કાયદો

કોઈ પણ દેશ કે રાજ્યમાં જે નિયમો કે સિદ્ધાંતો હસ્તક નાગરિકોને ન્યાય અપાતો હોય છે, જેને અનુસરીને રાજ્યો-રાજ્યો વચ્ચેના, રાજ્ય અને નાગરિકો વચ્ચેના તથા પરસ્પર નાગરિકો વચ્ચેના વિવાદોનો નિકાલ કરવામાં આવતો હોય છે તથા જેને આધારે શાંતિ અને વ્યવસ્થા જળવાતી હોય છે તે નિયમો કે સિદ્ધાંતોનો સંપુટ.

1. સામાન્ય : લૉર્ડ મોલ્ટનના શબ્દોમાં, ‘Law is the crystallized Commonsense of the Community’. અર્થાત્ કાયદો એ સમાજની કોઠાસૂઝનું સ્ફટિક સ્વરૂપ ગણાય. આવું જ ડૉક્ટર જ્હૉન્સને કહ્યું છે કે કાયદો માનવકલ્યાણ માટેના માણસજાતના અનુભવોને આધારે કાર્ય કરતા માનવની વિવેકબુદ્ધિનું પરિણામ છે. માનવીની મહાન ઉપલબ્ધિઓમાંની એક ઉપલબ્ધિ તે કાયદો છે.

માનવજીવનમાં કાયદાની અસર એટલી બધી વ્યાપક હોય છે કે માણસના જન્મથી મૃત્યુ સુધી અને તે પછી પણ કાયદો તેને ઘેરીને ઊભો હોય છે. એટલે કોઈ એમ પૂછે કે ‘કાયદો ક્યાં છે ?’ તો એ પ્રશ્ન સામે ઉત્તર સ્વરૂપે બીજો પ્રશ્ન પૂછવો પડે કે ‘કાયદો ક્યાં નથી ?’ અર્થાત્, કાયદો સર્વત્ર છે.

કાયદો મનુષ્યોને માર્ગદર્શન આપે છે, મનુષ્યોનું જીવન નિયંત્રિત કરે છે, યોગ્ય સમયે ગુનેગારને શિક્ષા પણ કરે છે. આટલું પૂરતું ન હોય તેમ ક્યારેક તો તે મનુષ્યોનો એમના જન્મ અગાઉ સાથીદાર બને છે અને મૃત્યુ પછી પણ સાથે જ રહે છે. આ ર્દષ્ટિએ જોતાં તે મનુષ્યોનો વફાદાર પરંતુ બેરહમ સાથીદાર છે. તે માનવજીવનનું એક અવિચ્છિન્ન અંગ બની ગયો છે. તેથી એક રોમન સૂત્રમાં યોગ્ય જ કહ્યું છે કે ‘ubi societus ibi jus – જ્યાં જ્યાં સમાજ, ત્યાં ત્યાં કાયદો.’ કાયદા વિનાનું જીવન, કાયદા વિનાનો સમાજ અકલ્પ્ય છે.

કાયદા વિશે સામાન્ય વ્યક્તિ અને તત્વચિંતકો : કાયદાના ક્ષેત્રની બહાર ઊભેલા અથવા કાયદાના રોષનો ભોગ બનેલાઓ એમ પણ કહે છે કે, ‘હું કાયદાને ધિક્કારું છું’; ‘કાયદો ગધેડો છે અને આજન્મ મૂઢ છે’; ‘કાયદો બદમાશો અને હરામખોરોને રક્ષે છે.’ ચાર્લ્સ ડિકન્સ તો એટલે સુધી કહે છે કે, ‘કાયદો નામના મહાઅનિષ્ટને શરણે જવા કરતાં, બહેતર એ છે કે આવી પડેલા કોઈ પણ અનિષ્ટને સહન કરવું.’

કાયદા સામેનાં આ વિધાનો સામે ઊલટપક્ષે મહાન તત્વચિંતકો, દાર્શનિકો, વિદ્વાનો, રાષ્ટ્રપ્રમુખો અને કાયદાશાસ્ત્રીઓ કહે છે –

હૂકર કહે છે તે પ્રમાણે સૈદ્ધાંતિક રીતે કાયદો સાચા તર્કનો અવાજ છે. તે રાજ્ય દ્વારા માણસોને સંબોધીને કરાયેલાં ન્યાયનાં ઉચ્ચારણો છે.

આપણે મુક્ત રહી શકીએ એ માટે આપણે કાયદાના ગુલામ છીએ.

કાયદો એ રાજાઓનો રાજા એ એવો શક્તિશાળી અને રૂઢિબદ્ધ છે કે એની મદદથી નિર્બળ વ્યક્તિ પણ શક્તિશાળી પર આધિપત્ય ધરાવી શકે છે.

દરેક કાયદો એક સ્વાતંત્ર્ય જ છે. કાયદાનું કાર્ય સ્વાતંત્ર્યને રક્ષવાનું અને તેને વિસ્તૃત કરવાનું છે; એને નષ્ટ કરવાનું કે અટકાવવાનું નથી.

કાયદો એટલે સમગ્ર જગતના અનુભવનો નિચોડ અને તેનું ડહાપણ. કાયદો હમેશાં ડાહ્યો હોતો નથી પરંતુ સમગ્રપણે અને અંતમાં, જેઓ તેનો અમલ કરે છે તેઓના કરતાં તે વધુ ડહાપણવાળો છે. કાયદાઓ કરતાં વધુ ડાહ્યા થવાનો પ્રયત્ન કરવો એ એવી બાબત છે જે કરવાની સારા કાયદાઓએ મનાઈ કરી છે.

તર્ક એ કાયદાનું જીવન છે, તેનો આત્મા છે અને કૉમન લો એ તર્ક સિવાયનું બીજું કંઈ જ નથી.

‘કાયદો એ જગતની સૌથી વધુ મૂલ્યવાન એવી બે વસ્તુઓ : ન્યાય અને સ્વાતંત્ર્ય-નો રક્ષક અને સમર્થક છે.’

– લૉર્ડ મૅકમિલન

કાયદાનો અર્થ : ‘કાયદો’ શબ્દ એકાર્થી નથી. તેને વાસ્તવિક અને કાલ્પનિક એમ બે અર્થમાં વાપરી શકાય છે. સામાન્ય તાત્વિક કે કાલ્પનિક અર્થમાં કાયદો એટલે વ્યવસ્થિત રીતે રજૂ થયેલ નિયમ. એમાં કુદરતી, સમન્યાયી અને બધા જ સામાન્ય નિયમો સમાવિષ્ટ હોય છે. વાસ્તવિક અર્થમાં ‘કાયદો’ એટલે સંસદ કે ધારાસભાએ ઘડેલો કાયદો. આ અર્થમાં ભારતનો કાયદો એટલે ‘જસ સિવિલે’ (Jus Civile), પરંતુ ‘લેક્સ સિવિલિસ’ (Lex Civilis) નહિ. Jus એટલે વિશાળ અર્થમાં કાનૂન, લેક્સ એટલે મર્યાદિત અર્થમાં ઘડેલો કાયદો. કાનૂન શબ્દમાં દરેક નિયમ આવે, પછી તે ઔષધશાસ્ત્રનો હોય, ભૌતિકશાસ્ત્રનો હોય કે રસાયણશાસ્ત્રનો હોય અથવા નૈસર્ગિક નિયમ હોય કે નીતિનો નિયમ હોય. ભૌતિક અને વૈજ્ઞાનિક નિયમો એ મનુષ્યના કાર્યમાં પ્રદર્શિત થાય છે જ્યારે નૈસર્ગિક અને નીતિના નિયમોનું પાલન ફરજિયાત નથી. ભૌતિક કાયદાથી કાર્યોનાં પરિણામ જેમ છે તેમ ફલિત થાય છે, ત્યારે નીતિવિષયક કાયદો (moral law) અથવા તર્ક અને વિવેકયુક્ત કાયદો (law of reason) જે હોવું જોઈએ તે જણાવે છે.

તેથી જ રોસ્કો પાઉન્ડે કાયદાને સામાજિક વ્યવસ્થાપનનું વિજ્ઞાન (a science of soical engineering) કહ્યું છે. કાયદો એ કોઈ આદર્શ ન્યાયના દર્શક નથી, પરંતુ જેઓ ન્યાયના તંત્રને નિયંત્રિત કરે છે તેઓએ ન્યાયની જે પરિભાષા આપી છે તે છે.

2. શું કાયદો અને કાયદાશાસ્ત્ર વિજ્ઞાન (science) છે ?

અનેક કાયદાવિદોનો એવો અભિપ્રાય છે કે કાયદો અને કાયદાશાસ્ત્ર – એ વિજ્ઞાન નથી. એનું કારણ એમ આપવામાં આવે છે કે આ માટે અભ્યાસમાં ઉપયોગી એવી સામગ્રીમાંથી કોઈ એવા સિદ્ધાંતો તારવી શકાતા નથી, જે સર્વસામાન્ય હોય; પરંતુ આ ર્દષ્ટિકોણથી જોવામાં આવે તો મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરેમાં પણ ભૌતિક વિજ્ઞાનમાં જે ચોકસાઈ જોવા મળે છે તેનો અભાવ છે અને ભૌતિક વિજ્ઞાનમાં પણ એક સમયે જે સિદ્ધાંત પ્રચલિત હતો તે આધુનિક શોધખોળોને પરિણામે સાચો ઠરતો નથી. તેમાં સુધારાવધારા કરવા પડે છે. પરિણામે વૈજ્ઞાનિક સિદ્ધાંતો જો તત્પૂરતા અને કામચલાઉ બની જતા હોય ત્યાં સમાજવિજ્ઞાનોમાં પ્રાકૃતિક વિજ્ઞાનોના જેવી ચોકસાઈ અને સર્વસાધારણપણું આવી શકે નહિ. એટલે ‘વિજ્ઞાન’ શબ્દને અહીં મર્યાદિત અર્થમાં સમજવો જોઈએ. ‘વિજ્ઞાન’ એટલે વિશેષ જ્ઞાન, એક વિશિષ્ટ પ્રકારનું વ્યવસ્થિત રીતે રજૂ કરેલું જ્ઞાન. કાયદાશાસ્ત્ર એટલે કાયદાને લગતું શાસ્ત્ર. યુરોપીય દેશોમાં એને ‘કાયદાનું તત્વદર્શન’, ‘કાયદાનું સામાન્ય વિજ્ઞાન’, ‘કાયદાની સામાન્ય વિચારસરણી’, ‘કાયદાનો સિદ્ધાંત’, ‘કાયદાકીય સર્વજ્ઞાનસંગ્રહ’ એવાં નામોથી ઓળખવામાં આવે છે. ‘Jurisprudence’ શબ્દ ઓછો વપરાય છે. કાયદાશાસ્ત્રની કોઈ સર્વસ્વીકૃત વ્યાખ્યા શક્ય નથી; કારણ કે દરેક યુગમાં યુગબળ અનુસાર તે બદલાતી રહી છે.

3. કાયદાની વ્યાખ્યા કે પરિભાષા :

પ્રાચીન અને વર્તમાન ન્યાયવિદોના અનેક પ્રયત્નો છતાં કાયદો એટલે શું એ બાબતની કોઈ સુસ્પષ્ટ વ્યાખ્યા કરી શકાઈ નથી. કાયદાએ કયા હેતુ પાર પાડવા મથવું જોઈએ એની ચર્ચાએ ઘણોબધો ગૂંચવાડો ઉપસ્થિત કર્યો છે. કાયદાની વ્યાખ્યા આપવી કઠણ હોવા છતાં રાજ્યશાસ્ત્રની ર્દષ્ટિએ તે અતિઉપયોગી એવો બિનકાનૂની સવાલ છે.

કાયદાની વ્યાખ્યા શોધવા માટે વિવિધ વિચારસરણીઓ ઉપસ્થિત થઈ. આ વિચારસરણીઓએ ‘કાયદો’ નામના અમૂર્ત અને તાત્વિક વિચારને અલગ અલગ ર્દષ્ટિકોણથી જોયો. અમુક તત્વજ્ઞોએ એની પ્રકૃતિ કે સ્વરૂપ પર ધ્યાન કેન્દ્રિત કર્યું તો અમુકે એનાં મૂળ (sources) પર લક્ષ આપ્યું. સમાજમાં કાયદાની અસર શું થાય એ ર્દષ્ટિકોણથી અમુક ન્યાયવિદોએ એને જોયો ત્યારે અમુકે એનો અંતિમ હેતુ શો હોઈ શકે અને એની મર્યાદા શું હોઈ શકે એ ર્દષ્ટિએ એનો વિચાર કર્યો. આ બધી વિચારસરણીઓમાંથી કોઈ એક વિચારસરણી કાયદો શું છે એનો ચિતાર આપવાને અસમર્થ છે; પરંતુ એ બધી વિચારસરણીઓનો અર્ક એવો છે કે કાયદો એ સમાજમાં સુવ્યવસ્થા, શાંતિ અને ન્યાય આપવા માટેનું એક વિજ્ઞાન છે અને એનો વિકાસ વણથંભ્યો છે. પરિણામે કાયદાની વ્યાખ્યા અને એનું વ્યાપ્તિક્ષેત્ર હમેશાં બદલાતાં જ રહેવાનાં.

હોલૅન્ડના મતે કાયદો એટલે સાર્વભૌમ રાજકીય સત્તાથી અમલી બનાવવામાં આવેલો, માનવીનાં બાહ્ય કાર્યોને લગતો સામાન્ય નિયમ. એરિસ્ટોટલના કથન પ્રમાણે કાયદો એટલે ‘reason without desire’ – ઇચ્છા વિનાનો તર્ક. જ્હૉન સામંડના મત અનુસાર ‘કોર્ટોએ સ્વીકારેલા અને અમલી બનાવેલા નિયમો’ એટલે કાયદો. ગુડહાર્ટના મતે ‘માનવવર્તનના એવા કોઈ નિયમો જે ફરજિયાત છે એમ સ્વીકારાયું છે’ – એ નિયમો એટલે કાયદો. બ્લૅકસ્ટોનના કહેવા પ્રમાણે ‘જે દોષપૂર્ણ છે તેને પ્રતિબંધિત કરતો અને જે સાચું છે તેનો અમલ કરતો, સાર્વભૌમ સત્તાનો મનુષ્યના વર્તન વિશેનો નિયમ એટલે કાયદો.’ જસ્ટિસ મુખરજીના મતે ‘કાયદો જીવનની એક ટેવ છે.’

4. કાયદો અને વૈધ અધિકારો (Law and Legal rights) :

હક : સામાન્ય રીતે હક એટલે કોઈના હિતનું રક્ષણ. ‘હક’ એટલે ‘અધિકાર’ શબ્દ સાથે ‘ખોટું કાર્ય’ (wrong), ‘ફરજ’ (duty) અને ‘હિત’ (interest) શબ્દોને ઘનિષ્ઠ સંબંધ છે. એમના અર્થ જાણવા તેથી જરૂરી બને છે.

ડૉક્ટર ઇહરિંગના શબ્દોમાં હક એ રાજ્યથી સુરક્ષિત કરેલું હિત છે. વ્યક્તિને અનેક બાબતોમાં હિત હોય છે; પરંતુ બધા પ્રકારનાં હિતોને કાયદો કે રાજ્ય રક્ષતું નથી; તેથી સુરક્ષિત થયેલાં હિતો પરનું આક્રમણ રાગ એટલે દુષ્કાર્ય પેદા કરે છે, પરંતુ જે અસુરક્ષિત હિતો છે તેના પરનું આક્રમણ એ દુષ્કાર્ય નથી. તમારો હક એટલે સામી વ્યક્તિની ફરજ અને ફરજનો ભંગ એટલે દુષ્કાર્ય. જે હિત સામી વ્યક્તિ પર ફરજ નાખે તે  હિતને જ હક ગણી શકાય.

દરેક ખોટું કાર્ય કાયદાની નજરમાં દુષ્કાર્ય નથી. જે કાર્ય કાયદા વિરુદ્ધનું છે તે જ દુષ્કાર્ય બને છે; પરંતુ જે કાર્ય નૈતિક ખોટું કાર્ય છે તે હરેક સંજોગમાં દુષ્કાર્ય ન પણ બને. ખોટાં નૈતિક કાર્યો માટે શિક્ષા થતી નથી. સમાજમાં તેવી વ્યક્તિની નિંદા કે ટીકા થાય, પણ તેથી વધુ કંઈ જ નહિ. કાનૂનની ર્દષ્ટિએ ખોટું કાર્ય શિક્ષા નોંતરશે.

કાયદેસરની ફરજ હોય અને તેનો ભંગ કરવામાં આવે તો તેથી સામાના હકનો ભંગ થયો ગણાશે. ‘ફરજ’ શબ્દનો સૂચિતાર્થ ઋણ શબ્દના સૂચિતાર્થથી અલગ છે. ફરજ કાયદાએ લાદેલી હોય છે. ઋણ (obligation) સ્વકાર્યથી પેદા કરેલો અને સ્વેચ્છાએ સ્વીકારેલો કાર્યભાર છે.

જ્યાં જ્યાં હક, ત્યાં ત્યાં ઉપાય – Ubi jus ibi remedium – એ લૅટિન સૂત્ર છે; જે દર્શાવે છે કે ઉપાય વિનાના હકોની કોઈ કિંમત નથી. કાનૂની હકને કાયદાનું પીઠબળ છે, ત્યારે નૈતિક હકને નીતિનું. કોઈ પણ હિત કાનૂની હકનો વિષય બને તે માટે તેને કાનૂની રક્ષણ (legal protection) અને કાનૂની માન્યતા (legal recognition) મળેલાં હોવાં જોઈએ. એકના કાનૂની હક સાથે સામી વ્યક્તિની કાનૂની ફરજ જોડાયેલી છે; જેને vinculum juris કાનૂની સંબંધ / કાનૂની ગાંઠ કહે છે. ટૂંકમાં, wrong એટલે કોઈ પણ બિનકાનૂની કાર્ય; હક એટલે રાજ્યથી સુરક્ષિત હિત અને ફરજ એટલે કાયદાએ જે કરવાનું કે ન કરવાનું ફરમાવ્યું છે તે. હક અને હિત એ બે સમાન તત્વો નથી.

તત્વો : કોઈ પણ કાનૂની હકનાં આ પ્રમાણેનાં તત્વો છે : (1) દરેક હકને તેનો માલિક (owner) હોય છે, જેને હકદાર વ્યક્તિ (person entitled) અથવા તો તેનો વિષય (subject) કહે છે. (2) હકથી પેદા થતી ફરજ વ્યક્તિને બાંધે છે, જેને બંધાયેલી વ્યક્તિ (person bound) અથવા તો ફરજનો વિષય એમ કહે છે. (3) દરેક હક તેનાથી બંધાયેલી વ્યક્તિને કાર્ય કરવાની (to act) કે ન કરવાની (to omit) ફરજ પાડે છે, જેને હકમાં સમાવિષ્ટ વસ્તુ (content of right) કહે છે. (4) દર્શાવેલું કાર્ય કરવું કે ન કરવું તે કોઈ વસ્તુને અનુલક્ષીને હોય છે, જેને તે હકનો ઉદ્દેશ, હેતુ કે મતલબ (object of right) કહે છે. (5) જેને કારણે અમુક હક તેના માલિકમાં નિહિત (rest) થાય છે, તે પણ હકનું એક લક્ષણ છે.

ઉદાહરણ : અવિનાશ, પ્રકાશ પાસેથી જમીનનો એક ટુકડો ખરીદે છે. અવિનાશ હકનો માલિક કહેવાશે. અન્ય વ્યક્તિઓની એ ફરજ છે કે તે જમીનનો કબજો ભોગવટો અવિનાશને કરવા દેવો. આ ફરજ સર્વબંધક (in rem) છે. જમીન ખરીદનારનો તેને ભોગવવાનો હક, એ હકમાં સમાવિષ્ટ વસ્તુ છે. હકનો વિષય છે જમીન અને જમીન અંગેના દસ્તાવેજી પુરાવા જે વેચનાર પાસેથી મેળવાય છે તે હકનું અધિકારમૂલ (title) છે.

દરેક હક તેના માલિકના સંદર્ભમાં નીચેની ત્રણ વિશિષ્ટતાઓ ધરાવે છે :

(અ) દરેક હક કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓની સામે હોય છે;

(આ) તેથી તે વ્યક્તિ વિશે કોઈ કાર્ય કરવાનો કે તે ન કરવાનો પ્રસંગ પેદા થાય છે; તથા

(ઇ) કરવાનું કાર્ય કે ન કરવાનું કાર્ય કોઈ વસ્તુ વિશે હોય છે.

આમ દરેક હક વ્યક્તિને, અમુક કાર્યને કે અમુક વસ્તુને અનુલક્ષીને હોય છે.

ચાર અર્થો : હક અનેકરંગી પાસાંવાળો છે. તેને સામાન્ય સંદર્ભમાં ચાર અર્થમાં સમજવામાં આવે છે, પરંતુ હકનાં એ ચારેય સ્વરૂપો અલગ અલગ અર્થચ્છાયા ધરાવે છે. આ ચાર અર્થો નીચે પ્રમાણે છે :

(અ) તેના સંકીર્ણ કે કડક અર્થમાં હક. એના સામા છેડે તે ફરજો સાથે સંકળાયેલો છે,

(આ) છૂટ (liberties),

(ઇ) સત્તા (powers), અને

(ઈ) મુક્તિ (immunities).

આ માટે નીચેનો કોઠો સામાન્યત: વપરાય છે :

‘હક’ શબ્દનાં જ ઉપર્યુક્ત ચાર સ્વરૂપો છે.

હક એટલે કાયદાએ, મારા લાભાર્થે, અન્યની સ્વતંત્રતાને મર્યાદિત કરી છે તે. હક એટલે અન્ય વ્યક્તિઓએ મારા પ્રત્યે અમુક કાર્ય અમુક રીતે કરવું જોઈએ તે (ought to do).

છૂટ એટલે કાયદાએ મને મારા મર્યાદિત ક્ષેત્રમાં આપેલી અમર્યાદ રીતે વર્તવાની છૂટ. એ ક્ષેત્રમાં મારી ઇચ્છાને કોઈ મર્યાદા આંકી નથી, બંધન નથી. હું તેમાં મારા મનનો રાજા છું. મન ચાહે તે કરું અને ન પણ કરું.

સત્તા એટલે કાયદાએ અસરકારક રીતે કાર્ય કરવાની મને આપેલી સત્તા. અહીં મારી ઇચ્છાને અસરકારક બનાવવાને માટે કાયદો મને પ્રત્યક્ષ રીતે મદદ કરશે.

જ્યારે કાયદો, અન્યને મારી ઉપર સત્તા ભોગવવા દેવાની ના પાડે અને તેઓ તેમ કરે ત્યારે કાયદો તેઓને અસરકારક રીતે મારા પર તેમ કરવા ન દે ત્યારે તે પરિસ્થિતિને મુક્તિ કહી છે.

આમ મારા હકથી હું અન્યનાં કાર્યો પર કાબૂ ધરાવું છું; મને મળેલી છૂટથી હું અમુક ક્ષેત્રમાં ફાવે તેમ વિચરી શકું છું; મને મળેલી સત્તાથી હું મારી ઇચ્છાને અમલી બનાવી શકું છું; અને મને મળેલી મુક્તિથી હું બીજાઓ પ્રત્યેનાં કાર્યોમાં તેમને મદદ કરવાને બંધાયેલો નથી. હકનાં આ ચતુરંગી સ્વરૂપોમાંથી પ્રથમ મુખ્ય છે, બાકીનાં ગૌણ છે.

હકના પ્રકારો :

જ્હૉન સામંડે હકના નવ પ્રકારો ગણાવ્યા છે :

(1) પૂર્ણ અને અપૂર્ણ હકો (Perfect and Imperfect Rights),

(2) વિધેયાત્મક અને નિષેધાત્મક હકો (Positive and Negative Rights),

(3) સર્વબંધક અને વ્યક્તિબંધક હકો (Rights in rem and Rights in Personam),

(4) સ્વવસ્તુ-વિષયક અને પરવસ્તુ-વિષયક (Rights in Re-propria and Rights in Re-alience),

(5) મિલકત અંગેના હકો અને અંગત હકો (Proprietory Rights and Personal Rights),

(6) મુખ્ય હકો અને ગૌણ હકો (Principal Rights and Accessory Rights),

(7) પ્રાથમિક હકો અને ગૌણ હકો (Primary and Sanctioning Rights),

(8) કાનૂની (વૈધ) હકો અને સમન્યાયી હકો (Legal and Equitable Rights),

(9) સ્થાપિત અને આકસ્મિક હકો (Rested and Contingent Rights).

5. કાયદાનું કાર્ય :

કાયદાના કાર્ય વિશે અનેક અટકળો કરવામાં આવી છે. કાયદો સમયે સમયે અને દેશે દેશે બદલાતો રહે છે. તે કદાપિ અચલ રહેતો નથી. બદલાતા સમાજ સાથે કાયદાએ કદમ મિલાવીને ચાલવું પડે છે અને આ જ કારણ એક મોટું કારણ છે, જેને લીધે કાયદાના હેતુ અને કાર્ય સંબંધી કોઈ વૈચારિક એકમત નથી.

એક વિચારસરણી એવી છે કે કાયદાએ દેશમાં શાંતિ અને સુવ્યવસ્થા (Law and Order) નિભાવવાનાં છે. એણે પોલીસનું કાર્ય કરવાનું છે. પ્લૅટોના શબ્દોમાં માનવીએ કાયદો બનાવી તે પ્રમાણે તેની જિંદગીનું સંચાલન કરવું જોઈએ અથવા તો પછી જંગલી અને હિંસક પ્રાણીઓની જેમ જિંદગી જીવવી પડશે. હૉબ્સ કહે છે કે કાયદો અમુક વ્યક્તિઓના સ્વાતંત્ર્યને મર્યાદિત કરે છે અને તે એવા આશયથી કે તેઓ અન્યને નુકસાન ન કરે, પણ પરસ્પર સહકાર કરી સામાન્ય દુશ્મન સામે લડવામાં એકબીજાને મદદ કરે. જેરિમી બૅન્થમના મતે વધુમાં વધુ લોકોને વધુમાં વધુ સુખ મેળવી આપવું એ કાયદાનો હેતુ છે. રોસ્કો પાઉન્ડના શબ્દોમાં કાયદાનાં ચાર કાર્યો છે : (i) કાયદો અને વ્યવસ્થાનો નિભાવ, (ii) સમાજમાં ‘જૈસે થે’ સ્થિતિ સાચવી રાખવી, (iii) લોકોને વધુમાં વધુ સ્વાતંત્ર્ય બક્ષવું અને (iv) લોકોની જરૂરિયાતોને વધુમાં વધુ સંતોષવી.

હિંદુ કાયદા પ્રમાણે કાયદા(धर्म)નું કાર્ય વ્યક્તિનું આ લોક અને પરલોકમાં વધુમાં વધુ કલ્યાણ થાય તેમ કરવું. મુસ્લિમ કાયદા પ્રમાણે કાયદો એટલે આત્મશિસ્ત, નીતિમત્તામાં સુધારો અને મિલકત, જીવન અને આબરૂનું રક્ષણ. સામાન્યત: લડતાં, ઝઘડતાં પ્રતિસ્પર્ધી હિતોને કાબૂમાં રાખી તેમની વચ્ચે સમાધાન ઉત્પન્ન કરવાનું કાર્ય કાયદો કરે છે.

કાયદાની બે ખૂબીઓ ધ્યાન ખેંચે તેવી છે : (1) કાયદામાં એકસરખાપણું (uniformity) હોવું જોઈએ અને (ii) કાયદો લવચીક (flexible) પણ હોવો જોઈએ. કાયદામાં જો એકરૂપતા (uniformity) હોય તો તેમાંથી નિશ્ચિતતા (certainty) અને અમુક બાબતનું પરિણામ શું આવશે તે અગાઉથી ભાખી શકાય તેવી સ્થિતિ (predictability) પેદા થાય છે. નિશ્ચિતતા અને પોતાના કાર્યનું પરિણામ શું આવશે તે અગાઉથી જાણી શકાય તેમ હોય ત્યારે વ્યક્તિ તેની પ્રવૃત્તિઓનું સંચાલન એ પ્રમાણે ગોઠવી શકશે અને નિશ્ચિંત બની શકશે. કરાર અને મિલકતના સંદર્ભમાં આ બે બાબતો અત્યંત મહત્વ ધારણ કરે છે. સમાજમાં સ્થિરતા (stability) અને સલામતી ત્યારે જ સ્થપાય, જ્યારે કાયદો એકરૂપ અને નિશ્ચિત હોય તથા એના નિયમો ચોક્કસ અને વારંવાર ન બદલાય તેવા હોય.

કાયદાની બીજી ખૂબી છે એની સ્થિતિસ્થાપકતા (flexibility) એવું બને કે સીમારેખા પરના કેસોમાં કાયદો ચોખવટ ન કરતો હોય (અને દરેક શક્ય કિસ્સા માટે નિયમો બનાવવા એ અશક્ય કાર્ય છે) આવે સમયે સ્વવિવેક (discretion) જરૂરી છે. આમ થાય તો જ કાયદો સામાજિક બદલાવની સાથે કદમ મિલાવી શકે. જો કાયદો જડ અથવા અફર હોય તો એને માત્ર ક્રાંતિ અને હિંસા જ બદલી શકે. કાયદો લવચીક હશે તો જ સામાજિક બદલાવને એ શાંતિથી પચાવી શકશે. આ સ્થિરતા સિદ્ધ કરી સમાજમાં થતા શાંતિપૂર્ણ બદલાવ જોડે અનુકૂલન સાધવું એ કાયદાનું કાર્ય છે.

6. કાયદાનું સાચું સ્વરૂપ :

કાયદાની યથાર્થતા (real nature of law) : કાયદાની કામગીરી બહુલક્ષી છે. સમાજમાં સુવ્યવસ્થા, શાંતિ અને ન્યાયનું સ્થાપન એ તેની મુખ્ય કામગીરી છે. વ્યવસ્થા (order) ન્યાયસંગત પણ હોવી જોઈએ. બૅન્થમના મંતવ્ય પ્રમાણે સૌથી વધુ સંખ્યામાં મનુષ્યો માટે સારા જીવન માટેની સગવડોની પ્રાપ્તિ કરી આપવી એ કામ કાયદાનું છે. પ્રાપ્તિ શબ્દમાં ભૌતિક સુખ-સગવડો ઉપરાંત આદર્શવાદી અને કર્તવ્યપરાયણ વર્તનનો પણ સમાવેશ થાય છે. સમાજમાં પ્રવર્તતાં સામાજિક અનિષ્ટો દૂર કરવા ઉપરાંત, પરસ્પર વિસંવાદી હોય તેવાં વ્યક્તિગત અને સામાજિક હિતોનો સમન્વય કરી, સમાજનું મહત્તમ હિત સિદ્ધ કરવાનું કાર્ય પણ કાયદાનું છે. કાયદો બધી વ્યક્તિઓનાં બધાં હિતોને રક્ષી શકે નહિ, પરંતુ હિતોના પરસ્પર સંઘર્ષમાં કાયદો કયા હિતને રક્ષણ આપશે તે કાયદાના બયાનથી સ્પષ્ટ કરાય છે. અને આમ રક્ષાયેલું હિત એ અધિકાર બને છે; જેના ઉલ્લંઘન માટે કાયદો તે માટેનો ઉપાય (remedy) રજૂ કરે છે. આ રીતે કાયદો પ્રતિસ્પર્ધી હિતો વચ્ચે સમતુલા જાળવી સમાજના એકંદર હિતનો ખ્યાલ રાખે છે. આથી જ કાયદાના વિજ્ઞાનને ‘સામાજિક ઇજનેરી’(social engineering)નું વિજ્ઞાન કહ્યું છે.

વ્યક્તિગત અને સામાજિક જીવનમાં વ્યવસ્થાની આવશ્યકતા નિર્વિવાદ છે. કૌટુંબિક અને સામાજિક જીવનમાં તથા વ્યાપારી વ્યવહારોમાં સામાજિક નૈતિકતાથી સુવ્યવસ્થા બની રહે છે, બધી વ્યવસ્થા માત્ર સામાજિક નૈતિકતાને ધોરણે ચાલી શકે, પણ તેને કાયદાના સમર્થનની અને બળની જરૂર રહે છે. કાયદાના નિયમો કૌટુંબિક વ્યવસ્થા, વ્યાપારી વ્યવહારોની વ્યવસ્થા તથા મિલકતની વ્યવસ્થાના નિયમો ઘડે છે અને તેનું પાલન કરાવે છે. વળી કાયદાના નિયમો હિંસાનો નિષેધ કરી, મનુષ્યજીવનને સુરક્ષિત બનાવે છે અને મિલકત અંગેના ગુનાનો નિષેધ કરી સમાજને રક્ષણ આપે છે.

કાયદાને ‘કાયદો’ બનાવતાં લક્ષણોથી કાયદાની યથાર્થતા (validity) નક્કી થતી હોય છે. આવાં લક્ષણો કાયદાના નિયમોને ‘કાયદાપણું’ બક્ષે છે અને તેમની કસોટીની એરણે ચકાસણી કરીને કાયદાના નિયમોને અન્ય નિયમોથી અલગ તારવી શકાય છે. કાયદાની કાયદેસરતા નિર્ધારિત કરી આપતાં લક્ષણો વિશે કાયદાશાસ્ત્રીઓમાં ભિન્ન ભિન્ન મત છે. જે તે કાયદાશાસ્ત્રી કાયદા પ્રત્યેના પોતાના આગવા અભિગમના ઉપલક્ષ્યમાં આવાં લક્ષણો જણાવે છે. વિવિધ કાયદાશાસ્ત્રીઓએ કાયદાનાં હેતુ, કાર્ય, ઉપયોગ, ઉદભવસ્થાન, કામગીરી, ઉપયોગિતા, બાહ્ય આકાર અને સ્વરૂપ વગેરેના સંદર્ભમાં કાયદાની યથાર્થતા માટેનાં લક્ષણો જણાવ્યાં છે; દા.ત., જે કાયદો ન્યાયસંગત કે ધર્મસંગત કે નીતિસંગત કે જનહિતસંગત ન હોય કે જે કાયદો સમાનતા, સ્વાતંત્ર્ય, ભ્રાતૃભાવ જેવા કોઈ મૂલ્યને પોષક ન હોય, તે કાયદો ‘કાયદો’ ગણાય નહિ. સમાજવાદી કાયદાશાસ્ત્રીઓ જે કાયદો સમાજહિતલક્ષી ન હોય તેને ‘કાયદો’ ગણતા નથી; તો માર્કસવાદી કાયદાશાસ્ત્રીઓ જે કાયદો સમાજવાદી કાયદેસરતા (socialist legality) સાથે બંધ-બેસતો ન હોય તેને ‘કાયદો’ ગણવાનો ઇનકાર કરે છે. વળી કેટલાક કાયદાશાસ્ત્રીઓ કાયદાના બાહ્ય સ્વરૂપના આધારે જ તે ‘કાયદો’ છે કે નહિ તે નક્કી કરવાની કસોટી આપે છે. તેઓ જે નિયમોને વિધાનતંત્રે ઘડ્યા હોય અને જેમને કોર્ટો પોતાના ન્યાયપ્રદાનના કાર્યમાં માન્ય રાખી તેમનો અમલ કરાવતી હોય તે નિયમોને જ ‘કાયદો’ ગણવાની હિમાયત કરે છે. આમ કોર્ટો જે નિયમોને કાયદા તરીકે માન્ય રાખતી હોય તે નિયમો કાયદા ગણાતા હોય છે. વળી અન્ય કાયદાશાસ્ત્રીઓ આવા નિયમો ઉપરાંત રાજ્યની ઉચ્ચ કોર્ટોના ચુકાદાના માત્ર સિદ્ધાંતને પણ ‘કાયદો’ ગણે છે. અન્ય કેટલાક વિચારકો જે રૂઢિગત નિયમોનો કોર્ટો અમલ કરાવતી હોય તે રૂઢિગત નિયમોને પણ ‘કાયદા’ ગણે છે. જોકે આજનાં વિધાનતંત્રો કોર્ટોના આવા ચુકાદા અને આવા રૂઢિગત નિયમોને રદ કરી શકતી હોય છે. તેથી છેવટે તો વિધાનતંત્ર ઘડે તે જ ‘કાયદો’ એવી ભૂમિકા બંધાય છે; પણ જો વિધાનતંત્રે ઘડેલો કાયદો ન્યાયવિરોધી, લોકહિતવિરોધી, એકહથ્થુ, જુલમી, ભેદભાવભર્યો, માનવઅધિકારોનું ઉલ્લંઘન કરનાર, નીતિવિરોધી હોય તો કેટલાક વિચારકો આવા કાયદાને ‘કાયદો’ ગણવાનો ઇનકાર કરે છે. આમ જે કાયદાશાસ્ત્રીઓ કાયદાની યથાર્થતા નિર્ધારિત કરવાનાં લક્ષણો કાયદાના ક્ષેત્રમાંથી જ શોધે છે. તેઓ કાયદાની ઘડતર-પ્રક્રિયા અને અમલ-પ્રક્રિયાના સંદર્ભમાં જ કાયદાના ‘કાયદાપણા’ની કસોટીઓ આપે છે. અન્ય કાયદાશાસ્ત્રીઓ કાયદાના ક્ષેત્રની બહાર જઈને કાયદાની યથાર્થતા નિર્ધારિત કરવા માટેનાં લક્ષણો શોધે છે.

7. કાયદાના લાભાલાભ :

જ્હૉન સામંડ કહે છે કે કાયદાના લાભો ઘણા છે તો તેના ગેરલાભો પણ કંઈ ઓછા નથી. જોઈએ કે લાભો અને ગેરલાભો કયા કયા છે.

કાયદાના લાભો : (1) એકસરખાપણું (uniformity). કાયદો બધાને માટે સમાન છે. કાયદો લેખિત હોવાથી તેમાં એકરૂપતા ઉપરાંત નિશ્ચિતતા (certainty) પણ આવે છે, અને ગમે ત્યારે તેનો આશરો લઈ શકાય છે. (2) ન્યાયાધીશની અયોગ્ય ઇચ્છા કે પૂર્વગ્રહ સામે કાયદો પક્ષકારોને રક્ષણ આપે છે અને તેમને નિષ્પક્ષ ન્યાય મળી શકે છે. સિસેરોએ યોગ્ય જ કહ્યું છે કે  આપણે સૌ નાગરિકો કાયદાના દાસ (ગુલામ) હોવાથી જ આપણે મુક્ત રહી શકીએ છીએ. (We are the slaves of the law so that we may be free.) (3) કાયદો લિખિત અને નિશ્ચિત હોવાથી ન્યાયાધીશની વ્યક્તિગત ભૂલો પણ તેના દ્વારા નિવારી શકાય છે. (4) ન્યાયાધીશની ક્ષણિક કલ્પનાને અધીન ન્યાય કરતાં કાયદાએ કરેલો ન્યાય વધુ વિશ્વસનીય છે.

કાયદાના ગેરલાભો : (1) કાયદો લિખિત હોવાથી તે નિશ્ચિત બને છે, પરંતુ કાળક્રમે તેમાં કઠોરતા કે જડતા પ્રવેશે છે અને પરિણામે તે અન્યાયનો જનક બની રહે છે. (2) જડ હોવા ઉપરાંત કાયદો રૂઢિચુસ્ત (conservative) છે. સમાજના ઉરધબકાર જોડે તાલ મિલાવી ચાલવું તેને માટે શક્ય નથી. (Law lags behind the public opinion.) તેથી તે હમેશાં જનમતથી પાછળ રહે છે. (3) તે નાની બાબતોને ક્યારેક અતિ મહત્વ આપતો હોવાથી તેમાં ઔપચારિકતા (formalism) પ્રવેશે છે અને ઘણી વાર મુખ્ય બાબતોને બાજુ પર રાખી દેવામાં આવે છે. (4) કાયદો લિખિત અને નિશ્ચિત હોવાથી તેમાં સૂક્ષ્મતા અને વિશદતાના ખ્યાલોનો પ્રવેશ થાય છે, જેને કારણે તેમાં ગૂંચવણભરી પરિસ્થિતિ (complexity) ઊભી થાય છે; દા.ત., આવકવેરો અને વેચાણવેરો. કાયદાઓ એવા જટિલ બની ગયા છે કે સામાન્ય વ્યક્તિ તેને સુપેરે સમજી શકે એવું બની શકતું નથી.

8. કાયદા વિશેની વિવિધ વિચારસરણીઓ :

નિસર્ગવાદી વિચારસરણી (Natural Law Theory) : માનવજાતની ન્યાય માટેની ઝંખના અને તેની નિષ્ફળતાના ઇતિહાસનું, આ વિચારસરણી એક ઉત્તમ ઉદાહરણ છે. છેલ્લાં 2,500 વર્ષોથી આ વિચારસરણીની મદદથી માનવજાતે, એક અથવા બીજા સ્વરૂપમાં, માનવસર્જિત કાયદા કરતાં કોઈ ચડિયાતા કાયદાની શોધ આદરી છે. આ વિચારસરણીના પુરસ્કર્તા વિચારકોએ સમગ્ર માનવજાત માટે વિશ્વવ્યાપી કાયદાપ્રથા અને માનવના છીનવી ન લઈ શકાય તેવા અધિકારોની ભેટ આપણને આપી છે.

ગ્રીક વિચારકો કાયદાને દૈવી સ્વરૂપનો માનતા હતા. તે પછી તેમણે કાયદો માનવબુદ્ધિમાંથી ઉદભવતો હોવાનું જણાવ્યું હતું. રોમન વિચારકોએ કેટલાક બુદ્ધિસંગત અને ન્યાયસંગત સિદ્ધાંતો પર ભાર મૂક્યો હતો.

મધ્યયુગમાં ખ્રિસ્તી ધર્મપુરુષોએ આ વિચારધારાને વિકસાવી હતી. તેમણે ધર્મસત્તાને રાજ્યસત્તા કરતાં ચડિયાતી ગણી. રાજ્યના કાયદા અને ધર્મના કાયદા નીતિમત્તા સાથે સુમેળ ધરાવતા હોવા જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે શાસકો અને શાસિતો એક જ કાયદાથી એકસરખા બંધાયેલા હોવાનું જણાવ્યું હતું. સંત થૉમસ એક્વાઇનસે નૈસર્ગિક કાયદો ઈશ્વરી કાયદામાંથી ઊતરી આવ્યો હોવાનું જણાવ્યું હતું. આગળ જતાં ગ્રાંશિયસે નૈસર્ગિક કાયદાને ઈશ્વરી કાયદાથી અલગ પાડી દઈ તેને માનવબુદ્ધિ સાથે સાંકળ્યો હતો.

પછીના વિચારકોએ સામાજિક કરારનો વિચાર રજૂ કરી, કાયદો પ્રજાની સંમતિથી ઉદભવતો હોવાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રજાના જીવન, સ્વાતંત્ર્ય અને મિલકતના અધિકારોને નૈસર્ગિક અધિકારો માન્યા હતા. સ્ટેમ્લરે આ નૈસર્ગિક કાયદાની અંતર્ગત વિગતો બદલાતી રહેતી હોવાનું જણાવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી આ વિચારધારાને ફરીથી નવું બળ મળ્યું છે.

જુદા જુદા યુગમાં નૈસર્ગિક કાયદાના જુદા જુદા અર્થ જોવા મળે છે; જેમ કે : (ક) કાયદાના વિકાસ માટેના માર્ગદર્શક આદર્શો, (ખ) કાયદામાં રહેલી પાયાગત નૈતિકતા, (ગ) સર્વાંગપૂર્ણ કાયદો શોધવાની રીત, (ઘ) આવા સંપૂર્ણ કાયદાની બુદ્ધિ વડે તારવી શકાતી વિગતો અને (ઙ) કાયદાના અસ્તિત્વ માટેની આવશ્યક પૂર્વશરતો. આ નૈસર્ગિક કાયદો રાજ્યના કાયદા કરતાં ચડિયાતો અને તેનો પુરોગામી મનાયો હતો. તેથી નૈસર્ગિક કાયદાનો રાજ્યના કાયદાનું ‘કાયદા’પણું નિર્ધારિત કરવા માટેની કસોટી તરીકે ઉપયોગ થયો હતો. આ અભિગમ કાયદો કેવો ‘હોવો જોઈએ’ તે ર્દષ્ટિકોણ અપનાવે છે. આ અભિગમની કાયદાની ફિલસૂફીના વિકાસમાં ભારે અસર પડી છે.

ઘણા દેશોનાં બંધારણો અને કાયદામાં આ અભિગમની છાયા જોવા મળે છે. જ્યારે જ્યારે રાજ્યે નાગરિકો ઉપર દમનનો કોરડો ચલાવ્યો છે ત્યારે ત્યારે નાગરિકને રાજ્ય સામે રક્ષવા માટે નૈસર્ગિક કાયદાનો આશરો લેવાયો છે. માનવના મૂળભૂત અધિકારો તેની દેણ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુદ્ધ-અપરાધીઓ સામે કામ ચલાવી તેમને શિક્ષા કરવા માટે નૈસર્ગિક કાયદાનો આશરો લેવાયો છે. ભારતના બંધારણના આમુખ અને મૂળભૂત અધિકારોને લગતી જોગવાઈઓમાં નૈસર્ગિક કાયદાના પડઘા સંભળાય છે. અમેરિકાના બંધારણની કાયદાની ‘ઉચિત પ્રક્રિયા’ (due process) અને ભારતના બંધારણના ‘કાયદા દ્વારા પ્રસ્થાપિત ન્યાયપૂર્ણ વાજબી અને ઉચિત કાર્યવહી’ શબ્દો નૈસર્ગિક કાયદાનાં મૂર્તિમંત ઉદાહરણો છે. તે ઉપરાંત ન્યાયતંત્ર જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોના પાલનનો આગ્રહ રાખે છે તેનાં મૂળ પણ આ નૈસર્ગિક કાયદામાં રહેલાં છે. જુદા જુદા વિચારકોએ પોતાનાં ભિન્ન ભિન્ન ને ક્યારેક તો વિરોધી મંતવ્યો માટે આ વિચારધારાનો ઉપયોગ કર્યો છે.

ઐતિહાસિક વિચારસરણી (Historical Theory) : ઓગણીસમી સદીની શરૂઆતમાં કાયદા પ્રત્યેના નૈસર્ગિક અભિગમના વિરોધમાં ઐતિહાસિક વિચારસરણીનો ઉદભવ થયો. યુરોપના દેશોના કાયદામાં રોમના કાયદાને મળેલા સ્થાનના અભ્યાસમાંથી આ વિચારધારાનો વિકાસ થયો હતો.

આ અભિગમ ધરાવતા કાયદાશાસ્ત્રીઓ કાયદાને સમાજના જિવાતા જીવન સાથે સીધો અનુબંધ હોવાનું જણાવે છે, તેથી આ અભિગમ એક અર્થમાં સમાજશાસ્ત્રીય અભિગમ પણ છે. જર્મન કાયદાશાસ્ત્રી સેવિની આ અભિગમના મુખ્ય પુરસ્કર્તા ગણાય છે. જેમ ભાષા પ્રજાકીય ચેતનામાંથી ઉત્ક્રાંતિ પામે છે તેમ કાયદો પણ પ્રજાકીય ચેતનામાંથી અંકુરિત થાય છે તેવું આ વિચારધારાનું મુખ્ય મંતવ્ય છે. એક દેશનો કાયદો બીજા દેશને કામમાં આવી શકે નહિ. તેથી કાયદો વિશ્વવ્યાપી હોઈ શકે નહિ. તે પ્રજાએ પ્રજાએ અને યુગે યુગે અલગ અલગ હોય છે. કાયદો કોઈ શાસકના હુકમમાંથી કે સમાજની આદતોમાંથી ઉદભવતો હોતો નથી, પણ તે તો દરેક પ્રજાની ખરાખોટા અંગેની અંતર્ગત માન્યતામાંથી ઉદભવતો હોય છે. કાયદાનું ખરું ઉદભવસ્થાન રૂઢિમાં નહિ, પણ માણસોના મનનાં ઊંડાણોમાં રહેલું છે. કાયદાનું આ ‘જીવંતપણું’ જ કાયદાને કાયદા તરીકેનું બળ આપે છે. સમાજનો દરેક સભ્ય પોતાને જેની સાથે નિસબત હોય તે બાબતો અંગે શું ન્યાયસંગત અને ઉચિત છે તે પારખવાની સમજ ધરાવતો હોય છે. આમ વેપારીને વેપારવણજ બાબતના અને ખેડૂતોને ખેતીવાડી બાબતના નિયમોની સમજ હોય છે. આ અભિગમ ધરાવતા કાયદાશાસ્ત્રીઓ કાયદાને પ્રયત્નપૂર્વક સુધારવાની તરફદારી કરતા નથી. જ્યાં સુધી રાજ્યે ઘડેલો ધારો પ્રજાની પેલી મનોગત માન્યતા સાથે બંધબેસતો હોય ત્યાં સુધી જ તે સફળ થાય છે. જો તે તેનાથી વિપરીત હોય તો તે નિષ્ફળતાને પામે છે. આમ આ વિચારસરણી કાયદાને જે તે સામાજિક પરિસ્થિતિની સીમામાં રાખીને જ સમજી શકાય.

સેવિની અને પુક્ટા ઉપરાંત મેઇન, વિનોગ્રાડૉફ, પોલૉક, મેઇટલૅન્ડ, હોલ્ડ્ઝવર્થ, ગિર્કે જેવા કાયદાશાસ્ત્રીઓએ આ વિચારધારાને જુદા જુદા દેશોની સામાજિક પરિસ્થિતિમાં કાયદાના વિકાસક્રમને અનુલક્ષીને સમજાવી છે. તેઓ એક દેશની કાયદાપ્રથા કે બંધારણને બીજા દેશમાં ઉપરથી લાદવાના હિમાયતી નથી. આ વિચારધારાને પરિણામે જર્મનીમાં 1900 સુધી કાયદાનો એક સર્વગ્રાહી કોડ ઘડવાનું કામ થઈ શક્યું ન હતું. સેવિનીએ વિધાનગૃહો કાયદાની સુધારણામાં ઝંપલાવે તે અગાઉ, તેમણે બરાબર વિચાર કરવો જોઈએ તેવી ચેતવણી આપી હતી. સેવિનીએ વિધાનતંત્રે ઘડેલા કાયદાને પ્રજાની રૂઢિ કરતાં ઊતરતું સ્થાન આપ્યું હતું.

કાયદા પ્રત્યેના આ ઐતિહાસિક અભિગમના ત્રણ મહત્ત્વના મુદ્દા આ પ્રમાણે છે : (1) કાયદો પરંપરામાંથી આવતો હોય છે, તે બનાવાતો હોતો નથી. કાયદાનો વિકાસ અભાનપણે સર્જનાત્મક પ્રક્રિયાથી થતો હોય છે. તેથી વિધાનગૃહે ઘડેલો કાયદો રૂઢિની તુલનામાં ઓછો મહત્વનો છે. કાયદો સમાજના વિકાસ સાથે વિકસે છે અને લોકોના સામર્થ્ય સાથે શક્તિ મેળવે છે. (2) પ્રજાકીય ચેતના કાયદાશાસ્ત્રીઓ મારફતે અભિવ્યક્તિ પામે છે. કાયદાશાસ્ત્રી પ્રજાકીય ચેતનાનો જ એક અંશ હોય છે. તે જ કાચી સામગ્રીમાંથી કાયદાના નિયમોને ઘાટ આપે છે. ત્યારપછી જ વિધાનગૃહે ઘડેલા કાયદાનું સ્થાન આવે છે. (3) કાયદાને વિશ્ર્વવ્યાપી અમલ કે યથાર્થતા હોતી નથી. જેમ દરેક પ્રજા પોતાની આગવી ભાષા અને શિષ્ટાચારના નિયમો વિકસાવે છે તેમ દરેક પ્રજા પોતાના કાયદાના આગવા નિયમો વિકસાવે છે.

આદેશાત્મક વિચારસરણી (Imperative Law Theory) : વિધાનવાદી અભિગમ : આ અભિગમના કાયદાશાસ્ત્રીઓ કાયદો કેવો ‘હોવો જોઈએ’ તેના કરતાં તે ‘જેવો છે તેવો’ એટલે કે કાયદો જેવો મળી આવે છે તેવા સ્વરૂપમાં કાયદાને અભ્યાસનું લક્ષ્ય બનાવે છે. અહીં બેન્થમ, ઑસ્ટિન, હોલૅન્ડ, સામંડ, ગ્રે, હાર્ટ, કેલ્સન વગેરે વિચારકોનો ફાળો નોંધપાત્ર છે. તેઓ કાયદાને ફિલસૂફીના કે અન્ય સમાજશાસ્ત્રોના ર્દષ્ટિકોણથી નહિ, પણ તર્કના સાધનથી તેનું વિશ્લેષણ કરીને તપાસે છે. તેથી તેઓ કાયદાને ન્યાય, નીતિ તથા અન્ય મૂલ્યોથી અલગ પાડે છે.

બેન્થમે ઇંગ્લૅન્ડના કાયદાને સંસદના ધારાના સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની જોરદાર હિમાયત કરી હતી. કાયદાનું ઉદભવસ્થાન સાર્વભૌમ વ્યક્તિની ઇચ્છામાં હોવાનું તે જણાવે છે. બેન્થમ અને ઑસ્ટિન બધા જ કાયદાને કાં તો રાજ્યના આદેશો કે રાજ્યે આપેલ છૂટછાટોના સ્વરૂપમાં જુએ છે. તેઓ રૂઢિઓ, પ્રણાલિકાઓ અને કોર્ટોના ચુકાદાને કાયદા તરીકે કબૂલ રાખતા નથી. ઑસ્ટિન કાયદાનાં લક્ષણો આ પ્રમાણે જણાવે છે : (ક) રાજકીય સાર્વભૌમ વ્યક્તિ કાયદો આપે છે. (ખ) આવી વ્યક્તિના આદેશો જ કાયદો ગણાય છે. (ગ) આ કાયદાના ઉલ્લંઘન માટે સાર્વભૌમ વ્યક્તિ પોતાની દંડશક્તિનો ઉપયોગ કરે છે. ઑસ્ટિન રાજ્યે આપેલા કાયદાને જ સાચો કાયદો ગણે છે. તેના મતે આંતરરાષ્ટ્રીય કાયદો, રૂઢિઓ અને બંધારણીય પ્રણાલિકાઓ કાયદો નથી.

આ વિચારધારાના કેટલાક પ્રવર્તકો કાયદાનું ઉદભવસ્થાન માત્ર વિધાનતંત્રમાં જ હોવાનું માને છે. ગ્રેના મંતવ્ય અનુસાર વિધાનગૃહે ઘડેલા ધારા ઉપરાંત કોર્ટના ચુકાદા, રૂઢિઓ અને સમન્યાયના સિદ્ધાંતો તો માત્ર કાયદાનાં ઉદભવસ્થાન છે; પણ રાજ્યનું ન્યાયકીય અંગ, એટલે કે કોર્ટો વર્તનના જે નિયમો બહાર પાડે તે જ સાચો કાયદો છે. સામંડ ન્યાયના પ્રદાનમાં રાજ્યે, એટલે કે કોર્ટોએ માન્ય રાખેલા અને અમલમાં મૂકેલા સિદ્ધાંતોના સમૂહને કાયદો ગણે છે. હાર્ટ કાયદાને પ્રાથમિક અને ગૌણ નિયમોના સમૂહ તરીકે ઓળખાવે છે. કેલ્સન કાયદામાંથી ન્યાય, નીતિ, ઔચિત્ય જેવાં મૂલ્યોને બાકાત રાખી કાયદાને ઇતિહાસ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ફિલસૂફી વગેરે સમાજવિદ્યાઓની છત્રછાયામાંથી બહાર આણીને તેનું શુદ્ધ વૈજ્ઞાનિક ર્દષ્ટિએ પૃથક્કરણ કરે છે. તે કાયદાના નિયમલક્ષી સ્વરૂપ ઉપર ભાર મૂકે છે અને કાયદાને નિયમોની એક ચડતી-ઊતરતી વ્યવસ્થાના સ્વરૂપમાં જુએ છે. તેની ટોચે રહેલો નિયમ  મૂળભૂત નિયમ – grand norm – છે. કાયદાના બીજા બધા જ નિયમો આ મૂળભૂત નિયમમાંથી ઊતરી આવે છે. ઇંગ્લૅન્ડમાં સંસદની અને ભારતમાં બંધારણની સર્વોપરિતા આવા મૂળભૂત નિયમનાં ઉદાહરણ છે.

વિધાનવાદી વિચારકો રાજ્યે સર્જેલા કાયદાની યથાર્થતાને પડકારતા નથી. તેઓ કાયદા પ્રત્યેના નિસર્ગવાદી અભિગમના ઉગ્ર ટીકાકારો છે. ઑસ્ટિનની વિચારધારાને કાયદાની આદેશાત્મક વિચારધારાનું અલગ નામ મળ્યું છે.

સમાજશાસ્ત્રીય વિચારસરણી (Sociological Theory) : ઓગણીસમી સદીમાં કાયદાશાસ્ત્રીઓનું ધ્યાન વ્યક્તિના અધિકારો ઉપરથી ખસીને તેની સમાજ પ્રત્યેની ફરજો ઉપર કેન્દ્રિત થવાથી તેમણે કાયદાને જે તે સમાજના સંદર્ભમાં સમજવાની શરૂઆત કરી હતી. કાયદા પ્રત્યેના આ સમાજશાસ્ત્રીય અભિગમમાં કાયદાનો સામાજિક અંકુશ માટેના એક સાધન તરીકે અભ્યાસ થવા લાગ્યો. આ અભિગમમાં કાયદા પ્રત્યેના ઐતિહાસિક અને આર્થિક અભિગમનો પણ સમાવેશ થઈ જાય છે. આ અભિગમના વિકાસમાં કૉમ્તે, દુર્ખાઇમ, જેની, ઝેરિંગ, એહરલિક, બેન્થમ, પાઉન્ડ, દુગુઈ, હોરિયો અને હોમ્સનો ફાળો નોંધપાત્ર છે.

આ વિચારકોએ કાયદો અને સામાજિક પરિવેશ વચ્ચેના પારસ્પરિક સંબંધો સ્પષ્ટ કર્યા હતા. તેમણે સમાજમાં કાયદાની ગતિશીલ અને સર્જનાત્મક ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો તથા કાયદાને અમુક સાધ્ય હેતુ સિદ્ધ કરવાના સાધન તરીકે લેખ્યો હતો.

કાયદાના નિયમો માનવવર્તનને લગતા હોય છે. આ નિયમોનો હેતુ સમાજનાં હિતોનું રક્ષણ કરવાનો હોય છે. વ્યક્તિનાં હિતો અને સમાજનાં હિતો વચ્ચે ઘર્ષણ થતું હોય તે વખતે કાયદાએ આ હિતસંઘર્ષમાં સંવાદિતા લાવવાની કામગીરી બજાવવાની હોય છે. પાઉન્ડ આ કામગીરીને સમાજનિર્માણવિદ્યા (social engineering) કહે છે. તેઓ કાયદાને તેની કામગીરીના સંદર્ભમાં મૂલવે છે. એહરલિક જણાવે છે : ‘‘કાયદાના વિકાસનું ગુરુત્વબિંદુ વિધાનગૃહના ધારામાં કે કાયદાની પાંડિત્યપૂર્ણ ફિલસૂફીમાં કે કોર્ટના ચુકાદામાં રહેલું નથી; પણ તે સમાજમાં પોતાનામાં રહેલું છે.’’ તે કાયદો અને સામાજિક અંકુશ માટેનાં અન્ય ધોરણો વચ્ચે ઓછામાં ઓછો ભેદ રાખવા ઉપર ભાર મૂકે છે તથા કાયદાનાં ધોરણો સામાજિક હકીકતોમાંથી તારવી કઢાયાં હોવાનો મત વ્યક્ત કરે છે.

બેન્થમ ઉપયોગિતાવાદી હોવાથી કાયદાનું કાર્ય મહત્તમ લોકોનું મહત્તમ કલ્યાણ સાધવાનું છે તેવો મત વ્યક્ત કરે છે. જેરિંગ કાયદાનો હેતુ લોકોનાં હિતોનું રક્ષણ કરવાનો હોવાનું જણાવે છે. પાઉન્ડ કાયદાનું કાર્ય વ્યક્તિ અને વ્યક્તિ તથા વ્યક્તિ અને સમાજનાં પારસ્પરિક હિતોના સંઘર્ષમાં સંતુલન સ્થાપવાનું અને તેમ કરીને ઓછામાં ઓછા ઘર્ષણથી વ્યક્તિની વધુમાં વધુ જરૂરિયાતોને સંતોષવાનું હોવાનું જણાવે છે. તે કાયદાના નિયમોની સામાજિક અસરોના અભ્યાસની હિમાયત કરે છે અને જણાવે છે : ‘‘સમાજમાં કાર્યાન્વિત થતો કાયદો, પુસ્તકોમાં રહેલા કાયદા કરતાં ભિન્ન હોઈ શકે છે.’’ હોમ્સ લખે છે : ‘‘કોર્ટો કે રાજ્યના અધિકારીઓ જે કરે છે તે કાયદો છે; તેઓ જે કહે તે કાયદો નથી.’’ હોરિયો જુદી જુદી સામાજિક સંસ્થાઓની ભૂમિકામાં કાયદાની સમજૂતી આપે છે.

જર્મની, સોવિયેટ રશિયા અને અમેરિકાના કાયદાવિષયક ચિંતનમાં આ અભિગમનું પ્રાધાન્ય જોવા મળે છે. આ અભિગમ છેલ્લા દાયકાઓમાં અભૂતપૂર્વ ગતિથી થયેલા સામાજિક પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં વિકસ્યો છે. અહીં કાયદાશાસ્ત્ર પ્રત્યે સમાજવિદ્યાઓનો ર્દષ્ટિકોણ અપનાવવામાં આવે છે.

સમાજના કાયદામાં તેનાં વિવિધ જૂથોનાં હિતોનો સંઘર્ષ પ્રતિબિંબિત થતો હોય છે. રાજ્યમાં રહેલું શક્તિશાળી જૂથ પોતાના હેતુની સિદ્ધિ માટે કાયદાનો એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે. તેથી કાયદો શક્તિશાળી લઘુમતીના, નબળી બહુમતી ઉપરના આધિપત્યનો દ્યોતક છે. આ અભિગમ કાયદામાં અસમાનતા અને સામાજિક વર્ગભેદ વ્યક્ત થતો હોવાનું માને છે. શોષિત વર્ગોએ કાયદાનો ઉપયોગ કરીને શાસક વર્ગનું આધિપત્ય ફગાવી દીધું હોવાનું જોવા મળે છે. સત્તાથી વંચિત દરેક વર્ગ પોતે જ શાસક બની જવા માટે કાયદા ઉપર આધાર રાખે છે. અહીં કાયદો માનવજાતની મુક્તિ માટેના સંઘર્ષમાં એક અગત્યનું પરિબળ ગણાયો છે.

9. કાયદાનાં ઉદભવસ્થાનો (Sources of Law) :

સામાન્યત: કાયદાનાં મૂલ બે પ્રકારનાં મનાય છે પરંતુ એક ત્રીજું મૂલ પણ છે, જેને લિટરરી સોર્સ અર્થાત્ સાહિત્યિક મૂલ કહે છે. આમ કુલ ત્રણ ઉદભવસ્થાનો નીચે પ્રમાણે છે : વૈધિક મૂલ, ઐતિહાસિક મૂલ અને સાહિત્યિક મૂલ. અમુક વિદ્વાનોના મતે કાયદાનાં મુખ્ય ઉદભવસ્થાનો બે છે : (1) ઔપચારિક અથવા સ્વરૂપાત્મક (formal) અને (2) વિષયાત્મક અથવા એવું ઘટક તત્વ, જેમાંથી કાયદાને આકાર મળે છે (material). ઔપચારિક ઉદભવસ્થાન એ એવું ઉદભવસ્થાન છે કે જેમાંથી કાયદાનો નિયમ તેનું બળ અને માન્યતા (force and validity) પ્રાપ્ત કરે છે. આથી કાયદાને અધિકૃતતા (authenticity) પ્રાપ્ત થાય છે. રાજ્યની ઇચ્છા અને સત્તા એ આવું બળ છે.

વિષયાત્મક ઉદભવસ્થાનો(material sources)ના બે પ્રકારો છે : ઐતિહાસિક અને કાનૂની.

ઐતિહાસિક ઉદભવ : કાયદાના નિયમો અને સિદ્ધાંતોનો ઉદભવ અનેક સ્થાનોમાંથી થાય છે. રાજ્યનું વિધાનમંડળ તેણે કરેલા અધિનિયમોમાં કોઈ જોગવાઈ કરે ત્યારે તે જોગવાઈનું કાયદેસરનું – સ્વરૂપાત્મક ઉદભવસ્થાન તે અધિનિયમ છે. પણ ઐતિહાસિક ર્દષ્ટિએ અભ્યાસ કરતાં એવું જણાય કે સદરહુ જોગવાઈ કોઈ અન્ય રાજ્યના કાયદામાંથી, પ્રાચીન કાયદામાંથી, કોઈ કાયદાશાસ્ત્રીના મંતવ્ય પરથી કે કોઈ સમિતિના રિપોર્ટ પરથી કરવામાં આવી છે, તો આ જણાવેલાં ઉદભવસ્થાનો આ જોગવાઈનું ઐતિહાસિક ઉદભવસ્થાન બને છે. ઍંગ્લો-સૅક્સન જૂરિસ્પ્રૂડન્સ ધરાવતા દેશોના કાયદાનું મૂળ ઇંગ્લૅન્ડના કાયદામાં રહેલું છે, પણ આ દેશોનાં વિધાનમંડળોએ કરેલા કાયદા અને ત્યાંની અદાલતોએ આપેલા નિર્ણયો જ ત્યાંના કાયદાનું કાયદેસર  સ્વરૂપાત્મક મૂળ ગણાય છે. કાયદેસર ઉદભવસ્થાન કાયદા દ્વારા માન્ય હોય છે. ઐતિહાસિક અથવા વિષયાત્મક ઉદભવસ્થાન કાયદાનો અર્થ સમજવામાં ઉપયોગી બને છે, પણ તે પ્રમાણભૂત અને બંધનકર્તા નથી.

