કૉલિન્સ, વિલિયમ વિલ્કી (જ. 8 જાન્યુઆરી 1824, લંડન; અ. 23 સપ્ટેમ્બર 1889, લંડન) : અંગ્રેજી નવલકથાકાર. લૅન્ડસ્કેપ ચિત્રકાર વિલિયમ કૉલિન્સના મોટા પુત્ર. પિતાના મિત્ર અને તેમના માનસપિતા ડેવિડ વિલ્કીના નામ પરથી તેમનું નામકરણ થયું. શરૂઆતનાં વર્ષો લંડનની ખાનગી શાળાઓમાં શિક્ષણ લીધું. 1836થી 1838 દરમિયાન પરિવાર સાથે ઇટલી ગયા. ત્યાં ઉપયોગી શિક્ષણ મેળવવાની તક મળી. 1846માં લિંક્ધસ ઇનમાં જોડાયા; પરંતુ કાયદાને બદલે લેખનપ્રવૃત્તિ વિશેની સૂઝ અને રુચિ દર્શાવતા હોય તેમ તેમણે એ ગાળા દરમિયાન ઉપરાઉપરી ત્રણ પુસ્તકો પ્રગટ કર્યાં. પિતાની જીવનકથા 1848માં, ઐતિહાસિક નવલકથા ‘ધ ફૉલ ઑવ્ રોમ’ 1850માં અને પ્રવાસકથા ‘રૅમ્બલ્સ બિયૉન્ડ રેલવેઝ’ 1851માં પ્રગટ થઈ. 1851માં ડિકન્સ સાથે પરિચય થયો અને તેમની સાથે નાટ્યશોખીનોના વૃંદમાં જોડાયા. ડિકન્સ-સંપાદિત ‘હાઉસહોલ્ડ વર્ડ્ઝ’ તથા અન્ય સામયિકો માટે સંખ્યાબંધ લેખો તથા ટૂંકી વાર્તાઓ લખ્યાં. ડિકન્સના સહયોગમાં ‘ધ લાઇટહાઉસ’ (1855) તથા ‘ધ ફ્રોઝન ડીપ’ (1857) નામે બે મેલોડ્રામા પણ લખ્યા.

વિલિયમ વિલ્કી કૉલિન્સ

કૉલિન્સને ખરી પ્રતિષ્ઠા સાંપડી નવલકથાક્ષેત્રે. 1852માં ‘બેસિલ’ના પ્રગટ થવાની સાથે રહસ્ય, કુતૂહલ, ગુનાખોરી વગેરેના આલેખનના સામર્થ્યની તેમણે પ્રતીતિ કરાવી. એ જ ક્રમમાં ‘હાઇડ ઍન્ડ સીક’ (1854) તથા ‘ધ ડેડ સિક્રેટ’ (1857) પ્રગટ થઈ. સનસનાટીપૂર્ણ નવલકથા ધ નૉવેલ ઑવ્ સેન્સેશન નામના પ્રકારવિશેષના કસબી લેખક તરીકે તેમને 1860ના દાયકામાં ખૂબ ખ્યાતિ સાંપડી. ‘ધ વુમન ઇન વાઇટ’ (1860), ‘નો નેમ’ (1862), ‘આર્માડેલ’ (1866) તથા ‘ધ મૂનસ્ટોન’ (1868) જેવી કૃતિઓના પરિણામે તે એક સૌથી લોકપ્રિય લેખક નીવડ્યા.

