તક ‘ઇમેજિને’માં ગ્રીસ અને રોમના સાતસો મહાનુભાવોનાં ચરિત્ર નિરૂપેલાં.

હકીકતોની સર્દષ્ટાંત રજૂઆત પ્લીની ધ એલ્ડર(ઈ. 23થી 79)ના ‘હિસ્ટોરિયા નેચરલિસ’ નામની ગ્રંથશ્રેણીમાં મળે છે. ભૂગોળ, પ્રાણીશાસ્ત્ર, ખનિજશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, આયુર્વિદ્યા જેવા 37 વિષયોની કલ્પિત કથાઓથી મિશ્રિત હકીકતો લોકપ્રિય બનેલી અને મધ્ય યુગમાં તેની અનેક આવૃત્તિઓ થયેલી. 1500 વર્ષ સુધી અનુગામી કોશકારોને તેમાંથી સામગ્રી મળી રહેલી.

અંગ્રેજીમાં મુખ્યત્વે ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર વિશે માહિતી રજૂ કરતો જ્ઞાનકોશ તે જ્હૉન હૅરિસનો ‘લેક્સિકન ટૅક્નીકમ’(1704). તેની બીજી આવૃત્તિ બે ગ્રંથમાં થઈ (1708-1710). તેના લેખો વિષયના નિષ્ણાતો પાસે તૈયાર કરાવેલા. સંદર્ભસૂચિની પ્રથા પણ તેમાં પહેલવહેલી દાખલ થયેલી.

ઇંગ્લૅન્ડમાં સીમાચિહનરૂપ ગણાય છે તે ‘ચેમ્બર્સ સાઇક્લોપીડિયા’. તેમાં પ્રતિસંદર્ભ(cross-reference)ની યોજના જોવા મળે છે. અબ્રહામ રીસે તેનું નવીન સંસ્કરણ કરી સંપાદન કરેલું. તેની અનેક આવૃત્તિઓ થયેલી. ‘રીસ સાઇક્લોપીડિયા’ તરીકે તે જાણીતો થયેલો અને તેના 45 ગ્રંથોની શ્રેણીની નવી આવૃત્તિ 1820માં પૂરી થઈ હતી.

1745માં બે ભાગમાં પ્રસિદ્ધ થયેલ ‘યુનિવર્સલ ડિક્શનરી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સીઝ’ નામનો કોશ દેનિસ દ કોતલોગોએ તૈયાર કરેલો. તેમાં વર્ણાનુક્રમે ગોઠવેલા 161 વ્યાપ્તિલેખો હતા.

‘ઍન્સાઇક્લોપીડિયા અમેરિકાના’ (1829) ફ્રાન્સિસ લાઇબર નામના જર્મને શરૂ કરેલો. 1833માં તેના 13 ગ્રંથ તૈયાર થયેલા. લાઇબરે બ્રોકહાઉસના જર્મન કોશ ‘કૉન્વરસેશન લેક્સિકન’ની સાતમી આવૃત્તિનું ભાષાંતર કરેલું હતું. તેનો પ્રકાશક હતો રિચાર્ડ એસ. પીલ. – પચીસ વર્ષમાં તેની અનેક આવૃત્તિઓ થઈ હતી. ‘સાયન્ટિફિક અમેરિકન’ માસિકના સંપાદક ફ્રેડરિક કોન્વર્સ બીચનું નામ મુખ્ય સંપાદક તરીકે મૂક્યું હતું. 1911માં તેની નવી આવૃત્તિ 20 ગ્રંથોની શ્રેણીમાં થયેલી. તેમાં દરેક સદીનો ઇતિહાસ, સાહિત્ય અને સંગીતની મહત્વની કૃતિઓનો સાર તથા વિવેચન આપેલાં હતાં. એના પુન: સંસ્કરણનું કાર્ય વિદ્વાનોના મોટા સમૂહે શરૂ કરેલું છે.

