કૂત્તુ : નૃત્યવર્ણન માટેનો તમિળ પારિભાષિક શબ્દ. કૂત્તુનો શાબ્દિક અર્થ છે નૃત્ય. પ્રાચીન તમિળ મહાકાવ્ય ‘શિલપ્પદિકારમ્’ના પુહારક્કાણ્ડમમાં તત્કાલીન તમિળ સમાજમાં પ્રચલિત અગિયાર પ્રકારનાં નૃત્યોનાં વર્ણનો આવે છે. એમાં ઉલ્લેખિત નૃત્યો છે કોડુકોટ્ટિઆડલ, પાંડ, રંગકકૂત્તુ, અલ્લિય તોકુદિ, મલ્લાડલ, તુડિકકૂત્તુ, કુડૈકકૂત્તુ, કૂડકકૂત્તુ, પેડિકકૂત્તુ, મરક્કાલકૂત્તુ, પાવૈકકૂત્તુ તથા કડૈયકકૂત્તુ. જુદા જુદા સમયમાં દેવતાઓએ અસુરસંહારને માટે પ્રયોજેલી યુદ્ધનીતિના સંદર્ભમાં આ નૃત્યોની ચર્ચા કરાયેલી છે. આ નૃત્યો સિવાય ‘આયચ્ચિયર કુરવૈ’ અધ્યાયમાં આહીર બાળાઓનાં કુરવૈકૂત્તુનાં પણ વર્ણનો છે.
સંઘકાલીન સાહિત્યકૃતિઓમાં વર્ણવેલાં કેટલાંક કૂત્તુઓનાં નામનો ઉલ્લેખ પણ આવે છે, જેમ કે વેટ્ટુવ વરિકકૂત્તુ શિકારીઓનું સામૂહિક નૃત્ય; વળિળકૂત્તુ – સ્કંદદેવના મંદિરમાં સ્ત્રીઓનું નૃત્ય, અલ્લિકકૂત્તુ – કોઈ રાજાના વિજય પ્રસંગે કરાતું નૃત્ય; વેલનકકૂત્તુ – સ્કન્દના આદેશ અનુસાર કરાતું નૃત્ય; વરિકકૂત્તુ – પતિ-પત્નીના પ્રેમને વ્યક્ત કરતું નૃત્ય, એના આઠ પ્રકાર હોય છે.

કે. એ. જમના