કૉલી ફ્લાવર : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea Linn var. botrytis Linn. Sabvar. Cauliflora DC. (હિં. ફૂલગોભી; બં. ફૂલકાપી; મ., ગુ. ફૂલકોબી, ફુલેવર, છે. તે નીચી શાકીય વનસ્પતિ છે અને ઇંગ્લૅંડથી ભારતમાં સને 1822માં તેનો પ્રવેશ થયો છે. ટોચ ઉપર વિકસતા ફ્લાવરના દડા માટે તેનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. તેનું પ્રકાંડ ટૂંકું અને મજબૂત હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, લાંબાં – લંબચોરસ કે ઉપવલયી હોય છે. પુષ્પો વંધ્ય હોય છે અને તેઓ ખીચોખીચ ગોઠવાયેલાં ટૂંકા માંસલ દંડ ઉપર ઉદભવી એક અગ્રસ્થ સઘન દડો બનાવે છે; જે પર્ણો વડે ઢંકાય છે.

ભૂમધ્ય પ્રદેશમાં Brassica oleraceaના વન્ય પ્રકારોમાં વિપુલ પ્રમાણમાં વિભિન્નતાઓ જોવા મળતી હોવાથી કૉલી ફ્લાવરના ઉછેરનો પ્રારંભ ત્યાંથી થયો હોવાનું અને તેનો ઉદભવ સાયપ્રસના ટાપુમાં થયો હોવાનું મનાય છે; કૉલી ફ્લાવર શિયાળાની મનપસંદ શાકભાજી છે.

આકૃતિ : (અ) કૉલી ફ્લાવરની પુષ્પીય શાખા,       (આ) કૉલી ફ્લાવરનો પર્ણો સહિતનો દડો

વિશ્વમાં કૉલી ફ્લાવરના પાક હેઠળનો વિસ્તાર 3,45,000 હેક્ટર (1980); ભારતમાં 10,000 હેક્ટર તથા ગુજરાતમાં 3200 હેક્ટર (1982) છે. ઉત્પાદનની ર્દષ્ટિએ વિશ્વનું ઉત્પાદન 45,55,000 ટન (1980), ભારતનું 6,60,000 ટન તથા ગુજરાતનું 8,000 ટન(1982) હતું.

જાતો : કૉલી ફ્લાવરની જાતોમાં વહેલી, મધ્યમ મોડી અને મોડી પાકતી જાતો – એમ ત્રણ મુખ્ય વર્ગો પાડવામાં આવે છે. વહેલી જાતોના દડા નાના કદના અને પીળાશ પડતી ઝાંયવાળા હોય છે. મધ્યમ-મોડી જાતોના દડા સૌથી મોટા હોય છે. મોડી જાતોના દડા સખત બાઝેલા અને રંગમાં સફેદ દૂધ જેવા હોય છે.

સારણી : ભારતમાં ઉગાડાતી કૉલી ફ્લાવરની કેટલીક મહત્વની જાતોનાં લક્ષણો

જાત પાકવાના

દિવસો

ઉત્પાદન

ટન/હે.

