કિન્ડરગાર્ટન : જર્મનીમાં શરૂ કરવામાં આવેલી બાળશિક્ષણની અભિનવ પદ્ધતિ. જર્મન તત્વવેત્તા વિલ્હેમ ફ્રોબેલે અઢીથી છ વરસનાં બાળકોમાં આત્માભિવ્યક્તિ દ્વારા વ્યક્તિત્વવિકાસ થાય તે માટે તેમણે કિન્ડરગાર્ટન કે બાલોદ્યાન પદ્ધતિ યોજી હતી. શક્તિઓના કુદરતી વિકાસમાં રમત અને રમકડાંને મુખ્ય સ્થાન આપ્યું. કાગળકામ, સંગીત, નૃત્ય, સૃષ્ટિજ્ઞાન, સાદડીકામ, માટીકામ વગેરે દ્વારા હસ્તકૌશલ્ય અને વિવિધ ઇન્દ્રિયો કેળવાય તે માટે તે બધાંને અભ્યાસક્રમમાં સ્થાન અપાયું. શિક્ષક કેન્દ્રસ્થાને રહે અને બાળકો તેની પ્રવૃત્તિઓનું અનુકરણ કરી રસ લેતાં થાય એવો તેમાં અભિગમ છે. તેમાં શિક્ષાને બદલે સ્વયંશિસ્ત ઉપર ભાર મુકાયો છે.

શિવપ્રસાદ રાજગોર