કિનારીવાળા, વિનોદ (જ. 20 સપ્ટેમ્બર 1924, અમદાવાદ; અ. 10 ઑગસ્ટ 1942, અમદાવાદ) : ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન થયેલ શહીદ. વિનોદ અમદાવાદની ગુજરાત કૉલેજમાં ઇન્ટર સાયન્સનો વિદ્યાર્થી હતો. તેના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ હીરાલક્ષ્મી હતું. વિનોદ દેશભક્ત હતો. ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ એના આદર્શ હતા.

વિનોદ કિનારીવાળા

9મી ઑગસ્ટ 1942ની રાત્રે વિદ્યાર્થી સંગ્રામ સમિતિએ નક્કી કર્યા મુજબ, 10 ઑગસ્ટ 1942ની સવારે લૉ કૉલેજના મેદાનમાંથી આશરે 2000 વિદ્યાર્થીઓનું એક ભવ્ય સરઘસ ભદ્રમાં કૉંગ્રેસ ભવન જવા નીકળ્યું. તેમાં સૌથી આગળ મધ્યયુગની રાજપૂત વીરાંગનાઓનું સ્મરણ કરાવે એવી આશરે 200 બહાદુર વિદ્યાર્થિનીઓ ચાલતી હતી. તેમાં કેટલીકના હાથમાં ધ્વજ હતા. ‘શાહીવાદ હો બરબાદ’, ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’નાં સૂત્રો પોકારતું સરઘસ આગળ વધ્યું. મિશન પાસે થઈને સરઘસ ગુજરાત કૉલેજ પહોંચ્યું. એટલામાં પોલીસો વિદ્યાર્થિનીઓ પર લાઠીમાર કરીને સરઘસને વિખેરી નાખવા લાગ્યા. લાઠીઓ વાગવાથી નાસભાગ શરૂ થઈ અને વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ ગુજરાત કૉલેજના મેદાનમાં પ્રવેશ્યાં. તેમાં ધ્વજધારી વિનોદ પણ હતો.

એટલામાં કેટલાક વિદ્યાર્થીઓએ પાસે પડેલા ઢગલામાંથી પોલીસો પર ઢેખાળા મારવા માંડ્યા. પ્રિ. આર. પી. પટવર્ધન, પ્રો. એફ. સી. દાવર, પ્રો. એસ. એમ. શાહ, ડૉ. ધીરુભાઈ ઠાકર વગેરે ત્યાં દોડી આવ્યા અને વિદ્યાર્થીઓને શાંત પાડવા લાગ્યા. પોલીસો પર થતા પથ્થરમારાને લીધે, ગોળીબાર કરવા જતા ગોરા પોલીસ અધિકારીને ‘સ્ટોપ પ્લીઝ’ કહીને અટકાવવા જતાં ધીરુભાઈ ઠાકર લાઠીના પ્રહારથી સખત ઘવાયા. યુવતીઓ પર થતા પ્રહારનો પોલીસો સમક્ષ વિનોદે વિરોધ કર્યો. એટલામાં પોલીસ અધિકારીની હૅટ પર પથ્થર પડતાં તેણે હવામાં ગોળીબાર કર્યો. તે સાથે નાસભાગ શરૂ થઈ; પરંતુ વિનોદ અચળ ઊભો રહ્યો. ગોરા અમલદાર લા બૂ શાર્દિયરે ધ્વજધારી વિનોદ પર ગોળીબાર કર્યો. વિનોદને પેઢામાં ગોળી વાગી અને ‘ઇન્કિલાબ…’નો અમરઘોષ કરતો વિનોદ ઢળી પડ્યો. ગોળીબાર તથા લાઠીમારથી અનેક ભાઈબહેનો ઘવાયાં.

વિનોદને તાત્કાલિક વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ત્યાં ડૉક્ટરોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો. તેના શબને ઘેર લઈ જઈને ત્યાંથી તરત સ્મશાને લઈ ગયા. પોલીસો તેના શબનો કબજો લેવા માટે આવ્યા, તે પહેલાં તેને અગ્નિદાહ દેવાઈ ગયો હતો.

ગુજરાત કૉલેજના ઉત્તર તરફના પ્રવેશદ્વાર આગળ, વિનોદની સ્મૃતિમાં એક ખાંભી રચવામાં આવી છે. તેના ઉપર લખાણ છે, दिन खून के हमारे यारों न भूल जाना ! 9મી ઑગસ્ટ શહીદ દિન તરીકે ઊજવાતો હોવાથી, દર વર્ષે 9મી ઑગસ્ટના રોજ વિનોદની શહીદીનું સ્મરણ કરીને અનેક લોકો ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરે છે.

પ્રિયબાળાબહેન શાહ

જયકુમાર ર. શુક્લ