કૃષ્ણ : વસુદેવ અને માતા દેવકીના પુત્ર. મહામાનવ અને પૂર્ણાવતાર.

કૃષ્ણચરિત્ર મહાભારત, પુરાણો, પ્રાચીન તમિળ સાહિત્ય અને તમિળ ‘દિવ્ય પ્રબન્ધમ્’માં વર્ણવાયેલું છે.

કૃષ્ણ : એક પારંપરિક રેખાંકન

વસુદેવ અને દેવકીનાં લગ્ન થયા પછી, કંસ કાકાની દીકરી બહેન દેવકીને શ્વશુરગૃહે પહોંચાડવા જતો હતો. માર્ગમાં દેવકીના આઠમા સંતાન દ્વારા પોતાનું મૃત્યુ થશે એ જાણતાં કંસે વસુદેવ-દેવકીને કારાગૃહમાં નાખ્યાં. તેમના સાત પુત્રોની હત્યા કરી. આઠમા પુત્ર કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ (પૂર્ણિમાની ભાદરવા વદ) આઠમ ને બુધવારની મધ્યરાત્રિએ રોહિણી નક્ષત્ર હતું ત્યારે કારાગારમાં થયો. વસુદેવને અનેક પત્નીઓ હતી. તે પત્નીઓના પુત્રોની પણ કંસે હત્યા કરેલી એમ ‘વાયુપુરાણ’ વગેરે પુરાણોમાં છે.

વસુદેવે શ્રીકૃષ્ણની રક્ષા માટે તેમને ગોકુળમાં નંદ ગોપને ત્યાં પહોંચાડ્યા; અને નંદપત્ની યશોદાની નવજાત કન્યાને લઈને કારાગૃહમાં પાછા આવ્યા. કંસે ક્ધયાનો વધ કરવા પ્રયત્ન તો કર્યો, પણ ફાવ્યો નહિ. અહીં એને આકાશવાણીથી ખબર પડી કે દેવકી-વસુદેવનો પુત્ર તો સુરક્ષિત સ્થાને પહોંચી ગયો છે.

યાદવોના પુરોહિત ગર્ગ મુનિએ ગુપ્તરૂપે કૃષ્ણના નામકરણાદિ સંસ્કાર અને ભવિષ્યકથન કર્યાં.

બાળલીલા : કંસે પોતાની બહેન અને ધાત્રી પૂતનાને કૃષ્ણનો વધ કરવા મોકલી. તેણે વ્રજમાં આવી શ્રીકૃષ્ણના મુખમાં પોતાનું વિષયુક્ત સ્તન મૂક્યું. કૃષ્ણ તેના સ્તન્યને તેના પ્રાણ સાથે પી ગયા. એ રીતે તૃણાવર્ત, વત્સાસુર, બકાસુર, અઘાસુર, વ્યોમાસુર, અરિષ્ટાસુર, કેશી વગેરેનો પણ કૃષ્ણે વધ કર્યો. ગાડા નીચે સુવાડેલા શ્રીકૃષ્ણે સ્તન્યપાનની ઉત્કટ ઇચ્છાથી રડતાં રડતાં હાથપગ ઉછાળીને પગના ધક્કાથી શકટને ઊંધું પાડ્યું. યમુનાના જળને વિષાક્ત બનાવતા કાલિય નાગનું દમન કર્યું. ભારે તોફાનમસ્તી માટે યશોદાએ તેમને ઊખળ સાથે દામણાથી બાંધ્યા. મહાયોગીઓથીય ન બંધાનાર કૃષ્ણ વાત્સલ્યમયી માતાના સ્નેહથી બંધાયા. ખાંડણિયા સાથે ઘસડાઈને ચાલ્યા. બે યમલાર્જુન વૃક્ષના રૂપમાં રહેલા કુબેરના બે પુત્રોને શાપમુક્ત કર્યા. દાવાનળપાન કર્યું. બ્રહ્માજીને થયેલો મોહ-ભ્રમ દૂર કર્યો. પ્રપન્ન ઋષિપત્નીઓનું ભોજન સ્વીકારી તેમની વિષયાસક્તિની બેડીઓ તોડી નાખી. ગોવર્ધન ધારણ કરી ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. યમુનામાં ડૂબી ગયેલા પિતા નંદ ગોપને વરુણ પાસેથી પાછા લાવ્યા વગેરે અનેક બાળલીલાઓ કરી.

વ્રજવાસીઓનાં સદભાગ્ય તો અસીમ હતાં. પરમાનંદસ્વરૂપ સનાતન પરિપૂર્ણ બ્રહ્મ એમના મિત્ર હતા. માથા ઉપર મયૂરપિચ્છ, કાનમાં કરેણનાં ફૂલ, ઘનશ્યામ શરીર ઉપર પીળું પીતાંબર, ગળામાં વૈજયન્તી માળા, શ્રેષ્ઠ નટ જેવો સુંદર વેશ, વેણુનાં છિદ્રોમાંથી વિશ્વમોહક મધુર ધ્વનિ અને પાછળ પાછળ એમનાં યશોગાન ગાતા ગાતા ગોપાળના બાળ. એ મુરલીધ્વનિ સુણીને વ્રજનાં નિવાસીઓ બાલકૃષ્ણમય થઈ જતાં. મનોમન બાલકૃષ્ણને આલિંગન આપતાં. એમની વેણુઓ પણ અનેક પ્રકારની. એમનાં નામ : મહાનંદા, મદનઝંકાર, સરલા, આનંદિની, સમ્મોહિની ઇત્યાદિ.

