કૉલાજ : ચિત્રની સપાટી પર વિવિધ પ્રકારની સામગ્રીને ચોંટાડીને તૈયાર થતું કલાસ્વરૂપ. ઘનવાદીઓ(cubists)એ પ્રયોગ રૂપે ક્યારેક એમની ચિત્રસંઘટનામાં દૈનિક પત્રના ટુકડા દાખલ કરેલા, પણ પછીથી આ જ પદ્ધતિએ સમાચારપત્રના ખંડો, થિયેટરની ટિકિટો, પરબીડિયાના કટકા, કાપડ, સૂતળી, ફોટોગ્રાફ, ખીલા-ખીલી, દીવાસળી વગેરે સામાન્ય રીતે એકબીજા સાથે ન સંકળાયેલી હોય તેવી સામગ્રીઓના ઉપયોગથી આખાં ને આખાં ચિત્રો તૈયાર કરવામાં આવ્યાં.

આમેય ‘કૉલાજ’નો મૂળ ફ્રેન્ચ અર્થ ‘ચિટકાવવું’ એવો થાય છે. આ ચિત્રો દ્વારા ચિત્રની સપાટીના દેખાવને ક્રાન્તિકારી રીતે પરિવર્તિત કરવામાં આવ્યો. આની પાછળ મૂળભૂત વિચાર પરંપરાની સામેના વિદ્રોહનો છે. ચિત્રકાર સેઝાનેના સૂચનથી પ્રતિનિધાન- (representation)ની સામે વિકસેલો ઘનવાદ કૉલાજના કલાસ્વરૂપની પાછળનું પ્રેરકબળ છે. ચિત્રકલાની આ સંજ્ઞા સાહિત્યક્ષેત્રે ઉલ્લેખો, નિર્દેશો, અવતરણો અને વિદેશી ઉક્તિઓના સંકરરૂપ લખાણને સૂચવે છે. જેમ્સ જૉયસ, એઝરા પાઉન્ડ, ટી. એસ. એલિયટની કૃતિઓમાં આ સંદર્ભ જોઈ શકાય છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા