કેરળ

ભારતની પશ્ચિમે અરબી સમુદ્રના કાંઠા પર આવેલું દક્ષિણ ભારતનું રાજ્ય. તે 9o 15′ ઉત્તરથી 12o 53′ ઉત્તર અક્ષાંશ અને 74o 46′ પૂર્વથી 77o 15′ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તેના ઈશાનમાં કર્ણાટક, પૂર્વ અને અગ્નિમાં તામિલનાડુ તથા પશ્ચિમે અરબી સમુદ્ર છે. તેનો કુલ વિસ્તાર 38,863 ચોકિમી. છે. તેની દક્ષિણ-ઉત્તર લંબાઈ આશરે 544 કિમી. તથા પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ મધ્યભાગમાં આશરે 120 કિમી. છે. રાજ્યમાં નારિયેળની પેદાશ ખૂબ થાય છે. મલયાળમ ભાષામાં ‘કેર’ એટલે નારિયેળ, તેના પરથી આ રાજ્યનું નામ કેરળ પડ્યું હોય. આ પ્રદેશ તથા તેના રહેવાસીઓ ‘ચેર’ નામથી પણ ઓળખાય છે.

રાજ્યમાં 13 જિલ્લાઓ છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પંચાયતો, નગરપાલિકા તથા નગરનિગમો છે. રાજ્યનાં મુખ્ય નગરોમાં તેના પાટનગર તિરુવનન્તપુરમ્ ઉપરાંત કોચીન, કોઝિકોડ, અલેપ્પી, ત્રિચુર તથા ક્વિલોનનો સમાવેશ થાય છે. રાજ્યમાં ત્રણ મુખ્ય બંદરો છે : કોચીન, અલેપ્પી અને કાલિકટ. પાટનગર તિરુવનન્તપુરમ્ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ધરાવે છે.

પશ્ચિમઘાટમાં ઉદગમ પામીને થોડાક અંતરે અરબી સમુદ્રને મળનારી નાની નદીઓમાં સૌથી વધુ લંબાઈ (224 કિમી.) ધરાવતી નદી તે પેરિયાર છે. પહાડી પ્રદેશમાં 930 મી. ઊંચાઈ પર આ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે. પેરિયાર નદીના મુખથી 96 કિમી. સુધી જળપરિવહન થઈ શકે છે. અન્ય નદીઓમાં પોન્નાની, બેપોર, કુટિયાદી, ચલાકુડી, પંબિયાર, શોલાયાર, ચલિયાર, પાંબા, કડાલંડી, ઇડિક્કી, કલ્લદા અને વલયાર ઉલ્લેખનીય છે. તેમાંની કેટલીક આડી સાંકડી ખાડીઓને મળે છે. તેમાંથી ત્રિચુર, કોચીન અને અલેપ્પી પાસે કેટલાંક મોટાં સરોવરો બન્યાં છે; તે ઉપરાંત તિરુવનન્તપુરમ્ પાસેના વેલ્લાની તથા ક્વિલોન પાસેના શાસ્તાનકોઝ જેવાં મીઠા પાણીનાં સરોવરો પણ  આ રાજ્યમાં છે. રાજ્યને 590 કિમી. લંબાઈ ધરાવતો દરિયાકિનારો મળ્યો છે.

કેરળનો નકશો

ભારતમાં વિષુવવૃત્તીય પ્રકારનું હવામાન વધુમાં વધુ પ્રમાણમાં કેરળમાં જોવા મળે છે. મહત્તમ તાપમાન 32.2o અને લઘુતમ તાપમાન 21.1o સે. હોય છે. પહાડી પ્રદેશમાં સરેરાશ વાર્ષિક વરસાદ 5000-4500 મિમી. પડે છે.

કેરળના સમુદ્રકિનારે નારિયેળીનાં વૃક્ષો

કેરળના ઉત્તર-દક્ષિણ આવેલા ત્રણ મુખ્ય પ્રાકૃતિક વિભાગો છે :

(1) દરિયાકિનારાનો પ્રદેશ : હાલનો પ્રત્યક્ષ દરિયાકાંઠો પ્રાચીન દરિયાકાંઠા કરતાં દરિયામાં આશરે 13 કિમી. જેટલો આગળ વધેલો જણાય છે. હાલના દરિયાકિનારાથી થોડેક દૂર સુધી રેતી અને કાંપમિશ્રિત એવા 0.5થી 11 કિમી. પહોળાઈ ધરાવતા નારિયેળના વનથી આચ્છાદિત જમીનના પટ્ટા બન્યા છે. તેમની અને મુખ્ય ભૂમિ વચ્ચેના ‘કપાલ’ (ખારકચ્છ), તેમજ પશ્ચજળ(backwaters)થી બનેલી પહોળી ખાડીઓ આ રાજ્યની ભૌગોલિક વિશિષ્ટતા છે. દરિયાકિનારાને સમાંતર એવાં આ જળાશયોને નહેરો તથા બોગદાંઓથી સાંકળી લઈને પોન્નાની નદીના મુખથી તિરુવનન્તપુરમ્ સુધી આશરે 320 કિમી. લંબાઈ ધરાવતો અંતસ્તટ જળમાર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. વરસાદની ઋતુમાં આ જળાશયોમાં નદીના મુખમાંથી મીઠું પાણી આવે છે તથા ઉનાળામાં દરિયામાં ભરતી આવે ત્યારે તેમાં ખારું પાણી આવે છે. વેમ્બનાડ એ મોટું ખારકચ્છ કોચીન બંદરના મુખથી દક્ષિણ તરફ પહોળું થતું ગયું છે. તેના મુખ પાસેથી રેતી અને કાંપ ઉલેચી નાખ્યા પછી કોચીન બંદર મોટાં જહાજો માટે ઉપયોગી બન્યું છે.