ચીરહરણ અને રાસલીલા : નિર્દોષ ગોપીકુમારીરૂપી પરમ પ્રપન્ન ભક્તોના પ્રેમથી આકૃષ્ટ લાવણ્યસાર બાલકૃષ્ણે તેમનાં માયાનાં આવરણ દૂર કર્યાં, તે ચીરહરણનો સાર. રાસલીલા પ્રપન્ન પ્રેમાળ ભક્તોના પરમાત્મા સાથેના મિલન અને ઐક્યથી અનુભવાતા બ્રહ્માનંદની સૂચક છે. શાન્ત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય અને સર્વોત્કૃષ્ટ મધુર ભાવથી ભાવિત ભક્તજનો અને સાક્ષાત્ મન્મથમન્મથી – સાક્ષાત્ કામદેવના ચિત્તને પણ મથી નાખનાર બાલકૃષ્ણના મિલનનું, એ અણચાખ્યા રસનું દર્શન છે. ઇન્દ્રિયાતીત ભગવાન કૃષ્ણને સર્વત્ર આત્મારૂપે અનુભવાતા મધુર ભાવથી પ્રસન્નચિત્ત ભક્તહૃદયની એ વર્ણનાતીત અનુભૂતિ છે. અસાધ્યસમ કામરૂપી હૃદ્રોગથી મુક્ત નિરામય ચિત્તનો ઉલ્લાસ છે.

પ્રાચીન તમિળ સાહિત્યમાં કણ્ણન્ (કૃષ્ણ) અને નપ્પિન્નૈની લીલા અને નૃત્યોનો ઉલ્લેખ છે. વિઘ્નો દૂર કરવા માટે આયરો(આહીરો)માં શ્રીકૃષ્ણને રીઝવવા ‘કુરવૈ-કૂત્તુ’ રાસનૃત્ય (રાસલીલા) આવશ્યક હતું. શ્રીકૃષ્ણે મોટાભાઈ બલરામ અને પ્રિયતમા નપ્પિનૈને સાથે રાખીને રાસલીલા કરેલી એમ આહીરો માનતા. તમિળ નપ્પિન્નૈના પાત્ર ઉપરથી રાધાના વ્યક્તિત્વનો વિકાસ થયો છે એમ ઘણા વિદ્વાનો માને છે. પ્રાચીન તમિળ સાહિત્ય અને આળવાર ભક્તોના ‘દિવ્ય પ્રબન્ધમ્’માં માયન્ (અત્યંત આશ્ચર્યમય માયાવી ચેષ્ટાઓ કરનાર) કણ્ણન્ અને નપ્પિન્નૈના નિર્દેશ વારંવાર મળે છે. શ્રીકૃષ્ણનાં મંદિરોમાં શ્રીકૃષ્ણ અને નપ્પિન્નૈની યુગલમૂર્તિની ઉપાસના થતી. નપ્પિન્નૈ માતાની જેમ જીવો ઉપર દયા રાખે છે અને ભગવાનને જીવો ઉપર દયા કરવા પ્રેરે છે.

રાધા-કૃષ્ણનો સંબંધ આધ્યાત્મિક છે. રાધા સૃષ્ટિની આધારભૂતા છે અને શ્રીકૃષ્ણ અચ્યુત બીજરૂપ છે. રાધા શ્રીકૃષ્ણની શોભા છે.

કંસવધ : ગોકુળમાં શ્રીકૃષ્ણ અગિયાર વર્ષ રહ્યા. તે પછી કંસે શ્રીકૃષ્ણને અમાપ બળશાળી અને મલ્લવિદ્યાવિશારદ જાણી અક્રૂર મારફતે મથુરા બોલાવ્યા. નગરમાં ઘૂમતાં તેમણે એક ધોબી પાસેથી કપડાં લીધાં, એક દરજીએ તેમને રંગબેરંગી વસ્ત્ર આપ્યાં, એક માળીએ પુષ્પહાર અર્પ્યો, ત્રિવક્રા કુબજાએ કંસ માટેનો ચંદનલેપ લગાવી આપ્યો. શ્રીકૃષ્ણે તેનું કુબજાપણું દૂર કરી સુંદરી બનાવી અને વેપારીઓએ વિવિધ ઉપહારોથી એમનો સત્કાર કર્યો. કૃષ્ણે શસ્ત્રાગારમાંનું ભવ્ય ધનુષ્ય તોડ્યું, કુવલયાપીડ હાથીને માર્યો અને બલરામ સહિત શ્રીકૃષ્ણ અખાડામાં પ્રવેશ્યા. ચાણૂર-શલ-તોષલને માર્યા. ખીજવાયેલા કંસને સિંહાસન ઉપરથી ઉથલાવીને સંહાર્યો. માતાપિતા દેવકી-વસુદેવને પ્રેમથી મળ્યા. કંસના પિતા ઉગ્રસેનને ગાદીએ બેસાડ્યા.

કંસની ઉત્તરક્રિયા પતાવ્યા પછી યુવાનીના ઉંબરે ઊભેલા શ્રીકૃષ્ણ-બલરામનો ઉપનયનસંસ્કાર થયો. શ્રીકૃષ્ણ-બલરામ અવંતિ-નિવાસી કાશીના સાંદીપનિને ત્યાં અભ્યાસ માટે ગયા. એકપાઠી હોઈ ચોસઠ દિવસમાં જ અંગો સહિત વેદો, ધનુર્વેદ અને અનેક શાસ્ત્રોનું સરહસ્ય જ્ઞાન મેળવી લીધું. જ્ઞાન-વિજ્ઞાનમાં નિપુણ થયા. અભ્યાસ પૂર્ણ થતાં ગુરુદક્ષિણામાં સમુદ્રમાં ડૂબી ગયેલા મનાતા ગુરુપુત્રને પાછો લાવી આપ્યો. ગુરુપુત્રને લેવા જતાં સમુદ્રમાં પંચજન રાક્ષસનો વધ કરી વિખ્યાત પાંચજન્ય શંખ લાવ્યા.

શ્રીકૃષ્ણ સારથ્યકળા અને અશ્વવિદ્યાના અનુપમ નિષ્ણાત હતા. એમના રથના અશ્વોનાં નામ સૈન્ય (શૈબ્ય), સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક. તેના ઉપર ગરુડધ્વજ ફરકતો.

કંસવધ પછી નંદ-યશોદા અને ગોપીઓને સાંત્વન આપવા શ્રીકૃષ્ણે ઉદ્ધવને વ્રજમાં મોકલ્યા. ગયા હતા તો આશ્વાસન આપવા, પરંતુ શ્રીકૃષ્ણને પોતાના પ્રેષ્ઠ આત્મા અનુભવતી ગોપીઓની ચરણરજને મસ્તક ઉપર ચડાવીને પાછા આવ્યા.

દ્વારકાગમન : કંસવધ પછી કંસનો સસરો જરાસંધ મથુરા ઉપર વારંવાર આક્રમણ કરવા લાગ્યો, તેથી નાગરિકોને યુદ્ધથી તકલીફ ન થાય તે માટે કૃષ્ણ-બલરામ મથુરા છોડી દક્ષિણમાં ગયા. પીછો કરતા જરાસંધને સહ્યાદ્રિના ગોમંત શિખર પાસે હરાવ્યો. પુન: મથુરા આવ્યા. તે પછી મથુરા ત્યજીને સૌરાષ્ટ્રમાં કુશસ્થલી(દ્વારકા)માં નિવાસ કર્યો.

લગ્નો : લોકમાન્યતા અને ‘ભાગવત’ અનુસાર શ્રીકૃષ્ણને આઠ પટરાણીઓ હતી – રુક્મિણી, સત્યભામા, જાંબવતી, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. ‘હરિવંશ’ વગેરે પુરાણોમાં આ સંખ્યા અને નામોમાં ઘણો ફેરફાર છે. તદુપરાંત નરકાસુરે અપહરણ કરેલી અને શ્રીકૃષ્ણે છોડાવેલી 16,000 કુમારિકાઓ સાથે પણ તેમણે વિવાહ કરેલો. મહાભારતમાં રુક્મિણી, સત્યભામા, ગાંધારી, જાંબવતી, હૈમવતી અને શૈબ્યા એમ છ રાણીઓનાં નામ છે.

સત્યભામા એ જ સત્યા હશે. સત્યભામા સાથેના શ્રીકૃષ્ણના વિવાહમાં સ્યમંતક મણિની ચોરીના પ્રસંગે મહત્ત્વનો ભાગ ભજવ્યો લાગે છે. સ્યમંતક મણિને લીધે સત્રાજિત બહુ વૈભવ પ્રાપ્ત કરી શક્યો હતો. તેથી યાદવોમાં ઘણાની નજર એ મણિ ઉપર હતી. આ વાતમાંથી યદુકુલોમાં વિરોધ ઊભો થવાનો સંભવ હતો. એની ચોરીનો આરોપ કૃષ્ણ ઉપર આવ્યો કેમ કે કૃષ્ણ તે સમયે સર્વ યાદવોના અગ્રણી હતા. એ વાતની ઘણાને ઈર્ષ્યા હતી. એવા લોકોએ કૃષ્ણે આ મણિ ચોર્યો હોવાની વાત વહેતી મૂકી. બલરામ પણ આ પ્રચારમાં ભરમાઈ ગયા અને કૃષ્ણને ચોર માનવા લાગેલા. કૃષ્ણને આ ચોરી કરનાર વિશે ગંધ આવેલી પણ એ નામ જાહેર થાય તો પણ મોટો કુટુંબક્લેશ ઊભો થવાનો સંભવ હતો. તેથી કૃષ્ણે ધૈર્યપૂર્વક કામ લઈ લાંબે ગાળે એ મણિ મેળવ્યો અને એ રીતે પોતાની નિર્દોષતા પુરવાર કરી. આ પ્રસંગથી યાદવોમાં અંત:કલહ ટળ્યો. સત્યભામા એક જ એવી હતી જે શ્રીકૃષ્ણને નિર્દોષ માનતી હતી. સ્યમંતક એ રીતે કૃષ્ણ-સત્યભામાના વિવાહમાં નિમિત્ત બન્યો.

વૈદિક આર્યધર્મ અનુસાર મનુષ્યને પવિત્ર ગૃહસ્થાશ્રમ ચલાવવા ધર્મપત્ની (કામપત્ની નહિ) હોવી જોઈએ. તદનુસાર શ્રીકૃષ્ણ રુક્મિણીને વર્યા. રુક્મિણી સિવાય બીજી રાણીઓ સાથે કોઈ ને કોઈ કપરા સંયોગોમાં તેમને બચાવવા, નિરાધારને રક્ષણ અને આધાર આપવા શ્રીકૃષ્ણને લગ્નો કરવાં પડેલાં. નરકાસુરે અપહૃત કરેલી 16,000 સ્ત્રીઓને મુક્ત કરી તેમની સાથે વિવાહ કરીને તો શ્રીકૃષ્ણે યુગપ્રવર્તક પ્રસ્થાન કર્યું છે. રૂઢિચુસ્ત હિંદુઓ આજેય અપહૃતાઓને સ્વીકારતા નથી. ઈ.સ. 1947માં હિંદુસ્તાનના ભાગલા પડ્યા ત્યારે અપહૃતા હિંદુ (વૈદિક-જૈન-શીખ) નારીઓની જે દુર્દશા થઈ હતી તે સુવિદિત છે. ત્યારે તે પ્રાચીન યુગમાં શ્રીકૃષ્ણે આ 16,000 નારીઓને સાદર વસાવીને સન્માનનીય કરી છે.

શ્રીકૃષ્ણના પુત્રોમાં પ્રદ્યુમ્ન, ભાનુ, સાંબ વગેરે મુખ્ય હતા.

શિષ્ટસંપ્રતિપત્તિસત્રો (ધર્મસંપ્રતિપત્રિસત્રો) : ભારતમાં પ્રાચીન કાળમાં પણ અપ્રતિમ વિચારસ્વાતંત્ર્યને લીધે ધર્મવિચારમાં સૈદ્ધાંતિક મતભેદ હતા. અપ્રમત્ત પ્રબુદ્ધ પુરુષોમાં ‘ધર્મ’ એટલે કોઈ મતસંપ્રદાય નહિ પણ સમાજને ઉચ્ચતમ કક્ષાએ પહોંચાડતું અનુભવસિદ્ધ-જ્ઞાન-વિજ્ઞાન. એ વૈજ્ઞાનિક સત્ય એક જ છે. તેની પ્રતીતિ માટે શ્રીકૃષ્ણે હિમાલયમાં કૈલાસની પાસે બિંદુ સરોવર આવેલું છે તે સ્થળે શિષ્ટસંપ્રતિપત્તિસત્રો નામનાં 1000 દિવસ ચાલનારાં દીર્ઘ સત્રો યોજેલાં. આ સત્રોમાં શિષ્ટો અર્થાત્ શ્રેષ્ઠ  આચાર્યોમાં ધર્મમતોનું ઐક્ય સાધવા, સંપ્રદાયો અનેક હોઈ શકે, ધર્મ તત્વ એક છે તે સાધવા શ્રીકૃષ્ણે શ્રદ્ધાપૂર્વક યજન કરેલું. દરેક સત્રના અંતે તેઓ હજારો-લાખોની સંખ્યામાં વૈદિક અનુગમના પ્રતીક સુવર્ણમાળાવાળા યૂપોનું અને શ્રમણ અનુગમના પ્રતીક સુવર્ણમાળાવાળાં ચૈત્યોનાં દાન દેતા. આ સત્રો દરમિયાન તેઓ તે સમયના હિંદુસ્તાનને જ્ઞાત વિશ્વમાં  બૃહદ્ ભારતમાં દિગ્વિજય માટે ફરતા અને જુલમી રાજાઓ તેમજ શાસકોને કાબૂમાં લઈને પ્રજાને સુખી કરી તેમનું રંજન કરતા.

શ્રીકૃષ્ણના જીવનચરિત્રની મહત્વની કડીરૂપ આ અવિસ્મરણીય પ્રસંગ તરફ કદાચ કોઈનું ધ્યાન દોરાયું નથી.

આ સત્રો શ્રીકૃષ્ણે તેમની 15થી 31 વર્ષની ઉંમર દરમિયાન કરેલા. એ ગાળામાં એમણે વિદ્યાર્જન, દ્વારકાસ્થાપન અને લગ્નો પણ કરેલાં એમ જણાય છે.

જરાસંધવધ : દ્રૌપદીસ્વયંવરમાં શ્રીકૃષ્ણ હાજર રહેલા. અહીં તેઓ પાંડવોને મળેલા. દ્રૌપદીને વર્યા પછી પાંડવોએ ખાંડવપ્રસ્થના (શેરડીના વિસ્તારના) ઘોર જંગલમાં શ્રીકૃષ્ણના માર્ગદર્શન નીચે ઇન્દ્રપ્રસ્થનગર બાંધ્યું. અર્જુને સુભદ્રા સાથે લગ્ન કર્યું તે પછી શ્રીકૃષ્ણ-અર્જુને ખાંડવદહન કર્યું. અહીં અગ્નિએ શ્રીકૃષ્ણને વજ્રનાભ સુદર્શન ચક્ર અને વરુણે કૌમોદકી ગદા આપી.

આ પછી રાજસૂય યજ્ઞ કરવા યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણની સલાહ માગી. તેમણે અનુમતિ આપી. તે માટે વૈદિક આર્યધર્મમાં જેનું જરાય સ્થાન નથી તેવો નરમેધ કરવા ઉદ્યુક્ત જરાસંધ જેવા બળવાન રાજાનો વધ કરવો અનિવાર્ય છે તે દર્શાવ્યું. તે માટે બરાબર આયોજન કરીને, ક્ષત્રિય સ્નાતકના વેષમાં શ્રીકૃષ્ણ, અર્જુન અને ભીમ જરાસંધને ત્યાં ગયા. તેને નરમેધ બંધ કરવા અથવા દ્વંદ્વયુદ્ધ કરવા પડકાર્યો. દ્વંદ્વયુદ્ધમાં ભીમસેને જરાસંધનો વધ કર્યો. બંદિવાન રાજાઓને મુક્ત કર્યા. જરાસંધના પુત્ર સહદેવને ગાદીએ બેસાડ્યો.

