કોશિબા માશાતોસી

January, 2008

કોશિબા, માશાતોસી (Masatoshi Koshiba) : (જ. 19 સપ્ટેમ્બર 1926, ટોયોહાશિ, જાપાન) : સૂર્ય સહિત અવકાશીય પદાર્થો (પિંડો) અને દૂર દૂર વિશ્વમાં ઘટતી ઉચ્ચ-ઊર્જા વિકિરણ ઘટનાઓ દરમિયાન ઉત્સર્જિત થતા વિચિત્ર (strange-અસાધારણ) અને મહામહેનતે પણ ન પારખી શકાય તેવા કણોને લગતી શોધ કરવા બદલ ડેવિસની ભાગીદારીમાં 2002નો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર જાપાની ભૌતિકશાસ્ત્રી.

વિચિત્ર કણ-ન્યૂટ્રિનોની પરખ માટે રાક્ષસી ભૂગર્ભ ડિટેક્ટરની રચના કરનાર વિજ્ઞાની. તેની મદદથી પૃથ્વીમાં થઈને પસાર થતા આવા ભૂતિયા અવપારમાણ્વિક કણની પરખ કરવાના પ્રયાસોમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી.

માશાતોસી કોશિબા

તેમણે 1955માં ન્યૂયૉર્કની રોચેસ્ટર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ત્યારબાદ તેઓ ટોકિયો યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. તે પછી તેઓ સન્માનીય (emeritus) પ્રાધ્યાપક તરીકે કાર્ય કરી રહ્યા છે.

1980ના દસકા દરમિયાન કોશિબાએ જાપાનમાં જસતની ખાણો માટે તદ્દન અલગ પ્રકારનું સંસૂચક (detector) તૈયાર કર્યું. તેને કામિયોકાન્ડે (Kamiokande) II નામ આપવામાં આવ્યું. તે પાણીની વિશાળકાય ટાંકી છે. તેની આસપાસ ઇલેક્ટ્રૉનિક સંસૂચકો ગોઠવવામાં આવેલાં હોય છે; જ્યારે ટાંકીમાં થઈને પસાર થતા ન્યૂટ્રિનો પાણીના પરમાણુની ન્યૂક્લિયસ સાથે આંતરક્રિયા કરે છે ત્યારે પેદા થતા પ્રકાશના ઝબકારા(flashes)ની આ સંસૂચકો નોંધ કરે છે. કામિયોકાન્ડેનાં અવલોકનોથી ડેવિસ(કોશિબાના નોબેલ પુરસ્કારના ભાગીદાર)નાં પરિણામોને પૂર્તિ મળી. કારણ કે તે દિશીય રીતે (directional) આવતાં હતાં એટલે માત્ર સૂર્યમાંથી આવે છે આ વાત હવે રહેતી નથી.

1987માં કામિયોકાન્ડેએ એ પણ સંસૂચિત કર્યું કે, આકાશગંગા(Milky way)ની બહાર ઘટેલા અધિનવ તારા (Supernova)વિસ્ફોટમાંથી આવા ન્યૂટ્રિનો આવે છે. ત્યારબાદ તેમણે વધુ વિશાળ અને સંવેદનશીલ સુપર કામિયોકાન્ડેની રચના કરી તે 1996માં કાર્યરત બન્યું. આ સાથે વિજ્ઞાનીઓને જે પ્રકારે શંકાનાં વાદળ ઘેરાયેલાં હતાં તેની સામે સબળ પુરાવા પ્રાપ્ત થયા અને તે એ કે ન્યૂટ્રિનોના જે ત્રણ પ્રકાર ઇલેક્ટ્રૉન ન્યૂટ્રિનો (ne), મ્યુયોન ન્યુટ્રિનો (nm) અને ટાઓ ન્યૂટ્રિનો (nt) જાણીતા હતા. તે તેમના પ્રવાસ દરમિયાન એક પ્રકારમાંથી બીજામાં પરિવર્તન પામે છે. અત્રે ડેવિસનું સંસૂચક માત્ર એક જ પ્રકારના ન્યૂટ્રિનો માટે સંવેદનશીલ હતું. જેમની ઓળખ અજ્ઞાત હતી તે સંસૂચનની બહાર રહેલા હોય તેમ બને.

પ્રહલાદ છ. પટેલ