(2) મધ્યવિસ્તારનો પઠાર પ્રદેશ : આ ભૂભાગ દરિયાની સપાટીથી 60-190 મી. ઊંચાઈ પર છે, જે ખડકો તથા ગીચ ઘાસ અને ઝાડીઝાંખરાંથી આચ્છાદિત છે. આ પ્રદેશમાં ક્યાંક ક્યાંક સપાટ મેદાન, છૂટી ટેકરીઓ તથા પૂર્વમાંના પહાડોના ઉતરાણવાળા ફાંટા છે.

(3) પહાડી પ્રદેશ : આમાં પશ્ચિમઘાટની છેક દક્ષિણ તરફની અન્નામલઈ તથા એલાચલ (કાર્ડેમમ) પર્વતમાળા વાયવ્યથી અગ્નિ સુધી વિસ્તરેલી છે. આ પ્રદેશમાં વર્ષમાં આશરે 5000 મિમી. વરસાદ પડે છે. આ વિસ્તાર ગીચ જંગલોથી ભરપૂર છે. પહાડોના ઢાળ પર ચા, કૉફી, ઇલાયચી, મરી તથા રબરના બગીચાઓ છે. ભારતીય દ્વીપકલ્પમાંનું સર્વોચ્ચ શિખર અનઈમુડી (2,695 મી.) અન્નામલઈ પર્વતમાળામાં આવેલું છે.

કેરળનું પ્રાકૃતિક સૌંદર્ય અવર્ણનીય છે. પેરિયાર, પામ્બા તથા ભારતપુઝા નદીઓ જે વિસ્તારોમાંથી વહે છે તે પ્રદેશમાં વિશાળ નયનરમ્ય શ્ય ખડું કરે છે. અન્ય વિસ્તારોમાં ડાંગરનાં લીલાં ખેતરો, નારિયેળી તથા કેળાં અને કાજુની વાડીઓ સમગ્ર પ્રદેશની નિસર્ગશ્રીને વ્યક્ત કરે છે.

ખેતી લોકોનો મુખ્ય વ્યવસાય છે. મોટાભાગની વસ્તી પર ઔદ્યોગિકીકરણની અસર વરતાતી નથી. રબર, ચા, કૉફી, કાળાં મરી, ઇલાયચી અને કાજુ રાજ્યના મુખ્ય રોકડિયા પાકો છે. તેમાંના કેટલાકની નિકાસ થતી હોવાથી દેશને સારા પ્રમાણમાં હૂંડિયામણની કમાણી થાય છે. ઉપરાંત ચોખા, શેરડી, આદું, સૂંઠ, નારિયેળ, કેળાં, સોપારી વગેરેનું ઉત્પાદન પણ ઠીક પ્રમાણમાં થાય છે. મરઘાં-બતકાં ઉછેરની બાબતમાં દેશનાં અન્ય રાજ્યો કરતાં કેરળ રાજ્ય ઘણું આગળ છે. ત્યાંથી ઈંડાંની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. મત્સ્યઉદ્યોગનો પણ સારો વિકાસ થયેલો છે. જંગલની પેદાશોમાં વાંસ, લાકડાનો માવો, કોલસો, સાગ, ચંદન, ગુંદર અને રેઝિન વિશેષ નોંધપાત્ર છે. રાજ્યના શ્રમિકો કુટિર ઉદ્યોગો સાથે સંકળાયેલા છે. નારિયેળના રેસા પર અને કાજુ પર પ્રક્રમણ, હાથવણાટ, ઉપરાંત ચટાઈ, વાંસની વસ્તુઓ, દોરડાં તથા કાથીની જુદી જુદી વસ્તુઓ કુટિર ઉદ્યોગમાં બનાવવામાં આવે છે. આધુનિક ઉદ્યોગોમાં રાસાયણિક ખાતરો, રસાયણો, વીજળીનાં ઉપકરણો, ઍલ્યુમિનિયમના તાર, પ્લાયવુડ તથા કૃત્રિમ રેસા જેવી વસ્તુઓનું ઉત્પાદન કરતાં કારખાનાંનો અહીં ઠીક ઠીક પ્રમાણમાં વિકાસ થયો છે.

રાજ્યના ચોથા ભાગના પ્રદેશમાં જંગલો છે. તેમાંથી સાગ, રક્તચંદન, સીડાર જેવાં વૃક્ષોમાંથી લાકડું મળે છે. ઊંચા ડુંગરોના ઢાળ પર કૉફી, ચા તથા ઇલાયચીના બગીચા વિકસ્યા છે. વન્ય પ્રાણીઓમાં હાથી, રીંછ, જંગલી સૂવર તથા જુદા જુદા પ્રકારનાં હરણ છે. કેરળમાં અનેક જાતના સર્પ છે. દરિયાકાંઠાના પ્રદેશમાં બટરફિશ, ઍચોવી, સાર્ડિન, મૅકરલ, કૅટફિશ અને શાર્ક જેવી માછલીઓ વિપુલ પ્રમાણમાં મળે છે.

વસ્તી : કેરળની કુલ વસ્તી 2001ની વસ્તીગણતરી પ્રમાણે 3,18,38,619 લાખ છે. સાક્ષરતામાં પણ આ રાજ્ય ભારતમાં મોખરે છે. સાક્ષરતાનું કુલ પ્રમાણ 90.92 % છે. રાજ્યમાં પૉલિટેકનિક તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (I.T.I.), વિનયન તથા વિજ્ઞાન કૉલેજો, વ્યાવસાયિક તાલીમ આપતી સંસ્થાઓ તથા 4 યુનિવર્સિટીઓ છે. શિક્ષણના વ્યાપક ફેલાવાના કારણે કેરળ બીજાં ક્ષેત્રોમાં પણ પ્રગતિ સાધી શક્યું છે.

પરિવહન : આ રાજ્યમાં 1,42,300 કિમી. લંબાઈના માર્ગો આવેલા છે. 1,148 કિમી. લંબાઈના રેલમાર્ગો છે. તિરુવનન્તપુરમ્, કોચી ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈમથકો છે. જ્યારે કોઝિકોડ ખાતે આંતરરાજ્ય કક્ષાનું હવાઈમથક આવેલું છે. રાજ્યમાં કુલ 18 જેટલાં બંદરો છે તે પૈકી કોચી મુખ્ય બંદર છે. 1997માં કેરળ રાજ્ય ભારતનું સર્વપ્રથમ રાજ્ય હતું, જેમાં તેનાં બધાં ગામોને દૂરભાષાની સુવિધાથી આવરી લેવાયેલાં.

ભૂશાસ્ત્રીય પુરાવા મુજબ આ રાજ્યનો ભૂભાગ પ્રાચીન કાળમાં કેટલાંક પ્રાકૃતિક કારણોસર સમુદ્રમાંથી ઉપર આવ્યો હોય તેવું મનાય છે. સમ્રાટ અશોકના શિલાલેખોમાં કેરળનો નિર્દેશ છે તે સૌથી પ્રાચીન ઉલ્લેખ મનાય છે. ટૉલેમી અને પ્લિનીના સાહિત્યમાં તથા પેરિપ્લસમાં તેનાં કિનારાનાં બંદરોનો ઉલ્લેખ સાંપડે છે. પ્રાચીન કાળથી દૂર દૂરના દેશો સાથે આ રાજ્યનો વ્યાપારી સંબંધ રહ્યો છે. ભૂમધ્ય સમુદ્રની આસપાસના તથા બૅબિલોન, અરબસ્તાન તથા ઈરાનના વિસ્તારોમાંથી લોકો ઈરાનના અખાતના માર્ગે અથવા રાતા સમુદ્રના માર્ગે વ્યાપાર કરવા માટે અહીં આવતા હતા. મધ્યયુગમાં પણ જિનીવા, વેનિસ તથા ફ્લૉરેન્સ જેવાં નગરો સાથે આ રાજ્યના વ્યાપારી સંબંધો હતા તેવા ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ છે.

પદ્મનાભપુરમ્ મહેલનું મુખ્ય પ્રવેશદ્વાર

ઇતિહાસ : ચેર વંશના પેરુમાલ રાજાઓએ (800-950) ગોકર્ણથી ક્ધયાકુમારી સુધી કેરળનું એકછત્રી રાજ્ય પ્રસ્થાપિત કર્યું તેવી માન્યતા છે. તેમાંના છેલ્લા ચેરમાન પેરુમાલે સ્વેચ્છાથી ગાદીનો ત્યાગ કરી ઇસ્લામ ધર્મનો અંગીકાર કર્યો તથા મક્કા જતા પહેલાં રાજ્યના ભાગ પાડ્યા (828). જે દિવસે તેણે પ્રયાણ કર્યું તે દિવસથી ‘કોળ્ળવર્ષમ્’ એટલે કે કેરળનું વર્ષ શરૂ થાય છે. બીજી એક કિંવદંતી મુજબ આદ્ય શંકરાચાર્યના નિર્વાણ પછી તેમના શિષ્ય અને પેરુમાલ વંશના રાજા ભાસ્કર રવિવર્માએ કોળ્ળમ્ ખાતે જે વર્ષે ધર્મપરિષદ યોજી હતી તે વર્ષથી કેરળની કાલગણના શરૂ થાય છે. પેરુમાલ વંશ પછી ઉત્તર કેરળમાં કોલાતિરી અથવા ચિરવકલ તથા ઝામોરીન અથવા કોઝિકોડે ઉર્ફે કાલિકટ એવાં નાનાં નાનાં રાજ્યો સ્થપાયાં. અગિયારમી સદીમાં દક્ષિણના ત્રાવણકોરમાં પેરુમાલ વંશના એક રાજા રાજ્ય કરતા હતા, પરંતુ પૂર્વ તરફના ચોલ રાજાઓએ તેનો કબજો લીધો. બારમી સદીમાં ફરી સ્થાનિક રાજાઓએ તે જીતી લીધું હતું. તેરમી સદીમાં ત્રાવણકોરના અગ્નિ ભાગ પર પાંડ્ય રાજાઓએ આક્રમણ કર્યું, પરંતુ થોડાંક વર્ષો પછી ત્રાવણકોરના રાજાએ તે ભાગ ફરી જીતી લીધો. 1310-11માં મલિક કાફુરે પાંડ્ય તથા ચોલ રાજાઓનો પરાભવ કર્યો. પરંતુ તેમનાં રાજ્યો પર પાછળથી ક્વિલોનના રાજા તિરુવાદી રવિવર્મા કુલશેખરે પોતાનું શાસન પ્રસ્થાપિત કર્યું. ચૌદમી સદીમાં ઉત્તર કેરળ પર મુહંમદ તુઘલકનાં આક્રમણો થયાં. સોળમી સદીમાં ત્રાવણકોર રાજ્ય પર વિજયનગરના રાજાઓએ બે વાર આક્રમણ કર્યું. અઢારમી સદીના પૂર્વાર્ધમાં માર્તંડવર્માએ અન્ય રાજાઓનો પરાભવ કરીને આધુનિક ત્રાવણકોર રાજ્યની સ્થાપના કરી. તેના શાસન હેઠળ મોટું લશ્કર ઊભું કરવામાં આવ્યું, કિલ્લાઓ તથા દીવાલ મજબૂત કરવામાં આવ્યાં, રાજ્યવહીવટ વ્યવસ્થિત કરવામાં આવ્યો, મહેસૂલપદ્ધતિમાં સુધારણા કરવામાં આવી, આંતરિક શાંતિ અને સુવ્યવસ્થા સ્થાપવામાં આવી, અનેક ઠેકાણે રાજપ્રાસાદ તથા મંદિરો બાંધવામાં આવ્યાં તથા વ્યાપાર વધારવા માટે જરૂરી સગવડો ઊભી કરવામાં આવી. તે પછીના રાજા રામવર્માએ પણ સારી રીતે રાજ્ય કર્યું. અંગ્રેજોની મદદથી તેણે મૈસૂરના હૈદરઅલી અને તે પછી ટીપુ સુલતાનનાં આક્રમણોનો સામનો કર્યો. થોડાક સમય પછી ત્રાવણકોરના રાજાએ અંગ્રેજો સાથે સંધિ કરી અને તેમનું સંરક્ષણ સ્વીકાર્યું. 1795માં ત્રાવણકોર અંગ્રેજોના તાબા હેઠળનું સંસ્થાન બન્યું. 1776-1791 દરમિયાન કોચીન રાજ્ય હૈદરઅલી અને ટીપુ સુલતાનનું ખંડિયું રાજ્ય હતું પરંતુ તે પછી કોચીન પણ અંગ્રેજોના તાબા હેઠળ જતું રહ્યું.

1498માં વાસ્કો ડી ગામાના આગમન સાથે પોર્ટુગીઝો કેરળમાં દાખલ થયા હતા. તેના પછી આવેલા પોર્ટુગીઝોએ કોચીન, કોઝિકોડે તથા કનનોરમાં પોતાની વસાહતો ઊભી કરી. 1656માં તેમની સાથે વ્યાપારમાં સ્પર્ધા કરવા માટે ડચ દાખલ થયા. 1663માં તેમણે કોચીન અને તંગાસેરી આ બે થાણાં કબજે કર્યાં. 1717માં તેમણે ચેટવઈ ટાપુ પોતાના તાબા હેઠળ લીધો. પરંતુ તે પછીના અર્ધશતકમાં ડચ સત્તાનો અસ્ત થયો.

1698માં ફ્રેન્ચો કોઝિકોડે આવ્યા, 1726માં તેઓએ માહે ખાતે વસાહત ઊભી કરી, 1751માં માઉન્ટ ડેલી તથા ઉત્તરનાં કેટલાંક થાણાં કબજે કર્યાં. 1761 સુધીમાં અંગ્રેજોએ માહેને બાદ કરતાં બાકીનાં બધાં ફ્રેન્ચ થાણાં જીતી લીધાં.

1664માં કોઝિકોડેના માર્ગે કેરળમાં અંગ્રેજોનો પ્રવેશ થયો, જ્યાં તેઓએ તે વર્ષે કોઠી નાખી. 1683માં તેલ્લીચેરી ખાતે તથા 1684માં અંજેગો ખાતે તેમણે વસાહતો ઊભી કરી અને તે દ્વારા આ પ્રદેશમાં પોતાનો પગદંડો જમાવ્યો. તરત જ મરી, ઇલાયચી તથા ચંદન જેવી વસ્તુઓના વેપારનો ઇજારો તેમણે મેળવ્યો. સત્તરમી સદીની શરૂઆતથી આશરે સો વર્ષ સુધી આ પ્રદેશ પર દરિયામાર્ગે અવારનવાર મરાઠાઓનાં આક્રમણો થતાં રહ્યાં હતાં. 1756માં અંગ્રેજોએ સેનાપતિ આંગ્રેના નેતૃત્વ હેઠળના મરાઠા નૌકાદળનો પરાજય કર્યો. 1799માં શ્રીરંગપટ્ટણની લડાઈમાં ટીપુ સુલતાનનો પરાજય થતાં, મલબાર પ્રાંત પર અંગ્રેજોનો કબજો થયો. તે પછી કેરળના ઉત્તર ભાગમાં મોપલાઓના છૂટાછવાયા બળવા બાદ કરતાં કેરળના અન્ય પ્રદેશોમાં અંગ્રેજોના અમલ હેઠળ શાંતિ અને સુવ્યવસ્થા જળવાઈ.

આઝાદી પૂર્વે કેરળ ત્રાવણકોર અને કોચીનનાં બે દેશી રાજ્યો અને જૂના મદ્રાસ પ્રાંતના ભાગ રૂપે મલબાર એમ ત્રણ પ્રદેશોમાં વહેંચાયેલું હતું. ત્રાવણકોર રાજ્યે વડોદરા રાજ્યની માફક રાજ્ય દ્વારા મોટાભાગે નિયુક્ત અને સરકારી અમલદારોની બનેલી વિધાનસભાની રચના કરી હતી, જેને માત્ર પ્રશ્ન પૂછવા કે ચર્ચા કરવા સિવાય વિશેષ અધિકાર ન હતો. દીવાન સર્વસત્તાધીશ હતા અને વિધાનસભાએ બજેટમાં સૂચવેલા ફેરફારનો અમલ કરવાનું દીવાનની મુનસફી પર રહેતું. રાજાઓનું અંગત જીવન વૈભવી હતું. ત્રાવણકોર અને કોચીન જેવાં આગળ પડતાં રાજ્યોમાં રાજાના અંગત ખર્ચ માટે રાજ્યની કુલ આવકના 14 %થી 17 % ખર્ચ થતો હતો. 1929માં સાઉથ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ કૉન્ફરન્સે ત્રાવણકોર અધિવેશનમાં એમ. વિશ્વેશ્વરૈયાના પ્રમુખપણા નીચે જવાબદાર રાજ્યની માગણી કરી હતી.

ઓનમના ઉત્સવ પ્રસંગે સર્પ-નૌકાઓની સ્પર્ધા

કેરળમાં ચુસ્ત જાતિપ્રથા અને વ્યાપક અસ્પૃશ્યતાને કારણે હરિજનોને મંદિરમાં પ્રવેશ મળતો ન હતો. ત્રાવણકોર રાજ્યમાં હરિજનોને મંદિરમાં પ્રવેશ મળે તે માટે સત્યાગ્રહ કરાયો હતો. ઉદારમતવાદી હિંદુઓએ તેને ટેકો આપ્યો હતો. આ અંગે જનમત લેવાતાં 70 % લોકોએ હરિજનોના મંદિરપ્રવેશને ટેકો આપ્યો હતો. 12મી નવેમ્બર 1936ના રોજ ત્રાવણકોરના મહારાજાએ રાજાજ્ઞા દ્વારા મંદિરમાં હરિજનોના પ્રવેશને અનુમતિ આપી હતી. ત્રાવણકોર-કોચીનમાં શિક્ષણનું પ્રમાણ ઘણું હોવાથી ખાદીકામ, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળ્યો હતો. 1937માં પટ્ટાભિ સીતારામય્યાના પ્રમુખપણા નીચે ત્રાવણકોર જિલ્લા કૉંગ્રેસે જવાબદાર રાજતંત્રની માગણી કરી હતી અને રાજ્યમાં અનેક જાહેર સભાઓ ભરી હતી. 1938માં હરિપુરા કૉંગ્રેસ અધિવેશનમાં રાજ્યોની બાબતમાં માથું ન મારવાની નીતિનો ત્યાગ કરી, સક્રિય રસ લઈ દેશી રાજ્યોની પ્રજાને સહાય આપવા ઠરાવ થયો હતો. આ કારણે ત્રાવણકોર રાજ્યમાં ત્રાવણકોર સ્ટેટ કૉંગ્રેસે જવાબદાર રાજતંત્રની માગણી માટે ચળવળ શરૂ કરી હતી પણ 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં આ પ્રવૃત્તિમાં ઓટ આવી હતી. 1940માં ઑલ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ કૉન્ફરન્સે યુદ્ધમાં બ્રિટિશ સરકારને મદદ ન કરવા માટે ઠરાવ કર્યો હતો. તેને ત્રાવણકોર પ્રજામંડળે ટેકો આપ્યો હતો.

ત્રાવણકોર વિધાનસભાના બિનકૉંગ્રેસી સભ્યોએ સરકારની દમનનીતિ વિરુદ્ધ રાજીનામાં આપીને લોકોની લડતને ટેકો આપ્યો હતો. ધરપકડ કરાયેલા પૈકી પંદર વિધાનસભાના સભ્યો હતા. મહાત્મા ગાંધી તથા કમલાદેવી ચટ્ટોપાધ્યાયે આ દમનને વખોડી કાઢ્યું હતું અને ત્રાવણકોર રાજ્ય સાથે વાટાઘાટોના પ્રયત્નો બંધ કર્યા હતા.

