કિતાઈ, રોનાલ્ડ બ્રૂક્સ (Kitaj, Ronald Brooks) (જ. 1932, ક્લીવલૅન્ડ, ઓહાયો, અમેરિકા) : આધુનિક જીવનનું આલેખન કરનાર અમેરિકન ચિત્રકાર. તેમનો જન્મ મૂળ હંગેરીથી આવી અમેરિકામાં વસેલા પરિવારમાં થયો હતો. બ્રિટિશ પૉપ કલાના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો છે. 1951થી 1955 સુધી મર્ચન્ટ સીમૅન તરીકેની કારકિર્દીમાંથી મુક્તિ મેળવીને લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં

રોનાલ્ડ બ્રૂક્સ કિતાઈની કલાકૃતિ : ‘અ વુમન રિક્લાઇનિંગ’

ચિત્રકાર જી. આઇ. બિલ હેઠળ તેમણે લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં કલાનો અભ્યાસ કર્યો. સપાટ રંગો વડે આધુનિક જીવનની નાટ્યાત્મક અભિવ્યક્તિ એ કિતાઈની કલાની વિશિષ્ટતા છે. તેમણે ચીતરેલી માનવ-આકૃતિઓની પરસ્પર ગૂંથણી (આયોજન-composition) એક કુશળ રંગમંચના દિગ્દર્શકની યાદ અપાવી શકે છે. તીખા કટાક્ષ અને કડવા વ્યંગ્ય કર્યા વિના તે સમકાલીન જીવનની વક્રતાઓ પ્રકટ કરી શક્યા છે. તેમનાં ચિત્રોમાં પ્રકાશ, છાયા તથા ઊંડાણનો અભાવ જોવા મળે છે. તેમાં તેઓ સામાજિક મેળાવડાઓ જેવા વિષયોનું સપાટ રંગકામ વડે આલેખન કરે છે. ઇતિહાસ તથા વર્તમાનમાંની સાચી વ્યક્તિઓનું તેઓ અન્ય અનામી-અજાણી વ્યક્તિઓની સાથે નિરૂપણ કરે છે. આમ છતાં, ચિત્રોમાંથી કોઈ સ્પષ્ટ સંદેશ કે આ કે તે વ્યક્તિઓ અંગે આલોચના કે પ્રશસ્તિ કરવાનું તેઓ ટાળે છે. ‘ધ ઑટમ ઑવ્ સેન્ટ્રલ પૅરિસ’ (1973) અને ‘ઇફ નૉટ, નૉટ’ તેમનાં સર્વોત્તમ (માસ્ટર પીસ) ચિત્રો ગણાયાં છે. અનુગામી ચિત્રકારો પર તેમણે ખાસ્સી અસર પાડી છે.

અમિતાભ મડિયા