ફ્રેન્ચ ભાષામાં ‘આન્સિક્લોપેદિ’ એ 1745માં જ્હોન મિલ્સ અને ગોતફ્રી દ સેલીએ તૈયાર કરેલો અને 1751-52માં દેનિસ દિદેરો તથા ઝ્યાં દ એલમ્બર્તે તેમાં ઉમેરા કરેલા. ફ્રાન્સની સામાજિક અને રાજકીય ક્રાન્તિ સાથે વૉલ્તેર, ઝ્યાં લાંબેયર, બર્દૂ વગેરેએ વિચારક્રાન્તિમાં પણ ફાળો આપ્યો. આ લેખકો આન્સિક્લોપેદિસ્તો તરીકે ઓળખાયા. તેમનું લક્ષ સમાજ અને રાજકારણ પર કેન્દ્રિત હોવાથી અન્ય વિષયોની ઉપેક્ષા થઈ.

‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ એક આદર્શ વિશ્વકોશ તરીકે વિશ્વમાં પ્રતિષ્ઠા પામ્યો છે. 1768માં તેની પ્રથમ આવૃત્તિ અને 1975માં તેની પંદરમી આવૃત્તિ પ્રસિદ્ધ થયેલી. સમયના પરિવર્તન સાથે તેનું આયોજન પણ અદ્યતન થતું ગયું અને સામગ્રી તથા તેની ગોઠવણમાં સુધારા થતા રહ્યા. હપતાવાર તેની શરૂઆત થયેલી પરંતુ 1771માં તેના ત્રણ ગ્રંથ બહાર પડ્યા. તેમાં 2670 પૃષ્ઠ અને 160 કૉપર પ્લેટોનો સમાવેશ કરેલો હતો. તેની ત્રીજી આવૃત્તિમાં નિષ્ણાતો પાસે લખાવેલા લેખોનું સંપાદકે સંકલન કરેલું. નવમી આવૃત્તિમાં વ્યાપ્તિલેખો અને અગિયારમી આવૃત્તિમાં નોંધરૂપ અધિકરણોની પણ યોજના કરેલી. 1929માં પરામર્શનની પદ્ધતિ અને વર્ણાનુક્રમે ગોઠવણીની શરૂઆત ચૌદમી આવૃત્તિમાં થયેલી. આ કોશ માહિતી અને રજૂઆતની ર્દષ્ટિએ અધિકૃત ગણાયેલો છે. તેની 1975માં પંદરમી આવૃત્તિ ત્રણ ગ્રંથના આયોજનવાળી થયેલી છે. પ્રથમ ગ્રંથ પ્રોપીડિયામાં વિદ્યાશાખા, વિષયો, એકમો વગેરે દર્શાવ્યાં છે. મૅક્રોપીડિયા સત્તર ગ્રંથોની શ્રેણી છે. તેમાં તમામ મુખ્ય વિષયોને લગતા 681 વ્યાપ્તિલેખો છે. માઇક્રોપીડિયા બાર ગ્રંથોની શ્રેણીમાં વ્યાપ્તિલેખોના સારરૂપ અધિકરણો અને વીસેક હજાર ટૂંકી નોંધો છે. લંડન અને ન્યૂયૉર્કમાં ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાનાં સંશોધનકેન્દ્રો છે. વિશ્વભરના નિષ્ણાતો પાસે લેખો તૈયાર કરાવાય છે, વીજળિક શક્તિનું અધિકરણ ઍટમિક એનર્જી કમિશનના જાપાની સભ્યે લખેલું છે. તો એક રશિયને ન્યૂક્લિયર ફ્યૂઝન વિશે, એક અંગ્રેજે સંરક્ષણ ખર્ચ અંગે, એક ઑસ્ટ્રેલિયને વ્લાડિમીર નેબોકોવ વિશે અને એક જર્મને ચીનના ઇતિહાસ વિશે અધિકરણો તૈયાર કરેલાં છે.

જર્મન વિશ્વકોશ ‘કૉન્વરસેશન લેક્સિકન’ (1796-1811) તૈયાર કરનાર બ્રોકહાઉસે વિવિધ વિષયોની અદ્યતન અને અધિકૃત માહિતીનું સરળ રીતે નિરૂપણ કરેલું છે તેથી તે યુરોપના અન્ય દેશોમાં અનુકરણીય લેખાયેલો હતો.

ફ્રેન્ચ કોશકાર પિયરી લારૂઝ અને અંગ્રેજ કવિ કોલરિજ તથા બેક્ધાના ‘એન્સાઇક્લોપીડિયા મેટ્રોપૉલિટા’ના (1817-1845) પ્રયત્નો પણ ઉલ્લેખપાત્ર છે.

1793માં રશિયામાં વી. એન. તાતીસ્ચવેવનો ‘લેક્સિક્ધા રોસ્સીસ્ક્રોચ’ ઉપરાંત ‘એન્સાઇક્લોપીડિક રેફરન્સ ડિક્શનેરી’ (1847-55) પ્રસિદ્ધ થયેલી. પણ એકાવન ગ્રંથોની ‘ગ્રેનાટ વિશ્વકોશ’ શ્રેણી (1910-48) વધુ જાણીતી છે. તે શ્રેણીનો કોઈ પણ ગ્રંથ રશિયાની બહાર મોકલવાની મનાઈ હતી. સોવિયેટ સરકારે નામંજૂર કરેલી પાંસઠ ગ્રંથોની શ્રેણી ‘બોલ્શાયા સોવેત્સકાયા એન્ત્સીક્લોપેદ્યા’(1926-47)ની બીજી આવૃત્તિમાં આઠ હજાર નિષ્ણાતોનો સહયોગ મળ્યો હતો. તેમાં આંતરરાષ્ટ્રીય સંદર્ભસૂચિ મૂકેલી છે. એક ગ્રંથ સોવિયેટ યુનિયન વિશે જ છે. ત્રીસ ગ્રંથોમાં તેની સંક્ષિપ્ત આવૃત્તિ 1979માં બહાર પડેલી છે.

ચીનમાં બે હજાર વર્ષથી ચાલતી કોશપ્રવૃત્તિમાં કેટલીક વિશેષતા કોશરચના અને તેના પ્રકારની છે. 220માં તૈયાર થયેલા ‘હુઆંગ લાન’(શહેનશાહનો આયનો)નો કોઈ અંશ પ્રાપ્ય નથી. 600માં રચાયેલ ‘પી-એન-યુ(સાહિત્યની મોતનમાળ)ના અમુક અંશો જળવાઈ રહ્યા છે. તેમાં રાજ્યવહીવટમાં ઉપયોગી માહિતી હતી. પંદરમી સદીની શરૂઆતમાં દુનિયામાં સૌથી વિરાટ કદના ‘યુંગ-લો-તા-તિયેન’ (વિરાટ હાથપોથી)નાં 22,937 પ્રકરણો હતાં. તેમાંથી બચેલાં 1963માં પ્રસિદ્ધ થયાં છે. 1726માં ચિત્રો અને લેખોનો સાડા સાત લાખ પાનાંનો મોટો સંગ્રહ ‘કુ-ચિન-તુ-શુ-ચી-ચેંગ’ પ્રસિદ્ધ થયો હતો. ચીનનો આધુનિક જ્ઞાનકોશ ‘લુ અર્હ-કુઈનો’ ‘ત્ઝુયુઆન’ 1915માં પ્રગટ થયેલો. 1931માં તેની પુરવણી બહાર પડેલી. ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ની પંદરમી આવૃત્તિના ચીની ભાષામાં અવતરણ માટેની યોજના મુજબ 1989 સુધીમાં ‘ગ્રેટર એન્સાઇક્લોપીડિયા ઑવ્ ચાઇના’ના 80 ગ્રંથોના પ્રકાશનની જાહેરાત થયેલી.

