કેરળનું સ્થાપત્ય : દક્ષિણ ભારતના પશ્ચિમ દરિયાકાંઠે આવેલો કેરળ એની વિશિષ્ટ સ્થાપત્યશૈલી માટે પ્રસિદ્ધ છે. મુખ્યત્વે લાકડાનો ઉપયોગ કરીને બનાવેલાં ત્યાનાં મકાનોનાં છાપરાં સીધા ઢોળાવવાળાં હોય છે. પંદરમી સદીમાં બાંધેલાં આવાં મકાનો હજુ સારી સ્થિતિમાં જોવા મળે છે.

કેરળમાં ગુફાઓ, મંદિરો, દેવળો, સિનેગોગ, મસ્જિદો, મહેલો અને કિલ્લાઓનું નિર્માણ થયું હતું. ગુફા-મંદિરોના લગભગ બે ડઝન જેટલા નમૂના મળી આવ્યા છે. તે દક્ષિણના આય પ્રદેશ અને ઉત્તરના ચેર પ્રદેશમાં આવેલા છે. શિવને સમર્પિત કવિયુરના સ્થળની ગુફા અહીંના શૈલાત્મક સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તિરુનાનંદિકર, કોટ્ટુકલ, કુન્નત્તુર, ત્રિક્કુર વગેરે સ્થળે આવેલાં ગુફા-મંદિરો જાણીતાં છે. કેરળ મંદિરોની ભૂમિ છે. મંદિરોનો ઉપરનો ભાગ ઢળતા છાપરાથી આવૃત હોય છે. આ મંદિરો સમચોરસ, વૃત્તાકાર અને એક છેડે ચાપાકાર (apsidal) પણ લંબચોરસ પ્લાન ધરાવે છે. થિરુકુલશેખરપુરમનું કૃષ્ણમંદિર, તાલીનું શિવમંદિર, કઝટકુટ્ટમનું મહાદેવમંદિર, પન્નિયુરનું આયપ્પન મંદિર, પાર્થિવપુરમનું પાર્થસારથિનું મંદિર, પોલ્પુલ્લીનું શિવ મંદિર વગેરે મંદિરો પ્રથમ તબક્કાના (લ. 800-1000 A. D.) છે. તિરુમિલ્લાઈનું શિવમંદિર, નેમામનું નિરમન્કર મંદિર, પુનાબુરનું ત્રિકોટેશ્વર મહાદેવનું મંદિર, ત્રિચુરનો વડક્કુન્નાથ મંદિરનો સમૂહ, પેરુવનમનું શિવમંદિર મણિપુરનું સુબ્રમણ્યમ્ મંદિર, ત્રિચ્ચમ્બરમ્નું રાજરાજેશ્વરનું મંદિર વગેરે મંદિરો મધ્ય તબક્કાના લગભગ ઈ.સ. 1000–1300માં બંધાયેલાં છે. કેરળના મંદિરસ્થાપત્યનો અંતિમ તબક્કો ઈ. સ. 1300થી 1800નો છે. ત્રિચુર ખાતે આવેલા વડક્કુન્નાથ મંદિરસમૂહમાંથી કૈલાસનાથ, શંકરનારાયણ અને રામ મંદિર છેલ્લા તબક્કાનાં છે. સુચિન્દ્રમનું સ્થાણુનાથસ્વામીનું મંદિર, ત્રિવેન્દ્રમનું પદ્મનાભસ્વામીનું મંદિર, વૈકમનું શિવમંદિર વગેરે આ સમય દરમિયાન બંધાયાં હતાં. સોળમી સદીમાં પોર્ટુગીઝોએ અહીં ચર્ચ-સ્થાપત્યની નવી પદ્ધતિ વિકસાવી. કોચીનનું સેંટ ફ્રાન્સિસનું ચર્ચ અહીંનું જાણીતું ચર્ચ છે. આ ચર્ચમાં 1524માં વાસ્કો-ડી-ગામાને દફનાવવામાં આવ્યો હતો પરંતુ 1538માં તેનું શબ કાઢીને પોર્ટુગલ લઈ જવાયું હતું. કન્જહુરનું સેંટ સેબેસ્ટીયનનું ચર્ચ પણ જાણીતું છે. મસ્જિદ-સ્થાપત્યમાં મદયીની જામી મસ્જિદ, કાલિકટની પર્પિલ મુહ્યિદ્-દીનની મસ્જિદ અને મિઠકાલની મસ્જિદ, કિલાન્ડીની જામી મસ્જિદ, તન્નુરની જામી મસ્જિદ ઉલ્લેખનીય છે. યહૂદીઓના સિનેગૉગ મટ્ટન્ચુરી અને કોચીનમાં આવેલા છે. મટ્ટન્ચુરી અને ત્રાવણકોરમાં આવેલા મહેલ દર્શનીય છે. પલ્લીપુરમ્, કોચીન, કન્નડનોર, ત્રિવેન્દ્રમ્ વગેરે સ્થળોએ કિલ્લાઓ આવેલા છે.

પદ્મનાભપુરમનો રાજમહેલ : સમગ્ર સંકુલના હાર્દરૂપ માતૃપ્રાસાદ અને
વાસ્તુપુરુષ મંડળની પવિત્ર જગા

અહીંના સ્થાપત્યનો સૌથી વધુ જાણીતો નમૂનો પદ્મનાભપુરમનો રાજમહેલ છે. તે ઈ.સ. 1400માં બંધાવો શરૂ થયેલો અને 1700માં પૂરો થયેલો. જુદા જુદા સમયે વિવિધ વ્યક્તિઓ દ્વારા બંધાયેલો હોવા છતાં તે એક જ ઢબે અને એક જ આયોજનથી બાંધેલો જણાય છે. 6.5 એકરમાં નાનાંમોટાં ઘણાં મકાનો અને તેમની વચ્ચે ચૉક આવેલો છે. નાનામોટા અને ઊંચાનીચા ઢોળાવોવાળાં છાપરાંની અદ્વિતીય ગોઠવણી આ પ્રકારના સ્થાપત્યનું અગત્યનું અંગ જણાય છે. વધુ વરસાદ, અતિશય પવન અને ભેજવાળી આબોહવાને અનુરૂપ આ મકાનોની રચના થયેલી છે.

કેરળના થાચુશાસ્ત્રમ્ પ્રમાણે બધાં મકાનોની રચના થયેલી છે. એક જ પ્રકારની સામગ્રીનો ઉપયોગ છાપરાંમાં થયેલો હોવાથી મકાનોમાં એક પ્રકારનું સામ્ય જોવા મળે છે. સીધા ઢોળાવવાળાં અને લાલ નળિયાંવાળાં છાપરાં દીવાલોથી આગળ લંબાવેલાં હોય છે. આથી દીવાલો ઘણે અંશે દેખાતી નથી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દીવાલો અને બારીઓને સ્થાને લાકડાની પટ્ટીઓના સાંધાથી સુંદર આડશ ઊભી કરવામાં આવે છે. આ જાતની રચના વચ્ચે અબરખ (અર્ધપારદર્શક પદાર્થ) મૂકવામાં આવે છે. તે આ પ્રકારના સ્થાપત્યની વિશિષ્ટતા દર્શાવે છે. અબરખને લીધે અંદરની બાજુએ એક આછો સુંદર પ્રકાશ પથરાઈ જાય છે.

લાકડાના કામમાં તેમજ કાળા રંગની ઝગમગાટ કરતી ફરસમાં કારીગરોનું કૌશલ જણાઈ આવે છે.

1950થી 1990 સુધીમાં કેરળના સ્થાપત્યમાં એક ખાસ શૈલી ઉદભવી છે જેમાં સ્થપતિ લૉરી બેકરનું નામ વિશેષ પ્રખ્યાત છે. તેમણે સસ્તાં મકાનોમાં ઈંટોની જાળીવાળી દીવાલો અને છતનો ઉપયોગ કર્યો છે.

મીનાક્ષી જૈન

થોમસ પરમાર