વૈધિક અથવા કાયદેસરનાં ઉદભવસ્થાનો છે : (i) વિધિનિર્માણ (legislation), (ii) પૂર્વનિર્ણય (precedent), (iii) રૂઢિ (custom), (iv) સમજૂતી (agreement) અને (v) વ્યાવસાયિક અભિપ્રાય (professional opinion)

વિધિનિર્માણ (legislation) : એટલે રાજ્યમાં અધિકૃત સત્તા દ્વારા કાયદાના નિયમોની જાહેરાત. રાજ્યમાં કાયદા બનાવવાની સત્તા સંસદ અને વિધાનમંડળોને હોય છે. રાજ્યમાં વિધિવિધાનની સર્વોપરિ સત્તા કોઈ એક પ્રવર સંસ્થા પાસે હોય છે. તેને અધીન બીજી અવર સંસ્થાઓને પણ વિધિવિધાન કરવાની સત્તા આપવામાં આવતી હોય છે. આ પ્રમાણે વિધિવિધાન બે પ્રકારનું છે : પ્રવર (supreme) અને અવર (subordinate). પ્રવર વિધાન સર્વોપરિ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ને તે બીજી કોઈ ઉપરી સત્તાને અધીન હોતું નથી. અવર વિધાન બીજી કોઈ ઉપરી વિધાયક સત્તાને અધીન હોય છે અને આવી ઉપરી સત્તાએ બાંધી આપેલ મર્યાદામાં રહીને જ આ અવર વિધાન કરી શકાય છે. ખાસ કરીને આવી અવર સંસ્થાઓ પોતાને સોંપેલી સત્તાઓનો ઉપયોગ કરવા માટે નિયમો બનાવવાની સત્તા ધરાવતી હોય છે. આવી અવર સંસ્થાઓમાં મ્યુનિસિપાલિટી, સરકારી વહીવટી સંસ્થાઓ, ન્યાયતંત્ર, યુનિવર્સિટી અને અન્ય સ્વાયત્ત સંસ્થાઓનો સમાવેશ થાય છે.

પૂર્વનિર્ણય (precedent) : અદાલતોના નિર્ણયોને આધારે કાયદાના જે નિયમો બને છે તેને પૂર્વનિર્ણય કહેવામાં આવે છે. ઉચ્ચ અદાલતોના નિર્ણયોનું મહત્વ વિવિધ કાયદાપદ્ધતિઓમાં સ્વીકારાયેલું છે. આવા નિર્ણયો ભવિષ્યમાં અદાલતોને ન્યાયનિર્ણયના કાર્યમાં માર્ગદર્શક બને છે એવો સિદ્ધાંત સર્વમાન્ય છે; પરંતુ ઇંગ્લૅન્ડ, અમેરિકા અને ઍંગ્લો-સૅક્સન કાયદાપદ્ધતિવાળા દેશોમાં પૂર્વનિર્ણયનું વિશિષ્ટ મહત્વ છે. અંગ્રેજી કાયદામાં પૂર્વનિર્ણયો પ્રમાણભૂત અને બંધનકર્તા બની રહે છે. આ નિર્ણયો માત્ર નિયમોના પુરાવા જ નથી, પણ તે પોતે નિયમો તરીકે સ્વીકારાયા છે. ઉચ્ચ અદાલતોના નિર્ણયોમાં સંબંધિત નિર્ણયનું જે તર્કશુદ્ધ હાર્દ રહેલું હોય તે પૂર્વનિર્ણય બને છે અને તે તે અદાલતો પર તથા તેમની નીચેની બધી અદાલતોને બંધનકર્તા રહે છે. આ સિદ્ધાંતને ઍંગ્લો-સેક્સન પદ્ધતિમાં ‘સ્ટેર ડિસાઇસિસ’નો સિદ્ધાંત કહેવામાં આવે છે. ઇંગ્લૅન્ડમાં કાયદાનો વિકાસ શરૂઆતમાં વિધિવિધાન કે સંહિતા(code)ના રૂપે થયો નહિ, પણ અદાલતોના નિર્ણયો દ્વારા જ થયો; તેથી આવા નિર્ણયોની પરંપરા જ કાયદાના નિયમોનું મૂળ બની ગઈ.

ભારતમાં પૂર્વનિર્ણયનો આ સિદ્ધાંત અમલમાં છે અને બંધારણમાં તેને અંતર્ગત કરવામાં આવ્યો છે. ભારતના બંધારણની કલમ 141 મુજબ ભારતની સુપ્રીમ કોર્ટે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતની તમામ કોર્ટોને બંધનકર્તા રહે છે. આ પ્રમાણે ભારતની સુપ્રીમ કોર્ટના નિર્ણયો સમગ્ર ભારતની બધી કોર્ટોને બંધનકર્તા રહે છે. રાજ્યોની હાઈકોર્ટોના નિર્ણયો સંબંધિત રાજ્યમાં બંધનકર્તા રહે છે.

રૂઢિ (custom) : સમાજ કે તેના કોઈ વર્ગનું સામાન્ય રીતે માન્ય થયેલું આચરણ એટલે રૂઢિ. સમાજનો મોટો ભાગ જે રીતે આચરણ કરતો હોય તે રીતને સમાજની સામાન્ય આચરણની પદ્ધતિ તરીકે સ્વીકારવામાં આવે છે. આવું આચરણ લાંબો સમય સતત ચાલુ રહે ત્યારે તે રૂઢિ તરીકે સ્વીકારાય છે. આવી રૂઢિ પરંપરાગત રીતે પળાતી આવતી હોય, ત્યારે તેને પ્રજાની ઘણી પેઢીઓનું સક્રિય સમર્થન પણ પ્રાપ્ત થતું હોય છે. તેનું સતત પાલન થતું હોવાથી તે કાયદાના મૂળ તરીકે સ્વીકાર પામે છે. આવો સ્વીકાર પામવા માટે રૂઢિ લાંબા સમયથી સતત પ્રચલિત હોવી જોઈએ અને તે કોઈ લેખિત કાયદાથી વિરુદ્ધ ન હોવી જોઈએ, અનૈતિક કે ગેરકાયદેસર ન હોવી જોઈએ અને જાહેર નીતિથી વિરુદ્ધ ન હોવી જોઈએ.

પક્ષકારો વચ્ચેનો કરાર (agreement) પણ કાયદાનું મૂળ ગણાય છે, પણ ખરી રીતે તો કરારને પક્ષકારોના હકનું મૂળ ગણવું વધારે ઉચિત છે. અર્વાચીન કાયદાપદ્ધતિઓમાં વિધિવિધાન અને અદાલતોના નિર્ણયો જ કાયદાના ઉદભવસ્થાન તરીકે મહત્વનું સ્થાન ધરાવે છે. રૂઢિ અથવા સદાચારનું મહત્વ ઘટતું જાય છે. પ્રાચીન પદ્ધતિઓમાં રૂઢિનું મહત્વ ઘણું હતું પણ હવે કાયદાનું ઘણુંખરું ક્ષેત્ર વિધિવિધાન દ્વારા આવરી લેવાયું હોવાથી રૂઢિનું બહુ મહત્વ રહ્યું નથી.

સાહિત્યિક ઉદભવસ્થાનો (literary sources) અને વ્યાવસાયિક અભિપ્રાયો (professional writings) : કાયદા પર અનેક ન્યાયવિદો ગ્રંથો લખે છે. આવા ન્યાયવિદો(Jurists)નાં સત્તાપૂર્ણ લખાણોમાંથી જ્યારે અમુક નિયમ કે સિદ્ધાંત સ્વીકારાય ત્યારે તે કાયદાનું ઉદભવસ્થાન બને છે; દા.ત., ઇન્સ્ટિટ્યૂટ્સ ઑવ્ જસ્ટિનિયન (Institutes of Justinian)  એ રોમન કાયદાનું સાહિત્યિક ઉદભવસ્થાન ગણાય છે; પરંતુ એવાં અસલ લખાણો પરની ટીકાઓ એ સાહિત્યિક ઉદભવસ્થાન બની શકે નહિ. એ જ રીતે ભગવાન મનુ, નારદ અને યાજ્ઞવલ્ક્યનાં લખાણો હિંદુ કાયદાનાં અને અબુ હનીફા, અબુ યૂસુફ અને ઇમામ મહંમદ જેવા ન્યાયવિદોનાં લખાણો મુસ્લિમ કાયદાનાં સાહિત્યિક ઉદભવસ્થાનો ગણી શકાય. સામંડના મત અનુસાર આવાં ઉદભવસ્થાનો કાયદાના જ્ઞાનનાં સત્તાવાર ઉદભવસ્થાનોનાં પુરોગામી છે. કાયદાપોથી (statute-book), કાયદાના રિપૉર્ટો (law reports) અને સત્તાવાર પાઠ્યપુસ્તકો અથવા ગ્રંથો એ ઇંગ્લિશ કાયદાનાં અસલ ઉદભવસ્થાનો છે.

બંધારણીય કાયદો : બંધારણીય કાયદો એટલે રાજ્યની વ્યવસ્થાના મૂળભૂત ભાગોને વિગતે સમજાવતો નિયમોનો એક સમૂહ. એના બે વિભાગો પડે : (1) રાજ્યનું પોતાનું બંધારણ અને (2) રાજ્યનું કાર્ય. બંધારણ ઘડવાને માટે કોઈ સામાન્ય કે સર્વસ્વીકૃત સિદ્ધાંતો નથી. રાજ્યને ગમે તેવા સિદ્ધાંતોને એમાં આમેજ કરી શકે છે. આમ છતાં જે સિદ્ધાંત કે તત્વ દરેક બંધારણમાં માલૂમ પડે તેને સામાન્ય સિદ્ધાંત એમ કહી શકાય. આવાં સામાન્ય તત્વો છે સંસદ, તેનું બંધારણ, સત્તાઓ અને કાર્યો તથા કાયદાનો અમલ કરનારી એક્ઝિક્યુટિવ, તેનું કાર્ય, સત્તાઓ અને બંધારણ. સમવાયતંત્રને વળી અમુક સિદ્ધાંતો સામાન્ય હોય છે. બંધારણના બે પ્રકારો છે – લિખિત અને અલિખિત. પ્રથમ પ્રકારને સખત કે કડક (rigid) અથવા સહેલાઈથી ફેરફાર ન થઈ શકે તેવું અને બીજાને સહેલાઈથી ફેરફાર કરી શકાય તેવું કહે છે. લિખિત બંધારણમાં સુધારાવધારા કરવાની પદ્ધતિઓનો પણ બંધારણમાં સમાવેશ થઈ શકે છે. જે રાજ્ય આવું બંધારણ આપે છે તેની સત્તાની રૂએ બંધારણ સ્વીકાર્ય બને છે. એ નોંધવા લાયક છે કે કાયદાના છડેચોક ભંગમાંથી (દા.ત., ઇંગ્લૅન્ડ સામેનું અમેરિકન રેવોલ્યુશન) આવું બંધારણ પેદા થઈ શકે છે. બંધારણને કયો કાયદો માન્યતા આપે છે એ પ્રશ્ન હજુ નિરુત્તર જ છે. બંધારણ જે તે દેશના નાગરિકો માટે છે. તે બદલી અને સુધારી શકાય છે, નાગરિકો બંધારણ માટે નથી. બંધારણ જનહિત માટે નવા નવા કાયદા બનાવવાની સંસદને સત્તા આપે છે. તેથી તે કાયદાનું એક જોરદાર મૂલ છે. (જુઓ સાથેની સારણી).

10. કાયદો અને નીતિમત્તા (Law and Morals) :

કાયદો અને નીતિમત્તા આ બંનેને સમન્વય અતિ પુરાણો છે, એમણે અતિ પ્રાચીન સમયથી પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. જોકે કોઈ કોઈ વાર એકે બીજાને ત્યજી દીધાના અથવા તો કાયદેસર જુદારું માંડ્યાના પ્રસંગો પણ એમની વચ્ચે બન્યા છે. છતાં એમ તો ન જ કહેવાય કે તેમનો લગ્નવિચ્છેદ થયો છે.

રોસ્કો પાઉન્ડના મતે કાયદાના ઉદભવ પૂર્વે ત્રણ તબક્કાઓ હતા :

(1) પ્રથમ તબક્કા(pre-legal stage ઉદભવ પૂર્વેના)માં કાયદો અને નીતિ વચ્ચે કોઈ ભેદ ન હતો.

(2) બીજો તબક્કો : આ તબક્કામાં કાયદો સ્થિર થયો, પરંતુ તે નીતિ કરતાં બળવત્તર ન હતો.

(3) ત્રીજો તબક્કો : આ તબક્કામાં કાયદામાં નીતિના વિચારોનું આરોપણ થયું અને તેને નવો ઘાટ અપાયો. સમન્યાય (equity) અને કુદરતી કાયદાના સિદ્ધાંતો(principles of natural justice)એ આ સમયે કાયદામાં પગપેસારો કર્યો, અને કાયદાના વિકાસને તેથી વેગ મળ્યો.

(4) ચોથા તબક્કામાં કાયદો એની બાલ્યાવસ્થા પૂરી કરીને પુખ્તવયનો થાય છે અને તેને તેની શક્તિઓનું ભાન થાય છે. આ તબક્કે એવી સ્થિતિ પેદા થાય છે જેમાં નીતિમત્તા અને નીતિ એ વિધિવિધાન ઘડનારની ચિંતાના વિષયો બને છે, જ્યારે ન્યાયાધીશે ફક્ત કાયદો જ વિચારવાનો છે.

કાયદા પર ધર્મની સારી એવી અસર પડી છે જ. ક્રિશ્ચિયન કાયદાવિદો અને કાયદા ઘડનારાઓ ઉપર પણ એ અસર જોઈ શકાય છે. સત્યની ખોજ, પ્રામાણિકતા અને વાજબીપણું – એ જે તત્વો કાયદામાં અસ્તિત્વ ધરાવે છે તે, ધર્મની અસરના સાક્ષાત્ અને પ્રત્યક્ષ પુરાવા છે.

પ્રોફેસર હાર્ટના મતે ફોજદારી કાયદો નીતિમત્તાના નિયમોનો અમલ કરાવવાને મથે છે અને ખાસ કરીને જાતીય નીતિમત્તાનો પ્રશ્ન એ તો વર્તમાન સમયનો વિવાદાસ્પદ પ્રશ્ન છે જ. કાયદા પર નીતિમત્તાનો પ્રભાવ છે કે નીતિમત્તા પર કાયદાનો એ પ્રશ્ન પ્રોફેસર હાર્ટના મતે વિવાદાસ્પદ છે. હકીકતમાં કાયદાએ જેમ નીતિ પર પ્રભાવ પાડ્યો છે તેમ કાયદાએ અમુક નૂતન નીતિઓ પણ ઉપજાવી કાઢી છે; દા.ત., લઘુમતીના હકોને સ્વીકારવા અને તે મુજબ વર્તવું એ સમજદારી અને સહનશીલતાના ગુણોનાં દ્વાર ખોલવા બરોબર છે. જાતીય જ્ઞાન (sexual knowledge) વિશેના પુરાણા ખ્યાલોને કાયદાએ તિલાંજલિ આપી છે અને નવા ખ્યાલો વિકસવા માંડ્યા છે. અગાઉ પરદેશીઓની હાજરીને આંતરરાષ્ટ્રીય કાયદામાં અનિચ્છનીય ગણવામાં આવતી હતી તે આજે સમજદારીના સિદ્ધાંતના પાયા પર સ્વીકારવા લાયક ગણાઈ છે. એ જ પ્રમાણે ગર્ભપાત (abortion) અને સમલૈંગિક (homo sexual) વર્તન, જે અગાઉ અપરાધ ગણાતું હતું તે પ્રત્યેના ર્દષ્ટિકોણમાં હવે સુધારો થઈ રહ્યો છે.

કાયદો મનુષ્યના બાહ્ય સંબંધોનું નિયંત્રણ કરે છે અને વ્યક્તિગત નીતિ પોતાના વ્યક્તિગત અને આંતરિક જીવનનું નિયંત્રણ કરે છે. કાયદો મનુષ્ય પાસે પ્રવર્તમાન નિયમોનું પાલન કરાવે છે. તેને મનુષ્યની આંતરિક વ્યક્તિગત મનોવૃત્તિ જોડે સંબંધ નથી. નીતિના નિયમો મનુષ્યના અંતરાત્માને મહત્ત્વ આપે છે. નીતિમાન મનુષ્ય નીતિનું પાલન કોઈ સ્વાર્થની સિદ્ધિ માટે કરતો નથી. તે તો કર્તવ્ય તરીકે કોઈ લાભની અપેક્ષા રાખ્યા વગર કરે છે.

સામાજિક જીવનવ્યવહાર માટે મૂળભૂત અને અત્યંત આવશ્યક નિયમોને સમાજનું સમર્થન મળે છે અને તેવા નિયમોને કાયદો પણ સમર્થન આપે છે. આવા નિયમો સામાજિક નીતિમત્તા અને કાયદાના સામાન્ય નિયમો હોય છે.

જ્યારે નવા કાયદાનું નિર્માણ કરવાનું હોય અથવા કાયદાનું અર્થઘટન કરવાનું હોય ત્યારે વિધાનમંડળે અને ન્યાયાધીશોએ નીતિના નિયમો લક્ષમાં લેવા જોઈએ.

નીતિમત્તાનો પાયો સ્વનિયંત્રણ છે. વ્યક્તિ અને સમાજ સ્વેચ્છાએ, બહારના દબાણ સિવાય મુક્ત રીતે નીતિમત્તા સ્વીકારે તેને નીતિમત્તા કહેવાય. કાયદા દ્વારા ફરજિયાત પળાવાતી નીતિમત્તા તેનું મહત્ત્વ ગુમાવે છે અને તેટલે અંશે તે સ્વનિયંત્રિત રહેતી નથી, પણ સમાજજીવનની સુરક્ષા માટે તે જરૂરી છે.

વ્યક્તિગત નીતિમત્તાનો અમલ કાયદાથી કરાવી શકાતો નથી, પણ વ્યક્તિનું અન્યને સ્પર્શતું જાહેર પ્રકારનું વર્તન નૈતિક રાખવાની જોગવાઈ કાયદામાં કરી શકાય અને તેનો અમલ કરાવી શકાય.

નીતિમત્તાનો ખ્યાલ સંદર્ભાધીન છે. દેશકાળ પ્રમાણે તથા વિવિધ વર્ગોની સાંસ્કારિક તથા ધાર્મિક ભિન્નતાને કારણે નીતિમત્તાનો ખ્યાલ બદલાય છે. સામાન્ય રીતે, સુધરેલા દેશોમાં એવું સ્વીકારવામાં આવ્યું છે કે સંબંધિત પ્રજા નીતિમત્તાના જે નિયમો પાળતી હોય અને ધોરણો જાળવતી હોય તેને અનુરૂપ ત્યાંના કાયદા હોવા જોઈએ.

11. કાયદો, માનવ અને માનવ અધિકારો (Law and Human Rights) :

માનવજીવનમાં કાયદાનો ઉદભવ અને તેનું પ્રવર્તન, ભટકતી જાતિમાંથી સમૂહજીવન, તેમાંથી વ્યવસ્થિત સમાજ ને છેવટે રાષ્ટ્ર-રાજ્ય રૂપે વિકાસ એવો માનવજાતિના વિકાસનો ઇતિહાસ ટોળી, સમૂહ, સમાજના સભ્યો અને રાજ્યના નાગરિકો વચ્ચેના પરસ્પર સંબંધોને લગતા નિયંત્રણનું અસ્તિત્વ દર્શાવે છે. પૂર્વે આ નિયંત્રણો ધાર્મિક આદેશોના સ્વરૂપનાં હતાં પણ પછી તે કાયદા તરીકે ઓળખાયાં. પ્રાચીન ભારતીય પરંપરામાં કાયદાને ‘ધર્મ’ કહ્યો છે.

રાજાશાહીમાં રાજા કહે તે કાયદો ગણાતો. ‘રાજા કશું ખોટું કરતો જ નથી’ એ સામંતશાહીનું સૂત્ર હતું. લોકશાહીમાં રાજા હોય તો પણ તે કાયદાને અધીન છે. આત્મલક્ષિતા દૂર કરવા માટે, મનસ્વીપણું નિવારવા માટે અને કાયદાની નિષ્પક્ષતાની અને કાયદા દ્વારા સમાન રક્ષણની ખાતરી આપવા માટે (ભારતનું બંધારણ, ક. 14) સમાજ પર વ્યક્તિ નહિ બલકે કાયદાનું શાસન રહેશે એવી અપેક્ષા રહે છે. સમાજ રૂપે રહેતા માણસો પર એ રીતે કાયદાનું શાસન પ્રવર્તે છે. સૌ સમાન છે અને સૌને જીવન, સ્વાતંત્ર્ય અને સુખની શોધના અવિચ્છિન્ન અધિકારો છે એ પાયાની પૂર્વધારણા છે (યુ.એસ.ના બંધારણની સ્વીકૃતિ વેળાની ઘોષણા). દરેકને સર્વોચ્ચ પદે પહોંચવાની તક મળવી ઘટે. સમાજમાં દરેકને આ તક મળી રહે તે માટે કાયદાનો લક્ષ્યાંક, (1) કાયદાનો ભંગ અને સમાજને હાનિ કરતા ગેરવર્તનને અટકાવવું, (2) સમજાવટ અને જરૂર પડ્યે સામાજિક દબાણ દ્વારા લોકોને કેળવવા અને (3) કોઈ પણ પ્રકારના સમાજવિરોધી વર્તન પ્રત્યે વિરોધ ઊભો થાય તેવી પરિસ્થિતિ સર્જવી તે હોવું જોઈએ. આધુનિક પરિસ્થિતિમાં માર્કસવાદ કાયદાને રાજ્યના ફરજંદ તરીકે ગણે છે. તેથી કાયદો કદીય આર્થિક માળખું કે તેના ફલસ્વરૂપ સાંસ્કૃતિક વિકાસ કરતાં વધુ મહત્વ પામી શકે નહિ એવું ત્યાં મનાય છે. આ સંદર્ભમાં વર્ગસંઘર્ષને કાબૂમાં રાખવા માટે રાજ્યે કાયદો બનાવ્યો છે.

કોઈ પણ યુગના સમાજમાં નાગરિકોમાં અંદરોઅંદર તેમજ શાસકો અને નાગરિકો વચ્ચે સંઘર્ષો તો થવાના જ. કાયદો એ દરેક કૃત્યના વાજબીપણાનો ન્યાય તોળવાની વસ્તુનિષ્ઠ માપપટ્ટી છે. તેથી ઝડપથી બદલાતા સમાજ સાથે કાયદાએ કદમ મિલાવવાં જોઈએ. જ્યારે જ્યારે તે પાછળ પડી જાય છે ત્યારે ત્યારે તે આદર અને ઉપયોગિતા ગુમાવે છે અને કાયદાની અવગણના અને ઉલ્લંઘન વધે છે. આ રીતે કાયદો લોકો માટે સ્થપાયેલી સામાજિક સંસ્થા છે. તેણે માનવના આત્માને અને માનવસંસ્થાઓને સમયવિસંગત રૂઢિઓની મજબૂત પકડમાંથી મુક્ત થવા માટે સહાય કરવી જોઈએ; કેમ કે, પહેલાંના વખતમાં કાયદા કરતાં રૂઢિનું પ્રાબલ્ય અધિકૃત રીતે સ્વીકારાયેલું હતું. રૂઢિના સ્પષ્ટ પુરાવાનું વજન લેખિત કાયદા કરતાં વધુ છે. ભારતનું બંધારણ ન્યાયપૂર્ણ સમાજવ્યવસ્થા સ્થાપિત કરવા માટે રાજ્યને આદેશ આપે છે.

બંધારણે દેશના નાગરિકોને બક્ષેલા મૂળભૂત અધિકારોનું કાયદા દ્વારા રક્ષણ એટલે માનવઅધિકારોનું રક્ષણ. કાયદો રાજ્યમાં વ્યક્તિઓને વિવિધ રીતે રક્ષણ આપવાની જોગવાઈ કરે છે. આ રીતે રક્ષણ પ્રાપ્ત કરવાના વ્યક્તિના અધિકારો માનવસંસ્કૃતિના વિકાસ દરમિયાન ધીમે ધીમે વિકસતા રહ્યા છે. રાજ્ય પોતાના નાગરિકો જોડે કઈ રીતે વર્તન કરે છે તે પ્રશ્ન તેની પોતાની આંતરિક હકૂમતનો હોઈ, સામાન્ય રીતે, રૂઢિગત રીતે, તેમાં આંતરરાષ્ટ્રીય કાયદાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, પણ ક્રમશ: આંતરરાષ્ટ્રીય કાયદામાં એવો વિચાર સ્વીકારાતો ગયો છે કે વ્યક્તિનું કલ્યાણ એ આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે અને રાજ્યના કાયદામાં વ્યક્તિઓને રક્ષણ પૂરું પાડવાની જોગવાઈ અનિવાર્યપણે હોવી જોઈએ.

ઐતિહાસિક પૂર્વભૂમિકા : માનવઅધિકારોના રક્ષણનો વિચાર રાજ્યના કાયદામાં સ્વીકૃત થઈ અમલમાં મુકાયો છે. ઇંગ્લૅન્ડમાં ‘મૅગ્ના કાર્ટા’, યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના બંધારણમાં ‘બિલ ઑવ્ રાઇટ્સ’, ફ્રાન્સમાં ‘ડેક્લેરેશન ઑવ્ રાઇટ્સ ઑવ્ મૅન’ : આ બધાં તેનાં ઉત્કૃષ્ટ ર્દષ્ટાંતો છે. રાજ્યની આ આંતરિક બાબત બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય સ્વરૂપ પામી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રૂઝવેલ્ટે 1941માં કૉંગ્રેસને મોકલેલા સંદેશામાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને વ્યવસ્થા માટે વિશ્વભરમાં માનવઅધિકારોનું રક્ષણ અનિવાર્ય છે એ વિચારનું સમર્થન કર્યું હતું અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ માનવઅધિકારોને આંતરરાષ્ટ્રીય માન્યતા અને રક્ષણ આપવાનો ખ્યાલ પ્રબળ બનાવતી ચર્ચાવિચારણા ચાલતી રહી. સંયુક્ત રાષ્ટ્રસંસ્થાની સ્થાપના માટેની ડમ્બરટન ઑક્સ દરખાસ્તોમાં 1944માં સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવ્યું કે સંયુક્ત રાષ્ટ્રસંસ્થાએ માનવઅધિકારો અને મૂળભૂત સ્વાતંત્ર્યો પ્રત્યે આદર વધારવો. આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી કૉન્ફરન્સ તથા તેમાં ચર્ચાતા અને સ્વીકારાતા સંધિપત્ર(convention)માં પણ માનવઅધિકારોની સ્વીકૃતિ અને તેને વિવિધ રૂપે રક્ષણ આપી અમલમાં લાવવાની પ્રવૃત્તિએ વેગ પકડ્યો.

સંયુક્ત રાષ્ટ્રસંસ્થા અને માનવઅધિકારો : સંયુક્ત રાષ્ટ્રસંસ્થાના ખતપત્રમાં માનવઅધિકારો અને મૂળભૂત સ્વાતંત્ર્યોની આંતરરાષ્ટ્રીય માન્યતા પર તથા તેની જાળવણી માટે આંતરરાષ્ટ્રીય સહકાર પર ભાર મૂકવામાં આવ્યો છે. ખતપત્રના આમુખમાં માનવઅધિકારોમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ખતપત્રની કલમ 1માં જણાવ્યા પ્રમાણે સંસ્થાનો એક ઉદ્દેશ આ પ્રમાણે છે :

‘‘આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રશ્નોના ઉકેલ માટે, આંતરરાષ્ટ્રીય સહકાર કેળવવાનો તથા જાતિ, લિંગ, ભાષા કે ધર્મના કોઈ પ્રકારના ભેદભાવ સિવાય માનવઅધિકારો તથા મૂળભૂત સ્વાતંત્ર્યોનો વિકાસ કરવાનો સંયુક્ત રાષ્ટ્રસંસ્થાનો ઉદ્દેશ રહેશે.’’

કલમ 56માં જણાવ્યા પ્રમાણે :

‘‘બધાં સભ્ય રાજ્યો માનવઅધિકારો અને મૂળભૂત સ્વાતંત્ર્યોની જાળવણી માટે સંસ્થાએ લીધેલાં પગલાંને સહકાર આપશે.’’

હવે બધાં રાજ્યોએ માનવઅધિકારોના ક્ષેત્રમાં સંયુક્ત રાષ્ટ્રસંસ્થાએ લીધેલાં પગલાંને સહકાર આપવો એ વાત સ્વીકારાઈ છે.

યુનિવર્સલ ડેક્લેરેશન ઑવ્ હ્યુમન રાઇટ્સ : સંયુક્ત રાષ્ટ્રસંસ્થાના માનવઅધિકારો માટેના કમિશને તૈયાર કરેલ માનવઅધિકારોની વિશ્વવ્યાપી ઘોષણા (Universal Declaration of Human Rights) સંસ્થાની સામાન્ય સમિતિએ 10 ડિસેમ્બર 1948ના રોજ સ્વીકારી. તેની ત્રીસ કલમોમાં, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સર્વ મનુષ્યો જે માનવઅધિકારો ભોગવવા હકદાર રહેશે તેમને ગણાવ્યા છે. આ અધિકારો બે પ્રકારના છે : નાગરિક અને રાજકીય. આ અધિકારો વ્યાપક સ્વરૂપના છે. વિશ્વનાં બધાં રાજ્યોએ અમલ કરવા માટે જરૂરી ધોરણો તરીકે ‘યુનિવર્સલ ડેક્લેરેશન’ની ઘોષણા કરવામાં આવી હતી, પણ તે માત્ર જાહેરાતના સ્વરૂપમાં હોઈ તેના અમલની જવાબદારી કોઈ રાજ્ય પર આવતી ન હતી; છતાં આ જાહેરાત ખૂબ મહત્વની બની રહી છે. તેની અસરો રાષ્ટ્રીય બંધારણોમાં, ન્યાયિક ચુકાદામાં તથા આંતરરાષ્ટ્રીય દસ્તાવેજોમાં દેખાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા દેશોએ પોતપોતાનાં બંધારણોમાં આ માનવઅધિકારોનો મૂળભૂત અધિકારો તરીકે સમાવેશ કર્યો છે. તે જ પ્રમાણે વિવિધ વિષયો પર થયેલી આંતરરાષ્ટ્રીય પરિષદોએ પોતાની સંહિતામાં આ માનવઅધિકારોને સ્થાન આપ્યું છે.

આ માનવઅધિકારોના અમલ માટે બે કરાર (covenant) તૈયાર કરવામાં આવ્યા : નાગરિક અને રાજકીય અધિકારોના કરારમાં જીવવાના અધિકાર તેમજ સલામતીના, સ્વાતંત્ર્યના, હરવાફરવાના, ધાર્મિક સ્વાતંત્ર્યના તથા મંડળો સ્થાપવાના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો અને નાગરિકોના તથા લઘુમતીઓના રાજકીય અધિકારોના રક્ષણની ખાતરી આપવામાં આવી.

આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોના કરારમાં, કામ મેળવવાના, રોજગારીની ન્યાયી શરતોના, કામદાર સંઘો ચલાવવાના, સામાજિક સુરક્ષાના, યોગ્ય જીવનધોરણના, આરોગ્યના તથા શિક્ષણના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો. આ કરાર હેઠળ રાજ્યોએ તેના અમલ માટે લીધેલાં પગલાં અંગે સંયુક્ત રાષ્ટ્રસંસ્થાની આર્થિક અને સામાજિક સમિતિને રિપોર્ટ મોકલવાનો રહે છે, જ્યારે નાગરિક અને રાજકીય અધિકારોના કરારમાં એ અધિકારોના પાલનની અસરકારક જોગવાઈઓ છે.