શિશુપાલવધ : પાંડવોના રાજસૂય યજ્ઞમાં ભીષ્મે શ્રીકૃષ્ણને અગ્રપૂજાનું માન આપ્યું. જરાસંધનો એક સમયનો સેનાપતિ શિશુપાલ છંછેડાયો. શ્રીકૃષ્ણને વ્યક્તિગત ગાળો આપી અપમાન્યા. નમ્રતાના સાગર શ્રીકૃષ્ણે સહન કરી લીધું. પણ તેણે જ્યારે યુદ્ધનું આહ્વાન કરી રાજસૂયને ભયમાં મૂક્યો ત્યારે પોતે રાજસૂયના રક્ષકનું કાર્ય સંભાળેલું હોઈ તેનો વધ કર્યો.

શ્રીકૃષ્ણ રાજસૂય પ્રસંગે ઇન્દ્રપ્રસ્થમાં હતા ત્યારે તેમની અનુપસ્થિતિમાં શિશુપાલના મિત્ર માર્તિકાયનના શાલ્વે દ્વારકાને ખેદાનમેદાન કરેલી. શ્રીકૃષ્ણે દ્વારકા પાછા ફર્યા પછી તેનો વધ કર્યો.

મહાભારત યુદ્ધ : દ્યૂતખેલનમાં હારેલા પાંડવો વનવાસમાં હતા, ત્યારે શ્રીકૃષ્ણ તેમને અવારનવાર મળતા. સખી દ્રૌપદીને આશ્વાસતા. પાંડવોનો વનવાસ દ્યૂતની શરત અનુસાર પૂર્ણ થયો છતાં દુર્યોધને પાંડવોને રાજ્ય આપવાનો નન્નો ભણ્યો. યુદ્ધની તૈયારીઓ ચાલી. તેમાં અર્જુન અને દુર્યોધન બન્ને શ્રીકૃષ્ણની મદદ યાચવા આવ્યા. દૈવી સંપત્તિના અધિનાયક શ્રેયોભિલાષી અર્જુને યુદ્ધમાં નહિ લડનાર શ્રીકૃષ્ણને માર્ગદર્શક નેતા અને સારથિ તરીકે પસંદ કર્યા. આસુરી સંપત્તિવાળો દુર્યોધન તો કરોડોનું ગોપસૈન્ય મેળવી રાજીના રેડ થઈ ગયો.

શ્રીકૃષ્ણની અને પાંડવોની ઇચ્છા પણ યુદ્ધ ન થાય અને શાન્તિ જળવાય તેવી હતી. તેથી પાંડવો તરફથી શાન્તિ માટે રાજદૂત બનીને શ્રીકૃષ્ણ હસ્તિનાપુર ગયા. શ્રીકૃષ્ણને પાંડવોથી અલગ પાડવા, તેમના માર્ગમાં અનેક જાતની લોભામણી સગવડો અને ભેટો આપવા વગેરેનું કૌરવોએ આયોજન કર્યું. સ્થિરબુદ્ધિ કૃષ્ણ તો તેના તરફ નજર પણ નાખ્યા વિના સીધા હસ્તિનાપુર પહોંચ્યા. દુર્યોધને શ્રીકૃષ્ણને ભોજન માટે આમંત્ર્યા. શ્રીકૃષ્ણે અસ્વીકાર કર્યો. શાન્તિદૂત શ્રીકૃષ્ણના સંભાષણથી કૌરવોનાં દુષ્કૃત્યો સુસ્પષ્ટ થતાં ભીષ્મ, દ્રોણ જેવા મંત્રીઓ કૃષ્ણના સમર્થક બન્યા. ભીષ્મ, દ્રોણ, ગાંધારી, ધૃતરાષ્ટ્ર અને કણ્વ, નારદ, જામદગ્ન્ય રામ વગેરેએ દુર્યોધનને સમજાવ્યો. ન માન્યો. તેણે તો રાજનીતિથી વિરુદ્ધ રાજદૂત કૃષ્ણને કેદ પકડવાનું ગોઠવ્યું. ક્ષિપ્રકારી શ્રીકૃષ્ણે તો દુર્યોધન સહિત આખી કૌરવ સંસદને તેમના જ પાટનગરમાં કેદ કરી શકે તેવું સામર્થ્ય દર્શાવતાં દુર્યોધનની યોજના પડી ભાંગી. શ્રીકૃષ્ણે તે પછી પોતાનું વિશ્વરૂપ બતાવી કૌરવ સાંસદોને ભેદી નાખ્યા  સંધિની વાટાઘાટો તૂટી પડી.