જાપાનમાં સત્તરમી અને અઢારમી સદી દરમિયાન ચીની અને જાપાની ભાષાના મોટા ગ્રંથોના અર્કરૂપ જ્ઞાનકોશ પ્રગટ થયેલા. આધુનિક ઢબનો અને વૈજ્ઞાનિક વિષયોને લગતો ‘નિહોનહાયક્કા દાઇજી’ (જાપાનનો બૃહદ્ જ્ઞાનકોશ) દશ ભાગમાં 1908થી 1919 દરમિયાન પ્રગટ થયેલો. પછીનાં પચાસ વર્ષ દરમિયાન 19 ગ્રંથોની ‘જાપાનિકા’ શ્રેણીમાં છ-સાત સુગ્રથિત જ્ઞાનકોશના પ્રયત્નો થયેલા છે. ‘ધ બ્યુરીતાનિકા કોકુસાઇદા ઇ હયક્કા જિતેન’ નામથી બ્રિટાનિકાની આંતરરાષ્ટ્રીય આવૃત્તિ અઠ્ઠાવીસ ગ્રંથોમાં 1972થી 1975 વચ્ચે જાપાની ભાષામાં પ્રગટ થયેલી છે. તેમાં વ્યાપ્તિલેખોના વીસ ગ્રંથ છે. આવા કોશો સ્પૅનિશ, પોર્ટુગીઝ અને ઇટાલિયન ભાષામાં પણ ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ના સહકારથી પ્રગટ થયેલા છે.

અમેરિકાનો ‘રૅન્ડમહાઉસ એન્સાઇક્લોપીડિયા’ પણ અનેક ભાષાઓમાં પ્રગટ થયેલો છે. પ્રવર્તમાન કોશોમાં સૌથી મોટો સ્પેનનો ‘એન્સાઇક્લોપીડિયા યુનિવર્સલ ઇલસ્ટ્રાડા યુરોપિયો-અમેરિકાના’ (1905-70) છે. તેમાં પણ એક ગ્રંથ સ્પેનને લગતો છે. અદ્યતન માહિતી અને સમતોલ નિરૂપણને લીધે ‘એન્સાઇક્લોપીડિયા ઇટાલિયા’ (1929-36)ની શ્રેષ્ઠ કોશોમાં ગણના થાય છે. જર્મનીમાં ‘મેયર’ અને ‘હર્ડરે’ વિશિષ્ટ ગણાય છે. સ્વીડન, નૉર્વે, રૂમાનિયા, યુગોસ્લાવિયા વગેરે યુરોપીય દેશોએ પણ જ્ઞાનકોશ તૈયાર કરાવેલ છે.

મધ્ય પૂર્વમાં ઇબ્ન કુતૈબે (828-889) જ્ઞાનકોશની પ્રવૃત્તિનો પ્રારંભ કરેલો. વીસમી સદીના અંતભાગમાં અલ્ ખ્વારીઝ્મીએ ‘મફાતિહ-અલ્-ઉલ્મ (વિદ્યાની ચાવી) તૈયાર કરેલ. ઇજિપ્તમાં 9000 પૃષ્ઠનો ‘નિહાયત અલ્-અરબ ફી ફુનૂં અલ્અદબ’ 1272થી 1332 વચ્ચે લખાયેલો હતો. 19મી સદીમાં લેબેનોનના બુટ્સ અલ બુસ્તાની અને તેના પુત્રોએ ‘દઈરાત અલ્ મારીફ’ નામનો કોશ તૈયાર કરેલો. 1956માં તેની ત્રીજી આવૃત્તિ થઈ છે. છેલ્લા ત્રણચાર દાયકા દરમિયાન બ્રાહ્મી, હિબ્રૂ, ઇન્ડોનેશિયન અને સિંહાલી વગેરે ભાષાઓમાં પણ જ્ઞાનકોશ તૈયાર થયેલા છે.

ભારતમાં વિશ્વકોશની પ્રવૃત્તિ પ્રમાણમાં અર્વાચીન કહી શકાય. બંગાળીમાં ‘વિદ્યાહારાવલિ’ (1819-21)ના બે ગ્રંથ ‘વ્યવચ્છેદવિદ્યા’ અને ‘સ્મૃતિશાસ્ત્ર’ ફેલિક્સ કેરીએ તૈયાર કરેલા. તે ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ને નમૂનારૂપ ગણીને રચેલા. વિદ્યાલયોને ધ્યાનમાં રાખીને વિવિધ વિષયોની માહિતીના સંકલનરૂપ ‘વિદ્યા કલ્પદ્રુમ યાને એન્સાઇક્લોપીડિયા બેન્ગોલિનાસિઝ’ના તેર ગ્રંથો કૃષ્ણમોહન બંદોપાધ્યાય દ્વારા પ્રકાશિત થયેલા (1846-51). અનેક લેખકોના સહકારથી નગેન્દ્રનાથ બસુએ ‘બંગાળી વિશ્વકોશ’ના બાવીસ ભાગ સંપાદિત કરેલા (1911) તેનું હિંદી સંસ્કરણ ચોવીસ ભાગમાં થયેલું (1916-1931) છે.

આઝાદી પછી ત્રીજી પંચવર્ષીય યોજનામાં પ્રાદેશિક ભારતીય ભાષાઓમાં વિશ્વકોશ રચવાની યોજનાને આધારે તમિળ વિશ્વકોશના 750 પૃષ્ઠનો એક એવા નવ ખંડ પ્રગટ થયા છે. તેલુગુમાં સોળ ગ્રંથોની શ્રેણીના સાત ભાગ તેલુગુ ભાષાસમિતિ તરફથી બહાર પડ્યા છે. ઉત્કલ વિશ્વવિદ્યાલયના ઉપક્રમે હજાર પાનાંનો એક એવા દસ ગ્રંથોમાં ઊડિયા ભાષાનો જ્ઞાનકોશ તૈયાર થઈ રહેલ છે. તેમના તરફથી સર્વોપયોગી સંક્ષિપ્ત વિશ્વકોશના ચાર ખંડની પણ યોજના ચાલુ છે. ‘હિંદી વિશ્વકોશ’નું કાર્ય 1956માં કાશી નાગરી પ્રચારિણી સભાએ શરૂ કરીને પાંચસો પૃષ્ઠનો એક એવા બાર ખંડ પ્રગટ કર્યા છે (1960-70). ઉપરના સર્વ પુરુષાર્થમાં ભારત સરકારની આર્થિક સહાય મળેલી છે. 1959માં ભારત સરકાર અને પશ્ચિમ બંગાળની સંયુક્ત સહાયથી બંગીય સાહિત્ય પરિષદે આઠ ખંડમાં બંગાળી વિશ્વકોશ પ્રગટ કરેલ છે. મહારાષ્ટ્ર સાહિત્ય અને સંસ્કૃતિ મંડળ દ્વારા હજાર પાનાંનો એક એવા વીસ ગ્રંથોમાંથી તેર વિશ્વકોશ ગ્રંથો મહારાષ્ટ્ર સરકારની સંપૂર્ણ આર્થિક સહાયથી પ્રગટ થઈ ચૂક્યા છે. (1976-1987). મહાદેવશાસ્ત્રી જોશીરચિત ‘ભારતીય સંસ્કૃતિ કોશ’ (10 ગ્રંથ) પણ પ્રગટ થયો છે.

વિશ્વકોશની આ પ્રવૃત્તિમાં ગુજરાત પણ મોખરે છે. ડ્રમંડ નામના એક અંગ્રેજ અમલદારે 1808માં ગુજરાતી- અંગ્રેજી ‘ગ્લૉસરી’ તૈયાર કરેલી. આવા શબ્દકોશો રચનારામાં મિરઝા મહંમદ કાજી અને નવરોજી ફરદુનજી અરદેશર મૂસ તથા નાનાભાઈ રાણીના, કરસનદાસ મૂળજી, શાપરજી એદલજી વગેરેના પ્રયત્નો નોંધપાત્ર છે. અન્ય શબ્દકોશોમાં ‘નર્મકોશ’ (1873), લલ્લુભાઈ ગોકળદાસ પટેલનો (1908), ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો (1923) વગેરે ગણાવી શકાય. ગૂજરાત વિદ્યાપીઠનો સાર્થ જોડણીકોશ (1929) આજે પણ અધિકૃત ગ્રંથ છે. તેમાં અર્થ, શબ્દ મૂળ કઈ ભાષાનો છે તે અને ક્યારેક વ્યુત્પત્તિ ઉપરાંત તેને લગતા રૂઢિપ્રયોગોનો પણ નિર્દેશ કરી અર્થ આપેલા છે. ભગવદગોમંડળકોશ(1955)માં શબ્દના બધા જ પ્રકારના પ્રયોગોના અર્થ, રૂઢિપ્રયોગો, ર્દષ્ટાંતો અને અવતરણો આપેલાં છે. એક રીતે આ કોશ અપૂર્વ અને બૃહત્ કોશ છે.