રામસ્વામીએ ત્રાવણકોરના ચાર પૈકી ત્રણ જિલ્લાઓમાં જાહેર સભા ભરવા પર પ્રતિબંધ મૂક્યો અને એ. નારાયણ પિલ્લાઈને 18 માસની સજા કરી. કૉંગ્રેસની સભાઓ તોડવા ગુંડાગીરીનો આશ્રય પણ લેવાયો હતો. 1946માં આઝાદીની માગણી અંગે કૅબિનેટ મિશન ભારત આવ્યું ત્યારે બંધારણસભામાં દેશી રાજ્યોની પ્રજાના પ્રતિનિધિઓને સ્થાન મળવું જોઈએ એવો મત ત્રાવણકોર રાજ્ય પ્રજામંડળે વ્યક્ત કર્યો હતો, જ્યારે સી. પી. રામસ્વામી અય્યરે રાજકીય આંદોલનને કોમી સ્વરૂપ આપવા પ્રયત્ન કર્યો હતો અને જવાબદાર રાજતંત્રના આંદોલનને બળથી દબાવી દેવા પ્રયત્ન કર્યો હતો. 1947માં આઝાદીની પૂર્વસંધ્યાએ બ્રિટિશ સરકારના ભારતને આઝાદી મળતાં સાર્વભૌમત્વનો અંત આવશે એવા વિધાનનો ઊંધો અર્થ કરી ત્રાવણકોર રાજ્ય સ્વતંત્ર થવાનાં સ્વપ્ન જોવા લાગ્યું હતું. રામસ્વામીએ સ્ટેટ પીપલ લીગ અને ત્રાવણકોર નૅશનલ કૉંગ્રેસ જેવી લેભાગુ સંસ્થાઓ ઊભી કરાવી લોકોને ઊંધે રસ્તે દોરવા પ્રયત્ન કર્યો હતો. હિંદુઓને ખ્રિસ્તી વિરુદ્ધ કરવા રાજ્યે અનેક વાર પ્રયત્નો કર્યા પણ તે નિષ્ફળ ગયા હતા. લાઠીચાર્જ, ગોળીબાર તથા કેદની સજા કરવા છતાં લોકો તેમની જવાબદાર રાજતંત્રની માગણીમાં મક્કમ રહ્યા હતા.

જૂન 1947માં સી. પી. રામસ્વામી અય્યરે સ્વતંત્ર ત્રાવણકોર માટે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો પણ ત્રાવણકોરનરેશે બંધારણસભામાં ભાગ લેવા ભારત સરકારને જાણ કરતાં સ્વતંત્ર ત્રાવણકોરનો વિચાર પડતો મુકાયો હતો. કોચીનના રાજા પહેલેથી જ ભારત સાથેના જોડાણના મતના હતા અને તેમણે જવાબદાર રાજતંત્રની ઘોષણા કરી કોચીન રાજ્ય ભવિષ્યમાં સમગ્ર કેરળના એકીકરણને ટેકો આપશે એમ જાહેર કર્યું. બંને રાજ્યની પ્રજા કોચીન-ત્રાવણકોરના જોડાણની તરફેણ કરતી હતી અને પરિણામે જુલાઈ 1949માં ‘ત્રાવણકોર-કોચીન યુનિયન’ની રચના થઈ. ‘બી’ વર્ગના આ રાજ્ય(ત્રાવણકોર)ના રાજાની રાજપ્રમુખ તરીકે નિયુક્તિ થઈ. આ યુનિયનની રાજધાની ત્રિવેન્દ્રમ (હાલનું તિરુવનન્તપુરમ્) બન્યું.

કેરળરાજકીય વિકાસ : આઝાદી પૂર્વે કેરળ ત્રાવણકોર અને કોચીનનાં બે દેશી રાજ્યો અને મદ્રાસ પ્રાંતના ભાગરૂપ મલબાર એમ ત્રણ ટુકડામાં વહેંચાયેલું હતું. સરદાર પટેલની કુનેહથી 1-7-’49ના રોજ ત્રાવણકોર અને કોચીનનું ‘બી’ વર્ગનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ભાષાકીય ધોરણે પ્રાંતરચનાનો સિદ્ધાંત મધ્યસ્થ સરકારે સ્વીકારતાં 1-11-’56થી મલબાર અને કાસરગોડ તાલુકો ત્રાવણકોર-કોચીન સંઘ સાથે જોડાતાં કેરળની એકતા સધાઈ. કેરળની છેક દક્ષિણે આવેલા તમિળભાષી થોવલા, અગસ્તિવરમ્, કાલકુલમ્ અને વિલવનકોડે તથા પૂર્વ તરફનો શેનકોટ્ટા એ તાલુકાઓ તામિલનાડુ સાથે જોડાયા. લક્ષદ્વીપ, મીનીકૉય અને અમીનદિવી ટાપુઓને મલબારથી અલગ કરી તેને ‘સંઘ પ્રદેશ’ (Union Territory) તરીકે જાહેર કર્યા.

માર્ચ 1957માં ચૂંટણી થતાં ભારતમાં પ્રથમ વાર સામ્યવાદી પક્ષ કેરળમાં સત્તારૂઢ થયો. ઈ. એમ. એસ. નામ્બુદ્રીપાદ કેરળના પ્રથમ મુખ્યમંત્રી થયા. 31 જુલાઈ 1959ના રોજ આ મંત્રીમંડળને રુખસદ અપાઈ અને ફેબ્રુઆરી 1960માં વિધાનસભાની ચૂંટણી થતાં કાગ્રેસ પક્ષ બહુમતી મેળવી સત્તા ઉપર આવ્યો. 22-2-1960ના રોજ પટ્ટમ થાણુ પિલ્લાઈ મુખ્યમંત્રી થયા. 25-9-1962ના રોજ પિલ્લાઈ પંજાબના ગવર્નર તરીકે નિમાતાં
26-9-1962થી આર. શંકર મુખ્યમંત્રી થયા. 10-9-1964ના રોજ આર. શંકરનું મંત્રીમંડળ વિદાય થતાં માર્ચ 1965માં વિધાનસભાની ચૂંટણી થઈ. 1967ની ચૂંટણીમાં સામ્યવાદી પક્ષ ફરી વખત સત્તા પર આવ્યો. 24-10-1969 સુધી ઈ. એમ. નામ્બુદ્રીપાદનું મંત્રીમંડળ સત્તારૂઢ રહ્યું. 1-11-1969થી સામ્યવાદી અને સમાજવાદી

