કિડવાઈ, રફી અહમદ (જ. 18 ફેબ્રુઆરી 1894, મસૌલી, જિ. બારાબંકી, ઉત્તરપ્રદેશ; અ. 24 ઑક્ટોબર 1954, નવી દિલ્હી) : સ્વાતંત્ર્ય-સૈનિક, કૉંગ્રેસી નેતા અને દેશમાંથી હિંમતપૂર્વક માપબંધી દૂર કરનાર કેન્દ્ર સરકારના અન્નખાતાના મંત્રી. આશરે એક હજાર વર્ષ અગાઉ, તેમના પૂર્વજ કાજી કિડવા મહંમદ ગઝનીના રસાલા સાથે ભારત આવ્યા હતા. 1918માં અલીગઢની એમ.એ.ઓ. કૉલેજમાંથી બી.એ. થયા. એલએલ.બી.નો અભ્યાસ પૂરો કરતાં પહેલાં ગાંધીજીના એલાનથી અભ્યાસ છોડીને અસહકારની ચળવળમાં જોડાયા અને લડતમાં ભાગ લઈને એક વર્ષની જેલ ભોગવી. ઈ.સ. 1926માં સ્વરાજ પક્ષના ઉમેદવાર તરીકે મધ્યસ્થ ધારાસભામાં ચૂંટાયા અને કૉંગ્રેસની સૂચનાથી 1930માં સભ્યપદનું રાજીનામું આપ્યું. કેન્દ્રની ધારાસભામાં કૉંગ્રેસ પક્ષના મુખ્ય દંડક (chief whip) હોવાથી તેમનું મહત્વ વધ્યું હતું. કાનપુરમાં 1925માં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે સ્વાગત સમિતિના સેક્રેટરી તરીકે તેમણે સફળ કામગીરી બજાવી હતી.

ઉત્તરપ્રદેશની પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના સેક્રેટરી તરીકે તેમણે ખેતીવિષયક ચળવળની આગેવાની સંભાળી. ત્રીસીનાં વર્ષોની આર્થિક મંદી સામે ઔધના ખેડૂતોના રક્ષણ માટે તેમણે નાકરની ચળવળ શરૂ કરી. તેનાથી કૉંગ્રેસના નેતાઓમાં તેમની પ્રતિષ્ઠા વધી અને રફી ઉત્તરપ્રદેશની કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ચૂંટાયા. 1935ના હિંદ સરકારના કાયદા હેઠળ થયેલી ચૂંટણીમાં તેમણે કૉંગ્રેસને વિજય અપાવ્યો. તેનાથી પક્ષમાં તેમનું મહત્વ વધ્યું. કૉંગ્રેસની કાર્યવાહક સમિતિમાં તેમણે ઘણાં વર્ષ સુધી સભ્યપદ ભોગવ્યું.

રફી અહમદ કિડવાઈ

ઉત્તરપ્રદેશ(ત્યારે સંયુક્ત પ્રાંતો)ના પ્રથમ પ્રધાનમંડળમાં જમીન-મહેસૂલ ખાતાના મંત્રી તરીકે તેમને નીમવામાં આવ્યા. તે સમયે તેમને ખેડૂતોને લાભ થાય એવા ખેતી-વિષયક સુધારા કરવાની તક મળી. તેઓ માનતા હતા કે ગરીબ ખેડૂતો અને મજૂરોની સ્થિતિ સુધારવાથી સ્વતંત્રતાની ચળવળને વ્યાપક ટેકો મળશે. તેમણે ગણોતધારો ઘડ્યો તેનાથી જમીનદારી પદ્ધતિની નાબૂદી માટેની સ્થિતિ સર્જાઈ અને કરોડો ગ્રામવાસીઓ કૉંગ્રેસના ટેકેદારો બન્યા. ઉત્તરપ્રદેશની ધારાસભામાં જમીનદારી-નાબૂદીના સિદ્ધાંતનો સ્વીકાર કરતો ઠરાવ તેમણે રજૂ કર્યો. 1946ની ચૂંટણીઓ પછી રચવામાં આવેલ ઉત્તરપ્રદેશના પ્રધાનમંડળમાં રફી અહમદ ગૃહખાતાના મંત્રી બન્યા.

1947થી કેન્દ્ર સરકારના સંદેશાવહેવારના મંત્રી તરીકે તેમણે રાત્રિ-હવાઈ-ટપાલ, ‘તમારો ટેલિફોન વસાવો’ અને ટપાલીઓને પગાર સહિતની રજાની યોજનાઓ અમલમાં મૂકી. સંગઠનની બાબતોમાં મતભેદો થવાથી રફીએ 1951માં કૉંગ્રેસના સભ્યપદેથી અને સરકારમાંથી રાજીનામું આપી દીધું; પરન્તુ 1952ની સામાન્ય ચૂંટણીઓ અગાઉ સમાધાન થયું અને કૉંગ્રેસના ઉમેદવાર તરીકે રફી સંસદમાં ચૂંટાયા. કેન્દ્રના નવા પ્રધાનમંડળમાં તેમને અન્ન તથા ખેતી-ખાતાનો સૌથી મુશ્કેલ હવાલો સોંપવામાં આવ્યો. આ વખતે રફી તેમની કારકિર્દીના શિખર પર હતા. બહારથી અનાજની આયાત તથા માપબંધી વિના દેશને અનાજ પૂરું પાડીને તેઓ અતિ લોકપ્રિય બની ગયા !

ધર્મની બાબતમાં તેમના વિચારો ચુસ્ત નહોતા. તેઓ સ્ત્રીઓની સ્વતંત્રતા તથા સ્ત્રી અને પુરુષની સમાનતામાં માનતા હતા. તેઓ સ્વભાવે શાંત હતા અને સંયમી જીવન જીવતા. તેઓ નીડર હોવાથી ગમે તેવાં જોખમો લઈ શકતા. પક્ષ માટે શ્રીમંતો પાસેથી મોટી રકમનો ફાળો ઉઘરાવવાની તેમનામાં વિશિષ્ટ આવડત હતી. પોતાની મિલકત ભેગી કરવાનો તેમને લેશમાત્ર રસ નહોતો. તેઓ અવસાન પામ્યા ત્યારે વારસામાં તેઓ એક ખંડિયેર હાલત ધરાવતું મકાન તથા બૅન્કનું દેવું મૂકતા ગયા હતા.

જ. જ. જોશી

જયકુમાર ર. શુક્લ