કેશવસુત (જ. 7 ઑક્ટોબર 1866, માલગુંડ, રત્નાગિરિ; અ. 7 નવેમ્બર 1905, હુબળી) : આધુનિક મરાઠી કવિતાના પ્રવર્તક. મૂળ નામ કૃષ્ણાજી કેશવ દામલે. શિક્ષણ ખેડ, વડોદરા, વર્ધા, નાગપુર તથા પુણે ખાતે. 1889માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. 1901માં ફૈઝપુર ખાતે મુખ્ય અધ્યાપક તથા 1904માં ધારવાડ મહાવિદ્યાલયમાં મરાઠીના અધ્યાપક તરીકે જોડાયા. વિદ્યાર્થીકાળથી કવિતા લખવાનું શરૂ કરેલું. છતાં તેમના કાવ્યસર્જનનો કાળ 1885-1905 દરમિયાનનો ગણાય છે. મરાઠી કવિતામાં સફળતાપૂર્વક નવા પ્રયોગો કરવાનું શ્રેય તેમને ફાળે જાય છે. આંગ્લ કવિઓ વર્ડ્ઝવર્થ, કીટ્સ અને શેલી તેમના માટે પ્રેરણાદાયી નીવડ્યા. અંગ્રેજી ઊર્મિકવિતાના પરિશીલનથી તેમણે મરાઠી ભાષામાં ભાવકવિતાનું સર્જન કર્યું. તેમની કવિતામાં પ્રેમ, પ્રકૃતિ ઉપરાંત સામાજિક રૂઢિઓ અને અંધશ્રદ્ધા સામેનો વિરોધ જેવા વિષયો જોવા મળે છે. મરાઠી કવિતામાં તેમનો સ્વચ્છંદવાદ ક્રાંતિકારક સાબિત થયો છે. ‘સૉનેટ’ કાવ્યપ્રકારની મરાઠી કવિતામાં તેમણે જ પહેલ કરી હતી. તેમણે લખેલી 135 જેટલી મરાઠી કાવ્યકૃતિઓ હાલ ઉપલબ્ધ છે, જેમાં ‘સ્ફૂર્તિ’ (1896), ‘આમ્હી કોણ ?’ (1901) અને ‘પ્રતિભા’ (1904) જેવી નવી અભિરુચિ અને નવો ર્દષ્ટિકોણ રજૂ કરતી કાવ્યકૃતિઓ; ‘ભૃંગ’ (1890), ‘પુષ્પાપ્રત’ (1892) અને ‘ફૂલપાંખરૂં’ (1900) જેવી નિસર્ગનું વર્ણન કરતી કાવ્યકૃતિઓ; ‘તુતારી’ (1893), ‘નવા શિપાઈ’ (1898) અને ‘ગોફણ કેલી છાન’ (1905) જેવી ક્રાંતિકારી કાવ્યકૃતિઓ; ‘ઝપુર્ઝા’ (1893), ‘મ્હાતારી’ (1901) અને ‘હરપલે શ્રેય’ (1905) જેવી રહસ્યવાદી રચનાઓ વિશેષ નોંધપાત્ર છે.

1916માં મરાઠીના વિખ્યાત નવલકથાકાર હરિ નારાયણ આપટેએ કેશવસુતની કાવ્યકૃતિઓનો સંગ્રહ પ્રકાશિત કર્યો હતો. મરાઠીના ખ્યાતનામ કવિઓ ‘ગોવિન્દાગ્રજ’, ‘બાલકવિ’ ઠોમરે, રેંદાળકર, સોનાળકર, ‘કાવ્યવિહારી’ વગેરે કેશવસુતના શિષ્યો ગણાય છે.

મહારાષ્ટ્ર સરકારે 1966માં કેશવસુતની જન્મશતાબ્દી ઊજવી હતી. 1967માં તેમનો કાવ્યસંગ્રહ સરકાર તરફથી પ્રકાશિત થયો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે