કેની, ચન્દ્રકાન્ત (જ. 1934) : હિંદી, મરાઠી, કોંકણી સાહિત્યકાર. તેમની કૃતિ ‘વ્હંકલ પાવણી’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. કોંકણી સાહિત્ય અને પત્રકારત્વમાં તેમનું નામ બહુ જાણીતું છે. ગોવા મુક્તિ-આંદોલનના તેઓ સક્રિય કાર્યકર હતા. રાજ્યની ભાષાકીય તથા સાંસ્કૃતિક એકતા સિદ્ધ કરવાના લક્ષ્યથી તેમણે 1963માં ‘રાષ્ટ્રમત’ નામના મરાઠી દૈનિકનું પ્રકાશન કર્યું. કોંકણી ભાષા મંડલ તથા ઑલ ઇન્ડિયા કોંકણી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા. તેઓ ગોમાંતક રાષ્ટ્રભાષા વિદ્યાપીઠના અધ્યક્ષ તથા કોંકણી દૈનિક ‘સૂનાપરન્ત’ના તંત્રી પણ રહેલા.

ચન્દ્રકાન્ત કેની

તેમનાં અનેક પુસ્તકોમાં મોટાભાગની રચનાઓ વાર્તાઓ તથા નવલકથાઓ છે. તેમાં ‘ધરતરી અજમ લીતાલી’, ‘અશદ પનવલ્લી’, ‘અલમી’ તથા ‘એકલો એકાંસો’ મુખ્ય છે. તેમની કેટલીક વાર્તાઓ ભારતની તથા પરદેશની કેટલીક ભાષાઓમાં અનુવાદ પામી છે.

‘વ્હંકલ પાવણી’માં 20 વાર્તાઓ છે. રચનાકૌશલની પરિપૂર્ણતા ઉપરાંત, પાત્રસૃષ્ટિની વિવિધતા તથા તેના આલેખનની ઉત્તમતા આ કૃતિમાં નોંધપાત્ર છે. તેમાં લેખકે ગોવાવાસીઓના પાછલાં 30 વર્ષના સામાજિક-સાંસ્કૃતિક જીવનનું સમભાવ તથા સૂઝપૂર્વક ચિત્રણ કર્યું છે.

મહેશ ચોકસી