યુદ્ધ નિશ્ચિત થયું. કુરુક્ષેત્રના મેદાન ઉપર બન્ને પક્ષની સેનાઓ વ્યૂહબદ્ધ ગોઠવાઈ ગઈ. અર્જુનની વિનંતીથી શ્રીકૃષ્ણે રથને બન્ને સૈન્યોની વચમાં લીધો. ત્યાં બન્ને બાજુએ સ્વજનોને નિહાળતાં અર્જુનને ઘેરો વિષાદ થયો. તે યુદ્ધમાંથી નિવૃત્ત થઈને સંન્યાસી થવાની વાત કરવા લાગ્યો. શ્રીકૃષ્ણે ભગવદગીતાગાન સંભળાવીને તેને સ્થિર કર્યો. યુદ્ધ આરંભાયું. યુદ્ધમાં શ્રીકૃષ્ણે લડ્યા વિના પણ અનેક પ્રકારે સહાય કરીને પાંડવોને આફતોમાંથી વારંવાર બચાવ્યા અને વિજયી કર્યા. તેઓ અર્જુનના સારથિ બન્યા. અશ્વોની સેવા અને રથની જાળવણી કરી. અપ્રતિમ કૌશલથી યુદ્ધક્ષેત્ર ઉપર રથ હાંક્યો. રથી અર્જુનને વારંવાર માર્ગદર્શન આપ્યું. ભીષ્મ, દ્રોણ, કર્ણ, શલ્ય, દુર્યોધન વગેરેને ધરાશાયી કર્યા. કર્ણની વાસવી શક્તિ ઘટોત્કચ ઉપર વેડફાવી અર્જુનને બચાવ્યો. ભૂરિશ્રવાના પંજામાંથી સાત્યકિને બચાવ્યો. જયદ્રથવધની અર્જુનની પ્રતિજ્ઞા પાર પાડી. મહાયુદ્ધમાં કટોકટીભરી સ્થિતિ હતી, ત્યારે ‘ગાંડીવ બીજાને આપી દે એમ કહે તેનો વધ કરવો’ તેવી પોતાની પ્રતિજ્ઞાના શબ્દને વળગી રહી, તેનું બાલિશ અર્થઘટન કરી, પૂજ્ય ગુરુજન મોટાભાઈ યુધિષ્ઠિરનો વધ કરવા અર્જુને તલવાર તાણી ત્યારે શ્રીકૃષ્ણે અર્જુનને સત્યાસત્યમીમાંસા કહી, ધર્મમય માર્ગ દર્શાવી બન્નેને બચાવી લીધા. શ્રીકૃષ્ણે દર્શાવેલી એ સત્યાસત્યમીમાંસા આજે પણ તેટલી જ તાજી છે.

મહાયુદ્ધ પછી દિવ્ય શસ્ત્રાસ્ત્રોથી બળી ચૂકેલા અર્જુનના રથ ઉપરથી અર્જુનને પ્રથમ ઉતારી પોતે પછી ઊતર્યા અને રથને બળવા દીધો.

સોએ પુત્રોના સંહારથી વ્યથિત સતી ગાંધારીને આશ્વાસન આપવા શ્રીકૃષ્ણ હસ્તિનાપુર ગયા. ધૃતરાષ્ટ્ર-ગાંધારીને આશ્વાસ્યાં. વિજયની રાતે પાંડવોને શિબિરની બહાર રાખીને અશ્વત્થામાના રાત્રિસંહારમાંથી બચાવ્યા. ધૃતરાષ્ટ્રના જીવલેણ આશ્ર્લેષમાંથી ભીમસેનને બચાવ્યો. ગાંધારી સાથે રણભૂમિ નિહાળતાં, કુપિત ગાંધારીએ શ્રીકૃષ્ણને કુત્સિત મરણનો શાપ આપ્યો તે સ્વીકાર્યો, અને એ રીતે પાંડવો ઉપરનો કોપ પોતાના ઉપર વાળી લીધો. પાંડવો બચી ગયા. ઉત્તરાના ગર્ભનું અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના આઘાત સામે રક્ષણ કર્યું. મૃતવત્ જન્મેલા પરિક્ષિતને પોતાના સંપૂર્ણ સત્યાચરણ અને ધર્માચરણના પ્રભાવે પુનર્જીવન આપ્યું.

મહાયુદ્ધમાં સ્વજનોના સંહારથી શોકાતુર ધર્મરાજાનો શોક દૂર કરવા શ્રીકૃષ્ણે કેટલાક પ્રાચીન ‘ઇતિહાસો’ દ્વારા આશ્વાસન આપ્યું. તેમને પુન: ઉત્સાહિત કરવા ભીષ્મ પાસે શાંતિબોધ અપાવ્યો. શરશય્યા ઉપર પોઢેલા ભીષ્મ ઉપદેશ આપી શકે તે માટે તેમનાં ગ્લાનિ, દાહ, વ્યથા, ક્ષુધા, તૃષા આદિ દૂર કર્યાં. તેમને તરુણ જેવા સંપૃત – તાજા અને ઉત્સાહી કર્યા. ભીષ્મ શ્રેયસ્કર વિષયો ઉપર પ્રવચન આપવા સમર્થ અને જ્ઞાનચક્ષુસંપન્ન થયા. શાંતિબોધ પૂર્ણ કરી શ્રીકૃષ્ણની અનુજ્ઞા લઈ ભીષ્મે યોગધારણાથી દેહ છોડ્યો.