પરંતુ પછીના દશકામાં તેમની લેખક તરીકેની શક્તિ ઓસરી ગઈ. 1870થી મૃત્યુપર્યંત તેમણે બીજી 15 જેટલી નવલકથાઓ લખી પણ તેની ગુણવત્તા ઉત્તરોત્તર કથળતી ગઈ; જોકે આમજનતામાં તેમની લોકપ્રિયતા સહેજ પણ ઘટી ન હતી. લેખનશક્તિની આ ક્ષીણતા માટે અનેક કારણો આપવામાં આવે છે. 1870માં ડિકન્સનું મૃત્યુ થવાથી તેમણે એક સમર્થ રાહબર ગુમાવ્યો, સંધિવાનો ઉગ્ર રોગ થવાથી છેલ્લાં 27 વર્ષ તે અફીણના બંધાણી બની રહ્યા; સ્વેચ્છાચારી અંગત જીવનનો સતત તનાવ વેઠવો પડતો – વિધિસર લગ્ન કર્યા વિના બે સ્ત્રીઓ સાથે સહજીવન માણ્યું અને ત્રણ અનૌરસ પુત્રોના પિતા બન્યા. આમાં સૌથી મોટું કારણ એ આપવામાં આવે છે કે કૉલિન્સ પોતાની નવલકથાઓમાં હંમેશાં સામાજિક સમસ્યાઓની છણાવટ કરવા કટિબદ્ધ રહેતા, પરિણામે તેમની કથનશૈલીમાં રસક્ષતિ થતી અને વાચકવર્ગને પણ એ બહુ રુચતું નહિ. એમનો વાચકવર્ગ ખૂબ વિશાળ હતો. તેમની નવલકથાઓના પુષ્કળ અનુવાદ થયા હતા. એટલે બ્રિટન, અમેરિકા તથા યુરોપના મોટા ભાગના દેશોમાં તેમની નવલકથાઓ રસપૂર્વક વંચાતી હતી; પરંતુ કૉલિન્સને ઉત્તરાવસ્થાની બધી જ કૃતિઓમાં નિષ્ફળતા વરી છે એવું સાવ નથી. ‘પુઅર મિસ ફ્લિન્ચ’ (1872), ‘ધ લૉ ઍન્ડ ધ લેડી’ (1875), ‘માય લેડીઝ મની’ (1878) તથા ‘આઈ સે નો’ (1884) જેવી કૃતિઓમાં રહસ્ય તથા કુતૂહલની જમાવટમાં તેમને ઓછીવત્તી સફળતા અવશ્ય મળી છે. તેમની છેલ્લી અધૂરી રહેલી નવલકથા ‘બ્લાઇન્ડ લવ’ (1890) વૉલ્ટર બિસન્ટે પૂરી કરી હતી.

અંગ્રેજી સળંગ રહસ્યમય નવલકથા લખનારા કૉલિન્સ સૌપ્રથમ નવલકથાકાર હતા. આ સાહિત્યપ્રકારમાં તેમણે જે નમૂનો ઊભો કર્યો તેનો સદી કરતાંય વિશેષ સમયથી સાહિત્યક્ષેત્રે પ્રભાવ રહ્યો છે. વિગતપ્રચુર વસ્તુરચનાની હોશિયારીપૂર્વક સળંગ કુતૂહલ જળવાય એ રીતે ગૂંથણી કરવાની તેમની હથોટી પ્રશંસનીય હતી. તેમનાં પાત્રો જોકે બહુધા ઉપરચોટિયાં જણાય છે; પરંતુ કેટલીક નવલકથાઓમાં અંધ કે બહેરી વ્યક્તિ, શારીરિક ક્ષતિ કે વિકૃતિ ધરાવતી વ્યક્તિ તથા સ્થૂળકાય વ્યક્તિ જેવાં શારીરિક લાક્ષણિકતા ધરાવતાં પાત્રોનું આલેખન તાર્દશ તથા સમભાવપૂર્વક થયેલું છે. વિવેચકોએ ઔચિત્યના ખ્યાલોનો ભંગ થતો હોવાના મુદ્દાસર તેમની નવલકથાઓની ટીકા કરી હોવા છતાં તેમની લેખનશક્તિ અને કસબની ખૂબ પ્રશંસા કરી હતી. હકીકતમાં કૉલિન્સ પોતે બીજા નવલકથાકારોને જે સલાહ આપતા હતા તેનું પોતે પણ સારી રીતે પાલન કરી બતાવ્યું છે. ‘તેમને (વાચકોને) હસાવો, તેમને રડાવો અને તેમને કુતૂહલતાથી રાહ જોતા રાખો.’

જયંત ગાડીત

મહેશ ચોકસી