કેશવમિશ્ર (સોળમી સદી ઉત્તરાર્ધ) : ‘અલંકારશેખર’ના રચયિતા અને ધ્વનિવાદી આલંકારિક. ‘અલંકારશેખર’ની રચના તેમણે રામચંદ્રના પૌત્ર તથા ધર્મચંદ્રના પુત્ર રાજા માણિક્યચંદ્રના કહેવાથી કરી હતી. આ માણિક્યચંદ્ર તે કોટકાંગડાના માણિક્યચંદ્ર હોવા સંભવ છે, કેમ કે કેશવમિશ્રે આપેલ વંશાવલી તેની વંશાવલીને અનુરૂપ છે. માણિક્યચંદ્રે 1563માં રાજ્યારોહણ કર્યું હતું તે ઉપરથી કેશવમિશ્રનો સમય સોળમી સદીના ઉત્તરાર્ધમાં ગોઠવાય છે.

રસને કાવ્યાત્મારૂપ માનતા કેશવમિશ્રે ‘અલંકારશેખર’માં કાવ્યવિષયક અન્ય વિગતોનું પણ વિવેચન કર્યું છે. તે લગભગ બધા જ પૂર્વવર્તી આચાર્યોના ગ્રંથોથી પરિચિત છે અને તે સામગ્રીનો ઉપયોગ તેમણે પોતાના ગ્રંથમાં નામોલ્લેખ સાથે કર્યો છે.

તપસ્વી નાન્દી