કુત્બુદ્દીન મુહમ્મદખાનનો મકબરો

કુત્બુદ્દીન મુહમ્મદખાનનો મકબરો : ગુજરાતના એક મુસ્લિમ સંતની દરગાહ. ગુજરાતના છેલ્લા સુલતાન મુજફ્ફરશાહે મીરઝા અજીજ કોકાના કાકા કુત્બુદ્દીન મુહમ્મદખાનનો 1583માં વધ કરાવેલો. એ સંતપુરુષની કબર પર કરેલો ઈંટેરી મકબરો વડોદરામાં મકરપુરા પૅલેસ તરફ જવાના રસ્તે આવેલો છે. ઊંચી પીઠ પર બાંધેલ આ અષ્ટકોણ ઇમારત દિલ્હીના તત્કાલીન મકબરાને મળતી આવે છે. એમાં એ સંત ઉપરાંત તેમના પુત્ર નવરંગખાનની કબર પણ છે. આ મકબરાના નિભાવ અર્થે દાંતેશ્વર ગામની ઊપજ આપવામાં આવેલી છે.

પ્રવીણચંદ્ર પરીખ