કેશવમંદિર : મૈસૂર પાસે સોમનાથપુરમાં આવેલું ચાલુક્ય શૈલીનું નાનકડું મંદિર. તેનું સ્થાપત્ય હોયશલા શૈલીનું છે. મંદિરના પ્રવેશદ્વાર પાસેના શિલાલેખમાં લખેલું છે કે ‘હોયશાળના રાજા નારસિંહ ત્રીજા(ઈ. સ. 1254-1291)ના સોમ અથવા સોમનાથ નામના એક અમલદારે બ્રાહ્મણો માટે અગ્રહાર બંધાવીને તેમાં ઈ. સ. 1268માં કેશવમંદિર બંધાવ્યું.’

આ મંદિરની વિશેષતા એ છે કે તેમાં ત્રિકૂટાચલ અર્થાત્ ત્રણ શિખર અને ત્રણ ગર્ભગૃહ છે. વચલા મુખ્ય ગર્ભગૃહમાં કેશવની મૂર્તિ છે. આ ગર્ભગૃહ પૂર્વાભિમુખ છે. ઉત્તર બાજુના ગર્ભગૃહમાં જનાર્દનની મૂર્તિ લગભગ 1.83 મી.(છ ફૂટ)ની છે. તેના ઉપરના બે હાથમાં ચક્ર અને શંખ અને નીચેના બે હાથમાં પદ્મ અને ગદા છે. તેના પ્રભામંડળમાં વિષ્ણુના દશ અવતારો કંડારેલા છે. તેના ગર્ભગૃહની બે બાજુએ દ્વારપાળો છે. દક્ષિણ તરફના ગર્ભગૃહમાં વેણુગોપાલની મૂર્તિ છે તે પણ 1.83 મી. (છ ફૂટ) જેટલી ઊંચી અને કદંબવૃક્ષ નીચે ઊભેલી છે. આ મૂર્તિ બે હાથ વડે બંસરી બજાવે છે. આ મૂર્તિની નીચેના એક ભાગમાં ગોવાળની નાનકડી આકૃતિ છે, જ્યારે તેની બંને બાજુએ વાંસળી સાંભળતી ગાયોની શિલ્પાકૃતિઓ છે. તેની ડાબી બાજુએ પ્રણામ કરતા સાધુઓની મૂર્તિઓ છે. તેનું પ્રભામંડળ જનાર્દનની મૂર્તિ જેવું છે અર્થાત્ તેમાં વિષ્ણુના દશાવતારો કોરેલા છે. પરંતુ કેશવની મુખ્ય મૂર્તિ કે જેના નામથી આ મંદિરને નામ આપવામાં આવ્યું છે તે ખંડિત થવાને કારણે તેને દૂર કરેલી છે. આ મંદિરની જગતીના ફરતો ગજથર છે. ઉપરાંત વિષ્ણુ અને બીજાં દેવદેવીઓની મૂર્તિઓ છે, જેમાં મુખ્ય વિષ્ણુ, ગણપતિ, નાગ, બે બેઠેલી દેવીઓ વગેરે છે. પ્રવેશદ્વારની બંને બાજુએ જગતીની સુંદર શિલ્પાકૃતિઓમાં હાથી, ઘોડેસવાર, મહાભારત અને પુરાણોની કથાઓ આલેખેલી છે. ભીંતસ્તંભોની વચમાં વચમાં સિંહાકૃતિઓ છે. આ મંદિરની બહારની દીવાલોમાં 194 મોટી મૂર્તિઓ છે તેમાં સ્ત્રી-મૂર્તિઓ 114 છે. નરસિંહ, વરાહ, હયગ્રીવ, વેણુગોપાલ, પરવાસુદેવ, બ્રહ્મા, શિવ, ગણપતિ, ઇંદ્ર, મન્મથ, સૂર્ય, ગરુડ, લક્ષ્મી, સરસ્વતી તેમજ મહિષાસુરમર્દિનીની મૂર્તિઓ ધ્યાનાકર્ષક છે. ગરુડના ડાબા ખભા ઉપર નારાયણ અને લક્ષ્મીની મૂર્તિ, તેમજ લક્ષ્મી અને સરસ્વતીની નૃત્ય કરતી મૂર્તિઓ નોંધપાત્ર છે. એક શિલાલેખમાં આ ગામને ‘વિદ્યાનિધિપ્રસન્ન – સોમનાથપુર’ કહેલું છે. સ્થાપત્યના નિષ્ણાત કલાવિવેચક ફર્ગ્યુસનના મતે કર્ણાટકમાં નાનામાં નાનાં ત્રણ મંદિરોમાંનું એક મંદિર છે તે સુંદર, ઘાટીલું અને સપ્રમાણ છે.

પ્રિયબાળાબહેન શાહ