કેરળના મુખ્યમંત્રીઓ

  નામ હોદ્દાનો સમય પક્ષ
 (1) ઈ.એમ.એસ. નામ્બુદ્રીપાદ એપ્રિલ, 1957 – જુલાઈ, 1959 ભારતીય સામ્યવાદી પક્ષ
 (2) પદ્મમ્ થાનુપિલ્લાઈ ફેબ્રુઆરી, 1960 – સપ્ટેમ્બર, 1962 પી. એસ. પી.
 (3) આર. શંકર સપ્ટેમ્બર, 1962 – સપ્ટેમ્બર,  1964 કૉંગ્રેસ
 (4) ઈ.એમ.એસ. નામ્બુદ્રીપાદ માર્ચ, 1967 – નવેમ્બર, 1969 સામ્યવાદી પક્ષ
 (5) સી. અચ્યુત મેનન નવેમ્બર, 1969 – ઑગસ્ટ, 1970 સામ્યવાદી પક્ષ
 (6) સી. અચ્યુત મેનન ઑક્ટોબર, 1970 – માર્ચ, 1977 સામ્યવાદી પક્ષ
 (7) કે. કરુણાકરન માર્ચ, 1977 – એપ્રિલ, 1977 કૉંગ્રેસ પક્ષ
 (8) એ. કે. ઍન્ટની એપ્રિલ, 1977 – ઑક્ટોબર, 1978 કૉંગ્રેસ પક્ષ
 (9) પી. કે. વાસુદેવન્ નાયર ઑક્ટોબર, 1978 – ઑક્ટોબર, 1979 સા. પક્ષ
(10) સી.એચ. મોહમ્મદ કોયા ઑક્ટોબર, 1979 – ડિસેમ્બર, 1979 મુસ્લિમ લીગ
(11) ઈ. કે. નયનાર જાન્યુઆરી, 1980 – ઑક્ટોબર, 1981 સા. પક્ષ કૉંગ્રેસ
(12) કે. કરુણાકરન્ ડિસેમ્બર, 1981 – માર્ચ, 1982 કૉંગ્રેસ
(13) કે. કરુણાકરન્ મે, 1982 – માર્ચ, 1987 કૉંગ્રેસ
(14) ઈ. કે. નયનાર માર્ચ, 1987 – જૂન, 1991 સામ્યવાદી પક્ષ
(15) કે. કરુણાકરન્ જૂન, 1991 – માર્ચ, 1995 કૉંગ્રેસ પક્ષ
(16) એ. કે. ઍન્ટની માર્ચ, 1995 – મે, 1996 કૉંગ્રેસ પક્ષ
(17) ઈ. કે. નયનાર મે, 1996 – મે, 2001 સામ્યવાદી પક્ષ
(18) એ. કે. ઍન્ટની મે, 2001 – ઑગસ્ટ, 2004 કૉંગ્રેસ પક્ષ
(19) ઓમાન ચાન્ડી ઑગસ્ટ, 2004 – મે, 2006 કૉંગ્રેસ પક્ષ
(20) વી. એસ. અચ્યુતાનંદન મે, 2006 થી ચાલુ સામ્યવાદી પક્ષ

વગેરે પક્ષોનો ડાબેરી સંયુક્ત મોરચો સત્તા ઉપર આવ્યો. અચ્યુત મેનન મુખ્યમંત્રી થયા. 26 જૂન 1970ના રોજ વિધાનસભા બરખાસ્ત કરાઈ. 1-8-1970થી મેનન મંત્રીમંડળે રાજીનામું આપ્યું. સપ્ટેમ્બર 1970માં વિધાનસભાની ચૂંટણી થતાં અચ્યુત મેનન ફરી મુખ્યમંત્રી બન્યા. માર્ચ 1977માં વિધાનસભાની ચૂંટણી થતાં કૉંગ્રેસ પક્ષે બહુમતી મેળવી અને 25 માર્ચ 1977ના રોજ કરુણાકરનના નેતૃત્વ નીચે કૉંગ્રેસી પ્રધાનમંડળ રચાયું. કૉંગ્રેસમાં ખ્રિસ્તી અને બિનખ્રિસ્તી કૉંગ્રેસીઓ વચ્ચે વિખવાદ થતાં કરુણાકરનને રાજીનામું આપવું પડ્યું અને 27 એપ્રિલ 1977થી કૉંગ્રેસ પક્ષના એ. કે. ઍન્ટની મુખ્યમંત્રી થયા. 27 ઑક્ટોબર 1978ના રોજ ઍન્ટનીએ રાજીનામું આપ્યું અને પી. કે. વાસુદેવન નાયરના નેતૃત્વ નીચે ડાબેરી સંયુક્ત મોરચાએ મંત્રીમંડળની રચના કરી. 7 ઑક્ટોબર 1979ના રોજ બહુમતી ગુમાવતાં વાસુદેવન નાયરે સત્તા છોડી. 11 ઑક્ટોબર 1979ના રોજ મુસ્લિમ લીગ પક્ષના સી. એચ. મોહમ્મદ કોયાએ જમણેરી સંયુક્ત મોરચાની સરકાર રચી. કેરળના રાજકારણમાં કૉંગ્રેસમાં ફાટફૂટ હોવાથી તેને મુસ્લિમ લીગનો ટેકો લેવા ફરજ પડી હતી. આ મંત્રીમંડળ અલ્પજીવી નીવડ્યું. માત્ર એક માસ એકવીસ દિવસ સત્તા ભોગવ્યા પછી આ મંત્રીમંડળનું પતન થયું. જાન્યુઆરી 1980માં વિધાનસભાની ચૂંટણી થતાં ઈ. કે. નયનારે 25 જાન્યુઆરી 1980ના રોજ ડાબેરી સંયુક્ત મોરચાની સરકાર રચી. 20 ઑક્ટોબર 1981ના રોજ નયનાર સરકારનું પતન થયું. કે. કરુણાકરને યુનાઇટેડ ડેમોક્રૅટિક ફ્રન્ટની આગેવાની લઈને 28 ડિસેમ્બર 1981ના રોજ મંત્રીમંડળ રચ્યું. અંદરના વિખવાદને કારણે 17મી માર્ચ 1982ના રોજ કે. કરુણાકરને રાજીનામું આપ્યું. 19 મે 1982ના રોજ વિધાનસભાની ચૂંટણી થતાં યુનાઇટેડ ડેમોક્રૅટિક ફ્રન્ટ ફરી સત્તારૂઢ થયો અને કરુણાકરનની 24-5-1982ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથવિધિ થઈ. આ મંત્રીમંડળ લાંબા વખત સુધી ટક્યું.