લક્ષણો અને અનુકૂલનક્ષમતા
1 2 3 4
‘અધાની’ 130 20 નવેમ્બરમાં પાકતી જાત; મેદાનોમાં બીજસર્જન
‘D96’ 125 20 ડિસે.–જાન્યુ.માં પાકતી જાત; મેદાનોમાં
બીજ બેસે, દડા સઘન, આછા પીળા રંગના
અને દિલ્હીની સ્થિતિ માટે અનુકૂળ.
‘દાનિયા’ મોડી જાત, ઉત્તર-પૂર્વ ભારતના પહાડી વિસ્તારો માટે અનુકૂળ.
‘અર્લી
કુંવારી’
125-175 10.0-20.0 ખૂબ વહેલી પાકતી જાત; મેના મધ્યથી અંત
સુધીમાં વાવી શકાય; મધ્ય સપ્ટેમ્બરથી
મધ્ય ઑક્ટોબર સુધીમાં પાકે; દડા નાના,
સઘન હોતા નથી, પીળા રંગના; બીજસર્જન
મેદાનોમાં; પંજાબ, હિમાચલ પ્રદેશ,
હરિયાણા અને દિલ્હી માટે અનુકૂળ.
‘અર્લી
પટણા’
130-145 15.0 ઑક્ટોબરમાં પાકતી જાત; મેદાનોમાં બીજ-સર્જન
‘જાયન્ટ
સ્નો બૉલ’
મધ્યમ મોડી પાકતી જાત; પંજાબ માટે અનુકૂળ
‘હિસ્સાર 1’ 135 20.0 ડિસે.-જાન્યુ.માં પાકતી જાત; સખત, સફેદ,
એક કિગ્રા., વજનવાળા દડા; મેદાનોમાં
બીજસર્જન, હરિયાણા માટે અનુકૂળ.
‘ઇગ્લૂ
ઓસેનિયા’
હાલમાં પ્રવેશ કરાવાયેલી આશાસ્પદ જાત
‘ઇમ્પ્રૂવ્ડ
જાપાનીઝ’
115 20.0 ડિસે.-જાન્યુ.માં પાકતી જાત; ઉત્તર ભારતમાં
જુલાઈના અંતમાં કે ઑગસ્ટની શરૂઆતમાં
વાવણીનો સમય; ગરમ ઋતુ સહન કરી
શકતી નથી; પર્ણસમૂહ ઓછો, દડા સખત,
સફેદ, 600 ગ્રા. વજનવાળા, મેદાનોમાં
બીજસર્જન.
‘કાલિમ્પૉંગ
દાનિયા’
100-110 15.0-25.0 મધ્યમ જાત, મધ્યમ સ્વ-ધવલીકરણ (self-
blanching), પશ્ચિમ બંગાળ માટે અનુકૂળ.
 ‘K1’ 118-141 35.0 દડો બરફ જેવો સફેદ, સઘન, પુસાસ્નો બૉલ
કરતાં એક અઠવાડિયું મોડો પાકે; કાળા
સડા સામે સારા પ્રમાણમાં સહિષ્ણુ.
‘લાઇન
6-1-2-1’
16.0-18.0 કાળા સડાની રોધક જાત, કાળો સડો થતો
હોય તેવા વિસ્તારોમાં અનુકૂળ.
‘મિડ-
સિઝન
માર્વલ’
31.5 દડા મધ્યમ કદના, ઍસ્કૉર્બિક ઍસિડની
ઊંચી સાંદ્રતા, તામિલનાડુનાં મેદાનો માટે
અનુકૂળ.
‘પંત
શુભ્ર’
115 દડા સઘન, સહેજ શંકુ આકારના, રંગે
આછા પીળા પડતા સફેદ; ચોમાસાની ઋતુ
માટે અનુકૂળ; મેદાનોમાં મધ્ય  ઑગસ્ટ અને
પહાડી વિસ્તારોમાં જુલાઈમાં વવાતી જાત;
દડા મોડી લણણી કે સંગ્રહને કારણે ઝાંખા
પડતા નથી.
‘પટણા
મેઇન’
75 મધ્યમ જાત.
‘પંજાબજાયન્ટ 26’ 125 મુખ્ય ઋતુની જાત, દડા સઘન, સફેદ,
મધ્યમ કદના (લગભગ 1.0 કિગ્રા.)
‘પંજાબ
જાયન્ટ 35’
120 મુખ્ય ઋતુની જાત, દડા સફેદ, સઘન,
મધ્યમ કદના (લગભગ 1.0 કિગ્રા.).
‘પુસા
દીપાલી’
140–145 15 ઑક્ટોબરમાં પાકતી જાત, વાવણી મેના
અંતમાં કે જૂનની શરૂઆતમાં; દડા સઘન
અને આછા પીળા; મેદાનોમાં બીજસર્જન.
‘પુસા
કટકી’
60–80 15 ઑક્ટોબરમાં વહેલી પાકતી જાત, મોડી
વાવવાથી સારા કદના દડા મળતા નથી.
દડાની સઘનતા મધ્યમ, મેદાનોમાં
બીજસર્જન.
‘પુસા
સ્નો
બૉલ 1’
105–130 21.5 મોડી જાત, ઉત્તર ભારતમાં વાવણી મધ્ય
સપ્ટેમ્બરથી ઑક્ટોબરના અંત સુધી; દડા
સઘન, મધ્યમ કદના, સફેદ, મેદાનો માટે
યોગ્ય.
‘પુસા
સ્નો
બૉલ 1’
110–135 30.0 મોડી જાત, ઑક્ટોબરના અંતથી નવેમ્બરના
મધ્ય સુધી ઉત્તર ભારતમાં રોપણી કરવા
યોગ્ય, દડા સઘન, સફેદ, મેદાનો માટે
અનુકૂળ, લાંબા સમય સુધી સારી સ્થિતિમાં
રહેવાની ક્ષમતા, ધરાવે.
‘પુસા
સિન્થેટિક’
125 20.0 ડિસે.–જાન્યુ.માં પાકતી જાત; દડા સઘન,
આછા પીળા રંગના; મેદાનોમાં
બીજસર્જન.
‘સાકિયા-
ઝુમ’
હાલમાં પ્રવેશ કરાવાયેલી આશાસ્પદ
જાત.
‘સેલૅન્ડિયા-
ઓસેનિયા’

 

હાલમાં પ્રવેશ કરાવાયેલી આશાસ્પદ
જાત.
‘સ્નો
બૉલ 16’
110–120 દડા શુદ્ધ સફેદ તે મધ્ય ભાગથી
ઊપસેલા, લાંબા સમય સુધી સારી
સ્થિતિમાં રહેવાની ક્ષમતા ધરાવે;
આંધ્રપ્રદેશ, હિમાચલ-પ્રદેશ, જમ્મુ-
કાશ્મીર, પંજાબ, હરિયાણા અને દિલ્હી
માટે અનુકૂળ)
‘તાકી
સીરિઝ’
હાલમાં પ્રવેશ કરાવાયેલી આશાસ્પદ
જાત

આબોહવા : કૉલી ફ્લાવરને સામાન્યત: ઠંડી અને ભેજવાળી આબોહવા માફક આવે છે. તે કોબીજની જેમ ખૂબ ઊંચું કે ખૂબ નીચું તાપમાન સહન કરી શકતું નથી. મહિનાનું સરેરાશ ઇષ્ટતમ તાપમાન 15° સે. – 22° સે., અને સરેરાશ મહત્તમ તાપમાન 25° સે. અને લઘુતમ તાપમાન 8° સે. છે. રાત્રીના વધારે નીચા તાપમાન સામે વધારે સારી પ્રતિક્રિયા આપે છે. જોકે સ્થાનિક પરિસ્થિતિ મુજબ વ્યક્તિગત જાતની વાવણી અને ફેરવણીની ગોઠવણ (adjustment) દ્વારા દડાના આરંભ અને વિકાસ માટે સરેરાશ ઇષ્ટતમ તાપમાન જળવાય તે જરૂરી છે.

મૃદા : જો મૃદા ફળદ્રૂપ હોય અને પૂરતા ભેજવાળી તથા યોગ્ય નિતારવાળી હોય તો કૉલી ફ્લાવર વિવિધ પ્રકારની મૃદાઓમાં વાવી શકાય છે. વહેલી અને મોડી પાકતી જાતો મધ્યમ અને ભારે મૃદાઓમાં ઉગાડવામાં આવે છે, કારણ કે તે ઠંડી હોય છે અને ભેજ જાળવી રાખે છે. સેન્દ્રિયદ્રવ્યયુક્ત હલકા ગઠનવાળી ગોરાડુ મૃદા વધારે અનુકૂળ છે. મૃદાનો ઇષ્ટતમ pH 5.5થી 6.6 છે. 7.0 pHથી વધારે pH ધરાવતી મૃદામાં બોરોન ઘટી જાય છે. રોપાઓની ફેરરોપણી પહેલાં મૃદાને પુનરાવર્તિત ખેડ આપી તૈયાર કરવી જરૂરી છે.