માતૃભાષા શિક્ષણનું માધ્યમ બનતાં વિવિધ વિદ્યાશાખાના આકરગ્રંથોની આવશ્યકતા ઊભી થઈ. વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીએ કૉલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષિત નાગરિકોને ઉપયોગી જ્ઞાનગંગોત્રી ગ્રંથમાળાનું આયોજન કરીને અઠ્ઠાવીસ ગ્રંથો તેના સંપાદક ભોગીલાલ ગાંધી મારફત પ્રસિદ્ધ કર્યા છે (1967-1992). તેમાં અધિકરણનું સ્વરૂપ વિષયચર્ચા કરતા નિબંધનું છે. ગોઠવણી અકારાદિ ક્રમે નથી થઈ. પરંતુ આ પુરુષાર્થ વિદ્વાનોનો સહિયારો છે અને વાચક માટે જ્ઞાનકોશ જેટલી જ તેની ઉપયોગિતા છે. તેમાં યુનિવર્સિટી, ગુજરાત સરકાર ઉપરાંત હરિ: ૐ આશ્રમના પૂ. મોટા તરફથી આર્થિક પ્રોત્સાહન પણ મળેલું. જ્ઞાનકોશ અને વિજ્ઞાન તેમજ યંત્રવિદ્યાના કોશોની શ્રેણી અર્થે પૂ. મોટા તરફથી માતબર રકમ મળેલી. ગુજરાત અને તેનું કાર્ય ચાર-પાંચ વર્ષ પછી સરકારી અનુદાન ન મળવાથી ગુજરાત યુનિવર્સિટીએ બંધ કરેલું. વિજ્ઞાનકોશની દશ ગ્રંથોની શ્રેણી પૂરી થઈ શકેલી (1967-1986). તેમાં આયુર્વિજ્ઞાન, ભૂગોળ, ગણિત, વનસ્પતિવિજ્ઞાન, પ્રાણીવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, ભૂવિજ્ઞાન, કૃષિવિજ્ઞાન તથા ઇજનેરી વિજ્ઞાનને લગતા વિષયોનાં અધિકરણો અકારાદિ ક્રમે ગોઠવેલાં છે અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે તે ઘણી ઉપયોગી શ્રેણી છે.

‘ગુજરાત સર્વસંગ્રહ’, ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ અને ‘ચરોતર સર્વસંગ્રહ’ ઉપરાંત આયુર્વેદ અને વનસ્પતિશાસ્ત્ર જેવા વિષયોની માહિતી આપતા કોશગ્રંથો ગુજરાતીમાં મળે છે.

અંગ્રેજી ઍન્સાઇક્લોપીડિયાને આધારે વર્ણાનુક્રમે ધર્મ, ઇતિહાસ, દેશી હુન્નરકળા વગેરે વિષયો પર અરદેશર સોરાબજી કામદીન નામના ગૃહસ્થે ચારસો રૂપિયાની ઇનામી યોજના રજૂ કરેલી તે માટે મુંબઈની જ્ઞાનપ્રસારક મંડળીના સેક્રેટરી નસરવાનજી હીરજીભાઈ પટેલે લખાણો મંગાવી પરીક્ષક સમિતિને શ્રેષ્ઠ લાગેલ રતનજી ફરામજી શેઠનાનો ‘રેસાલો’ છપાવ્યો (1898). દર વર્ષે આ યોજના ચાલુ રાખી ‘જ્ઞાનચક્ર’ના નવ ગ્રંથો 1910 સુધીમાં પ્રસિદ્ધ કરેલા. તેની ભાષા પારસી ગુજરાતી છે. ‘જ્ઞાનચક્ર’ યાને ‘ગુજરાતી એન્સાઇક્લોપીડિયા’ને ગુજરાતી ભાષાના પ્રથમ જ્ઞાનકોશ તરીકે ગણી શકાય.