ભીષ્મના શાંતિબોધ પછી પણ અસ્વસ્થતા અનુભવતા ધર્મરાજાને શ્રીકૃષ્ણે સુશીતળ પ્રવચનથી સ્વસ્થ બનાવ્યા. તે પ્રવચનમાં ‘કામગીતા’ કહી. યુદ્ધના સંક્ષોભક કાળમાં ભગવદગીતાનું જ્ઞાન સાંભળેલું તેથી ભૂલી ગયેલા. શ્રીકૃષ્ણે તેમને મૃદુ ઠપકો આપીને ‘અનુગીતા’ દ્વારા તે જ્ઞાન તાજું કરાવ્યું.

સૌની વિદાય લઈ શ્રીકૃષ્ણ દ્વારકા ગયા. પિતા વસુદેવને યુદ્ધના સમાચાર આપ્યા. હસ્તિનાપુરથી દ્વારકા જતાં અને ત્યાંથી અશ્વમેધમાં ભાગ લેવા પુન: હસ્તિનાપુર આવતાં માર્ગમાં ઉત્તંક ઋષિને શ્રીકૃષ્ણ મળ્યા. ઋષિમાં અસ્પૃશ્યો તરફ સમષ્ટિ નહોતી તેથી તેઓ અમૃતથી વંચિત રહ્યા છે તેનું ભાન કરાવી, સમજ કેળવવા જણાવ્યું.

સ્વધામગમન : શ્રીકૃષ્ણ જેવા સમર્થ આગેવાનની દોરવણી અને પ્રભાવના કારણે યાદવો બૃહત્તર ભારતમાં મહત્વનું સ્થાન પામ્યા. બાહ્ય ભયથી સલામત બન્યા. આળસુ, વિલાસી, અભિમાની બન્યા અને છકી ગયા. મદમત્ત થઈને વિશ્વામિત્ર, કણ્વ આદિ મુનિઓની અમર્યાદ મશ્કરી કરી. મુનિઓએ શાપ્યા. પરિણામે કૃષ્ણપુત્ર સાંબને મુસળ જન્મ્યું. એ મુસળથી યાદવો આપસમાં કપાઈ મૂઆ. શ્રીકૃષ્ણે કાળપલટો જોયો. યદુવંશનાશના સમાચાર અર્જુનને પહોંચાડવા સારથિ દારુકને મોકલ્યો. અત્યંત વૃદ્ધ પિતા વસુદેવને અર્જુનના આગમનની પ્રતીક્ષા કરવા અને ત્યાં સુધી અનાથ સ્ત્રી-બાળકોને સંરક્ષણ માટે સોંપ્યાં. કેટલોક સમય વનમાં વિચર્યા. પરમાર્થવિશારદ ઉદ્ધવને સર્વશ્રેષ્ઠ આત્મજ્ઞાન આપ્યું. ‘ભાગવત’ 11-7થી 29માં તે સંગૃહીત છે અને ‘અવધૂતગીતા’ કે ‘ઉદ્ધવગીતા’ નામથી સુવિખ્યાત છે. સ્વધામગમનનો સમય આવી ગયો છે એવું વિચારીને, ઇન્દ્રિયો, મન અને વાણીને નિરોધીને એક અશ્વત્થ વૃક્ષ નીચે મહાયોગમાં પોઢ્યા. જમણી જાંઘ ઉપર ડાબો ચરણ રાખેલો. એવામાં જરા પારધીએ મૃગ જાણીને તેમના પગના તળિયાને વીંધ્યું. ખબર પડતાં પારધી બહુ દુ:ખી થયો. ક્ષમા માગી. શ્રીકૃષ્ણે તેને આશ્વાસન અને આશીર્વાદ આપ્યાં. ઊર્ધ્વપ્રયાણ કરી ગયા.

અર્જુન દ્વારકા આવ્યા. મામા વસુદેવને મળ્યા. અર્જુન આવતાં વસુદેવે યોગનિષ્ઠ થઈ પરમગતિ પ્રાપ્ત કરી. અર્જુને તેમની ઉત્તરક્રિયા કરી. શ્રીકૃષ્ણની રાણીઓ અને અનાથ સ્ત્રી-બાળકોને લઈ હસ્તિનાપુર જવા પ્રયાણ કર્યું. દ્વારકા સાગરમાં ડૂબી ગઈ. માર્ગમાં અર્જુન લૂંટાયો. શ્રીકૃષ્ણની પટરાણીઓ પૈકી રુક્મિણી, ગાંધારી, જાંબવતી, શૈબ્યા અને હૈમવતીએ અગ્નિપ્રવેશ કર્યો. સત્યભામા અને બીજી રાણીઓ તપસ્યા કરવા વનમાં ગઈ.

સ્વધામગમન સમયે શ્રીકૃષ્ણની ઉંમર 100 વર્ષથી વધુ હતી એમ ‘વિષ્ણુપુરાણ’માં છે. મહાભારતના સંદર્ભ જોતાં તેઓ પૂર્ણ શતાયુષી હતા એમ જણાય છે.

તત્વજ્ઞાન : મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથિ થવાનું નેતા અને વાજિસંયન્તા થવાનું શ્રીકૃષ્ણે સ્વીકાર્યું. યુદ્ધ ચાલુ થવાની ઘડીઓ ગણાતી હતી ત્યાં તો અર્જુનના હૃદયમાં ‘સ્વજનવધ’થી થતા મહાપાપના વિચારના કારણે મૂઢતા વ્યાપી ગઈ.

