કિંમત-ભેદભાવ

January, 2008

કિંમત-ભેદભાવ (price discrimination) : એક જ વસ્તુના એકસરખા એકમો કે એકસરખી સેવા માટે એક જ સમયે જુદા જુદા ગ્રાહકો માટે જુદી જુદી કિંમત આકારવાની ઘટના.

ઘણી વખત ઇજારદાર આવકમાં વધારો કરવા કિંમતભેદભાવની નીતિનો પણ આશ્રય લે છે. કેટલાક દાખલાઓ એક જ ગ્રાહક પાસેથી વસ્તુના જુદા જુદા એકમો દીઠ જુદી જુદી કિંમત લેવાની નીતિમાં તે અપનાવે છે.

કિંમત-ભેદભાવના આધારો નીચે પ્રમાણે છે :

(ક) આવકને આધારે કિંમત-ભેદભાવ : આ પ્રકારના કિંમત-ભેદભાવમાં ઇજારદાર ધનિક ગ્રાહક પાસેથી ઊંચી કિંમત અને ગરીબ ગ્રાહક પાસેથી નીચી કિંમત લે છે. નામાંકિત તબીબો અને સ્વતંત્ર વ્યવસાય કરતી વ્યક્તિઓ આ પ્રકારનો કિંમત-ભેદભાવ કરતી જોવા મળે છે.

(ખ) ઉપયોગાનુસારી કિંમત-ભેદભાવ : વીજળી કંપનીઓ ઘરગથ્થુ વપરાશ માટે વીજળીના ઊંચા દરો અને ખેતી ઉદ્યોગમાં ઉત્પાદક હેતુ માટે નીચા દરો રાખે છે. આ ઉપયોગલક્ષી કિંમત-ભેદભાવ છે.

(ગ) સેવાના પ્રકાર પ્રમાણે કિંમત-ભેદભાવ : તાર તથા ટેલિફોન ખાતાં સામાન્ય તાર કે ટેલિફોન કૉલ માટે નીચા દર અને ઝડપી તાર તથા ટેલિફોન માટે ઊંચા દર રાખે છે, તે આ પ્રકારનું ઉદાહરણ છે.

(ઘ) વસ્તુની લાક્ષણિકતાને આધારે કિંમત-ભેદભાવ : રેલવે લાકડાં, કોલસા જેવી ચીજો કરતાં કાચ, સ્ફોટક પદાર્થો જેવી ચીજોનાં નૂર જુદાં રાખે છે. અહીં કિંમત-ભેદભાવ વસ્તુની લાક્ષણિકતાને ધોરણે થાય છે.

(ચ) સ્થળ અનુસાર કિંમત-ભેદભાવ : ‘લાદણ’ આ પ્રકારના કિંમત-ભેદભાવનું જ્વલંત ર્દષ્ટાન્ત છે – લાદણની નીતિમાં વસ્તુ દેશના ગ્રાહકોને ઊંચી કિંમતે અને પરદેશનાં બજારોમાં નીચી કિંમતે વેચવામાં આવે છે.

કિંમત-ભેદભાવ હંમેશાં શક્ય નથી. કિંમત-ભેદભાવને શક્ય બનાવવા માટે નીચેની બે શરતોનું પાલન થવું જોઈએ : (I) પેઢી ઇજારાની સ્થિતિમાં હોવી જોઈએ, અને (II) વસ્તુનું પુનર્વેચાણ અશક્ય હોવું જોઈએ.

આમ કિંમત-ભેદભાવના ઉપર્યુક્ત પ્રકારોમાં બધા દાખલા આવરી લેવાયા નથી. વાસ્તવિક પરિસ્થિતિમાં અનેક રીતે કિંમત-ભેદભાવ થતો જોવા મળે છે. ઘણી વખત વસ્તુની કિંમત એકસરખી રાખી ગ્રાહકોને ભેટ આપીને પ્રચ્છન્ન રીતે કિંમત-ભેદભાવ થતો હોય છે.

કિંમત-ભેદભાવની નીતિ ઇજારદાર માટે હિતકર છે. પણ સમગ્ર સમાજ માટે તે ઉપકારક છે કે નહિ તે વિચારવું જોઈએ. કિંમત-ભેદભાવની નીતિના સામાજિક લાભો છે અને ગેરલાભો પણ છે. તેથી આ બાબતમાં કોઈ એક નિર્ણય બાંધી શકાય નહિ. કિંમત-ભેદભાવની નીતિને પરિણામે ગ્રાહકોને લાભ થશે કે કેમ તે વાસ્તવિક પરિસ્થિતિમાં કિંમત-ભેદભાવ કઈ રીતે કરવામાં આવે છે તેના પર આધાર રાખે છે.

પુષ્પેન્દ્ર મોહનલાલ નારિયેળવાળા