કીચનર હોરેશિયો હર્બર્ટ

January, 2008

કીચનર, હોરેશિયો હર્બર્ટ (જ. 24 જૂન 1850, બાલી લાગફર્ડ, આયર્લૅન્ડ; અ. 1915) : ખાર્ટુમના અમીરનો ઇલકાબ ધરાવનાર સુદાનનો વિજેતા અને પ્રતિભાવંત બ્રિટિશ સેનાપતિ. પિતા લશ્કરી અધિકારી. સ્વિટ્ઝર્લૅન્ડ અને લંડન નજીકની ‘રૉયલ મિલિટરી એકૅડેમી’માં અભ્યાસ. 1870માં ફ્રાન્કો-પ્રુશિયન યુદ્ધમાં ફ્રાંસના પક્ષે સ્વયંસેવક તરીકે ભાગ લીધો. 1871માં ઇંગ્લૅન્ડની ‘રૉયલ એન્જિનિયર કોર’માં જોડાઈ સાઇપ્રસ વગેરેનું સર્વેક્ષણ કર્યું. 1882માં તુર્કીને હાર આપી ઇજિપ્ત જીતી તેના લશ્કરની પુનર્રચના કરી. 1884-85 દરમિયાન મહાદી બળવા દરમિયાન ઘેરાયેલા લશ્કરને બચાવ્યું અને 1896-98માં ઓમડુરમાનના યુદ્ધમાં વિજય મેળવી સુદાન જીત્યું. 1899માં બોઅર વિગ્રહ દરમિયાન ચીફ ઑવ્ સ્ટાફ રૉબર્ટ્સના મદદનીશ તરીકે બોઅર ગેરીલાઓને હરાવી ઉદાર શરતો દ્વારા તેમને શરણાગતિ સ્વીકારવા ફરજ પાડી. 1903માં ભારતના સરસેનાપતિ હતા ત્યારે તત્કાલીન વાઇસરૉય લૉર્ડ કર્ઝન સાથે લશ્કરના અંકુશ બાબત મતભેદ થયો ત્યારે તેમના મતને સમર્થન મળ્યું. 1911-14 દરમિયાન ઇજિપ્તના કૉન્સલ અને વાસ્તવિક શાસક તરીકે ખેડૂતોના કલ્યાણનાં પગલાં લીધાં. 1914માં પ્રથમ સેક્રેટરી ઑવ્ સ્ટેટ અને ત્યારબાદ સરસેનાપતિ બન્યા. 70 ડિવિઝનનું લશ્કર અને 30 લાખ સ્વયંસેવકોનું લશ્કરી દળ ઊભું કર્યું. 1915માં રશિયા સાથે મસલત કરવા રશિયા જતાં તેમનું વહાણ સુરંગ સાથે અથડાતાં ડૂબી ગયું.

હોરેશિયો હર્બર્ટ કીચનર

એકાંતપ્રિય, અતડો સ્વભાવ તથા સહકાર્યકરોને વિશ્વાસમાં લીધા સિવાય નિર્ણયો લેવાની ટેવને કારણે તે અપ્રિય બન્યા હતા. પરંતુ તેમની કર્તવ્યનિષ્ઠાને લીધે અને સુદાન તથા ઇજિપ્તની જીતને કારણે તેમણે સ્વદેશમાં લોકચાહના મેળવી હતી.

શિવપ્રસાદ રાજગોર