ભારતીય સંવિધાનમાં માનવઅધિકારો : ભારતીય સંવિધાનમાં કલ્યાણરાજ્યનો આદર્શ સ્વીકારાયો છે, અનિયંત્રિત વ્યક્તિવાદની વિચારસરણી સ્વીકારાઈ નથી. વ્યક્તિ કરતાં સમાજને વધારે મહત્વ આપી, વ્યક્તિના હિતનો સમાજના કલ્યાણ જોડે સુમેળ થાય એ માટે પ્રયાસ કર્યો છે. સંવિધાને નાગરિકોના અધિકારો અને રાજ્યની સત્તા વચ્ચે સમતુલન રાખ્યું છે.

ભારતીય સંવિધાનમાં માનવઅધિકારોને વિશિષ્ટ રીતે સમાવી લેવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંસ્થાએ માનવઅધિકારોને બે કરારમાં વહેંચ્યા હતા – નાગરિક અને રાજકીય અધિકારો તથા આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો. તે જ પ્રમાણે ભારતીય સંવિધાનમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિક અને રાજકીય અધિકારોને મૂળભૂત અધિકારો તરીકે સ્થાન આપવામાં આવ્યું છે અને આર્થિક તથા સામાજિક અધિકારોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે સ્વીકૃતિ આપી છે. મૂળભૂત અધિકારોનો અમલ કોર્ટ દ્વારા કરાવી શકાય છે. મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો કાયદો કે રાજ્યનું કોઈ કૃત્ય ગેરકાયદે ઠરે છે. માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે આર્થિક અને સામાજિક અધિકારોનો અમલ કોર્ટ દ્વારા કરાવી શકાતો નથી, પણ રાજ્યે કાયદા ઘડવામાં તથા રાજ્યવહીવટ ચલાવવામાં આ સિદ્ધાંતો ધ્યાનમાં રાખવાનું જરૂરી ગણાવ્યું છે.

સંવિધાનમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવાની સાથે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારતમાં કોઈ પણ કાયદો – તે વિદ્યમાન કાયદો હોય કે હવે પછી કરવામાં આવે તે કાયદો હોય – મૂળભૂત અધિકારોની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી શકશે નહિ. જો એવું ઉલ્લંઘન કરશે તો તે કાયદો તેટલે અંશે રદ ગણાશે. મૂળભૂત અધિકારો છીનવી લેવા પર કે તેમાં ઘટાડો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મૂળભૂત અધિકારો : સંવિધાનમાં સાત મૂળભૂત અધિકારો ગણાવ્યા છે :

1. સમાનતાનો અધિકાર

2. સ્વાતંત્ર્યનો અધિકાર

3. શોષણ સામેનો અધિકાર

4. ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર

5. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો

6. સંપત્તિનો અધિકાર (હવે મર્યાદિત સ્વરૂપે છે)

7. બંધારણીય ઉપાયોનો અધિકાર

ભારતના નાગરિકો ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા, લિંગ કે અન્ય એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના આ અધિકારોનો ઉપભોગ કરી શકશે. લોકશાહી સમાજવ્યવસ્થાની પુષ્ટિ માટે વ્યક્તિઓના વિકાસમાં અંતરાયરૂપ બનતી બધી રુકાવટોને કાયદાથી દૂર કરવામાં આવશે. સમાજના વ્યાપક હિતમાં આ અધિકારોના અમલ પર રાજ્ય કાયદાથી વાજબી નિયંત્રણો મૂકી શકશે અને આવાં નિયંત્રણોનું વાજબીપણું કે ગેરવાજબીપણું કોર્ટના નિર્ણય પ્રમાણે નક્કી કરવામાં આવશે.

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો : સંવિધાનમાં જણાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની ફરજો સૂચવે છે. આ માર્ગદર્શક સિદ્ધાંતો – જે ભારતીય સંવિધાનનું એક વિશિષ્ટ લક્ષણ છે તે – સામાન્ય રીતે આર્થિક અને સામાજિક અધિકારોને વ્યક્ત કરે છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોમાં નીચે મુજબની મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે :

1. સામાજિક અને આર્થિક ન્યાય

2. સમાન ન્યાય અને મફત કાનૂની સહાય

3. ગ્રામપંચાયતોનું સંગઠન

4. કામનો, શિક્ષણનો તથા સાર્વજનિક સહાય મેળવવાનો અધિકાર

5. કામદારો માટે જીવનનિર્વાહ વગેરેનો અધિકાર

6. નાગરિકો માટે એકસમાન ધારો

7. બાળકો માટે મફત અને ફરજિયાત પ્રાથમિક કેળવણી

8. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા સમાજના નબળા વર્ગોનાં શૈક્ષણિક અને આર્થિક હિતોની જાળવણી અને અભિવૃદ્ધિ.

9. પોષણ અને જીવનનું ધોરણ ઊંચું લાવવાની તથા જાહેર આરોગ્ય સુધારવાની ફરજ.

10. ખેતી અને પશુપાલનની વ્યવસ્થા

11. પર્યાવરણ તથા વન્યસૃષ્ટિનું રક્ષણ

12. ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા બાબત

ઉપર જણાવેલ માર્ગદર્શક સિદ્ધાંતો નાગરિકોના સામાજિક અને આર્થિક અધિકારોમાં અભિવૃદ્ધિ કરવાના હેતુથી પ્રયોજાયા છે, સમાજની આર્થિક અને સામાજિક વ્યવસ્થામાં કાયાપલટ કરવાથી નાગરિકોના આર્થિક અને સામાજિક અધિકારો વૃદ્ધિ પામતા જાય અને તેમની સ્વીકૃતિ થતી જાય એવો ખ્યાલ આ વ્યવસ્થામાં અભિપ્રેત છે. ભારતમાં કેન્દ્ર સરકારે તથા વિવિધ રાજ્યોની સરકારોએ તેમનાં આર્થિક અને સામાજિક ક્ષેત્રમાં કરેલી વિવિધ વિકાસ-યોજનાઓથી આ દિશામાં મહત્વની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે

વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સંધિપત્રોમાં માનવઅધિકારોનો સમાવેશ કરવામાં આવે છે. ભારત સરકારે આવા સંધિપત્રોમાં પક્ષકાર બની તે સ્વીકાર્યા હોઈ, ભારતમાં તેની જોગવાઈઓનો યોગ્ય અમલ કરવા માટે જરૂરી કાયદા કરવામાં આવ્યા છે અને એ રીતે માનવઅધિકારોનો અમલ કરવામાં આવે છે. આ સંદર્ભમાં, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થાના સંધિપત્રોનો ઉલ્લેખ કરવો જરૂરી છે, જે અન્વયે ભારતમાં શ્રમ – મજદૂર – ક્ષેત્રે ઘણા પ્રગતિકારક કાયદા કરી, માનવઅધિકારોનો અમલ કરવામાં આવ્યો છે.

12. કાયદો, લોકમત અને મનોવિજ્ઞાન (Law, Public opinion and psychology) :

કાયદો અને લોકમત : કાયદાને ઘડનારું એક અગત્યનું પરિબળ. લોકશાહી વ્યવસ્થામાં લોકોની ઇચ્છાઓ અને આકાંક્ષાઓ (aspirations) મૂર્તિમંત થતી હોય છે. સમાજની સતત પરિવર્તનશીલ પરિસ્થિતિને પરિણામે નવી નવી સમસ્યાઓ ઉત્પન્ન થતી રહે છે. આવી સમસ્યાઓના ઉકેલ માટે યથાસમયે કાયદામાં પણ યોગ્ય ફેરફાર થતા રહે છે. આવા ફેરફારમાં લોકમત મહત્વનો ભાગ ભજવે છે.

સામાજિક સુધારાના ક્ષેત્રમાં લોકમતની પ્રબળ અસર દેખાય છે. પ્રખર સમાજસુધારકો પોતાના ક્ષેત્રમાં સામાજિક દૂષણોના નિવારણ માટે લોકમત કેળવે છે અને આ જાગ્રત લોકમતની અસરથી કાયદાની જોગવાઈઓમાં જરૂરી ફેરફાર કરાવી શકાય છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટે લોકમત કેળવાતાં જરૂરી સુધારા માટે વાતાવરણ તૈયાર થાય છે.

કાયદાના ક્ષેત્રમાં વિજ્ઞાનની પણ અસર થઈ છે. જાગ્રત નાગરિકોએ વિજ્ઞાનની હાકલ ઝીલીને સામાજિક કલ્યાણમાં તેને પ્રયોજ્યું છે. જાહેર સ્વાસ્થ્યને લગતા કાયદા આવી જાગૃતિનું પરિણામ છે. પ્રદૂષણનાં વિનાશક પરિણામો અંગે વૈજ્ઞાનિક માહિતીથી જનમત જાગ્રત થાય છે અને પ્રદૂષણ-નિયંત્રણ માટે કાયદા કરવાની રાજ્યને ફરજ પાડે છે.

કાયદો અને મનોવિજ્ઞાન : માનવવ્યવહારમાં મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં કાયદાના વિનિયોગની વિચારણા. કોઈ પણ માનવસમાજ વ્યવસ્થિત બને ત્યારે વર્તનની યોગ્યાયોગ્યતાનાં ધોરણો નિયત થવા માંડે છે. પ્રારંભમાં લોકાચાર, રીતરિવાજ અને રૂઢિપ્રથા રૂપે આવાં ધોરણો વ્યક્ત થાય છે. વિકાસના આગળના તબક્કે આવાં ધોરણોની સંહિતા રચાય છે. હેમુરાબીની સંહિતા (બૅબિલૉન), મોઝેઇક કોડ (પૅલેસ્ટાઇન) અને મનુસ્મૃતિ(ભારત)માં સૌપહેલાં આવાં વર્તનધોરણ રજૂ થયાં. સજાની ધમકીથી આ ધોરણનું પાલન કરાવવામાં આવે ત્યારે તેને કાયદો કહેવાય છે. વર્તનનાં ધોરણો અને સજાની જોગવાઈ ઉપરાંત કોઈ વર્તન ધોરણસર છે કે ધોરણવિરુદ્ધ તે સાબિત કરવાની પદ્ધતિ પણ નિયત કરવામાં આવે ત્યારે સંકુલ કાયદાતંત્ર રચાય છે.

સમાજમાં વ્યવસ્થા, જાનમાલની સલામતી અને સુમેળભર્યા પારસ્પરિક વ્યવહારો જળવાઈ રહે તે માટે વર્તનનું નિયમન કરવાનો કાયદાનો આશય હોય છે. મનોવિજ્ઞાન વર્તનનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે છે. માનવવર્તનના મૂળ સ્રોત; વૈયક્તિક ભેદો; સંવેદન, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, શીખવાની ક્રિયા; લાગણી, આવેગ, વૃત્તિઓ; ચેષ્ટા, વર્તન, અસમધારણ (abnormal) વર્તન, મનોપચાર – આ બધા મનોવ્યાપારોનો મનોવિજ્ઞાનમાં અભ્યાસ થાય છે. દેખીતી રીતે જ વર્તનનું નિયમન કરવા માગતા કાયદાના તંત્રે મનોવિજ્ઞાને તારવેલાં તથ્યો પર આધાર રાખવો જોઈએ. પશ્ચિમના દેશોએ તેમાં પહેલ કરી છે પણ મનોવૈજ્ઞાનિક સત્યો કાયદાના ક્ષેત્રમાં બહુ ધીમી ગતિએ સ્વીકારાયાં છે.

કાયદો માનવસ્વભાવ અને વર્તન વિશે કેટલાંક ગૃહીતો સ્વીકારીને ચાલે છે; જેમ કે, વાજબી સૂઝબૂઝવાળા માણસ(reasonable man)નું એક ધોરણ ઊભું કરી ભારતીય કરારધારાની ઘણી જોગવાઈઓ વ્યક્તિ પાસે તેવા માણસ જેવા વર્તનની અપેક્ષા રાખે છે. આવી રીતે વર્તવાનું વ્યક્તિ ચૂકે તો તે કસૂરવાર ઠરે છે. એ જ રીતે ફોજદારી કાયદામાં ‘ગંભીર અને તત્ક્ષણ ઉત્તેજના’ હેઠળ કરેલા કૃત્યની બાબતમાં હળવી જોગવાઈ જોવા મળે છે. મરણોન્મુખ નિવેદનને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ‘માનવવર્તનની સામાન્ય ગતિવિધિ’ (common course of human conduct) જોઈને પુરાવાનું મૂલ્યાંકન કરવાની જોગવાઈ પુરાવાના કાયદામાં છે. ન્યાયાધીશે સંજોગો અને પોતાની કોઠાસૂઝથી ‘વાજબી સૂઝબૂઝવાળા માણસ’નું ધોરણ, ‘માનવવર્તનની સામાન્ય ગતિવિધિ’ વગેરે નક્કી કરવાનાં રહે છે. આ બાબતમાં કાયદાએ મનોવિજ્ઞાનની ખાસ મદદ લીધી જણાતી નથી.

કાયદાના તંત્રમાં સાક્ષીઓની જુબાનીઓ લેવાનું અને તેને મૂલવવાનું કામ ન્યાયાધીશે સતત કરવાનું હોય છે. સાક્ષી સત્યવક્તા છે કે જૂઠો, પક્ષપાત અથવા પૂર્વગ્રહવાળો છે કે તટસ્થ એવી બાબત પર ન્યાયતંત્ર વિશેષ ધ્યાન આપે છે; પણ સાક્ષીની જોવા-સાંભળવાની શક્તિ, સંવેદનક્ષમતા, તેણે આપેલું ધ્યાન, તેના પ્રત્યક્ષીકરણમાં પ્રવેશતાં અન્ય તત્વો, તેની સ્મૃતિ-શક્તિ વગેરે પર સાક્ષીએ આપેલા બયાનની સત્યતાનો મોટો આધાર છે. આ મનોવૈજ્ઞાનિક સત્ય હજી કાયદામાં પૂરતી પ્રતિષ્ઠા પામ્યું નથી. કેટલાક કુશળ વકીલો તેમની સરતપાસ કે ઊલટતપાસ દ્વારા સાક્ષીની આવી શક્તિ-અશક્તિઓ છતી કરે છે. તે સિવાય આ માનસિક પાસું કાયદાના ક્ષેત્રમાં આવરી લેવાયું નથી.

વ્યક્તિને બનાવ વિશે પોતાની રીતે જે કહેવાનું હોય તે કહેવા દેવામાં આવે તો જુબાની વધારે ચોક્કસ અને ખામીરહિત બને તેમ મનોવિજ્ઞાન માને છે. આને બદલે કાયદાની પદ્ધતિમાં પહેલાં પક્ષકારના વકીલ સરતપાસ કરે, પછી સામા પક્ષના વકીલ ઊલટતપાસ કરે અને આ તપાસમાં પુછાતા પ્રશ્નના ઉત્તર રૂપે જુબાની આપવાની હોય છે; જે વિશે પુછાયું ન હોય તે વિશે સાક્ષી કહી શકે નહિ; પુછાતા પ્રશ્નો ગૂંચવનારા, સૂચનોથી ગેરરસ્તે દોરનારા, તંગ માનસિક દશામાં જુબાની આપતા સાક્ષીને મૂંઝવનારા અને તેની વિરુદ્ધ ન્યાયાધીશના મનમાં પૂર્વગ્રહ ઊભા કરનારા હોય છે. બનાવ વિશે સંપૂર્ણ સત્ય જાણવાનો આ માર્ગ ઉત્તમ ન ગણાય.

કનડગત અને મારકૂટની ‘થર્ડ ડિગ્રી’ની પદ્ધતિથી પોલીસતંત્ર ગુનાની કબૂલાત મેળવે છે તે જાણીતી વાત છે. આ પદ્ધતિ અમાનુષી છે એટલું જ નહિ, કેટલીક વાર અત્યાચારમાંથી બચવા કે માનસિક તાણ હળવી કરવા નિર્દોષ વ્યક્તિ ખોટી કબૂલાત કરતી હોય છે. આને બદલે મનોવિજ્ઞાને વિકસાવેલી કેટલીક પદ્ધતિઓ ઉપયોગમાં લઈ શકાય. આવી પદ્ધતિઓમાં શબ્દસાહચર્યપદ્ધતિ, શારીરિક પ્રતિક્રિયા પદ્ધતિ અને લોકપ્રિય રીતે સત્યાસત્યશોધક યંત્ર (lie detector) તરીકે ઓળખાતા પૉલિગ્રાફનો સમાવેશ થાય છે. અલબત્ત, મનોવિજ્ઞાનની આ પદ્ધતિઓથી મેળવેલાં પરિણામો કોર્ટમાં સાબિતી તરીકે ન ચાલી શકે પણ પોલીસતંત્રને તે માર્ગદર્શન પૂરું પાડી શકે.