ખાતર : મુખ્ય ઋતુનિષ્ઠ (seasonal) પાક તરીકે તેને વિપુલ પ્રમાણમાં ખાતર આપવું જરૂરી છે, કારણ કે તે મૃદામાંથી પુષ્કળ જથ્થામાં પોષક તત્વોનું શોષણ કરે છે. 221 ટન/ હે.નું ઉત્પાદન મૃદામાંથી 176 કિગ્રા. નાઇટ્રોજન, 79 કિગ્રા., ફૉસ્ફેટ અને 245 કિગ્રા. પૉટેશિયમ દૂર કરે છે. શ્રેષ્ઠ પરિણામો મેળવવા 12-20 ટન હે. સારી રીતે કોહવાયેલું મિશ્ર ખાતર કે કાદવવાળું ખાતર ફેરરોપણીથી 3-4 અઠવાડિયાં પહેલાં આપવામાં આવે છે. વ્યાપારિક ખાતરોમાં નાઇટ્રોજનનું ખાતર સોડિયમ નાઇટ્રેટ કે એમોનિયમ સલ્ફેટ અને પોટૅશિયમનું ખાતર પોટૅશિયમ સલ્ફેટ સ્વરૂપે અપાય છે. આ પાક માટે ખાતરમાં 3-4 % N, 6-8 % ફૉસ્ફોરિક ઍસિડ અને લગભગ 10 % પોટાશ હોવો જરૂરી છે. જો બોરૉનની ન્યૂનતા હોય તો મૃદાને 10-15 કિગ્રા. બોરેક્સ પ્રતિ હેક્ટરે આપવામાં આવે છે. ખાતર આપવાનો દર દરેક પ્રદેશમાં જુદો જુદો હોય છે. પ્રતિ હેક્ટરે 120 કિગ્રા. N, 40 કિગ્રા. P2O5 અને 15 કિગ્રા. બોરેક્સ આપવાથી મહત્તમ ઉત્પાદન મળે છે. બોરૉન 18 કિગ્રા./હે. અને ઝિંક સલ્ફેટ 20 કિગ્રા./ હે.ના દરે આપતાં ઉત્પાદનમાં વધારો કરે છે. છોડની હરોળની બંને બાજુએ 5-7 સેમી. ઊંડાઈએ ખાતર આપવું જરૂરી છે. ફેરરોપણી પછી 50-60 કિગ્રા./ હે નાઇટ્રોજનનું ખાતર વિખેરીને આપવામાં આવે છે. મૃદાની તૈયારી વખતે સુપરફૉસ્ફેટ સ્વરૂપમાં અપાતા ફૉસ્ફરસની કૉલી ફલાવરની પ્રતિક્રિયા સારી હોય છે.

મોલિબ્ડેનમ કૉલી ફ્લાવરની વૃદ્ધિ અને ચયાપચયમાં મહત્વનો ફાળો આપે છે. કેટલીક જગાએ મૃદામાં તેના અભાવને કારણે પાક સંપૂર્ણ નિષ્ફળ જાય છે. 1.0 પી.પી.એમ. મોલિબ્ડેનમ મોલિબ્ડિક ઍૅસિડ તરીકે આપતાં મહત્તમ ઉત્પાદન થાય છે.

