કુરાન : મુસ્લિમોનો પવિત્ર ધર્મગ્રંથ. ઇસ્લામના સ્થાપક હજરત મુહમ્મદ (સ. અ.) સાહેબની તેમના જીવનકાળનાં 23 વર્ષોના ગાળામાં ફિરિશ્તા (દેવદૂત) જિબ્રઇલ દ્વારા અવારનવાર ઓછાવત્તા એટલે હિ. સ. 430(ઈ. સ. 1338-39)માં હજ્જાજ બિન સકફીએ કુરાનના દરેક શબ્દ પર અઅરાબ-સંજ્ઞા તથા હિ. સ. 486(ઈ. સ. 1093)માં નુક્તા મુકાવ્યા. ત્યારબાદ ખાલિદ બિન બસરીએ તશ્દીદ, હમ્ઝા તથા મદ્દ જેવી બીજી ઉચ્ચારસંજ્ઞાઓ મુકાવી, જેથી કુરાનનો પાઠ સાચી રીતે થઈ શકે. ત્યારથી આજ સુધી કુરાનની હસ્તલિખિત કે મુદ્રિત પ્રતો આ ઢબે લખાતી આવી છે.

પેગંબર સાહેબના સમયમાં સમગ્ર કુરાનને સાત ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. સપ્તાહના સાત દિવસોને અનુલક્ષી કરાયેલા આ ભાગ મંઝિલ કહેવાયા. કુરાનની અવારનવાર ઊતરતી આયતો, મૂળ અર્થ, વિષય તથા અવતરવાના સમયક્રમ મુજબ એક એક ખંડ (સૂરત) હેઠળ લખવામાં આવતી. પછી તેમને તે જ ખંડમાંની આયતોના એક ચાવીરૂપ શબ્દ પરથી તે સૂરતનું નામ આપવામાં આવ્યું તથા દરેક સૂરતના મથાળા પર તે નામ, તેમાં કુલ કેટલી આયતો છે તથા તે મક્કામાં કે મદીનામાં વહી રૂપે ઊતરી તે હકીકત લખવામાં આવી. કુરાનમાં આ પ્રમાણે કુલ 114 સૂરતો છે, જેમાં સૌથી લાંબી ‘અલ-બકર’માં કુલ 286 આયતો છે અને સૌથી ટૂંકી ત્રણ છે : (1) અલ-અસ્ર, (2) અલ-કૌસર, (3) અલ-નસ્ર (ઉચ્ચાર અન્નસ્ર). જેમાં ત્રણ ત્રણ આયતો આવેલી છે. આમાંથી 86 સૂરતો મક્કા તેમજ 28 મદીના શહેરમાં ઊતરી હતી. સૂરતને એક કે તેથી વધુ રૂક્માં વહેંચવામાં આવેલ છે. આઠમી સદીના મધ્યમાં મહિનાના ત્રીસ દિવસને અનુરૂપ પૂરા કુરાનને એક મહિનામાં વાંચી શકાય તે માટે ત્રીસ સરખા ભાગે વહેંચવામાં આવ્યું છે. આ ભાગને અરબીમાં જુઝ અને ફારસી, ઉર્દૂ અને ગુજરાતીમાં ‘પારા’ કહે છે. તેના પહેલા શબ્દ પરથી પારા નામ રાખવામાં આવ્યું. પારાના પણ ચોથા, અર્ધા અને ત્રણ ચતુર્થાંશ ભાગનો હાંસિયામાં નિર્દેશ કરવામાં આવ્યો છે. કુરાનની કુલ આયતો 7,909 અને કુલ શબ્દોની સંખ્યા 77,437 અને અક્ષરોની કુલ સંખ્યા 3,23,671 છે. જે શબ્દ દ્વારા આખા કુરાનના બે સરખા ભાગ પાડ્યા છે, તેનો પણ હાંસિયામાં નિર્દેશ કરવામાં આવ્યો છે.

