કીકી : ખુલ્લી આંખમાં કેન્દ્રસ્થાને વચ્ચે દેખાતો કાળો કે નીલો ભાગ. તેમાં બહિર્ગોળ પારદર્શક સ્વચ્છા અથવા પારદર્શકપટલ (cornea), સ્નાયવી પટલ અથવા કૃષ્ણમંડળ કે કનીનિકાપટલ (iris) અને તેની વચ્ચે આવેલું કાણું–કનીનિકા (pupil) જોવા મળે છે. કીકીની આસપાસ આંખના ડોળાનું બહારનું આવરણ, સફેદ રંગનું શ્વેતાવરણ (sclera) હોય છે. શ્વેતાવરણ પર નેત્રકલા (conjunctiva) હોય છે, પરંતુ સ્વચ્છા પર તેનું આવરણ હોતું નથી. કીકીનો રંગ કૃષ્ણમંડળના રંગને આભારી હોય છે. સ્નાયવી પટલની વચમાં કાળા રંગનું કાણું હોય છે તેને કનીનિકા કહે છે. તેની પાછળ નેત્રમણિ (lens) હોય છે. બહારથી આવતા પ્રકાશની તીવ્રતા વધુ હોય તો કનીનિકા નાની થાય છે અને અંધારામાં કનીનિકા પહોળી થાય છે. કનીનિકાને નાની-મોટી કરવા માટે કૃષ્ણમંડળમાં બે પ્રકારના સ્નાયુ આવેલા હોય છે : (1) ચક્રીય સ્નાયુ જેના કનીનિકાને સમાંતર આવેલા ગોળ સ્નાયુતંતુઓના સંકોચનથી કનીનિકા નાની થાય છે. તેને કનીનિકાનું સંકીર્ણન (constriction) કહે છે. (2) અરીય સ્નાયુ; કનીનિકાની આસપાસ અરી (radius) રૂપે આવેલા સ્નાયુ-તંતુઓના સંકોચનથી કનીનિકા પહોળી થાય છે. તેને કનીનિકાનું વિસ્ફારણ (dilatation) કહે છે. સ્વચ્છા અને નેત્રમણિ વચ્ચેની જગ્યાને આંખનો અગ્રસ્થ ખંડ (anterior chamber) કહે છે.

(અ1) આંખનો દેખાવ, (અ2) આંખના આગળના ભાગનો ઊભો છેદ, (આ1) ત્રીજી કર્પરિચેતાના વિકારમાં પહોળી થયેલી સામાન્ય (અવિષમ) આકાર અને કદની કનીનિકા, (ઇ1-ઇ2) અર્ગાયલ રૉબર્ટસન વિકારની અનિયમિત આકારની કનીનિકા, (ઈ1) પ્રકાશની હાજરીમાં નાનીમોટી થતી કનીનિકા, (ઈ2) તીવ્ર પ્રકાશની હાજરીમાં સંકોચાયેલી કનીનિકા, (ઉ1) આંખના અગ્ર ખંડમાં લોહી કે પરુ ભરાવાથી અનુક્રમે થતી અધોરુધિરસ્તરતા કે અધ:સપૂયતા, (ઉ2) અગ્રપટલ સ્નાયુશોથને કારણે ચોંટી જવાથી થતી અનિયમિત આકારની કનીનિકા.
નોંધ : (1) શ્નેતાવરણ, (2) સ્નાયવી પટલ (iris), (3) કનીનિકા (pupil), (2, 3, 4) કીકી, (4) સ્વચ્છા, (5) નેત્રમણિ

સામાન્ય રીતે ખુલ્લી આંખમાં કીકીની ઉપલી કિનારી ઢંકાયેલી હોય છે. અતિગલગ્રંથિતા (hyperthyroidism) તથા કેટલાક અન્ય રોગોમાં નૈત્રીય બહિર્વર્તિતા (exophthalmos) થાય છે અને ત્યારે આંખનો ડોળો બહાર ઊપસી આવે છે. આવા સંજોગોમાં કીકીની ઉપલી કિનારીને ઉપલું પોપચું ઢાંકતું નથી.

સામાન્ય રીતે સ્વચ્છાની સપાટી સુરેખ અને નિયમિત હોય છે. પરંતુ ક્યારેક તે અનિયમિત હોય ત્યારે આંખમાં પ્રવેશતાં પ્રકાશનાં કિરણોનું અનિયમિત વક્રીભવન થાય છે. તેનાથી ઉદભવતી દૃષ્ટિની ખામી દૂર કરવા સ્પર્શદૃક્કાચ (contact lens) વપરાય છે. નેત્રકલામાંની લોહીની નસો વિકસીને અપારદર્શક પડદા જેવી નેત્રવેલ (pterygium) રૂપે સ્વચ્છાને અસરગ્રસ્ત કરે ત્યારે ર્દષ્ટિમાર્ગમાં અવરોધ આવે છે. કીકીના નિરીક્ષણ વડે તેનું નિદાન કરી શકાય છે.

કનીનિકાને નાનીમોટી કરવા માટેનું નિયમન ચેતાતંત્ર કરે છે. તેનું સંકોચન ત્રીજી કર્પરિચેતા (cranial nerve) અથવા નેત્રચાલક (occulomotor) ચેતા દ્વારા અને વિસ્ફારણ અનુકંપી (sympathetic) ચેતાતંતુઓ દ્વારા થાય છે. ત્રીજી કર્પરિચેતાઘાત(nerve palsy)થી થતા લકવામાં કનીનિકા પહોળી થઈ જાય છે અને તીવ્ર પ્રકાશની હાજરીમાં પણ સંકોચાતી નથી. તેની વિરુદ્ધની સ્થિતિમાં જ્યારે હોર્નરનું સંલક્ષણ થયું હોય ત્યારે કનીનિકા પહોળી થઈ જાય છે. હોર્નરના સંલક્ષણનાં વિવિધ કારણો હોય છે. દા.ત., ફેફસાના ઉપલા ભાગમાં થયેલું કૅન્સર. સ્વાયત્ત ચેતાતંત્ર પર અસર કરતાં ઔષધો પણ કનીનિકાને પહોળી અથવા સંકુચિત કરે છે. આંખની અંદરની તપાસ કરવા માટે આંખમાં એટ્રોપિન જૂથના ઔષધનાં ટીપાં નાખવાથી કનીનિકા પહોળી થાય છે. એડ્રિનાલિન અને અન્ય અનુકંપી ચેતાતંત્રલક્ષી ઔષધો કનીનિકાને નાની કરે છે. મૉર્ફીન અને બાર્બિચ્યુરેટ્સ કનીનિકાને નાની કરે છે. તેવી જ રીતે ઑર્ગેનોફૉસ્ફરસ રસાયણો પણ કનીનિકા નાની કરે છે. કનીનિકાના કદના અભ્યાસથી આ દ્રવ્યોની ઝેરી અસર જાણી શકાય છે. મજ્જાસેતુ(pons)ના વિકારોમાં કનીનિકા નાની થાય છે, જ્યારે મધ્યમસ્તિષ્કના રોગોમાં આર્ગાયલ રૉબર્ટસનની કનીનિકાનો વિકાર થાય છે. ક્યારેક કોઈ પણ વિકાર વગર પણ કનીનિકા પ્રકાશની હાજરીમાં નાની-મોટી થયા કરતી હોય છે.

સામાન્ય રીતે પ્રકાશની તીવ્રતા વધવાથી કનીનિકા નાની થાય છે. એ એક ચેતાપરાવર્તી ક્રિયા (reflex action) છે. તેને પ્રકાશલક્ષી ચેતાપરાવર્તી ક્રિયા (light reflex) કહે છે. દૃષ્ટિપટલ (retina) પર જ્યારે પ્રકાશ પડે ત્યારે ત્યાંથી ઉદભવતી સંવેદનાઓ દૃષ્ટિચેતા (coptic nerve), દૃષ્ટિચતુષ્ક (optic chiasma) અને દૃષ્ટિમાર્ગ (optic tract) દ્વારા મધ્યમસ્તિષ્કમાં આવેલા ચેતાકેન્દ્રમાં પહોંચે છે. ત્યાંથી સંવેદનાઓ ત્રીજી કર્પરિચેતાના કેન્દ્રમાં પહોંચે છે. ત્યાંથી ઉદભવતી પરાવર્તિત સંવેદનાઓ ત્રીજી કર્પરિચેતા દ્વારા કનીનિકાને સાંકડી કરતા કૃષ્ણમંડળના સ્નાયુઓને ઉત્તેજિત કરે છે. પ્રકાશલક્ષી પરાવર્તી ક્રિયા ઉપરાંત નજીકનું જોવા માટે દૃષ્ટિની અનુકૂલન(accomodation)લક્ષી ચેતાપરાવર્તી ક્રિયા પણ કનીનિકાને સાંકડી કરે છે. તે માટેની સંવેદનાઓ મોટેભાગે મધ્યવર્તી સરલસ્નાયુ (medial rectus muscle) અને દૃષ્ટિપટલમાંથી નીકળીને મોટા મગજના દૃષ્ટિકેન્દ્રમાં જાય છે. તેની પરાવર્તી સંવેદનાઓ ત્રીજી કર્પરિચેતા દ્વારા કૃષ્ણમંડળમાં આવે છે. ચેતાતંત્રના વિવિધ રોગોમાં આ ચેતાપરાવર્તી ક્રિયાઓમાં વિક્ષેપ પડે છે. તેનો અભ્યાસ ચેતાતંત્રના રોગોમાં ઉપયોગી ગણાય છે. બેભાન વ્યક્તિમાં જો ચેતાપરાવર્તી ક્રિયાઓ કાર્યરત હોય તો તે ચેતાતંત્રના રોગને કારણે નહિ પરંતુ ચયાપચયી (metabolic) રોગને કારણે બેભાન અવસ્થા થઈ છે તેવું સૂચવે છે.

જ્યારે કીકીમાં કે તેની આસપાસ ઈજા થવાથી આંખના અગ્રસ્થ ખંડમાં લોહી જમા થાય ત્યારે તેને અધોરુધિરસ્તરતા (hyphaema) કહે છે. જો ત્યાં પરુ ભરાય તો તેને અધ:સપૂયસ્તરતા (hypopyon) કહે છે. જો કૃષ્ણમંડળ અને નેત્રમણિ સ્નાયુ(ciliary muscle)માં ચેપને કારણે શોથ લાગે તો કીકીની આસપાસ લોહીની નસો ફૂલવાથી લાલાશ આવે છે અને કૃષ્ણમંડળની અંદરની કિનારી નેત્રમણિની આગળની સપાટી પર ચોંટી જાય છે. તેને કારણે અનિયમિત આકારની કનીનિકા જોવા મળે છે.

શિલીન નં. શુક્લ