શ્રીધર વ્યંકટેશ કેતકરે ‘મહારાષ્ટ્રીય જ્ઞાનકોશ’ના 23 ભાગ મરાઠી ભાષામાં પ્રસિદ્ધ કર્યા હતા (1921-29). તેમણે તૈયાર કરેલ ‘ગુજરાતી જ્ઞાનકોશ’નો પ્રથમ ભાગ વિદ્યાબહેન નીલકંઠની પ્રસ્તાવના સાથે 1929માં બહાર પડેલો. તેના નિષ્ણાત લેખકોમાં જ્યોતીન્દ્ર દવે, નવલરામ જ. ત્રિવેદી, અતિસુખશંકર ત્રિવેદી, કે. જી. નાયક, કે. ટી. શાહ, પી. ડી. પટેલ, એરચ તારાપોરવાલા વગેરે હતા. તે કામ બે ગ્રંથ પછી અટકી ગયેલું. ‘પ્રસન્નિકા જ્ઞાનકોશ’માં વિવિધ વિષયની સંક્ષિપ્ત માહિતી વિદ્યાર્થીભોગ્ય જ્ઞાનકોશને અનુલક્ષીને રજૂ કરવામાં આવી છે.

1951માં ગુજરાત યુનિવર્સિટીએ શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતી ભાષા સ્વીકારી. યુનિવર્સિટીએ તેમજ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડે વિદેશી ગ્રંથોના અનુવાદ ઉપરાંત પરિભાષાને લગતી પુસ્તિકાઓ તેમજ કોશોનું પ્રકાશન કર્યું. તેમાં પાંડુરંગ દેશપાંડેના ગુજરાતી-અંગ્રેજી કોશ, અંગ્રેજી-ગુજરાતી કોશ (સરદાર પટેલ યુનિવર્સિટી); પંડિત બહેચરદાસ દોશીના દેશી શબ્દસંગ્રહ, સિદ્ધહેમ શબ્દાનુશાસન ખંડ-1 ને 3; કે. કા. શાસ્ત્રીના બૃહદ્ ગુજરાતી કોશ ખંડ 1 અને 2, અમરકોશ વગેરે પ્રસિદ્ધ થયા છે. ગુજરાત રાજ્યની ભાષાનિયામકની કચેરીએ ‘ત્રિભાષી વહીવટી શબ્દકોશ’ અને ગ્રંથનિર્માણ બોર્ડે ‘ત્રિભાષી પ્રાવૈધિક પારિભાષિક શબ્દસંગ્રહ’ (કલવાચવાલા અને નિરંજન દવે સંપાદિત) બહાર પાડેલ છે. કારિયા-સોની સંપાદિત ‘કાનૂની શબ્દકોશ’ જેવા કોશ પણ વધતી જતી કોશસંપાદનપ્રવૃત્તિના સૂચક છે.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ગુજરાતી વિશ્વકોશના પચીસ ગ્રંથોની શ્રેણીનું આયોજન કર્યું છે. કુલ 170 જેટલા વિષયો અને પાંત્રીસ હજારથી પણ વધુ અધિકરણો માનવવિદ્યા, સમાજવિદ્યા અને વિજ્ઞાન (સૈદ્ધાંતિક તેમજ પ્રયુક્ત) ઉપરનાંનો સમાવેશ કરાશે. આજ સુધીમાં (2008) વિશ્વકોશનો ભૂમિકાખંડ ઉપરાંત 23 ગ્રંથો પ્રગટ થયા છે. ગુજરાતી વિશ્વકોશનું આયોજન સામાન્ય જિજ્ઞાસુ અને નિષ્ણાતોને ઉપયોગી નીવડે તેવું છે. તેનાં અધિકરણો વર્ણાનુક્રમે ગોઠવાયેલાં છે. તેમાં ગુજરાત અને તેના સામાજિક-સાંસ્કૃતિક જીવનને વિશેષ પ્રકાશિત કરવાનો આશય છે.

ગુજરાતી વિશ્વકોશનું કાર્ય ગુજરાતના અને ગુજરાત બહારના નિષ્ણાત સહાયકો દ્વારા ઝડપભેર મુખ્ય સંપાદક ડૉ. ધીરુભાઈ ઠાકરના નિર્દેશન નીચે આગળ ધપી રહ્યું છે.

મહેશ ચોકસી

રમણિકભાઈ જાની

નટવરલાલ યાજ્ઞિક