ધરુઉછેર : કોબીજના પાક હેઠળ જણાવેલ માહિતી મુજબ કૉલી ફ્લાવર માટે ધરુઉછેર કરવાનો રહે છે. એક હેક્ટરના વિસ્તારમાં ફેરરોપણી માટે 125થી 150 ચોમી. (આશરે સવાથી દોઢ ગુંઠા) વિસ્તારમાં ધરુઉછેર કરવો પડે છે. તે માટે 600-700 ગ્રા. બિયારણની જરૂર રહે છે. વહેલી જાતોના વાવેતર માટે ધરુના કોહવારાથી બચવા બીજને પારાયુક્ત ફૂગનાશક દવાનો પટ આપવામાં આવે છે. વહેલી જાતો માટે બીજની વાવણી મેના બીજા પખવાડિયાથી જૂન આખર સુધીમાં કરવામાં આવે છે. મધ્યમ મોડી જાતો માટે જુલાઈ ઑગસ્ટમાં અને મોડી જાતો માટે સપ્ટેમ્બર મધ્યથી ઑક્ટોબર આખર સુધીમાં બીજ વવાય છે.

ફેરરોપણી (transplanting) : કૉલી ફ્લાવર પાકની ફેરરોપણીની વિગત કોબીજના પાકમાં દર્શાવ્યા મુજબ ગણવી. અમુક વિસ્તારમાં બજારમાં નાના અને મધ્યમ કદના દડાની માગ વધુ રહે છે, તેથી તે માટે અને સામાન્યત: વહેલી જાતો માટે વાવેતરનું અંતર ઓછું એટલે કે 45 × 45 સેમી. રાખવામાં આવે છે, જ્યારે મોડી જાતો માટે વાવેતરનું અંતર 60 × 45 સેમી. રાખવામાં આવે છે.

પિયત  અને નીંદણ : કૉલી ફ્લાવરની સફળ ખેતી માટે છોડની વૃદ્ધિ સતત ચાલુ રહે અને કોઈ પણ તબક્કે તેનો વિકાસ રૂંધાય નહિ તે જોવું જરૂરી છે. ફેરરોપણી પછી તરત પાણી આપ્યા બાદ બીજું પાણી ત્રીજે દિવસે અપાય છે. ત્યાર બાદ બાકીનાં પાણી જમીનની જાત તેમજ હવામાન અનુસાર 8થી 12 દિવસના અંતરે આપી શકાય. એકંદરે આ પાકને 10થી 12 પિયતની જરૂર પડે છે, ગોડ કરવી પડે છે અને બેથી ત્રણ વખત નીંદણ કરવું પડે છે. નીંદણનાશકો, ડેક્વેટ અને પેરાક્વેટ 0.56 કિગ્રા./હે.ની સાંદ્રતાએ ખૂબ અસરકારક રહે છે. બાસાલિન 2.0 કિગ્રા./હે.ના દરે ફેરરોપણી પૂર્વે આપી એક કે બે વાર નીંદણ કરવાથી વહેલી પાકતી જાતનાં સારાં પરિણામો મળે છે.

પાકસંરક્ષણ : કૉલી ફ્લાવરના પાકની જીવાત તથા રોગના નિયંત્રણ અંગેની વિગત કોબીજના પાક હેઠળ જણાવ્યા મુજબની છે. તદુપરાંત કૉલી ફ્લાવરના પાકમાં જોવા મળતી કેટલીક દેહધાર્મિક વિકૃતિઓ આ પ્રમાણે છે :

(1) દડાનું કથ્થાઈ રંગમાં પરિવર્તન (browning of heads) : કૉલી ફ્લાવરના દડા સફેદ અથવા સાધારણ પીળાશ પડતા હોય તો ગ્રાહકો તેને પસંદ કરે છે; પરંતુ કથ્થાઈ રંગના થવાથી તથા પાણીપોચાં ધાબાંવાળાં થઈ જવાથી ગુણવત્તા ઘટે છે. બોરૉન તત્વની ઊણપને લીધે આવું થાય છે. અમ્લતાવાળી જમીનમાં હેક્ટરે 10થી 15 કિગ્રા. બોરૅક્સ પાઉડર ભેળવવાથી અથવા પાક ઉપર બોરૅક્સના 0.3 %ના દ્રાવણનો છંટકાવ કરવાથી આ વિકૃતિનું નિવારણ થઈ શકે છે.