કુરાનનો ઈશ્વરવાણી તરીકે સ્વીકાર કરવો એ ઇસ્લામનો એક મુખ્ય સિદ્ધાંત છે. કુરાન ઇસ્લામ ધર્મ અને તેના નીતિશાસ્ત્રનું મૂળ છે. તેને માત્ર મુસ્લિમોના નહિ, પણ માનવમાત્રના માર્ગદર્શન માટેનું પુસ્તક ગણે છે, જેમાં જીવનવ્યવહારના દરેક પાસાને આવરી લેવામાં આવ્યું છે. તેની મક્કાની સૂરતોમાં વિશેષ કરીને ધર્મસિદ્ધાંતો, એકેશ્વરવાદ, અદ્વૈતવાદ, ઈશ્વરમાં શ્રદ્ધા (ઇમાન), સદાચરણ, ભૂતકાળમાં થઈ ગયેલા પેગંબરો તથા પ્રજાઓનો ઇતિહાસ તથા ઈશ્વરઆજ્ઞાનું ઉલ્લંઘન કરવાના પરિણામ રૂપે તેમણે વહોરેલો અભિશાપ તથા વિનાશ, અજ્ઞાન, કયામત, પાપ તથા પુણ્ય ઇત્યાદિ બાબતોનું સવિસ્તર નિરૂપણ કરવામાં આવ્યું છે. મદીનાવાળી સૂરતોમાં ઇસ્લામના અનુયાયીઓ માટે નમાઝ, રોજા, જકાત, હજ, જેહાદ ઇત્યાદિ રોજિંદા જીવનક્રમ તથા તેમને અમલમાં મૂકવા પર ભાર દેતા આદેશો અને તેમના ઉલ્લંઘનથી મળનારી સજા; મદિરા, જુગાર, સુવ્વરનું માંસ તથા એવી બીજી અમુક બાબતોનો નિષેધ; ચોરી અને વ્યભિચાર જેવાં કુકર્મોની સખત સજા; મનુષ્યના અંગત જીવનને સ્પર્શતી લગ્ન, તલાક (છુટાછેડા), વારસાહક, ઇત્યાદિ બાબતો અંગે માર્ગદર્શક સૂચનાઓ અને આદેશો આપવામાં આવ્યાં છે. ઇસ્લામી આચારસંહિતા (ફિકહ) કુરાનના આ આદેશો અનુસાર ઘડવામાં આવી છે.

કુરાન પઠન (કિર્અત) પણ એક શાસ્ત્ર તરીકે વિકસાવવામાં આવેલ છે. આ શાસ્ત્રમાં પારંગત ‘કારી’ કહેવાય છે. ઉચ્ચારની સાત જુદી જુદી ઢબો છે; તેમાં નિપુણ શખ્સને ‘કારી-એ-હફત કિર્અત’ (સાત કિર્અતોનો કારી) કહેવામાં આવે છે. ભારતમાં પણ બીજા ઇસ્લામી દેશો જેમ કિર્અતનું શિક્ષણ આપવામાં આવે છે. પ્રતિ વર્ષ વિશ્વના કારીઓની ઇનામી સ્પર્ધા ઇસ્લામી દેશોમાં વારાફરતી રાખવામાં આવે છે.

કુરાનનાં અરબી, ફારસી, ઉર્દૂ તેમજ વિશ્વની બીજી ભાષાઓમાં સેંકડો વિસ્તૃત ભાષ્યો લખાયાં છે. આ ભાષ્ય ‘તફસીર’ કહેવાય છે. તફસીર પણ એક શાસ્ત્ર તરીકે વિકસ્યું છે.

કુરાનનું સર્વપ્રથમ પ્રકાશન હિ. સં. 1113(ઈ. સ. 1701)માં જર્મનીના હેમ્બર્ગ શહેરમાં થયું હતું. આ અતિ દુર્લભ પ્રકાશનની એક નકલ કેરોના ‘દારૂલ-કુતુબે અરબિય્યાહ’માં સંગ્રહાયેલી છે. તે પહેલાં હિ. સં. 922(ઈ. સ. 1516)માં ઇટાલીના બંદેકિયા ખાતે તે છપાયું હોવાનું પણ કહેવાય છે, પણ આ મુદ્રિત પ્રત ઉપલબ્ધ નથી.

કુરાનનું વિશ્વની લગભગ દરેક ભાષામાં ભાષાંતર થયું છે. ગુજરાતીમાં પણ તેનાં કેટલાંક ભાષાંતરો થયાં છે. આમ તો કુરાનને મૂળ અરબી લિપિમાં જ વાંચવું જોઈએ એવો આદેશ છે, પણ અરબી લિપિથી અજ્ઞાત મુસ્લિમો માટે ગુજરાતી જેવી લિપિઓમાં પણ મૂળ લિપિપાઠ સાથે તેનું રૂપાંતર કરવામાં આવ્યું છે.

એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી

ઝિયાઉદ્દીન અ. દેસાઈ