23 માર્ચ 1987ના રોજ વિધાનસભાની ચૂંટણી થતાં ડાબેરી સંયુક્ત મોરચો વિજયી બન્યો અને 26 માર્ચ 1987થી 24 જૂન 1991 સુધી તે સત્તારૂઢ રહ્યો. ઈ. કે. નયનાર મુખ્યમંત્રી હતા. નયનાર મંત્રીમંડળ વિરુદ્ધ આક્ષેપો થતાં અને તેણે બહુમતી ગુમાવતાં 24 જૂન 1991થી કે. કરુણાકરન સત્તારૂઢ થયા. મુસ્લિમ લીગના ટેકાથી કૉંગ્રેસ પક્ષ સત્તા ટકાવી રાખી શક્યો.

કુદરતી સાધનસંપત્તિના પ્રમાણમાં તેમજ ભારતનાં કેટલાંક રાજ્યોની સરખામણીમાં કેરળમાં ઉદ્યોગો વિકસ્યા નથી. શિક્ષણના વ્યાપક ફેલાવા (કેરળનો એર્નાકુલમ જિલ્લો નિરક્ષરતાની સંપૂર્ણ નાબૂદી સાધવામાં દેશમાં પ્રથમ રહ્યો છે) સાથે, રોજગારીની તક પૂરતા પ્રમાણમાં નહિ હોવાથી મોટાભાગના કેરળના લોકો દેશમાં તેમજ વિદેશમાં જતા હોય છે. પશ્ચિમ એશિયાના દેશોમાં જતા ભારતીય લોકોમાં કેરળ મોખરે રહ્યું છે. મોટી સંખ્યામાં પરદેશગમનના કારણે ત્રિવેન્દ્રમને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બનાવવામાં આવ્યું છે. કચ્છની માફક કેરળના અર્થકારણને ‘મની ઑર્ડર અર્થકારણ’ કહેવામાં આવે છે.

1991માં અખાતી યુદ્ધ થતાં પશ્ચિમ એશિયામાં વસતા કેરળવાસીઓને સ્વદેશ પાછા ફરવાની ફરજ પડી હતી. તેમણે વેઠેલા નુકસાન ઉપરાંત ઘણા લોકો બેકાર બન્યા હતા અને રાજ્યના અર્થકારણને મોટો ફટકો પડ્યો હતો. યુદ્ધ પૂરું થયા પછી લાંબા સમયે પરિસ્થિતિ થાળે પડતાં કેટલાક લોકો અખાતી દેશોમાં પાછા ફર્યા છે.

કેરળ 140 બેઠકો ધરાવતી એકગૃહી ધારાસભા ધરાવે છે. કેરળ દક્ષિણ ભારતમાં દલિતોનું લઘુતમ પ્રમાણ ધરાવતું રાજ્ય છે. સમગ્ર દેશની દલિત વસ્તીમાં કેરળના દલિતો સૌથી વધુ અક્ષરજ્ઞાન ધરાવે છે. દલિત મહિલાઓની સાક્ષરતાનો દર પણ અહીં સમગ્ર દેશમાં સૌથી ઊંચો છે. જમીનદારી પ્રથાના સુધારાઓ, આરોગ્ય, શિક્ષણ, મહિલા-સાક્ષરતા, સશક્તીકરણ, પૂર્ણ સાક્ષરતા જેવાં કારણોસર દલિતોનું રાજકીયકરણ થયું છે. નારાયણ ગુરુ જેવા સમાજસુધારક અને બીજી બાજુ સામ્યવાદીઓના નેતૃત્વને કારણે કેરળમાં ઊંચી રાજકીય સભાનતા જોવા મળે છે. 2000 પછીનાં વર્ષોમાં ટેક્નૉસિટી નામની 500 એકરની ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજીની ટાઉનશિપ કેરળમાં ઊભી કરવામાં આવી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

શિવપ્રસાદ રાજગોર