(2) ચાબુક પુચ્છ (whip tail) : મોલિબ્ડેનમ તત્વની ઊણપને લીધે આ વિકૃતિ થાય છે. એમાં પર્ણનો સંપૂર્ણ વિકાસ થતો નથી. ચાબુકની જેમ પર્ણની મધ્ય શિરાઓ જ દેખાય છે. અમ્લતાવાળી જમીનમાં મોલિબ્ડેનમ તત્વની ઊણપને લીધે આ વિકૃતિ થતી હોવાથી તેવી જમીનનો pH આંક વધારીને 6.5 જેટલો કરવાથી અને જમીનમાં ચૂનો અથવા હેક્ટરદીઠ એક કિગ્રા. સોડિયમ કે એમોનિયમ મોલિબ્ડેટ પાઉડર ભેળવવાથી ફાયદો થાય છે.

(3) છોડનું વાંઝિયાપણું : આ વિકૃતિમાં છોડને દડા બંધાતા નથી, પરંતુ મોટાં જાડાં કાળાં પર્ણો વિકસે છે; કારણ કે છોડ નાના હોય ત્યારે વધુ ઠંડી તથા છોડના વિકાસ દરમિયાન અગ્રકલિકાને જીવાત લાગવાથી આ નુકસાન થાય છે.

(4) ફરફરિયા દડા બનવા (buttoning) : આ વિકૃતિમાં છોડને સખત એક સરખો દડો બંધાવાને બદલે ઢીલો અને નાના નાના દડાઓ સાથેનો ફરફરિયો દડો બંધાય છે. છોડનો વિકાસ પૂર્ણ થતો નથી અને પર્ણો પણ નાનાં રહે છે, જે દડાને ઢાંકી શકતાં નથી. નાઇટ્રોજન તત્વની ઊણપને લીધે આવી વિકૃતિ થાય છે. તેથી પાક્ધો જરૂરી નાઇટ્રોજનયુક્ત ખાતર તથા પૂરતા પ્રમાણમાં છાણિયું કે ગળતિયું ખાતર આપવું પડે છે.

કાપણી  અને ઉત્પાદન : ફ્લાવરના દડા યોગ્ય કદના થાય અને દૂધિયા સફેદમાંથી પીળાશ પડતો રંગ ધારણ કરે તે વખતે થોડાં પાંદડાં સાથે કાપણી કરાય છે. વહેલી પાકતી જાતોમાં ફેરરોપણી બાદ 60થી 70 દિવસે અને મોડી પાકતી જાતોમાં 110થી 120 દિવસે ફ્લાવરના દડા કાપણી માટે તૈયાર થવા માંડે છે અને કાપણી લગભગ એકથી દોઢ મહિના સુધી ચાલુ રહે છે. જાત અને પ્રદેશ અનુસાર દડાનું ઉત્પાદન જુદું જુદું જોવા મળે છે. સામાન્યત: હેક્ટરદીઠ 15થી 30 ટન જેટલું ઉત્પાદન મળે છે. વહેલી જાતોમાં ઉત્પાદન ઓછું મળે છે, જ્યારે મધ્યમ અને મોડી જાતોમાં વધારે ઉત્પાદન મળે છે. સારી ફળદ્રૂપ જમીન અને સારી માવજત હોય તો હેક્ટરદીઠ 50 ટન સુધીનું ઉત્પાદન મેળવવું શક્ય બને છે.

