કીરો (જ. 1865; અ. 1926) : પ્રસિદ્ધ હસ્તરેખાવિદ. મૂળ નામ લુઈ (હેમન). કીરો અથવા શીરો તેનું ઉપનામ. જિપ્સી લોકોની જેમ તે હસ્તરેખા ઉપરથી ભવિષ્યકથન કરતો. હસ્તરેખાઓ ઉપરનું એનું અધ્યયન એટલું સચોટ હતું કે તેના નામ ઉપરથી હસ્તરેખાશાસ્ત્ર ‘કીરોમન્સી’ના નામે પ્રસિદ્ધ થયેલું. એણે ભારતમાં રહી હસ્તરેખા અને ગૂઢ વિદ્યાનું અધ્યયન કરેલું. તેથી ઇંગ્લૅન્ડ અને અમેરિકા તેમજ જગતના મોટાભાગમાં એ પ્રસિદ્ધ થયેલો. હસ્તરેખા વિશે એનું જ્ઞાન શાસ્ત્રશુદ્ધ હોવા કરતાં આંતરપ્રેરણા પર વધારે આધાર રાખતું. ઉત્તરાવસ્થામાં તે અમેરિકાના ન્યૂયૉર્કમાં સ્થાયી થયો અને કૅલિફૉર્નિયામાં તેનું મૃત્યુ થયું.

હિંમતરામ  જાની