કિન્નર મધુસૂદન (મધુ કહાન) (જ. 1813; અ. 1868) : બંગાળના જેસોર જિલ્લાના ઢપગાન પ્રકારના કીર્તનના પ્રવર્તક.

ઢપકીર્તન એ સૂક્ષ્મતાથી જોતાં; કીર્તન નહિ પરંતુ કીર્તનની અત્યંત નજીકનો વધારે સહેલો અને સરળ પ્રકાર છે. ઢપગાયક ગીત ગાતાં પૂર્વે, ગીતવિષયક થોડી સમજૂતી આપે છે અથવા ગીત પૂરું થયા પછી ગીત પર ટિપ્પણ કરે છે. આથી એમાં કીર્તનના જેવો ભાવાવેગ નથી હોતો.

મધુ કહાને વૈષ્ણવ કીર્તનપદો અને ઢપગાનનું આધુનિકીકરણ કર્યું. એમણે જે ઢપગીતો અને કીર્તનો રચ્યાં તથા મધ્યકાલીન ઢપગાન તથા ગીતોનું નવસંસ્કરણ કર્યું, તેમાં શબ્દમાધુર્ય તથા સરળતાને લીધે એમને વિશેષ લોકપ્રિયતા મળી છે. એમની રચનાઓને કેટલાકે ‘કીર્તનસંગીત’ નામ આપ્યું છે. મધુએ પોતાની સ્વતંત્ર રાગરાગિણીઓ શોધી હતી અને તેની રજૂઆતની આગવી શૈલી ઉપજાવી હતી; તે પરંપરાગત કીર્તન અને ગ્રામ-નૃત્યગીતોના સમન્વયરૂપ હતી. એને એમણે પોતે જ ઢપકીર્તન નામ આપ્યું હતું. માત્ર સ્ત્રીઓ જ તે ગાતી હોવાથી. એમની એ કીર્તનપ્રણાલી લાંબો સમય ટકી રહી.

નિવેદિતા બસુ