ધવલીકરણ (blanching) : કૉલી ફ્લાવરના શુદ્ધ સફેદ રંગના દડા મેળવવા માટે તેને સૂર્યપ્રકાશથી બચાવવા જરૂરી છે. આ માટે દડાનું કદ વધતાં તે પાંદડાંમાંથી બહાર નીકળવા માંડે ત્યાર પછી બહારની બાજુઓનાં પાંદડાં દડાની તરફ વાળી દઈને તેને દોરી અથવા રબરની રિંગ બાંધવામાં આવે છે. દોરી કે રબરની રિંગના દરરોજ જુદા જુદા રંગ રાખવાથી જે દડા વહેલા બંધાયા હોય તે કાપણી વખતે પહેલા પહેલા તોડી શકાય છે.

રાસાયણિક બંધારણ : કૉલી ફ્લાવરનું 100 ગ્રા. ખાદ્ય ભાગનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : ખાદ્ય ભાગ 70 %, પાણી 90.8 ગ્રામ, પ્રોટીન 2.6 ગ્રા., લિપિડ 0.4 ગ્રા., કાર્બોદિતો 4.0 ગ્રા., રેસો 1.2 ગ્રા., ખનિજો 0.6 ગ્રા., કૅલ્શિયમ 33 મિગ્રા., ફૉસ્ફરસ 57 મિગ્રા., લોહ 1.5 મિગ્રા., કૅરોટિન 30 માઇક્રોગ્રામ, થાયેમિન 0.04 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.10 મિગ્રા., નાયેસિન 1.0 મિગ્રા. વિટામિન ‘સી’ 56 મિગ્રા., ઊર્જા 30 કિ.કે. કૉલી ફ્લાવરનાં પર્ણોમાં પાણી 80 %, પ્રોટીન 5.9 %, લિપિડ 1.3 %, કાર્બોદિતો 7.6 %, રેસો 2.0 %, ખનિજો 3.2 %, કૅલ્શિયમ 626 મિગ્રા., ફૉસ્ફરસ 107 મિગ્રા. અને લોહ 40 મિગ્રા./ 100 ગ્રા. હોય છે.

કૉલી ફ્લાવરમાં 100 ગ્રા. ખાદ્ય ભાગમાં ખનિજ તત્વોનું બંધારણ આ પ્રમાણે છે : મૅગ્નેશિયમ 20 મિગ્રા., સોડિયમ 53 મિગ્રા., પોટૅશિયમ 138 મિગ્રા., કૉપર 0.05 મિગ્રા., સલ્ફર 231 મિગ્રા. અને ક્લોરિન 34 મિગ્રા.. શુષ્ક ખાદ્ય દ્રવ્યમાં ઝિંક 15.5 પી.પી.એમ. હોય છે. કૉલી ફ્લાવરમાં ઑક્ઝેલિક ઍસિડ 19 મિગ્રા., ફાઇટિક ફૉસ્ફરસ 10 મિગ્રા. અને કૉલિન 34 મિગ્રા./100 ગ્રા., મૅલિક ઍસિડ (0.39 %) અને સાઇટ્રિક ઍસિડ (0.21 %) હોય છે. સૅલ્યુલોઝ, પૅન્ટોસન, મિથાઇલ પૅન્ટોસન, ડૅક્ટ્રૉઝ, લિવ્યુલોઝ, મેનાઇટ, ગ્લુક્યુરોનિક ઍસિડ, ઍલેન્ટૉઇન, ઍલેન્ટૉઇનેઝ અને ઍલેન્ટૉઇક ઍસિડ પણ હોય છે. નાની જાતોમાં ઍસ્કૉર્બિજેન વધારે પ્રમાણમાં હોય છે. કૉલી ફ્લાવરનો પુષ્પવિન્યાસ ફૉસ્ફેટિડિલ ઇનોસિટોલ ધરાવે છે. અને બૅક્ટેરિયાનું વિઘટન કરતા લાયસોઝાઇમની હાજરી નોંધાઈ છે.

કૉલી ફ્લાવરમાં બૅક્ટેરિયાનું વિઘટન કરતા લાયસોઝાઇમની હાજરી નોંધાઈ છે.