માનવવર્તન અંગેનાં ગૃહીતો તેમજ સાક્ષીની જુબાનીની મુલવણીની બાબતમાં કાયદો મનોવિજ્ઞાનની ઘણી સહાય લઈ શકે. કાયદાના અભ્યાસક્રમો અને ન્યાયાધીશો તેમજ પોલીસની તાલીમમાં મનોવિજ્ઞાનના પ્રસ્તુત અભ્યાસો મૂકવા જરૂરી ગણાય.

મનોવિજ્ઞાનના અભ્યાસે ગુનાના કાનૂની ક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. ગુનાનાં કારકબળો, ગુનેગારની ઓળખ, ગુનેગાર પ્રત્યેના વર્તાવ, ગુનાહિત વર્તનનું નિદાન અને ઉપચાર ઉપરાંત ગુના તેમજ ગુનાખોરી અને મનોવિકૃતિ વચ્ચેના સંબંધો અંગેના મનોવિજ્ઞાનના અભ્યાસ કાયદા માટે ઉપયોગી છે.

માણસના વ્યક્તિત્વ અને માનસિક સ્વાસ્થ્ય અંગેનું મનોવિજ્ઞાનનું ર્દષ્ટિબિંદુ ઉદારમતવાદી અને માનવીય છે, જ્યારે કાયદાનું આ અંગેનું ર્દષ્ટિબિંદુ રૂઢિવાદી અને કંઈક અંશે જડ હોય છે. મનોવિજ્ઞાનમાં એક આત્યંતિક મત એવો છે કે કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને માનસિક રોગ કે નબળાઈનું ચિહ્ન ગણવું જોઈએ અને તેને માટે સજા નહિ પણ ઉપચારનું આયોજન કરવું જોઈએ. બીજે પક્ષે દેખીતા ગાંડપણ સિવાયના કિસ્સામાં મનોદૌર્બલ્યની દલીલ સ્વીકારવા કાયદો તૈયાર નથી હોતો. ભારતમાં પ્રવર્તતા ‘મેકનાધન કેસ’માં નિયત થયેલ નિયમ પ્રમાણે પોતે કરે છે તે કૃત્ય કાયદેસર છે કે ગેરકાયદેસર એટલો વિવેક વ્યક્તિમાં હોય તો કાયદાની ર્દષ્ટિએ તે વ્યક્તિને સામાન્ય સમધારણ વ્યક્તિ ગણી સજા કરી શકાય. જોકે બીજા કેટલાક દેશોએ ‘ડરહામ કેસ’નો નિયમ અપનાવ્યો છે, જે મુજબ અપકૃત્ય માનસિક રોગ કે ખામીની નીપજ હોય તો તે માટે વ્યક્તિને જવાબદાર ગણી શકાય નહિ. મનોવિજ્ઞાન અને કાયદાની ગાંડપણ વિશેની વિભાવનામાં મોટું અંતર છે. તે ઘટાડવાનો અવકાશ છે. જરૂર જણાય તેવા કેસોમાં કાયદો મનોવિજ્ઞાનીઓ અને માનસોપચારવિદોને નિષ્ણાત સાક્ષી તરીકે તપાસી માર્ગદર્શન મેળવે તો લાભ થાય.

ગુનાહિત વૃત્તિનાં વારસાગત કે વાતાવરણજન્ય કારણો તેમજ ગુનાખોરી અને રીઢા ગુનેગારોના મનોવૈજ્ઞાનિક અભ્યાસ થયા છે. ગુના થતા અટકાવવા આ અભ્યાસ ઉપયોગી થઈ શકે. બાળગુનેગારો પ્રત્યેનો વર્તાવ, જેલસુધારણા, વિકૃત માનસ ધરાવતા ગુનેગારોનો ઉપચાર વગેરે જેવી કાયદાના ક્ષેત્રની બાબતોમાં પણ મનોવિજ્ઞાનની સહાય ઉપયોગી છે.

13. કાયદો અને આચાર (રૂઢિ) (law and custom)

આચાર એટલે ઘણા લાંબા સમયથી ચાલ્યું આવતું, સમાજની વ્યક્તિઓના વર્ગનું અથવા સમાજનું, વિના વિરોધે અને સ્વૈચ્છિક રીતે આચરેલ વર્તન. આચાર એ વિધિનિર્માણનો પ્રબળ પ્રતિસ્પર્ધી છે. વિધિનાં મૂળમાંનું તે એક મૂળ છે, જેનું મહત્વ હવે ક્રમશ: ઘટતું જાય છે. જેમ જેમ ઘડેલા કાયદાનું બાહુલ્ય વધતું જાય છે તેમ તેમ આચારનું મહત્વ ઘટતું જાય છે. આમ આચારનું મહત્વ ઘટાડવામાં કારણભૂત હોય તો તે બે બાબતો છે : એક છે ધારો અથવા વિધિ અને બીજો છે પૂર્વનિર્ણય (precedent).

વિધિનું અસ્તિત્વ ન હતું તે પહેલાં આચારનું મહત્વ અમાપ હતું. હકીકતમાં તો આચાર અદાલતોથી અને કાયદાથી પણ પુરાણો છે એ બાબત ખુદ અદાલતોએ અને કાયદાએ પણ સ્વીકારી છે. એક સમય એવો હતો કે કોમન લૉ (એટલે સર્વસાધારણ કાયદો, જે ઘડેલો નથી પણ રૂઢિઓ અને પ્રણાલિકાઓનો બનેલો છે) અને આચાર એ બંને એક જ નામથી ઓળખાતાં. ન્યાયાધીશોએ અને અદાલતોએ આચારની વિધિનિર્માણની શક્તિ પિછાની તેને સ્વીકાર્યા અને એનાથી બનેલા નિયમોને આચારગત નિયમો (customary law) તરીકે સ્વીકાર્યા છે. ભારતમાં અને અન્ય દેશોમાં આચારે તેનું મહત્વ ટકાવી રાખ્યું છે. હિંદુ અને મુસ્લિમ લૉ હેઠળનાં લગ્નોમાં અનુસરવામાં આવતા આચારગત નિયમો આનાં ઉદાહરણો છે. દામદૂપટનો કાયદો અને મુસ્લિમ સમાજમાં છૂટાછેડાના નિયમો આચારગત છે.

આચારગત નિયમોમાં શરૂ શરૂમાં ધર્મ અને રિવાજ તથા અંધશ્રદ્ધાનું મિશ્રણ હતું; પરંતુ સમય જતાં તે મજબૂત બન્યા અને વિધિનિર્માણના જનક બન્યા. જેમ અને જેટલી જરૂરત રાજ્ય ચલાવવા માટે કાયદાની છે તેમ અને તેટલી જરૂરત સમાજના સંચાલન માટે આચારની છે. કાયદો સાર્વભૌમ સત્તા પર નિર્ભર છે, તો આચાર એ જાહેર મત પર નિર્ભર છે. આચારના નિયમોને દૂર કરવા એ સમાજના સભ્યોના નિશ્ચિત અને સ્વાભાવિક અનુમાનોને દૂર કરવા બરાબર હોઈ અદાલતોએ પણ આવા નિયમોની મહત્તા, સામર્થ્ય અને શક્તિને સ્વીકાર્યાં છે.

આચારના મુખ્ય બે પ્રકારો છે :

(1) કાનૂની કે વિધિગત આચાર (legal custom) અને

(2) પ્રણાલિકાગત રિવાજ (consentional custom).

કાનૂની આચારના બીજા બે પ્રકારો છે : સ્થાનિક (local) પ્રકારનો આચાર અને સામાન્ય એટલે સમગ્ર દેશમાં પ્રચલિત (general) આચાર. એ જ પ્રમાણે પ્રણાલિકાગત રિવાજના પણ બે પ્રકારો છે : સ્થાનિક પ્રકારનો અને સામાન્ય.

વિધિગત આચારનું વૈધિક આધિપત્ય નિરપેક્ષ અથવા અમર્યાદ અને પ્રતિકારહીન છે. એનું બળ કાયદા જેટલું જ છે. તેનું અસ્તિત્વ પક્ષકારો વચ્ચેના વ્યવહારમાં તેના ઉપયોગ પર આધારિત છે.

આચાર અને રિવાજ અને કાયદો અને આચાર એ સમાનાર્થી નથી. રિવાજ એ વ્યક્તિઓના સમૂહે અમુક સંજોગોમાં સ્વેચ્છાથી, વિના વિરોધે કરેલું, ખાસ પ્રકારનું એકધારું અને સમાન વર્તન છે. રિવાજનું અનુસરણ કરતાં તે જ્યારે ઠીક ઠીક બળવાન બને ત્યારે તે આચાર કે પ્રણાલિકા કે રૂઢિનું સ્વરૂપ ધારણ કરે છે અને એ પ્રણાલિકા જ્યારે સમાજ વ્યવસ્થિત રીતે, સતત અનુસરશે ત્યારે તે કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે. આમ પ્રણાલિકા કે આચાર એ કાયદાના આગમનની ઉષા છે – Custom is the twilight of law.

14. કાયદો અને હકીકત (law and fact) :

કોઈ અદાલતી કેસમાં ઉત્પન્ન થતા પ્રશ્નો બે પ્રકારના હોઈ શકે : (1) કાયદાનો પ્રશ્ર્ન અને (2) હકીકતનો પ્રશ્ન. ઘણી વાર અદાલતે આ બે પ્રકારના પ્રશ્નોના જવાબો અલગ અલગ રીતે આપવાના હોય છે. અપીલ કરવામાં આવે ત્યારે તે કાયદાના પ્રશ્ન પર આધારિત હોય છે; હકીકતના પ્રશ્ન પર નહીં. સામાન્ય રીતે એમ કહી શકાય કે કાયદાનો પ્રશ્ન એટલે (1) જે સવાલનો જવાબ અદાલત કાયદા પ્રમાણે આપવાને બંધાયેલી છે તેવા હરેક પૂર્વનિર્ણીત અને સત્તાની રૂએ અપાયેલા જવાબો એ કાયદાના સવાલો છે; દાખલા તરીકે, સાત વર્ષથી નીચેનું બાળક ગુનો કરવાની માનસિક શક્તિ ધરાવતું નથી ? (ક. 82, ઇન્ડિયન પિનલ કોડ) એ સવાલનો પૂર્વનિર્ણય કાયદાએ કરી મૂકેલો જ છે. (વર્તમાન વલણ આ સાત વર્ષની વયને ઘટાડવાનું છે.) (2) અમુક કેસને કયો કાયદો લાગુ પાડવો તે પ્રશ્ન પણ કાયદાનો છે. અને (3) જે સવાલોને, જજ કાયદાના સવાલો છે એમ ઠરાવે તે સર્વે સવાલો પણ કાયદાના સવાલો છે.

હકીકતનો સવાલ એટલે (1) કાયદાએ કે તેના નિયમોએ જે સવાલનો જવાબ નથી આપ્યો તે સવાલ. (2) અમુક વિષય બાબતમાં કાયદો શું છે તે સવાલ કાયદાનો સવાલ છે અને (3) જે સવાલનો જવાબ જ્યૂરીએ આપવાનો છે તે દરેક સવાલ હકીકતનો સવાલ છે.

હકીકતોના બે પ્રકાર છે : (1) પ્રાથમિક હકીકતો (primary facts) અને (2) ગૌણ હકીકતો (secondary facts).

પ્રાથમિક હકીકતોને મૌખિક પુરાવાથી, દસ્તાવેજી અથવા અન્ય પુરાવાથી સાબિત કરી શકાય, ત્યારે બીજા પ્રકારની હકીકતોને પ્રાથમિક હકીકતોમાંથી તારવી કાઢવામાં (deduce) આવે છે, તેનું અનુમાન કરવામાં આવે છે. નીચલી અદાલત આ બંને પ્રકારની હકીકતોનો આશરો લઈ શકે છે. અપીલ અદાલત ફક્ત બીજા પ્રકારની હકીકતોનો જ ઉપયોગ કરી શકશે; કારણ કે નીચલી અદાલતમાં પુરવાર થયેલી હકીકતોને સ્વીકારવી જ જોઈએ, પરંતુ એમાંથી ઉત્પન્ન થતાં અનુમાનોમાં ફેરફાર સંભવી શકે છે. શું અનુમાન તારવવું એે જે તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ પર આધારિત હોય છે. પરિણામે વિકાસશીલ સમાજમાં વિવેકબુદ્ધિના સવાલો અને હકીકતના સવાલોનું સતત કાયદાના સવાલોમાં રૂપાંતર ચાલ્યા જ કરે છે અને કાયદાની રૂએ ન્યાયવિતરણ થાય છે. આ ઉપરાંત અનુમાનોમાંથી પણ હકીકતના સવાલો કાયદાના સવાલમાં પરિણમે છે અને હકીકતોની વિરુદ્ધનું અનુમાન પણ કાયદો કરી શકે છે; દા.ત., જે વ્યક્તિની ભાળ કે પત્તો અમુક વર્ષો સુધી (દા.ત., સાત વર્ષ સુધી) મળતાં નથી તે વ્યક્તિ છે જ નહીં એમ કાયદાનું અનુમાન છે. આવાં અનુમાનો(presumptions)ના પણ બે પ્રકારો છે : (1) પ્રીઝમ્પિશીયો જૂરિસ (presumptio juris) અને (2) ફિક્ટિશીયો જૂરિસ (fictitio jurris). આમાં પ્રથમ પ્રકારનાં અનુમાનોના ખંડનીયે અને અખંડનીય (rebutable and irrebutable) એમ બે વિભાગો છે. બીજા પ્રકારનાં અનુમાનો એ કાયદાએ કલ્પના કરેલાં અનુમાનો છે, જે હકીકતોથી વિરુદ્ધ પણ હોઈ શકે.

આમ અદાલત સમક્ષ ઉત્પન્ન થતા પ્રશ્નો હકીકતના હોય, કાયદાના હોય, કાયદો અને હકીકતના મિશ્ર પ્રશ્નો હોય અથવા તો વિવેકબુદ્ધિના (discretion) પ્રશ્નો હોય.

હકીકત કે તથ્યમાંથી અધિકાર ઉત્પન્ન થાય છે, તે બીજાને આપી શકાય છે અને તેનો નાશ પણ થાય છે. આ ર્દષ્ટિએ જોતાં હકીકતોના નીચે પ્રમાણેના પ્રકારો છે :

જે સ્થાપક હકીકતોથી અધિકાર પેદા થાય છે તેને નિયોજક (investitive) હકીકતો અને જેનાથી અધિકારનો નાશ થાય છે તેને વિયોજક (divestitive) હકીકતો કહે છે.

નિયોજક હકીકતો અને વિયોજક હકીકતોના બે બે પ્રકાર છે : નિયોજક હકીકતોમાં જે હકીકતોથી માલિકીહક મળે છે તેને મૌલિક (original) અધિકાર આપતી હકીકતો કહે છે અને જેનાથી તેવો અધિકાર બીજાને જાય છે તે હકીકતોને ગૌણ અધિકાર આપતી (derivative) હકીકતો કહે છે. વિયોજક હકીકતોમાં જેને લઈને એક અધિકારનું બીજી વ્યક્તિને સ્વત્વાર્પણ થાય તે હકીકતોને સ્વત્વાર્પણ કરતી (transfering) હકીકતો કહે છે અને જેનાથી અધિકાર નષ્ટ પામે તેને નાશકારી (extinctive) હકીકતો કહે છે. આમ મૌલિક અધિકાર નવા હકો પેદા કરે છે અને ગૌણ અધિકાર આપતી અને સ્વત્વાર્પણ કરતી હકીકતોથી હકોનું સ્વત્વાર્પણ થાય છે. સમાપ્તિ કરતી હકીકતોથી હકનો નાશ થાય છે. હકીકત પ્રાથમિક (primary) હોય અથવા ગૌણ (secondary) હોય. પ્રથમ પ્રકારની હકીકતને મૌખિક પુરાવાથી, દસ્તાવેજી પુરાવાથી અથવા અન્ય પ્રમાણભૂત (authentic) પુરાવાથી સાબિત કરી શકાય છે. બીજા પ્રકારની હકીકતોને પ્રાથમિક હકીકતોમાંથી તારવી કાઢવામાં આવે છે.

વિકાસશીલ સમાજમાં વિવેકબુદ્ધિ તથા હકીકતના સવાલોનું કાયદાના સવાલોમાં સતત રૂપાંતર થવાનું ચાલ્યા જ કરે છે.

ધીરુભાઈ અંબાલાલ દેસાઈ

હ. છ. ધોળકિયા

ભાનુપ્રસાદ મ. ગાંધી

મહેશ મ. દવે

બિપીન શુક્લ

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

રક્ષા મ. વ્યાસ