નેતા શ્રીકૃષ્ણે ‘યુદ્ધ અપરિહાર્ય છે’ એ સમજાવ્યું અને અપરિહાર્ય કર્તવ્ય પાર પાડવું એ સ્વધર્મ છે એમ ઠસાવીને નર અર્જુનને પુન: યુદ્ધપ્રવૃત્ત કર્યો. ભગવદ્ગીતા અધ્યાત્મશાસ્ત્રનું અલૌકિક ધર્મકાવ્ય છે. દેહધારી કર્મ કર્યા વિના રહી શકે જ નહિ, તેથી કર્મ કરવા છતાં કર્મબંધન લાગે નહિ, તેનાં શુભ-અશુભ ફળ ભોગવવાનાં રહે નહિ તેવો વિવિધ ર્દષ્ટિકોણથી ઉપદેશ આપ્યો. કર્મ, અકર્મ અને વિકર્મ સમજાવ્યાં. જ્ઞાન, કર્મ, ભક્તિ અને પ્રપત્તિ(શરણાગતિ)ની સાથે જ લોકવ્યવહારનો અતૂટ સંબંધ પ્રતિપાદિત કર્યો. સ્થિતપ્રજ્ઞ, કર્મયોગી, ભક્ત, ગુણાતીત, શરણાગતનાં લક્ષણ કહી આ લોક અને પરલોક બન્નેમાં સફળ થવાનો આચારપૂત માર્ગ દર્શાવ્યો. ક્ષેત્રજ્ઞ પરમાત્મા કલ્યાણમાર્ગના સાધકને દોરશે, તેનું યોગક્ષેમ જાળવશે જ, તેની દુર્ગતિ થશે જ નહિ એવી બાંયધરી આપી.

ભગવદગીતાનો ઉપદેશ વિશ્વભરમાં સહજ રીતે પ્રસર્યો. કોઈ વ્યવસ્થિત સંસ્થા કે સંપ્રદાયના પ્રચારથી નહિ, પણ સ્વાભાવિક રીતે.

વિશ્વરૂપદર્શન : શ્રીકૃષ્ણચરિત્રમાં વિશ્વરૂપદર્શન એક મહત્વનો ભાગ છે.

  1. મહાભારત યુદ્ધના પ્રારંભે અર્જુનની આગ્રહભરી વિનંતીથી શ્રીકૃષ્ણે વિશ્વરૂપદર્શન કરાવ્યું એ પરમાત્માનું, અવર્ણ્યનું માનવભાષા ચોમેર જેટલી હદે જઈને વર્ણવી શકે એવું કાવ્યમય વર્ણન છે. ભક્ત આ કાવ્યનો પાઠ કરતાં તૃપ્ત થતો નથી.
  2. શ્રીકૃષ્ણે બાળલીલામાં માટી ખાધી. માતાના આરોપનો અસ્વીકાર કરીને શ્રીકૃષ્ણે માતાને મોંમાં વિશ્વરૂપદર્શન કરાવ્યું.
  3. અક્રૂરને વિશ્વરૂપદર્શન કરાવ્યું.
  4. હસ્તિનાપુરમાં દુર્યોધને શાન્તિદૂત શ્રીકૃષ્ણને કેદ કરવાનું ગોઠવ્યું, ત્યારે શ્રીકૃષ્ણે પોતાનું ઉગ્ર વિશ્વરૂપ બતાવ્યું.
  5. અર્જુનને ‘અનુગીતા’ સંભળાવ્યા પછી દ્વારકા જતાં ઉત્તંક ઋષિને શ્રીકૃષ્ણે વિશ્વરૂપદર્શન કરાવ્યું.

વ્યક્તિત્વ : તેઓ દક્ષ અને બળવાન હોવા સાથે ક્ષમાશીલ છે. એ સર્વના પ્રિયકામ, સર્વના સહાયક અને નિર્ભય છે. સર્વના મિત્ર અને જ્ઞાન-કર્મયોગેશ્વર છે. પાપનું ઉન્મૂલન કરવા સદા ઉદ્યુક્ત છે; તે સાથે સજ્જનદુર્જન સર્વ પ્રત્યે નિર્વૈર અને સમત્વનિષ્ઠ મહાયોગેશ્વર છે. વિશ્વના અણુએ અણુમાં વ્યાપી રહેલા, બ્રહ્મમય બની રહેલા પુરુષોત્તમ શ્રીકૃષ્ણે, ચરાચરગુરુ શ્રીકૃષ્ણે, અન્તર્યામી શ્રીકૃષ્ણે, મમતાને બદલે કરુણાળા પ્રેમની, અહંકારને બદલે નમ્રતાની, ભયને બદલે વિક્રમશીલતાની, આસક્તિને બદલે પરમાત્મા પ્રત્યેના અનુરાગની સ્થાપના કરી છે.

શ્રીકૃષ્ણ પૂર્ણાવતાર છે. મનુષ્ય જીવનમાં કરી શકે એટલો સંપૂર્ણ પુરુષાર્થ એમણે કર્યો છે; અને શ્રેષ્ઠથી માંડીને નિકૃષ્ટતમ સુધીની અખિલ માનવજાતિને યજ્ઞાર્થે – ભગવત્પ્રીત્યર્થે નિરંતર પુરુષાર્થ કરવાનો આદર્શ આપ્યો છે : આત્મદર્શન કરી કૃતાર્થ થવા માટે અને કૃતાર્થ થયા પછી ભક્તિપૂર્વક લોકસંગ્રહાર્થે કર્મ કરવા માટે.

ઉ. જ. સાંડેસરા

સુમના શાહ