કૉલી ફ્લાવરમાં આવશ્યક ઍમિનોઍસિડનું બંધારણ આ પ્રમાણે છે : આર્જિનિન 4.64 ગ્રા., હિસ્ટિડિન 1.92 ગ્રા., લાયસિન 5.76 ગ્રા., ટ્રિપ્ટોફેન 1.44 ગ્રા., ફિનાઇલ ઍલેનિન 4.08 ગ્રા., મિથિયૉનિન 1.60 ગ્રા., થ્રિયૉનિન 4.16 ગ્રા., લ્યુસિન 7.04 ગ્રા., આઇસોલ્યુસિન 4.80 ગ્રા., વેલાઇન 5.60 ગ્રા./16 ગ્રા. N.

કૉલી ફ્લાવર કિવર્સેટિન અને કૅમ્ફેરોલના ગ્લાયકોસાઇડ ધરાવે છે. અને તેમાં લ્યુકેન્થોસાયેનિડિનનો અલ્પ જથ્થો હોય છે. આ પૉલિફિનૉલ  ડબ્બાબંધ કૉલી ફ્લાવર પીળાથી પીળાશ પડતા બદામી કે ગુલાબી રંગ માટે જવાબદાર છે. ડબ્બાબંધ ઊપજના વિરંજન(discolouration)ને અટકાવવા દડાને કૅલ્શિયમ ફ્લોરાઇડ (0.5 %)ની 70° સે. તાપમાને 15 મિનિટ માટે ચિકિત્સા આપવામાં આવે છે. 0.12 % ઍસ્કૉર્બિક ઍસિડ ધરાવતા લવણજલ(brine)માં ડબ્બાબંધી કરવામાં આવે છે.

ઉપયોગ : કૉલી ફ્લાવર કોબીજ કરતાં વધારે નાજુક અને પચવામાં સહેલું હોય છે. તે મનભાવન શાકભાજી છે. તેનો ઉપયોગ સૂપ અને અથાણાં બનાવવામાં પણ થાય છે. જ્યાં તેનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે, ત્યાં તેને સૂકવી પરિરક્ષિત કરી બિનઋતુમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. નાના રોપાઓનો ઉપયોગ પણ શાકભાજી તરીકે થાય છે.

કૉલી ફ્લાવરના કચરા-સ્વરૂપે પ્રાપ્ત થતાં પર્ણો અને પ્રકાંડનો ઢોરોના ખાણ તરીકે ઉપયોગ થાય છે. પર્ણોમાંથી શુષ્કતાને આધારે 25 %-30 % અને પ્રકાંડમાંથી 20-25 % જેટલું અશુદ્ધ પ્રોટીન પ્રાપ્ત થાય છે; પરંતુ પ્રકાંડમાં રેસાઓનું પ્રમાણ વધારે હોય છે. કુલ પાચ્ય પોષકો અને સ્ટાર્ચ તુલ્યાંક બીજાં ખૂબ જાણીતાં સાંદ્ર (concentrate) સાથે સરખામણી કરી શકાય તેટલાં હોય છે. કૉલીફ્લાવરમાં પાચ્ય અશુદ્ધ પ્રોટીન (26.7 %) મગફળીના ખાણ સાથે તુલનીય હોય છે અને નાઇટ્રોજન, કૅલ્શિયમ અને ફૉસ્ફરસનું પ્રમાણ પણ સારું હોય છે. પર્ણો સહેલાઈથી ઢોરોનાં ખાણમાં ફેરવાઈ શકે છે.

ચતુર્થક (quaternary) આલ્કેલૉઇડો કૉલી ફ્લાવરના બીજના જલીય નિષ્કર્ષમાંથી પ્રાપ્ત થાય છે. બીજમાં 38.6 % સ્થાયી તેલ હોય છે.

જ. પુ. ભટ્ટ

બળદેવભાઈ પટેલ